વૉટ્સઍપ પર ફરતી બધી કવિતાઓ ગુલઝારસા’બની હોય છે?

ગુડ મૉર્નિંગ – સૌરભ શાહ

( મુંબઇ સમાચાર : શુક્રવાર, 22 માર્ચ 2019)

ગુલઝારસા’બનાં ગીતોના નસરીન મુન્ની કબીર દ્વારા થઈ રહેલા અનુવાદની વાત કરતાં કરતાં નસરીન એમને પૂછે છે: નેટ પર, ખાસ કરીને યુ ટ્યુબ પર તમારાં ગીતોના ભળતા ભળતા અનુવાદો જોવા મળે છે. એ વાંચીને તમને ત્રાસ નથી થતો?

ગુલઝારસા’બ ઉદારતાથી કહે છે: કરવા દો ને. આપણું શું જાય છે એમાં? મારી પાસે એવો ફાજલ સમય નથી કે હું મારાં ગીતોના અનુવાદ કરવા બેસું. તો દરેક જણ પોતપોતાની સમજ પ્રમાણે અનુવાદ કરે તો ભલે કરે.

અને હવે નસરીન એક એવો મુદ્દો ઉખેળે છે જેનાથી આ લખનાર પોતે પણ વ્યથિત છે અને પર્સનલ વૉટ્સઍપ ગ્રુપમાં જ્યારે જ્યારે એ વાત આવી છે ત્યારે ગુલઝારસા’બના પગાર વિનાના ચોકીદાર તરીકે એમની ક્રિએટિવિટીનું રક્ષણ કરવાની યથાશક્તિ ફરજ બજાવી છે.

નસરીન મુન્ની કબીર પૂછે છે: ઘણા લોકો નેટ પર, ફેસબુક પર પોતાની કવિતાને તમારા નામે ચડાવીને વાયરલ કરતા હોય છે, ખરું ને?

