તમે જ તમારા ડૉક્ટર છો —હરદ્વારના યોગગ્રામમાં ૨૬મો દિવસ: સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ : ચૈત્ર વદ અગિયારસ, વિક્રમ સંવત ૨૦૭૮. મંગળવાર, ૨૬ એપ્રિલ ૨૦૨૨)

મુંબઈમાં બેઠાં બેઠાં આ રિયલાઇઝેશન આટલી તીવ્રતાપૂર્વક, આટલી સચોટ રીતે ન થયું હોત. એના માટે હરદ્વાર આવવું જ પડે, સ્વામી રામદેવજીના યોગઆશ્રમમાં દિવસોના દિવસ સુધી એકધારું રહીને અહીંની સાવ જુદી લાઇફસ્ટાઇલ અપનાવવી જ પડે. આપણા ઋષિઓ, મુનિઓ નગરવાસી નહોતા. નગરથી દૂર અરણ્યમાં જઈ પોતાનો સંસાર ગોઠવતા. એમની આ તપસ્યાના ફળ સ્વરૂપે આપણને વેદ મળ્યા, ઉપનિષદો, સંહિતાઓ, રામાયણ-મહાભારત-ગીતાની પ્રસાદી પ્રાપ્ત થઈ.

કયા રિયલાઇઝેશનની વાત કરું છું?

આ.

દુનિયા પાણી જેવી છે. આપણી નજીકના લોકો, આપણી આસપાસના લોકો, સમાજમાં અને દૂરસુદૂરના વિશ્વમાં વસતા તમામ લોકો, જિંદગીમાં સર્જાતી તમામ પરિસ્થિતિઓ—આ બધું જ પાણી જેવું છે. એમાં તમે જે રંગ મેળવશો તેવા રંગનું આ બધું થઈ જશે. એ સર્વને તમે જે રંગનાં ચશ્માં વડે જોશો, તે રંગનાં તે સૌ દેખાશે.

તમારું મન વ્યથિત હશે, ડિસ્ટર્બ અને ડહોળાયેલું હશે તો આ દુનિયા તમને ડહોળાયેલી લાગશે. નકારાત્મક લાગશે. રુક્ષ, બેજાન અને ફૂંકી નાખવા જેવી, જલાવી દેવા જેવી લાગશે.

તમારું મન ચોખ્ખું હશે, કોઈ પણ પ્રકારના વિકારો વિનાનું હશે, શાંત અને અ-મલિન હશે, નિર્મળ હશે તો આ દુનિયા તમને સ્ફટિક જેવી સ્વચ્છ લાગશે, તમને આવકાર આપી રહી હોય એવી લાગશે. ગમે એટલા અણગમતા લોકો, અણગમતી પરિસ્થિતિઓ, અણગમતી ચીજવસ્તુઓ, અણગમતા અવાજોને પણ તમે ખૂબ જ સમતાપૂર્વક, સ્વસ્થતાપૂર્વક, સહાનુભૂતિપૂર્વક સહન કરતા અથવા ઇગ્નોર કરતા થઈ જશો.

ડહેળાયેલા મન અને શાંત મન વચ્ચેનો તફાવત યોગગ્રામમાં આવીને ઊડીને આંખે વળગે છે. મુંબઈ જેવા શહેરમાં કે પછી અન્ય કોઈ શહેરમાં – તમે જ્યાં રહેતા હો ત્યાં – વ્યવહારની દુનિયા વચ્ચે તમારે રહેવાનું હોય એટલે મન ડહોળાઈ જાય એવી વાતો તમારી આસપાસ બનતી જ રહેવાની. તમે બચી નથી શકતા એનાથી. સિવાય કે સંસાર છોડીને હિમાલયમાં તપસ્યા કરવા નીકળી પડો. કોઈ વ્યક્તિ/પરિસ્થિતિ/ચીજવસ્તુઓને કારણે (એના અભાવને કારણે) મન ક્ષુબ્ધ ન થઈ જાય એ જોવાનું કામ, એ જવાબદારી આપણી છે – બીજા કોઈની નહીં.

આટલું સમજતા હોવા છતાં અને અનેક પ્રયત્નો કરતાં હોવા છતાં તમે મનને ડહોળું થતાં અટકાવી શકતા નથી, તમારા શાંત જળમાં પડતા પથ્થરોને કારણે થતાં વલયોને રોકી શકતા નથી.

યોગગ્રામમાં આવીને મને મારી શારીરિકતા સુધારવાની જે તક મળી એવી જ તક મને મારી માનસિકતા સુધારવાની પણ મળી રહી છે. મારા દૃષ્ટિકોણમાં પરિવર્તન આવી રહ્યું છે. જિંદગીને અને જિંદગી સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલી દરેક વ્યકિતને, દરેક પરિસ્થિતિને જોવાનો નજરિયો બદલાઈ રહ્યો છે.

સામાન્ય રીતે નાની ઉંમરે દરેક પાસે ખૂબ બધાં સપનાં હોય. ટીનએજર્સનું સપનું સૌથી મોટું હોવાનું – મોટા થઈને અમે આ કરીશું, તે કરીશું, આવા બનીશું, તેવા બનીશું, જિંદગીમાં આ રીતે આગળ વધીશું, દુનિયામાં જે કંઈ નથી ગમતું તેને બદલીને એક નવા સમાજની, નવા વિશ્વની રચના કરીશું.

