ચિકિત્સા પદ્ધતિમાં શ્રદ્ધા જોઈએ: ઇન્સોમિયા, એનિમા, બસ્તિ અને લાભશંકર ઠાકર — હરદ્વારના યોગગ્રામમાં પચ્ચીસમો દિવસ: સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગઃ ચૈત્ર વદ દસમ, વિક્રમ સંવત ૨૦૭૮. સોમવાર, 25 એપ્રિલ 2022)

સ્વામી રામદેવે આજ સવારના અઢી કલાકના યોગસત્ર દરમ્યાન એક શબ્દ પર ખૂબ ભાર મૂક્યોઃ ‘શ્રદ્ધા’.

તમે યોગગ્રામમાં આવીને સાજા ત્યારે જ થઈ શકો જ્યારે તમને અહીંની ઉપચાર પદ્ધતિઓમાં શ્રદ્ધા હોય. તમને જો આયુર્વેદ ઊંટવૈદું લાગતું હોય, તમને અહીંની ઉપચારપદ્ધતિઓ વિશે શંકા-કુશંકા હોય, તમને એલોપથીમાં જ વિશ્વાસ હોય-બીજા કશામાં નહીં-તો યોગગ્રામમાં આવવું તમારા માટે નિરર્થક છે. આ મારું અહીંના પચાસ દિવસ માટેના રહેઠાણનો પ્રથમ પડાવ આવી રહ્યો છે ત્યારે — છેલ્લા 25 દિવસ દરમ્યાનનું નિરીક્ષણ છે. સ્વામીજીએ સો ટકા સાચી વાત કરી છે.

શ્રદ્ધા.

ઉપચાર પદ્ધતિમાં જ નહીં, બીજી કોઈ પણ બાબતમાં, કોઈ પણ વિષયની વાત હોય, શ્રદ્ધા જરૂરી છે. તમે જે કામ કરો છો તે તમને જીવનમાં આગળ લઈ જશે એવી શ્રદ્ધા, તમામ સંકટો સામે અડગ રહેવાની પ્રભુ શક્તિ આપશે એવી શ્રદ્ધા, તમારાં માબાપ, તમારાં પતિ-પત્ની, તમારાં સંતાનો, તમારા મિત્રો-સ્વજનો હંમેશાં તમારી પડખે છે એવી શ્રદ્ધા. આ તમામ પ્રકારની શ્રદ્ધાઓનો સરવાળો એટલે જ જીવન જીવવાની કળા.

જોકે, એ તરફ ફંટાયા વિના આપણે ઉપચારપદ્ધતિ માટેની શ્રદ્ધાને જ વળગી રહીએ.

ગુજરાતીના અતિ ઉત્તમ કવિ લાભશંકર ઠાકર વ્યવસાયે આયુર્વેદ પ્રેક્ટિશનર હતા. વૈદ્ય ‘પુનર્વસુ’ એમનું વ્યાવસાયિક નામ અને ‘સર્વમિત્ર’ના નામે ખૂબ લોકપ્રિય એવી આયુર્વેદવિષયક કૉલમ પણ એમણે વર્ષો સુધી લખી, જે મેં ‘સમકાલીન’ની રવિવારની પૂર્તિમાં ખૂબ હોંશથી છાપી. આમ પાછા તેઓ કૉલેજમાં ગુજરાતી ભાષાસાહિત્ય પણ ભણાવતા. અને કવિ તો ખરા જ, બહુ મોટા કવિ.

આયુર્વેદની ઉપચારપદ્ધતિમાં શ્રદ્ધાનો બહુ મહત્ત્વનો વિષય નીકળ્યો છે એટલે મને લાભુદાદા યાદ આવ્યા.
વૈદ્ય ‘પુનર્વસુ’ એટલે કે લાભશંકર ઠાકરે પોતાના એક વકીલ દર્દીને લગતો આ કિસ્સો કહ્યો છેઃ

વકીલસાહેબને અનિદ્રાની તકલીફ. એકાદ વર્ષથી ઇન્સોમિયાના આ ભયંકર દર્દથી પીડાતા. મોડી રાત વીત્યા પછી ઊંઘ માંડ માંડ આવે. બીજે દિવસે માથું ભારે રહે અને શરીર તૂટ્યા કરે. મળશુદ્ધિ પણ બરાબર થાય નહીં. વકીલસાહેબને આયુર્વેદમાં બિલકુલ શ્રદ્ધા નહીં. ઊંઘની ટીકડી લેવાથી એમનું કામ ચાલી જાય. આમ પાછા સ્લીપિંગ પિલ્સ લેવામાં ડરે પણ ખરા. પણ પછી ઊંઘ ન આવે અને અકળાઈ જાય એટલે એક ટીકડી લઈ લે. કોઈ વાર એક ટીકડીથી કોઈ અસર ન થાય એટલે દોઢેક કલાક પછી બીજી ટીકડી લેવી પડે. ઊંઘ આવે પણ સવારે શરીર સુસ્ત થઈ જાય. શરીરમાં સ્ફૂર્તિનો બિલકુલ અનુભવ થાય નહીં.

