આધાર, ઍડલ્ટરી અને રામ જન્મભૂમિ

સન્ડે મૉર્નિંગસૌરભ શાહ

સુપ્રીમ કોર્ટની બૅન્ચો ગયા અઠવાડિયામાં એક પછી એક લૅન્ડમાર્ક જજમેન્ટ આપતી રહી છે. ૪૫મા ચીફ જસ્ટિસ ઑફ ઈન્ડિયા ૩જી ઑકટોબરે ૬૫ વર્ષના થશે એટલે એમનો કાર્યકાળ પૂરો થશે. ચીફ જસ્ટિસ જે જે બૅન્ચના સભ્ય હોય તે બૅન્ચ દ્વારા જે કેસીસની સુનાવણી પૂરી થઈ હોય છતાં તેનો ચુકાદો ચીફ જસ્ટિસના કાર્યકાળ દ્વારા ન આવે તો એ દરેક કેસની સુનાવણી નવી બૅન્ચે ફરીવાર કરવી પડે. આ કારણસર અતિ અગત્યના મુદ્દાઓ વિશેનાં જજમેન્ટો રાતોની રાતો જાગીને લખાયાં અને જાહેર થયાં.

આધારના અમલીકરણને રોકવા માટે કૉન્ગ્રેસે લાખ કોશિશ કરી. પી. ચિદમ્બરમ્ અને કપિલ સિબ્બલ જેવા સિનિયર કૉન્ગ્રેસી નેતાઓ – કમ – સિનિયર સુપ્રીમ કોર્ટ લૉયરો સહિત એક મોટું ઍડ્વોકેટોનું ધાડું સુપ્રીમ કોર્ટમાં આધારને જડમૂળમાંથી ઉખાડી નાખવા, એને ગેરબંધારણીય ગણીને ફગાવી દેવા માટે આતુર હતું. એનાં બે કારણો હતાં. મોદી શાસન દ્વારા સરકારી સબસિડીઓનો લાભ લેવા માટે આધાર કાર્ડ ફરજિયાત બનાવવામાં આવી રહ્યું હતું. જો આવું થાય તો કૉન્ગ્રેસના રાજમાં જે કરોડો ભૂતિયા-બેનામી – જેમનું અસ્તિત્વ માત્ર કાગળ પર જ છે એવા લાભાર્થીઓ-ગરીબો-ખેડૂતોનાં નામ રાતોરાત રદ થઈ જાય. આવાં કરોડો બનાવટી નામ ઊભાં કરીને સરકારી સબસિડી-સહાયના અબજો રૂપિયા દાયકાઓથી પોતાના ખિસ્સામાં ભરતા આવતા વચેટિયાઓ તત્કાળ અસરથી ઉઘાડા પડી જાય, કૉન્ગ્રેસની વોટ બૅન્ક પર મરણતોલ ફટકો પડે. આધારના વિરોધનું બીજું કારણ એ હતું કે કૉન્ગ્રેસીઓએ તેમ જ એમના રાજકીય ટેકેદાર એવા સામ્યવાદીઓ તેમ જ લાલુ યાદવ જેવા બીજા અનેક ભ્રષ્ટ નેતાઓએ પોતાનાં તમામ બૅન્ક ખાતાં તેમ બૅન્ક દ્વારા ખરીદવામાં આવતી મિલકતોના વ્યવહારો સરકાર સમક્ષ ખુલ્લાં કરવા પડે. નૉટબંધી પછી દેશમાં રોકડનો વ્યવહાર ઘટી ગયો અને જી.એસ.ટી. પછી વેપારમાં બે નંબરનાં બિલો બનાવવાનું અશકય થઈ ગયું. મોદી સરકાર બૅન્કનું નવું ખાતું ખોલવા કે વર્તમાન ખાતું ઑપરેટ કરવા આધાર કમ્પલસરી કરવા માગતી હતી જેનો કૉન્ગ્રેસે સખત વિરોધ કર્યો.

