હજારો વર્ષો બાદ આપણે વિદુરવાણીમાંથી આપણી જિંદગીમાં જે કંઈ ખૂટે છે તે ઉમેરી શકીએ છીએ ઃસૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ એક્‌સક્‌લુઝિવઃ ૨૦ એપ્રિલ ૨૦૨૦)

સાડત્રીસમા અધ્યાયના આરંભે ધૃતરાષ્ટ્ર પ્રશ્ન કરે છેઃ ‘હે વિદુર! બધા વેદોમાં પુરુષને (એટલે કે મનુષ્યને, સ્ત્રી-પુરુષ બેઉ આવી જાય એમાં) શતાયુ બતાવ્યો છે. છતાં તે શા માટે પૂર્ણ આયુષ્ય ભોગવી શકતો નથી?’

સો વર્ષ જીવવાની જડીબુટ્ટી ચીંધતા વિદુર કહે છેઃ ‘હે રાજન! અતિશય બોલવું, અતિશય અભિમાન, ત્યાગનો અભાવ, ક્રોધ, અકારણ વધુ પડતી પૂછપરછ કરવાની વૃત્તિ અને મિત્રદ્રોહ – તે તીખી તલવારો છે અને તે આયુષ્યને કાપી નાખે છે. આ છ દુર્ગુણો મનુષ્યને ઘાત કરનારા છે…’

માણસની કાર્યક્ષમતા ક્યારે વધે? વિદુરજી કહે છેઃ ‘પહેલાં કરવા યોગ્ય કાર્યોની ગણતરી કરીને, તેને માટેનાં આવકજાવકનાં પાસાં વિચારીને, તે પ્રમાણેની માણસોની આજીવિકા ગોઠવીને તેને અનુરૂપ સહાયકોની નિમણૂક કરવી જોઈએ કારણ કે કઠિનમાં કઠિન કામો પણ સહાયકોની મદદથી જ સિદ્ધ થઈ શકે છે.’

હિન્દુ ધર્મ મહાન છે એવું કહીએ છીએ ત્યારે ધર્માંતર કરાવનારા મિશનરીઓને પેટમાં દુઃખે છે. આ એ મિશનરીઓ હોય છે જેમના પશ્ચિમી દેશોમાં ન તો રોજ નહાવાની સંસ્કૃતિ છે, ન ધોવાની – આ કાર્ય માટે તેઓ ટૉયલેટમાં ટિશ્યુ પેપરના રોલ્સ વાપરે છે. જુમ્મે – ટુ – જુમ્મે નહાનારાઓને પણ હિન્દુ ધર્મ મહાન છે એવી વાતો નથી ગમતી.

વિદુરજી મહાભારતના ઉદ્યોગપર્વના ૩૭મા અધ્યાયના ૩૦મા શ્લોકમાં કહે છેઃ ‘નિત્ય સ્નાન કરનાર મનુષ્યને બળ, રૂપ, સ્વરશુદ્ધિ, સ્પષ્ટ વર્ણોચ્ચાર, ત્વચાની કોમળતા, સુગંધ, પવિત્રતા, શોભા, લાવણ્ય તથા ઉત્તમ સ્ત્રીઓ મળે છે.’

વધુમાં વિદુરજી કહે છેઃ ‘ઓછું ખાનારને છ ગુણો પ્રાપ્ત થાય છેઃ આરોગ્ય, આયુષ્ય, સુખ, બળ, તેનું સંતાન ઉત્તમ બને છે અને આ ખૂબ ખાઉધરો છે એવો લોકો આક્ષેપ કરતા નથી.’

વિદુરજી ઉમેરે છેઃ ‘આળસુ, ખૂબ વધુ પડતું ખાનારો, બધા લોકો સાથે વેર રાખનારો, મોટો માયાવી, ક્રૂર, દેશ-કાળને ન જાણનારો, નિંદ્યવેશ ધારણ કરનાર – આ સાત જણને કદાપિ ઘરમાં રાખવા નહીં.’

પછી કહે છેઃ ‘પોતે ખૂબ દુઃખી હોય તો પણ એણે કંજૂસ, ગાળો ભાંડનાર, મૂર્ખ, ક્ષુદ્ર, નીચજનોની સેવા કરનાર, નિષ્ઠુર, બીજાઓ સાથે વેર બાંધનાર તથા કૃતઘ્ન પાસે યાચના કરવી નહીં.’