વકીલસાહેબનાં પત્ની રોજ કહ્યા કરે કે હવે તમે દેશી ઇલાજ કરાવો પણ આયુર્વેદમાં શ્રદ્ધા નહીં હોવાથી વકીલસાહેબ એ વાત ટાળ્યા કરે. એક વાર અન્ય કોઈ વકીલમિત્ર પાસે આયુર્વેદની પ્રશંસા સાંભળી. એમણે વિરોધ કર્યો. પેલા મિત્રે પોતાના નક્કર અનુભવો રજૂ કર્યા, જે હકીકતરૂપ હતા. એનો વિરોધ કરી શકાય એમ નહોતો. બે-ચાર દિવસ પછી પત્નીએ રીતસર હઠ પકડી અને વકીલસાહેબે છેવટે આયુર્વેદિક ઉપચાર કરવાનું નક્કી કર્યું. પણ મનમાં હજી આયુર્વેદિક ઇલાજો માટે સંપૂર્ણ શ્રદ્ધા ન હતી. આવી સ્થિતિમાં તેઓ લાભશંકર ઠાકરના દવાખાને સપત્નીક આવી પહોંચ્યા.

એમની અશ્રદ્ધાની વાત સાંભળીને તથા એમના વાણીવર્તનમાં પણ ‘ઠીક છે, આ તો પત્નીનું મન રાખવા આવ્યો છું.’ એવી અભિવ્યક્તિને કારણે પોતાના સ્પષ્ટ અને આખાબોલા સ્વભાવ માટે જાણીતા લાભશંકર ઠાકરે કહ્યું: ‘માફ કરો, હું તમારો ઉપચાર કરવા તૈયાર નથી. જેમને અમારી વિદ્યામાં અને અમારામાં શ્રદ્ધા ન હોય એમનો પરાણે ઉપચાર કરવો જોઈએ નહીં. તમારાં પત્ની તમને દુરાગ્રહથી ભલે અહીં લઈ આવ્યો પણ હું તમને એવા આગ્રહમાંથી મુક્ત કરું છું. તમે જઈ શકો છો.’

પછી શું થયું? આગળ વધતાં પહેલાં લાભશંકર ઠાકરના સ્પષ્ટ-આખા બોલા (અને ઉગ્ર) સ્વભાવનો એક કિસ્સો ટાંકવાનું મન થાય છે. જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા રઘુવીર ચૌધરી આપણી ભાષાના બહુ ગજાદાર સાહિત્યકાર. લા.ઠા.ની જેમ જ રઘુવીરભાઈ પણ આખાબોલા-સ્પષ્ટવક્તા-ઉગ્ર સ્વભાવવાળા. એક વખત દ્વારકામાં ગુજરાતી સાહિત્ય પરિષદનું અધિવેશન હતું (દાયકાઓ પહેલાંની વાત છે – સિક્સ્ટીઝ કે સેવન્ટીઝની) ત્યારે આ બેઉ મહાન સાહિત્યકારો કોઈ મુદ્દે ઝઘડી પડ્યા અને બાથંબાથી થઈ ગઈ. હાથાપાઈમાં એક મહાનુભાવનું શર્ટ બીજા મહાનુભાવે ફાડી નાખ્યું. (કોણે કોનું ફાડ્યું એની મને સરત નથી પણ આ કિસ્સો રઘુવીરભાઈએ તો લખ્યો જ છે, કદાચ વિનોદ ભટ્ટે પણ લખ્યો છે. બનતાં સુધી તો રઘુવીરભાઈએ લા.ઠા.નું શર્ટ ફાડ્યું હતું. ભૂલચૂક લેવીદેવી). અમદાવાદ પાછા ફર્યા પછી બેઉ સાહિત્યકારોએ મા સરસ્વતીએ બેઉને આપેલા આશીર્વાદને શોભે તે રીતે એકબીજાની માફી માગીને કાયમી સંધિ કરી લીધી હતી. અહીં એક વાત કહેવાની લાલચ રોકી શકતો નથી. ઉગ્ર સ્વભાવ માટે જાણીતા આ બેઉ મહાન સાહિત્યકારોની એ બાજુનો મને ક્યારેય પરિચય થયો નથી. બંનેએ મારી યુવાવસ્થાથી શરૂ કરીને હંમેશાં મને ખૂબ હૂંફ અને ખૂબ પ્રેમ આપ્યાં છે અને એમના પુત્રની ઉંમરનો— બધી રીતે એક જુનિયર હોવા છતાં, ખૂબ આદર પણ આપ્યો છે.

હં… તો લાભશંકર ઠાકરે વકીલસાહેબને જવાનું કહી દીધું એ સાંભળીને પતિ-પત્ની દિગ્મૂઢ થઈ ગયાં. વકીલસાહેબનાં પત્ની બોલ્યાં: ‘પણ વૈદ્યરાજ! મેં એમને માંડ માંડ તૈયાર કર્યા છે.’

‘તેથી જ સ્તો બેન, એમનો ઉપચાર કરવાનો કંઈ અર્થ નથી.’

‘વૈદ્યરાજ! હું પણ તૈયાર થયો છું. તમારી દવા કરવામાં મને કોઈ જ વાંધો નથી.’

‘પણ મને વાંધો છે. તમે જઈ શકો છો.’

‘તમે તો ખરા છો વૈદ્યરાજ, અમે તમારી ફી ભરવા તૈયાર છીએ, દવાના પૈસા આપવા તૈયાર છીએ, પછી શું વાંધો છે?’

‘તમને શ્રદ્ધા નથી એ વાંધો છે. તમે ચિકિત્સકને સંપૂર્ણપણે વશ હો તો જ તમારી દવા થઈ શકે. તમને ખરેખર જ્યારે આયુર્વેદિક ઉપચાર કરવાનું મન થાય ત્યારે આવજો. રોગનો ઉપચાર કરવો એ મારું કામ છે.’

‘પણ વૈદ્યરાજ! એ આપની દવા કરશે. ઊંઘવાની ટીકડીઓથી તો એ કંટાળી ગયા છે. તમારે દવા કરવી જ પડશે. કેટલી બધી આશા સાથે અહીં આવ્યા છીએ.’