પચ્ચીસેક વર્ષની ઉંમરે માણસ પરણીને ઠરીઠામ થવાની ઉતાવળમાં હોય. પોતાની પત્ની (કે પતિ) સાથેનો કેવો સુંદર સંસાર હશે અને વહાલાં વહાલાં બાળકો હશે, કરિયરમાં ઉન્નતિ જ ઉન્નતિ હશે, પોતાનું ઘર, પોતાની કાર, પોતાનાં વૅકેશન્સ, ગમતાં કપડાં, ગમતી રેસ્ટોરાં, ગમતા મિત્રો હશે એવી બધી સુંદર કલ્પનાઓના શણગારથી સપનાંઓને સજાવ્યા હોય.

પાંત્રીસ-ચાળીસ વર્ષની ઉંમરે, હવે કમાણી કરી લેવાનો આ છેલ્લો દસકો-દોઢ દાયકો છે, એમ વિચારીને બેઉ છેડે મીણબત્તી બાળવા તૈયાર થઈ ગયેલા યુવાનોનાં સપનાં એક અલગ જ લેવલનાં હોય. જિંદગી એટલી ફાસ્ટ રફ્તારમાં જીવાતી થઈ ગઈ હોય કે અર્જુનને જેમ પંખીની આંખ જ દેખાતી હતી એમ આ ઉંમરે બીજું કશું જ જોવાની ફુરસદ નથી હોતી – ન પોતાની તબિયત, ન પોતાની આસપાસની વ્યક્તિઓના અંગત જીવનની ફિકર. ‘મારે હવે જિંદગીના આ ગોલ્ડન ડિકેડમાં આટલું આટલું તો મેળવી જ લેવું છે’ એવું એકમાત્ર લક્ષ્ય હોય જે તમને પચસ વર્ષની ઉંમર સુધીમાં હંફાવી દે.

પચાસ વર્ષે તમે રિયાટરમેન્ટના પ્લાન કરતા થઈ જાઓ. ઇન્વેસ્ટમેન્ટ કેટલું થયું, કેટલે પહોંચ્યું, કેટલું હજુ ખૂટે છે. એમાંથી સાઠ-પાંસઠ વર્ષની ઉંમર થશે એ પછી કેટલું મળશે અને તે પૂરતું હશે કે નહીં. મેડિક્લેઇમ હજુ વધારવો જોઈએ? લાઇફ ઇન્શ્યોરન્સનો પ્લાન બદલવો જોઈએ? બસ, હવે આ છેલ્લો દાયકો છે, પછી રોજની ભાગદોડ બંધ અને બાકીની જિંદગી નિરાંત જ નિરાંત.

અને સાઠ-પાંસઠની ઉંમરે માણસને શું સપનાં હોય?

આ સવાલ મેં મારી જાતને પૂછ્યો અને મને જવાબ મળ્યોઃ મારી પાસે ન તો પચાસ વર્ષની ઉંમરે હોઈ શકે એવાં સપનાં છે, ન પાંત્રીસની વયે હોઈ શકે એવાં સપનાં છે. મારાં સપનાં બે ભાગમાં વહેંચાયેલાં છે જેમાંનો એક નાનકડો ભાગ ટીનએજરોનાં સપનાં સાથે જોડાયેલો છે અને બીજો નાનકડો ભાગ પચ્ચીસેક વર્ષની ઉંમરનાઓનાં સપનાં સાથે મેળ ખાય એવો છે. બાકીનાં સપનાં નવાંનક્કોર છે. કોઈ પણ ઉંમરની વ્યકિતએ સેવ્યાં ન હોય એવાં છે. આ સપનાં એવાં હોય છે જેના વિશે તમારા સિવાય બીજી કોઈ પણ વ્યકિત જાણતી ન હોય —એ જેમ જેમ સાકાર થતાં જાય તેમ તેમ દુનિયાને એ વિશે ખબર પડતી જાય.

ભગવાન મને કાલે તો શું આ લખતાં લખતાં પણ ઉપાડી લે એવું બને અને એવું બને તો કોઈ જ રંજ નથી પણ મારી અંદર બેઠેલો ભગવાન મને સતત કહ્યા કરે છે કે મારે કે.કા. શાસ્ત્રી, નગીનદાસ સંઘવી, ખુશવંત સિંહ કે મારા નટુકાકા જેટલું જીવવાનું છે, સ્વસ્થતા પૂર્વક જીવવાનું છે અને જીવનના અંતિમ શ્વાસ સુધી લખતાં રહેવાનું છે, મારું કામ કરતાં રહેવાનું છે