પૈસો કમાવવા કોઈનો સાથ જોઈએ. વિદુરજી કહે છેઃ ‘ધન મેળવવામાં સહાયક આવશ્યક છે, સહાયક ધનની અપેક્ષા રાખે છે. આ બંને એકબીજાની મદદની અપેક્ષા રાખે છે. પરસ્પરના સહયોગ વિના એમની સિદ્ધિ થતી નથી.’

આજીવિકાની ચિંતા કોને ન હોઈ શકે? વિદુરજીના જણાવ્યા મુજબઃ ‘જેનામાં બૌદ્ધિકશક્તિ, પ્રભાવ, તેજ, અન્તઃકરણનું બળ, ઉદ્યમ તથા વ્યવસાય અંગેનો નિશ્ચય હોય તેવા મનુષ્યને જીવિકાનો ભય ક્યાંથી હોઈ શકે?’

આડત્રીસમા અધ્યાયના આરંભે વિદુર કહે છેઃ ‘જ્યારે કોઈ વૃદ્ધ પુરુષનું આગમન થાય છે ત્યારે ત્યાં ઉપસ્થિત રહેલા તરુણના પ્રાણ પ્રકંપિત થાય છે અને જો એ તરુણ પેલા વરિષ્ઠ પુરુષનું યથોચિત અભિવાદન કરે છે તો એના પ્રાણ સ્વસ્થ થઈ જાય છે.’ સમજવામાં જરા કઠિન એવા શ્લોકની વિશેષ સમજૂતી અનુવાદક ડૉ. જે. કે. ભટ્ટે પાદટીપમાં આપી છેઃ ‘કહેવાનું તાત્પર્ય એ છે કે વરિષ્ઠ અને આદરણીય વ્યક્તિનું જો કોઈ યથોચિત સન્માન ન કરે તો એનાથી એનાં (સન્માન નહીં કરનારની) ચેતના અને તેજ નષ્ટ થાય છે.’
ધૃતરાષ્ટ્ર અને વિદુર વચ્ચેનો સંવાદ ૪૧મા અધ્યાયે પૂરો થાય છે. અનેક સદ્‌ગ્રંથોની જેમ અહીં એકની એક વાતનું મગજમાં ઠસી જાય તે માટે વિવિધ દૃષ્ટિકોણથી વારંવાર પુનરાવર્તન કરવામાં આવ્યું છે.

કોઈ એક જ મંત્રનું આપણે અનેકવાર રટણ કરીએ તો એ મનમાં ઊંડે સુધી ઊતરી જાય એ જ રીતે વિદુરજીની વાતોમાં ભલે પુનરાવર્તન હોય પણ ધૃતરાષ્ટ્રના મનમાં એ વાતો ઊંડે સુધી ઊતરી જાય તે માટે એ ફરીફરી કહેવાની જરૂર હતી. જોકે છેવટે તો ધૃતરાષ્ટ્રે વિદુરની વાતોને અવગણીને દુર્યોધનનું ધાર્યું ન થવા દીધું. પણ ધૃતરાષ્ટ્રને ભલે વિદુરજીની વાતોથી ફાયદો ન થયો. હજારો વર્ષો બાદ આપણે વિદુરવાણીમાંથી આપણી જિંદગીમાં જે કંઈ ખૂટે છે તે ઉમેરી શકીએ છીએ.

વિદુરનીતિની આ શ્રેણીને વિરામ આપતાં પહેલાં બે વાત.

ભારત જ્ઞાનસમૃદ્ધ છે. જ્ઞાનની બાબતમાં પણ વિશ્વગુરુ છે. અનેક આક્રાંતાઓએ આ જ્ઞાનને ભૂંસવાની પ્રચંડ કોશિશો કરી. છતાં શ્રુતિ-સ્મૃતિ પરંપરાને કારણે આ જ્ઞાન સહસ્ત્રાબ્દિઓથી ટકી રહ્યું છે, ૨૦૨૦માં પણ આપણને સમૃદ્ધ કરી રહ્યું છે. નાલંદા અને તક્ષશિલાની વિદ્યાપીઠોનો વિધ્વંસ કરનારાઓ ભારતવાસીના ડીએનએને કેવી રીતે નષ્ટ કરી શકે?