‘એ ખરું બેન! પણ જ્યાં સુધી દર્દીને શ્રદ્ધા ન હોય ત્યાં સુધી ઉપચાર સફળ ન થાય.’

લાંબી રકઝક પછી એમને જવું પડ્યું. જતાં જતાં વકીલસાહેબ કહેતા ગયાઃ ‘વાત તો તમારી સાચી છે. શ્રદ્ધા વગર દવા કરવાનો કંઈ અર્થ નથી.’

વકીલસાહેબ બહાર નીકળી ગયા. એમનાં પત્ની હજી કૅબિનમાં હતાં. એ ગળગળા થઈને બોલ્યાં: ‘વૈદ્યરાજ! હવે મારે શું કરવું? મને તમારામાં ખૂબ જ શ્રદ્ધા છે. તમે દવા આપી હોત તો સારું.’

લાભશંકરજી કહેઃ ‘તમે ચિંતા કરશો નહીં. વકીલસાહેબ એક વાર સ્વેચ્છાથી અહીં આવશે. એ વખતે હું જરૂર દવા કરીશ.’

આખો કિસ્સો વિગતે વાંચ્યા પછી લાભશંકર ઠાકરના આ શબ્દો ધ્યાનથી વાંચીને મનમાં ઉતારી લેજોઃ ‘આયુર્વેદ એ કેવળ ઉપચારશાસ્ત્ર કે ચિકિત્સાશાસ્ત્ર નથી. એને કોઈએ જીવનશાસ્ત્ર પણ કહ્યું છે. ઉપચારની સફળતા કેવળ ઔષધને આભારી નથી. સફળ ઉપચારમાં વૈદ્ય, ઔષધ, અનુચર (કંપાઉન્ડર, નર્સ) અને રોગી- આ ચારેયમાં ચોક્કસ ગુણોની અપેક્ષા રહે છે. મહર્ષિ ચરકે સૂત્રસ્થાનમાં ‘ખુડ્ડાક ચતુષ્પાદ’ નામના પ્રકરણ (નવમું)માં આ લખ્યું છે. ‘ખુડ્ડાક’નો અર્થ થાય ‘નાના’. એમાં ચાર નાના મુદ્દા આપવામાં આવ્યા છે જે નાના પણ અતિ મહત્ત્વના છે. આ પ્રકરણમાં ચરકે ચિકિત્સાના ચાર અંગ ગણાવ્યા છે.

1.સ્મૃતિઃ દર્દીમાં યાદશક્તિ બરાબર હોવી જોઈએ જેથી એ પોતાનો પૂર્વવૃત્તાંત ચોક્સાઈપૂર્વક કહી શકે. એ જ પ્રમાણે પથ્યાપથ્ય (શું ખાવું અને શેની પરેજી પાળવી) અને ઔષધસેવન વિશેની સૂચનાઓ યાદ રાખીને એનું ચીવટથી પાલન કરી શકે. આ માટે જ સ્મૃતિબળ જરૂરી છે. દર્દીમાં એ ખૂટતું હોય તો એના સાથી કે એના વડીલમાં એ હોવું જરૂરી છે.

2. નિર્દેશકારિત્વઃ ચિકિત્સકે જે નિર્દેશ, આદેશ કે સૂચનો કર્યાં હોય તેને દર્દીએ પૂરેપૂરા વળગી રહેવું જોઈએ. જો એ વૈદ્યની સૂચનાઓને મહત્ત્વ જ ન આપે, પથ્યાપથ્યને તથા ઔષધસેવન વિશે કાળજી ન રાખે તો ચિકિત્સા સફળ ન થાય. આચાર્ય વાગ્ભટે આ સંદર્ભે ‘ભિષગ્ વશ્ય’ વિશેષણ વાપર્યું છે. અર્થાત્ રોગી વૈદ્યને વશ થઈને વર્તતો હોવો જોઈએ આ ગુણ ખૂબ જ મહત્ત્વનો છે. જો દર્દીને ચિકિત્સાપદ્ધતિમાં અને ચિકિત્સકમાં પૂર્ણ શ્રદ્ધા ન હોય તો એ બરાબર કાળજીથી ઉપચાર કરાવશે નહીં. ખાવાપીવામાં છૂટ લઈ લેશે. સમયસર દવા લેવાનું ચૂકશે. આવા દર્દીઓનો ઉપચાર કરવામાં ચિકિત્સકે ઉત્સાહ નહીં બતાવવો જોઈએ. દર્દી શ્રદ્ધાન્વિત થાય એ પછી જ ઉપચાર કરવો જોઈએ. નહીં તો શ્રદ્ધાના અભાવે આવા દર્દીઓ ચિકિત્સા પૂરી થયા પહેલાં અધવચ્ચે જ એ છોડી દેતા હોય છે. ઉપચાર દરમ્યાન પણ તેઓ સતત નેગૅટિવ ઑટો સજેશન્સ કરતા હોય છે અને આવો મનોભાવ આરોગ્યપ્રાપ્તિ માટે પ્રતિકૂળ બની જાય છે.

(3) અભીરુત્વઃ દર્દીભીરુ (બીકણ) ન હોવો જોઈએ. ઘણા દવાથી ડરે છે. ‘ના, વૈદ્યરાજ! મને રેચની દવા ન આપશો. ઝાડા થઈ જશે તો અશક્તિ આવી જશે.’ ‘આ દવા મને ગરમ પડશે.’ `આવી આકરી પરેજીથી મને અશક્તિ આવી જશે’ આવી ઉક્તિઓ દર્દીની ભીરુતા પ્રગટ કરે છે. આવા ભીરુ દર્દીઓ પણ સતત નેગેટિવ ઑટોસજેશન્સ કર્યા કરે છે. આવા દર્દીઓનો ઉપચાર સફળ થવાનો સંભવ નહિવત છે.

