આપણે તો જ્યાં, જેનું સારું દેખાય તે અપનાવી લેવાનું. રાઈટ? રૉન્ગ: સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ : સોમવાર, 20 એપ્રિલ 2020)

કોઈનામાં કશુંક સારું જોઈ લીધું એટલે તમે પણ એ અપનાવીને સારા થઈ જશો એ માની લેવું એક ભ્રમણા છે. ઘણા ભોળા લોકો આવું માની બેસે છે. ઘણા માસૂમોને લાગે છે કે આપણે તો પેલી વ્યક્તિની માત્ર પ્લસ સાઈડને જ જોઈને અપનાવી લેવાની. કોઈનામાં આ સારું હોય તો કોઈનામાં પેલું સારું હોય. દરેકમાંથી સારી સારી વાતો ચૂંટીને એને આપણા જીવનમાં ઉતારી દેવાની એટલે પત્યું.

અહીં જે છે તે બધું જ પૅકેજરૂપે મળે છે. કોઈ હીરોઈનનું સુડોળ ફિગર જોઈને તમને (તમને એટલે તમને— સ્ત્રીવાચકને) ઈર્ષ્યા આવતી હોય ને તમે પણ ડાયેટ-એક્સરસાઈઝ થકી એવું ફિગર મેળવવા માગતા હો ત્યારે તમને ખબર નથી હોતી કે ડૂચા જેવો ‘હેલ્ધી ડાયેટ’ ખાઈખાઈને પેલીનો સ્વભાવ કેટલો રેચેડ થઈ ગયો છે, છાશવારે ટેન્ટ્રમ કરતી થઈ ગઈ છે. પણ તમને એવો વિચાર નહીં આવે. તમને તો એનું ફિગર જ દેખાશે.

કોઈ અતિ શ્રીમંતની લાઈફસ્ટાઈલ જોઈને તમને પણ એનાં જેવાં શૂઝ, પરફયુમ્સ, કપડાં, કાર, ઘર વસાવવાનું મન થાય અને તમે એના જેટલી જ મહેનત કરવા તૈયાર પણ હો તોય તમને ખબર નથી કે આ માણસ માત્ર મહેનત નથી કરતો, આ માણસે જ્યાં ઝૂકવું પડે છે ત્યાં એ ઝૂકી જાય છે, આ માણસ તમારા જેવો અક્કડ નથી. આ માણસ ધારે એને રિઝવી શકે છે, તમારી જેમ જે સાચું છે તેનું પૂછડું પકડીને બેસી રહેતો નથી.

કોઈ પણ વ્યક્તિ જે છે તેના બનવા પાછળ તમને નહીં દેખાતાં ઘણાં બધાં ફેક્ટર્સ હોવાનાં. તમને બિલ ગેટ્સ કે વૉરન બફેટ કે સ્ટીવ જૉબ્સ બનવાનાં ખ્વાબ દેખાડતા મોટિવેટર્સ આ કે આવા તમામ મહાનુભાવોના બિસ્કિટનું ક્રીમ જ તમને ચખાડે છે, આખું બિસ્કુટ ખવડાવતા નથી. તમારે જૉન અબ્રાહમ કે રણવીર સિંહ જેવું સ્કલ્પટેડ સ્નાયુબદ્ધ શરીર જોઈતું હોય તો સ્ટીરોઈડ લઈ લઈને અંદરથી તમારા શરીરની વાટ લાગે તો લગાડવી પડે. ઈટ ગોઝ ટુગેધર. બેઉ સાથસાથે જવાનાં. તમને મર્સીડીસનું એન્જિન, ફરારીની ચેસીસ, જેગ્વારનું ઈન્ટિરિયર અને બુગાટીની ફ્રન્ટ ગ્રિલ એક જ કારમાં જોઈએ તો એ ના મળે. તમે ફ્રિજ પાસે અવનનું અને અવન પાસે વૉશિંગ મશીનનું કામ ન લઈ શકો.

