આવતી કાલે દેવ આનંદની ૧૦૦મી વર્ષગાંઠ અને આજે ‘ગાઈડ’નાં ગીતો : સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ : સોમવાર, ૨૫ સપ્ટેમ્બર ૨૦૨૩)

દેવ આનંદ. સો વર્ષ પહેલાં એમનો જન્મ. ૨૬ સપ્ટેમ્બર ૧૯૨૩.

(રાજ કપૂર દેવસા’બ કરતાં સવા વરસ નાના—૧૪ ડિસેમ્બર ૧૯૨૪ રાજસા’બનો જન્મદિવસ. અને દિલીપકુમાર સૌથી મોટા—૧૧ ડિસેમ્બર ૨૦૨૨.)

સદાબહાર દેવ આનંદના આ શુભ દિવસને ઉજવવાના સો તરીકા છે. એમાંનો એક છે એમની એવરગ્રીન ફિલ્મ ‘ગાઈડ’નાં ગીતોને નિરાંતે યાદ કરવાનો.

દેવ આનંદની ફિલ્મ ‘ગાઈડ’ અને આર. કે. નારાયણની નવલકથા ‘ગાઈડ’. આ બંનેથી જો તમે પરિચિત હશો તો તમે માર્ક કર્યું હશે કે ફિલ્મનો અંત અને નવલકથાનો અંત જુદાં છે. નવલકથામાં તમારી કલ્પના ઉપર ભરોસો રાખીને લેખકે અંતને અધ્યાહાર રાખ્યો છે. વાચક ધારી લઈ શકે છે કે વરસાદ આવ્યો હશે, ન પણ આવ્યો હોય. વાચક ધારી લઈ શકે છે કે રાજુનું મૃત્યુ થયું હશે, ન પણ થયું હોય.

ફિલ્મનો અંત નિશ્ચિત છે. વરસાદ પડે છે. રાજુ મૃત્યુ પામે છે. ફિલ્મમાં રોઝી તથા રાજુની માતા રાજુના ઉપવાસના સમાચાર જાણીને એને મળવા પહોંચી જાય છે, ગફૂર પણ આવી પહોંચે છે. નવલકથામાં ઉપવાસ વખતે રાજુને ન તો રોઝી મળવા આવે છે, ન રાજુની મા. ખુદ રાજુને રોઝી કે મા યાદ સુધ્ધાં આવતાં નથી.

ફિલ્મના અંતની એની પોતાની મઝા છે. મરતાં પહેલાં એક છેલ્લી વાર હીરો જો હીરોઈનને મળી લે તો પ્રેક્ષક તરીકે આપણને હાશ થાય. માતા પોતાના બિછડા હુઆ બેટાને જોઈ લે તો આપણને સંતોષ થાય. ઉપવાસી દીકરાની ચાકરી કરતી માતાને સંબોધીને દેવ આનંદ પોતાના લ્હજામાં જ્યારે કહે છે કે, ‘મા આઆઆ… સેવા તો મુઝે તુમ્હારી કરની ચાહિયે. જાઓ, જાકે સો જાઓ.’ ત્યારે આપણી આંખો જરૂર ભીંજાઈ જાય.

પણ ઓરિજિનલ નૉવેલનો એન્ડ વાસ્તવિક છે. જે રોઝી માટેના પ્રેમને કારણે રાજુએ બનાવટી સિગ્નેચર કરી તે રોઝી રાજુને જેલમાં બે વર્ષ દરમ્યાન મળવા પણ ન આવી, પોતાના શોઝ કરીને વધુને વધુ ખ્યાતિ-દામ પામતી રહી. જેણે એને રોઝીમાંથી મિસ નલિની બનાવી એને જેલમાં સબડતો રાખીને પોતે જિંદગી માણવામાં ગળાડૂબ થઈ ગઈ. આવી વ્યક્તિને કોઈ પોતાની જિંદગીમાં ફરી પાછી લાવવા માગે? બિલકુલ નહીં. એને ભૂલી જવાની હોય. સગી માતા પણ દીકરાનાં અરમાનોનો સાથે આપવાને બદલે, રોઝી સાથેની એની જિંદગી જીવતી વખતે આવતી અડચણો વખતે દીકરાની પડખે રહેવાને બદલે, મામાને ત્યાં રહેવા જતી રહેતી હોય અને જેલના કમનસીબ દિવસોમાં સગા દીકરાને ભૂલી જતી હોય તો એવી માતાની યાદ પણ, ગમે એટલી એ દયાળુ-માયાળુ હોય તોય, રાજુને ન આવે એ સ્વાભાવિક છે.

