પોતાના જ વ્યવસાયની કાળી બાજુ પ્રગટ કરીને સમગ્ર સમાજ પર ઉપકાર કર્યોઃ સૌરભ શાહ

(તડકભડકઃ ‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, રવિવાર, 15 મે 2022)

તમે જે ક્ષેત્રમાંથી આજીવિકા રળતા હો તે ક્ષેત્રની ઉજળી બાજુઓ તો સૌ કોઈને ખબર હોય છે પણ તમારા વ્યવસાય-ધંધાની કાળી બાજુને તમે પોતે જ સૌથી વધારે ઓળખી શકો છો. તમારા વર્ષોના અનુભવોને કારણે તમને ખબર હોય છે કે તમારા ફિલ્ડમાં કોણ, કેવી, ક્યારે, કેટલી ગોબાચારી કરીને દામ અને નામ કમાય છે. તમે પોતે આવી રીતરસમ ન અપનાવતા હો પણ જેઓ નઠારા છે એમને કારણે તમારો વ્યવસાય, તમારું ક્ષેત્ર બદનામ થતું હોય ત્યારે તમારી ફરજ બની જાય છે કે તમારા જાતભાઈઓમાં જે કેટલાક કમજાતભાઈઓ ઘૂસી ગયા હોય એમનાં કાળાં કામો કરવાની રીતરસમ ઉઘાડી પાડીને સમાજને જાગૃત કરો.

અનેક વ્યક્તિઓએ આવું કામ કર્યું છે – ગુજરાતમાં, દેશમાં, વિદેશમાં. અનેક ક્ષેત્રોમાં આવું કામ થયું છે – ધર્મ, રાજનીતિ, મેડિકલ, લીગલ, મીડિયા, વિવિધ પ્રકારના બિઝનેસ વગેરેમાં.

આવું જ કામ જેઓ ત્રણ દાયકાથી કરી રહ્યા છે એમનું નામ છે જ્હૉન ગ્રિશમ. 1981માં અમેરિકાની યુનિવર્સિટી ઑફ મિસિસિપી સ્કૂલ ઑફ લૉમાં ભણીને કાયદાના સ્નાતક થયા. એક દાયકા સુધી ક્રિમિનલ લૉયર તરીકે પ્રેક્ટિસ કરી. પિતા કન્સ્ટ્રક્શન સાઇટ પર અને કપાસના ખેતરોમાં મજૂરી કરતા. ગ્રિશમે પોતે પણ કિશોરાવસ્થામાં મજૂરી કરી, સેલ્સક્લાર્ક જેવી નોકરીઓ કરી. કાયદાનું ભણીને તેઓ કરવેરાને લગતા વકીલ બનવા માગતા હતા પણ એ બધી જંજાળ છોડીને ક્રિમિનલ લૉયર બની ગયા.

વકીલ તરીકે પ્રેક્ટિસ કરતાં કરતાં એમને એક કેસની વિગતો જાણવા મળી. બાર વર્ષની છોકરી પર બળાત્કાર થયો અને એને ઢોરમાર મારવામાં આવ્યો. આ કેસની વિગતો જાણીને જ્હોન ગ્રિશમે 1984માં લખવાનું શરૂ કર્યું. ત્રણ વર્ષમાં નવલકથા પૂરી કરી- ‘અ ટાઇમ ટુ કિલ’. 28 પ્રકાશકોએ રિજેક્ટ કરી. છેવટે 1988માં એક પ્રકાશકે માત્ર 5,000 નકલ છાપવાની શરતે પ્રગટ કરી. (ગુજરાતીમાં આટલી નકલ છપાય તો પુસ્તકને બેસ્ટસેલર ગણવામાં આવે!).