જે ઉંમરે માણસ એવું પ્લાનિંગ કરતો થઈ જાય કે પોતે કઈ સામાજિક સંસ્થામાં સેવા કરવા માટે ટ્રસ્ટી બનશે અને કયા નાના-નાની પાર્કમાં રોજ સાંજે પોતાની ઉંમરના બીજા લોકો સાથે વાતો કરવા ટોળે વળશે અને કઈ લાફિંગ ક્લબના મેમ્બર બનીને સવારના પહોરમાં કૃત્રિમ અટ્ટહાસ્ય કરશે એ ઉંમરે હું આ બધામાંથી કોઈ પણ પ્રવૃત્તિ સાથે મારી જાતને આઇડેન્ટિફાય કરી શકતો નથી. આ કે આવી અનેક બીજી સામાજિક/પારિવારિક પ્રવૃત્તિઓ સાથે મને જોડી શકતો નથી. સિનિયર સિટિઝન કહેવડાવવું મને ગમતું નથી. સાઠ, બાસઠ કે પાંસઠે પહોંચેલા ઘણા લોકોને મેં વર્ષોથી જોયા છે જેઓ પોતાના ધોળા વાળને આગળ કરીને, સિનિયર સિટિઝનરૂપે મળતી ફેસિલિટીઝ માટે પોતાના હક્ક માગતા થઈ ગયા હોય. કોઈ બીમાર, અશક્ત, લાચાર કે અપંગ હોય તો સ્વાભાવિક જ છે કે એમને એ બધી ફેસિલિટીઝ મળવી જ જોઈએ (એવી સગવડો તો સિનિયર સિટિઝનને જ નહીં, પંદરથી પંચાવનના જુનિયર સિટિઝનોને પણ મળવી જ જોઈએ —જો તેઓ બીમાર, અશક્ત, લાચાર કે અપંગ હોય તો).

મેં તો વર્ષો પહેલાં નક્કી કરી નાખેલું કે ભવિષ્યમાં હું ન તો પ્લેનમાં કે ટ્રેનમાં સિનિયર સિટિઝનને મળતું ડિસ્કાઉન્ટ નહીં માગું કે બૅન્કની ડિપોઝિટો પર મળતું વધારાનું વ્યાજ પણ નહીં લઉં. આવું કરવામાં વ્યવહારુ ડહાપણ નથી એ સમજવા છતાં હું આવું કરવા માગું છું. મને આ બે શબ્દો સામે કોઈ વાંધો નથી પણ આ બે શબ્દોના ઉચ્ચારણ સાથે આપણા કે બીજાનામાં સર્જાઈ જતી મેન્ટાલિટી સામે વાંધો છે.

મને નથી લાગતું કે હું સરેરાશ ભારતીય જેટલું જીવવાનો હોઉં – મારું આયુષ્ય એંશી-પંચ્યાશી કે નેવુંનું પણ નહીં હોય, હું પૂરાં સો વર્ષ જીવવાનો છું. ભગવાન મને કાલે તો શું આ લખતાં લખતાં પણ ઉપાડી લે એવું બને અને એવું બને તો કોઈ જ રંજ નથી પણ મારી અંદર બેઠેલો ભગવાન મને સતત કહ્યા કરે છે કે મારે કે.કા. શાસ્ત્રી, નગીનદાસ સંઘવી, ખુશવંત સિંહ કે મારા નટુકાકા જેટલું જીવવાનું છે, સ્વસ્થતા પૂર્વક જીવવાનું છે અને જીવનના અંતિમ શ્વાસ સુધી લખતાં રહેવાનું છે, મારું કામ કરતાં રહેવાનું છે.

મારી પાસે મારું કામ કરવા માટે બીજા અલમોસ્ટ ચાર દાયકા છે. ટીનએજર્સ કે પચ્ચીસેક વર્ષના યુવાનો બહુ બહુ તો આગામી ચાર દાયકા સુધીનાં, પોતાની ઉંમર પાંસઠેક વર્ષની થાય ત્યાં સુધીનાં, સપનાં જુએ. હું પણ એ જ તો કરી રહ્યું છું— આગામી ચાળીસેક વર્ષના વિવિધ તબક્કાઓમાં હું મારું કામ કેવી રીતે કરતો હોઈશ, કઈ દિશામાં કરતો હોઈશ તેનું પ્લાનિંગ કરીને સો વર્ષ જીવવાની શ્રદ્ધા સાથે આ સપનાં જોઉં છું.

હરદ્વારમાં સ્વામી રામદેવના યોગ આશ્રમમાં રહીને મારી આ શ્રદ્ધામાં અનેકગણો ઉમેરો થઈ રહ્યો છે.

શ્રદ્ધા.

ગઈ કાલના લેખમાં શ્રદ્ધા વિશે ઇન જનરલ અને ચિકિત્સા પદ્ધતિ પ્રત્યેની શ્રદ્ધા વિશે ઇન પર્ટિક્યુલર વાત થઈ ગઈ.

એમાં હજુ એક વાત ઉમેરવાની છે. કોઈ પણ બાબત પરની શ્રદ્ધા ત્યારે જ ટકે છે જ્યારે ધીરજ હોય. અધીરા અને ઉતાવળા સ્વભાવના લોકોમાં ધીરજનો કે સબૂરીનો અભાવ હોવાનો અને મનની આ ચંચળતાને કારણે શ્રદ્ધા પણ ઘણી વખત ડગમગી જાય એવું ચોક્કસ બને. (બાય ધ વે, મારા પરદાદાનું નામ સબુરદાસ અને સબુરદાસનાં ધર્મપત્ની – મારાં પરદાદીનું નામ? ચંચળબા! વૉટ અ કૉમ્બિનેશન!)

