ગુરુદેવ કહે છે કે નસીબની અલ્પતા હોય ત્યારે પણ સાચા આચરણને શરણે જવું : સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ એક્સક્લુઝિવઃ ભાદરવા વદ એકમ, વિક્રમ સંવત ૨૦૭૭, મંગળવાર, ૨૧ સપ્ટેમ્બર ૨૦૨૧)

‘શૂન્યનું રૂપાંતરણ પૂર્ણમાં’ પુસ્તકમાં એક જગ્યાએ આચાર્ય ભગવંત વિજય રત્નસુંદર સૂરિ મહારાજ સાહેબ વાત તો રાજકારણ અને સત્તાની કરે છે પણ આ વાત સામાન્યજનોને પણ એટલી જ લાગુ પડે છે.

ગુરુદેવ કહે છેઃ
‘ભલે એમ કહેવાતું હોય કે સત્તા માણસને ભ્રષ્ટ કરે છે પણ હકીકત એ છે કે માણસની અંદર પડેલી ભ્રષ્ટતાને અને બેવફાઈને, નીચતાને અને નાલાયકતાને બહાર લાવવાનું કામ સત્તા કરે છે… હાથમાં તપેલી લઈને જતા માણસ સાથે તમે ભટકાઈ જાઓ ત્યારે એની તપેલીમાંથી એ જ વસ્તુ બહાર આવશે જે તપેલીમાં હોય છે. તપેલીમાં જો લીમડાનો રસ હોય તો દૂધપાક બહાર નથી આવતો અને તપેલીમાં જો દૂધપાક હોય તો લીમડાનો રસ બહાર નથી આવતો… વ્યક્તિના હાથમાં જ્યારે સત્તા હોય ત્યારે એની અંદર જે ધરબાયેલું પડ્યું હોય એ જ બહાર આવી જાય છે… આપણી અંદર કચરો હોય તો સત્તાના અભરખા કરવા જેવા નથી અને આપણી અંદર જો સામર્થ્ય અને શુદ્ધિ હોય તો સામે ચડીને આવતી સત્તાથી દૂર ભાગવાની કોઈ જરૂર નથી…’

આપણું મન એક ખાલી પાત્ર જેવું છે. એમાં કંઈ પણ ભરી શકાય. ગુરુદેવ કહે છેઃ ‘બાટલીમાં અત્તર પણ નાખી શકાય અને ગંગાજળ પણ ભરી શકાય. ગટરજળ પણ નાખી શકાય અને ઝેર પણ નાખી શકાય. મરચાં અને મેથી પણ નાખી શકાય તો કેસર અને બદામ પણ નાખી શકાય. બાટલીનું ગૌરવ વધી પણ શકે અને બાટલીનું ગૌરવ ખંડિત પણ થઈ શકે.’

તો પછી મનમાં શું નાખવું જે જિંદગીને ગૌરવપૂર્ણ બનાવી શકે? ગુરુદેવ કહે છે કે મન ખીચોખીચ રાખવાને બદલે એમાં થોડીક જગ્યા ખાલી રાખી મૂકવી જેથી એમાં ઉત્તમ આત્માઓ માટે, કલ્યાણ મિત્રો માટે, સત્કાર્યો અને સાધનાઓ માટે, સદ્‌વાચન અને સત્સંગ માટે જિંદગીમાં જગા રહે. ગુરુદેવ સમજાવે છે કે ઘડામાં ખાલી જગા જ ન હોય તો પાણી ભરી શી રીતે શકાય? પેનમાં ખાલી જગા જ ન હોય તો સ્યાહી ભરી શી રીતે શકાય?

અમારા જેવાઓને ગમી જાય એવું ઉદાહરણ આપીને ગુરુદેવ સમજાવે છેઃ ‘જે અભરાઈ પર રહેલાં પુસ્તકો વચ્ચે નવા એક પણ પુસ્તકના પ્રવેશની સંભાવના બની નથી હોતી એ અભરાઈ પોતાના ગૌરવને ગુમાવી બેસતી હોય છે તેમ જે જિંદગીમાં શુભ, સુંદર અને કલ્યાણના પ્રવેશની સંભાવના બચી નથી હોતી એ જિંદગી પણ પોતાનું ગૌરવ ગુમીવી બેસતી હોય છે.’

