આંતરરાષ્ટ્રિય મહિલા દિવસની ઐસીતૈસી


તડકભડક : સૌરભ શાહ

(‘સંદેશ’, ‘સંસ્કાર’ પૂર્તિ, રવિવાર, ૮ માર્ચ ૨૦૨૦)

ભારતમાં સ્ત્રીશક્તિનું મહિમાગાન યુગોથી થતું આવ્યું છે. આપણી તમામ દેવીઓ પાસે પોતપોતાનાં હથિયાર છે જેના દ્વારા એમણે અસૂરોનો સંહાર કર્યો છે. કરાટે અને ટેક્‌વાન્ડોથી પ્રભાવિત થઈ જનારા આપણે ભારતીયો આપણી પરંપરાને ભૂલી જઈએ છીએ ત્યારે આપણને આઠમી માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનાં ગતકડાની ઉજવણી કરવાનું મન થાય છે. બાકીની દુનિયાએ આવી ઉજવણી કરવી પડે છે કારણ કે એમને ત્યાં યુગોથી સ્ત્રીને પગની જૂતી સમાન ગણવાની પ્રથા હતી. આપણે ત્યાં, જે ગ્રંથનું બદઈરાદાથી કેટલાક લોકો અપમાન કરે છે તે ગ્રંથ નામે મનુસ્મૃતિમાં હજારો વર્ષ પહેલાં લખાઈ ગયુંઃ યત્ર નાર્યસ્તુ પૂજયન્તે રમન્તે તત્ર દેવતાઃ જ્યાં સ્ત્રીઓની પૂજા થાય છે ત્યાં દેવતાઓ નિવાસ કરે છે.

આપણે ત્યાં હજારો વર્ષથી દેવતાઓ વસે છે. અર્થાત્‌ હજારો વર્ષથી નારી પૂજનીય ગણાય છે. પશ્ચિમના દેશોમાં કે ઇસ્લામિક બની ગયેલા દેશોમાં નારીનું સ્થાન થર્ડ ક્‌લાસ સિટિઝન જેવું હતું. સ્ત્રીની જુબાની અદાલતોમાં માન્ય નહોતી. સ્ત્રીઓને મતાધિકાર નહોતો. તમને જાણીને આશ્ચર્ય થશે કે આધુનિકતાની મોટે ઉપાડે વાતો કરતા અમેરિકામાં સ્વતંત્રતા મળ્યા પછી કેટલાય દાયકાઓ બાદ તથા સમાનતાની વાતો કરતા રશિયામાં રાજાશાહી સમાપ્ત થયાના દાયકાઓ બાદ સ્ત્રીને મત આપવાનો અધિકાર આપવામાં આવ્યો હતો. સ્વિત્ઝરલૅન્ડે તો છેક ૧૯૭૧માં સ્ત્રીઓને મતાધિકાર આપ્યો.

ભારતને સ્વતંત્રતા મળી એ જ ઘડીથી, ૧૯૪૭થી સ્ત્રીઓને મતાધિકાર મળ્યો. આ છે ભારત અને એ છે બાકીની દુનિયા. અમને વળી શું શીખવાડવાનું તમારે – સ્ત્રીઓના હક્કની બાબતમાં. અને એ લોકોના દેશોમાં તો સ્ત્રીઓએ દેખાવો કર્યા, ચળવળો ચલાવી ત્યારે એમને મતાધિકાર મળ્યો.

પરદેશમાં સ્ત્રીઓએ જે ઝૂંટવીને લેવું પડતું હોય છે તે આપણા દેશમાં સ્ત્રીઓને સહજતાપૂર્વક પ્રાપ્ત થયેલું છે. લેફ્‌ટિસ્ટ પ્રચારના ઝાંસામાં આવી જઈને ભારતમાં સ્ત્રીઓ પર કેવા અત્યાચારો થાય છે, સ્ત્રીઓએ ઘૂંઘટમાં રહેવું પડે છે વગેરે સાંભળીને આપણે આપણી જાતને ચાબખા મારવાની જરૂર નથી. લેફ્‌ટિસ્ટોને એવું કહેવાની પણ જરૂર નથી કે શું તમે ઇસ્લામિક કન્ટ્રીઝમાં જઈને બુરખાપ્રથા વિરુદ્ધ બોલી શકવાના છો? દરેક કલ્ચરને પોતપોતાની પ્રથાઓ હોય, એને રિસ્પેક્‌ટ કરવાની.

