( લાઉડમાઉથ: ‘સંદેશ’, ‘અર્ધસાપ્તાહિક’ પૂર્તિ, બુધવાર, ૧૯ એપ્રિલ ૨૦૨૩)
કેન્દ્ર અને રાજ્ય સરકારો બ્યુરોક્રેટ્સને મોટિવેટ કરવા માટે મોટિવેશનલ સ્પીકરનો ધંધો કરનારાઓને આમંત્રણ આપે છે. નાની મોટી કંપનીઓ અને સ્કુલ-કૉલેજો તથા સંસ્થાઓ મોટિવેશનલ સેમિનારો યોજીને ઉપદેશકોને , પ્રેરણાત્મક પ્રવચનકારોને, તથાકથિત ચિંતકો–કમ–મૅનેજમેન્ટ કન્સલ્ટન્ટોને બોલાવે છે. અનેક જાણીતા મોટિવેશનલ સ્પીકર્સ આ ક્ષેત્રમાં છે. લોકોને પ્રેરણાનાં પીયૂષ પીવડાવનારા અને ચિંતનનાં ચૂરણ ચટાડનારા કેટલાક અતિ વિખ્યાત મોટિવેશનલ સ્પીકર્સ કેવા હોય છે?
એક અંગ્રેજી સાપ્તાહિકે આવા એક મોટિવેશનલ સ્પીકરની પોલ ખોલતી સ્ટોરી પ્રગટ કરી હતી. એ અહેવાલ મુજબ એક નિવૃત્ત સરકારી અધિકારીએ પુરવાર કર્યું છે કે જાણીતા મોટિવેશનલ સ્પીકરે એક પુસ્તકમાંથી તફડંચી કરીને પાનાનાં પાનાં ભર્યાં છે. એમાં કુલ ૩૪ ઉતારા બેઠ્ઠાને બેઠ્ઠા લેવામાં આવ્યા છે.
સંશોધન જણાવે છે કે આ કૃત્ય પહેલી વારનું નથી. અગાઉ એક બેસ્ટ સેલર બની ગયેલા પુસ્તકનો ૭૩ ટકા હિસ્સો કિસ્સા-વાર્તાઓ તથા જોક્સથી ભરેલો હતો. એમાં જે ૮૨ કિસ્સા-દૃષ્ટાંત કથાઓ છે જે તમામ ક્યાંથી લેવામાં આવી છે, એનો મૂળ સ્રોત કયો છે, તેની કોઈ માહિતી આપવામાં આવી નથી. બાકીનાં ૯૦ અવતરણો – ક્વોટેશન્સ છે તથા ૧૩ કાવ્યો છે જેમાંનાં પાંચ કોનાં છે તેની કોઈ માહિતી અપાઈ નથી.
ઘણા તફડંચીકારો પોતે પોતાના લખેલા એકાદ વાક્યને પણ રજિસ્ટર્ડ ટ્રેડ માર્ક ગણાવવાની પૂરતી તકેદારી રાખે છે. એક બહુ જાણીતું વાક્ય છે: ‘લીડર ડઝ નૉટ ડુ ડિફરન્ટ થિંગ્સ, હી ડઝ થિંગ્સ ડિફરન્ટલી.’ પ્રથમ નજરે સ્માર્ટ સૂત્ર લાગે પરંતુ સમજવા જાઓ તો એમાં શબ્દચાતુર્ય સિવાય બીજું કશું હાથ ન આવે. આ પ્રકારની શબ્દલીલા અને શબ્દચતુરાઈઓ ગુજરાતીમાં પણ મોટે ભાગે થતી હોય છે.
કોઈ વાક્યને પોતાના નામે રજિસ્ટર્ડ કરાવીને અને પોતાનાં પુસ્તકો તથા પોતાની જાહેરાતો ઈત્યાદિમાં, જ્યાં જ્યાં આ વાક્ય વપરાય, ત્યાં ત્યાં તેઓ રજિસ્ટર્ડ ટ્રેડમાર્કનું (વર્તુળમાં લખેલા ‘આર’નું) ચિહ્ન અચૂક મૂકીને કેટલાક મોટિવેશનલ સ્પીકરો ઉઠાવગીર તરીકેની પોતાની ઇમેજને ધોઈ નાખવાની કોશિશ કરે છે. સારી વાત છે. પણ જે વાક્યમાં આવું ચિહ્ન ન હોય એ દુનિયાનાં તમામ સારાં વાક્યો કે દૃષ્ટાંતકથાઓ કે પ્રસંગ-ટુચકાઓ વગેરે રજિસ્ટર્ડ નથી એટલે શું પોતાના બાપનો માલ છે એમ ગણીને કોઈ વાપરવા માંડે તે ચાલે?