પિક્ચરમાં કેટલીક વાતો ઉમેરવામાં આવી છે, બદલવામાં પણ આવી છે. આમ છતાં નવલકથાનું હાર્દ, એની સેન્ટ્રલ થીમ, ફિલ્મમાં અકબંધ છે. એક મહાન નવલકથા પરથી એક મહાન ફિલ્મ બનાવવાનો કસબ શીખવા માટે ‘ગાઈડ’ ઉપયોગી છે. નવલકથાકાર આર. કે. નારાયણ અને દિગ્દર્શક-પટકથા લેખકસંવાદ-લેખક વિજય આનંદ – બેઉ મહાનુભાવોએ પોતાનો જીવ રેડ્યો છે ‘ગાઈડ’માં. નવલકથાકારે પોતાના સર્જનાત્મક એકાન્તમાં જે ગજબની સૃષ્ટિ રચી તેને પડદા પર બતાવવા કેટકેટલા નામી-અનામી લોકોએ દિવસરાત મહેનત કરી. દેવ આનંદે પ્રોડ્યુસર અને હીરો તરીકે, વહીદા રહેમાને અભિનય અને નૃત્ય દ્વારા રોઝીના પાત્રમાં જાન રેડીને, કિશોર સાહુ જેવા ખતમીધર કળાકારે માર્કોના પાત્રને બખૂબી નિભાવીને આ ફિલ્મને યાદગાર બનાવી છે. અને ‘ગાઈડ’ને યાદગાર બનાવી છે ગીતકાર શૈલેન્દ્ર તથા એસ. ડી. બર્મનની જોડીએ જેમણે આ ફિલ્મ માટે ન ભૂતો, ન ભવિષ્યતિ એવાં ગીતો રચ્યાં છે. આ સદાબહાર ગીતો જો ફિલ્મમાંથી કાઢી લેવામાં આવે તો ‘ગાઈડ’નો અડધો ચાર્મ ઓછો થઈ જાય. માટે જ ગાઈડનાં એ ક્યારેય ન ભૂલાનારાં દરેક ગીત વિશે વાત કરીને દેવ આનંદની જન્મ શતાબ્દીની ઉજવણી કરીએ.

1966ના ‘ફિલ્મફેર’ અવૉર્ડ્સમાં ‘ગાઈડ’ને સૌથી વધારે (7) અવૉર્ડ્સ મળ્યાં જેમાંનો એક બેસ્ટ સંવાદો માટે વિજય આનંદને મળ્યો હતો. બેસ્ટ સ્ટોરી માટે આર. કે. નારાયણને મળ્યો હતો. બાકીના પાંચમાં: બેસ્ટ ફિલ્મ – ‘ગાઈડ’ (પ્રોડ્યુસર દેવ આનંદ માટે), બેસ્ટ ડિરેકટર:- ‘ગાઈડ’ (દિગ્દર્શક વિજય આનંદ માટે), બેસ્ટ એકટર – (હીરો દેવ આનંદ માટે), બેસ્ટ એક્ટ્રેસ – (હીરોઈન વહીદા રહેમાન માટે) અને બેસ્ટ કલર સિનેમેટોગ્રાફી (કેમેરામૅન ફલી મિસ્ત્રી માટે).

સાત – સાત ફિલ્મફેર અવૉર્ડ્સ ‘ગાઈડ’ને મળ્યા પણ આ ફિલ્મનો જે સૌથી સશકત ડિપાર્ટમેન્ટ છે તે મ્યુઝિક (અને તેની સાથે સંકળાયેલા ગીતકાર તથા ગાયકોને) તો સાવ નિગ્લેક્ટ કરવામાં આવ્યા. એ વર્ષે સંગીત માટેનો અવૉર્ડ સચિનદાને બદલે ‘સૂરજ’ માટે શંકર-જયકિશનને મળ્યો. ગીતકાર તરીકે ‘ગાઈડ’માં શૈલેન્દ્રએ લખેલાં ગીતોને અવગણીને હસરત જયપુરીએ ‘સૂરજ’ માટે લખેલા ‘બહારોં ફૂલ બરસાઓ’ને મળ્યો અને ગાયક તરીકે મોહમ્મદ રફીને ‘બહારોં ફૂલ બરસાઓ’ ગાવા માટે અવૉર્ડ મળ્યો.

નો ડાઉટ ‘બહારોં ફૂલ બરસાઓ મેરા મહેબૂબ આયા હૈ’ સરસ ગીત છે, સુપરહિટ પણ છે અને રાજેન્દ્રકુમાર પર ફિલ્માવવામાં આવ્યું હોવા છતાં જોવાનું ગમે એવું ગીત છે.

પણ ક્યાં ‘ગાઈડ’નાં ગીતો અને ક્યાં ‘સૂરજ’નાં ગીતો. પણ અવૉર્ડ મળવા ન મળવાથી કંઈ સર્જનની શ્રેષ્ઠતા પુરવાર થતી નથી. વારંવાર આ વાત સાબિત થઈ ચૂકી છે. હજુ પણ થતી રહે છે. સંગીત અને પલેબૅક સિંગિંગ માટે ‘ગાઈડ’ને નૉમિનેશન તો હતું, ગીતો માટે તો એય નહીં. શૈલેન્દ્રને ‘સજન રે ઝૂઠ મત બોલો’ (‘તીસરી કસમ’) માટે નૉમિનેશન મળ્યું. તમે જ નક્કી કરો કે ‘ગાઈડ’ના કોઈ પણ ગીતની સામે ‘સજન રે ઝૂઠ મત બોલો, ખુદા કે પાસ જાના હૈ, ન હાથી હૈ, ન ઘોડા હૈ, વહાં પૈદલ હી જાના હૈ’ જેવું પેડેસ્ટ્રિયન ગીત ઝીંક ઝીલી શકે? પણ ઠીક છે. થતું રહેવાનું આવું બધું. પચાસ વરસ પહેલાં રચાયેલાં ‘ગાઈડ’નાં ગીતોને યાદ કરીને આજે પણ લોકો ઝૂમી ઉઠે છે એનો સાક્ષાત્કાર અમને પીવીઆરના મોટા સ્ક્રીન પર ગઈ કાલે, રવિવારે, ફરી એક વાર ‘ગાઈડ’ જોઈ ત્યારે થયો. કોઈ પણ પુરસ્કાર કરતાં સોગણો મોટો અવૉર્ડ લોકો આપતા હોય છે—દાદ આપીને, તમને યાદ કરીને, પોતાના હૃદયમાં તમને સંઘરીને.