4. જ્ઞાપકત્વઃ પોતાને જે કંઈ થતું હોય તે સ્પષ્ટ રીતે વ્યક્ત કરી શકે તેવો દર્દી હોવો જોઈએ. કેટલાક દર્દીઓ ‘દાહ’ અને ‘દુખાવા’ને એક જ ભાષામાં વ્યક્ત કરતા હોય છે. બંને વચ્ચે ભેદ કરતા જ નથી હોતા.
આમ આયુર્વેદમાં ચિકિત્સા સાથે નાના નાના પણ જેની ઉપેક્ષા ન થઈ શકે તેવા ઘણા વિષયોની સૂક્ષ્મ વિચારણા આપણા મહર્ષિઓ-આયુર્વેદાચાર્યોએ કરી છે.

જ્ઞાપકત્વના મહત્ત્વ વિશે વાત કરતાં કરતાં લા.ઠા. દાદાએ અતિ મહત્ત્વની એવી બીજી વાત પણ કરી છેઃ ‘દર્દી પાસેથી પ્રાપ્ત થતી વિગતોને ચિકિત્સકે પુર્નપ્રશ્નો દ્વારા ચકાસી લેવી જોઈએ. આયુર્વેદમાં નિદાન ત્રણ પરીક્ષણોથી થાય છે. દર્શન, સ્પર્શ અને પ્રશ્ન. નાડી પરીક્ષાનું મહત્ત્વ આયુર્વેદના મૂળ ગ્રંથોમાં નથી જ. હું નાડી પરીક્ષાનો હિમાયતી નથી, નાડી પરીક્ષામાં મને વિશ્વાસ પણ નથી, હું કદી નિદાન માટે નાડી પરીક્ષા કરતો નથી. દર્દીને જોવાથી, એના દુઃખતા કે સોજાવાળા શરીરભાગનો સ્પર્શ કરવાથી તથા પ્રશ્નપરીક્ષાથી નિદાન કરી શકાય છે. આ પ્રશ્નપરીક્ષા માટે ‘જ્ઞાપકત્વ’નું ઘણું મોટું મહત્ત્વ હોય છે.

પછી પેલા વકીલસાહેબની ચિકિત્સાનું શું થયું?

આઠેક દિવસ પછી તેઓ આવ્યા. સાથે એમનાં પત્ની પણ હતાં. બોલ્યાઃ ‘નિશ્ચય સાથે શ્રદ્ધાથી આવ્યો છું.’

વકીલસાહેબના અનિદ્રાના-ઇન્સોમિયાના રોગનું નિદાન કરતાં વૈદ્ય ‘પુનર્વસુ’ને જણાયું કે એમની પ્રકૃતિમાં વાયુનું પ્રમાણે વધારે હતું. એમને કબજિયાત પણ રહેતી. વળી રોજના 3-4 પાકિટ સિગારેટ પીતા. વૈદ્યરાજે સૂર્યાસ્ત પછી સિગારેટ પીવાનું બંધ કરાવ્યું. એને કારણે દોઢ પાકિટ જેટલી સિગારેટ ઓછી થઈ. ચા પણ બે વખતથી વધારે નહીં પીવાની. ઉપચારમાં રોજ રાત્રે માત્રાબસ્તિ લેવાનું સૂચવ્યું. (‘બસ્તિ’ વિશે આગળ જાણીશું). રોજ રાત્રે બસ્તિ નિયમિત લેવાની. એક મહિના સુધી.

સાંજના ખોરાકમાં દહીં-ડુંગળીનું તાજું રાયતું ખાવાનું. (દહીં સાંજે/રાત્રે ન ખાવું એવું કેટલાક આયુર્વેદાચાર્યો કહે છે. તુંડે તુંડે મતિર્ભિન્ના. જેની જેવી પ્રકૃતિ, તેવો તેનો ઉપચાર). જમ્યા પછી કલાક બાદ દોઢ ચમચો ‘અશ્વગંધારિષ્ટ’ થોડું પાણી ઉમેરીને પીવાનો. બપોરે તેમ જ રાત્રે-બેઉ ટાઇમ.

સાત દિવસ પછી વકીલસાહેબ મળવા આવ્યા. પહેલાં કરતાં કંઈક સારું લાગતું હતું. સાત દિવસમાં એક દિવસ એવો પણ ગયો હતો કે ટીકડી વગર જ ઊંઘ આવી ગઈ. બીજા દિવસોમાં રાતે જમ્યા પછી અને બસ્તિ લીધા પછી ઊંઘ તો આવતી પણ થોડા કલાક બાદ ઉડી જતી. એટલે મધરાતે ઉંઘવાની ટીકડી લેવી પડતી.

બીજા અઠવાડિયે આગળનો ઉપચાર ચાલુ રાખીને બે પડીકી નવી ઉમેરાઈ. અશ્વગંધાનું ચૂર્ણ પાંચ ગ્રામ, ગંઠોડાનું ચૂર્ણ બે ગ્રામ તથા જટામાંસીનું ચૂર્ણ ત્રણ રતી – આ બધું ભેગું કરીને સવારે તથા સાંજે ગરમ-ગળ્યા દૂધમાં હલાવીને પી જવાનું.
આ ઉપચાર બીજા બે અઠવાડિયા સુધી કર્યા બાદ અનિદ્રાની ફરિયાદમાં નોંધપાત્ર લાભ જણાયો.