એવું જ સ્થળની બાબતમાં. દુબઈ પાસેથી શીખવા જેવું હોય તો ત્યાંની શિસ્ત, ચોખ્ખાઈ. સિંગાપોર પાસેથી ત્યાંની ટ્રાફિક ડિસિપ્લિન શીખવા જેવી અને શાંઘાઈ પાસેથી ટાઉન પ્લાનિંગ. વાતો કરવી સહેલી છે. સ્વિટ્ઝર્લેન્ડ જઈ આવ્યા પછી ભારતની પ્રજાને, અહીંના પોલિટિશ્યન્સને કન્ડેમ કરવાનું કામ આસાન છે.

પણ તમને ખબર નથી કે સ્વિસ રેલવેના કર્મચારીઓના યુનિફૉર્મ્સ ઈન્ડિયાથી જાય છે અને એ મેન્યુફેક્ચરરે ત્યાંના તંત્રને લાંચ ખવડાવીને ટેન્ડર પાસ કરાવવાં પડે છે. તમને ખબર નથી કે શાંઘાઈમાં નવો રસ્તો બનાવવો હોય કે જૂનાં મકાનને હટાવીને નવી વસાહત બનાવવી હોય તો ત્યાંની સરકાર કલમના એક ઝાટકે આ કામ કરી શકે છે, કારણ કે ત્યાં સરમુખત્યારી છે. અહીંની લોકશાહીમાં તમારાથી એવું નથી થઈ શકતું. સિંગાપોરમાં આજની તારીખે પણ હ્યુમન રાઈટ્સવાળાઓની ઐસીતૈસી કરીને સરકાર ફટકાઓની સજા કરી શકે છે અને ત્યાં અખબારી સ્વાતંત્ર્ય શૂન્ય છે. દુબઈમાં પણ મીડિયા પર જે પ્રકારનાં નિયંત્રણો છે તે જો ઈન્ડિયામાં હોય તો એક પણ છાપું કે એક પણ ટીવી ચેનલ ચાલી ન શકે.

કહેવાનો મતલબ એ કે તમારે આ જોઈતું હોય તો પેલું પણ સ્વીકારવું પડે. પ્રેરણાની પરબ ખોલીને બેસનારાઓ તમને ઊંધે રવાડે ચડાવતા હોય છે અને તમે ચડી જતા હો છો. પછી જ્યારે ખબર પડે કે આવી સુષ્ઠુ સુષ્ઠુ વાતો સાંભળવા/વાંચ્યા પછીય તમે ત્યાંના ત્યાં જ રહો છો ત્યારે તમને તમારી જાત માટે ધિક્કાર થાય છે. હું જ આવો કે હું જ આવી. હકીકતમાં તો તમારે આવું બ્રહ્મજ્ઞાન થયા પછી પેલા મોટિવેશનની પરબવાળાને ફટકારવો જોઈએ – તમને ઊંધે રવાડે ચડાવી દેવા બદલ.

પણ શું છે કે સુષ્ઠુ સુષ્ઠુ સાંભળવું/વાંચવું અને સુષ્ઠુ સુષ્ઠુ બોલવું/લખવું બધાંને ગમે છે. ચાંપલી ચાંપલી અને ડાહી ડાહી વાતો કોને ન ગમે? પણ એવી વાતોથી કોઈનો ઉદ્ધાર થતો નથી. જીવન ભટકી જાય છે.

જ્યાં કે જેનામાં કશું પણ સારું દેખાય ત્યારે વિચારવાનું કે આ જે ફાઈનલ પ્રોડક્ટ દેખાય છે તે બનાવતી વખતે કેટલો વેસ્ટેજ બહાર નીકળ્યો હશે, કેટલું પોલ્યુશન પેદા થયું હશે. આ વેસ્ટેજને અને પોલ્યુશનને હેન્ડલ કરવાની તમારી કૅપેસિટીને જાણી-નાણી લીધા પછી જ એવી સોહામણી પ્રોડક્ટના ઉત્પાદનનું જોખમ ખેડવું.

