મેઘાણીનું પત્રકારત્વ – મિશન કે વ્યવસાય : સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ, ‘ન્યુઝપ્રેમી ડૉટ કૉમ’ : સોમવાર, ૨૮ ઑગસ્ટ ૨૦૨૩)

ઝવેરચંદ મેઘાણીની જન્મતિથિ નિમિત્તે આજે પત્રકારત્વ વિશેના એમના વિચારો જાણીએ એ પહેલાં મારે કંઈક કહેવું છે.

પત્રકારત્વ તો મિશનરી ઝીલથી કરવું જોઈએ; સેવાભાવથી અને સમાજને ઉપયોગી થવાની ભાવના સાથે તેમ જ આર્થિક સહિતની પોતાની અંગત જરૂરિયાતોને અવગણીને જે થાય તે જ ઉત્તમ પત્રકારત્વ આવી વાતો બહુ સાંભળી છે, પણ કયારેય આવામાં વિશ્ર્વાસ નહોતો બેઠો અને હજુય આવી વાતોમાં જરાસરખી શ્રદ્ધા નથી.

કોઈ વડીલ પત્રકાર કે પછી નવોસવો પત્રકાર આ ક્ષેત્રમાં પોતે ભેખ લઈને સેવા કરવા આવ્યા છે કે એક મિશન તરીકે પોતે પત્રકારત્વ કરે છે એવું કહે ત્યારે હું એમના મોઢે કદાચ કહું કે ન કહું પણ અંદરથી એમનો ઉપહાસ કરતો હોઉં છું.

પત્રકારત્વ વ્યવસાય છે —બીજા અનેક એવા વ્યવસાયો છે આ દુનિયામાં, જે પત્રકારત્વ જેટલા જ આદરણીય છે. વ્યવસાય કે પ્રોફેશનમાં પ્રોફેશનલિઝમ જોઈએ, મિશન નહીં અને જેમનામાં પ્રોફેશનલિઝમ નથી હોતું અથવા તો પૂરેપૂરી નિષ્ઠાથી પોતાના કામમાં પ્રોફેશનલિઝમ લાવવાની ત્રેવડ કે દાનત નથી હોતી તેઓ પ્રોફેશનલિઝમને બદલે મિશનરી ઝીલની દુહાઈઓ આપતા ફરે છે.

પ્રોફેશનલિઝમ અને કમર્શ્યલિઝમ વચ્ચે જમીન – આસમાનનું અંતર છે. કામનું વ્યવસાયીકરણ અને કામનું વ્યાપારીકરણ એ બે તદ્દન જુદી જુદી બાબતો છે. તમારા કામ માટે જરૂરી એવી તમામ આવડતો તમે કેળવી હોય, તમારા હુન્નરની તમે સતત ધાર કાઢયા કરતા હો, તમારા કાર્યમાં તમે કયારે, અપ્રમાણિકતા, આળસ કે ઉછાંછળાપણું ન લાવતા હો, તમારા વ્યવસાય માટેની તમારી ટેલન્ટનો ઉપયોગ થકી કયારેય અજાણતાંય કોઈ વ્યક્તિ, વ્યક્તિ સમૂહ કે સમાજ કે દેશ કે માનવજાતનું અહિત ન થાય એની તમે કાળજી રાખતા હો, ત્યારે તમે પૂરેપૂરા પ્રોફેશનલ છો—તમારા કામના પ્રોફેશનલિઝમનું સ્તર સર્વોત્તમ છે એવું કહી શકો.

કમર્શ્યલિઝમ કે વ્યાપારીકરણ એટલે તમારા પ્રોફેશનને તમે ધંધો બનાવી દો તે. ધંધો શબ્દ મૂળમાં સુંદર છે. પણ હું અહીં એના ખરાબ અર્થરૂપે વાપરી રહ્યો છું. વર મરો, કન્યા મરો, ગોરનું તરભાણું ભરોવાળી ઍટિટ્યુડ તમારા પવિત્રતમ બિઝનેસને પણ ‘ધંધો’ બનાવી નાખે. તમારા પ્રોફેશન માટેની ટેલન્ટનો ઉપયોગ માત્ર અને માત્ર પૈસા કમાવામાં કે તમારા અને બીજાઓના કુટિલ વેસ્ટેડ ઇન્ટરેસ્ટ આગળ વધારવામાં તમે કરો અને બદલામાં સબ-સ્ટાન્ડર્ડ કામ લોકોને આપો તો તે તમારા કામનું વ્યાપારીકરણ થયું. પ્રોફેશનલ તરીકે તમે ઊંચામાં ઊંચી આવક મેળવતા હો તો પણ એમાં કંઈ જ ખોટું નથી. પણ કર્મશ્યલ બનીને, સામેની વ્યક્તિની કે સમાજની કે દુનિયાની સુખાકારીની કોઈ પરવા કર્યા વિના એ સૌનું નુકસાન થતું હોય તો એમાં મારા બાપના કેટલા ટકા એવા ભાવ સાથે તમે જયારે કામ કરો છો ત્યારે તમે તમારા પ્રોફેશનનું કમર્શ્યલાઈઝેશન કરી નાખ્યું.

