‘બાકી હું તો ઊખડી ગયેલ મૂળિયાવાળું ઝાડવું બન્યો છું’ : સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ, ‘ન્યુઝપ્રેમી ડૉટ કૉમ : સોમવાર, 28 ઑગસ્ટ 2023)

૨૮ ઑગસ્ટ ૧૮૯૬ના રોજ ચોટીલામાં જન્મીને ૯ માર્ચ ૧૯૪૭ના રોજ બોટાદમાં હૃદયરોગના હુમલાથી સ્વર્ગવાસ પામનાર ઝવેરચંદ મેઘાણીએ ૫૦ વર્ષના આયુષ્યમાં અનેક કપરા સંજોગોનો સામનો કર્યો—પર્સનલ લાઈફમાં અને પ્રોફેશનલ લાઈફમાં. એ તમામ પરિસ્થિતિઓ સામે ઝઝૂમીને પણ એમણે પોતાનું સર્જન ચાલુ રાખ્યું એટલું જ નહીં એ સર્જનને તેઓ ઉત્તરોત્તર ઉત્કૃષ્ટ બનાવતા ગયા.

મેઘાણીના અનેક સમકાલીન લેખકો હતા. એમાંથી બે-ત્રણના અપવાદ સિવાય કોણ યાદ રહ્યા છે? પણ મેઘાણી સૌ કોઈને યાદ છે. કારણકે એમણે લેજન્ડરી કામ કર્યું.

દરેક યુગમાં, દરેક ક્ષેત્રમાં લેજન્ડરી કામ કરનારાઓ જ યાદ રહી જતા હોય છે. સુનીલ ગાવસ્કરની સાથે બીજા કેટલાય ક્રિકેટરો સારું રમતા પણ એકસ્ટ્રા ઑર્ડિનરી, તરીકે લેજન્ડ તરીકે, તમને ગાવસ્કર યાદ છે. એવું જ સચિન તેંડુલકરનું, લતા મંગેશકરનું, આર.ડી.બર્મનનું કે અમિતાભ બચ્ચનનું. આ સૌના અનેક સમકાલીનો હતા જેમાંના કેટલાંકે ખરેખર સારું કામ કર્યું પણ યાદ આ લોકો જ રહ્યા કારણકે આ સૌએ લેજન્ડરી કામ કર્યું. જેઓ સામા પૂરે તરી શકે છે, જેઓ પળભરની નવરાશ માણવાને બદલે સતત પોતાની ટેલન્ટની ધાર કાઢતા રહે છે, જેઓ પોતાના ડાઉન પિરિયડમાં પણ હતાશ થઈને દિશાભાન ગુમાવી દેવાને બદલે ફિનિક્સ પંખીની જેમ પોતાની જ રાખમાંથી ફરી ઊભા થવાની હામ ભીડી શકે છે તેઓ જ લેજન્ડ બનીને અમર થઈ જાય છે.

ગુજરાતી ભાષાના આવા જ આલા દરજ્જાના કવિ, નવલકથાકાર, લેખક, પત્રકાર, તંત્રી, લોકસાહિત્યકાર, અનુવાદક અને પ્રભાવશાળી વક્તા ઝવેરચંદ મેઘાણીની આજે જન્મજયંતિ છે. એમના સાહિત્યથી ગુજરાત આખું પરિચિત છે પણ એમની સ્ટ્રગલ્સ વિશે બહુ ઓછાને જાણકારી છે. આ માહિતી તમને મેઘાણીએ લખેલા અસંખ્ય પત્રોમાંથી પ્રાપ્ત થાય છે.
‘લિખિતંગ હું આવું છું’ શીર્ષકથી સ્વ. વિનોદ મેઘાણીએ ઝવેરચંદ મેઘાણીના પત્રોનો દળદાર સંગ્રહ તૈયાર કર્યો હતો.

