માટીની ચિકિત્સાથી ચમત્કારિક રીતે શરીરને ફાયદો થવા લાગે છે —હરદ્વારના યોગગ્રામમાં ૧૨મો દિવસ : સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ : ચૈત્ર સુદ અગિયારસ, વિક્રમ સંવત ૨૦૭૮. મંગળવાર, ૧૨ એપ્રિલ ૨૦૨૨)

યોગગ્રામમાં આવીને કુદરતી ઉપચાર પદ્ધતિનું મહત્ત્વ સમજાઈ રહ્યું છે. અહીં મિટ્ટી-પટ્ટીનું ઘણું મહત્ત્વ છે. માટીને સુતરાઉ કાપડમાં મૂકીને પેટ અને આંખો પર એ પટ્ટીઓ મૂકવાની. અહીં આવ્યો એ પછી થોડા દિવસ માટે થેરપી સેન્ટરમાં જઈને મિટ્ટી-પટ્ટી કરાવવાની રહેતી. હવે સવારની યોગ સેશન પૂરી થયા પછી ગાર્ડનમાં જ કાઢો પીને સૌ કોઈએ મિટ્ટી-પટ્ટી લગાડીને યોગ માટેની મૅટ પર અડધો કલાક સુધી પડ્યા રહેવાનું. સ્વામી રામદેવે આજની સૅશન સમાપ્ત કરીને વિદાય લઈ લીધી હોય એટલે મંચ પર ભારતના પ્રમુખ કુદરતી ઉપચારશાસ્ત્રીઓમાં જેમનું નામ પ્રથમ હરોળમાં મૂકાય છે એવા ડૉ. નાગેન્દ્ર કુમાર નીરજની સેશન શરૂ થાય. ડૉ. નીરજ ત્રણ દાયકાથી સ્વામી રામદેવની સાથે છે.

હું જોકે, ગાર્ડનમાં મળતી મિટ્ટી-પટ્ટી રૂમ પર લઈ આવીને પેટ-આંખો પર મૂકીને અડધો કલાક પછી બ્રેકફાસ્ટ માટે જતો રહું છું. અડધો કલાકનું ટાઇમર મૂકીને ફોન પર યુ-ટ્યુબ પર કુરુક્ષેત્ર (હરિયાણા)માં રહેતા 94 વર્ષીય ડૉ. હિમ્મત સિંહ સિન્હાની વીડિયો ચાલુ કરીને સાંભળતો રહું. બહુ મોટા વિદ્વાનપુરુષ છે, ભારતનું અણમોલ ઘરેણું છે ડૉ. સિન્હા. પીએચ.ડી. છે. ધર્મ, અધ્યાત્મ અને ભારતીય પરંપરા વિશે એમને અગાધ જ્ઞાન છે. ખૂબ સરળ વ્યક્તિત્વ છે.

નેચરોપથીમાં પંચ મહાભૂતોનું મહત્ત્વ સ્વીકારાયેલું છે. પંચ મહાભૂતમાંથી બનેલો આ દેહ અંતે પંચ મહાભૂતમાં જ ભળી જતો હોય છે. શરીરમાં પ્રવેશતા રોગ આ પંચ મહાભૂતોની સહાયથી જ સાજા કરવા એવી વિચારણા પ્રાકૃતિક ચિકિત્સાના કેન્દ્રમાં છે.

પ્રાકૃતિક ચિકિત્સા અક્સીર છે છતાં લોકપ્રિય કેમ નથી બનતી? એનું કારણ એ છે કે અહીં દર્દી પોતાની જવાબદારીમાંથી છટકી જઈ શકતો નથી. એલોપથીમાં દર્દી પોતાની બધી જવાબદારી ડૉક્ટરો પર ઢોળી દેતો હોય છે

અહીં આવ્યા પછી મને લાગ્યું કે નેચરોપથી વિશેની મારી જાણકારી કેટલી મર્યાદિત હતી. આજે મારો વિચાર માટી દ્વારા થતી ચિકિત્સા વિશે મેં જાણેલી માહિતીનો સાર તમારી સાથે વહેંચવાનો છે.

