‘આય લવ યુ’ આ ત્રણ અંગ્રેજી શબ્દોનું ગ્રામર સમજવામાં હજુય ભૂલ થાય છે : સૌરભ શાહ

(તડકભડકઃ ‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, રવિવાર, 25 ડિસેમ્બર 2022)

કોઈક વસ્તુ તમને ગમી જાય એનો અર્થ એ નથી થતો કે જિંદગી આખી તમને એ ગમતી રહેશે. કોઈ ચીજની તમને અત્યારે જરૂર હોય તો આખી જિંદગી એની જરૂર પડવાની છે એવું માની લેવાય નહીં.

સંજોગો બદલાય, તમારી પોતાની જરૂરિયાતો અને માનસિકતા બદલાય, જમાનો આખો બદલાય. બધું જ બદલાતું રહેવાનું છે. તમારી ગરજ બદલાય, તમારી લાઇફસ્ટાઇલ બદલાય, દુનિયાનો ટ્રેન્ડ બદલાય, સમાજનાં ધારાધોરણો બદલાય. આપણે સ્વીકારી લીધું છે કે ધ ચેન્જ ઈઝ કૉન્સ્ટન્ટ. પરિવર્તન થતું જ રહેવાનું છે.

આમ છતાં એક બાબતમાં તમે ફસાઈ જાઓ છો. કોઈને તમે ‘આય લવ યુ’ કહી દીધું એનો મતલબ એ કે તમે કાયમી કમિટમેન્ટ આપી દીધું. હવે એમાંથી પીછેહઠ કરવી શક્ય નથી. અને જો પીછેહઠ કરી તો એનો મતલબ એ કે તમે વિશ્વાસઘાતી છો, વચન આપીને ફરી જાઓ છો.

કોઈએ તમને ‘આઈ લવ યુ’ કહી દીધું એટલે તમે માની લીધું કે વાત પરમેનન્ટ થઈ ગઈ. એટલું જ નહીં હવે તો આ સંબંધ પર મારી મૉનોપોલી થઈ ગઈ.

અહીં જ તો હિન્દુસ્તાન માર ખાય છે. હિન્દુસ્તાન જ નહીં, દુનિયા આખી માર ખાય છે.

‘આય લવ યુ’નો અર્થ થાય ‘હું તને ચાહું છું’ અથવા તો ‘હું તને પ્રેમ કરું છું’. ‘આય લવ યુ’નો મતલબ એ નથી થતો કે આય વિલ કન્ટિન્યુ ટુ લવ યુ. હું ભવિષ્યમાં પણ તને ચાહીશ-પ્રેમ કરીશ એવો મતલબ નથી થતો. શબ્દો સીધાસાદા અને સ્પષ્ટ છેઃ ‘આય લવ યુ’. આપણે એને ગૂંચવી નાખીને ગેરસમજ કહી બેસીએ છીએ. ‘આય લવ યુ’નો મતલબ છે હું તને અત્યારે, આ ઘડીએ ચાહું છું. અને એનો ગર્ભિત અર્થ છે કે આવતી કાલે, હવે પછીની ઘડીએ હું તને ચાહીશ જ એવું જરૂરી નથી, એવું કોઈ કમિટમેન્ટ પણ નથી આ શબ્દોમાં.

અંગ્રેજીનું વ્યાકરણ સરળ છે. આય લવ યુ એટલે આય લવ યુ. આય વિલ લવ યુ ફોરેવર – આ આખું જુદું વાક્ય છે. ‘આય લવ યુ’ની સાથે એની ભેળસેળ ના કરાય. જે વ્યક્તિ તમને કહે છે કે ‘આય લવ યુ’ એ તમને એવું કોઈ પ્રોમિસ નથી આપતી કે ‘હું માત્ર તને જ ચાહું છું’. એવું હોત તો એણે કહ્યું હોત કે, ‘આય લવ યુ, ઍન્ડ નોબડી એલ્સ’.