પ્રથમ નવલકથા પૂરી કરીને તરત જ ગ્રિશમે બીજી નવલકથા લખવાનું શરૂ કરી દીધું- ‘ધ ફર્મ’. 1991માં ‘ધ ફર્મ’ પ્રગટ થઈ અને 47 અઠવાડિયાં સુધી ન્યુ યૉર્ક ટાઇમ્સના બેસ્ટ સેલર લિસ્ટમાં રહી. જ્હૉન ગ્રિશમે વકીલાત છોડીને નવલકથાકાર તરીકે આજીવિકા મેળવવાનું નક્કી કર્યું. એમણે પોતાની એક ખાસિયત પકડી રાખી. લીગલ થ્રિલર. કાયદા વિષયક નવલકથાઓ જ લખવાની. એમની નવલકથાઓમાં ન્યાયતંત્ર, ન્યાયાધીશ, વકીલ-વગેરેઓ દ્વારા ચાલતી અટપટી ગેરરીતિઓને સામાન્ય વાચક સમજી શકે તે રીતે ખુલ્લી પાડવામાં આવે. આવા વિલનોની સામે ન્યાયતંત્રમાં સારું કામ કરનારા ન્યાયાધીશ, વકીલ વગેરે જેવા હીરો પણ હોય, જેઓ પોતાનાં સુખસગવડના ભોગે પીડિતને ન્યાય અપાવવા માગતા હોય. ન્યાયતંત્રને ભ્રષ્ટ બનાવવાની કોશિશ કરતા મેડિકલ એસોસિયેશનો, બિઝનેસમેનો, દવાઉત્પાદકો તથા હથિયાર ઉત્પાદકોની સોફિસ્ટિકેટેડ ગોબાચારીને જ્હૉન ગ્રિશમ પોતાની નૉવેલોમાં ખૂબ જ રોમાંચક રીતે ઉઘાડી પાડતા હોય છે.

જ્હૉન ગ્રિશમની નવલકથાઓ વાંચીને તમને અમેરિકાના ન્યાયતંત્રમાં રહેલાં મસમોટાં ગાબડાં દેખાઈ જાય. આપણે ઘણી વખત આપણા દેશની ન્યાયવ્યવસ્થાની ટીકા કરતા હોઈએ છીએ પણ અમેરિકાની જ્યુડિશ્યરી સિસ્ટમ બહારથી દેખાય છે એટલી રૂપાળી નથી

1991માં ‘ધ ફર્મ’ પ્રગટ થયા પછી 1992માં ‘ધ પેલિકન બ્રીફ’ અને 1993માં ‘ધ ક્લાયન્ટ’ આવી. એ પછી ‘ધ ચૅમ્બર’ (1994), ‘ધ રેઇનમેકર’ (1995) અને ‘રનઅવે જ્યુરી (1996) પ્રગટ થઈ. જ્હૉન ગ્રિશમનું નામ ટોચના સમકાલીન બેસ્ટ સેલિંગ નવલકથાકારોમાં ગણાતું થયું.

1995-96ના ગાળામાં જ્હૉન ગ્રિશમ વિશે એક નાનકડો પીસ ક્યાંક લખ્યો ત્યારે ખબર નહીં કે આગામી વર્ષોમાં આ રાઇટર એટલો શ્રીમંત થઈ જશે જે મિલિયન્સ ઑફ ડૉલર્સની નિયમિત ચૅરિટી કરશે.

જ્હૉન ગ્રિશમની નવલકથાઓ વાંચીને તમને અમેરિકાના ન્યાયતંત્રમાં રહેલાં મસમોટાં ગાબડાં દેખાઈ જાય. આપણે ઘણી વખત આપણા દેશની ન્યાયવ્યવસ્થાની ટીકા કરતા હોઈએ છીએ પણ અમેરિકાની જ્યુડિશ્યરી સિસ્ટમ બહારથી દેખાય છે એટલી રૂપાળી નથી. અમેરિકન ન્યાયતંત્રનો કદરૂપો ચહેરો જ્હોન ગ્રિશમ પોતાની નવલકથાઓમાં બેધડક બનીને પ્રગટ કરે છે.