* * *

‘અચ્છા મિસ્ટર રાજુ, રિહાઈ મુબારક હો’ જેલરના આ વાક્યથી શરૂ થતી ૨૨ રીલની ફિલ્મ ગાઈડનું પહેલું ગીત છે:

વહાં કૌન હૈ તેરા મુસાફિર, જાયેગા કહાં.

શૈલેન્દ્ર માત્ર કવિ નથી, ફિલસૂફ છે. ચાલતાં ચાલતાં થાકી જવાય, શ્વાસ ફૂલી જાય અને પગમાં આંટી વળે ત્યારે આત્મવિશ્ર્વાસની કમી મહેસૂસ થતી હોય છે. આવા સમયે કોઈના સહારાની જરૂર પડતી હોય છે. કોઈ વ્યક્તિના સહારાની કે પછી કોઈ વિચારના સહારાની. બેઉ પ્રકારના સહારાનું પોતપોતાની રીતે આગવું મહત્ત્વ છે. તમારી તબિયતને જે રાસ આવે એવો સહારો શોધી લેવાનો. તમારી તબિયતને વિચારનો સહારો જો માફક આવતો હોય તો અડધી સદી પહેલાં રચાયેલું હિંદી સિનેમાનું આ ચોવીસ કેરેટના સોના જેવું ગીત મોજૂદ છે. ઘણી વાર તમે સાંભળ્યું હશે પણ કદાચ આ અંતરા સુધી તમે નહીં પહોંચ્યા હો અને જો પહોંચ્યા હશો તો શક્ય છે કે એમાંના આ ત્રણ શબ્દો તમારા હૃદયના ઊંડાણ સુધી ખૂંપી નહીં ગયા હોય. કયા ત્રણ શબ્દો?

કહું છું.

પણ એ પહેલાં એ ગીતનું જરા બૅકગ્રાઉન્ડ બાંધી લઈએ. સેન્સરના સર્ટિફિકેટ પછી ‘ગાઈડ’ શરૂ થાય છે અને થોડી મિનિટો બાદ ટાઈટલ્સ પડે છે ત્યારે સચિન દેવ બર્મનના કંઠે આ ગીત બૅકગ્રાઉન્ડમાં ગવાય છે. જેલના વિશાળ દરવાજામાંથી દેવ આનંદ બહાર નીકળે છે અને ક્યાં જવું એની મૂંઝવણને શૈલેન્દ્રના આ શબ્દો વાચા આપે છે:

વહાં કૌન હૈ તેરા, મુસાફિર, જાએગા કહાં. દમ લે લે ઘડીભર, યે છૈંયા, પાએગા કહાં

ત્રીજો અંતરો છે:

તૂને તો સબકો રાહ બતાઈ,
તૂ અપની મંઝિલ ક્યોં ભૂલા.
સુલઝા કે રાજા, ઔરોં કી ઉલઝન;
કયોં કચ્ચે ધાગોં મેં ઝૂલા
કયોં નાચે સપેરા…
મુસાફિર, જાયેગા કહાં…

ઘણી વખત આપણે પોતે જ ભૂલી જતા હોઈએ છીએ કે આપણું ટિમ્બર કયું છે, કઈ માટીમાંથી આપણે બન્યા છીએ. એક લાંબી જિંદગી જિવાઈ ગઈ છે અને બીજી એટલી જ લાંબી જિંદગી જીવવા માટેની આતુરતા છે. તમે માત્ર તમારી જ ડિફિકલ્ટીઝ સોલ્વ નથી કરી. તમારી ખુલ્લી કિતાબ વાંચીને બીજા કંઈ કેટલાય લોકોએ પોતાની સમસ્યાઓ સુલઝાવી છે, પણ કોઈ કોઈ વખત જીવનમાં એવો સમય આવી જતો હોય છે, જ્યારે આપણે પોતે બીજાઓને આપેલી શિખામણોનું, સલાહોનું, સૂચનોનું પાલન આપણી જિંદગીમાં, આપણા પોતાના માટે કરવાનું હોય. પણ આવું કરવાનું આપણે ચૂકી જઈએ છીએ. ત્યારે કોઈ યાદ કરાવે છે કે સોલ્યુશન તો ઑલરેડી તમારી પાસે જ છે. બીજે ક્યાંય શોધવા જવાની જરૂર જ ક્યાં છે.

પણ એ કાચી પળોમાં ઘડીભર આપણે આપણો ભૂતકાળ ભૂલી જતા હોઈએ છીએ, ભૂતકાળની સિદ્ધિઓ અને અતીતની એ પ્રચંડ સફળતાઓનાં શિખરોને ભૂલી જઈએ છીએ અને ન કરવાનું કરી બેસીએ છીએ:

શું?

અહીં પેલા ત્રણ શબ્દો આવે છે:

ક્યું નાચે સપેરા?

સપેરાનું કામ તો સાપને ડોલાવવાનું હોય. – એની પાસે એ કળા છે, હથોટી છે – હાથવગું સાધન પણ છે, મોરલી. એના સૂર છેડીને એણે સાપને નચાવવાનો છે, એણે પોતે નથી નાચવાનું.

