આપણે બીજાઓ સાથે તરત સહમત કેમ નથી થઈ શકતા ? : સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ : સોમવાર, ૨૫ સપ્ટેમ્બર ૨૦૨૩)

મનમાં આવતો કોઈપણ વિચાર ક્યારેય અચાનક નથી ફૂટી નીકળતો. આપણને ભલે લાગે કે એકાએક આ વિચાર આવ્યો પણ એનું બીજ આપણા સબકોન્શ્યસમાં ઘણા વખત અગાઉ મૂકાઈ ગયું હોય છે. એ બીજને જ્યારે અંકુર ફૂટે છે અને પછી એ છોડ બનીને ઊગવા લાગે છે ત્યારે જ આપણે એનાં ડાળી-પાદડાં જોઈ શકીએ છીએ અને આપણને લાગે છે કે અરે, આ તો અચાનક ફૂટી નીકળ્યું.

કોઈના માટેનાં નફરત-પ્રેમ આપણા મનમાં પ્રગટ થતાં હોય તો એનાં પણ બીજ ઘણા વખત પહેલાં મનમાં, આપણી જાણ બહાર વવાયેલાં હોય છે. કોઈ તદ્દન અજાણી વ્યક્તિ જેને આપણે પહેલી જ વાર મળતા હોઈએ એવી વ્યક્તિ માટે સારા-ખરાબ જે ભાવ પ્રગટે છે તેનું કારણ એ વ્યક્તિઓ દેખાવ કે એની વર્તણૂક નથી હોતી પણ એવા દેખાવ-બેકગ્રાઉન્ડ-બીહેવિયર વગેરે ધરાવતા લોકો માટે આપણા અર્ધચેતન મનમાં પહેલેથી કેવો અભિપ્રાય છે તે અભિપ્રાય એમને મળતાંવેંત ઊભરાતો હોય છે.

કોઈપણ વિચારનું સર્જન એક અપ્રગટ અને અત્યંત ધીમી પ્રક્રિયા છે. કોઈ એક બાબત માટે ઝડપથી નિર્ણય કરી લીધો છે એવું આપણને લાગતું હોય ત્યારે પણ એ નિર્ણયપ્રક્રિયા પાછળનાં પરિબળો ઘણાં સમય પહેલાં મનમાં ઉછરતાં થઈ ગયાં હતાં એવું માનવું જોઈએ. કાર બનાવતી ફેકટરીનો પ્લાન્ટ મેનેજર તમને કહે કે અહીં અમે દર પાંચ મિનિટે એક કાર બનાવીએ છીએ એનો મતલબ એ નથી થતો કે એક કાર પાંચ મિનિટમાં ‘બની’ જાય છે. એ કારનું ટાયર, સ્ટિયરિંગ, હોર્ન, બોડી, ચેસિસ, એન્જિન વગેરે અને તેનાં છૂટક પૂર્જાઓ બનતાં અનેક દિવસો લાગ્યા હોય છે અને એ કેવી રીતે બનાવવા, એની ડિઝાઈન વગેરેને સર્જતાં તો મહિનાઓ, ક્યારેક વર્ષો લાગ્યાં હોય છે. એસેમ્બલી લાઈનમાં કાર પાંચ મિનિટમાં ‘બનતી’ નથી, ‘અસેમ્બલ’ થાય છે – એનાં છૂટા ભાગો એક થઈને રસ્તા પર દોડવાને લાયક બને છે.

કવિ-નવલકથાકાર-ચિત્રકાર- સંગીતકાર-વૈજ્ઞાનિક કે બિઝનેસમેન જ્યારે પણ કહે છે કે અચાનક મારા મનમાં આ વિચાર આવ્યો અને મેં આવું ભવ્ય સર્જન કર્યું ત્યારે પણ આ જ વસ્તુ બનતી હોય છે – કેટલાય વખતથી મનમાં ધરબાયેલા વિચારો અસેમ્બલ થઈને કોઈ એક ક્ષણે પ્રગટ થઈ જતા હોય છે.