ભારતમાં સ્ત્રીઓનું સ્થાન, સ્ત્રીઓની જવાબદારી તથા સ્ત્રીઓના હક્ક વિશે બહારથી આવેલા લોકોએ જે કુપ્રચાર કર્યો તેનાથી આપણે ભરમાયેલા છીએ. એ દેશોએ વીસમી સદીમાં યુદ્ધો લડ્યાં જેને કારણે ઘરઆંગણે ઉત્પાદન વધારવાની જરૂર પડી. સ્ત્રીઓએ ઘરની બહાર નીકળીને કામ કરવું પડ્યું. આપણે વર્લ્ડ વૉર વન કે ટુના સ્વાર્થી સંગ્રામોમાં જોડાયા નથી. આપણે ત્યાં એવી કોઈ જરૂર નહોતી. અગાઉના જમાનામાં જે આક્રમણો ભારત પર થયાં તે વખતે સ્ત્રીઓએ ઘરમાં રહીને પોતાની ફરજો નિભાવી. અમેરિકા-બ્રિટન વગેરેની પ્રજા બચત કરવાને બદલે આગોતરા ખર્ચ કરવામાં માનતી થઈ. ક્રેડિટ કાર્ડ અને લોનનાં બિલો ભરવા માટે કુટુંબે વધારાની આવકો ઊભી કરવી પડતી. પુરુષ ઓવર ટાઈમ કરે તોય પહોંચી ન વળે. સ્ત્રીએ બહાર નીકળીને વૈતરું કરવા જોતરાવું પડ્યું જેની સીધી અસર પરિવારની સુખાકારી પર પડી. પતિ-પત્ની એકબીજાથી દૂર થતાં ગયાં અને બાળકો નોંધરા બની ગયા. ‘ડિન્ક’ નામનું શોર્ટફૉર્મ પ્રચલિત થયું. ડબલ ઈન્કમ નો કિડ. બેઉ જણ કમાય અને છોકરું પેદા ન કરે. સામાજિક જીવન સાવ ખોરવાઈ ગયું.

કોરોનાવાયરસની જેમ આ ચેપ પણ ભારતમાં આવ્યો. જે સ્ત્રી નોકરી ધંધો કરવા માટે ઘરની બહાર જાય તે જ પ્રોગ્રેસિવ, જે સ્ત્રી ગૃહિણી બનીને ઘર સાચવે, બાળકોને ઉછેરે, પતિ-સાસુ-સસરાની સેવા કરે તે જૂનવાણી અવી એક તદ્દન ખોટી મેન્ટાલિટી સમાજને ગ્રસી ગઈ. જે સ્ત્રીઓ ખેતરમાં કામ કરે છે, શાક વેચે છે, દુકાનો ચલાવે છે, ગૃહઉદ્યોગની ચીજવસ્તુઓના વ્યાપારમાં છે કે પછી જે સ્ત્રીઓ ભણીગણીને બેન્કોમાં નોકરી કરે છે, સીએ-ડૉક્‌ટર-કૉમ્પ્યુટર એંજિનિયર બને છે, સંરક્ષણ ક્ષેત્રમાં જોડાય છે તે બધી જ સ્ત્રીઓને આપણા સમાજે આદરણીય ગણી જ છે. એમનું સન્માન કર્યું જ છે. એમના માટે ગૌરવ લીધું જ છે. આ સ્ત્રીઓ જેટલી આદરણીય છે એટલી જ પૂજનીય એ સ્ત્રીઓ પણ છે જે ‘ગૃહિણી’ના નામે ઓળખાય છે. પણ પશ્ચિમ જગતની દેખાદેખી કરીને આપણે કંઈક એવો માહોલ બનાવી દીધો છે કે જે ઘરમાં રહીને પતિના કામકાજમાં મદદ કરતી હોય, ઘરનું સંચાલન કરતી હોય, કુટુંબના સભ્યો તથા મહેમાનોની સરભરા માટે પોતાની શક્તિઓ ખર્ચતી હોય તે સ્ત્રીઓ ઘરની બહાર નીકળીને નોકરી-વ્યવસાય કે બિઝનેસ કરતી સ્ત્રીઓ કરતાં નીચી ગણાય. આ મેન્ટાલિટી બદલવાની જરૂર છે. ગૃહિણીઓનો માનમરતબો કંપનીના સી.ઈ.ઓ. જેટલો જ હોવો જોઈએ તે સમજવાની જરૂર છે – વેસ્ટનું અનુકરણ બહુ થયું. સ્ત્રીઓને સ્વતંત્રતા મળવી જોઈએ – એમણે નોકરી કરવી છે કે ગૃહિણી બનવું છે – એની સ્વતંત્રતા.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી પેલા લોકો છો કરે, આપણે કરવાની જરૂર નથી. આપણા માટે જે વાતો આપણા રોજિંદા જીવનમાં વણાઈ ચૂકી છે – યુગોથી – વરસના દરેકે દરેક દિવસ અને દિવસના દરેકે દરેક કલાક જેનો અહેસાસ આપણે કરીએ છીએ તે એ લોકો માટે માટે વરસના વચલે દહાડે ઉજવવા જેવા તહેવારો છે. મધર્સ ડેના દેખાડા એ લોકોએ કરવા પડે છે. આપણે તો રોજ સવારે ઊઠીને માબાપને પગે લાગીએ છીએ. સ્વર્ગસ્થ હોય તો એમની સ્મૃતિને વંદન કરીએ છીએ. ૮મી માર્ચના દિવસનું મહિમાગાન આપણે યુગોથી રોજેરોજના જીવનમાં કરતા આવ્યા છીએ.