કવિ શૈલેન્દ્રે આ ત્રણ શબ્દોમાં ખૂબ મોટી ફિલસૂફી મૂકી દીધી છે, એક આખું શાસ્ત્ર લખી નાખ્યું છે. આપણું જે કામ છે તે છોડીને, આપણે જ્યારે આત્મવિશ્વાસ ગુમાવીને, આપણામાંની શ્રદ્ધા ગુમાવીને ભટકી જઈએ છીએ ત્યારે કુદરતને અન્યાય કરી બેસીએ છીએ. કુદરતે તમને સાપ નથી બનાવ્યા. તમને સપેરાની જિમ્મેદારી સોંપી છે.

એ માટેની આવડત તમને આપી છે. એવી સત્તા, એટલો અનુભવ તમારી પાસે છે. એ બધું જ રખડાવીને તમે ડેસ્પરેટ બનીને બીજાની શરણાગતિ સ્વીકારી લો છો ત્યારે તમને જ નહીં, કુદરતને પણ અન્યાય કરો છો, તમારી જિંદગી વેડફી દો છો.

ઝંઝાવાતની ક્ષણોમાં, તોતિંગ વાવાઝોડાંઓનો સામનો કરતાં કરતાં જોે તમે તમારું ટિમ્બર ભૂલીને બહાવરા બની જતા હો ત્યારે સ્હેજ સ્વસ્થ થઈને, જાતને સંભાળીને તમારે અરીસામાં જોઈને પૂછી લેવાનું: ક્યોં નાચે સપેરા?

‘ક્યોં નાચે સપેરા’વાળો અંતરો ફિલ્મમાં નથી, રેકૉર્ડમાં છે. જેલની બદનામી પછી દુનિયામાં બહાર પડતા દિલના સાફ માણસની પીઠ પર વડીલનો હૂંફભર્યો હાથ પસવારીને જે શીખામણ આપે તેવો અનુભવ તમને આ ગીત સાંભળીને થાય. જે શહેરમાં રાજુ ગાઈડ રાજા બનીને ઘૂમતો હતો એ શહેર હવે એને ચોર ગણીને ધુત્કારશે એવો ભય છે. રાજુ કોઈ અજાણી દિશામાં ચાલ્યો જાય છે. રાજુને મનમાં તો ખબર જ છે કે જેલમાંથી છૂટયા પછી બહારની દુનિયામાં એને કેવો જાકારો મળવાનો છે:

કોઈ ભી તેરી રાહ ના દેખે, નૈન બિછાએ ના કોઈ/ દર્દ સે તેરે કોઈ ના તડપા, આંખ કિસી કી ના રોઈ/ કહે કિસકો તૂ મેરા, મુસાફિર જાયેગા કહાં…

બર્મનદાદાના કંઠમાં છુપાયેલું દર્દ જ્યારે સહાનુભૂતિમાં પલટાઈને સૂર રેલાવે છે ત્યારે ફિલ્મનો સમો બંધાઈ જાય છે.

આ ગીતના એક અંતરામાં દેવ આનંદે પોતાના ખભા પર ઊંચકેલું પોટલું છૂટી જાય છે અને એમા રહેલી વહીદા રહેમાનની તસવીરો આપણને દેખાય છે. એ વખતે આ શબ્દો સંભળાય છે :

બીત ગયે દિન, પ્યાર કે પલ-છિન
સપના બની યે રાતેં
ભૂલ ગયે વો, તૂ ભી ભૂલા દે
પ્યાર કી વો મુલાકાતેં

આ પલ-છિન એટલે શું? પળ જે છિનવાઈ ગઈ છે તે? ના. પલ એટલે તો પળ. છિન એટલે છન અથવા ક્ષણ. આપણે જેમ હર ઘડી કહીએ કે દરેક ક્ષણે કહીએ એવું. (આમ તો પાછાં પળ, વિપળ, ક્ષણ, ઘડી -આ બધાં સેકન્ડ-મિનિટની જેમ સમયનાં વિવિધ એકમ છે.) ‘બુનિયાદ’ સિરિયલમાં અનુપ જલોટાના અવાજમાં ગવાયેલું ટાઇટલ સૉન્ગ યાદ છે? ‘ કહીં તો હૈ સપના, ઔર કહીં યાદ…પલછિન પલછિન તેરે મેરે જીવન કી યહી બુનિયાદ…

તો એ પળ અને એ ક્ષણ એટલે પલછિન

આ ગીત પછી અલમોસ્ટ પોણો કલાક સુધી નૉનસ્ટૉપ વાર્તા આગળ ને આગળ ધસમસતી રહે છે. રોઝી, માર્કો, મા-બધાનો પરિચય થઈ જાય છે અને છેવટે રોઝી જ્યારે માર્કોને પોતાની જિંદગીથી દૂર કરવાના પ્રથમ પગલાંરૂપે ઉદયપુરની બજારમાંથી દસ રૂપિયાના ઘૂંઘરુ લઈને બાકીના ૯૦ રૂપિયાની ટિપ દુકાનદારને આપીને પોતાના માટે અણમોલ એવી દુનિયામાં પગ માંડે છે ત્યારે ‘ગાઈડ’નું બીજું ગીત મંડાય છે:

કાંટોં સે ખીંચ કે યે આંચલ… આ ગીતમાં અત્યાર સુધી તમે વહીદાજીના લાજવાબ નૃત્યના સ્ટેપ્સ પર મુગ્ધ થતા રહ્યા છો. હવે જુઓ તો એમના ચહેરા પરની ખુશીના હાવભાવ નીરખજો. ખુશીના એક્સ્પ્રેશન્સ આટલી વિવિધ રીતે હજુ સુધી કોઈ વખત હિન્દી ફિલ્મના પડદા પર નથી જોયા.