વેદ-ઉપનિષદ, રામાયણ-મહાભારત તથા પુરાણો તેમ જ અન્ય ગ્રંથોમાં જે કંઈ સંચિત થયું છે તે સઘળુંય પવિત્ર છે, અમર છે છતાં એકવાત સમજવી જોઈએ કે આ બધાનું સર્જન દેશકાળને અનુરૂપ થયું છે. તે વખતની પરિસ્થિતિ, ત્યારનો સમાજ તેમજ તે સમયે બાકીના વિશ્વ અંગે જેટલી જાણકારી હોઈ શકે તે સઘળા સંદર્ભોનો વિચાર કરીને આ પવિત્ર ગ્રંથોમાંથી ખોબો ભરતી વખતે નીરક્ષીરનો વિવેક રાખવાનો હોય. અન્ય કેટલાક ધર્મોની જેમ સનાતન ધર્મ જડવાદી નથી. આપણે ત્યાં કોઈપણ ગ્રંથની વાતો પથ્થરની લકીર નથી કે એમાં જે લખાયું છે તેને અંતિમ સત્ય માની લેવાનું હોય. દિમાગના દરવાજા બંધ રાખીને જીવનારાઓને આવી સંકુચિત વૃત્તિ પોસાય. સનાતન ધર્મીઓને નહીં . કારણ કે આપણો ધર્મ કૃત્રિમ રીતે ઉપજેલો નથી. દુનિયાનાં અન્ય ધર્મો કઈ સાલમાં સ્થપાયા, કોણે સ્થાપ્યા તેની નિશ્ચિત વિગતો છે. સનાતન ધર્મની સ્થાપનાનું કોઈ વર્ષ નથી, એના કોઈ સ્થાપક નથી. આ કોઈ કૃત્રિમ રીતે સ્થાપવામાં આવેલો ધર્મ નથી. અને એટલે જ બાઈબલ કે કુરાનની જેમ કોઈ એક ધર્મગ્રંથમાં તે સમાઈ જતો નથી.

ધર્મ એક જ છે અને તે છે સનાતન ધર્મ. બાકીના બધા રિલિજિયન છે જેનો ખોટી રીતે અનુવાદ ‘ધર્મ’ના નામે થાય છે. ધર્મ અને રિલિજિયન બેઉ ભિન્ન વિચારો છે. ધર્મ જીવનશૈલી છે, ધર્મ વ્યક્તિની ફરજને કહે છે, વ્યક્તિએ સ્વીકારેલી પરંપરાને, એની સંસ્કૃતિને કહે છે. હજારો વર્ષના વિચારપ્રવાહમાં જે સંચિત થાય છે તે ધર્મરૂપે પ્રગટ થાય છે. આપણે આપણા ધર્મ સંભાળવા એવું નરસિંહ કહે છે ત્યારે એમાં રિલિજિયનની વાત નથી થતી. આપણે જે કામ કરવાનું છે તે કામની વાત છે. ડૉક્ટરોનો ધર્મ દર્દીઓને સાજા કરવાનો, માતાનો ધર્મ સંતાનોને ઉછેરવાનો, લેખકનો ધર્મ લખવાનો – ધર્મનો આ પણ એક અર્થ છે.

ધર્મ શબ્દ અતિ વિશાળ છે. રિલિજિયન અત્યંત સંકુચિત શબ્દ છે. ધર્મમાં રહેલી વિશાળતાના સંસ્કાર આપણામાં છે એટલે આપણે ક્યારેય યવનોની જેમ કે ઈસ્લામધર્મીઓની જેમ બીજાઓની ભૂમિ પર આક્રમણ કરીને કોઈને લૂંટ્યા નથી. આ વિશાળતાનું બીજું પાસું ઉદારતા છે – પારસીઓ સહિત સૌ કોઈની સાથે આપણે અતિથિ દેવો ભવઃનો ધર્મ બજાવ્યો છે. કેટલાકે આપણી ભલમનસાઈનો ગેરલાભ ઉઠાવીને આપણા ઘરમાં આવીને આપણને જ બેઘર કરવાના પ્રયાસો કર્યા. એ એમની સંસ્કૄતિની વિકૃતિઓ પ્રમાણે વર્ત્યા.