ગુલઝાર: ફેસબુક પર જ નહીં, વૉટ્સઍપ પર પણ. ચિક્કાર ફેક કવિતા તમને જોવા મળશે. ઘણી વખત તો આવી ફેક કવિતા લોકો મને ફૉરવર્ડ કરતા હોય છે. એક મિત્ર તો જ્યારે જ્યારે આવી ફેક કવિતા ક્યાંક વાંચે કે તરત મને ફૉરવર્ડ કરીને અભિનંદન આપતા હોય છે. કેટલાક મિત્રોને નેટ પર બ્રાઉઝિંગ કરતી વખતે આવાં ફેક કાવ્યો દેખાય તો તરત મને ઈમેલ કરતા હોય છે. આવી 90 ટકા કવિતા મારી હોતી જ નથી. મને બહુ દુ:ખ થતું હોય છે લોકો આવું કરે છે ત્યારે. મારી કવિતામાંથી થોડાક શબ્દો ઉઠાવીને એની આસપાસ પોતાની કવિતા વણી લે જેને હું કવિતા કહેવાને લાયક પણ ગણતો નથી એટલી ખરાબ રીતે એ લખાયેલી હોય છે. મારી માત્ર એટલી જ વિનંતી છે કે પ્લીઝ એ કવિતાની નીચે તમે તમારું પોતાનું નામ લખો અને મારા પર તફડંચીકારનું લેબલ ન લાગવા દો! મારો મિત્ર સલિમ અરીફ, મારા નામનું ફેસબુક પેજ ચલાવે છે જેમાં મારી ઓરિજિનલ કવિતા પોસ્ટ થાય છે, રોજની એક એક. એ પેજ માટે એ કહે છે: ડોન્ટ ગો બાય ધ લુક, ગો બાય ધ બુક! સલીમ માને છે કે મારા નામે ફેક કવિતા લખતા લોકોએ મારી કવિતા વિશે માત્ર સાંભળ્યું હોય છે, ક્યારેય વાંચી નથી હોતી. પણ જો એમણે મારી કવિતા વાંચી જ ન હોય તો એ કવિતાના શબ્દો કે કોઈ પંક્તિ એમને ક્યાંથી મળ્યાં? એ લોકોએ કહેવું જોઈએ કે આ પર્ટિક્યુલર પંક્તિ (કે શબ્દ સમૂહ) એમને કોની કવિતામાંથી મળ્યાં છે. એને બદલે તેઓ આખીને આખી કચરો કવિતાને મારા નામે ઠઠાડી દેતા હોય છે. એક દિવસ બે છોકરીઓ મારા બંગલાના ઝાંપે આવીને એક કવિતા અને કેક ચોકીદારને આપતી ગયેલી. કેક એટલા માટે કે મારી એક કવિતાએ વૉટ્સઍપ પર વાઈરલ થઈને એક વર્ષ પૂરું કર્યું પણ એ કવિતા મારી હતી જ નહીં! મેં એ કવિતા પવન ઝાને મોકલી. પવન પણ મારા એક ફેસબુક પેજના તથા મારી વેબસાઈટ ગુલઝારઑનલાઈન ડૉટ કૉમના ઍડમિન છે. હવે જ્યારે આવી કોઈ ફેક કવિતા એના હાથમાં આવે છે ત્યારે એ નીચે ઉમેરે છે: ‘એનબીજી’, નૉટ બાય ગુલઝાર. બાય ધ વે, પવને પેલી બે છોકરીઓ જે કવિતા મૂકી ગયેલી એને ફેસબુક પર (‘એનબીજી’ કરીને) પોસ્ટ કરી ત્યારે એક લેડીએ મારો સંપર્ક કરીને મને કહ્યું કે ‘આ કવિતા તો મેં લખેલી છે પણ ગુલઝારના નામે પ્રચલિત થઈ છે. આને કારણે લોકો માનવા તૈયાર નથી કે એ સર્જન મારું છે.’ પવને એને પૂછ્યું કે: તો પછી તમે ખોંખારો ખાઈને જાહેરમાં કહેતા કેમ નથી?

પેલાં બહેન કહે: ‘ઈન્ટરનેટ પર લોકો બહુ એગ્રેસિવ બનીને રિએક્ટ કરતા હોય છે. ઉપરાંત, આ કવિતા નહીં નહીં તોય સો વખત એક જણે બીજાને ફૉરવર્ડ કરી હશે. હું શું કરી શકું?’

નસરીન: કમ્યુનિકેશનના આ નવા માધ્યમને કારણે ઘણી બધી ઈન્ટલેક્ચ્યુઅલ ડિસઑનેસ્ટી પણ ઘૂસી ગઈ છે. તમારા મૌલિક સર્જનનું એમાં અપમાન થતું હોય એવું લાગે.

ગુલઝાર: કોઈ શરમ જેવું રહ્યું જ નથી. કોઈકને જો કવિ બનવું જ હોય તો એણે એકડે એકથી શરૂઆત કરીને પોતાની કવિતા લખવાની હોય, ભલે ને એ ગમે એટલી ખરાબ હોય, પણ એ પોતાની હોવી જોઈએ. બીજાની કૉપી શું કામ કરો છો? બીજાને ડિસ્ક્રેડિટ શું કામ કરો છો? કવિતામાં હું જે સાદી સરળ ભાષા વાપરું છું એટલે લોકોને લાગે છે કે આવું તો કોઈ પણ લખી શકે. તો લખો ને. કોણ રોકે છે તમને. પણ તમારું પોતાનું લખો, તમારા નામે લખો.