અધીરાઈ અને ઉતાવળ ઘણા મનુષ્યનો સ્વભાવ બની જાય છે. પોતાના મનમાં કોઈ નવો વિચાર પ્રગટે કે તરત એને ઉત્કંઠા થતી હોય છે કે હું ક્યારે આ નવો વિચાર બીજાની સાથે શેર કરું. આ વિચાર કોઈપણ હોઈ શકે. ચાલો, આપણે આજે રાત્રે જમીને આ નહીં પણ પેલી દુકાને આઈસક્રીમ ખાવા જઈએ. જિંદગીમાં હવે હું આ નહીં પણ પેલું કરવા માગું છું. મારે હિસાબે આવતી ચૂંટણીમાં ફલાણી નહીં પણ ઢીંકણી પાર્ટીને વોટ આપવો જોઈએ. સમાજની પેલી વ્યક્તિ વિશે અત્યાર સુધી મારો આવો અભિપ્રાય હતો પણ તે ઓપિનિયન હવે બદલાઈને તેવો બની ગયો છે. અથવા તો પછી, ચાલો, આપણે આ જગ્યા છોડીને બીજે રહેવા/નોકરી કરવા જઈએ કે પછી આ વેકેશનમાં અમુક જગ્યાએ જઈએ તો કેવું.

આ કે આવો કોઈપણ વિચાર આપણા મનમાં પ્રગટે છે ત્યારે એનું બીજ ઘણા સમય પહેલાં રોપાયેલું હોય છે. ઘણી વખત તો આપણી જાણબહાર રોપાઈ ગયું હોય છે. પછી એ બીજનો ઉછેર થયો હોય છે- આપણે જે માનસિક વાતાવરણમાં રહીએ છીએ એનાં ખાતરપાણી એને મળ્યાં હોય છે. આમાં તમારી બહારની ઈકોસિસ્ટમ, તમારી આસપાસના લોકો – એમના વિચારો વગેરે પણ ભાગ ભજવતાં હોય છે. આ બધાનો સંગમ થઈને એક વિચાર, તે ગમે એટલો નાનો હોય કે મોટો – ક્ષુલ્લક હોય કે અતિ કામનો – ઘડાતો હોય છે. હવે આવા વિચારને આપણે જ્યારે ધડ દઈને બીજી વ્યક્તિને કહી દઈએ છીએ ત્યારે શું થાય છે? જો એ વ્યક્તિનું માનસિક-બાહ્ય વાતાવરણ આપણી સાથે મેળ પડે એવું નહીં હોય તો એ આ વિચારને રિજેક્ટ કરી દેશે. તમારા માટેના આદરને ખાતર કબૂલ કરશે તો પણ એનો એ ટેકો અંદરથી ઊગેલો નહીં હોય, માટે એમાં મજબૂતી નહીં હોય.

આપણા કોઈપણ વિચારને જો બીજાના ગળે ઉતારવા હશે તો ધીરજ ધરવી પડશે. સામેવાળી વ્યક્તિ અંગત હોય કે પછી ઓફિસમાં આપણી સાથે કામ કરનારી ટીમના કલીગ્સ હોય કે પછી કોઈ રાજનેતાએ પોતાના આગવા વિચારોને મતદારો સુધી પહોંચાડવાના હોય – દરેક વખતે આપણે સામેની વ્યક્તિને ધીરજ રાખીને સમજાવવી પડે, એક પછી એક કારણોનું પિરામિડ રચીને બેકગ્રાઉન્ડ ઊભું કરવું પડે, એ બીજ વાવ્યા પછી એમનામાં આપણા જેવો જ છોડ ઊગે એની રાહ જોવી પડે. એ છોડને ખેંચીને મોટો કરવા જઈશું તો બધું જ તહસનહસ થઈ જવાનું છે. આ બધું કર્યા પછી સામેવાળી વ્યક્તિ કે બીજા લોકો તમારા વિચાર સાથે સહમત થવાના જ છે એવી કોઈ ગેરન્ટી નથી, પણ જો આટલું સમજ્યા હોઈશું તો સહમતીની શક્યતા પહેલાં જેટલી હતી એના કરતાં અનેકગણી વધી જવાની એટલું જ ચોક્કસ.

• • •

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨090040 99112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

• • •
તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here