બસ, બે જ ભૂલ સુધારવાની છેઃ સૌરભ શાહ

( લાઉડ માઉથ : ‘સંદેશ’, ‘અર્ધસાપ્તાહિક’ પૂર્તિ, ભાદરવા સુદ બીજ, વિક્રમ સંવત ૨૦૭૭. બુધવાર, 8 સપ્ટેમ્બર 2021)

કાં તો આપણે જે ક્ષેત્રમાં કે જે વિષયમાં પારંગત હોઈએ એમાં ખૂંપી જઈને આજુબાજુનું બધું જ ભૂલી જતા હોઈએ છીએ. કાં પછી આ પણ કરીએ, તે પણ કરીએ, અહીં ધ્યાન આપીએ, તેને સાચવીએ એવું કરવામાં ખરેખર જીવનમાં જે કરવાનું હોય એ બાજુએ મૂકાઈ જાય છે.

જરા વિગતે સમજવાની કોશિશ કરીએ.

તમે (કે પછી તમારું સંતાન) કોઈ એક ક્ષેત્રમાં નિપૂણતા મેળવવા માગતા હશો કે ઑલરેડી એ ક્ષેત્રના એક્સપર્ટ થઈ ચૂક્યા હશો તો તમને લાગતું હશે કે આ પૂરતું છે. ક્રિકેટમાં સચિન તેન્ડુલકર જેવી કે પછી સંતૂરવાદનમાં શિવકુમાર શર્મા જેવી મહારત હાંસિલ કરવી એ કંઈ ખાવાના ખેલ છે? જો તમે તમારા શોખને કે તમારી પૅશનને આ કે આવા સેંકડો-હજારો મહાનુભાવોના લેવલના પ્રોફેશનલિઝમમાં ઢાળી શક્યા હો તો એ ખરેખર મોટી વાત છે. હવે આનાથી વધારે તમારે કંઈ કરવાનું રહેતું નથી એવું તમને લાગવા માંડે છે. કારણ કે આ ફિલ્ડના જ નહીં, તમારા ક્ષેત્રની બહારના લોકો પણ તમને માનની નજરે જોવા લાગે છે. તમે તમારી કલા કે તમારા કસબ માટે વધુને વધુ ખ્યાતિ પામતા જાઓ છો. અને આવું માત્ર કળાના ક્ષેત્રમાં જ નથી બનતું – તમે ડૉક્ટર, વકીલ કે એન્જિનિયર હો કે પછી શિક્ષક કે ખેડૂત હો કે પછી ફેક્ટરી ચલાવતા હો, વેપાર કરતા હો કે અન્ય કોઈ પણ પ્રોફેશનમાં હો. દરેકે દરેક વ્યવસાયનાં અમુક સ્ટાન્ડર્ડ હોય છે અને વ્યવસાયનાં એ ધોરણોને તમે સર્વોચ્ચ શિખરે લઈ જાઓ તો લોકો તમને માનપાન આપવાનાં જ છે.

તે વખતે આપણને લાગવા માંડે છે કે અર્જુનને જેમ માત્ર પંખીની આંખ દેખાતી હતી એવી આપણી એકાગ્રતાનું આ પરિણામ છે. વાત સાચી છે. નિશાન તાકતી વખતે અર્જુનને પંખીની આંખ જ દેખાવી જોઈએ. પણ અર્જુને જીવનમાં ચોવીસે કલાક ધનુષ્ય-બાણ લઈને નિશાન તાક્યા કરવાનું નથી હોતું. એણે હસ્તિનાપુરના વહીવટમાં પણ ભાગ લેવાનો હોય છે, એણે યુદ્ધને લગતી વિવિધ વ્યૂહરચનાઓ પણ ઘડવાની-સમજવાની હોય છે અને ક્યારેક ભગવાન શ્રીકૃષ્ણ પાસેથી જીવનને લગતી ગહન વાતોનેય સમજવાની હોય છે. ક્યારેક આ શૂરવીર યોદ્ધો નૃત્યકલામાં પણ પારંગત બને છે જે કળા એને ગુપ્તવાસમાં બૃહનલ્લા બનીને પોતાની અસલી ઓળખ છુપાવવામાં કામ લાગે છે.

સચિન તેન્ડુલકર માત્ર ક્રિકેટ રમવામાં જ નિપુણતા મેળવીને સંતોષ પામતો નથી. એને ખબર છે કે પોતાની આ પૅશન અને મહેનત એને વન મૅન ઇન્ડસ્ટ્રી બનાવી શકે છે. જાહેરખબરોના કૉન્ટ્રાક્ટથી માંડીને પબ્લિક અપિયરન્સીસ સુધીની સેંકડો પળોજણથી એ દૂર ભાગતો નથી. એની આંખ સામે સતત ક્રિકેટનું મેદાન હોતું નથી. ક્રિકેટ રમવા માટે જરૂરી એવી તમામ કસરતો, કોચિંગ અને ખોરાક વગેરે પર હન્ડ્રેડ પર્સેન્ટ ધ્યાન કેન્દ્રિત કર્યા પછી એ બીજી અનેક આનુષંગિક બાબતોમાં ઇન્વોલ્વ થાય છે અને ત્યારે તે મહાન સિદ્ધિઓને વરે છે.

