જે ટકે છે તે તમારું સૌજન્યભર્યું અને સત્ત્વશીલ સર્જન-કર્મ જ ટકે છે : સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ એક્‌સક્લુઝિવ, ભાદરવા સુદ ચોથ, વિક્રમ સંવત ૨૦૭૭. શુક્રવાર, ૧૦ સપ્ટેમ્બર ૨૦૨૧ )

ખાનદાની માણસો આ ચાર કામ નથી કરતાઃ પોતાની નિંદા, પોતાની પ્રશંસા, બીજાઓની નિંદા અને બીજાઓની ખુશામત.

મહાભારતના સભાપર્વના એક શ્લોકમાં આ વાત વેદ વ્યાસ લખી ગયા. આ મહાન ગ્રંથના પાનેપાને તમને આવા વિચારરત્નો જડી આવશે જેને સદીઓ વીતતાં સુભાષિત અથવા તો ક્વોટેબલ ક્વોટનો દરજ્જો પ્રાપ્ત થયો હોય.

પરનિંદા તો ન જ કરીએ, આત્મનિંદાથી પણ દૂર રહીએ. બીજાઓની આગળ કે પછી મનોમન પોતાની જાતને કોસવાની નહીં કે અરેરે મેં જિંદગીમાં આ કર્યું તે ખોટું કર્યું, પેલું કહ્યું તે ખોટું થયું. ભૂલ થઈ હોય તો તે સ્વીકારીને આગળ વધી જવાનું અને ભવિષ્યમાં કાળજી રાખવાની. પણ જાતને કોસ્યા કરવાથી ભવિષ્યમાં એવી ભૂલનું પુનરાવર્તન નહીં થાય એવું માનવું નહીં.

પોતે કેટલા નિખાલસ છીએ એવો દેખાડો કરવા બીજાઓ સમક્ષ તો કદીય આત્મનિંદા કરવી નહીં કે મારામાં તો આ કમી છે અને આ ખોટ છે. એટલું જ નહીં પરનિંદા અને બીજાઓની ભાટાઈ કરવાથી પણ દૂર રહેવું. ઘણા લોકો એવા ભ્રમમાં હોય છે કે તમારે જો બીજા પાસેથી કંઈક જોઈતું હોય કે કોઈ કામ કઢાવવું હોય તો એની પ્રશંસા કરવી. કોઈએ જોડી કાઢ્યું કે ‘ખુશામત તો ખુદાને પણ પ્યારી હોય છે’. કોણે કહ્યું કે ભગવાન તમારી પ્રશંસાના ભૂખ્યા છે. એ તો અંતર્યામી છે. તરત જાણી જશે કે તમે કોઈ સ્વાર્થને લીધે એમનાં વખાણ કરો છો કે પછી જેન્યુઇન ભાવથી એમને ભજો છો.

ખુશામતખોરોને ખબર નથી હોતી કે એમની જબાનની મીઠાશમાં ઘોળાયેલું ઝેર સામેની વ્યક્તિ તરત જ પારખી જતી હોય છે. ગમે તે કારણોસર એ તમારું કામ કરી પણ આપશે કે તમને જોઈતું આપી પણ દેશે તોય મનોમન તો એ પામી જ જશે કે તમે એની ચમચાગીરી કરી છે. આવા ચમચાઓ જિંદગીમાં આગળને આગળ વધતા જતા દેખાય તો પણ લોકોને ખબર હોય છે કે તેઓ ઉકરડાના ડુંગર પર ઊંચે ચડી રહ્યા છે —એવરેસ્ટ, કાંચનજંઘા, ગિરનાર કે પાવાગઢનું આરોહણ નથી કરી રહ્યા.

મહાભારત જેવા કોઈ પણ મહાન ગ્રંથનાં ત્રણ મુખ્ય પાસાં હોવાનાં. એક તો એમાં રહેલા પ્રસંગો. પાત્રો ક્યારે શું કરે છે અને પરિસ્થિતિનો હલ કેવી રીતે કાઢે છે એ શીખવાનું હોય. સમતા, ધીરજ, ચતુરાઈ ઇત્યાદિ ગુણો ધરાવતાં વિવિધ પાત્રો તમને જીવનની અનેક પરિસ્થિતિઓ સાથે પનારો કેવી રીતે પાડવો એ શીખવે છે.

બીજું શીખવાનું આવાં સુભાષિતો દ્વારા. રચનાકાર સંવાદોમાં કે ક્યારેક પોતાના કથનમાં જીવનમાં ડગલે ને પગલે ઉપયોગી થાય એવાં વિધાનો મૂકતા હોય છે.

અને ત્રીજી વાત જે સૌથી ઊંચી છે તે આવા ગ્રંથોમાં સમાયેલી તત્ત્વજ્ઞાન, અધ્યાત્મ અને જીવનના અભૌતિક પાસાની ઉન્નતિ માટેની વાતો.

આ ત્રણેયનો પ્રમાણસર સંગમ થયો હોય એવાં ગ્રંથોનું મૂલ્ય ચિરકાલીન હોય છે – ચાહે એ રામાયણ-મહાભારત હોય કે પછી ગુજરાતી સહિત વિશ્વની વિવિધ ભાષાઓમાં લખાતાં જીવનકથા, નવલકથા કે પછી સંસ્મરણકથા ઇત્યાદિ પ્રકારનાં પુસ્તકો.

આગળ વધીએ.

