સંજય બારુને નવી દિલ્હીથી મનમોહન સિંહની ઑફર આવી

ગુડ મૉર્નિંગ – સૌરભ શાહ

( મુંબઇ સમાચાર : ગુરુવાર, 14 ફેબ્રુઆરી 2019)

‘ધ ઍક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’માં પત્રકાર સંજય બારુુ લખે છે કે 2004ની 22 મેના રોજ ડૉય. મનમોહન સિંહે વડા પ્રધાન તરીકે સોગંધ લીધા એ પછી બારુને નવી દિલ્હીથી પી.એમ.ના પ્રિન્સિપલ સેક્રેટરીનો ફોન આવ્યો. એ દિવસે સંજય બારુ દિલ્હીમાં નહોતા, હૈદરાબાદમાં એમના પેરેન્ટ્સના ઘરે હતા. એ દિવસે સંજય બારુની 50મી વર્ષગાંઠ હતી. શુક્રવાર, 28મીએ ફોન આવ્યો: ‘પી.એમ. આજે સાંજે તમને મળવા માગે છે.’ પણ એ શક્ય નહોતું. સોમવારે સવારે સંજય બારુ નવી દિલ્હીમાં 7, રેસકોર્સ રોડ પરના વડા પ્રધાનના નિવાસસ્થાને પહોંચ્યા. લ્યુટેન્સ દિલ્હી અને ડિપ્લોમેટિક એન્ક્લેવને અડીને આવેલા ‘સેવન આરસીઆર’ તરીકે ઓળખાતું વડા પ્રધાનનું ‘ઘર’ એક વિશાળ જગ્યા છે. 

લ્યુટેન્સ દિલ્હી વિશે તમારે થોડું જાણી લેવું જોઈએ, કારણ કે આજકાલ ‘લ્યુટેન્સ મીડિયા’ શબ્દપ્રયોગ બહુ પ્રચલિત થવા લાગ્યો છે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ વાપરતા થઈ ગયા છે. બ્રિટિશ રાજ વખતે સર ઍડ્વિન લ્યુટેન્સ નામના આર્કિટેક્ટે નવી દિલ્હીનો વિસ્તાર ડિઝાઈન કર્યો, ઘણાં બધાં સ્ટ્રક્ચર્સનું આર્કિટેક્ચર એનું છે. ઍડ્વિન લ્યુટેન્સ અને એના સાથી આર્કિટેક્ટ હર્બર્ટ બેકર તેમ જ એમની ટીમે દિલ્હીના સંસદભવનની ડિઝાઈન બનાવી છે. નવી દિલ્હીના ઈન્ડિયા ગેટ, રાષ્ટ્રપતિભવન (ઓરિજિનલી વાઈસરોય હાઉસ) તથા હૈદરાબાદ હાઉસ જેવાં લૅન્ડમાકર્સ પણ લ્યુટેન્સ તથા એની ટીમની ડિઝાઈનની નીપજ છે. નવી દિલ્હીનો સૌથી પૉશ વિસ્તાર લ્યુટેન્સ બંગલો ઝોન (એલ.બી.ઝેડ.) છે. લગભગ 25 કે 26 ચોરસ કિલોમીટરના એ વિસ્તારમાં કુલ એકાદ હજાર જેટલા વિશાળ-ભવ્ય બંગલોઝ છે, બાકીની હરિયાળી છે – ગાર્ડન્સ અને પાકર્સ અને પહોળા રસ્તાઓ છે. આ બધું લ્યુટેન્સ તથા એની ટીમે ડિઝાઈન કર્યું છે. આ આખા વિસ્તારની 90 ટકા જમીન સરકારી માલિકીની છે, બાકીની દસેક ટકા જમીન પ્રાઈવેટ માલિકીની છે. 12 એકરમાં પથરાયેલું વડા પ્રધાનનું નિવાસસ્થાન પણ અહીં જ છે. (રેસકોર્સ રોડ 2016થી લોક કલ્યાણ માર્ગના નામે ઓળખાય છે). લાલ બહાદુર શાસ્ત્રી વડા પ્રધાન હતા ત્યારે 10, જનપથ પર રહેતા. એમનું અકાળે અવસાન થયા પછી કૉન્ગ્રેસ પાર્ટીએ એને હડપ કરીને પક્ષનું હેડક્વાર્ટર બનાવી દીધું અને એક નાનકડા હિસ્સામાં કહેવા ખાતરનું શાસ્ત્રીજીનું મ્યુઝિયમ બનાવ્યું. અત્યારે 10, જનપથમાં રાજમાતા સોનિયા બિરાજે છે. એમનાં કુંવર કોઈ બીજા સરકારી બંગલામાં રહે છે. એમના જમાઈ-પુત્રી પણ ત્રીજા-ચોથા સરકારી બંગલાઓમાં રહે છે. 