આ જ રીતે એક મહિનો ઉપચાર કર્યા પછી બસ્તિપ્રયોગ બંધ કર્યો. હવે અઠવાડિયામાં કેટલાક દિવસો એવા આવતા જેમાં આખી રાત સળંગ ઊંઘ આવતી, વચ્ચે વચ્ચે ઊંઘ ઊડી જતી નહીં.

મહિના પછી એક વધારાનું સૂચન કરવામાં આવ્યું. સાંજે કોર્ટમાંથી આવીને આખા શરીરે મહાનારાયણ તેલનું માલિશ કરાવવાનું. પછી ગરમ પાણીથી સ્નાન કરી લેવાનું. આ સાંજનો નિયમિત ક્રમ બનાવી દેવામાં આવ્યો.

કુલ ત્રણ મહિના થયા પછી સતત એવા દિવસો જવા માંડ્યા કે જેમાં ઊંઘવાની ટીકડી બિલકુલ લેવી પડતી ન હોય. દવામાં પણ હવે દૂધ સાથેનાં પડીકાં બંધ કરાવી દીધાં. રાત્રે માત્ર ‘અશ્વગંધારિષ્ટ’ દોઢ ચમચો પીવાનો. બપોરે પીવાનું બંધ કરાવ્યું. ડુંગળી-દહીંનો ઉપયોગ ચાલુ હતો. તેલમાલીશ અને સ્નાન પણ ચાલુ હતાં. વકીલસાહેબના શરીરમાં ચાર કિલો જેટલું વજન વધ્યું હતું. સિગારેટ એમણે સૂર્યાસ્ત પછી તો પીવાની બંધ જ કરી હતી, પણ દિવસ દરમ્યાન એક પાકિટથી વધારે સિગારેટ ન પીવાનો એમણે જાતે જ નિશ્ચય કર્યો હતો.

આમ અનિદ્રાની ફરિયાદમાંથી એ મુક્ત થયા. ક્યારેક રાત્રે અશ્વગંધારિષ્ટ ન લેતા તો પણ ઊંઘ તો આવતી જ.

બસ્તિ.

આયુર્વેદમાં બસ્તિના પ્રયોગનું ઘણું મહત્ત્વ છે. એનિમા જુદી વસ્તુ છે. અહીં યોગગ્રામમાં જરૂરિયાત હોય તો વિવિધ વિકારો માટે અલગ અલગ ઔષધિયુક્ત બસ્તિ આપવામાં આવે છે. અને જેમને જરૂર હોય એમને એનિમા પણ આપવામાં આવે છે.

એનિમાથી ઘણા લોકો પરિચિત હશે. બસ્તિથી બહુ ઓછાનો પરિચય હશે. લાભશંકર ઠાકરના મત મુજબ બૉવેલવૉશ કરવા માટે જે એનિમા અપાય છે એમાં સાબુનું પાણી પણ ભેળવવામાં આવે છે જે આયુર્વેદની દૃષ્ટિએ ઉચિત નથી. સાબુ રુક્ષ હોઈ વાયુને વધારી દે છે માટે એનિમામાં સાબુનો ઉપયોગ તો કદાપિ ન કરવો.

લાઠાદાદાએ જણાવ્યું છે એમ જેમને કફ વધી ગયો હોય એમને શુદ્ધિ માટે વમન (ઊલટી) કરાવવામાં આવે છે. જેમને પિત્ત વધી ગયું હોય એમને વિરેચન (ત્રિફળા જેવાં ચૂર્ણો દ્વારા કે લેક્ઝેટિવ દ્વારા રેચ આપવો) કરાવવામાં આવે છે. જેમને વાયુ વધી ગયો હોય એમને બસ્તિ આપવામાં આવે છે. આ ત્રણેય ક્રિયાઓ શરીરને દોષયુક્ત કરનારી, શુદ્ધ કરનારી છે. આવા શોધનનો ચિકિત્સામાં વિશેષ મહિમા છે.

બસ્તિક્રિયા એટલે શું?

આ ક્રિયા વાયુની શુદ્ધિ માટે કરવામાં આવે છે. મળમાર્ગ દ્વારા ઔષધસિદ્ધ તેલ, ઘી, કવાથ, ક્ષીર વગેરેની એનિમા આપવી તેનું નામ બસ્તિક્રિયા. બસ્તિક્રિયાને ક્રિયાની સામ્યતા પૂરતો જ એનિમા સાથે સંબંધ છે બાકી, બસ્તિક્રિયા એ આયુર્વેદનો એક અપૂર્વ, અનન્ય ખ્યાલ છે.

બસ્તિક્રિયા વાયુની શુદ્ધિ કરે છે અર્થાત્ એ વાયુને શરીરની બહાર કાઢે છે.
વાયુની ઉત્પત્તિ પકવાશય (આંતરડા)માં થાય છે. નાભિ નીચેનો ભાગ એ વાયુનું મુખ્ય કેન્દ્ર છે. અહીંથી જો વાયુ ઓછો થાય તો આખા શરીરમાંથી એનું પ્રકોપબળ ઓછું થઈ જાય. બસ્તિક્રિયા વાયુના કેન્દ્રસ્થાન પર ઍટેક કરે છે અને વાયુનું અનુલોમન કરી ઉત્તમ પરિણામ લાવે છે. બસ્તિક્રિયા મળ અને વાયુ બંનેનું અનુલોમન કરે છે આયુર્વેદમાં બસ્તિ એ વસ્તુતઃ વાતદોષની શુદ્ધિ માટેની ક્રિયા છે.

આ બધી વાત લા.ઠા.દાદાએ કહી છે.

