સોનિયાના કયા ડરથી મનમોહનસિંહ પીએમ બન્યા

ગુડ મૉર્નિંગ – સૌરભ શાહ

( મુંબઇ સમાચાર : બુધવાર, 13 ફેબ્રુઆરી 2019)

રાષ્ટ્રપતિને લખેલા પત્રમાં સુબ્રમણ્યમ સ્વામીએ અબ્દુલ કલામસાહેબનું ધ્યાન દોર્યું હતું કે ભારતના કાયદા મુજબ વિદેશમાં જન્મેલી વ્યક્તિ ભારતીય નાગરિકત્વ સ્વીકારી લે તો પણ એને ભારતમાં એટલા જ હક્ક મળે જેટલા હક્ક પેલો ભારતમાં જન્મેલી વ્યક્તિને એ દેશનું નાગરિકત્વ સ્વીકાર્યા પછી આપતો હોય. ઈટલીના કાયદા મુજબ ભારતમાં જન્મેલી વ્યક્તિ ઈટલીની સિટીઝનશિપ સ્વીકારી લે તો પણ એ ઈટલીની વડા પ્રધાન બની શકે નહીં.

વાત પૂરી થઈ ગઈ. સ્વામીના કહેવા મુજબ એ કાયદો પાછળથી રદ થયો હતો છતાં બંધારણીય રીતે એના રદબાદતલપણાને પણ પડકારી શકાય એમ છે. સ્વામીનો પત્ર મળતાં જ રાષ્ટ્રપતિ ભવનમાં ભૂકંપ આવ્યો. રાષ્ટ્રપતિએ સ્વામીને મળવા બોલાવ્યા. આ મુલાકાત પછી સાંજે રાષ્ટ્રપતિએ સોનિયાને સરકાર રચવા માટેનું આમંત્રણ આપવા બોલાવ્યાં હતાં તે મુલાકાત રદ કરતો પત્ર રાષ્ટ્રપતિએ તાબડતોબ સોનિયાના ઘરે મોકલી આપ્યો. આ દરમ્યાન રાષ્ટ્રપતિએ સોનિયા સુધી સ્વામીના પત્રની ક્ધટેન્ટ વિશે જાણકારી આપી દીધી હોવી જોઈએ અને દેશમાં બંધારણીય કટોકટી ન સર્જાય તે માટે પોતે સોનિયા ગાંધીને વડા પ્રધાનપદના શપથ દેવડાવી નહીં શકે એવું પણ સમજાવ્યું હોવું જોઈએ, કારણ કે બીજે દિવસે સવારે સોનિયા જ્યારે રાષ્ટ્રપતિને મળ્યાં ત્યારે એ મુલાકાત પછી સોનિયાએ પોતાના ‘ત્યાગ’ની વાત મીડિયા સમક્ષ મૂકી. રાજમાતાએ કરેલા આ ત્યાગને કૉન્ગ્રેસી નેતાઓની ટોળકીએ ખૂબ ઉછાળીને પોતાની વફાદારીનું પ્રદર્શન કર્યું. કૉન્ગ્રેસી કાર્યકરો પણ છાતી કૂટવા લાગ્યા, આત્મહત્યા કરવાના પ્રયાસો સુધ્ધાં થયા. કૉન્ગ્રેસ કલ્ચરમાં ઘૂસી ગયેલા ગુલામ-માનસનું આ વરવું પ્રદર્શન હતું.

