‘ત્યાગી’ રાજમાતાની કઠપૂતળી જેવા કરોડરજ્જુ વિનાના વડા પ્રધાન

ગુડ મૉર્નિંગ – સૌરભ શાહ

( મુંબઇ સમાચાર : મંગળવાર, 12 ફેબ્રુઆરી 2019)

‘પ્રધાનમંત્રી જો ફાઈનાન્સ મિનિસ્ટ્રી સંભાળશે તો એ મને શું આપશે?’ ચિદમ્બરમે સંજય બારુને પૂછ્યું હતું. બારુને આ સાંભળીને નવાઈ લાગી હતી. મીડિયામાં ઑલરેડી ચર્ચા થઈ રહી હતી કે પી. ચિદમ્બરમને કૉમર્સ મિનિસ્ટ્રી અથવા તો ટેલિકમ્યુનિકેશન્સ મિનિસ્ટ્રી સોંપવામાં આવશે. સંજય બારુએ ચિદમ્બરમના સવાલના જવાબમાં આ માહિતી આપી પણ ખરી. આની સામે ચિદમ્બરમ ગુસ્સાથી બોલ્યા, ‘મિસ્ટર એડિટર, હું અગાઉ ફાઈનાન્સ મિનિસ્ટર રહી ચૂક્યો છું! તમે એમ માનો છો કે હું સિનિયર કેબિનેટ પોસ્ટ કરતાં ઓછું કંઈ પણ સ્વીકારું એવો છું?’

ફાઈનાન્સ મિનિસ્ટરની ઑફિસ રાયસીના હિલ પર પ્રાઈમ મિનિસ્ટરની ઑફિસની જોડે હોય છે. અહીં જ વિદેશમંત્રી, સંરક્ષણ મંત્રી અને ગૃહ મંત્રીની ઑફિસો પણ હોય છે. દિલ્હીના નૉર્થ અને સાઉથ બ્લૉક્સના આ સૌ સર્વોચ્ચ માનનીય હોદ્દેદારો છે. તેઓ સૌ કેબિનેટ કમિટી ઑન સિક્યુરિટી (સી.સી.એસ.)ના પણ સભ્યો છે. નૅશનલ સિક્યુરિટી અને ન્યુક્લીયર પાવરનું મહત્ત્વ જે રીતે અત્યારના જમાનામાં વધી રહ્યું છે તે જોતાં સી.સી.એસ.ની વગ પણ ઘણી વધી ગઈ છે. 

સંજય બારુએ ચિદમ્બરમને પૂછ્યું કે તમને રાયસીના હિલ પર જગ્યા નહીં મળે તો તમે શું કરશો? 

ચિદમ્બરમે કહ્યું કે, ‘હું (પાર્લામેન્ટમાં) પાછલી પાટલીએ બેસવાનું પસંદ કરીશ’ અર્થાત્ ત્રાગું કરીશ અને રિસાઈ જઈશ. 

‘સરસ’, સંજય બારુએ એમને હસતાં હસતાં કહ્યું, ‘એનો અર્થ એ થયો કે તમે મારા પેપરમાં ફરી કૉલમ લખવાનું શરૂ કરશો.’ 

પી. ચિદમ્બરમ મે 2004માં સત્તા પર પાછા આવ્યા તે પહેલાં ‘ધ ફાઈનાન્શ્યલ એક્સ્પ્રેસ’માં વીકલી કૉલમ લખતા હતા. 

પણ સંજય બારુની મજાક માત્ર મજાક જ રહી. ચિદમ્બરમને ફરી પાછી પોતાની કૉલમ શરૂ કરવાનો વારો ન આવ્યો. સાંજ પડતાં સુધીમાં પોર્ટફોલિયોની ફાળવણી વિશે જાહેરાત થવા માંડી. ચિદમ્બરમને ફાઈનાન્સ મિનિસ્ટર બનાવવામાં આવ્યા હતા. 