બસ્તિ શેની આપવી? આ માટે આયુર્વેદના ગ્રંથોમાં ઘણું જ વિસ્તૃત અને વ્યવસ્થિત નિરૂપણ કરવામાં આવ્યું છે. બસ્તિના પ્રકારો, બસ્તિ માટે વપરાતાં દ્રવ્યો (મેદ ઘટાડવો હોય તો અમુક દ્રવ્યો, ડાયાબીટીસ માટે બીજાં, વગેરે) અને બસ્તિ આપવાની વિધિ વગેરેનું ઘણું જ મહત્ત્વનું જ્ઞાન આપણા પ્રાચીનો પાસે હતું. આ પ્રયોગથી જરા પણ નુકસાન થતું નથી. આ પ્રયોગ ઘેરબેઠાં સરળતાથી કરી શકાય છે.

જેમ એનિમા લેવા માટેનું સાધન કેમિસ્ટ-ફાર્માસિસ્ટની દુકાને મળે છે એમ બસ્તિ માટે ગ્લિસરાઇ સિરિંજ (પિચકારી) નામનું બે-ત્રણ ઔંસના માપનું સાધન ખરીદવું. આવી સિરિંજ કાચની, પ્લાસ્ટિકની તથા ધાતુની પણ આવે છે. આ પ્રયોગમાં નાનકડી માત્રામાં સ્નેહ દ્રવ્ય (તેલ/દિવેલ)નો વપરાશ થતો હોઈ એને ‘માત્રાબસ્તિ’ નામ આપવામાં આવ્યું છે.

યોગગ્રામમાં જે વિવિધ પ્રકારની બસ્તિ આપવામાં આવે છે તેમાં કઈ બસ્તિમાં કયાં ઔષધો ઉમેરવામાં આવે છે તેની જાણકારી મારી પાસે નથી. લાભશંકર ઠાકરે ઈન જનરલ ‘માત્રાબસ્તિ’ની માહિતી આપી છે.

સૌપ્રથમ ‘મહાનારાયણ’ તેલ નવશેકું કરીને બેથી ત્રણ ઔંસ જેટલી માત્રામાં પિચકારીમાં ખેંચી લેવું. પછી એમાંથી ત્રણ-ચાર ટીપાં કાઢી નાખવા જેથી પિચકારીમાંથી હવા નીકળી જાય. હવે, જેને પિચકારી આપવાની હોય તેને ડાબા પડખે સુવડાવીને, મળમાર્ગમાં પિચકારીની નાનકડી નળી દાખલ કરીને, બસ્તિ આપી દેવી.

પિચકારી આપવાનો સમય રાત્રે જમ્યા બાદ કલાક-બે કલાક પછી. યોગગ્રામમાં એનિમા સવારે પાંચ વાગ્યે અને બસ્તિ બપોરના ભોજનના એક-બે કલાક બાદ, બેથી પાંચની વચ્ચે, આપવામાં આવે છે એટલું મેં જાણ્યું છે.

પિચકારી લીધા બાદ દર્દીએ કંઈ ચિંતા કરવા જેવું નથી. હાજત જેવું લાગે તો મળશુદ્ધિ માટે જવું. નહીં તો સવારે મળશુદ્ધિ માટે જવું પડશે. સવારે પણ ન જવું પડે તો ચિંતા કરવી નહીં.
સાવચેતી માટે રાત્રે સૂતી વખતે કે પછી દિવસ દરમ્યાન ઍડલ્ટ ડાયપર પહેરી રાખવું સારું.

બસ્તિમાં ઉમેરેલી ઔષધિઓ આંતરડા દ્વારા શોષાઈને સીધી શરીરમાં પ્રવેશતી હોય છે. આ રીતે રોજ રાત્રે માત્રાબસ્તિનો પ્રયોગ જરૂર પ્રમાણે કરવો- પંદર દિવસ મહિનો કે બે મહિના કે એથી પણ વધુ સમય કરી શકાય એવું વૈદ્ય ‘પુનર્વસુ’ કહે છે. (એનિમાનો પ્રયોગ અત્યંત સીમિત રહીને જ થાય, વારંવાર નહીં).

મહાનારાયણ તેલને બદલે દેશી દિવેલ પણ વાપરી શકાય અને તેલ ગરમ કરવા માટે તેલની બૉટલને ગરમ પાણીમાં થોડીવાર મૂકી રાખવી. જરાક જ ગરમ થઈ જાય તે પૂરતું છે. બહુ ગરમ તેલ વાપરવાનું નથી.

આ પ્રયોગથી ઝાડા થઈ જતા નથી. દિવેલ પીવાથી જેવી અસર થાય છે એવી અસર બસ્તિ દ્વારા દિવેલ લેવાથી થતી નથી. બસ્તિ દ્વારા દિવેલ લેવાથી મળ-વાયુ નીચે ઉતરે છે, એનું અનુલોમન થાય છે.

‘બસ્તિ’ શબ્દ ક્યાંથી આવ્યો. સંસ્કૃતમાં ‘બસ્તિ’નો અર્થ થાય ‘મૂત્રાશય’. પ્રાચીન સમયમાં સિરિંજ કે પિચકારી જેવાં સાધનો નહોતાં ત્યારે મૃતપ્રાણીઓના મૂત્રાશયનો ઉપયોગ થતો. ફુગ્ગા જેવા આ મૂત્રાશયમાં દ્રવ્ય ભરીને આ ક્રિયા થતી. આમ સાધન તરીકે વપરાતા બસ્તિને લીધે આ ક્રિયાનું નામ જ બસ્તિક્રિયા પડી ગયું.