વાત નીકળી જ છે તો જાણી લઈએ કે ‘સેવન આરસીઆર’નો પી.એમ.નો બંગલો એક બંગલો નથી, 1, 3, 5, 7 અને 9 એમ પાંચ બંગલોનો સમૂહ છે. 1 નંબર પર હેલિપેડ છે. 3માં મનમોહન સિંહ પીએમ હતા ત્યારે રહેતા હતા, હવે પીએમનું ગેસ્ટહાઉસ છે. 5 અને 7 વર્તમાન વડા પ્રધાનના નિવાસસ્થાન તેમ જ એમની અનૌપચારિક ઑફિસ તરીકે ઉપયોગમાં લેવાય છે. 9 નંબરમાં સ્પેશ્યલ પ્રોટેક્શન ગ્રુપ (એસ.પી.જી.)ના ગાડર્સ માટે અનામત છે. 2010માં આ ‘સેવન આરસીઆર’ના પંચવટી કૉમ્પ્લેક્સથી દિલ્હીના સફદરજંગ ઍરપોર્ટ સુધીની દોઢ કિલોમીટર લાંબી ટનલ બનાવવાનું કામ શરૂ થયું જે 2014માં પૂરું થયું. આ ભૂગર્ભ માર્ગ સૌથી પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વાપર્યો. 

લ્યુટેન્સ ઝોનમાં મોટા મોટા પ્રધાનો, વગદારોના બંગલોઝ છે. આ સત્તાધારી લોકોની ચાપલૂસી કરીને જે પ્રિન્ટ તથા ઈલેક્ટ્રોનિક મીડિયા 2004થી 2014 દરમ્યાનના દાયકામાં તગડું થયું તે સેક્યુલર, સામ્યવાદી મીડિયાને હવે લ્યુટેન્સ મીડિયાની તિરસ્કૃત ઓળખાણ આપવામાં આવી છે. 

વડા પ્રધાનના નિવાસની એક તરફ લ્યુટેન્સ ઝોન છે, બીજી તરફ દુનિયાભરના દેશોના ડિપ્લોમેટ્સનાં ઘરો-ઑફિસો છે જે ડિપ્લોમેટિક એન્કલેવ તરીકે ઓળખાય છે. લ્યુટેન્સ મીડિયા તે વખતના સત્તાધારી પક્ષના ખોળામાં ગલૂડિયાની જેમ રમતું અને રાડિયા ટેપ્સનું કૌભાંડ બહાર આવ્યું ત્યારે પુરવાર થયું કે આ મીડિયા સત્તાધારીઓ માટે લૉબીઈંગ કરતું, એમના વતી દલાલી કરતું અને બદલામાં જે બિસ્કુટના ટુકડા ફેંકાતા તેને હોંશેહોંશે આરોગીને જે ઓડકાર ખાતું તે આપણને એમના છાપાના ફ્રન્ટ પેજ પર તથા એની ટીવી ચેનલોના પ્રાઈમ ટાઈમની ચર્ચાઓ દરમ્યાન સાંભળવા મળતા. ભલું થજો વર્ષ 2014નું કે નવી સરકાર આવ્યા પછી કેટલાક મીડિયા એવા ઊભર્યા છે જેઓના હૈયે દેશહિત વસે છે અને જેઓ લ્યુટેન્સ મીડિયાની હરકતોને ઉઘાડી પાડીને આપણી આંખોમાં નખાતી ધૂળને સાફ કરે છે. 