મેઘાણીની જેમ દરેક મહાન હસ્તી પોતાની અંગત તેમ જ પ્રોફેશનલ લાઈફમાં અનેકવિધ સ્ટ્રગલ્સનો સામનો કરીને જ મોટી બને છે. કોઈ પણ મોટું માણસ કંઈ એમનેમ મોટું નથી બની જતું. જીવનમાં અનેક ફરિયાદો હોય, સંઘર્ષ હોય, અન્યાય હોય તો પણ કોઈ મારું શોષણ કરે છે, કોઈ મારી કદર કરતું નથી, મને મારા કામની ડયુ ક્રેડિટ મળતી નથી એવું કહીને જે હાથ પર હાથ રાખીને બેસી રહે છે તે કયારેય ઉપર નહીં આવે. તમે સતત બીજાઓના વાંક કાઢતા રહેશો, સંજોગો પર દોષનો ટોપલો ઢોળતા રહેશો તો જયાં છો ત્યાં જ રહેશો, ત્યાંથીય સરકીને હજુ નીચે ઊતરી જવાના. આ દુનિયામાં કોઈ તમે સિકસર મારી શકો એવી બોલિંગ કરતું નથી. તમને આઉટ કરવાના ધ્યેયથી જ બોલ ફેંકાય છે. તમારે તમારી કળા વાપરીને એ બોલથી આઉટ થયા વિના સિક્સર ફટકારવાની છે. આ આવું જ રહેવાનું. તમારે સ્વીકારી જ લેવાનું. કારણકે, તમારો વારો આવશે ત્યારે તમે પણ એ હેતુથી જ બોલિંગ કરવાના છો કે સામેવાળો બેટ્સમેન સિક્સર ન મારી શકે, આઉટ થઈ જાય. જેઓ આ સીધીસાદી વાત નથી સમજતા તેઓ પોતે કેટલો અન્યાય સહન કરી રહ્યા છે એનાં રોદણાં રડયાં કરશે, કપરા સંજોગોનો સામનો કરીને કયારેય સિક્સર નહીં લગાવી શકે.

મેઘાણી વિશે કવિ મકરન્દ દવેએ લખ્યું હતું: ‘…આર્થિક તંગી અને ભાંગતી તબિયત વચ્ચે એક સર્જક નવાં ને નવાં શિલ્પો જગતને આપી રહ્યો છે એ દૃશ્ય હૃદયને પીગળાવી મૂકે એવું છે.’

મૃત્યુના ચાર-પાંચ વર્ષ પહેલાં, ત્રીજી જૂન, ૧૯૪૨ના રોજ ઝવેરચંદ કાળીદાસ મેઘાણી એક સ્વજનને પત્રમાં લખે છેઃ

‘તબિયત ઠીક છે. શરીરનો આ બળવો પ્રવૃત્તિના બોજા સામે નથી. કામ તો હું ગમે તેટલું ખેંચી શકું તેવો છું. પણ કૌટુંબિક જીવનમાં જે ઉત્તરોત્તર અસહ્ય વિષમતાઓ ઘેરાતી જાય છે તેના તરફથી મળતી આ ચેતવણી છે. આજે મારું કુટુંબજીવન જેવું કશું ભાગ્યે જ બાકી રહ્યું છે. પત્નીના માનસિક વૈચિત્ર્યની અસર એના શરીર પર ઊતરી છે, તાવ શરૂ થયો છે, નબળાઈ વધી રહી છે. સૌથી મોટા દીકરા (એટલે કે મહેન્દ્ર મેઘાણી જેઓ તે વખતે ૧૯-૨૦ વર્ષના હતા)ના હૃદયમાં આ ઘર સામે વિદ્રોહનો જવાળામુખી સળગે છે, તે ઉપરાંત તેને બીજા કેટલાંક માનસિક ઉત્પાતોએ પકડયો છે. મોટી પુત્રી કોઈ મેળની નથી. નાનાં બાળકો મોટાઓની દયા પર જ જીવે છે. પ્રત્યેક પળે કોણ જાણે શું થશે ને શું નહીં થાય એવી પરિસ્થિતિ છે. કોઈ કોઈની સાથે જાણે શત્રુતા સિવાય કશો સંબંધ જ ધરાવતું નથી. આ બધાની વચ્ચે હું લા-ઈલાજ સાબિત થઈ, મારું સ્થાન કયાંક કુટુંબ બહાર શોધી રહ્યો છું. નાનાં બાળકો સિવાય કોઈમાં મારું દિલ ઠરતું નથી. નાના પ્રત્યેની ફરજ મને થંભાવે છે. બાકી તો હું ઊખડી ગયેલ મૂળિયાવાળું ઝાડવું બન્યો છું…’

મેઘાણી વિશે કવિ મકરન્દ દવેએ લખ્યું હતું: ‘બહોળા કુટુંબની જંજાળ, (છાપાની નોકરીના) કામનો ભરડો, આર્થિક તંગી અને ભાંગતી તબિયત વચ્ચે એક સર્જક નવાં ને નવાં શિલ્પો જગતને આપી રહ્યો છે એ દૃશ્ય હૃદયને પીગળાવી મૂકે એવું છે.’