પ્રાકૃતિક ચિકિત્સા અક્સીર છે છતાં લોકપ્રિય કેમ નથી બનતી? એનું કારણ એ છે કે અહીં દર્દી પોતાની જવાબદારીમાંથી છટકી જઈ શકતો નથી. એલોપથીમાં દર્દી પોતાની બધી જવાબદારી ડૉક્ટરો પર ઢોળી દેતો હોય છે, ડૉક્ટરો પોતાની જવાબદારી દવાઓ અને ઑપરેશનો પર નાખતા હોય છે. ડૉક્ટરે લખી આપેલી દવા ખાધી, ઑપરેશનો કરાવ્યાં એટલે કામ પૂરું. દર્દીએ જાતે કંઈ કરવાનું રહે જ નહીં.

પ્રાકૃતિક ચિકિત્સામાં (તેમ જ યોગ-પ્રાણાયામ તથા આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિમાં પણ) રોગીએ પોતે પોતાના સમયનો ભોગ આપવો પડે, પોતાની શક્તિઓ વાપરવી પડે, આહારવિહારની પોતાની જૂની આદતો બદલવી પડે, નવી ટેવો પાડવી પડે. સંયમ અને નિયંત્રણથી રહેવું પડે.

એલોપથીનો ઉપચાર કરતા ઘણા લોકોને મેં જોયા છે જેઓ લગ્નમાં બે રસગુલ્લાં વધારે ખાઈને કહેતા હોય છે કે વાંધો નહીં, ઇન્સ્યુલિનનો ડોઝ વધારે લઈ લઈશું કે બે ટીકડી વધારે ખાઈ લઈશું.

રોગ માણસનો સ્વભાવ નથી એવું સ્વામી રામદેવ વારંવાર કહેતા હોય છે

આપણી ઉપચાર પદ્ધતિઓમાં પરેજીનું મહત્ત્વ છે. પહેલાં મંડૂકાસનથી પેન્ક્રિયાસ ઠીક કરો, કપાલભાંતિ અને અનુલોમવિલોમના પ્રાણાયામથી શરીરમાં ઑક્સિજનનું પ્રમાણ વધારીને નવી તાજગી લાવો એ પછી જ ગળ્યું ખાવાનો શોખ પૂરો કરો – સંયમ સાથે. વિટામિન ડીની ઓછપ હોય તો સવારના તડકામાં સૂર્યપ્રકાશ શરીરને મળે એ રીતે એક કલાક ગાળો – વિટામિન ડીની ટેબ્લેટો ગળવાથી ત્યાં સુધી જ ફાયદો થશે જ્યાં સુધી એ ગોળીઓ લેતા રહેશો. આ ઉપરાંત બીપી-ડાયાબીટીસ કે બીજા કોઈ પણ રોગની દવાઓની ભયંકર આડઅસરો તો રહેવાની જ છે. એ આડઅસરો દૂર કરવા બીજી ગોળીઓ લેવાની. આ ચક્કર ચાલ્યા જ કરવાનું અને શરીર ક્રમશઃ ખખડી જવાનું.

નેચરોપથી, યોગ-પ્રાણાયામ, આયુર્વેદ, એક્યુપ્રેશર આ બધું એમના જ માટે કામનું છે જેમનામાં દીર્ઘદૃષ્ટિ છે, ધીરજ છે અને જેઓ સમજે છે કે પોતાના શરીરને સાચવવાની જવાબદારી પોતાની છે – નહીં કે ડૉક્ટરોની, ફાર્મા કંપનીઓની કે વેન્ટિલેટરો-આઇસીયુ અને ઑપરેશન થિયેટરો ધરાવતી હૉસ્પિટલોની.

