સેલ્ફ કૉન્ફિડન્સ કેળવતાં પહેલાં: સૌરભ શાહ

(વિલ પાવર સિરીઝનો પાંચમો હપતો)
(ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ, બુધવાર, 16 સપ્ટેમ્બર 2020)

આપણે સેલ્ફ કૉન્ફિડન્સ આપણામાં કેળવાઈને કેવી રીતે કાયમ માટે સ્થપાઈને રહે એની વાત કરતા હતા. પણ ત્યાં સુધી જતાં પહેલાં કેટલીક પાયાની વાતો કરી લેવી જરૂરી છે. દેખીતી રીતે આને સેલ્ફ કૉન્ફિડન્સ સાથે કોઈ લેવાદેવા નથી એવું તમને લાગે. પણ હકીકત એ છે કે જ્યાં સુધી આ રનવે તમે બનાવ્યો નહીં હોય ત્યાં સુધી તમારું પ્લેન ટેકઑફ નહીં કરી શકે.

તમારી લાઈફ જો લઘરવઘર હશે તો આવી રહ્યો તમારામાં સેલ્ફ કૉન્ફિડન્સ. ધૂની કે બહારથી અસ્તવ્યસ્ત દેખાતા ક્રિએટિવ જિનિયસો કપડાં પરથી કે દેખાવ પરથી તમને ભલે લઘરવઘર લાગે પણ એમના જીવનમાં જરા ઊંડે ઊતરીને જોશો તો ખબર પડશે કે વાસ્તવમાં આ એમનો લૂક છે, બાહરી દેખાવ માત્ર છે. હકીકતમાં એમની જિંદગી ઘણી જ ડિસિપ્લિન્ડ હોવાની. માટે અસ્તવ્યસ્ત દેખાતા ક્રિએટિવ જિનિયસોથી પ્રભાવિત થઈને તમારી પોતાની જિંદગી ડૂચા જેવી કરી નાખવાની જરૂર નથી. ઈન ફેક્ટ જો તમારી જિંદગી એવી હોય, એટલે કે ડૂચા જેવી હોય તો એને શિસ્તબદ્ધ બનાવવાનું યુદ્ધના ધોરણે શરૂ કરી દો. કઈ રીતે?

અહીં રનવે તૈયાર કરવા માટેની કેટલીક ટિપ્સ છે. ટેઈક ઑફ લેવાની વાતો એ પછી આવશે.

1. રાત્રે વહેલા જે સૂઈ, વહેલા ઊઠે વીર વગેરે વગેરે તમે નાનપણથી સાંભળતા આવ્યા છો. બ્રાહ્મમુહૂર્તમાં ઊઠવાના ફાયદાઓ વિશે શાસ્ત્રોમાં લખ્યું છે ને સાચું જ લખ્યું છે. પણ આજની મૉડર્ન લાઈફમાં જો તમે રોજેરોજ સાંજના છ વાગ્યે વાળુ કરીને મોડામાં મોડા નવ વાગ્યે સૂઈ જઈ શકો તો જ સવારના સૂરજ ઊગે એના દોઢ કલાક પહેલાં, બ્રાહ્મમુહૂર્તમાં, જાગી શકો. જેમનાથી આવી નિયમિતતા જળવાતી હોય (અને જેઓ ભરપૂર પ્રવૃત્તિમય જીવન ગાળતા હોય, નિવૃત્તિ પછીની ઉંમરની વાત નથી) એમને આવી શિસ્તબદ્ધતા બદલ અમારા સાષ્ટાંગ દંવડત પ્રણામ પણ જેઓ એવું ન કરી શકતા હોય એમણે એટલું જ તો કરવું જ જોઈએ કે રોજ રાત્રે સૂવાનો અને સવારે ઊઠવાનો સમય નિશ્ચિત હોય. સેલ્ફ કૉન્ફિડન્સ મેળવવા માટે આ એક વાત બહુ જરૂરી છે કે તમને તમારામાં વિશ્વાસ હોવો જોઈએ કે તમે તમારા જીવનની જે સૌથી કિંમતી ચીજ છે તેનો-સમયનો વેડફાટ નથી કરી રહ્યા. સમયનો સદુપયોગ કરવાનું પહેલું પગથિયું છે નિદ્રાના કલાકોને નક્કી કરી નાખવાના.