૩-૬-૧૯૪૨ના એ પત્ર પછી મેઘાણી તરત જ બીજો પત્ર લખે છે,એ જ સ્વજનને.

૮-૬-૧૯૪૨ના એ પત્રમાં, અગાઉના પત્રમાં ઠાલવેલી વ્યથાઓને મેઘાણી વાળી લે છે, મકરન્દ દવેના શબ્દોમાં: ‘કોઈ એન્જિન ડ્રાઈવર આગગાડીની ભઠ્ઠીને લોખંડી ઢાંકણું વાસી દે એમ આગભડાકા પર તે આગળા ભીડી દે છે.’

મેઘાણી આ પત્રમાં લખે છેઃ

‘મેં આપને બધું લખીને નાહકની વ્યથા ઉપજાવી. આપની જંજાળો કંઈ ઓછી નથી. તેમાં ઉમેરો કરાવવો એ પાપ છે. મારા સંસારમાં તો એ ચાલ્યા કરવાનું. મારા પોતાના જ દોષે બધું બની રહ્યું છે. તેનો ઓરતો ન હોય… જેમનું તેમ નભાવ્યે જવાનું, શક્તિ છે ત્યાં સુધી. તે પછીની સંભાળ પ્રભુ લેશે’

આ પત્રો લખાયા તે કાળ મેઘાણીના આયુષ્યનો સંધ્યાકાળ પુરવાર થયો. પાંચ જ વર્ષમાં જુસ્સાદાર ઉંમરે એમનું અવસાન થયું.

‘લિખિતંગ હું આવું છું’માંના સેંકડો અંગત પત્રોમાંથી બહુમુખી પ્રતિભાવાળા આ વિરાટ વ્યક્તિત્વના એક-એક પાસાં વિશે આખા-આખા લેખ લખી શકાય. મેઘાણી : એક સાહિત્યકાર, મેઘાણીઃ એક પિતા,મેઘાણીઃ એક પતિ, મેઘાણીઃ એક પત્રકાર.

ઝવેરચંદ મેઘાણીએ કેવી કપરી પરિસ્થિતિનો સામનો કરીને સતત અને વિપુલ સર્જન કર્યું તેનું બયાન એમના અઢળક પત્રોમાંથી તમને મળે છે.

૧૯૪૬માં લેખક મિલનમાં પ્રવચન આપતાં મેઘાણીએ જે કહ્યું તેનો અંશ આ પત્રમાં છેઃ

‘૧૯૨૧માં માસિક રૂપિયા ૭૦ના પગારથી ‘સૌરાષ્ટ્ર’નું તથા ભાષાંતરનું કામ કરવા હું રહ્યો. હું તો મારા આત્માના ક્ષેત્રમાં આવ્યો. વર્ષો પછી મુક્ત થયો ત્યારે છેલ્લો પગાર હતો રૂ.૧૫૦… ૧૯૩૩માં બીજે જોડાયો. શરૂઆતમાં રૂ.૧૨૫, પછી રૂ.૧૫૦, પછી રૂ.૧૭૫ મળતા. ત્યાંથી ‘૩૬માં પાછો રાણપુર બોલાવ્યો. મારી મદદમાં રૂ.૧૫થી રૂ.૬૦ના પગારદાર એક-દોઢ-અઢી- ત્રણનો તંત્રીસ્ટાફ હતો. આમાં મેં કામ કર્યું છે. મારાં લખી આપેલાં ખૂબ લોકપ્રિય એવાં પચીસેક પુસ્તકો હતાં (જે ભેટપુસ્તકો તરીકે એ છાપાં દ્વારા એનું વાર્ષિક લવાજમ ભરનારા વાચકોને માકલવામાંમાં આવતાં) પણ ત્યારે તે પરનો હક (કૉપીરાઈટ) મારો નહોતો.’