એક નાનકડો દાખલો આપું. મે મહિનાના અંતમાં ગ્રિશમની એક નવી નવલકથા પ્રગટ થવાની છે જેનું સૅમ્પલનું ચેપ્ટર મને એમના પ્રકાશક દ્વારા ઇમેઇલ પર વાંચવા મળ્યું અને મેં એ એક્સાઇટિંગ પ્લૉટવાળી નવલકથાનું આગોતરું બુકિંગ કરાવી લીધું. પછી મને ગ્રિશમની હજુ સુધી ન વાંચેલી નવલકથાઓમાંથી કોઈ એક વાંચવાનું મન થયું અને મેં કિન્ડલ પર ‘ધ અપીલ’ નામની એમની નવલકથા ડાઉનલોડ કરી.

અમેરિકામાં જ્યુરી સિસ્ટમ ચાલે છે. ભારતમાં પણ બ્રિટિશરાજના વખતમાં જ્યુરી સિસ્ટમ ચાલતી. આમ જનતામાંથી પસંદ થયેલા બાર જણની જ્યુરી નક્કી કરે કે ફરિયાદી પક્ષ સાચો છે કે બચાવ પક્ષ. આઝાદ ભારતમાં હવે જ્યુરી સિસ્ટમ નથી.

અમેરિકામાં રાજ્યની સુપ્રીમ કોર્ટ (આપણે ત્યાં જેને હાઇ કોર્ટ કહીએ છીએ તે)માં નવ (9) જજની બૅન્ચ હોય. પ્રથમ ટર્મમાં તેઓનું સિલેક્શન થઈને નિમણૂક થાય અને તે પછી એમણે ચૂંટણી લડીને પોતાની ટર્મ રિન્યુ કરાવવાની હોય. આ ચૂંટણીમાં રાજ્યના નૉર્મલ મતદારો વોટ આપે.

આવી ચૂંટણીમાં લાખો ડૉલરનો પ્રચાર-ખર્ચ કરીને મોટી મોટી મલ્ટીનૅશનલો તેમ જ વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ધરાવતાં મેડિકલ એસોસિયેશનો વગેરે કેવી રીતે પોતાને અનુકૂળ આવે એવી વ્યક્તિને નવ બૅન્ચવાળી સુપ્રીમ કોર્ટમાં જજ બનાવી દેતા હોય છે એની વાત જ્હૉન ગ્રિશમે ‘ધ અપીલ’માં લખી છે. આવી ચૂંટણી પૈસાથી લડાતી હોય છે. ચૂંટણીને કારણે વગદાર લોકો ન્યાયતંત્રને પોતાનું કહ્યાગરું બનાવી દેતા હોય છે. અમેરિકામાં અમુક વર્ગની માગણી છે કે આ ભ્રષ્ટાચાર રોકવા માટે સરકારે રેપ્યુટેડ અને તટસ્થ માણસોની કમિટી બનાવીને જજસાહેબોની નિમણુક કરવી જોઈએ.

ભારતમાં જજોની નિમણુક થાય છે, ચૂંટણી નથી થતી. આમ છતાં ભારતીય ન્યાયતંત્રમાં (ભલે અમેરિકા જેટલી નહીં પણ નાનીમોટી અનેક) ગોબાચારીઓ થતી તો આપણે સૌએ જોઈ જ છે. આતંકવાદીઓને ‘ન્યાય’ અપાવવા સુપ્રીમ કોર્ટનાં બારણાં મધરાતે બે વાગ્યે ખોલવામાં આવતાં હતાં તેના આપણે સાક્ષી છીએ.

‘ધ અપીલ’માં જે રીતે ન્યાયાધીશની ચૂંટણીને મેનિપ્યુલેટ કરવામાં આવે છે તે જાણીને તમને આઘાત લાગે. પણ તેનો ઉપાય ચૂંટણીને બદલે નિમણુક કરવાનો નથી. નિમણુક કરનારા તેમ જ નિમણુક પામનારા બધા કંઈ દૂધે ધોયેલા નથી હોતા.