આજે આપણે એક મજબૂત રાષ્ટ્ર તરીકે વિશ્વને માર્ગદર્શન આપી રહ્યા છીએ તેના પાયામાં આપણી ભૂમિની હજારો વર્ષની તપસ્વી પરંપરા છે. આ પરંપરા શ્રુતિ-સ્મૃતિ પછી હવે આપણા પ્રાચિન ગ્રંથોમાં સચવાઈ છે. આ એક વાત ધ્યાનમાં રાખવી જરૂરી છે. શ્રુતિ-સ્મૃતિથી અને પાછળથી લેખિત સ્વરૂપે સચવાયેલા ગ્રંથોમાં ક્ષેપકો પ્રવેશી ગયા હોવાની શક્યતાને નકારી શકાય નહીં. પાંચ હજાર વર્ષ પહેલાં વેદ વ્યાસે મહાભારતની રચના કરી હોય એમાં કોણે, શું અને કયા આશયથી ઘૂસાડી દીધું હોય તે નક્કી કરવું અશક્ય છે. કારણ કે પાંચ હજાર વર્ષ પહેલાંનો રેકૉર્ડ વળી કોની પાસે હોવાનો. એટલે જ આપણી બુદ્ધિમાં જે ઊતરે તે સ્વીકારવાનું. એટલે જ જે વાત ગળે ન ઊતરતી હોય તેને છોડીને આગળ વધી જવાનું.

એક દાખલો લઈએ તો વધુ સ્પષ્ટ થઈ જશે આ વાત. રાણા અય્યુબ નામની એક હલકી કક્ષાની ભારતીય પત્રકાર છે જેણે ચાર વર્ષ અગાઉ અંગ્રેજીમાં ૨૦૦૨માં ગોધરા હિન્દુ હત્યાકાંડ પછી ગુજરાતમાં કેટલાંક ઠેકાણે થયેલા રમખાણો વિશે એક હલકી કક્ષાનું નિકૃષ્ટ પુસ્તક લખ્યું છે. લખે. ૨૦૦૨-૦૩ના ગાળામાં સેક્યુલર મિડિયાએ તે વખતના ગુજરાતના સી.એમ. વિરુદ્ધ, ગુજરાતની પ્રજા વિરુદ્ધ ખૂબ લખ્યું. જે એ પત્રકારોની ચોપડીઓમાં પણ છપાયું. હવે આ જ બધી ચોપડીઓ જો ટેક્‌સ્ટ બુક રૂપે ભારતના વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે તો તેઓ નરેન્દ્ર મોદી વિશે, ગુજરાતીઓ વિશે કેવો અભિપ્રાય ધરાવતા થઈ જાય? અને અલમોસ્ટ એવું જ થઈ રહ્યું હતું. ૨૦૦૪માં સોનિયા-મનમોહનની સેક્યુલર એટલે કે મુસ્લિમવાદી સરકાર આવી ત્યારે હિન્દુદ્વેષી કપિલ સિબ્બલને શિક્ષણખાતું સોંપવામાં આવ્યું. સિબ્બલે રાષ્ટ્રની શાળાઓનો અભ્યાસક્રમ તૈયાર કરતી સંસ્થા એન.સી.ઈ.આર.ટી.માં જાવેદ આનંદ નામના ઍન્ટિહિન્દુની બીવી તિસ્તા સેતલવાડને ટેક્‌સ્ટ બુક્‌સ તૈયાર કરવાની જવાબદારી સોંપી. (આ હકીકત સ્મૃતિ ઈરાની મોદી સરકારમાં શિક્ષણ મંત્રી હતાં ત્યારે એમણે સંસદ સમક્ષ મૂકી હતી). સદ્‌નસીબે દેશની સમજુ પ્રજાએ ૨૦૧૪માં શાસનની ધુરા ભાજપના હાથમાં સોંપી અને ભાજપે નરેન્દ્ર મોદીની નેતાગીરી સ્વીકારી. અન્યથા આજે આપણી શાળાઓમાં ભારતીય સંતાનો કેવો અભ્યાસ કરતા હોત તેની કલ્પના કરો.