સંજય બારુ સોમવાર, 31 મેના રોજ સવારે ‘સેવન આરસીઆર’ પર વડા પ્રધાનને મળવા ગયાં. સ્વાભાવિક રીતે જ અહીં સિક્યોરિટી એકદમ સખ્ત હોવાની. બારુએ પોતાના પુસ્તકમાં એનું વર્ણન કર્યું છે. પીએમના પર્સનલ સેક્રેટરી દ્વારા જે નામો એસ.પી.જી.ને મળ્યાં હોય એમને જ પ્રવેશ મળે. બહારના પ્રથમ ગેટમાંથી તમે તમારી કારમાંથી અંદર બીજા ગેટ સુધી પહોંચો એટલે ત્યાં તમારી ગાડી છોડી દેવાની. માત્ર પ્રધાનો, વિદેશી મહાનુભાવો તેમ જ બીજા કેટલાક ઉચ્ચ અધિકારીઓને જ બીજા ગેટમાંથી ગાડી આગળ લઈ જવાની પરવાનગી મળે. ત્યાંથી પછી એમણે પણ એસ.પી.જી.ના વેહિકલમાં પી.એમ. હાઉસ સુધી પહોંચવાનું હોય. બાકીનાઓએ ચાલીને વિઝિટર્સ રૂમ સુધી જવાનું અને ત્યાં પોતાનો મોબાઈલ ફોન ડિપોઝિટ કરાવી દેવાનો. પછી એમનું સ્ક્રીનિંગ થાય. એ પછી એમને પણ એસ.પી.જી.ની મારુતિ કાર્સના કાફલામાં પી.એમ.ના ઘર સુધી લઈ જવામાં આવે. 

એસ.પી.જી.ના આ નિયમો નૅશનલ સિક્યુરિટી ઍડવાઈઝરથી માંડીને પી.એમ.નાં સગાંવહાલાં-મિત્રોને પણ લાગુ પડે. માત્ર તદ્દન નિકટના કુટુંબીઓ આમાંથી બાકાત રહે. અર્થાત્ મનમોહન સિંહ વડા પ્રધાન હતા ત્યારે એમના પત્ની-પુત્રીને આમાંથી બાકાત રાખવામાં આવે. નરેન્દ્ર મોદીને તો એવી કોઈ જફા છે જ નહીં. પી.એમ. હાઉસના એક બંગલોમાંથી બીજા બંગલો સુધી જવાની કોરિડોર પણ બુલેટ-પ્રૂફ ગ્લાસથી ઢાંકી દેવાઈ છે. એ આખો વિસ્તાર નો-ફ્લાય ઝોન તો છે જ. ઉપરાંત, મેઈન રોડની સરહદે મોટી કોન્ક્રીટ વૉલ બાંધી દેવામાં આવી છે જેથી કોઈ સ્યુસાઈડ ટ્રક-કાર બૉમ્બર ઘૂસી ના જાય. પી.એમ.ના ઘરની આસપાસ સમ્રાટ હૉટેલ વગેરેનાં ઊંચા મકાનો છે, જેમાંથી જે રૂમ્સમાંથી પી.એમ. હાઉસ દેખાતું હોય તે ઈન્ટેલિજન્સ બ્યુરોએ લઈ લીધાં છે અને ત્યાં ચોવીસે કલાકનો પહેરો કરતા ચોકિયાતો તહેનાત હોય છે. દિલ્હી જિમખાના પણ બાજુમાં જ છે જ્યાં વૉચ ટાવર્સ ઊભા કરી દેવામાં આવ્યા છે. 

