બધી ઇચ્છાઓ પૂરી કરવાની હોય?:સૌરભ શાહ

(તડકભડકઃ ‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ. રવિવાર, ૧૮ ડિસેમ્બર ૨૦૨૨)

ઇચ્છાઓ આવતી રહે છે અને ઇચ્છાઓ જતી રહે છે. કેટલીક ઇચ્છાઓ સંતોષાયા વિનાની પડી રહે છે, કેટલીક તરફડતી રહે છે.

કેટલીક ઇચ્છાઓને સમજાવવી નથી પડતી, એ આપોઆપ ઓગળી જતી હોય છે.

કેટલીક માથાભારે હોય છે, જીદ બની જાય છે.

નાની નાની ઇચ્છાઓને સંતોષવા પણ પહેલાં વિચારવું પડે કે શું એને પૂરી કરવી જરૂરી છે? શું એને પૂરી કરવી મારા માટે સારું છે? શું એ ઇચ્છાઓ પૂરી થશે તો મારું ભલું થશે કે બૂરું?

રસગુલ્લાં ખાવાની ઇચ્છા આવી જ એક નાની ઇચ્છા છે. રસગુલ્લાં જોઈને, એની કલ્પના કરીને કે કોઈક જમતી વખતે ખૂબ આગ્રહ કરીને પીરસવાની તૈયારી કરે ત્યારે તમને એ આરોગવાની લાલચ તો થવાની જ છે. પણ વિચારવું પડે કે તમારા ડાયાબીટીસ માટે રસગુલ્લા હાનિકારક છે કે નહીં? દર વખતે આવા અપવાદ ગણીને મીઠાઈઓ આરોગતા રહેવાની લાલસા ભવિષ્યમાં તમારા ડાયાબીટસને ક્યાંથી ક્યાં લઈ જઈને બીજાં ક્યાં કોમ્પ્લિકેશન્સ ઊભાં કરશે? અઠવાડિયામાં ત્રણ વાર નજીકની હૉસ્પિટલમાં ડાયાલિસિસ કરાવવાની નોબત આવે એ પહેલાં તમારે તમારી કિડની બચાવી લેવી છે કે પછી રસગુલ્લાં, ગુલાબ જાંબુ, શીખંડ, મોહનથાળ અને મથુરાના પેંડા ખાવાની ઇચ્છાઓ સંતોષવી છે.

ઇચ્છાઓ તો ઘણી થાય. દરેક ઇચ્છાને સંતોષવી જરૂરી નથી. અમુક ઇચ્છાઓને નથી સંતોષવી એવું નક્કી કરીએ છીએ ત્યારે ન તો એમાં તમારી નિષ્ફળતા છે, ન તમારી હાર. ભવિષ્યનો સમય પુરવાર કરે છે કે એ ઇચ્છાઓ ના સંતોષાઈ કે તમે એને જીદમાં પલટાવા ના દીધી અને જ્યાંથી આવી હતી ત્યાં પાછી મોકલી દીધી એ ડહાપણનું કામ કર્યું . કારણ કે જો એ ઇચ્છાઓને પૂરી કરવાના પ્રયત્નોમાં તમે છેક સુધી આગળ વધી ગયા હોત તો તમારું ભારે નુકસાન થવાનું હતું.