રોગ માણસનો સ્વભાવ નથી એવું સ્વામી રામદેવ વારંવાર કહેતા હોય છે. ભારતના સર્વોચ્ચ નેચરોપથી સ્વ. ડૉ. મહેરવાન ભમગરા પણ કહેતા કે માણસનો રોગ માત્ર શારીરિક કે ભૌતિક વિકૃતિ નથી પણ તેના માનસિક, નૈતિક અને અધ્યાત્મિક અપરાધનું પણ એ પરિણામ છે. ખુદ રજનીશજી ડૉ. ભમગરાના કામથી પ્રભાવિત હતા.

માટીની ચિકિત્સાને અંગ્રેજીવાળા મડ થેરપી કહેતા હોય છે. પણ મડ એટલે કે ‘કાદવ’ શબ્દ આપણે ત્યાં ગંદકી સાથે બહુધા સંકળાયેલો છે એટલે મિટ્ટી કે માટી ચિકિત્સા કહેવું મને વધારે યોગ્ય લાગે છે.

માટીની ચિકિત્સા ઘેરબેઠાં કરવાનું કામ જરા કપરું છે પણ અશક્ય બિલકુલ નથી. એક તો ઉપચાર માટે યોગ્ય હોય એવી માટી ક્યાંથી લાવવી, એને સ્વચ્છ કરીને એમાં જરૂરી દ્રવ્યો ક્યાં ઉમેરવાં, એ પછી જો આખા શરીરે એનો લેપ લગાડવો હોય તો બીજી વ્યક્તિની મદદ લેવી-આ બધું કામકાજ કપરું છે, પણ ધારીએ તો એને સહજ,સરળ, આસાન બનાવી શકીએ. એક કુંડમાં માટી ભરીને એમાં ગળા સુધીનું આખું શરીર ડુબાડી રાખીને મિટ્ટીસ્નાન કરવું આદર્શ છે પણ ઘરમાં તો એ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે.

માટીની ચિકિત્સાનો સહેલો ઉપાય, તમને આશ્ચર્ય થશે પણ, ખુદ રજનીશજીએ ‘ગીતા દર્શન’માં આઠમા અધ્યાયનું વિવરણ કરતાં આપ્યો છે. ઓશોના જ શબ્દોમાં:

‘કુછ ન કરેં, રોજ સુબહ જબ ઉઠેં તો કુછ ભી ન કરેં, ખાલી ઝમીન પર લેટ જાએં ચારોં હાથ-પૈરોં કો ફૈલાકર, છાતી કો લગા લેં ઝમીન સે. અગર નગ્ન લેટ સકેં તો ઔર ભી પ્રીતિકર હૈ. જૈસે કિ પૃથ્વી માં હૈ ઔર ઉસકી છાતી પર લેટ ગયે ચારોં હાથ-પૈર છોડકર. સિર રખ દેં ઝમીન મેં ઔર થોડી દેર અનુભવ કરેં કિ અપને આપ કો પૃથ્વી મેં સમા દિયા, છોડ દિયા. મિટ્ટી હૈ દોનોં તરફ, ઇસલિયે બહુત જલદી સમ્બન્ધ બન જાતા હૈ, દેર નહીં લગતી. યહ શરીર ભી ઉસી પૃથ્વી કા ટુકડા હૈ. બહુત જલ્દી ઇસ શરીર કે કણોં મેં ઔર પૃથ્વી કે કણોં મેં તાલમેલ શુરૂ હો જાતા હૈ, સંગીત પ્રતિધ્વનિત હોને લગતા હૈ ઔર થોડી હી દેર મેં આપ અનુભવ કરેંગે કિ આપ પૃથ્વી હો ગયે ઔર ઇતને આહ્‌લાદ કા અનુભવ હોગા, જૈસા કભી નહીં હુઆ થા.’