સભાપર્વમાં જ આગળ વધતાં બીજી એક વાત આવે છે. આ શ્લોકમાં રચનાકાર કહે છે કે વાણી દ્વારા કોઈનાય મર્મસ્થળ પર ઘા ન કરીએ. નિંદાત્મક વાણી બોલવાની હીન પ્રવૃત્તિ કરીને કોઈના પર હાવી થઈ જવાની રમત છોડીએ. નરકમાં જવું પડે એવી ઉદ્વેગકારી વાણી બોલવાથી દૂર રહીએ.

કેટલાક લોકોને વ્યંગાત્મક વાણીબાણ છોડવામાં પિશાચી આનંદ પ્રાપ્ત થતો હોય છે. એમને સાંભળનારને પણ આવી વાણી સાંભળીને ગલગલિયાં થતાં હોય છે. તમને જે વ્યક્તિઓ ન ગમતી હોય એવી વ્યક્તિઓ વિશે જાત જાતની કમેન્ટ કરનારી વ્યક્તિને સાંભળીને કે વાંચીને તમે જો મઝા માણતા હો તો ચેતી જજો. આવા પ્રવચનકારો કે કટારલેખકો કે સોશ્યલ મીડિયામાં ખૂબ એક્ટિવ હોય એવા લોકો જ્યારે બીજાઓ વિશે હલકી વાણીમાં બોલે છે ત્યારે કેટલાક અબૂધો એમને તાળીઓથી વધાવી લેતા હોય છે. ભલે. પણ તમારે તો સમજવું જોઈએ કે વાણીથી પુરુષાતનના દેખાડા કરનારાઓને એક જમાનામાં તમે હીરો ગણીને માથે ચડાવતા હતા એમની તથાકથિત બહાદુરીનું આજે ક્યાંય અસ્તિત્વ નથી. જે ટકે છે તે તમારું સૌજન્યભર્યું સત્ત્વશીલ સર્જન-કર્મ જ ટકતું હોય છે.

એક ઔર વાત સભાપર્વમાં કહેવામાં આવી છેઃ સત્પુરુષ હંમેશાં શિષ્ટ વ્યવહારની સીમાઓમાં રહે છે. ક્યારેય એ આ મર્યાદાનું ઉલ્લંઘન નથી કરતા. ગમે એટલી ઉશ્કેરણીજનક અને અકળાવનારી પરિસ્થિતિમાં પણ એમની વર્તણૂકમાંની શાલીનતા દૂર નહીં થાય. પોતાનો ગુસ્સો કે નારાજગી પણ તેઓ શિષ્ટ-સંસ્કારી રીતે જ વ્યક્ત કરશે. આવી ભદ્ર બીહેવિયરવાળી વ્યક્તિઓના સંસર્ગમાં રહેવું એક લહાવો હોય છે.

આરણ્યકપર્વમાં એક વાત લખી છે કે અનીતિથી કે અધર્મથી કે પછી જે કામો ન કરવાં જોઈએ તે કરીને માણસ આગળ વધતો હોય છે એ માની બેસે છે કે જીવનમાં ઉપર આવવા માટે આ જ માર્ગ છે. એટલે એ આગળપાછળ જોયા વિના એ જ માર્ગે આગળ વધતો જાય છે, પ્રતિસ્પર્ધીઓ કરતાં આગળ નીકળી જાય છે, શત્રુઓને મ્હાત કરતો જાય છે. પણ છેવટે એ જડમૂળથી ઉખડી જાય છે. એનો અંત અત્યંત કરુણ આવે છે.

મહાન ગ્રંથોમાં છુપાયેલાં આવાં મોતી જીવન માટે પથદર્શક બની જાય – જો એને સ્વીકારીને અમલમાં મૂકવાની સૂઝબૂઝ હોય તો. એક ખાસ વાતઃ આવી કોઈ પણ બાબતમાં તમારી પાસે નીરક્ષીર વિવેક હોય તે અત્યંત જરૂરી. જેમ આયુર્વેદનો કોઈ ઇલાજ તમારા રોગ માટે ઉપકારક હોય પણ બીજા કોઈને એ જ રોગ માટે એ જ ઇલાજ માફક ન પણ આવે કારણકે એની પ્રકૃતિ તમારા કરતાં જુદી હોય, એનું શારીરિક બંધારણ તમારા કરતાં અલગ હોય, એમ સદ્‌ગ્રંથોમાં લખેલી કે મહાપુરુષોએ કહેલી વાતો કયા સંદર્ભમાં કહેવાઈ છે તેનો સ્થળકાળ જાણીને તમારા જીવનમાં એ ઉપયોગી છે કે નહીં તે તમારે પોતે નક્કી કરવાનું. નીરક્ષીર વિવેક વિના સોના જેવી વાતો કથીર પુરવાર થઈ જતી હોય છે.

પાન બનાર્સવાલા

ડર અને સપનાં. જિંદગીનું ચાલકબળ આ બેમાંથી કોઈ પણ એક જ હોઈ શકે. કયું? તે તમારે નક્કી કરવાનું.

-અજ્ઞાત

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને આર્થિક સપોર્ટ આપો : સૌરભ શાહ

પ્રિય વાચક,

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના કે જાહેરખબરોની આવક વિના ચાલતું કોઈનીય સાડીબારી ન રાખતું એક વિશ્વસનીય ડિજિટલ મિડિયા છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનોનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા સ્વતંત્ર પ્લેટફૉર્મની આજે સખત જરૂર છે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મી એવા પત્રકાર સૌરભ શાહ દ્વારા થઈ રહી છે. પૈસાની અપેક્ષા તમારે પૂરી કરવાની છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here