તમારા કામમાં કોઈ ભલીવાર ન રાખો, તમારા કાર્યક્ષેત્રમાં તમે અપ ટુ ડેટ ન રહો, તમારી જો નામના હોય તો તેના જોરે જ તમે નવું નવું પામ્યા વિના જિંદગી આખી બીજાઓને નીચોવતા રહો, તમારા કાર્યમાં ચોકસાઈ તથા ગુણવત્તાના આગ્રહોને પડતા મૂકીને બીજાઓને છેતરતા રહો અને તમારી ટેલન્ટની ધારને સતત તેજ કર્યા કરવાને બદલે એ બુઠ્ઠી થઈ જાય એ પછી પણ એની લંગડાતી ચાલ ચાલુ રાખીને ખોટા ભ્રમમાં મહાલ્યા કરો ત્યારે તમે તમારા કામનું વ્યાપારીકરણ, કમર્શ્યલાઈઝેશન કરી નાખ્યું કહેવાય.

હવે મેઘાણી. ‘મિલાપની વાચન યાત્રા’ પુસ્તકમાં મહેન્દ્ર મેઘાણીએ સૌથી પહેલો લેખ ઝવેરચંદ મેઘાણીનો મૂકયો છે. કોઈ ઝાઝી ટિપ્પણ વિના એ દોઢ પાનાંના લેખના થોડાક ફકરા અહીં ટાંકું છું:

‘અમારે ચોખ્ખું જણાવવું જોઈએ કે અમે સેવાના ઝંડાધારી નથી, સેવકો નથી. અમે તો બેઠા છીએ એક અમને ગમતો વ્યવસાય પકડીને. અમારે તો માત્ર આટલું જ જોવાનું રહે કે અમે અમારા વ્યવસાયને કેટલા વફાદાર છીએ?

‘મૂળ તો આપણું પત્રકારત્વ આપણી પ્રજાનાં દુ:ખોના પોકાર માટે ઊભું થયું. ઊભું કરનાર કોઈક ને કોઈક જાહેર કાર્યકર હોય એ પણ ઘણા કિસ્સામાં સહજ છે. ધીમે ધીમે જાહેર કાર્યકર્તા, સેવા અને છાપાં એ બધી વસ્તુઓ એક દોરામાં પરોવાઈ ગઈ છે અને બધાં સેવાનાં પ્રતીક થઈ ગયાં. પત્રકારત્વ સ્વતંત્ર વ્યવસાય છે એ વાત જ ભુલાઈ ગઈ.’

ઉપરના ફકરાનું વાકય ફરી વાંચો. ઝવેરચંદ મેઘાણી ભારપૂર્વક કહે છે: ‘પત્રકારત્વ સ્વતંત્ર વ્યવસાય છે એ વાત જ ભુલાઈ ગઈ.’

મેઘાણી ઍનેલિસિસ કરે છે કે આવું શું કામ બન્યું:

‘આપણે ત્યાં પત્રકારત્વ પશ્ર્ચિમના દેશોમાંથી આવ્યું કહી શકાય. ત્યાં પત્રકારત્વ એ સેવાનો ભેખ ધરવાનું એટલે કે પ્રજાને પૈસે છાપાં ચલાવવાનું ક્ષેત્ર નહીં પણ એક ઉત્તમ વ્યવસાયનું ક્ષેત્ર મનાય છે. ‘ધંધાદારી’નો સાદો અર્થ એટલો જ કે એની આવક અને જાવકનાં પાસાં સરખાં થવાં જોઈએ. એણે ફંડો, ફાળાઓ અને સખાવતો પર ન નભવું જોઈએ. ખુદ મહાત્માજીએ પણ ‘હરિજનબંધુ’ શરૂમાં આ રીતે નહોતું ચાલતું એટલે બંધ કરવાની તેના સંચાલકોને સલાહ આપી હોવાની વાત એમણે જ કહી છે. સેવાને નામે આ પત્રો ચલાવ્યાં કરીએ તો એની ખોટ પ્રજા સેવાને નામે ભરવા તૈયાર થશે કે?