માટીનો ગુણ શીત છે. શરીરમાં ખાનપાનની ખરાબ ટેવોને કારણે પ્રવેશેલી ગરમીને માટીથી બહાર કાઢી શકાય છે. ચામડીના અનેક રોગ માટીની ચિકિત્સાથી દૂર થાય છે

ગાંધીજી માટીની ચિકિત્સામાં બહુ વિશ્વાસ ધરાવતા: ‘માથું દુખતું હોય તો માથે માટીની પટ્ટી બાંધી રાખવાથી બહુ ફાયદો થાય છે. આ પ્રયોગ મેં સેંકડો લોકો પર કર્યો છે… બહુ તાવ હોય તો પેડુ પર મિટ્ટી પટ્ટી મૂકી દેવી… વીંછી કરડે તો પણ માટીનો ઉપચાર કરવો… શરીર પર ગુમડાં વગેરે થાય ત્યારે પણ આનાથી રાહત થાય.’ આ ગાંધીજીના શબ્દો છે.

સેવાગ્રામમાં તેઓ માટીમાં સરસવનું તેલ અને નમક ઉમેરતા. અહીં યોગગ્રામમાં ગૌમૂત્ર, કપૂર, એલોવિરા, ઇપ્સમ સૉલ્ટ, લીમડાનો રસ વગેરે ઉમેરે છે.

માટી શરીરના જે અંગ પર મૂકી હોય તે અંગનું અંદરથી શુદ્ધિકરણ થતું હોય છે. ત્વચા માટે તો એ ઉપયોગી છે જ (જેમ કે મુલતાની માટીનો લેપ મોઢા પર લગાડીને ખીલનો ઉપચાર થાય એ બહુ જૂની વાત છે. આજકાલ બ્યુટી પાર્લરોમાં ફેસપૅક કરાવવા જેઓ જતા હશે તેમાંના ઘણા મુલતાની માટીમાં બીજી ચીજો ઉમેરીને ફેસપૅક મૂકાવીને ચહેરો વધુ કાન્તિવાન બનાવતા હોય છે).

માટીનો ગુણ શીત છે. શરીરમાં ખાનપાનની ખરાબ ટેવોને કારણે પ્રવેશેલી ગરમીને માટીથી બહાર કાઢી શકાય છે. ચામડીના અનેક રોગ માટીની ચિકિત્સાથી દૂર થાય છે. સ્ત્રીઓ માટે પિરિયડ્સ સંબંધી ફરિયાદો દૂર કરવામાં પણ માટીની ચિકિત્સા અક્સીર પરિણામો આપે છે. ઇવન, ડિપ્રેશનના દર્દીઓને પણ માટીનું સ્નાન આપવામાં આવે છે. ઓવરઑલ જુઓ તો દરેક રોગમાં માટીની ચિકિત્સા દ્વારા ફાયદો થતો જ હોય છે.

યોગગ્રામના નેચરોપથ ડૉ.અક્ષયે મને પગનાં તળિયાં પર, પગના નીચેના ભાગ પર માટીનો લેપ લગાવીને રોજ પંદર-વીસ મિનિટ બેસી રહેવું એવું પ્રિસ્ક્રિપ્શન આપ્યું છે. આ ઉપરાંત કહ્યું છે કે યોગગ્રામના તળાવમાં વચ્ચે જે બેટ બનાવવામાં આવ્યો છે ત્યાંની માટીમાં ખુલ્લા પગે ચાલવા જવાનું.

માટીની ચિકિત્સા જો આપમેળે, ઘેરબેઠાં કરવી હોય તો એના માટે થોડી ટિપ્સ છે:

1.માટી સ્વચ્છ, કાંકરા વગરની અને થોડી ચીકણી હોવી જોઈએ. તળાવમાંથી, ખેતરમાંથી કે કુંભાર પાસેથી તે મેળવી શકાય.

2. મોટી ચાળણીમાં ચાળી લીધા પછી તપેલીમાં કે કોઈ વાસણમાં માટી ભરીને એમાં થોડું ઠંડુ પાણી (રૂમ ટેમ્પરેચરનું, ફ્રિજનું નહીં) નાખવું. માટી પલળી જાય એટલું જ પાણી લેવું, વધારે નહીં. પછી લોટ બાંધીએ એ રીતે એને ગુંદી નાખવાની.