શિવકુમાર શર્માએ સંતુરવાદન અને પોતાના રિયાઝમાં તો ગળાડૂબ ખૂંપી જવાનું જ છે પણ સાથોસાથ રેકૉર્ડિંગ સ્ટુડિયો સાથે, કૉન્સર્ટના ઑર્ગેનાઇઝરો સાથે, પોતાના પૈસા ઇન્વેસ્ટ કરતા પોર્ટફોલિયો મૅનેજમેન્ટવાળાઓ સાથે, સીએ સાથે તેમ જ પોતાના અંગત જીવનના ઉત્કર્ષ માટે જરૂરી એવી બીજી ડઝનબંધ બાબતો સાથે ડીલ કરવાનું હોય છે. હું તો માત્ર જાણીતો સંતુરવાદક છું અને એ સિવાયની કોઈ પણ દુન્યવી/ભૌતિક બાબતોમાં હું ધ્યાન આપવા જઈશ તો મારા ધ્યેયમાં ખલેલ પહોંચશે એવું તેઓ વિચારતા હોત તો જિંદગીના નવમા દાયકામાં તેઓ અત્યારે જે ઉચ્ચ શિખર પર બિરાજમાન છે તેના કરતાં ઘણા નાના શિખર પર આવીને આટકી ગયા હોત.

‘સર્વાંગી’ શબ્દ આપણે સાંભળ્યો છે. સર્વ અંગથી એટલે કે બધી બાજુએથી જીવનનો વિકાસ થવો જોઈએ. એક ડૉક્ટરે કે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટે કે ફેક્ટરીના માલિકે કે શિક્ષકે પોતપોતાના ક્ષેત્રની તમામ બારીકીઓ સમજીને, એમાં પોતાની મૌલિકતા ઉમેરીને એ ક્ષેત્રના ટોચ પર પહોંચવાનું જ છે. એટલું જ નહીં એ ક્ષેત્ર ઉપરાંતની બાબતો પર જરૂરી કે અનિવાર્ય હોય એટલું ધ્યાન આપીને, એટલો સમય કે એટલી શક્તિ ખર્ચીને પોતાની સિદ્ધિનાં મૂળિયાં વધુ ઊંડાં ઉતારવાનાં છે, પોતાની શાખાઓ-ડાળનો પ્રસ્તાર વધુ ફેલાવાનો છે.

અમિતાભ બચ્ચન માત્ર પોતાના અભિનયના જોરે ટોચ પર નથી, લતા મંગેશકર માત્ર પોતાના અવાજના જોરે ટોચ પર નથી. કે પછી સ્વામી રામદેવ, સદગુરુ જગ્ગી વાસુદેવ કે એવા બીજા કેટલાય મહાનુભાવોના દાખલા તમે લો. આ સૌ પોતપોતાની કળા, પોતાના હુન્નર કે પછી પોતાની આવડત દ્વારા અને ભગવાનના આશીર્વાદથી જે સિદ્ધિઓ પ્રાપ્ત કરી શક્યા છે એમાં એમની આવડત કે પોતાના ક્ષેત્રને લગતી નિપૂણતાનો જ માત્ર ફાળો નથી. બીજી ડઝનબંધ વાતો એમાં ઉમેરાય છે ત્યારે એમને નેત્રદીપક સફળતા મળે છે.

પોતાનાથી સુપિરિયર કે સિનિયર હોય એમની સાથે કેવી રીતે વર્તવું, પોતાના સમકાલીનો, જુનિયરો, હરીફો તેમજ ઇર્ષ્યા કરીને પછાડવા માગતા લોકો સાથે કેવો વ્યવહાર રાખવો એ પણ એમને આવડતું હોય છે. પોતાની તબિયત સાચવતાં, પોતાની નાણાકીય બાબતોનું ફાઇનાન્શિયલ મૅનેજમેન્ટ કરતાં અને પોતાની માનસિક શાંતિ અક્ષુણ્ણ રાખતાં પણ તેઓ શીખી ગયા હોય છે. પોતાની રોજબરોજની જરૂરિયાતો સારામાં સારી રીતે સંતોષવામાં અને ક્યારેય એ વિખેરાઈ ન જાય એ માટેની સિસ્ટમો કેવી રીતે ગોઠવવી એમાં પણ એમની હથોટી હોય છે. કોને પોતાની સૌથી નજીક રાખવા કોને આસપાસ રાખવા, કોને સલામત અંતરે રાખવા અને કોને સાવ દૂર રાખવા એનો અંદાજ પણ એમણે ટ્રાયલ ઍન્ડ ઍરર કરીને મેળવી લીધો હોય છે. રૂટિન જાળવવા માટે અનિવાર્ય હોય એવાં કામની, જેમાં પોતાની કદાચ આવડત ન હોય અથવા પોતાની એ મનગમતી પ્રવૃત્તિ ન હોય એવાં કામની જવાબદારીઓ કોને સોંપવી અને સોંપ્યા પછી પોતાનો ઓછામાં ઓછો સમય વપરાય એ રીતે એના પર દેખરેખ રાખવી એની આવડત પણ એમનામાં હોવાની.

