તમારી ચડતી હોય ત્યારે, તમારી પડતી હોય ત્યારે : સૌરભ શાહ

(તડકભડકઃ ‘સંદેશ’, ‘સંસ્કાર’ પૂર્તિ, રવિવાર, 11 ડિસેમ્બર 2022)

જીવનમાં જેટલા સૂર્યોદય જોવા મળે એટલા જ સૂર્યાસ્ત પણ જોવા મળે પણ તમારા આ બધા જ ચડાવઉતારની જાણ સૌ કોઈને થાય એ જરૂરી નથી. અમુક ચડતીપડતીના સાક્ષી તમે એકલા જ હો, તમારા સિવાય આ જગતમાં બીજા કોઈનેય એની જાણ ન હોય – તમારાં માબાપ, સંતાનો, જીવનસાથી – કોઈનેય નહીં.

કેટલીક અંગત ચડતીપડતીની જાણ તમારાં કુટુંબીજનોને, સ્નેહીજનોને થતી હોય છે. કેટલીક ચડતીપડતીના સમાચાર તમારા સમગ્ર સર્કલ સુધી પહોંચતા હોય છે અને કેટલીક ચડતીપડતીની સાક્ષી આખી દુનિયા બનતી હોય છે – તમને ક્યારેય ન મળેલા લોકોને પણ એના વિશે ખબર હોય છે. અમિતાભ બચ્ચનની પડતી આવી ત્યારે આખી દુનિયાને એના વિશે જાણ થઈ – એમાંના 99.99 ટકા લોકોને આ પડતી સાથે કોઈ લેવાદેવા નહોતી, એ લોકો આમાં તણખલા જેટલીય મદદ કરી શકે એમ નહોતા છતાં જાણ થઈ. આની સામે અંબાણીની ચડતી વિશે પણ આખી દુનિયાને જાણ થઈ. અંબાણીના બિઝનેસ સાથે, એમની કંપનીઓમાં જેમનું રતિભારનું મૂડીરોકાણ ન હોય અને એમની સમૃદ્ધમાંથી એક પૈસો જેમને મળવાનો નથી એવા લોકોને પણ એમની ચડતી વિશે જાણ થઈ.

તમારા જીવનની ધૂપછાંવ તમારે એકલાએ જ સહન કરવાની નથી હોતી, બીજા અનેક લોકો સીધી યા આડકતરી રીતે તમારી આ તડકી-છાંયડી શેર કરતા હોય છે.

તમારી દીકરી દસમાની પરીક્ષામાં બોર્ડમાં રેન્ક લાવે છે ત્યારે તમે એકલા જ નહીં, અડોશપડોશના લોકો અને ઑફિસના સહકર્મચારીઓ પણ ઉમંગ-ઉત્સાહથી ઘેલાઘેલા થઈ જતા હોય છે. તમે નવું ઘર લો છો, નવી ગાડી ખરીદો છો, નોકરીમાં બઢતી મેળવો છો, તમને નવું કામ મળે છે, તમારી ખૂબ પ્રસિદ્ધિ થાય એવા સુખદ બનાવો જીવનમાં બને છે ત્યારે માત્ર તમારા કુટુંબીજનોમાં જ નહીં, તમારા મિત્રવર્તુળમાં અને તમને ઓળખતા હોય એવા તમામ લોકોમાં જેન્યુઈન ખુશીની લહેર પ્રસરી જાય છે. (અપવાદરૂપે કોઈ રડ્યુંખડ્યું પેટનું બળેલું હોય અને હવનમાં હાડકાં નાખવાની માનસિકતાવાળું હોય તો હોય. પણ આ અપવાદો છે, નિયમ નહીં. એટલે એવા લોકો પર ઝાઝું ધ્યાન આપવાની જરૂર નથી.) તમારા સર્કલની કોઈ વ્યક્તિને ધન, યશ, આદર, કીર્તિ વગેરે પ્રાપ્ત થાય ત્યારે તમને પોતાને એ બધું મળ્યું છે એવો આનંદ તમને થતો હોય છે. તમારા વર્તુળની કોઈ વ્યક્તિના જીવનનો સૂર્ય મધ્યાહ્ને ચળકતો હોય ત્યારે એના સોનેરી પ્રકાશના ધોધ નીચે તમે પોતે પણ ઉજળા દેખાતા હો છો. આવું થવું સ્વાભાવિક છે. આવું થાય ત્યારે તમારે ખોટેખોટા ખુશ હોવાના દેખાડા નથી કરવા પડતા. તમારી શુભ લાગણીઓ બીજાઓ સુધી પહોંચતી જ હોય છે અને બીજાઓની ઉદ્દાત્ત ભાવનાઓ તમને પહોંચી જતી હોય છે.