ચિકિત્સા પદ્ધતિમાં શ્રદ્ધા ત્યારે બેસે જ્યારે તમે ધીરજ ધરવા તૈયાર હો. સ્વામી રામદેવ પાસે સવારના યોગસત્ર દરમ્યાન આ ઉદાહરણ સાંભળ્યું: ‘તમે લોકો બંદર જેવા છો! એક વાંદરાએ એક કેરી ખાઈને ગોટલો દાટી દીધો જેથી એમાંથી આંબાનું ઝાડ ઊગે અને એને ખૂબ કેરીઓ ખાવા મળે. એક દિવસ થયો, બીજો દિવસ થયો, ઝાડ તો ઉગ્યું નહીં. હજી બીજા ચાર દિવસ રાહ જોઈ. છેવટે એક અઠવાડિયું પૂરું થયું અને વાંદરાએ જમીન ખોદીને જોયું તો ગોટલામાંથી આંબાનું ઝાડ હજુ થયું જ નહોતું, ગોટલો માત્ર ગોટલો જ હતો, એને એક અંકુર માંડ ફૂટ્યું હતું… ઘરમાં તમે સ્પ્રાઉટ્સ બનાવો છો ત્યારે પાણીમાં પલાળો કે તરત એના અંકુર ફૂટે છે? તમારે રાહ જોવી પડે. દરેક વાત માટે ધીરજ રાખવી પડે છે જિંદગીમાં.’

બાબાજીના આ વાંદરાવાળા ઉદાહરણમાં વાત કોઈ નવી નથી છતાં આપણે હજુ ધીરજ રાખતા શીખ્યા નથી. આયુર્વેદના તથા નેચરોપથીના ઉપચારોથી રાતોરાત તમે સાજા થઈ જવાના નથી. અઠવાડિયા માટે યોગાસન કરી લેવાથી કે સપ્તાહ સુધી રોજ અડધો અડધો કલાક અનુલોમ-વિલોમ, કપાલભાંતિ, ભસ્રિકા કે બાહ્ય પ્રાણાયામો કરી લેવાથી તમારી તબિયત સુધરી જવાની નથી. બાબાજી કહેતા હોય છે એમ તમે વર્ષો સુધી તમારું શરીર બગડવા દીધું છે – દસ, વીસ, પચીસ, પચાસ વર્ષ સુધી – તો એને સુધારવા માટે એટલા અઠવાડિયાંનો તો સમય આપો, તમે તો એટલા દિવસ માટે પણ ધીરજ ધરતા નથી અને દસ દિવસ માટે અહીં આવીને પાછા જતાં કહેતા જાઓ છો કે બાબાજી, જોઈએ એવો ફરક નથી પડ્યો! ક્યાંથી પડે? ઘરે ગયા પછી મહિનો-બે મહિના આ જ ક્રમ ચાલુ રાખો પછી જુઓ- તમારી તબિયત અગાઉ હતી તેના કરતાં પણ સારી થઈ જાય છે કે નહીં?’

શ્રદ્ધા અને ધીરજની વાતમાં એક ત્રીજી બાબત ઉમેરવાનું મને મન થાય છે અને તે છે – ચિંતન. આ ચિંતન એટલે કોઈ ટિપિકલ અધ્યાત્મિક કે ફિલોસોફિકલ ચિંતન વાત નથી કરતો પણ વિચારવંત બનવાની વાત છે. સ્વતંત્રપણે વિચારવાની આપણામાં રહેલી શક્તિનો ઉપયોગ કરવાની વાત છે. આંધળુકિયાં નહીં કરવાની, ગારડિયા પ્રવાહમાં નહીં તણાવાની, બીજાઓ આમ કરે છે એટલે મારે પણ આમ જ કરવું જોઈએ એવી માનસિકતામાંથી બહાર આવવાની વાત છે.

હું જેમને ‘થિન્કિંગ પર્સન’ કહું છું તેમાં કોઈ ચિંતક-વિચારક-વિદ્વાનોની વાત નથી કરતો પણ સામાન્ય માણસો પોતાની પ્રકૃતિને, સ્વ-ભાવને ઓળખવાની કોશિશ કરે અને દસે દિશાઓમાંથી જ્ઞાન-માહિતી એકઠાં કરીને છેવટે નક્કી કરે કે આ બધાંમાંથી મારા માટે કેટલું ઉપયોગી છે, કયું કૉમ્બિનેશન મને સૌથી વધારે અનુકૂળ આવશે – આ પ્રકારના ચિંતનની વાત કરું છું. આ પ્રક્રિયામાંથી પસાર થયા બાદ આખરી નિર્ણય લીધા પછી એમાં જ્યાં જરૂરી લાગે, જ્યારે જરૂરી લાગે, જેટલું જરૂરી લાગે તેટલું ફાઇન ટ્યુનિંગ કરતાં રહીએ, એમાં સુધારા-વધારા-ઉમેરા-બાદબાકી કરતા રહીએ એવા વિચારશીલ બનીએ તે માટેના ચિંતનની વાત કરું છું.

ઉપચાર પદ્ધતિ માટે જેમ શ્રદ્ધા જરૂરી, ધીરજ જરૂરી એમ આવું ચિંતન પણ એટલું જ જરૂરી.

સહેજ વિસ્તારપૂર્વક સમજીએ.