ન્યાયતંત્રમાં જ નહીં, કોઈ પણ ક્ષેત્રમાં તમે ગમે તેટલી જડબેસલાક સિસ્ટમો ગોઠવશો તો પણ એમાંથી છીંડાં શોધીને એ છટકબારીઓનો લાભ લેનારાઓ નીકળવાના જ છે. જ્યાં સુધી કોઈ પણ દેશનું ચારિત્ર્ય ન બદલાય ત્યાં સુધી એ દેશના પ્રજાજનોમાં આવાં છીડાં શોધનારાઓ અનેક રહેવાના. જે ઘડીએ પ્રજામાંથી જ ઉપર આવેલા શાસકો પોતાની નિષ્ઠા, પ્રામાણિકતા, રાષ્ટ્રવફાદારી જેવાં ગુણો થકી ભ્રષ્ટ સિસ્ટમોને સુધારવાનું અને પ્રજાને દેશપ્રેમી બનાવવાનું અભિયાન નથી આદરતા ત્યાં સુધી એ દેશ અંદરથી ખોખલો જ રહે છે. અને જેવું આ અભિયાન શરૂ થાય કે તરત દેશનું ચારિત્ર્ય બદલાવા માંડે છે, આખી દુનિયામાં એ દેશના નેતાઓનો અને દેશની પ્રજાનો પ્રભાવ વધતો જાય છે.

જ્હૉન ગ્રિશમ અત્યારે 67 વર્ષના છે. કરોડો રૂપિયાના માલિક છે. લખી લખીને કમાયા છે. એમની એક નૉન-ફિક્શન ‘ધ ઇનોસન્ટ મૅન’ પણ વાંચવા જેવી છે. ત્રણ ડઝન નવલકથાઓ સહિત જ્હૉન ગ્રિશમનાં પચાસ જેટલાં પુસ્તકો પ્રગટ થઈ ગયાં હોવા છતાં હજુ પણ તેઓ લેખનમાં પૂરેપૂરી શિસ્ત જાળવીને જીવન જીવે છે. દર વર્ષે પહેલી જાન્યુઆરીએ નવી નવલકથા લખવાનું શરૂ કરે. અચૂક. છ મહિનામાં નવલકથા પૂરી કરવાનો ટાર્ગેટ હોય. 1લી જુલાઈ સુધીમાં આખી નવલકથા લખાઈ ગઈ હોય. મોટાભાગનું લેખન જાન્યુઆરી-ફેબ્રુઆરી-માર્ચ દરમ્યાન થઈ જાય. અઠવાડિયામાં પાંચ દિવસ લખે છે – સોમથી શુક્ર. સવારે સાત વાગ્યે ઑફિસમાં પહોંચીને લખવાનું શરૂ કરી દે. (ઑફિસ એટલે ટિપિકલ ઑફિસ નહીં પણ પોતાના ઘરનો જ એક ભાગ હોય એવી બાજુના મકાનની જગ્યા). ઑફિસમાં વર્ષોથી એક જ જગ્યાએ બેસવાનું એનું એ જ કૉમ્પ્યુટર વાપરવાનું. ઑફિસમાં ફોન નહીં, ઇન્ટરનેટ નહીં, મ્યુઝિક નહીં – કોઈ પ્રકારની દખલગીરી નહીં. કૉફી પણ એ જ, બધું એનું એ જ. રોજ ચાર-પાંચ કલાક લેખન ચાલે. બપોરે બાર વાગ્યે રોજનું કામ પૂરું થાય. સવારના 7થી 10 સુધીના ત્રણ કલાકમાં ઉત્તમ લેખન થાય. સારા દિવસોમાં બે હજાર શબ્દો લખાય. ધીમા દિવસોમાં એક હજાર શબ્દો લખાય. પણ ધીમા દિવસો ઓછા હોય. કારણ કે નવલકથા શરૂ થાય તે વખતે બરાબર નકશો તૈયાર હોય કે વાર્તાપ્રવાહ ક્યાંથી ક્યાં જવાનો છે. નવલકથાના છેલ્લા પ્રકરણનો છેલ્લો સીન કયો લખવાનો છે તે નક્કી ન થાય ત્યાં સુધી પ્રથમ પ્રકરણનો પ્રથમ સીન નહીં લખવાનો એવો નિયમ રાખ્યો છે. વચ્ચેનાં તમામ પ્રકરણોની આઉટલાઇન પણ તૈયાર રાખવાની. નવો આઇડિયા આવે એટલે ધડાધડ લખવાનું શરૂ કરી દેતા રાઇટરો આગળ જતાં વચ્ચે એવા અટવાઇ જતા હોય છે કે પછી એમની મહેનત માથે પડે એવું જ્હૉન ગ્રિશમ કહે છે.