જૂન ૧૯૩૫માં મેઘાણીએ સૌરાષ્ટ્ર ટ્રસ્ટ તથા ‘ફૂલછાબ–‘જન્મભૂમિ’ના સ્થાપક અમૃતલાલ શેઠને પત્ર લખ્યો (અમૃતલાલ શેઠના વારસદારો વખત જતાં મુંબઈમાં તેમ જ ભારતના અનેક શહેરોમાં મર્સીડીસની મોટરગાડીઓ વેચતા શોરૂમ્સના માલિક બન્યા):

‘મુ.ભાઈશ્રી,
આપ આહીંથી જાઓ તે પહેલાં ગમે ત્યારે અનુકૂળતાએ આપે નીચે લખ્યા મુદ્દાઓ પર નિર્ણય આપવાનો છે એ યાદ કરાવું છું :
૧. રાણપુરની સંસ્થામાંથી મારી સંપૂર્ણ ફારગતી.
૨. ત્યાંનાં આજ સુધીનાં મારાં પુસ્તકો જોડેનો હવે પછીનો સંબંધ (કૉપીરાઈટના સંદર્ભમાં).
૩. આંહીં ખાતેની મારી ઉપસ્થિતિનું સ્વરૂપ—કાયમી કે મુદત બંધી?
૪. આંહીં ખાતેનાં મારાં લખાણો પરના મારા અધિકાર.
૫. આંહીંના કામની સાથોસાથ બહારનું લેખનકામ કરવાની છૂટ.

આટલી ચોખવટ જેટલી વહેલી થાય તેટલી કરવા એવી વિનંતી.

– ઝવેરચંદ’

મેઘાણી ટેબ્લોઈડ સાઈઝના સાપ્તાહિકમાં હતા ત્યારે એમને પોતાના કામ માટે ભારે થનગનાટ હતો. નવેમ્બર ૧૯૩૭માં બાપાલાલ દોશી પરના પત્રમાં મેઘાણી લખે છેઃ

‘…પૂર્તિઓનો વિચાર મારા મગજમાં ઘૂમ્યા જ કરે છે. હું તમારા કરતાં પણ વધુ વેગથી એ ધૂને ચડયો છું. મારા મગજમાં અનેક યોજનાઓ રમે છે. મારી પાસે એક જ તરવરિયો અને કાર્યકુશળ માણસ હોત તો તમારા આદર્શનું સાપ્તાહિક હું જોતજોતામાં બનાવી શકત. પણ અહીં તો ચાલુ કામમાંય આખી શક્તિ રોકાઈ રહે છે. સ્ટાફના બે ભાઈઓ ઉદ્યમી અને એકનિષ્ઠ છે પણ તેમની કક્ષા નીચી છે. તેમનામાં તરવરાટ નથી એટલે મારા હાથ બંધાઈ ગયા જેવા રહે છે…આજે હું ને તમે આ સાપ્તાહિકમાં સાથે કામ કરતા હોઈએ તો કેવું જામી પડે! … કાર્યલયના માણસોમાં સંતોષી અને એકનિષ્ઠ ઋણ પેદા થયો છે. કોઈને કશો ભય, દ્વિધા, કુતર્ક કે વિષાદ નથી. આ બધા સંજોગોએ મારામાં, મારી શક્તિ સંકુચિત છતાં, અખૂટ હોંશ મૂકી છે.’

પણ ત્રણ જ વર્ષમાં, ૨૨ ઓક્ટોબર ૧૯૪૦ના રોજ મેઘાણી એક પત્રના અંતે લખે છેઃ

‘આ અક્ષરો જોયા? હું મારાં આંગળાં, એટલે કે કલમ, ગુમાવી બેઠો છું. પરિણામે વિચારો ને કલ્પના પણ ખોઈ બેસવાની તૈયારીમાં છું. મારી નિવૃત્તિ ધાર્યા કરતાં ઘણી વહેલી ચાલી આવે છે એમ લાગે છે.’