ચારેક વર્ષ પહેલાંની ધૂળેટીએ હું દંતાલિના આશ્રમે હતો. સાંજે મારે આણંદથી ટ્રેન પકડવાની હતી. સ્વામીજીના આગ્રહથી મારે જમીને જવાનું હતું. સ્વામીજી કહે, ‘ગામવાળા આજે પાઉંભાજી બનાવવાના છે. ભાવે છે તમને?’

સ્વામી સચ્ચિદાનંદે પોતાના હાર્ટ પ્રૉબ્લેમ માટે બાયપાસ સર્જરી કરાવી લીધી એટલે બાયપાસ સર્જરી વિરુદ્ધ ડૉ. મનુ કોઠારી જેવા ડૉક્ટરોએ જે કંઈ લખ્યું તે દરિયામાં પધરાવી દેવું જોઈએ એવું નહીં માનવાનું. બાયપાસ સર્જરી કરાવ્યાના વર્ષો પછી સ્વામીજીએ કહ્યું કેઃ મારે બાયપાસ સર્જરી નહોતી કરાવવી જોઈતી પણ તે વખતે ડૉક્ટરોના આગ્રહને હું વશ થઈ ગયો.

એ જ રીતે સ્વામી સચ્ચિદાનંદને યોગ-પ્રાણાયામમાં કે ઉપવાસમાં ઝાઝો વિશ્વાસ ન હોય અને તમે પણ કહેતા થઈ જાઓ કે સ્વામી સચ્ચિદાનંદને હું પૂજનીય ગણું છું એટલે હું પણ યોગ-પ્રાણાયામ-ઉપવાસ-હવન વગેરેમાં શ્રદ્ધા નથી ધરાવવાનો તો તમે સાચા માર્ગે નથી. સ્વામીજી પોતાની જિંદગી માટે સાચા છે કારણ કે એમણે પુરવાર કર્યું છે કે આ બધા વગર પણ તેઓ નેવું વર્ષની ઉંમરે ભરપૂર પ્રવૃત્તિઓમાં ગળાડૂબ છે, પ્રવાસો કરે છે, નવાં નવાં પુસ્તકો લખે છે. તેઓ આખી જિંદગી સંન્યાસીનું, સંયમનું જીવન જીવ્યા છે. કષ્ટો સહન કરીને એમનું ખડતલ શરીર વધુ ખડતલ બન્યું છે. આપણા જેવાઓનું ગજું નહીં એટલાં કષ્ટો સહન કરવાનું, એવો સંયમ પાળવાનું, વિરક્ત રહીને જિંદગીને ભરપૂરતાથી જીવવાનું. તેઓ ક્યારેક ભજિયાં ખાશે તો પણ બે-ચાર જ ખાશે. લાડવો ખાશે તો પણ અડધો કે નાનકડો. આપણે ભજિયાં પર તૂટી પડીશું, મીઠાઈ જોઈને સંયમ ગુમાવી દઈશું. તેઓ ભોજનમાં મસાલાઓને અનિવાર્ય ગણે છે અને આપણે આ મસાલાઓનો અતિરેક કરીને વાનગીઓને ‘મસાલેદાર’ અર્થાત્ તીખીતમતમતી, તેલથી તરબતર બનાવીને પાછા નિર્લજ્જ બનીને સ્વામીજીને મિસક્વોટ કરીને કહીએ કે બાપજીએ કહ્યું છે કે આવું મસાલેદાર ખાઓ.

એમની ખાવાપીવાની બાબતનો હું સાક્ષી છું. તેઓ આહારમાં સ્વાદને પ્રાધાન્ય આપે છે અને હું માનું છું કે ખાવાપીવામાં સ્વાદનું મહત્ત્વ સર્વોચ્ચ છે જ. પણ આપણને જે દેખાતું નથી તે એ છે કે આપણી જેમ તેઓ બજારુ કચરો પેટમાં પધરાવતા નથી, જન્ક ફૂડના શોખીન નથી. પૌષ્ટિક આહાર જે સ્વાદિષ્ટ હોય, તેના આગ્રહી છે.

ચારેક વર્ષ પહેલાંની ધૂળેટીએ હું દંતાલિના આશ્રમે હતો. સાંજે મારે આણંદથી ટ્રેન પકડવાની હતી. સ્વામીજીના આગ્રહથી મારે જમીને જવાનું હતું. સ્વામીજી કહે, ‘ગામવાળા આજે પાઉંભાજી બનાવવાના છે. ભાવે છે તમને?’
મેં કહ્યું, ‘બહુ જ. અને બનાવતાં પણ આવડે છે. હું જઉં એમને મદદ કરવા?’

સ્વામીજી કહે, ‘તમે બેસો મારી સાથે અને વાતો કરો. એ લોકોને એમની રીતે બનાવીને લઈ આવવા દો. ફરી આવો ત્યારે તમે બનાવજો.’
મેં પૂછ્યું, ‘બાપજી, તમને પાઉંભાજી ભાવે?’

બાપજી કહે, ‘બિલકુલ નહીં. હું તો પાઉં આવશે એટલે દૂધમાં બોળીને જમી લઈશ.’

આ વિરક્તિ છે. આશ્રમ પોતાનો છે. રસોડામાં કહ્યું હોય તો એમના માટે બે ભાખરી અને શાક કે ખીચડીકઢી બનાવતાં કેટલી વાર લાગે? પણ આજે રસોઈ કરનારાઓ માટે વિશ્રામનો દિવસ હશે અને પોતાને પાઉંભાજી નથી ભાવતી તો ભલે, કોઈને તકલીફ શું કામ આપવી. દૂધમાં પાઉં બોળીને રાતનું ભોજન પૂરું કરી લેવાનું.