2. તમે ઘરમાં હો, કામ પર હો કે પછી વેકેશન પર હો – કોઈને કારણે તમારું કૉન્સન્ટ્રેશન વારંવાર તૂટ્યા કરે એવી પરિસ્થિતિને સર્જાતાં રોકવાનો પ્રયાસ કરવો. એક તો સેલફોન બહુ જ ડિસ્ટર્બિંગ ભૂત છે. એવું ભૂત જે વેતાળ જેમ વિક્રમની પીઠ પરથી નહોતો ઊતરતો એવી રીતે આ સેલફોન ઘડીભર તમારા હાથમાંથી દૂર થતો નથી. એને સાયલન્ટ પર રાખો. તમારો તાત્કાલિક સંપર્ક નહીં થાય તો દુનિયા અટકી જવાની નથી. રિંગ વાગે કે તરત ફોન ઉપાડવાની તમારી ફરજ નથી કારણ કે ફોન કરનારી વ્યક્તિના પગારપત્રક પર તમે નથી. અને ખરેખર જો એવું હોય તો પણ તમને હક છે તમારી પ્રાઈવેટ મોમેન્ટ્સ પર. તમે જે કામ હાથમાં લીધું છે તેને ખલેલ વિના પૂરું કરવાનો તમને હક છે, તમારી ફરજ પણ છે. ઘરમાં હો ત્યારે પત્ની, પાડોશી કે બાળકો ગમે તે સમયે ટપકી પડે અને તમારી સાથે ગપ્પાં લડાવવાનું શરૂ કરી દે ત્યારે તમારું કૉન્સન્ટ્રેશન ખોરવાઈ જતું હોય છે. તમે કશું કામ નથી કરતા એનો મતલબ એ નથી કે કોઈપણ આવીને તમને ખલેલ પહોંચાડે – પછી એ પત્ની, બાળકો કે મા-બાપ પણ કેમ ન હોય. આરામ માટે પણ કૉન્સન્ટ્રેશન જરૂરી હોય છે. આરામ એટલે તળાવના શાંત જળ જેવી મનોસ્થિતિ. એમાં તમારી પરવાનગી વગર શું કામ કોઈ કાંકરી નાખીને વલયો સર્જી જાય.

કામ પર તો ખરું જ કે કોઈ કરતાં કોઈ તમને ડિસ્ટર્બ ન કરે. જિંદગી જીવવાનો આ તરીકો પહેલાં શીખો, કૉન્સન્ટ્રેશનથી જીવતાં શીખો, પછી સેલ્ફ કૉન્ફિડન્સ કેળવવાની વાત કરો.

3. ઘરમાં હો કે બહાર, કપડાં સુઘડ, સ્વચ્છ અને આકર્ષક લાગે એવાં પહેરો. તમારા વ્યક્તિત્વને ઓપ આપે એવા પહેરો. કામ પર જતી વખતે તો અપ-ટુ-ડેટ રહો જ, ઘરમાં પણ ફાટેલું ગંજી અને ટૂંકો લેંઘો પહેરવાની આદત જો હોય તો છોડી દો. નાનપણમાં હું જોતો કે મારા કાકા (પપ્પાના સગા નાના ભાઈ) સીએનું ભણવા અમારી સાથે રહેતા હતા ત્યારે સૂતી વખતે ઈસ્ત્રીવાળો લેંઘો-ઝભ્ભો પહેરતા અને માથું ઓળીને સૂઈ જતા. (છએક મહિના પહેલાં કોરોનામાં એમનું અવસાન થયું. બાકી પચાસ વર્ષથી એ ન્યૂયોર્કમાં હતા, ત્યાંના વૈભવી લત્તામાં બંગલો છે, મોંઘી ગાડીઓ છે, જીવનનાં પાછલા વર્ષોમાં કામકાજમાંથી નિવૃત્તિ લઈને શ્રીમંત અમેરિકનોને જ પોસાય એવી ક્લબમાં નિયમિત ગોલ્ફ રમવાનો શોખ રાખતા.) વેલ ગ્રુમ્ડ હોવું અને ચોવીસે કલાક વેલ ગ્રુમ્ડ રહેવું (રાત્રે સૂતી વખતે પણ) એ વાત તમારામાં સેલ્ફ કૉન્ફિડન્સ કેળવાય તે પહેલાં જીવનમાં વણાઈ જવી જોઈએ.

4. તમારા મૂડમાં ચડાવ-ઉતરાવ આવ્યા કરવાનો. સ્ત્રીઓને તો મહિનાના અમુક ચોક્કસ દિવસોમાં મૂડ સ્વિંગ્સ આવતા જ હોય છે. પુરૂષોમાં પણ ક્યાંક કોઈક રીતની એવી બાયો રિધમ હોવાની કે અમુક દિવસોમાં તમે વગર કારણે ચીડચીડા થઈ જાઓ અને અમુક દિવસોમાં વગર લેવેદેવે તમને આજકાલ પાંવ ઝમીં પર નહીં પડતે મેરે ગાવાનું મન થયા કરે. રોજ તમે તમારી રીતે તમારા કલ્પનાના થર્મોમીટરથી નક્કી કરી લો કે આજે તમારો મૂડ કેવો છે. જેવો હોય એવો. પણ એનું રિફલેક્શન ઘરમાં કે કામની જગ્યાએ બીજાઓ પર ન પડવું જોઈએ. ત્યાં તમારે તમારા ખરાબ (કે ઈવન સારા) મૂડને કંટ્રોલમાં રાખીને બધાની સાથે વર્તવું જોઈએ. કામની જગ્યાએ તો ખાસ. કેન યુ ઈમેજિન કે આપણા પીએમ જ્યારે શી જિન-પિંગને મળવા જતા હોય ત્યારે ખરાબ મૂડમાં હોય ને ડૉનાલ્ડ ટ્રમ્પને મળવા જતા હોય ત્યારે મૂડમાં હોય? સાહેબ માટે ચોવીસે કલાક, ત્રણસોને પાંસઠ દિવસ એકસરખો જ મૂડ રહેવાનો. પર્સનલ મૂડ સ્વિંગ્સ એમની લાઈફમાં પણ આવતા હશે, કારણ કે એમનું શરીર પણ કુદરતની બાયોરિધમને આધીન હોવાનું. પણ એ ચડાવ-ઉતરાવની અસર બીજી વ્યક્તિઓ સુધી ન પહોંચે એવી શિસ્ત એમણે વર્ષોથી કેળવી હશે. ત્યારે જ તો એ અહીં સુધી પહોંચ્યા. આપણે ભલે ત્યાં સુધી નથી પહોંચવું પણ જ્યાં છીએ ત્યાં સારી રીતે રહેવું હોય તો સેલ્ફ કૉન્ફિડન્સનું વિમાન ટેક ઑફ થાય તે પહેલાંના આ રન-વે પર મૂડના ચડાવ-ઉતરાવને કાબૂમાં લઈ લેવો પડે.