ફરિયાદ પછી મોટિવેશનલ સ્પીકર રૂપિયા પચ્ચીસ લાખ અદાલત બહારના સમાધાન પેટે આપવા તૈયાર હતા.
તમારી જિંદગી વિશે તમને સલાહ આપનારા ઉપદેશકો, ચિંતકો, પ્રવચનકારો, મોટિવેશનલ સ્પીકરો તથા સેમિનાર આયોજકોનો દુનિયામાં રાફડો ફાટ્યો છે, ભારત અને ગુજરાતમાં પણ. આમાંના નવ્વાણું ટકા લોકો પાસે મૌલિક ચિંતનના નામે મીંડું હોય છે. તેઓ ગામ આખાને પ્રેરણા આપવા નીકળી પડે છે અને જે જે પોતાની માર્કેટિંગ જાળમાં ફસાય એને ચિંતનના ડોઝ પીવડાવે છે. આમાંથી એમનું પોતાનું કશું જ નથી હોતું. દુનિયાના તેમ જ પોતાને જે ભાષા સમજાય તે ભાષામાં લખનારા મૌલિક ચિંતકોનું વાંચી વાંચીને, એને તોડી મરોડીને, તેઓ તફડાવે છે, ઉઠાવે છે. આ પ્રકારના લોકોમાં મૌલિકતા ત્યારે જ જોવા મળે જ્યારે તેઓ, સ્વ. હસમુખ ગાંધીની ભાષામાં કહીએ તો, અંગ્રેજીમાંથી ગુજરાતીમાં તરજૂમો કરતી વખતે ભૂલ કરે.
જેમની પાસે સ્વતંત્ર અને મૌલિક સર્જન કરવાની ક્ષમતા નથી હોતી તેઓ જ આવા ઊંધા ધંધાઓ કરતા રહે છે. સ્વ. નૌશાદ, સ્વ. જગજિત સિંહ, સ્વ. લતા મંગેશકર અને બીજા અનેક સંગીત મહારથીઓએ રિમિક્સ મ્યુઝિક વિશે વાત કરતાં આ જ વાત ભૂતકાળમાં કહી છે. જેમને મૌલિક સંગીતનું સર્જન કરતાં આવડતું નથી તેઓ બીજાઓએ બનાવેલી ધૂનોને મારી મચડીને રિમિક્સ કરે છે. અગાઉ બીજાઓનાં ગીતો માત્ર બૅન્ડવાજાંવાળાઓ વગાડતા અને પાર્ટી-ક્લબ – સમારંભોમાં વૉઈસ ઑફ લતા કે વૉઈસ ઑફ કિશોરના નામે નાનીમોટી ઑરકેસ્ટ્રાવાળાઓ ગાઈને પેટિયું રળી લેતા. તેઓને કોઈ સંગીતના આરાધક નથી ગણતું. એમાંની કોઈક વ્યક્તિ આગળ જતાં પ્લેબૅક સિંગર બની જતી તે એક સુપર અકસ્માત ગણાતો, કુમાર સાનુ જેવો. ફિલ્મોમાં ગાવા માટે કંઈ – ઑરકેસ્ટ્રામાં ગાવાની તાલીમ હોવી જરૂરી નથી.
પણ અત્યારે આવું ‘અનુ-સર્જન’ કરનારા રિમિક્સિયાઓ કળાકાર ગણાય છે. આમાં કળાકાર શબ્દનું અપમાન થાય છે. જોકે, કળાકાર શબ્દને ગુજરાતી પ્રજાએ ખૂબ સસ્તો બનાવી દીધો છે. છાપામાં હેડલાઈનો બને છે: ‘ગઠિયો કળા કરી ગયો’ અને કોઈ ઉત્સાદ ચાલાકી કરીને લોકોને ઠગતો હોય તો લોકો કહે: ‘એનો ભરોસો નહીં કરતા, એકદમ કળાકાર છે.’
તફડંચીકારોની માનસિકતા જબરી હોય છે. અહીંથી ત્યાંથી એઠું-જુઠું ઉપાડીને એમાં થોડો ગરમ મસાલો નાખી, ઉપર કોથમીર-કોપરું ભભરાવીને તમને પીરસે અને પછી કહે કે અમને પણ સર્જક ગણો, અમારા કૃત્ય પર ‘મૌલિકતા’નો છાપો મારીને અમને આદર આપો. તમે એવું કરવાની ના પાડો તો તેઓ દલીલ કરશે કે: આ દુનિયામાં કશું જ મૌલિક નથી, જે છે તે બધું જ અગાઉ વિચારાઈ/ બોલાઈ/ લખાઈ/ ભજવાઈ ગયેલું છે.