પૃથ્વીરાજ ચૌહાણને પી.એમ.ઓ. (પ્રાઈમ મિનિસ્ટર્સ ઑફિસ) માટેના મિનિસ્ટર ઑફ સ્ટેટનો હોદ્દો આપવામાં આવ્યો હતો. સંજય બારુએ પૃથ્વીરાજ ચૌહાણને ફોન કરીને પૂછ્યું કે આવું કેવી રીતે બન્યું. પૃથ્વીરાજ ચૌહાણે કહ્યું કે પી.એમ.ને સલાહ આપવામાં આવી કે ફાઈનાન્સ જેવો હેવી પોર્ટફોલિયો તમારે તમારી પાસે નહીં રાખવો જોઈએ, કારણ કે સરકાર અને સાથી પક્ષોને સાચવવામાંથી તમે ઊંચા આવવાના નથી. 

સંજય બારુએ આ વાત ‘ધ ઍક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’માં લખી છે અને ફિલ્મમાં પણ તમે જોઈ છે. જે વાત નથી લખી તે તમારે બિટ્વીન ધ લાઈન્સ વાંચી લેવાની છે. ચિદમ્બરમે સોનિયા ગાંધી કે સોનિયાના પિઠ્ઠુ એવા અહમદ પટેલની આગળ જઈને ત્રાગું કર્યું હશે કે મને જો ફાઈનાન્સ મિનિસ્ટર નહીં બનાવો તો હું ફરી પાછો પાર્ટી છોડીને જઉં છું અને મારા ટેકેદારોને પણ લેતો જાઉં છું. સરકારની નૈયા ડગુમગુ કરીને ચિદમ્બરમે પોતાનું ધાર્યું નિશાન તાક્યું અને સોનિયાએ મનમોહનને હાથ પાછળથી જોસથી મરડીને કહ્યું કે તમે ભલે નરસિંહ રાવના વખતમાં ફાઈનાન્સ મિનિસ્ટર તરીકે નેત્રદીપક કામગીરી બજાવી અને ભૂતકાળમાં રિઝર્વ બૅન્કનું ગવર્નરપદ પણ સંભાળ્યું હોય અને ઈકોનોમિસ્ટ તરીકે દેશમાં-દુનિયામાં તમે ભલે સુપ્રસિદ્ધ હો, પણ કૃપા કરીને આપશ્રી જહન્નમમાં જાઓ અને વ્યવસાયે વકીલ એવા પી. ચિદમ્બરમને એમના ગોટાળાઓ કરવા માટે દેશની તિજોરીમાંનું ધન પોતાની તિજોરીમાં ઠાલવવાની સગવડ કરવા માટે એમને ફાઈનાન્સ મિનિસ્ટર બનાવો અને એને કારણે તમે જ્યાં જાઓ ત્યાં જ આ દેશ પણ જતો હોય તો મારી સાસુના કેટલા ટકા. 

આ બધું બિટ્વીન ધ લાઈન્સ વાંચવાનું હોય. પ્રધાનમંત્રીને કહેવામાં આવે કે ભૈસાબ તમારાથી ફાઈનાન્સ મિનિસ્ટ્રી જેવી ભારેખમ જવાબદારી નિભાવી નહીં શકાય એનો મતલબ વળી બીજો શું થાય? 