જિંદગીમાં પછડાટ આવે ત્યારે શું બનતું હોય છે? તમને પોતાને જ્યારે તમારા માટે નીચાજોણું લાગે ત્યારે શું થતું હોય છે? તમને પોતાને જ્યારે લાગે કે અમુક ઘટના તમને અપયશ અપાવે છે ત્યારે શું થતું હોય છે?

તમારા કુટુંબીઓને પણ આવા વખતે એવું જ લાગતું હોય છે જેવું તમને લાગતું હોય છે- નીચાજોણું થવા જેવું, પોતાને અપયશ મળ્યો હોય એવું. જો તમારા જીવનમાં છવાઈ ગયેલા અંધકારની જાણ દુનિયાને થાય તો દુનિયા પણ હતાશ, નિરાશ થઈ જતી હોય છે અને આ ગભરાટમાં મોટાભાગના લોકો તમારાથી અંતર રાખતા થઈ જતા હોય છે.

તમને લાગવા માંડે કે સુખના તો સહુ કોઈ સાથી હોય, દુખમાં તમે એકલા પડી જાઓ તો એનું ખરું કારણ આ છે. તમારી સાથે એમને પણ લાગતું હોય છે કે એમનું પોતાનું નીચાજોણું થયું છે. તમારો દીકરો ઑલિમ્પિકમાં ગોલ્ડ મેડલ લઈ આવે ત્યારે તમારા નજીકના-દૂરના સૌ કોઈને એ એચિવમેન્ટ પોતાની સિદ્ધિ હોય એવું ગૌરવ થતું હોય છે. તમારો દીકરો ડ્રગ કેસમાં પકડાય ત્યારે પણ તમારી નજીકના-દૂરના લોકોને એ પોતાની નામોશી લાગતી હોય છે.

લોકોને જ્યારે તમારા માટે ગૌરવ થાય ત્યારે તેઓ તમારી વધુ નજીક આવી જતા હોય છે જેથી તેઓ પ્રગટપણે પોતાની ખુશી તમારી આગળ વ્યક્ત કરી શકે.

તમારા માટે નામોશી, નીચાજોણાનો પ્રસંગ બને ત્યારે લોકોને ધક્કો લાગતો હોય છે, તમારા માટેની આશાનો ભંગ થયો હોય એવું એમને લાગતું હોય છે પણ તેઓ સમજે છે કે આ વખત એવો નથી કે આ વિશેના વિચારો તેઓ તમારી સમક્ષ વ્યક્ત કરે – બળતામાં ઘી હોમવાનું પાપ તેઓ કરવા માગતા નથી. પોતાના શબ્દોથી તમને વધારે ઘા ન લાગે એવા ઇરાદાથી તેઓ ટેમ્પરરી તમારાથી દૂર થઈ જતા હોય છે અને કપરો સમય પૂરો થતાં તેઓ પાછા તમારી સાથે થઈ જાય છે. પણ તમે આનો અર્થ જુદો જ કાઢો છો. તમને એમ લાગે છે કે મારા ખરાબ ગાળામાં આ લોકો, ડૂબતા જહાજમાંથી ઉંદર દોડી જાય એમ દોડી ગયા અને સારો વખત આવ્યો ત્યારે પાછા આવ્યા. આવો વિચાર ક્ષણભર તમારામાં ઝબકી જાય એ સ્વાભાવિક છે. અને અપવાદરૂપે દરેકના જીવનમાં એકાદ ટકો લોકો ઉંદરડા જેવા હશે પણ ખરા. પણ આવા મૂષકોને વાંકે તમે તમારા બાકીના – નવ્વાણું ટકા જેટલા—શુભેચ્છકો પર અવિશ્વાસ કરતા થઈ જાઓ તો એ નુકસાન તમારું જ હશે.

