‘ધ ઍક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’ અને સોનિયા સરકારની અસલિયત

ગુડ મોર્નિંગ – સૌરભ શાહ

( મુંબઇ સમાચાર : સોમવાર, 11 ફેબ્રુઆરી 2019)

ચારેય ફિલ્મોમાં સૌથી અગત્યની ફિલ્મ કઈ? જોવા જેવી તો ચારેય છે. દરેક ફિલ્મ પોતપોતાની રીતે મહત્ત્વની છે, પણ એમાં સૌથી મહત્ત્વની ફિલ્મ કઈ? મારા હિસાબે ‘ધ ઍક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’ (ટી.એ.પી.એમ.). કારણ કહું તમને. ‘ઉડી: ધ સર્જિકલ સ્ટ્રાઈક’ ઉમદા ફિલ્મ છે, જબરજસ્ત બનાવી છે. બસો કરોડ રૂપિયાથી વધુ બિઝનેસ કર્યો છે અને હજુય હાઉસફૂલ જાય છે. મને કેટલી ગમી છે તે તમે જાણો જ છો. પણ ‘ઉડી’માં જે વાત છે તે વિશે, ‘સર્જિકલ સ્ટ્રાઈક’ વિશે આપણે સૌ જાણીએ છીએ, ‘ઉડી’ની જેમ ‘મણિકર્ણિકા’ પણ અચૂક જોવા જેવી ફિલ્મ છે, પણ ધારો કે એ જૂના ઈતિહાસનાં પાનાં તમે આજે જો ન વાંચો તો આજની જે પરિસ્થિતિ છે તેના તમારા વિશ્ર્લેષણમાં બહુ બહુ તો ઉન્નીસ-બીસનો ફરક છે, જમીન આસમાનનો નહીં. ‘ઉડી’ અને ‘મણિકર્ણિકા’ની જેમ ‘ઠાકરે’ જોવી પણ અનિવાર્ય છે, પરંતુ ‘ઠાકરે’ વિશે જ્યારે લખ્યું ત્યારે ખાસ નોંધ્યું હતું કે બાળાસાહેબના સ્વર્ગવાસ પછી શિવસેનાનો, હિન્દુત્વની ઝુંબેશ માટે ઝઝૂમતા એક પક્ષનો સુવર્ણયુગ પૂરો થઈ ગયો. અત્યારની શિવસેના સાવ જુદી છે.

‘ટી.એ.પી.એમ.’માં ૨૦૦૪થી ૨૦૧૪ સુધીના કૉન્ગ્રેસ શાસનની જે ઝલક બતાવવામાં આવી છે, કઈ રીતે દેશનું સંચાલન થતું હતું, કઈ રીતે એક કુટુંબને આગળ કરવા માટે સમગ્ર દેશના હિતનો ભોગ લેવાતો હતો તેની ઝલક છે. અને એટલે જ કદાચ આ ફિલ્મને સેક્યુલર તથા સામ્યવાદી રિવ્યુઅર્સે વખોડી કાઢી છે. આ ફિલ્મમાં જે પ્રગટ થાય છે તે સત્ય કૉન્ગ્રેસપ્રેમીઓથી સહન નથી જ થવાનું. અને ફિલ્મમાં જે કંઈ દેખાડવામાં આવ્યું છે તે સત્ય જ છે અને સત્ય સિવાય બીજું કશું જ નથી. જો એવું ન હોત તો ફિલ્મ સામે પ્રતિબંધ લાવવા માટે કૉન્ગ્રેસી વકીલો ક્યારના સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયા હોત. ફિલ્મ જેના પર આધારિત છે તે એ જ નામના સંજય બાહુના પુસ્તકને પ્રગટ થયે પાંચ વર્ષ થયાં, પણ થોડા ઘણા નપુંસક વિરોધ સિવાય હજુ સુધી આ પુસ્તકની એક પણ માહિતીને કૉન્ગ્રેસી વકીલોએ કોર્ટમાં ખોટી પુરવાર કરવાની કોશિશ પણ નથી કરી. વિચ મીન્સ કે કૉન્ગ્રેસના અહમદ પટેલ, કપિલ સિબ્બલ કે અન્ય નેતાઓએ, રાહુલ-પ્રિયકાએ, ખુદ સોનિયા અને પૂર્વ પ્રધાન મંત્રી મનમોહનસિંહે સ્વીકારી લીધું છે કે પીએમના તે વખતના મીડિયા એડ્વાઈઝર સંજય બારુએ પુસ્તકમાં જે કંઈ લખ્યું છે તે સત્ય લખ્યું છે અને એ પુસ્તક પરથી જે ફિલ્મ બની છે તેમાં પણ એ સત્ય જ પ્રગટ થાય છે.