સોનિયા ગાંધીની મહેરબાનીથી વડા પ્રધાન બનેલા મનમોહન સિંહે એમના પાંચ વત્તા પાંચ એમ કુલ દસ વર્ષના કાર્યકાળમાં આવા તો અનેક કડવા ઘૂંટડા ગળવાના આવ્યા. વારંવાર અપમાનો સહન કર્યા પછી પણ મનમોહન સિંહે સોનિયાના મોઢા પર રાજીનામું ફેંકીને વડા પ્રધાનની બંધારણીય સત્તાનો બચાવ ન કર્યો એ પુરવાર કરે છે સ્વાભિમાનના ભોગે મનમોહન સિંહ સત્તાને ચીટકી રહેવા માગતા હતા. ભારતનું કમનસીબ છે કે આ દેશની પ્રજાએ પૂરા એક દાયકા સુધી એક સ્પાઈનલેસ, કરોડરજ્જુ વિનાના વડા પ્રધાન ચલાવી લેવા પડ્યા. એટલું જ નહીં એમને કઠપૂતળીની જેમ નચાવતાં સોનિયા તથા સોનિયાની ટોળકીની ચાલબાજીઓને કારણે દેશે ભયંકર મોટું નુકસાન સહન કરવું પડ્યું. સોનિયાના મુસ્લિમ સલાહકારોની સલાહને લીધે ભારતે 2004થી 2014 દરમ્યાન પાકિસ્તાન દ્વારા રેગ્યુલરલી મોકલવામાં આવતા આતંકવાદી સામે કોઈ કાર્યવાહી ન કરી. મુંબઈની ટ્રેનોમાં થયેલા સિરિયલ બૉમ્બબ્લાસ્ટ તથા 26/11ના હૉટેલ તાજ-ઑબેરોય તથા સી.એસ.ટી. સહિતના સ્થળોએ થયેલા આતંકવાદી હુમલાઓમાં કુલ 400થી વધુ નિર્દોષ નાગરિકો માર્યા ગયા તે છતાં ભારતે પાકિસ્તાન વિરુદ્ધ સર્જિકલ સ્ટ્રાઈક્સ તો ન જ કરી, પાકિસ્તાન સાથે ચાંદલિયાની કે ફટાકડાની બંદૂક પણ ન ફોડી. શું કારણ? આપણી સરકારમાં, આપણી સિક્યુરિટી એજન્સીઓમાં તેમ જ આપણા સમાજમાં ઠેર ઠેર એવા લોકો હતા જેઓ આતંકવાદીઓને સીધી યા આડકતરી મદદ કરતા, નાણાકીય કે લોજિસ્ટિકલ સહાય કરતા અને એ સૌને સોનિયાની ટીમ સાચવી લેતી, આશીર્વાદ આપતી, ઉત્તેજન આપતી જેના પુરાવાઓ મિનિસ્ટરી ઑફ હોમ અફેર્સમાં ઉચ્ચ હોદ્દા પરની જવાબદારી બજાવીને નિવૃત્ત થયેલા એક દેશભક્ત અફસરે ઑલરેડી મીડિયામાં બહાર પાડી છે, પુસ્તક પણ લખ્યું છે પણ કમનસીબે એ વાતો પર મીડિયાએ પડદો નાખી દીધો છે. આપણે ઊંચકીશું ભવિષ્યમાં. 

‘ધ ઍક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’માં લખ્યું છે અને ફિલ્મમાં બતાવ્યું છે એમ ડૉ. મનમોહન સિંહે એમના કાર્યકાળ દરમ્યાન ઓછામાં ઓછી બે વાર સોનિયા ગાંધીને પોતાના રાજીનામાનો પત્ર સોંપી દીધો હતો. ડૉક્ટરસાહેબનું એ ત્રાગું હતું. રાજીનામું આપવું હોય તો સીધું રાષ્ટ્રપતિને મોકલી આપવાનું હોય. સોનિયા શું દેશના રાષ્ટ્રપતિ કરતાં પણ વધુ મહત્ત્વનો હોદ્દો ધરાવતાં હતા? સોનિયા ગાંધી એક રાજકીય પક્ષના પ્રમુખ માત્ર હતા. બહુ બહુ તો કહો કે ગઠબંધનના પક્ષોએ રચેલા સંગઠનના ચૅરપર્સન હતા. ઉપરાંત દેશમાં ક્યારેય જેનું અસ્તિત્વ નહોતું એવી, પૅરેલેલ સરકાર – કહો કે સરકારની પણ સરકાર, એવી નૅશનલ ઍડવાઈઝરી કાઉન્સિલ (એન.એ.સી.)નાં ચૅરપર્સન હતાં. આ એન.એસ.સી.ના ગતકડાનું 2014ના મે ની 25મીએ પડીકું વાળી દેવામાં આવ્યું. ભારતના બંધારણની ઐસીતૈસી કરીને સોનિયા ગાંધીએ એન.એ.સી. રચી જેથી મનમોહન સિંહની ચોટલી પોતાના હાથમાં રાખી શકે. 