કલ કે અંધેરોં સે નીકલ કે દેખા હૈ આંખેં મલતે મલતે… વાળો અંતરા શરૂ થાય છે તે વખતના એમના ચહેરા પરના ભાવ તો જિંદગી આખી માટે યાદ રહી જાય. પોણીયા બાંયનું બ્લાઉઝ પહેરેલાં વહીદાજીના માથાથી પગ સુધી વ્યાપી ગયેલો ઉમંગ, ઉત્સાહ તમને પણ ઉત્સવના વાતાવરણમાં ખેંચીને લઈ જાય. આખાય ગીતની સાઈડ રિધમમાં ઘૂંઘરુનો અવાજ છેવટ સુધી છે. આ અવાજ રોઝીના જીવનનો મધ્યવર્તી સૂર છે.

કોઈ બતા દે મૈં કહાં હૂં શબ્દો જ્યારે અંતરામાં બીજી વખત ગવાય છે ત્યારે બેઉ હાથને ચહેરા પર લાવીને વહીદાજી જે અદા કરે છે તે એવી અંકિત થઈ ગઈ છે મનમાં કે એ છબિની સાથે પ્યાસા સહિતની તમામ વહીદાજીઓ તમને ફીકી લાગે.

‘ગાઈડ’નું દરેક ગીત સાંભળીને પૂરું કરો એટલે તમને લાગે કે આ ગીત ફિલ્મનું શ્રેષ્ઠ છે. પણ જેવું નેક્સ્ટ ગીત સાંભળો કે તમને લાગે કે ના, ના, એ નહીં, આ જ ગીત બેસ્ટ છે. વન, ટુ, થ્રીની શ્રેષ્ઠતાના ક્રમથી કંઈક અધિકગણી ઊંચાઈએ ગાઈડનાં ગીતો છે. આ ગીતોની વિશેષતા એ છે કે દરેક ગીતની શરૂઆત પહેલાંના સંવાદ અત્યંત અર્થસભર છે. આવનારા ગીતનો માહોલ આ સંવાદોથી જ શરૂ થઈ જાય છે.

એચ.એમ.વી.એ કદાચ પહેલી જ વાર ગીતોની એલ.પી.માં ગીત પહેલાંના સંવાદ પણ મૂક્યા. ‘ગાઈડ’ પછી તો ખૈર, ઘણી બધી ફિલ્મોમાં ગીત તથા ગીત પહેલાંના સંવાદની રેકૉર્ડ્સ આવી. ‘આનંદ’ અને ‘અમરપ્રેમ’ની રેકૉર્ડ્સ આવી જ યાદગાર રેકૉર્ડ્સ છે. બીજી પણ ઘણી છે.

રોઝી અને રાજુનો સંબંધ આગળ વધે છે ત્યારે એક તબક્કે તમને લાગે છે કે બેઉ જણાએ હવે એકબીજાની સાથે રહીને એક નવી જિંદગી શરૂ કરી દેવી જોઈએ. તમારી આ લાગણી વ્યક્ત કરતાં રાજુ કહે છે: ‘રોઝી, મૈં તુમ્હારે લિયે સપને દેખના ચાહતા હૂં, ઉન સપનોં કો રૂપ દેના ચાહતા હૂં, મુઝે ઈજાજત દો.’ આના જવાબમાં રોઝી નિખાલસતાથી કહે છે: ‘મેં તુમ્હેં કુછ નહીં દે સકતી, કોઈ વાદા નહીં કર સકતી… મુઝે ઉલઝન મેં મત ડાલો રાજુ, મેરી પરછાંઈ કહીં તુમ્હેં બરબાદ ન કર દે…’ આ સાંભળીને રાજુ પથ્થર પર ખેંચાતી લકીર જેવા શબ્દોમાં રોઝીને કહે છે: ‘ઠંડેપન સે એક બાત સુનોગી. તુમ કોઈ વાદા નહીં કર રહી હો. તુમ્હારા હાથ અપને દિલ પર રખકર મૈં એક વાદા કરના ચાહતા હૂં…’ અને મોહમ્મદ રફીના અવાજમાં કોઈ પણ પ્રેમીને પ્રેમના આરંભે ગાવાનું મન થાય એવું ગીત શરૂ થાય છે:

તેરે મેરે સપને અબ એક રંગ હૈ, જહાં ભી લે જાયેં રાહી, હમ સંગ હૈ.

આ ગીતમાં ફોર્ટી પ્લસના દેવસા’બ કેટલા યંગ લાગે છે! એમને એવરગ્રીન હીરો કઈ એમનેમ નથી કહેવામાં આવ્યા.