અગાઉ મરાઠી નાટકોમાં અને હવે તો ગુજરાતી નાટકોમાં પણ જેમ અનુવાદક કે રૂપાંતરકારોને ‘લેખક’નો દરજ્જો મળી જાય છે એમ રિમિક્સ આલ્બમોમાં જૂના જમાનાની ઝંકાર બીટ્સ ઉમેરવાનું કૃત્ય કરનારાઓ પણ હવે ‘સંગીતકાર’ તરીકે ઓળખાતા થઈ ગયા છે.
એક વેપારી મિત્ર વારંવાર લોકોને સલાહ આપતા કે ક્યારેય પાયોનિયર નહીં બનવાનું. તમે જે કંઈ નવું કરશો તેની તરત નકલ કરીને બીજાઓ કમાઈ લેશે. એના કરતાં બીજાઓ જે કંઈ નવું નવું કરે છે તેને ધ્યાનથી જોતા રહો અને ઝડપથી એની નકલ કરીને તમારો ધંધો વધારતા રહો.
આજની તારીખે દરેક ક્ષેત્રમાં એ વેપારી મિત્રની આ સલાહ અમલમાં મુકાઈ રહી હોય એવું લાગે છે. અમુક લોકો તો છાતી ઠોકીને કહેતા હોય છે કે: ‘કોઈ વાક્યને કે પુસ્તકના શીર્ષકને તમે તમારા ટ્રેડમાર્ક તરીકે પેટન્ટ ન કરાવો તો એના પર તમારો કોઈ કૉપીરાઈટ નથી રહેતો… અને અનેક સ્રોતમાંથી ઉછીનું લઈને તમે એક નવું પુસ્તક બનાવો તો એમાં ક્યાંય કૉપીરાઈટનો ભંગ નથી થતો…’
વેલ, જો આ દલીલ સાચી હોય તો કોઈ અમને કહેશે કે પોતાની તથાકથિત સચ્ચાઈને કોર્ટમાં પુરવાર કરવાને બદલે રૂપિયા પચ્ચીસ લાખમાં આઉટ ઑફ કોર્ટ સેટલમેન્ટ લોકો શા માટે કરે છે?
ઈન્ટરનેટના આવ્યા પછી તફડંચીનું કામ ઔર સહેલું થઈ ગયું છે. પુસ્તકો, લેખો, કૉલમો, પ્રવચનો વગેરે માટેની સામગ્રી તમને નેટ પરથી તૈયાર મળી જાય છે. સાચા અને મૌલિક સર્જકે આમાંની ઉપયોગી માહિતીની ચોકસાઈ કર્યા પછી તેનું પાચન કરીને પોતાની સર્જનશક્તિનું કૌવત વધારવાનું હોય. કમનસીબે, આપણે ત્યાં આ માહિતીને અને બીજાઓનાં મૌલિક સર્જનોને ચાવ્યા વિના ગળી જઈને, પચાવ્યા વિના તરત જ મોઢામાં બે આંગળી અંદર સુધી ખોસીને વમન કરી નાખવામાં આવે છે. મઝાની વાત એ છે કે કેટલાક વાચકોને એવું વાંચવાની પણ મઝા પડે છે.
સાયલન્સ પ્લીઝ
તમે પોતો તમારી જાતને જોવાની નજર બદલશો તો જ તમને જોવાની લોકોની દ્રષ્ટિ બદલાશે.
—અજ્ઞાત
• • •
તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો
ગમે તેટલા મોટીવેશનલ સ્પીકરો ને સાંભળો-સાભળવાથી શું થાય ? વ્યક્તિ ને સફળ બનાવવા માટે ઘણા અલગ અલગ પરિબળો નિમિત્ત બનતાં હોય છે.
આ સમય મા બધાને ઝડપ થી બધું મેળવવું છે, આવા સમયે નકલ કરવી સૌથી સહેલો રસ્તો છે.
એકદમ સાચી વાત.. આજ ના જમાનાની રિયાલિટી 👌👍
ખૂબ સરસ…. કડવી વાસ્તવિકતા….
એકદમ સાચી વાત છે. આજની કડવી વાસ્તવિકતા છે .