સુપ્રીમ કોર્ટે કૉન્ગ્રેસના હાથમાં લૉલિપોપ પકડાવીને કહ્યું કે બૅન્કના ખાતા માટે આધાર કમ્પલસરી નથી. કૉન્ગ્રેસીઓ મિયાં પડ્યા પણ તંગડી ઊંચી રાખીને ભાંગડા નૃત્ય કરવા લાગ્યા. હકીકત શું છે? બૅન્ક ખાતું ખોલવા/ચલાવવા પાન કાર્ડ તો અનિવાર્ય છે જ. જે લોકો ઈન્કમ ટૅક્સ ભરવાના બ્રેકેટમાં નથી આવતા એમની કે બીલો પોવર્ટી લાઈનમાં ગણાય એટલી આવક ધરાવે છે એ લોકોની વાત જુદી છે. તેઓ પાન કાર્ડ વિના પણ બૅન્ક ખાતું ખોલાવી શકે છે જેના માટે તેઓએ બૅન્કને પોતાની સહી સાથે જણાવવું પડે છે કે એમની આવક ઈન્કમ ટૅક્સ ભરવા જેટલી નથી. આવા ગરીબ લોકોને હેરાનગતિ ન થાય એ માટે સરકારે એમના પૂરતી છૂટ રાખી છે, પણ બાકીના તમામ લોકો માટે બૅન્કિંગ કરવું હોય તો પાન કાર્ડ અનિવાર્ય છે અને પાન કાર્ડ હોય તો ઈન્કમ ટૅક્સ રિટર્ન ભરવું પણ અનિવાર્ય છે. પાન કાર્ડ કઢાવવા માટે આધાર નંબર આપવો ફરજિયાત છે અને ઈન્કમ ટૅક્સનું રિટર્ન ભરવા માટે પણ આધાર અનિવાર્ય છે. આ સંજોગોમાં બૅન્ક અકાઉન્ટને આધાર સાથે લિન્ક કરવામાં આવે કે ન કરવામાં આવે શું ફરક પડે છે? સરકારી યોજનાઓનો લાભ લેવા માટે આધાર અનિવાર્ય બનાવવા સામે પણ સુપ્રીમ કોર્ટે કોઈ વાંધો નથી ઉઠાવ્યો.

મોબાઈલનું સિમ કાર્ડ લેવા માટે કે બીજી કેટલીક બાબતો માટે સરકાર આધાર ફરજિયાત બનાવવા માગતી હતી જેની સુપ્રીમ કોર્ટે ના પાડી છે તો ઠીક છે. રાજ્યસભામાં જે ઘડીએ બહુમતી સર્જાશે તે ઘડીએ સરકાર આધારના કાયદામાં સુધારો કરી જ શકે છે. મૂળ જે બે મુદ્દા હતા – બેઉ આર્થિક – કે બૅન્કોમાં એક કરતાં વધારે કે પછી ભૂતિયા નામે અકાઉન્ટ ધરાવતા લોકો ઈન્કમ ટૅક્સ ભરવામાં ગોબાચારી ના કરે અને સરકારી યોજનાઓનો લાભ ઘૂસપેઠિયાઓ કે કૉન્ગ્રેસની વોટ બૅન્ક સમા બીજા બેનામી લોકો ના લઈ જાય તે માટે આધારનો ઉપયોગ કરવો – તે હેતુને સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી દીધી છે.

આધારના પ્રણેતા અને ‘ઈન્ફોસિસ’ના એક સ્થાપક નંદન નિલકણિએ આધાર વિશેની તમામ સુનાવણીઓ સુપ્રીમ કોર્ટમાં પૂરી થઈ ગઈ તે પછી અને ગયા અઠવાડિયે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો તે પહેલાં બૅન્ગલોરની એમની ઑફિસમાં મને એક દીર્ઘ મુલાકાત આપી હતી જેમાં આશા વ્યકત કરી હતી કે સુપ્રીમ કોર્ટ જે ચુકાદો આપશે તે દેશના હિતમાં જ હશે. અને એવું જ થયું છે. આ ઈન્ટરવ્ેયૂ તમને યુ ટ્યુબ પર મળી આવશે. આધાર વિશેની સિરીઝ આ જ કૉલમમાં લખી ત્યારે આ વિષય પર ઘણી ડિટેલમાં છણાવટ કરી હતી. ગૂગલ સર્ચ કરવાથી એ સિરીઝના લેખો પણ તમે વાંચી શકશો માટે આ વિશે વધુ વિગતે લખવાનું જરૂરી માનતો નથી.