એટલું જ નહીં ‘આય લવ યુ’ કહેવાય છે ત્યારે પ્રેમની કે ચાહતની જ વાત થાય છે. મદદ, વિશ્વાસ, કાળજીની વાત નથી થતી કે પછી તારા માટે હું કમાઈશ કે તારા માટે હું રોજ રસોઈ કરીશ એવું પણ કોઈ કમિટમેન્ટ ‘આય લવ યુ’માં નથી હોતું. પણ તમે ઉતાવળિયા થઈને આ બધું જ પેલા ત્રણ શબ્દોના કરારનામામાં ઉમેરી દેતા હો છો.

હૂંફની, આત્મીયતાની કે પછી ઈવન ફિઝિકલ નિકટતાની કોઈ ઉત્કટ ક્ષણે ‘આય લવ યુ’ કહેવાય છે ત્યારે આ પવિત્ર શબ્દોની ઉપર બાકીનો બધો બોજો લાદીને ભવિષ્યમાં દુખી થવાની જરૂર નથી. જે ક્ષણોમાં આ ત્રણ શબ્દો બોલાયા તે ક્ષણોને વર્તમાનમાં માણવાની હોય – એને ખેંચીને ભવિષ્ય સુધી લંબાવવાની જરૂર નથી, એવી કોઈ વાત જ નથી ‘આય લવ યુ’માં.

કેટલીક વાતો આપણા મનમાં એટલી દૃઢ થઈ ગયેલી હોય છે કે આપણે એના પરની ધૂળ ઉડાડીને, એને માંજીને ચકચકિત કરીને જોવાની આળસ કરતા હોઈએ છીએ. ‘આય લવ યુ’ એવી જ એક વાત છે. આ ત્રણ શબ્દો બોલવા એટલે આખી જિંદગી માટે કમિટમેન્ટ કરવું એવું માનીને કોઈ વ્યક્તિ ખૂબ ગમતી હોય તો પણ એને ‘આય લવ યુ’ કહેતાં અચકાઈએ છીએ – ક્યાંક એ એવું ન માની બેસે કે મેં એને ‘પ્રપોઝ કર્યું’- આખી જિંદગી સાથે રહેવા માટેનું આમંત્રણ આપ્યું.

કોઈ વ્યક્તિ સાથેની નિકટતમ પળોમાં પણ બીજું બધું જ કહીશું પણ ‘આય લવ યુ’ નહીં કહીએ કારણ કે એવું કહીશું તો આ વ્યક્તિ આખી જિંદગી ‘મારે ગળે પડશે’ એવો તમને ભય લાગતો હોય છે, તમે એની સાથે કાયમ માટે બંધાવા માગો છો એવું એ માની લેશે.

અને જેને ‘આય લવ યુ’ કહી ચૂક્યા હો એ વ્યક્તિ સાથે તમારે સંબંધ ના રાખવો હોય તો તમને લાગતું હોય છે કે આ તો વિશ્વાસઘાત કહેવાશે, મેં એ વ્યક્તિને તરછોડી દીધી, એનો ઉપયોગ કર્યો એવું લાગશે.

આવું કંઈ નથી હોતું, બકા. આવી ભ્રમણામાં રહીને જ તમે ‘આય લવ યુ’ જેવા મધુર શબ્દોથી ડરતા થઈ જાઓ છો. પ્રેમ કરતાં તમને આવડ્યું જ નથી. લગ્ન કે લાઇફ ટાઇમ કમિટમેન્ટ એક આખી અલગ વાત છે અને ઘણીવાર તો પ્રેમનો છાંટોય ન હોય તોય લગ્નની સુવર્ણ જયંતિઓ ઉજવાતી હોય છે અને પ્રેમની એક પણ સરવાણી વહેતી ન હોય તો પણ લાઇફ ટાઈમ સાથે રહેવાનું કમિટમેન્ટ નિભાવી શકાતું હોય છે. અને એમાં કશું ખોટું પણ નથી.

ઇંગ્લિશ લેન્ગવેજનું ગ્રામર લાંબુંચોડું આવડે કે ન આવડે એટલું માત્ર જાણી લેવું કે ‘આય લવ યુ’ શબ્દોમાં માત્ર વર્તમાનકાળ છે, ભવિષ્યકાળ નથી.