મેઘાણીના હાથે ક્રેમ્પ થઈ ગયો હતો. લખતી વખતે આંગળાં ધ્રૂજે. જિંદગી આખી પુષ્કળ લખનારા લેખકો-પત્રકારો પાછલી ઉંમરે ઘણી વખત આવા રોગથી પીડાતા હોય છે. પણ મેઘાણીને તો ચુમ્માળીસમા વર્ષે જ આ રોગ લાગુ પડી ગયો હતો. લખવા પાછળ એમણે કેવી કાળી મજૂરી કરી હશે. આટલાં લોહી-પરસેવો રેડીને પત્રકારત્વનું અને સાહિત્યનું લેખન કર્યું એના બદલામાં ભૌતિક બદલો એમને શું મળ્યો તે પણ જરા જાણી લઈએ. એપ્રિલ ૧૯૪૧માં બાપાલાલ દોશી પરના પત્રમાં મેઘાણી લખે છેઃ

‘પર્સનલ.

પ્રિય ભાઈ,

મિત્રોનું કાર્ય, આ અઠવાડિકનું કાર્ય અને લોકસાહિત્યનું કાર્ય આ ત્રણ વચ્ચે મેં કદી ભેદ માન્યો નહોતો. હું એને એક જ સ્વરૂપે જોતો. આજે એનાં સ્વરૂપો જુદાં ભાસે છે. આટલાં વર્ષોની આંહીની નોકરીઃ આજે કોઈ પણ અન્ય સ્થાને પેન્શનની નજીક ગણાઉં. એને બદલે આંહીં તો કયારે નવી તરાપ નહીં પડે તેનો ભય ઊભો છે. આટલાં વર્ષો દરમિયાન કરેલા કામનો બદલો આજે આંગળાં તૂટી ગયાં. લેખન-પ્રવૃત્તિ કરી શકું તેવું ન રહ્યું…’

રાણપુરથી લખાયેલા આ જ પત્રમાં મેઘાણી આગળ લખે છેઃ

‘આજે જે કાંઈ આંહીની સંસ્થા અને ત્યાંની સંસ્થા વચ્ચે બની રહેલ છે તેની જાણ મને પડે છે ને હું જોઉં છું કે, સરવાળે અમારે ચાલી નીકળવાનું જ છે એટલે કામમાં કોઈ રસ નથી. આજીવિકાની સ્થિરતા નથી. અનિશ્ચિત દશા કાયમ રહી. તમે બધા જ મારી બૂમો પ્રત્યે બહેરા રહ્યા. આંહીંનું ડ્રિફ્ટ જ થવા દીધું. હવે કોઈ ચોક્કસ નિર્ણય પર દસ્તાવેજી ને કાયદેસર રીતે આવી શકાય તેવું છે ખરું! કે શ્રી…ની કૃપાના કાચા તાંતણે લટકતી તલવાર હેઠળ જ મારે તંત્રીપદ કરવાનું છે?…આંહીં ઓફિસમાં પણ સ્ટાફના ભાઈઓનાં મગજ પર અનિશ્ચિતતાનો બોજો છે. એ ઠીક નથી… કોઈ વાતે વહેલી ખબર પડે? તો અમે રસ્તો લઈએ. અમને ભૂંડા લગાડીને વિદાય દેવાય તેવી સ્થિતિનું પુનરાવર્તન ન થવું ઘટે કારણકે, અમારામાં ….વગેરેની જમાતનાં જેવાં કરામતબાજ ને કાતિલ કલેજાં નથી.

લિ.સ્નેહાધીન

ઝવેરચંદનાં વંદન.’

મેઘાણીમાં આટલી બધી કડવાશ શાને કારણે વ્યાપી ગઈ હશે? માણસ જે અઠવાડિકને પોતાનું ગણીને ઉછેરે તેના જ સંચાલકો આ ભૂતકાળ ભૂલી જાય ત્યારે બધે જ આવી પરિસ્થિતિ સર્જાતી હશે. લગભગ બે વર્ષ સુધી પરિસ્થિતિમાં ખાસ કોઈ સુધારો ન થયો એટલે મેઘાણીએ ૨૩-૮-૧૯૪૩નાં રોજ અઠવાડિકની પ્રકાશન સંસ્થાના મેનેજિંગ ડિરેક્ટરને લાંબો, વિગતવાર પત્ર લખીને અલ્ટિમેટમ આપી દીધું.