‘ધ ઍક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’ વિશે આગળ વાત કરતાં થોડુંક રિવિઝન કરી લઈએ. 2004માં ભાજપની હાર થઈ ત્યારે સોનિયા ગાંધી વડાં પ્રધાન બનવા માટે આતુર હતા. એમણે પોતાના સંસદસભ્યો પાસે રાષ્ટ્રપતિને પત્રો મોકલાવ્યા હતા કે અમારે વડાં પ્રધાન તરીકે સોનિયા ગાંધી જોઈએ છે. ખુદ સોનિયા ગાંધીએ પણ સંસદસભ્ય તરીકે પત્ર મોકલીને રાષ્ટ્રપતિને કહ્યું હતું કે હું (સોનિયા ગાંધી) સોનિયા ગાંધીને વડાં પ્રધાન તરીકે જોવા માગું છું. આ વાત ડૉ. સુબ્રહ્મણ્યમ સ્વામીએ એમના એક જાહેર પ્રવચનમાં કહી છે. એમણે રાષ્ટ્રપતિભવનમાં આ પત્રો સગી આંખે જોયા છે. સોનિયા ગાંધીએ વડાં પ્રધાન ન બનીને કશો ત્યાગબ્યાગ નથી કર્યો. તમામે તમામ પ્રયત્નો, કાવતરાં, છટપટાહટો નિષ્ફળ ગયાં બાદ બહેનશ્રીએ વડા પ્રધાનપદનો ‘ત્યાગ’ કરવાની ઘોષણા કરી. મુખ્ય બે કારણો હતા. એક જનઆક્રોશ. ભારતીય પ્રજામાં એમના વિરુદ્ધ જબરજસ્ત જુવાળ ઊભો થયો હતો. રાજકીય પક્ષોના અનેક આગેવાનો આ આક્રોશને સાથ આપી રહ્યા હતા. સુષમા સ્વરાજે તો જાહેર કર્યું હતું કે જો સોનિયા વડાં પ્રધાન બનશે તો હું માથું બોડાવીને સાધ્વીનો વેશ ધારણ કરીશ. કૉન્ગ્રેસ સિવાયના બીજા પક્ષો (જેમાં કેટલાક તો કૉન્ગ્રેસના સાથી પક્ષો હતા) પણ નહોતા ચાહતા કે એક વિદેશી મહિલા ભારત પર રાજ કરે. 

બીજો મુદ્દો ટૅક્નિકલ હતો. સોનિયા ગાંધીએ રાજીવ ગાંધીને પરણ્યાના દાયકા કરતાં વધુ સમય સુધી પોતાની ઈટાલિયન સિટીઝનશિપ છોડી નહોતી. ભારતીય પાસપોર્ટ તો એમણે ઘણો મોડો મેળવ્યો. ભારતના સંરક્ષણ દળોનો નિયમ છે કે કોઈપણ જવાન-અફસર વિદેશી મહિલા સાથે લગ્ન કરવા માગતો હોય તો એણે સૌ પ્રથમ સરકારની પરવાનગી લેવી પડે. ઘણી આકરી પૂછપરછ પછી આવી પરવાનગી મળે તો મળે, ના પણ મળે. એક અફસર પાસે હોઈ હોઈને કેટલી ખાનગી માહિતી હોય જે લીક થાય તો દેશનું નુકસાન થાય? અને એની સામે એક પ્રધાનમંત્રી પાસે કેટકેટલી ખાનગી માહિતી હોવાની? કોઈ સ્ક્રુટિની વિના એવી વ્યક્તિને આવા હોદ્દા પર બેસાડી દેવાય? 