પણ આવા ફિતૂરની આડાસરો જોઈ તમે? ‘પુરુષ સમોવડી’ બનવાના અભરખામાં કેટલીય છોકરીઓ સિગરેટ પીતી થઈ ગઈ, દારૂ પીતી થઈ ગઈ. અમને યાદ છે કે મુંબઈની સિડનહૅમ કૉલેજની કૅન્ટીનમાં એક જમાનામાં મિસ ઈન્ડિયાની કૉન્ટેસ્ટમાં ભાગ લેનારી નયના બલસાવરને સિગરેટ પીતાં જોઈ ત્યારે અમે ખુદ સ્મોકર હોવા છતાં ચક્કર ખાઈને ગબડી પડ્યા હતા. આજે અમે જ્યારે સ્મોકિંગની ખતરનાક અસરો વિશે જાણ્યા પછી ધૂમ્રપાનને સદંતર તિલાંજલિ આપી દીધી છે ત્યારે અમારા ઘરની નીચે સ્ટારબક્‌સની બહાર ઊભાં ઊભાં નજીકની સ્કૂલ-કૉલેજની છોકરીઓને કે પછી આજુબાજુના બીપીઓમાં દિવસરાત પ્રામાણિક મહેનત કરતી યુવતીઓને સિગરેટ પર સિગરેટ પીતાં જોઈને ફરી ચક્કર આવવા માંડે છે. દારૂનો નશો ખોટી ચીજ છે. પુરુષો કરે તો પણ ખોટું જ છે. પુરુષસમોવડી બનવા માટે આ છોકરીઓ-સ્ત્રીઓ ચડસાચડસીમાં પુરુષો કરતાં વધુ નશો કરવામાં ગૌરવ અનુભવતી થઈ ગઈ છે. બાય ધ વે, તમને ખબર છે કે આપણા વડા પ્રધાન પીતા નથી. પણ શું તમને એ ખબર છે કે અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ પણ પીતા નથી! (એમનો મોટોભાઈ ૪૦ વર્ષની ઉંમરે આલ્કોહોલિક હોવાને કારણે ગુજરી ગયો હતો).