3. એક પાતળા સફેદ કપડાને પહોળું કરીને એના પર ભીની માટી મૂકવી પછી કપડું વાળી દેવું, બેવડું કરવું. આમ વચ્ચે માટી અને ઉપર નીચે કપડું રહેશે. આ મિટ્ટી-પટ્ટી શરીરના જે ભાગ પર મૂકવી હોય તેના પર પંદર મિનિટ કે અડધો કલાક સુધી મૂકવી. શક્ય હોય તો માટીની આ પટ્ટી પર કોઈક ગરમ કાપડનો ટુકડો ઢાંકવો જેથી હવા ન લાગે.

4. માટીને એકથી ત્રણ-ચાર કલાક સુધી પલાળ્યા પછી જ એનો ઉપયોગ કરવો. જેટલી વધુ ઠંડી કરી હશે એટલો વધારે ફાયદો થશે.

5. ભૂખ્યા પેટે આ ઉપચાર કરવો હિતાવહ છે. પેટ ખાલી હોય એટલે માટીની ઠંડક પાચક અવયવોની ગરમીને સરળતાથી શોષી લે.

6. કોઈ પણ સમયે આ લેપ કરી શકાય, પેટ ખાલી હોવું જોઈએ.

7. લેપની જાડાઈ અડધો ઇંચ હોઈ શકે, એથી પાતળો લેપ પણ કરી શકાય.

8. પેટ પર લેપ કરવાથી દરેક રોગમાં ફાયદો થાય કારણ કે પેટ રોગનું ઘર છે. મળની ગરમી આંતરડાં, લિવર, જઠર વગેરે પર અસર કરીને આ પાચક અવયવોને નબળા પાડે છે. પેટ પર ભીની માટીનો લેપ કરવાથી શરીરની ખોટી ગરમી માટીમાં શોષાઈ જાય છે, પાચક અવયવોની ઘટી ગયેલી કાર્યક્ષમતા આ ચિકિત્સા થકી સુધરે છે. કબજિયાત જેવી સમસ્યા થોડા દિવસ સુધી માટીનો પ્રયોગ કરવાથી કુદરતી રીતે મટી જાય છે. શરદીમાં પણ આ ચિકિત્સા કરી શકાય. મોટે ભાગે કબજિયાતને કારણે પણ શરદી-સળેખમ થાય છે. જો પેટ સાફ હોય તો શરદી-સળેખમ આપોઆપ મટી જશે.

9. ક્યારેક પેટમાં ખૂબ ગરમી હોય તો માટીનો લેપ મૂકવાથી ગરમી બહાર આવે જેને કારણે ત્વચા પર ફોલ્લીઓ દેખાય, ખંજવાળ આવે, ત્વચા લાલ થઈ જાય. આવા વખતે ગભરાવાની જરૂર નથી. એક બે દિવસ માટે લેપ બંધ કરીને એ જગ્યાએ કોપરેલ તેલ લગાડવું અને ત્વચા સાફ થઈ જાય પછી ફરી માટીનો લેપ શરૂ કરવો.

10. એક વખત વાપરેલી માટીનો ફરી ઉપયોગ થઈ શકે? હા અને ના. અશુદ્ધ બનેલી માટી ફરીથી ન વાપરી શકાય. દર વખતે નવી પલાળેલી ભીની માટી લેવાની હોય. પણ જ્યાં માટીની અછત જ હોય, આસાનીથી મળતી ન હોય તો એક વખત વપરાયેલી માટીને તડકામાં સારી રીતે સુકવીને એમાંનું ઝેર દૂર કરીને ફરીથી જરૂર વાપરી શકાય.