ટુ વ્હીલર વેચીને ફોર વ્હીલર લેવાની ઇચ્છા થઈ છે. ભાડાનું ઘર છોડીને પોતાની માલિકીનું મકાન લેવાની ઇચ્છા થઈ છે. મોટું ટીવી, મોટું ફ્રિજ, ફૉરેનનું વેકેશન, એસી, અમુકતમુક, બધું જ લેવાની ઇચ્છાઓ થતી રહે છે. અને બધું જ ચપટી વગાડો ત્યાં જ ઇ.એમ.આઈ. પર મળી પણ જવાનું છે. સવાલ એ છે કે એ ઇચ્છાઓ તો સંતોષાઈ ગઈ પણ આવતાં દસ વીસ ત્રીસ વર્ષ સુધી આ ખરીદીઓના માસિક હપતા કેવી રીતે ભરશો. એટલી આવક છે તમારી? આજે વિચારો છો કે ફલાણાઠીકણા ખર્ચા નહીં કરીને બચત કરી લઈશું અને એમાંથી ઈ.એમ.આઈ. ભરી લઈશું. પણ એવા ખર્ચા થોડા વખત પછી ફરી ચાલુ થઈ ગયા તો? ક્યાં સુધી મલ્ટીપ્લેક્સમાં સહકુટુંબ પિક્ચર નથી જ જોવાં, ત્યાંનાં પૉપકૉર્ન-પેપ્સી નથી જ ખરીદવાં અને પિક્ચરમાંથી છૂટ્યા પછી બહાર ખાવા જવાને બદલે સીધા ઘરે આવી જવું છે એવું વ્રત તમે પાળી શકવાના છો? ખર્ચા પાછા આવી જશે. એટલું જ નહીં વધતા જશે. ઈ.એમ.આઈ. ઘટવાના નથી. ઊઘરાણીવાળાઓના ફોન અટકવાના નથી.

ઇચ્છાઓ થવાની. કોઈકને મેરીડ લાઇફમાં નાની કે મોટી અગવડો પડતી હોય, સહનશીલતા હદ વટાવી ગઈ છે એવું લાગતું હોય. લાઇફ પાર્ટનરથી છૂટા પડવાની ઇચ્છા થતી હોય. ડિવોર્સ લેવાની ઇચ્છા પૂરી કરવી છે, અને જલદી પૂરી કરવી છે. પણ શું એ જરૂરી છે? અનિવાર્ય છે? અનિવાર્ય હોય તો પણ એ ઇચ્છા પૂરી કરવા માટે ભવિષ્યમાં કેટલો ભોગ આપવો પડશે એ વિચાર્યું છે? ડિવોર્સ લીધા પછીની જિંદગી અત્યારે ધારીએ છીએ એવી નહીં હોય તો? અત્યારે જેવી છે એના કરતાં બદતર હશે તો?

ઇચ્છાઓ થવાની જ છે. ડિવોર્સ લેવાની, લગ્ન તોડ્યા વિના અન્ય સંબંધ/સંબંધો બાંધવાની. તમારા માટે શું સારું છે અને શું સાચું છે એનો વિચાર કર્યા વિના ઇચ્છાઓ પૂરી કરવાની જીદ કરીએ છીએ ત્યારે પેલા ઇ.એમ.આઈ.વાળાઓની માસિક ઉઘરાણીના ફોન જેવી પરિસ્થિતિઓ, કોઈક જુદા સ્વરૂપે અલબત્ત, ઊભી થવાની જ છે. એવી પરિસ્થિતિ પોસાય એમ છે? આજે જ નહીં, આખી જિંદગી પોસાશે?

ઇચ્છાઓ વિનાનું, એને સંતોષ્યા વિનાનું જીવન અરસિક બની જશે. સાચી વાત. ઇચ્છા જન્મે છે અને સંતોષાય છે ત્યારે જીવન ભર્યુંભર્યું બની જાય છે એ વાત પણ સાચી. ઇચ્છાઓ સંતોષ્યા વિના જીવનની પ્રગતિ અટકી જશે, આ દુનિયાની પ્રગતિ અટકી જશે એ વાત પણ સાચી. ઇચ્છાઓ છે તો પથ્થરયુગનો માણસ સેમી કન્ડક્ટરના યુગમાં જીવતો થઈ ગયો છે.

પણ પર્સનલ ઇચ્છાઓનો કોઈ હિસાબ નથી હોતો. માણસના ફળદ્રુપ દિમાગમાં રોજ નવી નવી ઇચ્છાઓ જન્મતી રહે છે. અમુક તમારી પોતાની કલ્પનાઓમાંથી જન્મે છે. અમુક બીજાઓનું જોઈને તો અમુક છાપાં-ટીવીની જાહેરાતોથી જન્મે છે.