તેરે દુખ અબ મેરે, મેરે સુખ અબ તેરે; તેરે યે દો નૈના ચાંદ ઔર સૂરજ મેરે ગાતી વખતે દેવસા’બ રોઝીના ચહેરાને સ્પર્શે છે અને એની પછી લાખ મના લેં દુનિયા, સાથ ના યે છૂટેગા, આ કે તેરે હાથોં મેં હાથ ના છૂટેગા… વાળો અંતરા શરૂ થાય છે ને ત્યાં જ દેવસા’બ રોઝીને ભેટે છે. પ્રેક્ષકો પહેલીવાર આ સ્પર્શ જુએ છે પણ એ પ્રથમ સ્પર્શમાં જે ડિગ્નિટી છે, જે આદર-સન્માન છે તે તમને ખાતરી કરાવે છે કે આ બંનેને એક કરનારું તત્ત્વ શારીરિક આકર્ષણ નથી, કંઈક બીજું જ છે. જીવનની જેમ હિંદી ફિલ્મોમાં પણ જ્યારે જ્યારે આવા નાજુક ભાવ વ્યક્ત કરતી ક્ષણો આવે છે ત્યારે એ ઐતિહાસિક બની જતી હોય છે.

‘ગાઈડ’ દેવ આનંદની પ્રોડક્શન કંપની ‘નવકેતન’ની નિ:શંક સર્વશ્રેષ્ઠ ફિલ્મ છે. સચિન દેવ બર્મને સંગીતબદ્ધ કરેલી ફિલ્મોમાં પણ ટૉપ થ્રીમાં તમારે ‘ગાઈડ’નું નામ મૂકવું પડે. શૈલેન્દ્રે લખેલાં ટૉપ ટેન ગીતોમાં એક ગીત તો ગાઈડનું આવે જ અને સચિનદા, લતા મંગેશકર, મોહમ્મદ રફી તથા કિશોરકુમારે ગાયેલાં ગીતોની તમારી પર્સનલ યાદીમાં પણ તમારે ‘ગાઈડ’માં ગાયેલું એમનું કોઈ એક ગીત તો મૂકવું જ પડે.

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનાં ૫૦ આઈકોનિક/ક્લાસિક ગીતોના પુસ્તકમાં ‘ગાઈડ’ના ‘મોસે છલ કિયે જા’ ગીત વિશેનું પ્રકરણ છે. આમ તો એ બે ગીત ગણાય. બેઉના રાગ ભલે સરખા હોય પણ તાલ જુદા છે: ક્યા સે ક્યા હો ગયા ગીત જેવું મોસે છલ પૂરું થાય છે કે બીજી જ સેકન્ડે શરૂ થઈ જાય છે. હિંદીમાં બૅક ટુ બૅક બે ગીતો હોય એવી ફિલ્મો કેટલી? રાહુલ દેવ બર્મને ‘યાદોં કી બારાત’થી શરૂ કરેલી એકસાથે એકથી વધુ ગીતોની લડી ધરાવતી મેડલીની વાત અલગ છે.

મોસે છલ કિયે જા ઈન્ટરવલ પછી આવે છે પણ વાત નીકળી છે તો બે વાત એના વિશે જાણી લઈએ. ‘દિલ તો પાગલ હૈ’ના સંગીતકાર, ઉત્કૃષ્ટ વાયોલિનવાદક તથા ઉત્તમ અરેન્જર ઉત્તમસિંહે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું છે કે રૂપક સાત માત્રામાં કમ્પોઝ કર્યું હોય એવું આ પહેલું નૃત્યગીત છે અને હજુ સુધી બીજા કોઈ સંગીતકારે નૃત્યગીતને ૭ માત્રામાં કમ્પોઝ કરવાની હિંમત નથી કરી.

સંતુરવાદક પંડિત શિવકુમાર શર્મા એક જમાનામાં તબલાં પણ વગાડતા અને પછી એમણે સંતુર પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું, તબલાંવાદન ત્યજી દીધું. મોતી લલવાનીને આપેલા યુ ટ્યુબ પરના ઈન્ટરવ્યૂના બીજા હિસ્સામાં શિવજી કહે છે કે ૧૯૬૧થી ૧૯૭૫ સુધીનાં એસ. ડી. બર્મનનાં જે જે ગીતોમાં સંતૂર છે તે બધા જ પીસ મેં વગાડ્યા છે. (‘તેરે મેરે સપને’ ફિલ્મમાં જીવન કી બગિયા મહકેગીવાળા ગીતમાં એમના સંતુરવાદન તથા પંડિત હરિપ્રસાદ ચૌરસિયાના બાંસુરીવાદનની જુગલબંદી ના માણી હોય તો આજે જ યુ ટ્યુબ પર જોઈ લેજો). શિવકુમાર શર્મા પેલા ઈન્ટરવ્યૂમાં કહે છે કે ‘મેં તબલાં વગાડવાનું છોડી દીધેલું. ‘ગાઈડ’નું એક ગીત બની રહ્યું હતું ત્યારે એક દિવસ હું રિહર્સલ રૂમમાં તબલાંની જોડ લઈને ઠેકો આપતો હતો. આમ તો રમત-રોળાં જ કરતો હતો, કારણ કે સચિનદા માટે મારુતિ કીર રેગ્યુલર તબલાં વગાડતા અને દાદાનાં (પાછળથી પંચમનાં) ગીતોમાં રિધમ કે પરકશનનો વિભાગ મારુતિજી જ સંભાળતા. મને જે રીતે ઠેકો વગાડતાં દાદાએ સાંભળ્યો તે પછી એમણે જીદ કરી: શિવ, આ ગીતમાં તારે જ તબલાં વગાડવાનાં છે, મેં ક્હ્યું દાદા, મેં તબલાંવાદન છોડી દીધુ છે. પ્રેક્ટિસ પણ નથી. છતાં દાદાએ મોસે છલ કિયે જાના રેકૉર્ડિંગ વખતે ધરાર મારી પાસે જ તબલાં વગાડ્યાં. હિંદી ફિલ્મના સંગીતકારોમાં મેં સંતૂર નૌશાદથી લઈને પંચમ સુધીના અનેક સંગીતકારો માટે વગાડ્યું, પણ તબલાં એક જ સંગીતકાર માટે વગાડ્યાં અને તે પણ આ એક જ ગીત માટે.’