આવી વિરક્તિ અને આવા સંયમ વિના જો કોઈ સ્વામીજીના રવાડે ચડવા જાય તો લાંબું ન જીવી શકે. હાલાંકિ હું અંગત રીતે માનું છું કે સ્વામીજીએ બાયપાસ ન કરાવી હોત, સર્જરી પછીની દવાઓ વરસો લગી ન ખાધી હોત અને યોગ-પ્રાણાયામ વગેરેમાં ઉદારતાપૂર્વક શ્રદ્ધા રાખીને તેને પોતાના ભવ્ય જીવનકાળમાં સ્થાન આપ્યું હોત તો તેમનું સ્વાસ્થ્ય અત્યારે છે તેના કરતાં પણ ઘણું વધારે સારું હોત.

કોઈ આવું કરે છે એટલે મારે પણ એવું જ કરવું એવું માનવું નહીં. સવારની યોગશિબિર દરમ્યાન સ્વામી રામદેવે કહ્યું, ‘ગઈ કાલે મારો દિવસ ઘણો વ્યસ્ત ગયો. ખૂબ બધા લોકોને મળવાનું હતું. બપોરે જમવા માટેનો સમય નહોતો. માત્ર એક ગ્લાસ શેરડીનો રસ પીને ચલાવી લીધું.’

હવે હું જો અહીં યોગગ્રામમાં બેઠાં બેઠાં વિચારું કે મુંબઈ જઈને હું પણ રોજનો એક ગ્લાસ શેરડીનો જ્યુસ પીશ તો મારા જેવો મૂરખનો સરદાર બીજો કોઈ નહીં. સ્વામી રામદેવ રોજ સવારે ચાર વાગ્યે ઉઠીને પ્રાતઃકર્મ બાદ અડધો કલાક યોગગ્રામમાં દોડવાની કસરત કરે છે. (એમના અંગરક્ષકો પણ સાથે દોડે). પાંચ વાગે પરસેવો નીતરતો હોય અને યોગસત્ર માટે મંચ પર આવીને સાડા સાત વાગ્યા સુધી આસનો-પ્રાણાયામ કરે. એ પછી ઇન્ડિયા ટીવી માટે અડધો કલાક. આમ સવારના કુલ ત્રણથી ચાર કલાક તો માત્ર આ જ શારીરિક શ્રમ. એ પછી આખો દિવસ જાતજાતનાં કાર્યોમાં ગળાડૂબ-છેક રાતના દસ વાગ્યા સુધી. દેશ-પરદેશની દોડાદોડ જુદી.

હું જો માત્ર સ્વામીજીના શેરડીના ગ્લાસ પર જ કૉન્સન્ટ્રેટ કરું અને એમની બાકીની દિનચર્યાને અવગણું તો આગામી પચાસ દિવસમાં મારી બ્લડ શ્યુગર એટલી વધી જાય કે કિડની સહિતનાં મારાં શરીરનાં અંગો સાવ નકામાં બનતાં જાય. કદાચ મારું જયશ્રીકૃષ્ણ થઈ જાય.

મલ્ટી થેરપીમાં મને વર્ષોથી વિશ્વાસ છે. હોમિયોપથીની દવાઓ અમુક બાબતોમાં મારા માટે અક્સીર પુરવાર થઈ છે. કુદરતી ઉપચારો ડૉ.ભમગરાને કારણે ફાયદાકારક પુરવાર થયા જ છે. કોરોના સમયે નવસારીના મારા આર્કિટેક્ટ મિત્ર સ્વ. મહાદેવભાઈ દેસાઈએ બે વખત આયુર્વેદની દવાના ડોઝ કુરિયરમાં મોકલ્યા.

ઉપચારપદ્ધતિ વાસ્તવમાં જીવન પદ્ધતિ છે. જીવન ક્યારેય એકાંગી ન હોઈ શકે – મલ્ટીફેસિટેડ હોવું જોઈએ. કોઈ એમ કહેતું હોય કે જીવનમાં દરેક ભોજનમાં માત્ર કાચાં શાકભાજી, કાચા સલાડ, કાચા ફણગાવેલા કઠોળ – બધું જ કાચું કાચું ખાવું જોઈએ તો આપણે એવું કહેનારા-કરનારાઓનો સંપૂર્ણ આદર કરીને એમની વાત નકારવી જોઈએ. ભોજનમાં કાચા સલાડ કે કાચા સ્પ્રાઉન્ટ્સને જરૂર સ્થાન હોવું જોઈએ પણ કાચા આહારનો અતિરેક ન હોય. અતિરેક કોઈ પણ વાતનો ન હોય. બધાં જ દર્દ માત્ર એક્યુપંક્ચરથી જ ઠીક થઈ જશે કે હોમિયોપથી દ્વારા જ ઠીક થઈ જશે એવું કોઈ કહે તો તે પણ હું ન માનું. આયુર્વેદ અને નેચરોપથીમાં હન્ડ્રેડ પર્સન્ટ શ્રદ્ધા હોવા છતાં મારે મારા દાંતની ટ્રીટમેન્ટ માટે એલોપથીનું ભણેલા અને એલોપથીનો જ અનુભવ ધરાવનારા કોઈ સારા ડેન્ટિસ્ટ પાસે જ જવું પડે. કાલ ઉઠીને ન કરે નારાયણ અને રસ્તો ક્રોસ કરતાં મને અકસ્માત થઈ ગયો અને હાથબાથ કપાઈ ગયો તો હું આયુર્વેદનો કે નેચરોપથીનો ઉપચાર કરીશ કે તાબડતોબ હૉસ્પિટલમાં દાખલ થઈને મારો હાથ પાછો સંધાઈ જાય એ માટેનો ઇલાજ કરીશ? હવે તો મારું શ્યુગર ફૂલ કન્ટ્રોલમાં છે પણ ધારો કે યોગગ્રામ આવતાં પહેલાં આવા કોઈ અકસ્માતને કારણે ઑપરેશન કરતાં પહેલાં ડૉક્ટરો લોહી ગંઠાઈ જવામાં પ્રૉબ્લેમ ન આવે, જલ્દી રૂઝ આવી જાય તે માટે મારું બ્લડ શ્યુગર કન્ટ્રોલ કરવા માટે દવાના હેવી ડોઝીસ આપે તો શું હું અનાડીની જેમ ના પાડવાનો છું?

