નવલકથાનો માર્કો અને ફિલ્મનો માર્કો

ગુડ મૉર્નિંગસૌરભ શાહ

માર્કો ગુફાચિત્રોના સંશોધનમાં ગળાડૂબ હતો. માર્કોએ પોતાની મદદ કરનારા રાજુ ગાઈડ પર સંપૂર્ણ વિશ્ર્વાસ મૂકીને એ જાણે પોતાના કુટુંબનો જ સભ્ય હોય એવો વર્તાવ કરવાનું શરૂ કરી દીધું હતું. માર્કોમાં વ્યવહારુ આવડત નહોતી, એ ધૂની જીવ હતો, અભ્યાસી હતો. એનું દિમાગ આખો વખત પુરાતત્ત્વના અવશેષોમાં મગ્ન રહેતું. દુનિયાના રૂટિન વ્યવહારો સાથે એને ઓછી નિસબત હતી. વ્યવહારુ બાબતોમાં એની ગડ-સમજ કંઈક ઓછી જ હતી. પ્રવાસમાં ખાવાપીવારહેવાની વ્યવસ્થા કરવાનું કે ટિકિટ બુકિંગ કરાવવાની સૂઝ એનામાં નહોતી. આવાં સીધાં-સાદાં કામો એના માટે કોઈ મોટો પહાડ ચડવા જેટલાં કપરાં હતાં. જોકે, ગુફા જોવા માટે એ આવા પહાડોનાં ચઢાણ સડસડાટ ચડતો-ઊતરતો. એ કદાચ પરણ્યો હશે એટલા માટે જ કે એની સારસંભાળ લેનારું ઘરમાં કોઈ હોય, પણ કમનસીબે એને રોઝી ભટકાઈ ગઈ જે પોતે કંઈક બનવાનાં સપનાં જોતી હતી, જેને પોતાનાં આ અરમાનો સાકાર કરનારું કોઈક જોઈતું હતું. એને જો કોઈ એવો પતિ મળી ગયો હોત જે એની નૃત્યાંગના તરીકે કદર કરી શકે, એની કળાને ઓળખીને એની કારકિર્દી ઘડી શકે, તો સારું થાત. રાજુને લાગવા માંડ્યું હતું કે પોતે આવી કોઈ ખોટ પૂરી શકે એમ છે. રાજુ પોતાનાં તમામ કામકાજ પ્રત્યે બેધ્યાન બનીને રોઝીમય બની ગયો હતો.

માર્કો ફોરેસ્ટ બંગલોમાં મહિના કરતાં વધુ સમય માટે રોકાયો હતો. રાજુ એની બધી જ સગવડો સાચવતો. બાય ધ વે, ફિલ્મમાં માર્કોને રંડીબાજ અને દારૂડિયો દેખાડ્યો છે, પણ નૉવેલમાં એવું કશું નથી. આર. કે. નારાયણને આ ફેરફારો માટે ભારે નારાજગી હતી. એમણે કરેલા માર્કોના પાત્રાલેખનમાં વાચકને એના માટે સહાનુભૂતિ પ્રગટે એવો અપ્રેમ છે. ફિલ્મમાં પ્રેક્ષકોને આ પાત્ર વિલન લાગે છે. કદાચ હીરોઈનની ઍડલ્ટરીને જસ્ટિફાય કરવા માટે આવું કરવામાં આવ્યું હશે. એઝ ઈટ ઈઝ દેવ આનંદે ‘ગાઈડ’ વિશેના એક ઈન્ટરવ્યૂમાં કહ્યું પણ હતું કે વાર્તામાં લગ્નેત્તર સંબંધોની વાત છે એટલે (પોતાને નીતિમત્તાના પ્રહરી માનતા) કેટલાક લોકોએ આ ફિલ્મ બનતી રોકવા માટે દિલ્હી જઈને ફરિયાદ કરી હતી, સેન્સર બોર્ડને પણ ફરિયાદ કરી હતી. આવા લોકો ‘ગાઈડ’ને રોકવામાં સફળ થયા હોત તો ગુરુવારે સુપ્રીમ કોર્ટે ઍડલ્ટરી વિશે જે ચુકાદો આપ્યો તે વાંચીને એમની શું પ્રતિક્રિયા હોત. એક મહાન સાહિત્યકૃતિ અને એક મહાન ફિલ્મના યજ્ઞમાં હાડકાં નાખવા બદલ દુનિયાએ એમને ક્યારેય માફ ન કર્યા હોત.