અમુક ઇચ્છાઓ પૂરી થશે તો તમારી સગવડો વધશે અને એ વધારાની સગવડો તમને અને તમારા કામને છેક આગળ લઈ જઈને ખૂબ સફળતા અપાવશે એવું તમને લાગે છે.

કોઈપણ પ્રકારની ઇચ્છા હોય એને પૂરી કરવા માટે તરફડિયાં નહીં મારવાના. અમુક હદ પછી કુદરત પર છોડી દેવાનું. એને ખબર છે કે તમારી કઈ ઇચ્છા પૂરી કરવી અને કઈ ઇચ્છા પૂરી થશે તો તમે ભવિષ્યમાં વધુ મોટી મુસીબતમાં ફસાઈ જશો.

ઇચ્છાઓને વગોળ્યા કરવાને બદલે, ફલાણી ઇચ્છા પૂરી થશે તો કેવું મઝાનું વિશ્વ રચાશે એવી કલ્પનાઓ કર્યા કરવાને બદલે હાથમાં જે કામ છે તે કામ કરવામાં મન પરોવવું . એ કામ પૂરું થઈ ગયા પછી તરત બીજું કામ હાથમાં લઈને એને પૂરું કરવામાં મચી પડવું. પછી ત્રીજું કામ, ચોથું કામ. આવું સતત કરવાથી કાં તો એક પછી એક ઇચ્છાઓ પૂરી થતી જશે કાં તો ઓગળતી જશે.

ઇચ્છાઓનું મારણ એક જ છે. કામ. વધુ ને વધુ ઇચ્છાઓ સંતોષવી હોય તો તેનો પણ ઉપાય એક જ છે. વધુ ને વધુ કામ.

પાન બનારસવાલા

ઇચ્છાનો આગળિયો વાસી દીધો છે,
ને તરસ્યા તળાવને આ તાળું;
કાપી છે પાંખોને, ઢાંકી છે આંખોને,
ક્યાંથી હું વાસનાઓ ભાવું
-વૉટ્સએપ પર વાંચેલું

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

9 COMMENTS

  1. Make total sense. We all understand this but implementation is the area where I need help. I will use this article whenever I get distracted. Thanks a lot!!🙏🏻

  2. તમારા લેખો વાંચવા એટલાં માટે ગમે છે જાણે કે હું મારા મન સાથે વાતો કરતો હોવ એવું લાગે છે. એવી ખાનગી વાતો જે કે હું ફક્ત મારી જાત સાથે જ શેઅર (ગુજરાતી અર્થ શું થાય એ યાદ નથી આવતું) કરતો હોવ. આવી વાતો ને લીધે જ તમારા લેખો અદૃતિય છે!

  3. થોઙા હૈ થોઙે કી જરૂરત હૈ, જીંદગી ફીર ભી અહા ખૂબસૂરત હે……

  4. વાહ, સત્ય વાત👌🏻👌🏻સચોટ રીતે સમજાવી દીધી.

  5. વાહ.. ઈચ્છાઓ ક્યારેય અટકતી નથી. પેદા થતી જ રહે છે. આવા સમયે શું જરૂરી છે અને શું નહીં એની સમજણ કેળવવી ખૂબ જરૂરી છે. આમાં ઘણી વાર ગમતી ઈચ્છાનું દમન કરવાનો વારો પણ આવી જાય છે…… પણ એને જ તો જીવન કહેવાય ને.

  6. ખૂબ જ સરસ આર્ટીકલ છે..
    આજના યુગમાં ઘણી વસ્તુઓ કે જેની ઈચ્છા ફક્ત લોકોને દેખાડવા માટે જ માણસના મગજ માં જન્મથી હોય છે પરંતુ એ ઈચ્છા કોઈ પણ રીતે યોગ્ય હોતી નથી.. ઉદાહરણ તરીકે મોબાઈલ તમે 10,000 નો મોબાઈલ લો કે 20,000 નો તદુપરાંત તમે તમારી આવક પ્રમાણે જ ફરવા જાઓ અથવા બીજા અન્ય ખર્ચાઓ કરો એ બહુ જ અગત્યની વસ્તુ છે..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here