મલ્ટી થેરપીમાં મને વર્ષોથી વિશ્વાસ છે. હોમિયોપથીની દવાઓ અમુક બાબતોમાં મારા માટે અક્સીર પુરવાર થઈ છે. કુદરતી ઉપચારો ડૉ.ભમગરાને કારણે ફાયદાકારક પુરવાર થયા જ છે. કોરોના સમયે નવસારીના મારા આર્કિટેક્ટ મિત્ર સ્વ. મહાદેવભાઈ દેસાઈએ બે વખત આયુર્વેદની દવાના ડોઝ કુરિયરમાં મોકલ્યા. સ્વામી રામદેવની ‘કોરોનિલ’ પણ આ બજારમાં મળતી થઈ. બે વર્ષ દરમ્યાન આયુર્વેદની આ ઔષધિઓએ પણ કોવિડ સામે લડવામાં મારા શરીરને અડીખમ રાખ્યું હતું. સુરતનિવાસનાં વર્ષોમાં ઝેરી (ફાલ્સીપેરમ) મેલેરિયા દર વર્ષે થતો અને એલોપથીની ‘લારિયાગો’ ટેબ્લેટ્સનો આઠ દિવસનો કોર્સ કરીને સાજો થઈ જતો. દરેક પ્રકારની થેરપીઓનો અનુભવ છે એટલે જ મલ્ટી થેરપી અપનાવવી જોઈએ એવી વાત વિશ્વાસપૂર્વક કરી શકાય છે.

મને ફ્રૂટ્સમાં સંતરાં બહુ ભાવે. શ્યુગરનો પ્રોબ્લેમ હોય તો ખવાય કે નહીં? જેટલાને પૂછીએ તે સૌ અલગ અલગ જવાબ આપે. અમુક નિષ્ણાતો કહે કે ચોક્કસ ખવાય, અમુક ધરાર ના પાડે. તો હવે મારે શું કરવું? સંતરું લઈ જઈને કોઈ લેબોરેટરીમાં પહોંચીને તપાસ કરાવું કે એમાં શ્યુગર કન્ટેન્ટ કેટલી હોય છે કે પછી જે કંઈ વાંચ્યું. જાણ્યું છે એના પર ભરોસો રાખીને નક્કી કરું કે મારે સંતરું ખાવું કે નહીં?

બેસ્ટ એ છે કે મારે સંતરું ખાઈને જોવાનું – અઠવાડિયું પંદર દિવસ – બીજો બધો આહાર નૉર્મલ હોવો જોઈએ. પછી જોવાનું કે શ્યુગર વધે છે કે યથાવત રહે છે. વધી જાય તો બંધ, ન વધે તો ચાલુ રાખો. સિમ્પલ.
આવું જ બીજી ઘણી બાબતમાં. ફ્રૂટ્સની જ વાત કરીએ તો પાઇનેપલ, ચેરી, સ્ટ્રૉબેરી જેવાં ફળ ખાવાથી શ્યુગર વધે કે ઘટે? આવું બધું પૂછવાને બદલે જાતે જ મારા પર પ્રયોગ કરીને નક્કી કરી લેવાનો છું. જેઓ સલાહ આપનારા નિષ્ણાતો છે તેઓ પોતાના જ્ઞાન-અનુભવને કારણે સાચી જ સલાહ આપતા હશે પણ એ એમનું જનરલ ઑબ્ઝર્વેશન હોવાનું. મારી પ્રકૃતિમાં વાત-પિત્ત-કફનું પ્રમાણ કેટલું છે અને ક્યારે એમાં વધઘટ થાય છે એ બધાને થોડી ખબર હોય? મને પોતાને પણ ખબર ન હોય. માટે જ મારે નક્કી કરવાનું હોય કે મને કયું ફ્રુટ કે કયો ખોરાક માફક આવે છે અને કયા પ્રકારનો ખોરાક મારા માટે હાનિકારક છે, શું ખાવાનું મારે ઓછું કરી નાખવું જોઈએ કે સદંતર બંધ કરી દેવું જોઈએ.