નસરીન: તમારી સિમ્પલ લૅન્ગવેજ હકીકતમાં સિમ્પલ નથી હોતી (એમાં ઘણી બધી અર્થછટાઓ છુપાયેલી હોય છે) અને એ વાત મને ટ્રાન્સલેશન કરતી વખતે સમજાઈ. મુદ્દો એ છે કે તમારા સર્જનમાં તમારો એક આગવો અવાજ, તમારો અનોખો મિજાજ જે પ્રગટ થાય છે એ નથી જોતા આવા લોકો. કોઈ પોતાની રીતે તુકબંદી કરીને ગઝલ લખી નાખે અને નીચે ગાલિબનું નામ મૂકી દે એવું ઘણા લોકો કરતા હોય છે. તમારા જેવી વ્યક્તિ આવું સ્વપ્નેય ન વિચારે.

ગુલઝાર: હું કોઈ ભંગાર ગઝલ લખીને નીચે ગાલિબનું નામ લખી દઉં અને લોકો જો એનાં વખાણ કરે તો એનો મતલબ એ થયો કે એમણે ગાલિબને વાંચ્યા જ નથી. એ જ રીતે તેઓ મારા નામે ફરતી ફેક કવિતા વાંચીને વિચારે કે એ ખરેખર મારી છે તો એનો અર્થ એ થયો કે એમને ખબર જ નથી કે હું શું લખી ગયો છું, કેવું લખી ગયો છું. મેં એક વખત કવિતામાં એક પંક્તિ લખી હતી: ‘આદતેં ભી અજીબ હોતી હૈં’ અને કોઈકે એના પરથી ઉઠાંતરી કરીને પોતાની કવિતા બનાવી: ‘ઔરતેં ભી અજીબ હોતી હૈં.’

નસરીન: ભયંકર.

ગુલઝાર: બિલકુલ.

નસરીન: આ પરિસ્થિતિ ઈરિટેટિંગ છે અને કેટલેક અંશે અન્ક્ધટ્રોલેબલ છે. આપણે નવો મુદ્દો લઈએ. તમે માનો છો કે દરેક કવિતાનું અર્થઘટન કોઈપણ વ્યક્તિ પોતાની રીતે કરી શકે, ખરું.

ગુલઝાર: એમ જ હોવું જોઈએ ને. નહીં તો પછી કવિતા લાંબા સમય સુધી જીવશે કેવી રીતે, તાજી કેવી રીતે રહેશે? ગાલિબની ગઝલોનો જો એક જ અર્થ નીકળતો હોત તો વિદ્વાનો અને પંડિતો આજે દોઢસો વર્ષ પછી પણ ગાલિબ વિશે નવી નવી રિસર્ચ ક્યાંથી લાવતા હોત? શેક્સપિયરનો દાખલો લો. એનાં નાટકો, સૉનેટ આજે 400 વર્ષ પછી પણ વિશ્ર્વભરના હજારો સ્કૉલર્સને આકર્ષે છે. કવિતા પાસાદાર હીરા જેવી છે. અલગ અલગ ઍન્ગલથી એને જુઓ, દરેક વખતે તમને અલગ રંગ, અલગ આકાર નજરે પડશે. એક મઝાની વાત કરું. ડૉ. બશીર બદ્ર ઉર્દૂના માસ્ટર શાયર. એમણે પોતે એક વખત આ વાત કહેલી. કૉલેજમાં ભણતા હતા ત્યારે પરીક્ષામાં એક પેપરમાં એમની પોતાની જ કવિતાનું અર્થઘટન પૂછાયું. પેપર તપાસનાર અધ્યાપકે એમને બોલાવીને કહ્યું: ‘આ પંક્તિનો આવો અર્થ નથી થતો, તમારું અર્થઘટન ગલત છે.’ બશીર બદ્ર કહે: ‘સર, મેં જ એ પંક્તિઓ લખી છે.’ પરીક્ષક: ‘ના, પણ એનો અર્થ આવો ન થાય, આવો થાય…’ બદ્રસા’બે પોતે લખેલા શેરનું એમનું પોતાનું અર્થઘટન સ્વીકારવા પરીક્ષક તૈયાર નહોતા. શું થાય આવું?