અનેક વિકાર-રોગો માટે બસ્તિ અક્સીર ઇલાજ છે. અનિદ્રાના દર્દીઓ માટે તો ખૂબ જ લાભકારક છે. લાભશંકરદાદાએ વકીલસાહેબને જે ઉપચારો સૂચવ્યા હતા તેમાંનો એક બસ્તિપ્રયોગ હતો.

મહર્ષિ ચરકે શરીરના ત્રણ ઉપસ્તંભો ગણાવ્યા છેઃ આહાર, નિદ્રા અને બ્રહ્મચર્ય (બ્રહ્મચર્ય એટલે સેક્સથી દૂર રહેવું એવું નથી કહ્યું પણ એ બાબતમાં સંયમી રહેવાનું તેમ જ જિંદગીની બીજી અનેક ક્રિયાઓમાં કેટલાંક ડુઝ અને ડોન્ટ્સ પાળવાના એવી બ્રહ્મચર્યની મૂળ વ્યાખ્યા છે).

આમ નિદ્રા એ શરીરનો અનિવાર્ય આધાર છે. જેમને કુદરતી ઊંઘ બરાબર મળતી નથી એમના શરીરની સ્થિરતા લથડે છે. ‘સ્થિરતા’ એ કફનો ગુણ છે. કફ સ્નિગ્ધ અને ગુરુ ગુણ ધરાવે છે. શરીરમાંથી આ ગુણ ઘટી જાય ત્યારે રુક્ષતા વધવા માંડે છે, ચામડી લૂખી થવા માંડે છે. આંતરડાની શ્લેષમત્વચા (મ્યુક્સ મેમ્બ્રેન) જો બરાબર સ્નિગ્ધ હોય તો એની સંકોચવિકાસની ક્રિયા નૉર્મલ રહે છે જેને કારણે આહાર-રસના શોષણનું, પાચનનું તથા મળવિસર્જનનું કામ બરાબર ચાલે છે. પણ જો આ શ્લેષમત્વચા રુક્ષ થઈ જાય તો આ બધી જ ક્રિયાઓમાં મંદતા આવે છે. પરિણામે અનિદ્રાના રોગીનું પાચનતંત્ર બગડે છે, ભૂખ મરી જાય છે, કબજિયાતની ફરિયાદ શરૂ થાય છે. કબજિયાત અનેક રોગોનું મૂળ બને છે. કબજિયાતને લીધે વાયુનું અનુમોલન થતું નથી અને આ વાયુ અવરોધ પામીને અનેક વિકારો કરે છે.

અનિદ્રાને કારણે, પૂરતી ઊંઘ ન મળવાને કારણે, માણસમાં અસ્થિરતા-ચંચળતા પ્રવેશે છે. આ ચંચળતા વાયુનો ગુણ છે. એ વધી જવાથી હાથની ધ્રુજારી, પગ લથડવાથી માંડીને મનની અને જ્ઞાનતંતુઓની અસ્થિરતા સર્જાય છે.

અનિદ્રાને કે અપૂરતી ઊંઘને કે ખલેલભરી ઊંઘને ક્યારેય લાઇટલી નહીં લેવાની. દેખીતી રીતે બહુ ગંભીર નહીં લાગતા આ વિકારને લીધે શરીર અનેક રોગોનું ઘર બની જતું હોય છે.

ઇમેજ સૌજન્ય : https://www.gujaratilexicon.com/gujarati-quotes/gujarati-quote-264/

લાભશંકર ઠાકર અદ્‌ભુત વૈદ્ય હતા. માણસ તો અદ્‌ભુત હતા જ હતા. કવિ પણ લાજવાબ હતા. એમનું એક કાવ્ય મેં 1978-79ના અરસામાં મુંબઈ દૂરદર્શને યોજેલા કવિ-સંમેલનમાં સાંભળ્યું હતું જેનું સંચાલન ઉમાશંકર જોશીએ કર્યું હતું. વર્ષો સુધી આ કાવ્ય મને કંઠસ્થ હતું. હજુય એની કેટલીક પંક્તિઓ યાદ છે. પણ અહીં આ કાવ્ય મેં ‘લયસ્તરો’ નામની ગુજરાતી કવિતાની એક ઉત્તમ વેબસાઇટ પરથી લીધું છે. (આવી જ બીજી એક વેબસાઇટ છે- ‘ટહુકો’).

તો આજનો લેખ પૂરો કરતાં કરતાં પ્રસ્તુત છે વૈદ્ય ‘પુનર્વસુ’ને ભૂલી જાઓ એવી કવિ લાભશંકર ઠાકરની એક અમર અછાંદસ રચનાઃ

અવાજને ખોદી શકાતો નથી
ને ઊંચકી શકાતું નથી મૌન.

હે વિપ્લવખોર મિત્રો !
આપણી રઝળતી ખોપરીઓને
આપણે દાટી શકતા નથી
અને આપણી ભૂખરી ચિંતાઓને
આપણે સાંધી શકતા નથી.

તો
સફેદ હંસ જેવાં આપણાં સપનાંઓને
તરતાં મૂકવા માટે
ક્યાં સુધી કાલાવાલા કરીશું
આ ઊષરભૂમિની કાંટાળી વાડને ?

આપણી આંખોની ઝાંખાશનો લાભ લઈ
વૃક્ષોએ ઊડવા માંડ્યું છે તે ખરું
પણ એય શું સાચું નથી
કે આંખો આપીને આપણને છેતરવામાં આવ્યા છે ?

વાગીશ્વરીના નેત્રસરોવરમાંથી
ખોબોક પાણી પી
ફરી કામે વળગતા
થાકી ગયેલા મિત્રો !
સાચે જ
અવાજને ખોદી શકાતો નથી
ને ઊંચકી શકાતું નથી મૌન.