કોઈ પોતાના જીવનમાં જે કંઈ કરે તે તમને આદર્શ લાગે તો પણ એ બાબતમાં તમારાથી આંધળુકિયાં ન થાય. એમના સમગ્ર જીવનને અનુરૂપ હોય એવી લાઇફસ્ટાઇલમાંનો એક નાનકડો કિસ્સો ટાંકીને આપણે બીજાઓને કે આપણી જાતને ગેરમાર્ગે ન દોરીએ. પહેલવાનો રોજનું દસ લીટર દૂધ પી જાય કે બે વાટકા ભરીને ઘી પી જાય તો તમારે મનોમન એમને વંદન કરી લેવાનાં પણ એમનું અનુકરણ નહીં કરવાનું.

ચિંતન આ બાબતનું કરવાનું હોય. શ્રદ્ધા અને ધીરજ રાખ્યા પછી પણ જો આવું ચિંતન નહીં હોય તો તમારી ઉપચાર પદ્ધતિ ગમે એટલી ઉત્તમ હશે, તમે એનો પૂરેપૂરો લાભ નહીં લઈ શકો.

ઉપચાર પદ્ધતિની બાબતમાં જ નહીં, જીવનનાં તમામ પાસાંની બાબતમાં આવું ચિંતન કરવાની અને એ ચિંતનના પરિપાકને જીવનમાં અમલમાં મૂકવાની તૈયારી કરવી જોઈએ. બીજાએ જે રીતે સફળતા મેળવી તે રીતે તમે સફળ થવા માગતા હશો તો કદાચ ઊંધે માથે પટકાઓ એવું પણ બને. બીજાઓ શું કરે છે તેનું નિરીક્ષણ કરીએ પણ છેવટે પોતાના માટે શું સાચું છે, શું યોગ્ય છે તે નક્કી કરીએ. તબિયતની બાબતમાં તો ખાસ.

બુદ્ધ ભગવાનને એમના શિષ્ય આનંદે પૂછ્યું હતું કે, ‘ભગવન્, આપ જ્યારે આ દુનિયામાં નહીં હો ત્યારે અમને કોણ માર્ગદર્શન આપશે?’

ભગવાન બુદ્ધે જવાબ આપ્યો હતોઃ ‘અપ્પ દીપો ભવઃ’

તારો દીવો તું જ થા. અર્થાત્ તું જ તારી જાતને પ્રકાશમાન કર, બીજાઓ પર આધાર નહીં રાખવાનો. આ જિંદગી તારી છે, તું જ એના માટે સંપૂર્ણપણે જવાબદાર છે, તું જ એના માટે પૂરેપૂરી નિષ્ઠાથી કામ કરી શકીશ, તારા જેવી નિષ્ઠા બીજું કોઈ તારા માટે લાવી નહીં શકે.

ઉપચારો માટે બીજાઓને જરૂર સાંભળીએ, વાંચીએ પણ છેવટે તો આપણે જ આપણા ડૉક્ટર છીએ. આપણા વૈદ્યરાજ, આપણા ઉપચારક આપણે પોતે જ છીએ.

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

•••
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

11 COMMENTS

  1. સૌરભ ભાઈ તમે યોગશ્રમ વળી લેખમાળા અધવચ્ચે કેમ બંધ કરી દીધી ?
    પ્લીઝ તે પૂર્ણ કરો .. આશા રાખું છું કે તમે ૫૦ દિવસ પૂર્ણ કરેલ લેખમાળા અહી પોસ્ટ કરશો ..
    આભાર

  2. સૌરભભાઈ, હવે તમારી યોગ ગ્રામ ની series પાછી ક્યારે શુરૂ કરો છો?બહુજ મજા આવતી હતી અને ઘણું જાણવાનું પણ મળતું હતું.

  3. એકદમ સાચી વાત છે. સૌએ પોતપોતાના ગજા અને તાસીર પ્રમાણે વર્તવું જોઈએ.
    લેખનશૈલી એટલી સરળ છે કે વાંચતાં હોઈએ એવું નહીં પણ સામે બેસીને ચર્ચા કરતા હોઈએ કે સાંભળતા હોઈએ એવું લાગે.

  4. સુંદર લેખ
    બહુવિધ ચિકિત્સા પધ્ધતિ ની વાત અને દરેકની તાસીર અલગ તદ્દન
    સાચી વાત

  5. In one book I read that maturity comes after 50. Also in a book, “Ageless body Timeless mind” Deepak Chopra mentions data of persons beyond 100. Major from them were having diseases between 50-60. Then they learn the healthy way and lived long

    Nice articles and reflection
    Keep it up
    Thank you

  6. One of the best articles. Particularly I liked the part about doing experiment and finding out the truth about your own self.

    Also I liked about doing contemplation; and wearing a clean glass to see the reality. With coloured glasses one will definitely see the world full of colours.

  7. સુંદર લેખ.
    ઉંમર પ્રમાણે હું પણ senior citizen છું પણ એના કોઇ લાભ લેવાનું હજુ પસંદ નથી.

  8. Another master stroke of From you Saurabh bhai….
    Tamej Tamara Doctor..,,,
    Vaat to ekdum Sachi.
    Wonderful explanation of Chintan..,. 👏👏👏

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here