‘…તમારી ગેરહાજરીમાં આ વાતોનો નિર્ણય કોઈ કરી ન શકે તેવું હોઈને મેં અન્ય કોઈને (આ વાત) કહી નથી…હજુ તમારું કાંઈ નિશ્ચિત નથી. કંપનીની કપરી સેવા રૂપિયા સો અને સવાસોના વેતનમાં પૂરા સાત વર્ષ ખેંચી ખેંચી હું સ્ટાફ વગર,નાણાંની સગવડ વગર, હેરાન પરેશાન થઈ ગયો છું. તંદુરસ્તી હારી બેઠો છું અને હવે, કંપનીને મેં મારી મહેનતથી સારી પરિસ્થિતિમાં મૂકી છે એટલે, વધુ રહેવા માગતો નથી. કંપનીની કાર્યવાહી જે ઢંગથી ચાલી છે તે મને પ્રતિકૂળ છે. એવી પ્રતિકૂળ હાલતનો અંત કદી આવે એમ હું માનતો નથી. હું પોતે તો આ સ્થિતિમાં વધુ રહેવા બિલકુલ નારાજ છું. મારે કહેવાની કથની કરું તો સૌને ઘણું કડવું લાગશે ને આપણે મીઠાશથી છૂટા પડી શકીશું નહીં પણ મારી આકાંક્ષા એક જ છે કે કશો ઉત્પાત કર્યા વગર છૂટી જવું એટલે નીચેના મુદ્દા લખી જણાવું છું:

૧. મારો તંત્રી તરીકેનો પગાર રૂ.ત્રણસો.
૨. મારી નીચે ૬૦-૮૦-૧૦૦ના ત્રણ ઉપતંત્રીનો સ્ટાફ.
૩. તંત્રીકામ સિવાય કોઈપણ બાબતમાં મારે પડવાનું નહીં.
૪. મારે સ્થાને તમે નવી ગોઠવણ ન કરો ત્યાં સુધીને માટે જ મારે રહેવાનું. નવી ગોઠવણ તમારે ત્રણેક મહિનામાં કરી લેવી.
૫. તંત્રીકામ કરતાં કરતાં મારી ગેરનૈતિક ગુન્હેગારી સિવાયની કોઈપણ આપત્તિ આવી પડે તો કંપનીએ મારો દરમાયો ચાલુ રાખવો.

ઉપલી શરતોએ જ હું હવે પછી કામ કરી શકીશ.આ બધા મુદ્દાઓની ચર્ચા ડિરેક્ટરો સાથે આહીં જ કરી લેવા જેવું, જેટલું લાગે તેટલું કરી લેવા મહેરબાની કરશો કારણકે હું જરીકે ઢીલ થાય એવું ઇચ્છતો નથી.

લિ.ઝવેરચંદ મેઘાણી.’

અને એક મહિનામાં જ મેઘાણી એક લેખકને પત્રમાં લખે છેઃ’…આ અઠવાડિકમાં મારું સ્થાન લઈ શકે એવા માણસની અમે શોધમાં છીએ.’

‘પત્રકારત્વના તેમ જ ઈતર લેખનના લોહીઉકાળા મૂકી દઈ શાંતિ તેમ જ પ્રતિષ્ઠા બંને સંપડાવનાર આ કામ સ્વીકારી લેવાનું ઠીક લાગ્યું છે’

એ જ અઠવાડિયામાં પત્નીને પણ લખી નાખે છેઃ ‘…અહીં હવે વિશેષ કાર્ય ખેંચી શકાય એવું નથી એટલે કંઈક નવા કામની પણ શોધમાં છું કે જે ઘેર બેઠાં થઈ શકે.’ બીજા ત્રણેક મહિના બાદ એક લેખકમિત્રને લખે છેઃ

‘અહીં તો હું છું પણ સંપાદક મટી ગયો છું, અમુક કટારો પૂરતો જ લખું છું. એ જંજાળ ઓછી ખરી પણ નવી પ્રવૃત્તિ બીજી કોઈ શક્ય નથી. જીવનવિગ્રહ તીવ્ર બનતો જાય છે.’