હવે પછી તમે મોસે છલ સાંભળો ત્યારે તબલાં વગાડતા શિવકુમારની કલ્પના કરજો, મઝા આવશે.

નૉર્મલી બેવફાઈના કે પછી એવા કોઈ મૂડનાં ગીતોનો ટેમ્પો સ્લો હોય. બર્મનદાદાએ ચીલો ચાતરીને મોસે છલ ફાસ્ટ બનાવ્યું છે (એ પછી જો કે, બીજા લોકોએ પણ એમને ફૉલો કર્યા. તૂ ક્યા જાને વફા, ઓ બેવફા: ‘હાથ કી સફાઈ’, કલ્યાણજી આણંદજી).

અનિરુદ્ધ ભટ્ટાચાર્ય અને બાલાજી વિઠ્ઠલ લિખિત ‘ગાતા રહે મેરા દિલ: ફિફ્ટી ક્લાસિક હિન્દી ફિલ્મ સૉન્ગ્સ’ નામના પુસ્તકનું શીર્ષક જેના પરથી લેવામાં આવ્યું છે તે ગીતને ૫૦માંના એક ગીત તરીકે લેવામાં નથી આવ્યું (મોસે છલ/ક્યા સે ક્યા લેવામાં આવ્યું છે), પણ એક ઈન્ટરેસ્ટિંગ વાત આ લેખકોએ પુસ્તકના ૧૩૮મા પાના પર નોંધી છે કે ‘ગાઈડ’ માટે ઓરિજિનલી શૈલેન્દ્રને નહીં પણ હસરત જયપુરીને ગીતો લખવા માટે કરારબદ્ધ કરવામાં આવ્યા હતા. શૈલન્દ્રના દીકરાએ આ પુસ્તકના લેખકોને આપેલી મુલાકાતના શબ્દોને ટાંકવામાં આવ્યા છે: ‘એક સાંજે મારા પિતાને બર્મનદાદાનો ફોન આવ્યો. કહે કે ગોલ્ડી (વિજય આનંદ) અને દેવ આનંદ મળવા માગે છે. મારા પિતાએ અગાઉ એમની સાથે ‘કાલા બાઝાર’માં કામ કર્યું હતું (અપની તો હર આહ, ખોયા ખોયા ચાંદ, ના મૈં ધન ચાહૂં વગેરે). પિતા એ લોકોને મળ્યા ત્યારે એમને કહેવામાં આવ્યું કે: હમને દો ગાને રેકોર્ડ કર લિયે હૈ. અમને એના શબ્દોમાં મઝા નથી આવતી’. મારા પિતાએ કહ્યું, ‘ભલે, તમે હસરતને કેટલા પૈસામાં નક્કી કર્યા હતા?’ રકમ કહેવામાં આવી. શૈલેન્દ્રે કહ્યું, ‘હું એના કરતાં એક લાખ વધારે લઈશ.’

એ જમાનામાં ગીતકાર માટે આ રકમ તોતિંગ કહેવાય જે દેવ આનંદે કબૂલ કરી અને શૈલેન્દ્રે પોતે લીધેલી તોતિંગ રકમના બદલામાં તોતિંગ ગીતો લખી આપ્યાં.

આમાંનું એક ગીત: ગાતા રહે મેરા દિલ, તૂ હી મેરી મંઝિલ. ગીત રેકોર્ડ થઈ ગયું હતું. હિલ સ્ટેશન પર શૂટિંગ કરવા જવાનું હતું. આ કિસ્સો કરણ જોહરે એની આત્મકથામાં કદાચ લખ્યો છે કે મેં બીજે ક્યાંક વાંચ્યો છે, પણ આ કિસ્સાનો ઉલ્લેખ હું મારા અગાઉના કોઈ એક લેખમાં કરી ગયો છું. કરણના પિતા યશ જોહર પ્રોડ્યુસર બન્યા તે પહેલાં દેવ આનંદને ત્યાં નોકરી કરતા હતા, ‘નવકેતન’ના પ્રોડ્કશન કન્ટ્રોલર હતા. નૉર્થ ઇન્ડિયાના કોઈ હિલ સ્ટેશન પર દેવ આનંદ અને એમની ટીમ આ ગીતના શૂટિંગ માટેનું યોગ્ય સ્થળ શોધવા નીકળી પડી. યશ જોહર સાથે હતા. પર્વત પર ખૂબ ઊંચાઈએ પહોંચી ગયા પછી યશ જોહરે કહ્યું કે દેવસા’બ આ જગ્યા ઠીક રહેશે. દેવસા’બ કહે નહીં, હજુ ઉપર જઈએ. આખી ટીમને લઈને હજુ બે એક કિલોમીટર ઉપર ચડ્યા. ત્યાં જઈને દેવસા’બ કહે: આ નઝારો ઠીક છે. શૂટિંગ અહીં કરીએ. યશ જોહર કહે: આવો જ નઝારો ત્યાં પણ છે. અહીં સુધી લાઈટ્સ, કૅમેરા, બધા સામાન લાવવાની તકલીફ થવાની અને ખર્ચો પણ વધી જશે, ટાઈમ વેસ્ટ થશે, શૂટિંગના દિવસો વધી જશે.