જીવનમાં તમારા માટે અપમાનજનક, ક્ષોભજનક પરિસ્થિતિ ઊભી થાય ત્યારે તમારી આસપાસના તમામ લોકો માટે, તમને ઓળખતા-ચાહતા-જાણતા તમામ લોકો માટે ક્ષોભજનક-અપમાનજનક પરિસ્થિતિ પેદા થતી હોય છે. તમારો સૂર્ય મધ્યાહ્ને હોય ત્યારે બીજા કેટલાય લોકો એના પ્રકાશમાં, પોતાની ઇચ્છા હોય કે ન હોય તો પણ, ઉજળા દેખાતા હોય છે; એ જ રીતે તમારા જીવનમાં અંધકાર છવાઈ જાય ત્યારે, તમારી રાત્રિ કૃષ્ણ પક્ષની બની જાય ત્યારે, તમારા જીવનમાં અમાસનો અંધકાર છવાઈ જાય ત્યારે, બીજા અનેક લોકો એ અંધકારમાં, પોતાની ઇચ્છા હોય કે ન હોય તો પણ, ખોવાઈ જતા હોય છે.

આપણી પડતી વખતે, આપણી અમાસ વખતે આપણાથી દૂર થઈ જતા લોકો પ્રત્યે દૃષ્ટિકોણ બદલીને જોઈશું તો સમજાશે કે એ લોકોનો કોઈ વાંક નથી. તેઓ કંઈ વિશ્વાસઘાતી નથી, તમારા શત્રુઓ નથી. તમારા પર તૂટી પડેલા દુખના પહાડને કારણે એમને જે વેદના થઈ છે તે વેદનાનો ઉંહકાર તમને સંભળાઈ જાય અને તમે વધારે દુખી થઈ જાઓ એવા ભયથી તેઓ તમારાથી અંતર રાખતા થઈ જાય છે.

તમને આ લોકો સ્વાર્થી લાગે છે એનું બીજું પણ એક કારણ છે. હકીકતમાં તેઓ સ્વાર્થી નથી હોતા. પણ તમને એવું લાગે છે કારણ કે પડતીના તબક્કામાં બીજાઓ પાસેની તમારી અપેક્ષા ખૂબ વધી જતી હોય છે. નૉર્મલ સંજોગોમાં તમારી પાસે સો કિલોનો બોજ હોય ત્યારે તે ઊંચકી લેવા માટે સો જણ તમારી આસપાસ હોય છે – દરેક જણ તમારો એકએક કિલોનો બોજ ઊંચકી લે જે એમના માટે ભારરૂપ નથી. પણ પડતીના સંજોગોમાં એમાંના નેવું જણ તમારાથી દૂર થઈ ગયા હોય એટલે તમે અપેક્ષા રાખતા થઈ જાઓ કે જે દસ જણ નજીક છે તે સૌ દસ-દસ કિલો બોજ ઉંચકી લે અને તમને ભારયુક્ત કરે. હવે જેમની કૅપેસિટી કે ઇચ્છા તમારો એકાદ કિલો બોજ ઉંચકવા જેટલી હોય એ બહુ બહુ તો બીજો અડધો કે એક કે બે કિલો વધારાનો બોજ ઊંચકી લે પણ પોતાના ગજા કરતાં અનેકગણો બોજ ઊંચકીને કેવી રીતે તમારો ભાર હળવો કરે? તમારી અપેક્ષા પ્રમાણે તેઓ દસ-દસ કિલોનો બોજ નથી ઉંચકતા ત્યારે તમને આવા કપરા સંજોગોમાં સાથ આપવા માટે તમારી પાસે બચી ગયેલા દસ ટકા શુભેચ્છકો માટે પણ અણગમો થવા માંડે છે. આમાં જેમ વાંક એ લોકોનો નથી એમ તમારો પણ નથી – તમે તો વખાના માર્યા છો, તમારી બુદ્ધિ ભ્રમિત થઈ જાય એવો કાળ ચાલી રહ્યો છે. વાંક પરિસ્થિતિનો છે, સંજોગોનો છે. બસ, આટલું યાદ રાખવાનું.

પાન બનારસવાલા

નિર્મળ અને પવિત્ર હૃદયમાં સરસ્વતી સ્વયં પ્રગટે છે.

-રામચરિત

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

4 COMMENTS

  1. નકારાત્મક સમયમાં સાથ ન આપી રહેલાઓ દુશ્મન નથી તેવો અહેસાસ કરાવવા માટે આપનો ખૂબ ખૂબ આભાર

  2. તમારો હક્કારત્મક (positive thinking) વિચારો વાંચીને આનંદ આવ્યો.
    આભાર 🙏

  3. યે જીવન હૈ, ઈસ જીવન કા યહી રંગરૂપ, કભી છાવ કભી ધૂપ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here