આ પત્રના સવા વર્ષ બાદ, ૧૮-૩-૧૯૪૫ના રોજ પુત્ર મહેન્દ્રને તેઓ જણાવે છેઃ ‘લોક સાહિત્યના ઉચ્ચ અભ્યાસની વ્યવસ્થા ભવિષ્યની ગુજરાત યુનિવર્સિટીના એક પ્રારંભરૂપે ગુજરાત વર્નાક્યુલર સોસાયટી તરફથી થઈ રહી છે અને તેમાં મારી નિમણૂક કરવા માગે છે…બધી વાતોનો સાર કાઢતાં મને પત્રકારત્વના તેમ જ ઈતર લેખનના લોહીઉકાળા મૂકી દઈ શાંતિ તેમ જ પ્રતિષ્ઠા બંને સંપડાવનાર આ કામ સ્વીકારી લેવાનું ઠીક લાગ્યું છે…આ વાત તો હમણાં થઈ પણ એની અપેક્ષા વગર પણ મેં આંહીંનું અઠવાડિકનું કામ છોડી દેવાનો નિર્ણય કરી જ લીધો છે ને જણાવ્યું પણ છે. મે માં તો છૂટો થઈ જઈશ. હું ખૂબ થાક્યો છું ને હવે એ ચોકઠામાંથી કોઈ પ્રગતિ શક્ય નથી… વળી આવું શુદ્ધ એકેડેમિક કામ મળે તો લેવા જેવું. ભાવિમાં એમાં ઉત્કર્ષ થાય.’

૩૦-૯-૧૯૪૫ના દિવસે મેઘાણીએ પુત્ર મહેન્દ્રને લખ્યું:

‘…હું આજથી આ અઠવાડિકની જવાબદારીમાંથી છૂટો થઈ ગયો છું…’

પત્રકારત્વ પાછળ જાત અને આખી જિંદગી ખર્ચી નાખવા છતાં મેઘાણીએ સર્જનની દુનિયામાં કેવું મોટું કામ કર્યું કે આજે પણ એમનું નામ નવી પેઢીના ગુજરાતીઓને પણ આકર્ષતું રહ્યું છે. લેજન્ડરી કામ કરવા માટે આ જ જોઈએ – તમામ સંઘર્ષોનો સામનો કરતાં રહી, અટક્યા વિના તમારું કામ કર્યા કરવાનું અને એ કામની ગુણવત્તા એટલી ઊંચી લઈ જવાની કે તમારા જીવતે જીવ કે તમારા અવસાનના દાયકાઓ બાદ પણ ક્વોલિટીના એ શિખરને કોઈ આંબી ન શકે.

••• ••• •••

ઝવેરચંદ મેઘાણીજયંતિ નિમિત્તે ‘લોકમિલાપ’ દ્વારા એમનાં પાંચ પુસ્તકોની એક યોજના તૈયાર થઈ છે એનો લાભ લઈને ઘરની સરસ્વતીમાં ઉમેરો કરજો.
* * *
મેઘાણી – સાહિત્ય – ઉત્સવ

28 ઓગસ્ટે ઝવેરચંદ મેઘાણીનો જન્મદિવસ છે એ પ્રસંગે એમના પુસ્તકોનો સેટ લોકમિલાપ તરફથી ઘટાડેલા દરે અપાય છે.
465 પાના ધરાવતા આ 5 પુસ્તકો છાપેલ કિમત ₹400 ને બદલે ફક્ત ₹300 માં ઘરે બેઠા મળશે (આખા દેશમાં ફ્રી ડિલિવરી).

આ યોજના ફક્ત પ્રથમ 100 પુસ્તકપ્રેમી મિત્રો માટે જ છે. ઓર્ડર કરવા 8734918888 પર વોટસએપ કરશો. આભાર.

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

1 COMMENT

  1. ઓહ, કેવી હૃદય વિદારક દાસ્તાન. શું પરદેશ માં અને ખાસ કરી ને અંગ્રેજી ભાષા ના આ સ્તર ના લેખકોને પણ આવી આર્થિક પરસ્થિતિ નો સામનો કરવો પડતો હોય એવા દાખલા છે?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here