દેવસા’બ કહે: નથિંગ ડૂઈંગ. શૂટિંગ અહીં જ થશે.

નિર્માતાનો હુકમ માનવો જ પડે, પણ પછી બજેટ વધી જાય ત્યારે ચોટલી તો પ્રોડ્કશન કન્ટ્રોલરની જ પકડાય. યુનિટના બીજા સભ્યોએ યશ જોહરને ટેકો આપ્યો કે વાત તો સાચી છે. બેઉ જગ્યાએ નઝારો તો એક સરખો જ દેખાય છે.

શૂટિંગના દિવસે વ્યવસ્થા કરવાના બહાને યશજી આર્ટ ડિરેક્ટરના માણસોને લઈને હૉટેલથી વહેલા નીકળી ગયા. આગલે દિવસે દેવસા’બે જે માઈલ સ્ટોન પાસે ઊભા રહીને કહેલું કે ગીતનું શૂટિંગ અહીં જ કરીશું એવો જ માઈલ સ્ટોન યશ જોહરે બે કિલોમીટર પહેલાંની જગ્યાએ ચીતરાવી દીધો. યુનિટના બાકીના માણસો સાથે દેવસા’બ તથા વહીદાજી પધાર્યાં અને માઈલ સ્ટોન જોઈને એ જ જગ્યાની પહાડી પર ખીણના બૅકગ્રાઉન્ડમાં શૂટિંગ શરૂ કરી દીધું

ગાતા રહે મેરા દિલ તૂ હી મેરી મંઝિલ
કહીં બીંતે ના એ રાતેં કહીં બીતે ના એ દિન

પ્યાર કરને વાલે અરે પ્યાર હી કરેંગે
જલનેવાલે ચાહે જલ જલ મરેંગે
મિલ કે જો ધડકે હૈં દો દિલ
હરદમ યે કહેંગે
કહીં બીતે ના યે રાતેં, કહીં બીતે ના એ દિન

ઓ મેરે હમરાહી મેરી બાંહ થામે ચલના
બદલે દુનિયા સારી તુમ ના બદલના
પ્યાર હમેં ભી સિખલા દેગા ગર્દિશ મેં સંભલના
કહીં બીતે ના યે રાતેં…

દૂરિયાં અબ કૈસી અરે શામ જા રહી હૈ
હમ કો ઢલતે ઢલતે સમઝા રહી હૈ
આતી જાતી સાંસ જાને કબ સે ગા રહી હૈ
કહીં બીતે ના યે રાતેં…

‘ગાઈડ’નાં ગીતો વિશેની વાતની હજુ તો આ શરૂઆત છે. વધુ આવતી કાલે, દેવસા’બના૧૦૦મા જન્મદિવસે.

• • •

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨090040 99112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

• • •
તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

11 COMMENTS

  1. પં.શિવકુમાર શર્મા એ “પિયા તોસે નૈના લાગે “માં તબલા વગાડયા હતા.

  2. ખુબ જ રસ સભર લેખ આપ સાહેબ લખી રહ્યા છો.વંદન સાથે નમન કરવાનુ મન થયુ. બંને વ્યક્તિત્વ ,દેવ સાહેબ ને વહીદા રહેમાનજી મારા પસંદગીના આદરણીય સનમાનીય રહ્યા છે ને કાયમ રહેશે. વહીદાજી નુ “ તુ ચંદા મૈં ચાંદની “ રેશમા ઔર શેરા ફિલ્મ ગીત માં અદભૂત ભાવવાહી અભિનય છે
    સાહેબ તમારા લેખ પણ વાંચી ને ખુબ આનંદ થાય છે. ભગવાન તમને સાજાં તાજા રાખે તેવી દિલ થી પ્રાથના .💐💐🙏

  3. You have aptly justified Shailendraji demanding rupees one lakh more for his fees.
    Wahidaji of GUIDE is superior to all other Wahidajis in other films- your sharp observation.

  4. જબરદસ્ત! ગાઈડ ફિલ્મ અને એના ગીતો અને એની પાછળ રહેલી સખત મહેનત અને passion તો જબરદસ્ત હતા જ, પણ તમારી ગાઈડ ફિલ્મ એન્ડ એના ગીતો વિશેની ની આ લેખમાળા પણ અદ્વિતીય છે! કેટ કેટલી research કરી ને, references આપી ને તમે લખો છો … બાપ રે …!! Superb. Extraordinary!

    તમારા માત્ર ફિલ્મો વિશે ના લેખો ઉપર એક પુસ્તક બહાર પાડો ને …!!👌🏻👍🏻😍💓🎶🎼

  5. Saurabh ji, very well written and elucidated article. Would read it all over again. Remember clearly listening to Binaca Geet Mala and when Baharo phool barsao was declared as no. 1 song of the year, was so much agitated.
    Looking forward to tomorrow’s article. Evergreen Dev saheb, remembering you with love on your 100th birthday.

  6. Very nice article ,GUIDE one of unforgettable GEMS of hindi cinema- another unforgettable song is PIYA TOSE NAINA LAGE – very long song but still great creations.

  7. અફલાતૂન… વહા કૌન હૈ તેરા ગીત ને આટલી સારી રીતે સમજાવવા બદલ આભાર.

  8. સૌરભભાઈ, ગાઈઙ pvr festival મા આપે જોઇ જ હશે. I know u r big fan of Dev saab

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here