આ બધું કામ એમના માટે પળોજણરૂપ નથી હોતું. હું તો યોગી છું, હું તો ગાયક છું કે હું તો ફિલસૂફ છું કે અભિનેતા છું અને મારે ક્યાં આ બધી લપ્પનછપ્પનમાં પડવાનું એવી ભાવના એમનામાં નથી હોતી. તેઓ જાણે છે કે જેમ સવારે ઊઠીને દંતમંજનથી માંડીને સ્નાનાદિ વિધિઓ કરવી જીવન માટે જરૂરી છે અને જેમ નિયમિત આહાર-નિદ્રા વગેરે અનિવાર્ય છે એવું જ આ બધી બાબતોનું છે.

આપણે જે ક્ષેત્રના નિષ્ણાત હોઈએ અથવા જે ફિલ્ડમાં આગળ વધવા માગતા હોઈએ, નિપૂણતા મેળવવા માગતા હોઈએ તે ક્ષેત્ર ઉપરાંત પણ જીવનનાં કેટલાંક પાસાં એવાં છે જેને તમે નિગ્લેક્ટ ન કરી શકો આવી સમજ જેમનામાં છે તેઓ આગળ જઈને વન મૅન ઈન્ડસ્ટ્રી તરીકે પોંખાય છે – બચ્ચનજીએ આ બિરુદ છેક 80ના દાયકામાં મેળવી લીધેલું. તેન્ડુલકર, લતાજી વગેરે સૌ કોઈ પોતપોતાની રીતે વન મૅન ઈન્ડસ્ટ્રી છે કારણ કે આ સૌએ એક ઉદ્યોગપતિ પોતાના ઉદ્યોગગૃહનાં અનેક ડિપાર્ટમેન્ટ્સનું જે કુશળતાથી સંચાલન કરે તે રીતે પોતાના જીવનનું આયોજન કર્યું હોય છે.

આ એક ભૂલ થતી હોય તો સુધારી લેવી. બીજી ભૂલ એ થતી હોય છે આપણી કે જીવનની બાકીની બાબતોને ગોઠવવામાં અને સાચવવામાં આપણે એટલા ખૂંપી જઈએ છીએ કે જે ક્ષેત્રમાં આગળ વધવું છે એના માટે પછી સમય-શક્તિ બચતાં જ નથી. લોકોને સાચવવામાં, સમાજમાં અગ્રણી દેખાવામાં, સિસ્ટમો ઊભી કરવામાં અને પૈસા કમાવવામાં આપણે ખર્ચાઈ જઈએ છીએ, આપણી પૅશનની ધાર કાઢીને એને સર્વોચ્ચ શિખરે પહોંચાડવાનું આપણે ભૂલી જઈએ છીએ.

બસ, આ બે ભૂલ કરવામાંથી બચી જઈએ તો આપણને ટોચ પર પહોંચતાં કોઈ રોકી શકવાનું નથી. પણ એ પહેલાં જાતને ટ્રાન્સફૉર્મ કરવી પડશે. આપણું પોતાનું જ નવું વર્ઝન (2.0) બનાવવું પડશે!

સાયલન્સ પ્લીઝ

કેટલી ચીજો સમય લઈ જાય છે,
પણ ખબર કોને અને ક્યારે પડે?

સામે કાંઠે હોય છે વાંછિત બધું,
પણ નદી તરવી બહુ ભારે પડે.

-હેમેન શાહ

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને આર્થિક સપોર્ટ આપો : સૌરભ શાહ

પ્રિય વાચક,

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના કે જાહેરખબરોની આવક વિના ચાલતું કોઈનીય સાડીબારી ન રાખતું એક વિશ્વસનીય ડિજિટલ મિડિયા છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનોનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા સ્વતંત્ર પ્લેટફૉર્મની આજે સખત જરૂર છે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મી એવા પત્રકાર સૌરભ શાહ દ્વારા થઈ રહી છે. પૈસાની અપેક્ષા તમારે પૂરી કરવાની છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here