સ્ત્રૈણ અદાઓ, સ્ત્રૈણ અવાજ અને સ્ત્રૈણ મિજાજ ધરાવતા ડૉ. મનમોહનસિંહે વડા પ્રધાનપદ પર ચિટકી રહેવા માટે સોનિયા ગાંધીએ કરેલાં પોતાનાં તમામ અપમાનો સહન કર્યાં, દેશને થતું નુકસાન નજરઅંદાજ કરીને પણ એકાદબે બાબતો સિવાય અઠ્ઠાણું ટકા બાબતોમાં સોનિયાની હામાં હા પુરાવ્યા કરી. આ દસ વર્ષ દરમ્યાન પોતાનો કોઈ વાંક આવે નહીં એ રીતે, દોષનો ટોપલો વડા પ્રધાન પર ઢોળાય એ રીતે, સોનિયા અને એમનાં કુટુંબીઓએ, સોનિયા અને એમના કૉન્ગ્રેસી ચમચાઓએ તેમ જ સરકારની બ્યૂરોક્રસીમાં છેક ઉપરથી નીચલા સ્તરના અધિકારી-કર્મચારીઓએ આ દેશને બોડી બામણીના ખેતરની જેમ ચૂંથી નાખ્યો. જગતના કોઈ પણ દેશમાં વડા પ્રધાન તરીકે કોઈ કઠપૂતળીને બેસાડીને પૂરા એક દાયકા સુધી અમુક લોકોએ ઑફિશિયલી દેશનું શોષણ કર્યું હોય એવો દાખલો તમને નહીં મળે.

ડૉ. મનમોહનસિંહ જાણતા હશે કે પોતાનામાં પી.એમ. બનવાની લાયકાત નથી. તેઓ એ પણ જાણતા હશે કે પોતે કૉન્ગ્રેસના પાવરફૂલ નેતા હોત તો એમને સોનિયાએ આ પદ પર બેસાડ્યા જ ન હોત. સોનિયાને કહ્યાગરા માણસની જરૂર હતી. ઊઠ કહે તો ઊઠી જાય અને બેસ કહે તો બેસી જાય અને ચૂપ કહે તો ચૂપ થઈ જાય એવા કર્મચારીની જરૂર હતી. 2004માં કૉન્ગ્રેસના પાવરફૂલ નેતાઓમાં પ્રણવકુમાર મુખર્જીનું નામ સૌથી પહેલું આવે. નરેન્દ્ર મોદીએ જેમને ભારતરત્નથી નવાજયા છે એ પ્રણવ મુખર્જીને છેક 1969માં ઈન્દિરા ગાંધીએ રાજ્યસભામાં મોકલ્યા હતા. ઈંદિરા ગાંધીના સૌથી વફાદાર સાથીઓમાંના એક એવા પ્રણવકુમાર મુખર્જી 1982માં સૌપ્રથમ વાર દેશના નાણામંત્રી બન્યા હતા. ઈન્દિરા ગાંધીની હત્યા પછી પ્રણવકુમાર મુખર્જી જ દેશના વડા પ્રધાન બનશે એવો માહોલ હતો, પણ ‘ઈન્દિરા ગાંધી કહેશે તો હું ઝાડુ મારવા પણ તૈયાર છું’ એવું કહેનાર રાષ્ટ્રપતિ ઝૈલ સિંહે નીતિમત્તાને કોરાણે મૂકીને અને કાયદાનિયમોની ઐસીતૈસી કરીને તાબડતોબ રાજીવ ગાંધીને વડા પ્રધાનપદના સોગંદ આપી દીધા. 1985થી 1989ના ગાળામાં પ્રણવકુમારે રિસાઈને પોતાની દુકાન ‘રાષ્ટ્રીય સમાજવાદી કૉન્ગ્રેસ’ નામે શરૂ કરી. પછી રાજીવ ગાંધી સાથે હાથ મિલાવી દીધા.

પ્રણવકુમાર મુખર્જી ઉપરાંત અર્જુન સિંહ પણ કૉન્ગ્રેસમાં વડા પ્રધાનપદના દાવેદાર ગણાતા, પણ પક્ષનો શક્તિશાળી નેતા જો વડા પ્રધાન બનશે તો એ પોતાનું કહ્યું નહીં માને એવી સોનિયાને ભીતિ હતી, સાચી ભીતિ હતી. એટલે જ એમણે ન ભણાવે અને ન મારે એવા માસ્તરને ક્લાસમાં મોકલી આપ્યા. મનમોહનસિંહે એક વાર વાજબી રીતે જ કહેલું કે પોતે તો અકસ્માતે પીએમ બની ગયા છે, આય એમ એન એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર.