આ પંચવટી કૉમ્પ્લેક્સમાં એનું પોતાનું પાવર સ્ટેશન છે અને ઑલ ઈન્ડિયા ઈન્સ્ટિટયૂટ ઑફ મેડિકલ સાયન્સીઝ (એઈમ્સ)ના ડૉક્ટરો-નર્સોની ફોજ પણ ટ્વેન્ટી ફોર બાય સેવન હાજર હોય છે. ઍમ્બ્લ્યુલન્સ હંમેશાં પી.એમ. જ્યાં જાય ત્યાં પાછળ પાછળ સાથે જ ફરતી રહે છે. વડા પ્રધાન નિવાસમાં વેલ મેઈન્ટેઈન્ડ ગાર્ડન્સ લૉન્સ છે જ્યાં ગુલમહોર, અર્જુન વૃક્ષ અને બીજાં અનેક વૃક્ષો છે. ઘણાં પંખીઓ આવે છે, મોર તો ખાસ. આખા નિવાસ સંકુલની જાળવણી માટે માળીઓ, પટાવાળાઓ, ઈલેક્ટ્રિશ્યનો, પ્લમરો વગેરેનો 200નો સ્ટાફ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની સાદી રસોઈ બનાવવા માટે ગાંધીનગરના સી.એમ. હાઉસમાં જે બદરી નામનો રસોઈયો હતો તેને જ દિલ્હીમાં પોતાને ત્યાં બોલાવી લીધો છે. બદરીનો પગાર તેમ પોતાના ખાવાપીવાનો ખર્ચો વડા પ્રધાન પોતાના પગારમાંથી સરકારને ચૂકવી દે છે. ગુજરાતમાં સીએમ તરીકે એમણે પોતાના પગારમાંથી જે કંઈ આવો ખર્ચો કર્યો તે પછી જે બચત હતી તે તમામ બચત ગાંધીનગર છોડતી વખતે સચિવાલયના ચોથા વર્ગના કર્મચારીઓની દીકરીઓના શિક્ષણ માટે આપી દીધી હતી. 

સંજય બારુને મળવાંવેંત વડા પ્રધાન મનમોહન સિંહે કહ્યું, 

‘સંજયા, આય વૉઝ નૉટ પ્રીપેર્ડ ફોર ધિસ રોલ. આ તદ્દન નવો અનુભવ છે અને કામ સહેલું નથી. ગઠબંધન સરકાર પાસે પૂર્ણ બહુમત નથી એટલે લેફ્ટ (સામ્યવાદી) પાર્ટીઓ પાસેથી ટેકો લેવો અનિવાર્ય હતું પણ તેઓ બહારથી જ ટેકો આપવાના છે, સરકારમાં જોડાયા વિના. કૉન્ગ્રેસે ક્યારેય ગઠબંધન સરકાર ચલાવી નથી. મારે એની સફળતા માટે કામ કરવાનું છે. મને એક પ્રેસ સેક્રેટરીની જરૂર પડવાની. હું તમને જાણું છું. તમે મારી સાથે કામ કરશો તો મને ખુશી થશે. હું જાણું છું કે તમને આર્થિક દૃષ્ટિએ અહીં આવવાથી નુકસાન થશે પણ આ તકને તમે દેશની સેવાના રૂપમાં જુઓ.’ 

મનમોહન સિંહે સંજય બારુને આ ઑફર કરી તે સારું કામ કર્યું કે ખરાબ એની તે વખતે ન તો એમને ખબર હતી, ન સંજય બારુને. 

એક મિનિટ!

પ્રિયંકા ગાંધી કિસ કિસ કો બચાયેગી? ભૈયા કો, સૈંયા કો, મૈયા કો, યા ડૂબતી કૉન્ગ્રેસ કી નૈયા કો? 

– વૉટ્સએપ પર વાંચેલું. 

એક મિનિટ!

બકાના લગ્નના બીજા જ દિવસે બકાની મમ્મીએ પોતાની પુત્રવધૂ બકીને પૂછ્યું: બેટા, હાથ કેમ ખાલી છે? સારું ના લાગે…

બકી બોલી: મમ્મી, હમણાં જ મોબાઈલ ચાર્જિંગમાં મૂક્યો…

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here