વધુ મોટો ટૅક્નિકલ મુદ્દો તો ડૉ. સુબ્રહ્મણ્યમ સ્વામીએ રાષ્ટ્રપતિને પત્ર લખીને ઊભો કર્યો જેના સંદર્ભમાં રાષ્ટ્રપતિએ એમને રૂબરૂ મળવા બોલાવ્યા. આ મુલાકાતને કારણે રાષ્ટ્રપતિ સોનિયા ગાંધીને વડા પ્રધાનપદનો દાવો કરવા માટે આપેલું આમંત્રણ પાછું ખેંચી લીધું. ડૉ. અબ્દુલ કલામે દેશ પર કરેલો આ સૌથી મોટો ઉપકાર હતો. સ્વામીએ પોતાના પત્રમાં શું લખેલું તેની કાલે વાત કરીને ‘ધ. એ.પી.એમ.’ વિશેની રોચક વાતો આગળ લંબાવી શું. એક થ્રિલર જ છે આ. દેશને આવી થ્રિલરોની કંઈ જરૂર નથી હોતી છતાં આવી ઘટનાઓ 2004થી 2014માં બનતી રહી તે આપણા સૌનું કમનસીબ અને 2014 પછી દેશ આમાંથી બહાર આવી ગયો તે આપણું સદ્નસીબ.

આજનો વિચાર

પ્રોમિસ ડે નિમિત્તે વાઈરલ થયેલો ‘મરીઝ’નો શેર 

મિલનના કોલ વિના એની રાહ ના જોવી
એ મશ્કરી છે મહોબતની, ઈન્તેઝાર નથી. 

– મરીઝ 

એક મિનિટ!

બકાએ આજે પહેલીવાર વાસણ ધોયાં. એના ટેનામેન્ટમાં રસોડાની બહાર ચોકડીમાં એને વાસણ ધોતા જોઈ ગયેલી પડોશણે બકાની વાઈફ બકીને કહ્યું, ‘કાશ, આ મારો વર હોત તો!’

બકીએ બકાને ધમકાવતા કહ્યું: ‘ખબરદાર, જો આજ પછી ક્યારેય વાસણો ધોયાં છે તો…!’

10 COMMENTS

  1. Sir..waiting for golden opportunity to be a member of your group as n when you feel proper to include me.It would be my pleasure sir..

  2. સોનિયા અને તેના ખાનદાની ગુલામો ને કારણે દેશ નુ ભયંકર નુકસાન થયુ હોવા છતા આ દેશ ની ગુલામ જાતિ ના લોકો સુધરવા ના નથી ગદદારો ની ગણતરી કાલે પ્રિયંકા ની રેલી મા સાબિત થઇ આ દેશ મા ગદદારો ને ગુલામો ની વસ્તી ઓછી નથી

  3. Congress Parliament Party had elected/selected Sonia as their leader,ALL parties of UPA had submitted their letters of support to the President in favour of Sonia.Sonia and Manmohan reached the Rashtrapatibhavan to stake their claim and invitation from the President for Sonia to form a Govt with Sonia as PM,What happened during the meeting with the President is still the biggest mystery of Indian politics.After the meeting with the President Sonia and Manmohan came out from the Rastrapatibhavan and their Sonia had announced that Manmohan will take the other as PM.Till today it is being touted by the Congress as sacrifice by Sonia while in reality it was not, as Sonia had met the President for the invitation for herself and not for Manmohan.The entire drama was telecated live by the DD National .The claim of Subramaniam Swami is still subject to the verification

  4. ગાંધી ખાનદાન ની અસલિયત.
    આ તો પાશેરા માં પહેલી પૂળી છે.

  5. Very much exited for tommorow ‘a article. ગજબનું વર્ણન કરો છો બોસ.બુક સિવાયની હકિકતો લેખ ને જુદી જ ઉંચાઈ પર લઈ જાય છે. મજા આવી ગઈ. આભાર સૌરભભાઈ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here