ઇતિહાસ સાથે નહીં, આપણી આંખ સામે બનતી ઘટનાઓ સાથે કેવાં ચેડાં થાય છે તેના આપણે સૌ સાક્ષી છીએ. આજની તારીખે પણ સત્યને મારીમચડીને પેશ કરનારાઓ આપણે ત્યાં છે. દરેક જમાનામાં રહેવાના. આપણા પ્રાચીન ગ્રંથોની રચના થઈ એ પછી એની સાથે ચેડાં કરનારા તે જમાનાના રવીશો, રાજદીપો, સાગરિકાઓ, બરખાઓ, શેખરો વગેરે વામપંથીઓ શું નહીં હોય? હોવાના જ. હવનમાં હાડકાં નાખનારા રાક્ષસો દરેક યુગમાં રહેવાના અને એટલે જ સુદર્શનચક્રધારીએ આપણને આશ્વાસન આપવું પડ્યું કે તમે ચિંતા નહીં કરતા, અધર્મીઓના વિનાશ માટે અને ધર્મની પુનઃ સ્થાપના માટે પ્રત્યેક યુગમાં પોતે જન્મ લેવાના જ છે.

ભગવાને તો એમનું પ્રોમિસ પાળ્યું છે. આપણે સૌએ પણ આપણી ફરજ નિભાવવાની છે. આપણા પવિત્ર પ્રાચીન વારસાસમા ગ્રંથોમાં ઉમેરાયેલી અભદ્ર, અનૈતિક અને અણછાજતી વાતોને બાજુએ તારવીને, નીરક્ષીર વિવેક જાળવીને એનું સેવન કરવાનું છે.

અને બીજી વાત. વિદુરનીતિ હોય, ભગવદ્‌ગીતા હોય, ચાણક્યનીતિ હોય કે પછી આજના જમાનામાં લખાતી કોઈ પણ ડાહી ડાહી, ચિંતન કરવા પ્રેરે એવી વાતો હોય – આ વાતોને વાંચીને મગજ તરબતર થાય અને પછી એનો જીવનમાં અમલ ન થાય તો વેડફાઈ જશે. સારું સારું વાંચીએ કે સારું સારું સાંભળીએ ત્યારે યાદ રાખીએ કે આ બધું આપણા મનોરંજન માટે નથી, આપણા ઘડતર માટે છે. આ વિચારોને પચાવીને એને અમલમાં મૂકવાનો દૃઢ નિર્ધાર થશે તો જ આ વાતો આપણી જિંદગીને વધુ સુંદર આકાર આપશે. બસ, આનાથી વધારે તો શું સમજાવવાનું હોય? અમારા કરતાં તમે વધારે સમજદાર છો.

10 COMMENTS

  1. Shri Saurabhji,
    Your views are extraordinary.I again request you to publish them in English also so that they reach the young generation which is very essential as this generation may not be able to read/write Gujarati/Hindi.
    Regards.

  2. I agree with Narendra Udeshi please share your experiences with હસમુખ ગાંધી

    • Mitro, i have written about Gandhibhai and Samakaleen in various articles of mine. બધું છૂટું છવાયું છે. ક્યારેક compile કરીશું.

  3. Sorry belated પ્રતીભાવ આપવા માટે. Print media બાબતે ઞુરુવારનો તમારો article was a masterpiece. Shreshtiivarya HASMUKH GANDHI , અદભુત મેગેઝીન ફલેશ, સમકાલીન તથા થોડેધણે અંશે નિખાલસ , શું જમાનો હતો. (ભીડે સરનો ડાયલોગ).

  4. Dear Saurabh hai
    After the last article on Vidurniti, I wish to suggest you to write about your days in SAMKALIN daily under late Shri Hasmukh Gandhi whom you have remembered so many times earlier.
    Have a nice day.

  5. હિન્દુ ધર્મના હોવા છતાં હિન્દુ ધર્મ ની વિરોધ બોલે . શું કારણ હોઈ શકે ????

  6. હેલો. સૌરભસર તમે તો સાઇકોલોજી વિષે સારું નોલેજ ધરાવો છો. એક સવાલ છે કે કપિલ સિબ્બલ, જવાહરલાલ નેહરુ, સ્વરા ભાસ્કર વગેરે લોકો હિન્દુ હોવા છતાં પણ હિન્દુવિરોધી વિચાર અને કાર્યો કેમ કરે છે? કોઈ લેખ માં જવાબ આપવા વિનંતી.

Comments are closed.