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

•••
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

8 COMMENTS

  1. ૧૯૯૨-૯૩ ની આસપાસ લાભુદાદા (લાભશંકર ઠાકર) ના એક લેખમાં કોઈ દર્દીને વાયુ વિકાર નાં ઉપચારમાં બસ્તિ પ્રયોગ ની સચોટતા વિશે બહુ સરસ કાવ્યાત્મક ઉદાહરણ આપ્યું હતું. એમણે લખ્યું હતું કે

    “જેમ સમુદ્રનાં મોજાં કિનારે આવીને શાંત થઈ જાય છે એ રીતે બસ્તિ પ્રયોગ થી વાયુ પણ શાંત થઈ જાય છે”

    આટલા વર્ષો પછી પણ એમનાં લખાણનું આ વાક્ય મને બરાબર યાદ રહી ગયું છે.
    ૧૯૯૩ માં હું મારા અવાજ નાં ઉપચાર માટે એમને મળવા મારા પિતા સાથે અમદાવાદ ગયો હતો.

  2. સૌરભભાઈ, ઉત્કૃષ્ટ લખાણ, ઉત્તમ માહિતી અને અમૂલ્ય પ્રેરણા. તમારી લેખન-શૈલી વાચકને અંતિમ લક્ષ્ય સુધી માર્ગમાં વ્યસ્ત રાખવાનો મૈત્રીભાવ ધરાવે છે. તમારે સો વર્ષ જીવવું જ પડશે એ તો નક્કી છે જ પણ તમે સો વર્ષ ચોક્કસ જીવવાના એ પણ નક્કી છે, કારણ કે જે બહુજનહિતાય કાર્યશીલ રહે છે તેની આયુ સરેરાશ વ્યક્તિની આયુની સરખામણીમાં 10-15% વધે છે, જે યોગગ્રામની ઉપચારપદ્ધતિની ફળશ્રુતિ ઉપરાંત બોનસ તરીકે તમને મળશે. અસ્તુ !

  3. Very interesting, informative & inspiring write up.
    Persons who don’t trust aayurveda, will after reading such nice & and rich writing, will automatically be inspired to have thorough faith in aayurveda. We definitely like your all the write ups.
    Thanks & keep it up.

  4. વૈદ્ય કે ડોક્ટર માં
    શ્રદ્ધા હોવી એ આજનું નહિ કાયમ નું હતું અને રહેશે ..ભલે આધુનિક જમાના માં
    એ દર્દીઓ કે
    ડોક્ટર ને અગત્ય નું ના લાગતું હોય ..એક પોસીટીબીટી પોતાના શરીર માટે પોતાના મનમાં ઉભી થાય છે ..એને સાજા સારા થવાના ઓટો સજેશન એનાથી મળતા હોય છે જે દર્દી ને સારો સાજો કરી શકે છે ..બાકી દવાઓ દવાનું કામ કરશે પણ શરીર તો એની મેળે જ સાજું થાય છે ..દવાઓ નું શંશોધન નહોતું થયું ત્યારે પણ આ જ વસ્તુ મનુષ્ય ને સાજો સારો કરતી હશે ..

  5. સૌરભભાઇ, તમારા લેખ વાંચવાનો કદી કંટાળો નથી આવતો.એક બેઠકે વાંચી જઈએ છીએ. અમને પણ વર્ષોથી આયુર્વેદમાં શ્રદ્ધા છે.અને ઘરમાં જ આત્માનંદ સરસ્વતી(સુરત)નાં સારી ગુણવત્તાનાં ઔષધો વાપરીએ છીએ.
    આવા સરસ લેખ બદલ ધન્યવાદ.

  6. સૌરભભાઇ, ૪૦ વર્ષોમાં તમે જુદા જુદા હજારો વિષયો ઉપર લખ્યું છે. દ્રઢ હિંદુવાદ, નિર્ભય રાષ્ટ્રવાદ, સંબંધોની સંકીર્ણતા અને આયામો, ફિલ્મો અને સંગીત, નક્કર પ્રેરણાત્મક નિબંધો એવા વિષયો છે જેમાં તમે ‘ન ભૂતો ન ભવિષ્યતિ’ ખેડાણ કર્યું છે.

    એમાં એક ઓર વિષયનો ઉમેરો થયો છે – સ્વાસ્થ્ય. એને પૂર્ણપણે આત્મસ્થ કર્યા પછી જે રસાળ શૈલીમાં રજૂ કરો છો એ કામ લોકોને સદીઓ સુધી ઉપયોગી થશે.

  7. ખૂબ સરસ.
    પચાસ દિવસ પછી પણ સ્વાસ્થ્ય વિશે લખતા રહેશોજી.
    એક વિનંતી. ખાદ્ય વેજીટેબલ તેલ કયું સારું તેની વિશેષ માહિતી મેળવી વિગતવાર લેખ લખશોજી.
    આપણે ગુજરાતી મગફળી તેલ વાપરીએ છીએ, જેની મને હાય એલર્જી છે. વિવિધ તેલના ગુણ દોષની માહિતી સૌને ખૂબ ઉપયોગી થશે. આભાર. હાર્દિક શુભ કામનાઓ.

    • તમે તો અત્યારના કોઈ વૈદ કરતા પણ વિશેષ, અત્યંત સરળ અને રોચક(રેચક પણ☺️😊) રીતે, એટલી સ-રસ રીતે માહિતીઓ આપી છે કે જાતે પ્રયોગ કરવાનો વિચાર આવે છે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here