મનમોહનસિંહની સરકાર કઠપૂતળી સરકાર હતી. વડા પ્રધાનનો હોદ્દોે બંધારણીય હોદ્દો છે. એમની સત્તાનો દુરૂપયોગ કોઈ બીજું ન કરી શકે. પૃથ્વીરાજ ચૌહાણ એક જમાનામાં મહારાષ્ટ્રના ૧૭મા મુખ્ય મંત્રી હતા (૨૦૧૦થી ૨૦૧૪). કૉન્ગ્રેસનું મોટું માથું. ૨૦૦૨થી ૨૦૧૦ દરમ્યાન તેઓ રાજ્યસભાના સભ્ય હતા.

ફિલ્મમાં જે દૃશ્ય છે તેનું પુસ્તકમાં સંજય બારુએ પોતાના શબ્દોમાં આ રીતે વર્ણન કર્યું છે. ૨૦૦૪માં ડૉ. મનમોહનસિંહની વડા પ્રધાન તરીકે રાષ્ટ્રપતિ ભવનમાં સોગંદવિધિ થઈ તેની સામે પ્રધાનમંડળના કેટલાક સભ્યોની પણ સોગંદવિધિ થઈ, પણ કોને કયું ખાતું મળશે તેની જાહેરાત હજુ નહોતી થઈ. સંજય બારુ લખે છે: ‘(રાષ્ટ્રપતિ ભવનના દરબાર હોલમાં) કૉન્ગ્રેસ પાર્ટીના તમામ વરિષ્ઠ નેતાઓ ખૂબ હોંશભેર ફરી રહ્યા હતા. ઉત્સવનું વાતાવરણ હતું. છ-છ વર્ષ પછી તેઓ પુન: સત્તા પામી રહ્યા હતા. ભાગ્યે જ કોઈને આશા હતી કે તેઓ આ ચૂંટણી જીતી શકશે અને ઘણાને આશંકા હતી કે કૉન્ગ્રેસ બીજા પક્ષો સાથે ગઠબંધન કરીને સરકાર રચી શકશે કે કેમ. સોગંદવિધિઓ પૂરી થયા પછી હું ડૉ. મનમોહનસિંહને અભિનંદન આપવા એમના તરફ ગયો, પણ સ્વાભાવિક રીતે જ તેઓ કૉન્ગ્રેસના મોટા મોટા નેતાઓથી ઘેરાઈ ચૂક્યા હતા, એમાં કેટલાક એવા મિનિસ્ટરો પણ હતા જેમને આશા હતી કે પોતાને કોઈ માલદાર મિનિસ્ટ્રી ફાળવવામાં આવશે, કેટલાક પત્રકારો પણ આ ટોળામાં હતા. મેં દૂરથી જ ડૉ. સિંહ સાથે આઈ કૉન્ટેક્ટ કર્યો અને એમને બે હાથ જોડીને નમન કર્યાં. એમણે સ્મિત કર્યું.

ટોળાથી દૂર જઈને હું આમતેમ લોકોને મળી રહ્યો હતો કે ક્યાંક મને મારા છાપા માટે કોઈ સમાચાર મળી જાય.’

એ વખતે સંજય બારુુ ‘ધ ફાઈનાન્શ્યલ એક્સપ્રેસ’ દૈનિકના ચીફ ઍડિટર હતા. મનમોહનસિંહ પી.એમ. બન્યાના થોડા દિવસ પછી સંજય બારુને પોતાના મીડિયા ઍડ્વાઈઝર બનાવ્યા.

રાષ્ટ્રપતિ ભવનના દરબાર હોલમાં સોગંદવિધિઓ પતી ગયા પછી ફરતાં ફરતાં કોણ મળી ગયું એની વાત કરતાં સંજય બારુ લખે છે: ‘અચાનક મારો ભેટો પૃથ્વીરાજ ચૌહાણ સાથે થઈ ગયો. હું એમને એકાદ દાયકાથી જાણતો. નવી દિલ્હીના ઈન્ડિયા ઈન્ટરનેશનલ સેન્ટરમાં સેટરડે ગ્રુપના અનૌપચારિક નામે ઓળખાતી વીકલી લંચ-ચર્ચામાં અમે બેઉ રેગ્યુલર હાજરી આપતા. પૃથ્વીરાજની રાજ્ય કક્ષાના મિનિસ્ટર તરીકે સોગંદવિધિ થઈ હતી. મેં એમને પૂછ્યું કે તમને કઈ મિનિસ્ટ્રી મળવાની છે? એમનું મોઢું લાડવા જેવું થઈ ગયું. પ્રસન્નચિતેે તેઓ બોલ્યા: પીએમે મને ખાનગીમાં કહ્યું છે કે મને નાણામંત્રાલય સોંપવામાં આવશે.’