ઍની વે.

માર્કો ફોરેસ્ટ હાઉસમાં રહેવા લાગ્યો હતો, પણ માલગુડીની હૉટેલની રૂમ પણ એણે રાખી મૂકી હતી. ગફૂરની ટૅક્સી પણ એણે ૨૪ કલાક પોતાની જ વર્ધીમાં રહે એવી રીતનું ગોઠવ્યું હતું. ફોરેસ્ટ બંગલોનો રખેવાળ જોસેફ માર્કોના ખાવાપીવાની જવાબદારી સરસ રીતે સંભાળતો હતો એટલે બીજી કઈ ચિંતા નહોતી. રાજુને છૂટ આપવામાં આવી હતી કે ભલે એને એના રોજની પૂરેપૂરી ફી મળી જતી હોય, પણ જો એણે બીજા ટૂરિસ્ટોની તહેનાતમાં જવું પડે એમ હોય તો વાંધો નહીં. જોકે, માર્કોને રાજુની બહુ ઓછી જરૂર પડતી. રાજુનું કામ રોઝીની દેખભાળ કરવાનું વધારે રહેતું. દર બેએક દિવસે રોઝી માલગુડીથી ફોરેસ્ટ બંગલો જતી. માર્કોને કંપની આપતી. રાજુએ નોંધ્યું કે પોતે રોઝી સમક્ષ પોતાની કૂણી લાગણીઓ પ્રગટ કરી તે પછી રોઝીની માર્કો માટેની કાળજી વધી ગઈ હતી, પણ માર્કો માટે આ બધું એકનું એક જ હતું. એ પોતાની જ ધૂનમાં મસ્ત રહેતો. આમ છતાં રોઝી જોસેફને કહીને માર્કોના ખાવાપીવાની વધારે દરકાર રાખતી. માર્કોનો અસ્તવ્યસ્ત રૂમ ગોઠવી આપતી. રોઝી શું પોતાની ગિલ્ટ ફીલિંગ દૂર કરવા માટે આ બધું કરતી હતી?

ગફૂર સમજી ગયો હતો કે રોઝી અને રાજુ વચ્ચે શું રંધાઈ રહ્યું છે. દોસ્તીના નાતે એણે રાજુને પરિણીત સ્ત્રીના કૉમ્પ્લિકેશન્સમાં નહીં પડવાની સલાહ પણ આપી. રાજુએ એની સલાહને કાને ધરવાને બદલે જૂની સ્ટાઈલનાં ધોતીઝભ્ભાને બદલે દરજી પાસે થોડાં નવાં ફૅશનેબલ બુશ શર્ટ્સ અને કૉર્ડરોયનાં પાટલૂન સિવડાવી લીધાં અને હૅર-ફેસ લોશન્સ તથા પરફ્યુમ્સ પાછળ સારો એવો ખર્ચો કરી નાખ્યો. સ્ટેશન પરની બાપીકી દુકાન સાચવવા રાખેલો પોર્ટરનો છોકરો હિસાબમાં ગરબડ કરતો હતો, પણ રાજુ જાણવા છતાં એની સામે કોઈ પગલાં લેતો નહોતો. માલગુડી સ્ટેશને ઊતરતા ઘણા ટૂરિસ્ટો રાજુ ગાઈડ માટે રોજ પૂછપરછ કરતા, પણ એ સૌને જવાબ મળતો કે રાજુ ગાઈડ તો આજકાલ ખૂબ કામમાં છે, તમારી સેવામાં નહીં આવી શકે.

રોઝી ફોરેસ્ટ બંગલો ના ગઈ હોય ત્યારે માલગુડીની હૉટેલની રૂમમાં રાજુની સાથે રહેતી. રાજુ અને રોઝી એકમેકને પ્રેમ કરતાં હોય ત્યારે અચાનક રોઝીને શું થતું કે એ રાજુથી અળગી થઈ જતી અને કહેતી, ‘ગફૂરને કહે કે ટૅક્સી કાઢે, મારે અત્યારે ને અત્યારે એમને મળવા જવું છે.’

રાજુ મૂંઝાઈ જતો. હજુ એને રોઝી માટે ગુસ્સો આવે એવો તબક્કો એમના પ્રેમમાં આવ્યો નહોતો. એ શાંતિથી જવાબ આપતો, ‘ગફૂર આવતી કાલે આ ટાઈમે આવશે. અને તું ગઈ કાલે જ તો ત્યાં ગઈ હતી, એ પણ આવતી કાલે જ તું આવવાની છે એવું માનતો હશે.’