તમારે ગાલિબ, ગુલઝાર કે પછી મરીઝ-રમેશ પારેખ જેવા કવિ બનવું હોય તો માત્ર કલ્પનાના ગુબ્બારા છોડીને નહીં બની શકાય. તેઓ જે રીતે જીવનની ચક્કીમાં પીસાયા છે તે રીતે તમારે પણ પીસાવું પડે. તમારે એન્ટિલા, પ્રતીક્ષા કે મન્નત બાંધીને રહેવું હોય તો જીવનના અનેક કડવા ઘૂંટડા રોજના ધોરણે ગળવા પડે અને એટલું જ નહીં ધાર્યો મહેલ બનાવી લીધા પછી પણ એના શયનખંડમાં સૂતાં સૂતાંય એવા ઘૂંટડા ગળવાનું ચાલુ રાખવું પડે.

દરેક વાતનું એક પૅકેજ હોય છે. આ જીવન કંઈ અ લા કાર્ટ નથી, પણ સેટ ડિનર છે. તમે મેનુ કાર્ડમાંથી આ વાનગી પસંદ કરી, એમાં પેલી ઉમેરી, પછી પેલી લીધી. એવું નહીં કરી શકો લાઈફમાં. અહીં તમને તૈયાર થાળી મળે છે (બહુ બહુ તો એમાંની એકાદ વાનગી બદલાવી શકશો. સંભારને બદલે રસમ કે મિક્સ્ડ ભાજીને બદલે સુકી ભાજી કે પછી રોટીને બદલે રાઈસ. બસ). ભાવતું – ન ભાવતું બધું જ ખાઈ જવાનું છે તમારે, તો જ પેટ ભરાશે. કચકચ કરવા બેસશો કે પરવળ નથી ભાવતાં તો ભૂખ્યા રહી જશો અને બીજો કોઈ પરવળ ખાઈને તાકાત મેળવીને આગળ નીકળી જશે.

સમજવાનું એટલું છે કે કોઈ પણ વ્યક્તિમાં તમને જે કંઈ સારું દેખાય છે તે સારું જો તમારે તમારા જીવનમાં અપનાવવું હશે તો એ સારપની સાથે અનિવાર્યપણે જોડાયેલી ખરાબીઓ પણ તમારામાં આવવાની અને એટલે, જ્યારે એ આવે ત્યારે તમારે એવું નહીં માનવાનું કે હું કેટલી ખરાબ વ્યક્તિ અને પેલો કેટલો સારો માણસ.

ખામીઓ દરેકમાં હોય, આપણે માત્ર એમની સારી સારી વાતો અપનાવવાની એવું હવે ક્યાંય તમે વાંચો કે કોઈ તમને કહે કે તો માનવાનું કાં તો એ તમને ભરમાવે છે કાં તો એ પોતે અબૂધ છે. પાણી હોય ત્યાં પૂરની અને પવન હોય ત્યાં વાવાઝોડાની શક્યતા રહેવાની જ.

7 COMMENTS

  1. It’s fact, nobody says the truth about final success.even they don’t say all fact in biography also.

  2. માનનીય સૌરભભાઈ,
    મેં પુરેપુરી ગીતા વાંચવાનો અને સમજવાનો ઘણી વાર પ્રયત્ન કરી જોયો. પ્રયત્નો હજુ ચાલુ જ છે પરંતુ તમારા લેખો વાંચી ને એ કસર કંઈક અંશે પુરી થતી હોય એવું લાગે છે.
    આપ વધુ અને વધુ લખતા રહો અને અમને તમારા જ્ઞાનના સહભાગી બનાવતા રહો તેવી શુભેચ્છા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here