સંજય બારુ લખે છે: ‘આ તો મારા માટે ફ્રન્ટ પેજ ન્યૂઝ થયા. મેં તરત જ પૃથ્વીરાજને બીજો સવાલ પૂછ્યો. તો પછી નાણામંત્રાલયમાં કેબિનેટ મિનિસ્ટર કોણ હશે? પૃથ્વીરાજે મારી નજીક આવીને મારા કાનમાં કહ્યું: પી.એમ. પોતે ફાઈનાન્સ મિનિસ્ટ્રી સંભાળશે.’ 

બારુુ લખે છે કે, ‘મને મારી હેડલાઈન મળી ગઈ.’

બીજે દિવસે એ સમાચાર, ભલે સત્તાવાર રીતે ક્ધફર્મ્ડ નહોતા, પણ ફ્રોમ હોર્સીસ માઉથ હતા એટલે સંજય બારુએ ફ્રન્ટ પેજની લીડ આઈટમ તરીકે ‘ધ ફાઈનાન્શ્યલ એક્સપ્રેસ’માં પ્રગટ કર્યાં.

બારુુ લખે છે: ‘સવારે છાપું પ્રગટ થયું અને મને પી. ચિદમ્બરમ્નો ફોન આવ્યો. એમણે ૧૯૯૬માં ટૂંકા ગાળા માટે જીવેલી જોડતોડ સરકાર વખતે નાણામંત્રીની જવાબદારી નિભાવેલી એ વખતે તેઓ કૉન્ગ્રેસમાંથી છૂટા પડેલા જૂથ દ્વારા બનેલી પાર્ટીમાં હતા અને ૨૦૦૪ના ઈલેક્શનના થોડાક જ વખત પહેલાં પાછા કૉન્ગ્રેસમાં આવી ગયા હતા. ચિદમ્બરમે મને પૂછયું: ‘તમે છાપેલા સમાચાર સાચા છે?’ મેં એમને કહ્યું બિલકુલ સાચા છે, મેં હૉર્સીસ માઉથ પાસેથી સાંભળેલા છે. એમણે પૂછયું: ‘કોણે કહ્યું તમને? પી.એમે.?’ મેં કહ્યું: ‘ના મિનિસ્ટર ઑફ સ્ટેટ (પૃથ્વીરાજ)’એ કહ્યું. આ સાંભળીને ચિદમ્બરમે ફોન પર મને કહ્યું: ‘પી.એમ. જો ફાઈનાન્સ રાખશે તો મને શું આપશે?’

રાજરમતનું સસ્પેન્સ ડિટેક્ટિવ નવલકથામાંના રહસ્ય કરતાં પણ વધુ ઘેરું હોય છે અને કૉન્ગ્રેસી નેતાઓની રાજરમત તો રાજમાતાના સર્વોચ્ચ આસનેથી દોરીસંચાર પામતી હતી એટલે એમાં હરકિસન મહેતાની નવલકથા કરતાં પણ વધુ તીવ્ર આંચકા અને આટાપાટા આવવાના.

(ક્રમશ:)

આજનો વિચાર

પડોસને ના પાડી હોય અને બદલો લેવો હોય તો ૧૩ ફેબ્રઆરીની મધરાતે એના દરવાજા આગળ ચૉકલેટ, ફૂલ અને કોઈ નામ લખ્યા વિનાનું મોટું કાર્ડ મૂકી આવવાનું. પછી એ જાણે ને એનો પતિ જાણે!

– વૉટ્સઍપ પર વાંચેલું

એક મિનિટ!

બકો: આજે બધા નેપાલીઓ દિલ્હીમાં જંતરમંતર પર ભેગા થઈને ધરણા કરવાના છે.

પકો: કેમ?

બકો: મેં એમાંના એકને પૂછયું તો કહે: ઉઉઉ શાબજી, યો કૉન્ગ્રેસ કૈસી બોલતી કી શબ ચૌકીદાર ચોર હૈ?

5 COMMENTS

  1. TAPM-how should we be able to spread the worth of this Film, against the opposition loby re-viewers?

  2. TAPM જોયા પછી તમને ખ્યાલ આવે કે political drama અને એનું suspense જે રીતે અક્ષય ખન્ના depict કરે છે + મનમોહન તરીકે અનુપમ ખેર ‘acting’ કરે છે તે ય ભૂલી જાવ એટલી realistic presenceને, વેચાઈ ગયેલા રિવ્યુઅર્સની લોબી તો વખોડી જ કાઢી રહી છે, પણ.. NewsPremiની આ link દ્વારા અને wtsAp પર આ અને આવી અઢળક comments દ્વારા TAPM વધુ ને વધુ જોવાય, અને રાષ્ટ્રદ્રોહીઓ ખુલ્લા પડે એવી ચળવળ ચલાવીએ !! -બિપીન જાની.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here