સંજય બારુએ આ સચોટ શબ્દપ્રયોગ પકડી લઈને પી.એમ.ઓ.માંથી નિવૃત્ત થયાના પાંચેક વર્ષ બાદ ‘ધ ઍક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’ નામની કિતાબ લખી જેના પ્રકાશનના પાંચ વર્ષ બાદ આ જ નામની અફ્લાતૂન ફિલ્મ બની જેમાં અનુપમ ખેરે હુબહુ મનમોહનસિંહને સિલ્વર સ્ક્રીન પર જીવંત કર્યા છે. જે લોકો અનુપમ ખેરે એક્સ-પી-એમની મિમિક્રી કરી છે. એવું કહીને આ સુંદર ફિલ્મની તથા અનુપમ ખેર જેવા અનુભવી અને ટોચના ફિલ્મ કલાકારની ટીકા કરતા હોય એમણે યુ ટ્યુબ પર જઈને મનમોહનસિંહ વિશેની વીડિયો જોઈ લેવી. બરાક ઓબામા ઈન્ડિયા આવ્યા ત્યારે મોદીજીએ એમના સન્માનમાં યોજેલા સમારંભમાં યુપીના તે વખતના સીએમ અખિલેશ યાદવ પણ હાજર હતા. અખિલેશ જેવા ગલીના મવાલી કક્ષાના રાજકારણીને પ્રોજેક્ટ કરવા કોઈએ દોઢ મિનિટની એક ક્લિપ અપલોડ કરી છે. રાઈટ શબ્દો નાખીને સર્ચ કરશો તો મળી જશે. એમાં મનમોહનસિંહની એન્ટ્રી થાય છે ત્યારે તમને અદ્દલોદલ ‘ટીએમપીએમ’માં અનુપમ ખેર જે રીતે બે હાથ આગળ રાખીને જપાની મહિલા કિમોનો પહેરીને સરકતી ચાલે ચાલતી દેખાય એવી રીતે ચાલે છે તે યાદ આવે. અનુપમ ખેરે મનમોહન સિંહની સ્ત્રૈણ અદાઓને આબાદ પકડી છે. ક્યાં એ પીએમની આ ચાલ અને ક્યાં આજના પીએમની સિંહ જેવી મર્દાનગીભરી ચાલ.

પિક્ચર અભી બાકી હૈ.

આજનો વિચાર

સ્મશાને જતી વખતે કારમાં જી.પી.એસ. વાપરવું નહીં. પેલી ગૂગલ કાકી બોલે ન્યૂ હૅવ રિચ્ડ યૉર ડેસ્ટિનૅશન’ તો કેવું લાગે!

– વૉટ્સઍપ પર વાંચેલું

એક મિનિટ!

બકો: કાલે 14મી ફેબ્રુઆરી છે. સૌએ ખજૂર ખાવું જોઈએ.

પકો: કેમ વળી?

બકો: જેથી કહી શકાય કે આય હૅડ અ ‘ડેટ’ ઑન વેલેન્ટાઈન્સ ડૈ!

5 COMMENTS

  1. સ્ત્રૈણ અદાઓ, સ્ત્રૈણ મિજાજ, સ્ત્રૈણ અવાજ… કઠપૂતળી… વંશના ગુલામો અને દોઢ ચોખલીયાઓને આ શબ્દો બહુ આકરા લાગે પણ તદ્દન સચોટ ઉપમાઓ છે… નાનપણથી આજ સુધી જ્યારે પણ MMS ને ફોટોમાં કે TV screen ઉપર જોયા છે ત્યારે હંમેશા મનમાં આવી જ છાપ પડી છે…

  2. Thank you for providing us such insightful analysis. I always had a question in mind. I think probably you can help with your analysis. ManMohan Singh knew he is a puppet. Probably at that time he didn’t have any other option due to political situation. But considering his own stature why is he still connected to Congress. After so much hurt to his self respect, how can a person survive with such people.

  3. સંજય બારુ અને આપને અભિનંદન.
    આપ બંને નો ઘણો જ આભાર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here