સદીઓ પહેલાં એક લેખમાં આ લખનારે લખ્યું હતું: પ્રેમની જે ક્ષણ વર્તમાનમાં જીવાય છે તે જ એનું એકમાત્ર અને સંપૂર્ણ સત્ય. એ સિવાયની ક્ષણોમાં પ્રેમ વિશે પાછળથી પ્રગટેલા વિચારો હોય અથવા ભવિષ્યમાં સર્જાનારા સંજોગોની કલ્પનાઓ હોય. આ બંનેમાં બદલાયેલા સંજોગો, બદલાયેલા વિચારો અને બદલાયેલી આસપાસની વ્યક્તિઓ જેવું – પ્રેમ સિવાયનું – બીજું ઘણું બધું ઉમેરાતું હોય છે. પ્રેમ વર્તમાનની ક્ષણ જેટલો અણિશુદ્ધ ક્યારેય રહી શકતો નથી. વર્તમાનમાં ન હોય એવો પ્રેમ અનેક અસરોથી ઘેરાયેલો રહે છે.

અને છેલ્લે કહ્યું હતું: પ્રેમ એટલે ખુલ્લા પરબીડિયામાં મૂકેલો સરનામા વિનાનો પત્ર.

પાન બનારસવાલા

લવ મીન્સ નેવર હેવિંગ ટુ સે યુ આર સૉરી.
(એરિક સેગલ ‘લવ સ્ટોરી’ નવલકથામાં)
દિલની વાતોમાં દિલગિરી ના હોય.
(અનુવાદઃ કવિ ઉદયન ઠક્કર)

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

6 COMMENTS

  1. હમને દેખી હૈ ઈન આખોકી મહેકતી ખુશ્બુ, હાથ સે છુ કે ઈસે રીશતે કા ઈલજામ ના દો, એક અહેસાસ હે યે રુહ સે મહેસૂસ કરો , પ્યાર કો પ્યાર હી રહને દો કોઈ નામ ના દો…. the great Gulzaar Saab (khamoshi movie)

  2. એરીક ફ્રોમે આર્ટ ઓફ લવિંગ મા લવ એટલે કેર માવજત ની સુંદર પરિભાષા સમજાવી છે

  3. Hari Om… luv u means never having u to say sorry
    ત્યાં સુધી ઠીક છે …પણ luv કહો કે પ્રેમ કહો… એને સમય કે સંજોગ પ્રમાણે ઓછો કે વધારે કે પછી ન કરવા ની વાત ભારતીય સંસ્કાર પ્રમાણે ગળે ના ઉતારાય. આ લેખ કોઇ આપણ ને luv u કહે તો સતર્ક થવા માટે perfect લેખ છે… પણ આપણે કોઈ ને luv u કહીએ ત્યારે એ શબ્દો નો છીછરો અર્થ ન થાય…સામે વાળા થી કે even આપણા પોતાના થઈ એ ધ્યાન રહેવુ જોઇએ.
    પ્રેમ ના નામે આંધુળકીયા ના હોય.
    પહેલી નજર નો પ્રેમ આકર્ષણ વધારે અને લાગણીઓ નહિવત હોય એટલે સાચા અર્થ મા એ પ્રેમ હોય એવા chances લગભગ ના હોય.
    Fall in luv is a wrong thinking…. it may be correct as per English language but…
    વિશ્વાસ ની ઇંટો ને સમજણ ની સિમેન્ટ થી ચણી ને ઉધવગતિ નો highway બનાવવો એટલે પ્રેમ.
    વિશ્વાસ વગર નો પ્રેમ એટલે જીવ વગર ના ખોળીયા સાથે નો સહવાસ
    …એ પ્રેમ નહિ પણ વાસના .
    પ્રેમ હોય ત્યાં આકર્ષણ હોવાનુ પણ આકર્ષણ ને પ્રેમ કહી ને પ્રેમ ને નવો અર્થ ન આપી શકાય. કર્ણ નો દુર્યોધન ને સાથ એને દોસ્તી નુ નામ ન આપી શકાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here