‘હા,’ કહીને રોઝી વિચારોમાં ખોવાઈ જતી. પછી થોડી વાર રહીને ઉમેરતી, ‘આખરે તો એ મારો પતિ છે. મારે એમનું માન જાળવવું જોઈએ. એમને આ રીતે એકલા છોડીને ના આવવું જોઈએ.’

રાજુ સ્ત્રીઓની બાબતમાં બિનઅનુભવી હતો. સ્ત્રીનો સ્વભાવ પારખવાનું એનું કોઈ ગજું નહોતું. રોઝી જે કંઈ કહી રહી છે એનો અર્થ શું થાય તે સમજવા માટે એ અસમર્થ હતો. રોઝી પતિની કમીઓનું બયાન પોતાની સમક્ષ શું કામ કરતી હશે એવો રાજુને સવાલ થતો: ‘મને ઉશ્કેરવા? મને પોતાની તરફ આકર્ષવા?’

રોઝી રાજુને કહેતી: ‘મને ખબર નથી પડતી કે હું જે કંઈ કરી રહી છું તે સારું છે? જેણે મારા જેવીને સ્વીકારીને જિંદગીનાં તમામ ભૌતિક સુખ આપ્યાં એની સાથે હું આવું કરું તે યોગ્ય કહેવાય? હું અહીં અજાણ્યા શહેરની અજાણી હૉટેલમાં એકલી રહું એની સામે એને ભલે કોઈ વાંધો ન હોય, એ પોતાની સજ્જનતાને કારણે મને ભલે કંઈ કહે નહીં પણ શું પત્ની તરીકે મારી કોઈ ફરજ નથી કે એ મારી સાથે ગમે એટલો ગેરવર્તાવ કરે તો પણ હું સદા એની પડખે રહું, એને એના કામમાં સાથ આપું?’

રાજુ માટે આ પરિસ્થિતિ એકદમ ક્ધફ્યુઝિંગ હતી. ક્યારેક એને વિચાર આવતો કે પેલો માણસ ફોરેસ્ટ બંગલો છોડીને આ બલાને અહીંથી ઉપાડીને મદ્રાસ એના ઘરભેગો થઈ જાય અને પોતે પણ માલગુડી સ્ટેશનના પ્લેટફોર્મ પર પોતાના કામમાં પરોવાઈ જાય. માર્કો કે રોઝીને કંઈ પણ કહ્યા વિના રાજુ આજે, આ ઘડીએ એવું કરી શકતો હતો. એને કોણ રોકવાનું હતું?

આજનો વિચાર

વધારે સમજદાર અને મૂર્ખ વચ્ચે કોઈ ફરક નથી હોતો. બંને કોઈનું કહ્યું માનતા નથી.

– ઓશો

એક મિનિટ!

પકો: ઍડલ્ટરી વિશેનો ચુકાદો આવ્યા પછી હવે સુપ્રીમ કોર્ટ શું કરશે?

બકો: બાલવિવાહની જેમ બુઝૂર્ગવિવાહ પર પ્રતિબંધ લાવશે!

( મુંબઇ સમાચાર : શનિવાર, 29 સપ્ટેમ્બર 2018)

2 COMMENTS

  1. Navalkatha na real marko nu varnan tena lekhak a vadhu saras karyu che because a vilan nahto, potna karye ne j pura dhuuni maan sathe karya karto hato ne biji kai j ene khaber padti nahoti ne bija koi ma ene khas lagav nahto ne te j eno nature hato je swabhavik rite j rozzi ne gamtu nahtu

  2. ગાઈડ ફિલ્મ તો મેં નથી જોઈ. પણ R.K. નારાયણની નોવેલ ગાઈડને તમારી શૈલીમાં (અને એ પણ ગુજરાતીમાં) વાંચવાની મજા પડે છે. અને થાય છે કે ફિલ્મ નથી જોઈ તે સારૂ થયું. કેમકે ફિલ્મમાં મારકોને વિલન ચિતર્યો છે. જે હકીકતની નોવેલમાં નથી. અને મને એ ગમ્યું. કારણકે નોવેલના દરેક પાત્રને પોતાની એક આગવી પોઝિટિવ ઓળખ મળે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here