હજુ બીજ થોડીક વાતો બાકી છે – રન-વે તૈયાર કરવા વિશેની. આવતી કાલે એ વાતો કરીને ટેઈક ઑફ લઈએ.

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને સપોર્ટ કરવા માટેની અપીલ : સૌરભ શાહ

પ્રિય વાચકો,

ગુજરાતી ભાષાના સૌથી વધુ વંચાતા, વખણાતા અને ચર્ચાતા લેખક-પત્રકારોમાંના એક સૌરભ શાહ તમને રોજ ‘ન્યુઝપ્રેમી’ દ્વારા મળે છે.

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના ચાલતું સ્વતંત્ર, તથા કોઈનીય સાડીબારી ન રાખતું ડિજિટલ મિડિયા છે અને એટલે એ ભરોસાપાત્ર છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા પ્લેટફૉર્મને અડીખમ રાખવા તમારા સપોર્ટની જરૂર છે.

‘ધ ક્વિન્ટ’, ‘ધ પ્રિન્ટ’, ‘ધ વાયર’, ‘સ્ક્રોલ’ કે બીજાં ડઝનેક તોતિંગ અંગ્રેજી ડિજિટલ મિડિયા કરોડો રૂપિયાનું ફંડિંગ ઉભું કરીને પોતાના એજન્ડાને— કામકાજને આગળ વધારી રહ્યા છે. ‘ન્યુઝપ્રેમી’ આવી રીતે કામકાજ કરવામાં માનતું નથી. ઇન્વેસ્ટર્સ પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા પછી અમુક મિડિયા કરોડરજ્જુ વિનાનાં બની જતાં હોય છે. ઇન્વેસ્ટરોનો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવાથી સચવાતો હોય ત્યારે મિડિયાએ પણ વાચકોનો દ્રોહ કરીને, વાચકોને ઊંધા રવાડે ચડાવીને એન્ટી-નેશનલ ન્યુઝ અને એન્ટી-નેશનલ વ્યુઝ આપવાની પ્રવૃત્તિમાં જોરશોરથી ભાગ લેવો પડતો હોય છે.

આ જ કારણોસર ‘ન્યુઝપ્રેમી’માં જાહેરખબરો પણ ઉઘરાવવામાં નથી આવતી. જે ઘડીએ એડવર્ટાઇઝરના વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ન જળવાય એ જ ઘડીએ કાં તો તમારો હાથ આમળીને તમારી પાસે તેઓ પોતાનું ધાર્યું કરાવતા થઈ જાય અને વાચકો ગેરમાર્ગે દોરવાઈ જાય, કાં પછી તમારી નૌકાને મધદરિયે હાલકડોલક કરીને ડુબાડી દેવાની ધમકી આપવામાં આવે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મીસમા સૌરભ શાહ દ્વારા 24×7 થઈ રહી છે. ( એક વાચકે ‘ વન કેન’—one pen, one man, one can—નું બિરૂદ આપ્યું છે. કોઈ એક લેખની કમેન્ટમાં છે.)

‘ન્યુઝપ્રેમી’નું લેખન-સંપાદન તથા એની સાજસજ્જા મુંબઈમાં થાય છે. ટાઇપસેટિંગ ભાવનગર અને અમદાવાદમાં થાય છે. ‘ન્યુઝપ્રેમી’ના એડમિનિસ્ટ્રેશનની જવાબદારી પૂણેથી નિભાવવામાં આવે છે અને ‘ન્યુઝપ્રેમી’ને ટેક્નિકલ સપોર્ટ બેંગ્લોર સ્થિત ગુજરાતી ટેકનોક્રેટ આપે છે. ‘ન્યુઝપ્રેમી’ની હિન્દી આવૃત્તિ માટેનું અનુવાદકાર્ય મુંબઈ – અમદાવાદમાં થાય છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here