પ્રાકૃતિક ચિકિત્સામાં માટીની જેમ સૂર્યનું પણ ઘણું મહત્વ છે. આપણે તો વેદકાળથી સૂર્ય અને અગ્નિને દેવતા માનીએ છે, ભગવાન તરીકે પૂજન કરીએ છીએ. યજ્ઞની મહત્તા વિશે ઘણી ગેરસમજણો છે. આ જ સિરીઝમાં યથાવકાશ એ ટૉપિક પણ કવર કરીશું. યોગગ્રામમાં સુંદર યજ્ઞશાળાઓ છે. યજ્ઞ કરતા/કરાવતા અનુભવી સંન્યાસીઓ છે. હું તો હવે મારા રૂમની ખુલ્લી બાલ્કનીમાં હવન કરતો થઈ ગયો છું, મુંબઈમાં પણ મારા સ્ટડી રૂમમાં કરતો. અહીંના એક સ્વામીએ મને યજ્ઞ ઉપાસના વિશેના વૉટ્સઍપ ગ્રુપમાં ઉમેરી દીધો છે.

આજે બસ આટલું જ. કાલે ફરી મળીએ.

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

•••
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

10 COMMENTS

  1. હિમ્મત સિંહજીના વિડિઓ મારા youtub પર મહિના પહેલા ઔટોમેટિક સજેસ્ટ થયેલા ને મેં સાંભળવાનું ચાલુ કર્યું. ત્યાર બાદ મેં મોટાભાગના વિડિઓ સાંભળ્યાં … ખૂબ વિદ્વાન માણસ છે… અને આજે તમે પણ એ સાંભળો છો એ જાણ્યું તો આનંદ બેવડાયો જ નહીં મલ્ટિફોલ્ડ થયો… 😊😊

  2. Gujarat Governor Acharya Dev-vratji recently (AYUSH summit in Gandhinagar) narrated his personal experience with naturopathy. In 1998 he was told he may have maximum two years due to his chronic ailment in colon. Now more than two decades passed.
    It is tragic that all such natural remedies are available to a very small percentage of population. PM Narendrabhai worries for the rest all the time. In the past, in Vedic times it was much different.

  3. ઘર માં યજ્ઞ કઇ રીતે કરી શકાય ??

  4. મારા દાદા સ્વ ધીરજલાલ ઘીયા ભાવનગર માં માટી પ્રયોગી તરીકે ઓળખાતા અને એમની સારવાર થી કેન્સર ના દર્દી ને પણ એમણે સાજા કર્યાં હતાં એવું મારા ઘરના લોકો કહેતા, એમને માટી પ્રયોગ માટે લખેલા અને છપાવેલા પુસ્તકો મેં પણ વાંચ્યા છે અને મારા બા એટલે કે દાદીમા જીવતા હતા ત્યાં સુધી અમે લોકો પણ માટી બનાવી ને રાખતા અને લોકો અમારે ત્યાંથી જરૂર પડે લઇ જતા.

    માટી બનાવવાની પ્રક્રિયા ખૂબ મહેનત માંગી લે એવી હોય છે. અને મારા દાદા કે અમે લોકો પણ ક્યારેય એના પૈસા કે કોઈ ફી કે અન્ય લાભ લેતા ન હતા. ફક્ત અને ફક્ત લોકો ને આરોગ્ય લક્ષી લાભ થાય એ જ હેતુ હતો.

    મારા દાદા પાસે માટીથી કઈ રીતે સારવાર થઈ શકે એ જોવા અને સમજવા સ્વ વિનોબા ભાવે પણ આવ્યા હતા.અને પછી થી એ પણ માટી પ્રયોગ નો નિયમિત ઉપયોગ કરતા હતા એવું મારા બા પાસે થી સાંભળ્યું છે.

    આપના આજ ના લેખ થી મારી નાનપણ ની સ્મૃતિઓ જાગૃત થઈ ગયી.

    આભાર.

    • શું આ માટી ના પ્રયોગ વિશે નું પુસ્તક વાંચવા મળી શકે ખરું if possible please reply

    • આપે જણાવેલ માહિતી સૌ માટે ઉપયોગી છે. તેનો વધુમાં વધુ ફેલાવો કરશો તો સૌનું કલ્યાણ થશે.

  5. Excellent thoughts of our ancient Ayurveda and naturopathY science. Your daily experience makes us realise values and knowledge of our civilisation. You hv done wonderful work of make us all realise the reality of this and to come back to our nature and our science.. Great job.?waiting eagerly daily for your article

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here