નમસ્તે અને કોરોના વાયરસ

એક નાનકડી વાત: સૌરભ શાહ
(newspremi.com, ગુરુવાર, ૫ માર્ચ ૨૦૨૦)

કોરોના વાયરસ આજે છે, કાલે નહીં હોય. આ સંક્રમણને કારણે હાથ મેળવવાને બદલે નમસ્તે કરવાનો જે વાયરો દુનિયાભરમાં શરુ થયો છે તે ભારતની હજારો વર્ષ જૂની સંસ્કૃતિની દેણ છે.

ૠગ્વેદમાં ( ૧૦–૮૫–૨૨ અને ૮-૭૫–૧૦૦), અથર્વવેદમાં ( ૬–૧૩–૨) તથા તૈતેરિય સંહિતામાં ( ૨–૬–૧૧-૨)માં ‘નમસ્તે’ના ઉલ્લેખો છે. મહાભારતમાં તો છે જ.

કોરોના વાયરસથી બચવા વિશ્વની વિવિધ પ્રજાઓએ શેક હૅન્ડ કરવાનું છોડી દીધું છે. જર્મનીના ચાન્સેલર( રાષ્ટ્રપ્રમુખ) એન્જેલા મર્કેલ હમણાં કોઈ મીટિંગમાં ગયા ત્યારે એમના ડેપ્યુટીએ અભિવાદન કરવા હાથ લાંબો કર્યો ત્યારે એન્જેલાજીએ પણ આદતવશ હાથ લંબાવ્યો પણ પછી તરત જ પાછો ખેંચીને હસતાં હસતાં બેઉ હાથ હલાવીને ‘મઝામાં છો ને?’ એવી મુદ્રા સાથે દૂરથી જ અભિવાદન સ્વીકાર્યું. ફ્રાન્સમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે કે હવે અભિવાદન કરવા માટે એકબીજા સાથે ગાલ ઘસીને મુવ્આ મુવ્આ કરવાનું બંધ કરો. આ સાંભળીને કેટલાક ડાહ્યાઓએ એકબીજા સાથે કોણી ટકરાવવાનું શરૂ કર્યું તો ચીનમાં બે જણ પોતાનો એક પગ અધ્ધર કરીને સામસામે શૂઝ ટકરાવીને અભિવાદન કરતા થઈ ગયા છે. ઈઝરાયલના વડા બેન્જામિન નેતન્યાહુએ એક પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું કે હવે શેક હૅન્ડની જગ્યાએ ભારતની જેમ નમસ્તે કરવાનું શરૂ કરો.

બે હાથને છાતી નજીક લાવીને જોડતી વખતે માથું નમાવીએ છીએ ત્યારે નમસ્તે થાય છે. પહેલા ધોરણની ચોપડીમાં જોડાક્ષર વિનાનાં વાક્યો શીખવાડવામાં આવે છે ત્યારે પહેલું વાક્ય હોય છે: મનન નમન કર.

નમસ્તે, નમન, વંદન અને પ્રણામની આપણી સંસ્કૃતિમાં જેમ જેમ આદર આપવાની તીવ્રતામાં ઉમેરો થતો જાય છે તેમ તેમ માથું નમાવવાથી માંડીને કમરથી વળીને ચરણ સ્પર્શ કરવા સુધીના તબક્કાઓ ઉમેરાતા જાય છે. સૌથી ટોચનો તબક્કો સાષ્ટાંગ દંડવત્‌ છે જે ભગવાન માટે તેમ જ ભગવાન સમાન ગુરુજન માટે અનામત છે. સ્વામી રામદેવ પૂજ્ય મોરારિબાપુને જાહેર મંચ પર સાષ્ટાંગ દંડવત્‌ કરી રહ્યા છે એવો વીડિયો યુટ્યુબ પર સર્ચ કરવાથી મળશે.

પહેલાં બે ઘૂંટણ પર બેસીને નીચા વળીને બે હાથ જમીન પર ટેકવવા, પછી બે પગના સહારે છાતી તથા કપાળને જમીન સાથે અડકાડીને આદર વ્યક્ત કરવો – બે હાથ, બે પગ, બે ઘૂંટણ અને છાતી તથા કપાળ – આઠે અંગ સહિત પ્રણામ કરીએ ત્યારે સાષ્ટાંગ દંડવત્‌ થાય. આ મુદ્રામાં સામેની પૂજનીય વ્યક્તિને આપણે આપણાં મન, વાચા, દૄષ્ટિ, મતિ, હ્રદયની લાગણી, કર્મ, શરીર તથા અત્યાર સુધી જીવાઈ ગયેલા સમગ્ર અસ્તિત્વનું સમર્પણ કરી દેવાનો ભાવ વ્યક્ત કરીએ છીએ.

ચીન અને ઈરાનમાં કોરોના વાયરસથી મૃત્યુ પામેલાઓને દફન કરવાને બદલે અગ્નિદાહ આપવામાં આવે છે. આપણી સંસ્કૃતિએ છેક જટાયુના અગ્નિસંસ્કાર ભગવાન રામે કર્યા ત્યારથી આ પ્રકારે થતી અંતિમવિધિ અપનાવી છે.

ભારત વિશ્વગુરુ હતું, છે અને રહેશે.

• • • • •

4 COMMENTS

  1. Mahesh Sanghavi from Sion…. સમય ને અનુરૂપ વાત છે… કોઈ પણ એક નિર્ણય લેવો જોઈએ.. અથવા તો જૈન આયંબીલ કરવા જોઇએ

  2. શાસ્ત્રો માં સાચું જ કહ્યું છે લંગનમ્ પરમ ઔષધમ્.
    ઉપવાસ શરીર ને નવ પ્રફુલ્લ કરવા માટે ની રામબાણ દવા છે. પાચન તંત્ર ને આરામ . જ્યુસ કે ફળાહાર કરવા થી આંતરડાને પાચન કરવા ઓછી મહેનત પડે છે. કબજિયાત દૂર થાય છે. વરસો નો આંતરડા માં ભરાયેલ કચરો સાહજિકતાથી થી દૂર થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here