ઈન્ડિયન પીનલ કોડની કલમ ૪૯૭ હેઠળ વ્યભિચાર ગુનો હતો. અર્થાત્ કોઈની પરણેલી સ્ત્રી સાથે છાનગપતિયું કરતાં કોઈ પુરુષ પકડાય અને પેલી સ્ત્રીનો પતિ અથવા આડા સંબંધ બાંધનારા પુરુષની પત્ની (જો એ પરણેલો હોય તો) પોલીસને ફરિયાદ કરે તો કોર્ટમાં પુરવાર થયા પછી પુરુષને સજા થઈ શકતી. આ કાયદામાં છિનાળું કરનાર સ્ત્રીને સજા કરવાની કોઈ જોગવાઈ નહોતી. આ કલમ સામે ‘મુંબઈ સમાચાર’ની ‘પુરુષ’ પૂર્તિમાં અઢી વર્ષ ચાલેલી મારી કોલમ ‘મૅન-ટુ-મૅન’માં મેં ઊહાપોહ કર્યો જ હતો. સુપ્રીમ કોર્ટે દોઢસો કરતાં વધુ વર્ષ જૂનો આ કાયદો રદ કર્યો છે જે સારું જ કર્યું છે. આ કાયદો રદ કરવાથી સમાજમાં આડા સંબંધોનું કે લગ્નેત્તર સંબંધોનું પ્રમાણ વધી જશે એવું માનવું ભૂલભરેલું છે. સમલૈંગિક સંબંધોને સુપ્રીમ કોર્ટે ફોજદારી ગુનો ગણવાની ના પાડી તેને કારણે શું પુરુષ-પુરુષ કે સ્ત્રી-સ્ત્રી વચ્ચેના સેક્સ સંબંધો વધી ગયા? ના. લગ્નેત્તર સંબંધોને ડિ-ક્રિમિનલાઈઝ કર્યા પછી પણ એની નૈતિકતા કે અનૈતિકતા વિશે દરેક ઈન્ડિવિજ્યુઅલે પોતાની માન્યતા, પોતાના વિચારો, પોતાના વાતાવરણ તથા પોતાની સગવડ મુજબ નિર્ણય લેવાનો છે જેની આડે હવે ન કોઈ પોલીસ છે, ન કોર્ટ. દરેક વ્યક્તિઓએ પોતાની નૈતિકતાનો નિર્ણય પોતાની અનુકૂળતા મુજબ કરવાનો હોય એવું સુપ્રીમ કોર્ટ સ્વીકારી રહી છે. ભવિષ્યમાં દહેજ, બળાત્કાર અને એવા બીજા ઘણા ઈશ્યુઝ છે – જે કાયદાઓનો દુરૂપયોગ થાય છે – તેના વિશે સુપ્રીમ કોર્ટે ફેરવિચાર કરવો જ પડશે. આજે નહીં તો આવતી કાલે – બે-પાંચ દાયકા પછી – જેમ જેમ વ્યક્તિની નીતિમત્તામાં ફેરફારો આવતા જશે અને જેમ જેમ આ ફેરફારોને સમાજે સ્વીકૃતિ આપવી પડશે એમ એમ અદાલતોએ પણ કાયદાપોથીઓમાં સુધારા કરવા જ પડતા હોય છે. આપણામાંથી કોઈ જીવિત નહીં હોય ત્યારે, આજથી ૧૦૦ વર્ષ પછી, આ દેશમાં સેક્સ કે પર્સનલ લાઈફને લગતા કાયદાઓમાં કેવા કેવા ફેરફારો આવશે તેની કલ્પના એક ઈન્ટરેસ્ટિંગ અને ફેસિનેટિંગ વિષય છે.

અને રામ જન્મભૂમિ. મોદીના શાસનકાળ દરમ્યાન આ ઈશ્યુ ઉકેલાશે, જરૂર ઉકેલાશે, રામ જન્મભૂમિ પર જ ભવ્ય રામ મંદિર બનશે, બીજે ક્યાંય નહીં, અને તે પણ લાગતા વળગતા સમુદાયોની સહમતીથી – સૌહાર્દપૂણ રીતે બંધાશે. અને જ્યાં સુધી આ નહીં થાય ત્યાં સુધી સુપ્રીમ કોર્ટ આ મુદ્દાને લગતા અનેક નાના મોટા કેસીસમાં પેરિફરીના ઈશ્યુઝને લગતા ચુકાદા આપશે, પણ મૂળ મુદ્દાને ટલ્લે ચડાવ્યા કરશે, કારણ કે સર્વોચ્ચ અદાલતમાં બેઠેલા શાણા પુરુષો જાણે છે કે આ ઈશ્યુ એટલો સેન્સિટિવ છે કે એના વિશે જો ગળું ખોંખારીને, દૂધ દહીંમાં પગ રાખ્યા વિના, કોઈ સ્પષ્ટ ચુકાદો અપાશે તો બેમાંથી કોઈ એક પક્ષ ભયંકર રીતે નારાજગી વ્યકત કર્યા વિના નહીં રહે. અને બીજું, આપણી જેમ સુપ્રીમ કોર્ટ પણ જાણે છે કે મોદી આ ઈશ્યુને સૌહાર્દપૂર્ણ રીતે સોલ્વ કરવા માટે કૅપેબલ છે.

કાગળ પરના દીવા

ખબર નહીં, લોકો પોતાની જીદને દફનાવી દેવાને બદલે સંબંધોને શું કામ દફનાવી દેતા હશે?

– વૉટ્સઍપ પર વાંચેલું.

સન્ડે હ્યુમર

પિતા: બકા, રોજ સાંજે તું દુકાન છોડીને ક્યાં જતો રહે છે ધંધાના ટાઈમે.

બકો: બાપા, ગર્લફ્રેન્ડને મળવા.

પિતા: બેટા, અત્યારે ધંધા પર ધ્યાન આપ. ગલફ્રેન્ડ તો ૬૫મા વર્ષે પણ મળી જશે.

( મુંબઇ સમાચાર : રવિવાર, 30 સપ્ટેમ્બર 2018)

2 COMMENTS

  1. sir modi against aadhar search karsho to ghana video youtube me malse. to kem pote pahela virodh karavo ane pachhi tej vastu compulsory karavu?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here