આજની વાતને વિરામ આપતાં પહેલાં નસરીન મુન્ની કબીરે પૂછેલા સવાલનો ગુલઝારે આપેલો (લા)જવાબ જોઈએ. પૂછે છે: ‘હિંદી ફિલ્મ મ્યુઝિકના ખજાનામાંથી કોઈ એક મોતી તમારે ઉપાડવાનું હોય તો તમે કયું ગીત પસંદ કરો?’

તરત જ ગુલઝારસા’બ કહે છે: સાહિર લુધિયાનવીએ લખેલું: ‘મન રે તૂ કાહે ના ધીર ધરે…’ કેદાર શર્માએ 1964માં બનાવેલી ફિલ્મ ‘ચિત્રલેખા’માં આ ગીત હતું. કેદાર શર્માએ આ જ નામની ફિલ્મ 1941માં મહેતાબ અને નંદ્રેકરને લઈને બનાવેલી અને એમણે પોતાની જ ફિલ્મની રિમેક કરી હતી. રોશને કંપોઝ કરેલું, મોહમદ રફીએ બ્રિલિયન્ટલી ગાયેલું આ પરફેક્ટ ગીતનું પરફેક્ટ એકઝામ્પલ છે. આ ગીતને હું બહુ જ ઊંચા આસને બિરાજમાન કરું છું. એના શબ્દો સાહજિક રીતે વહ્યા કરે છે, ક્યાંય ઉપદેશ આપવાની કે શિખામણ આપવાની વાત નથી.

ગુલઝારસા’બને કદાચ ખબર નહીં હોય પણ જાવેદ અખ્તરે એક વખત આ જ ગીતને પોતાનું ફેવરિટ ગીત ગણાવ્યું હતું. ગ્રેટ માઈન્ડ્સ થિન્ક અલાઈક (હવે કહેતા નહીં કે મારું પણ આ ફેવરિટ ગીત છે. બાય ધ વે, મારું તો છે જ!).

મન રે તૂ કાહે ના ધીર ધરે
વો નિર્મોહી મોહ ન જાને, જિનકા મોહ કરે
ઈસ જીવન કી ચઢતીઢલતી ધૂપ કો કિસ ને બાંધા
રંગ પે કિસ ને પહરે ડાલે, રૂપ કો કિસ ને બાંધા
કાહે યે જતન કરે, મન રે…
ઉતના હી ઉપકાર સમઝ કોઈ જિતના સાથ નિભા દે
જનમ-મરન કા મેલ હૈ સપના, યે સપના બિસરા દે
કોઈ ન સંગ મરે,
મન રે તૂ કાહે ના ધીર ધરે,
વો નિર્મોહી મોહ ન જાને, જિનકા મોહ કરે,
મન રે તૂ કાહે ના ધીર ધીરે…

આજનો વિચાર

મિલતી હોગી કિસી કી નાક ઈન્દિરા સે!
મોદીજી સે તો હમારા દિલ મિલતા હૈ.

– વૉટ્સઍપ પર વાંચેલું.

એક મિનિટ:

પકો: ચોકીદાર કોને કહેવાય, બકા?

બકો: જે શ્રીમતી વાડ્રાને જિન્સને બદલે સાડી પહેરવા મજબૂર કરે, મિનરલ વૉટરને બદલે ગંગાજળ પીવા મજબૂર કરે અને ચર્ચને બદલે હનુમાનજીના મંદિરે જવા માટે મજબૂર કરે એને ચોકીદાર કહેવાય, પકા, સમજ્યો!

1 COMMENT

  1. Simply Superb. બોસ શું સીરીઝ કરી છે. આફરીન સૌરભભાઈ. બાકીના એપીસોડમાં પણ આવી જ મજા આવશે એવો ભરોસો વરસોથી તમને વાંચું છું એટલે છે જ. Thanks

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here