‘આમાંથી પ્રજાને બચાવવી હોય તો પત્રકારત્વને સ્વતંત્ર વ્યવસાયની રીતે વિકસાવવા દેવું જોઈએ…પત્રકારત્વ ઉપર સેવાભાવનું આરોપણ પ્રજા કરે છે, તેનું એક ખાસ કારણ છે. આ ધંધો જબરાં જોખમો અને સંકટોથી ભરેલો છે. પોતાનાં નેક ટેક અથવા કર્તવ્યને ખાતર જોખમને બરદાસ્ત કરનારાઓ પ્રજાના પ્રેમપાત્ર ને સન્માનપાત્ર બને છે. પત્રકારત્વનો ધંધો ખેડનારાઓને જોખમી જીવનના બદલામાં આ પ્રજાપ્રેમ ને લોકાદર મળે છે.

‘બેશક, આ વ્યવસાયમાં રહેલો ઉલ્લાસ, પોતાના વિચારો – ઊર્મિઓના દીપકો હજારો વાચકોના હૈયામાં ચેતવવાની તક, ભલું કરવાના સોનેરી સંજોગો, પરિણામો નિપજાવવાની શક્તિની ખુમારી અને જીવસટોસટની જહેમતો ખેડવાની તમન્ના: એ બધાં આ વ્યવસાયનાં વિશિષ્ટ લક્ષણો છે. આગ ઠારનારા બંબાવાળા, વિમાનો – વહાણો અને આગગાડી ચલાવનારાઓ ને પ્રજાનું સંરક્ષણ કરનાર પોલીસ ખાતાનાં પણ આ પોષક તત્ત્વો છે. એ તત્ત્વોને વફાદાર રહેવાય ત્યાં સુધી જ વ્યવસાય શ્રેયસ્કર છે.

‘વર્ષોના વહેવા સાથે વિચારોનું નવું લોહી અને અનુભવોનું નવું પાથેય ભેળું ન લેનાર મુસાફર, વર્તમાનપત્ર વા તો વ્યક્તિ ક્ષીણકાય બને છે. એક કાળ આવી જાય છે પત્રકારત્વનો, હતા ત્યાં ને ત્યાં પગ પછાડીને રાખવાની મનોદશાનો. એક કુસ્વપ્ન આવી જાય છે – અમે જ સર્વજ્ઞ, સર્વથી જયાદે ડાહ્યા, સર્વ કરતાં વધુ દેખતા હોવાની ખાબોચિયા – દશાનું. પછી પરિણામ? દુનિયાથી પાછળ પડી જવાય છે. ખાબોચિયાને કાંઠે જગતની વિરાટ વણઝાર થંભી શકતી નથી.

‘એક જ પ્રાર્થના છે પ્રભુને: અમે બહેકી ન જઈએ, નિતનિત ફૂટતી નવચેતનાનો અમને મદ ન ચડે, વાચક જનતાના વધતા જતા વિશ્વાસનું અમને અર્જીણ ન થાય, એટલી સન્મતિ રહેવા દેજે, પિતા! ને અમારી ઉપયોગિતાનો આખરી કણ થયા પછી કેવળ ઘમંડને જ રાંઢવે ઘસડાયે જવાની અમારી જિજીવિષાને મિટાવી દઈ અવસાનનું ગૌરવ અમને યોગ્ય ઘડીએ જ સમજાવી દેજે.’

ઝવેરચંદ મેઘાણીએ આજથી આઠ-સાડાઆઠ દાયકા અગાઉ પત્રકારત્વ વિશે જે કહ્યું તે આજે પણ પ્રસ્તુત છે. પત્રકારનું પ્રોફેશનલિઝમ કેવું હોવું જોઈએ અને પત્રકારે ખાબોચિયા જેવા બનવામાંથી બચવા શું કરવું જોઈએ એ વાતો હજુય એકદમ તાઝગીભરી લાગે છે.

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here