કરોડો રૂપિયા કમાઈ લીધા પછી પણ એમનું જીવન શિસ્તબદ્ધ છે. શિસ્તને કારણે જ તેઓ આટલું બધું લખી શક્યા અને લાખો લોકોના પ્રિય લેખક બની શક્યા. એમણે લખેલી નવલકથાઓની અને એમનાં અન્ય પુસ્તકોની કુલ મળીને 30 કરોડ નકલ દુનિયાભરમાં વેચાઈ છે. જેમની પ્રથમ આવૃત્તિની વીસ લાખ નકલ પહેલે જ ધડાકે વેચાઈ હોય એવા ત્રણ જ લેખકો છે – ટૉમ ક્લેન્સી, જે. કે. રોલિંગ અને જ્હૉન ગ્રિશમ.

વકીલનું ભણ્યા પછી, વકીલાત કર્યા પછી, એ જ વ્યવસાયની વિવિધ પ્રકારની અનિયમિતતાઓને દુનિયા સુધી પહોંચાડીને જ્હૉન ગ્રિશમે એમના વાચકોનું મનોરંજન તો કર્યું જ છે, અમેરિકાના ન્યાયતંત્ર પર પણ ઘણો મોટો ઉપકાર કર્યો છે.

પાન બનાર્સવાલા

ચાર વર્ષ લાંબો કેસ લડતાં લડતાં પૈસેટકે ખુવાર થઈ ગયેલા એક જમાનામાં ખાધીપીધે સુખી એવા વકીલદંપતિએ હવે તદ્દન મામુલી ઘરમાં રહેવા આવી જવું પડ્યું હતું. જોકે, જૂના ઘરનું બધું જ ભવ્ય રાચરચીલું તેઓ સાથે લઈ આવ્યા હતા- એ જોઈને એમને પોતાનો ભૂતકાળ યાદ આવી જતો અને સાથોસાથ ભવિષ્ય માટેની આશા પણ જાગતી હતી.

—જ્હૉન ગ્રિશમ (‘ધ અપીલ’માં)

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

•••
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

6 COMMENTS

  1. Thank you for this article.. John Grisham is my fav author.. I started with reading the runaway jury and was spellbound by this novel and then i started reading all novels by him. Love his style and subjects and the way all novels are different.

  2. અદ્ભુત જાણકારી મળી.વર્ષોથી એટલે જ તમને વાંચવાની એકસરખી મજા આવે છે.હકીકત તો એ છે તમે તમારા તમામ વાંચકોનું નોલેજ તો આપી જ છો સાથે ધીરે ધીરે એમની ઉત્તમ વાંચનની રુચી પણ કેળવો છો.આ મારો તો જાત અનુભવ છે.આપને અને આપની કલમને વંદન 🙏🙏♥️

  3. અંગ્રેજી લેખકો વિશે ગુજરાતીમાં ખુબ ઓછું લખાય છે ત્યારે આપે એક પ્રતિષ્ઠિત લેખક વિશે ખુબ સરસ માહિતી આપી….. ખુબ ખુબ આભાર

  4. John grisham મારા પણ પ્રિય લેખક છે પણ mostly એમની નવલકથા ઉપર થી બનેલી ફિલ્મો જોઈ છે.
    The client
    The firm
    Pelican brief.
    એક લેખક ના અંતરમાં માં ડોકિયું કરીને અમને બતાવવા બદલ ખુબ આભાર સૌરભ ભાઈ 🙏

  5. The basic principle of life: Any profession, any business: First and foremost the fact is – One has to be honest to himself first without greed, fear and/or biased mind then and then only he will be honest to his field to work with honesty, integrity which is lacking and lagging in most of the persons..The benchmark has gone down drastically and the big shot wealthy lawyers are the classic examples who will appear for any criminal and fight for undue justice only and only for hefty fees or to appease their political mentors

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here