ફેમિનિઝમ અને વુમન એમ્પાવરમેન્ટના રવાડે ચડીને મોટી પળોજણ શું સર્જાઈ છે, જાણો છો તમે? આપણે આપણી દીકરીઓને ઉચ્ચ શિક્ષણ આપતાં થયાં, કરિયરમાં આગળ વધે એ માટે પ્રોત્સાહન આપતા થયા. આટલે સુધી તો સારું જ થયું. દીકરીઓને ઉચ્ચ શિક્ષણ અને ઉચ્ચ કરિયર માટે પ્રોત્સાહન આપવું જ જોઈએ. પણ પછી એ જ દીકરી પાસે અપેક્ષા રાખતાં થઈ ગયા કે સારું પાત્ર શોધીને ઘરસંસાર માંડે, બાળકો પેદા કરીને માતૃત્વનો મહિમા જાળવે અને પતિ સાથે સુખેથી જીવે. જે માબાપોએ જે દીકરીને નાનપણથી ઉચ્ચ શિક્ષણ પામીને પાયલોટ વગેરે બનવાનાં સપનાં દેખાડ્યાં છે એ માબાપોએ દીકરીને ઘર કેવી રીતે સંભાળવું, છોકરાં કેવી રીતે સાચવવા, પતિ સાથે કેવી રીતે રહેવું, રસોઈ કેવી રીતે બનાવવી એના સંસ્કાર આપ્યા જ નથી. આવા સંસ્કાર ન આપ્યા હોય તો કશું ખોટું પણ નથી. પરંતુ એ જ માબાપો દીકરી મોટી થઈ ગયા પછી એવી આશા રાખે કે જેની ટ્રેનિંગ એને નથી મળી એવી જિંદગી પણ જીવતી થઈ જાય તો એ ઘણો મોટો અન્યાય છે દીકરી માટે. ભણીગણીને કરિયરમાં ખૂંપી જતી દીકરી આદર્શ પત્ની તરીકે ઘર પણ સંભાળે એવો કોઈ આગ્રહ ન રાખવો જોઈએ, એવી આશા પણ ન હોવી જોઈએ. ઘર ચલાવવું અને કરિયર બનાવવી એ બેઉ ફુલ ફુલફ્‌લેજેડ જવાબદારીઓ છે. દહીંમાં અને દૂધમાં પગ રાખવા માગનારાઓ આ બંનેમાંથી કોઈ જવાબદારી સરખી રીતે નિભાવી શકવાના નથી. અને આ બેઉ જવાબદારીઓમાં કચાશો રહી જાય ત્યારે થીંગડાં મારીને ચલાવી લેવું પડે તો પછી ફરિયાદો નહીં કરવાની કે એકબીજાનો વાંક નહીં કાઢવાનો. વીમેન એમ્પાવરમેન્ટના પાઠ ભણાવતી વખતે સમાજશાસ્ત્ર એ કુટુંબશાસ્ત્રમાં ઉમેરાયેલી આ એક નવી વાતથી અવગત કરાવવાની ખૂબ જરૂર છે – દીકરીઓને તેમજ દીકરાઓને પણ. કરિયરમાં ખૂબ આગળ આવવા માગતા દીકરાઓ પોતાના ઘરને – કુટુંબને અન્યાય કરવાના જ છે. એમની પાસે પત્ની-બાળકો માટે પૂરતો સમય નથી રહેવાનો. આ વાત દીકરીઓને સમજાવવાની જરૂર છે એમ દીકરાઓને પણ પેરેન્ટ્સે સમજાવી દેવી જોઈએ – એમની ટીન એજમાં જ.

‘સ્ત્રી સમાનતા’, ‘વીમેન્સ લિબરેશન’, વીમેન એમ્પાવરમેન્ટ’ કે ‘ફેમિનિઝમ’ આ બધી ટર્મિનોલોજીની આપણે કોઈ જરૂર નથી કારણ કે આપણે ત્યાં આ બધું ઑલરેડી છે. જ્યાં નથી ત્યાંના લોકો ભલે આ બધી નારાબાજીઓ કરે. તમે ભોજનમાં પૂરતા પ્રમાણમાં શાક, કઠોળ, અનાજ, ફળ વગેરે લેતા હો તો તમારે વિટામિનની ગોળીઓ ખાવાની કોઈ જરૂર નથી હોતી. જેમનું ભોજન આ બધાંનો નિયમિત સમાવેશ નથી કરતું એમને ભલે આ કૃત્રિમ વિટામિનોના રવાડે ચડાવવામાં આવતા. આપણે શું? ભોગ એમના!

દુનિયામાં ફેમિનિઝમના રવાડે ચડીને પુરુષોને નિસ્તેજ, નિર્બળ બનાવવાની હરીફાઈ ચાલી છે. શરીરશાસ્ત્ર કહે છે કે સ્ત્રીઓ મજબૂત પુરુષો ઈચ્છે છે. ફેમિનિઝમની ઝુંબેશ નિર્બળ પુરુષો પેદા કરે છે. પુરુષોને પોતાને સાચવતી, ઘરની શોભા વધારતી, બાળકોમાં સંસ્કારનું સિંચન કરતી અને કુટુંબનું ગૌરવ વધારતી સ્ત્રીઓ ગમતી હોય છે. ફેમિનિઝમની ઝુંબેશ આવી સ્ત્રીઓને ગમાર, જૂનવાણી અને પછાત ગણીને ઉતારી પાડતી હોય છે.

૮મી માર્ચનો ઈન્ટરનૅશનલ વીમેન્સ ડે સ્ત્રીઓને વધુ શક્તિશાળી બનાવવા માટે ઉજવાય છે કે પછાત બનાવવા માટે? વિચાર કરજો. અને જણાવજો.

પાન બનાર્સવાલા

કાર્યેષુ મંત્રી,
કરણેષુ દાસી,
ભોજ્યેષુ માતા,
શયનેષુ રમ્ભા.
ધર્માનુકૂલા ક્ષમયા ધરિત્રી,
ભાર્યા ચ ષાડ્‌ગુણ્યવતીહ દુર્લભા.
(ગરુડ પુરાણ, પૂર્વ ખંડ, આચાર કાંડ ૬૪/૬)
કામકાજ વખતે મંત્રી,
ગૃહકાર્ય વખતે દાસી,
ભોજન વખતે માતા,
રતિ વખતે રમ્ભા,
ધર્મ વખતે સાનુકૂળ
ક્ષમા વખતે ધરિત્રી (પૃથ્વી).
આ છએય ગુણો જેનામાં હોય
એવી પત્ની મળવી દુર્લભ હોય છે.

11 COMMENTS

  1. Great message. ઉચ્ચ શિક્ષણ થી કુટુંબ ભંગ, અલગ રહેવૂ ના કલ્ચર વધતું જાય છે. હાયર ભણતર સંતાન સુખ નથી અથવા એક જ ચાહે છે. જે આપણા માટે ⚠ રેડ સિગ્નલ છે…

  2. Mast article sir..haju ganu che apdi pase je dunya joine chakar khai jai pan apde potane bhuli gya che.sir bharat vigyan ma agad hatu tau pachad km thai gyu aena par thai tau artice lakjjo ne.

  3. Commenting on your article – I would add one more thing, a woman is the best teacher for her child. Forget being equal, she is better than man at times.

  4. ખુબજ સરસ અને સાચી વાત કરી છે સર. પુરુષ સમોવડી બનવાની હોડ માં સ્ત્રીત્વ ન ગુમાવી બેસાય તે સમજવું જરૂરી છે. અભિનંદન.

  5. Dharti mata ne Vasundhara aapni Sanskruti ma kahhe chhe. Puraan kaal thi naari ne shakti swaroop tarike aapne poojiyue chhie. Itihaas ma Jijamata, Raani Drugawati, Rani Ahilybai Holkar, Rani Tarabai, Chennma Kittur, Rani Laxmibai eva ashnkhya naam lai sakaya.

  6. Sir,
    I am a woman. Your article is an eye opener. I don’t know how many women will support this article , but I surely will. Especially that smoking and drinking part, I completely agree. Yes, feminism movement has started diminishing the value of a man. The men today are incapable of taking their own decisions and take pride in leaving it to their sister or mother or wife. I have myself tried correcting so many women colleagues to give up on smoking, drinking or trying to act like a man, but I guess this feminism talks has brainwashed them completely. In fact so many serials or movies today take pride in showing a man as weak and dumb which further bolsters such women . Hopefully, times would change before this imbalance created in society leads to a dangerous situation of point of no return

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here