ગુરુદેવની વાત સો ટકા સાચી છે. જેમની પાસે પળભરનીય ફુરસદ નથી એવું લાગે એવા વડાપ્રધાનથી લઈને મોટી મોટી જવાબદારીઓ નિભાવતા સીઈઓ, બિઝનેસમેનો, પ્રોફેશનલ્સ કે કોઈ પણ કળાના સર્જકોને તમે ધ્યાનથી નિહાળજો. ખબર પડશે કે અચાનક આવી પડેલા કોઈ અગત્યના કામને પોતાના રૂટિનમાં સમાવી લેવા જેટલો અવકાશ એમના ટાઇટ શેડ્યુલવાળા રોજિંદા ટાઈમટેબલમાં હોય છે જ. આવું જ વિચારોનું છે. ગમે એટલા પ્રખર બુદ્ધિશાળીઓના મનમાં નવા વિચારોને આવકારવાનો અવકાશ હોવાનો જ. જેમના જીવનમાં ખૂબ બધા પરિચિતો, મિત્રો, ઓળખીતા પાળખીતાઓ, સંપર્કો અને આત્મિયજનો હોય એ પણ, જો પ્રબુદ્ધ જીવને મળવાનું હશે કે નવી નવી વ્યક્તિઓ પોતાના જીવનમાં પ્રવેશતી હશે તો આવકારશે, એટલી જગા એમના જીવનમાં હોવાની જ. કારણ કે તેઓને ખબર છે કે જીવનમાં જો સ્થગિત ન થઈ જવું હોય, વાસી ન બની જવું હોય તો સતત નવાં કામ, નવા વિચારો, નવી વ્યક્તિઓ પ્રવેશી શકે એટલી જગા, એટલી મોકળાશ જીવનમાં રાખવી જ પડશે.

આગળ વધીએ.

મનની ખાલી જગ્યામાં જેના માટે પ્રવેશનિષેધ હોવો જોઈએ એવી એક વાત વિશે સમજાવતાં ગુરુદેવ કહે છેઃ ‘દુષ્કાળના સમયમાં નદીના ભીના તટ પરની જમીનમાં પણ તિરાડો પડી જતી હોય છે. રોટલીને પણ ઘી આપવાથી વંચિત કરી દેવામાં આવે તો એ પડી પડી ચવ્વડ બની જાય છે. મશીનમાં પણ સ્નિગ્ધ અને તૈલી પદાર્થો નાખવાના બંધ કરવામાં આવે છે ત્યારે એમાં ઘર્ષણ પેદા થવા લાગે છે… કૃપણતા, કુટિલતા, કૃતઘ્નતા અને કઠોરતા – આ ચંડાળ ચોકડી જ્યારે મનનો કબજો જમાવી બેસે છે ત્યારે હૃદય નિષ્ઠુર બની જાય છે.’ આ નિષ્ઠુરતાને જીવનમાં ના પ્રવેશવા દઈએ.

એક સાવ નવી જ વાત ગુરુદેવ લઈ આવે છે. તેઓ લખે છેઃ ‘કૅપ્ટન અને કોચ વચ્ચે મહત્ત્વનો તફાવત એ હોય છે કે ખેલાડીને તૈયાર કરવાનું કામ કોચ કરે છે અને તૈયાર થઈ ચૂકેલા ખેલાડીના કૌશલ્યનો ઉપયોગ કરવાનું કામ કૅપ્ટન કરે છે.’

કોચની વ્યાખ્યા આપતાં ગુરુદેવ કહે છેઃ ‘જે સ્વયં પ્રસિદ્ધિમાં આવવા માગતા નથી પણ પોતાના આશ્રિતને પ્રસિદ્ધિમાં લાવ્યા વિના રહેવા માગતા નથી એનું નામ કોચ છે. જે અનામી રહીને પોતાના આશ્રિતનું નામ જગતભરમાં રોશન કરવા માગે છે એનું નામ કોચ છે.’

રમતગમત સાથે સંકળાયેલા કૅપ્ટન અને કોચને શું કામ ગુરુદેવ યાદ કરી રહ્યા છે એ હવે સમજ પડશેઃ ‘કોચ ખેલાડી પ્રત્યે કઠોર હોય છે કારણ કે એને પોતાના નહીં પણ ખેલાડીના વિકાસમાં રસ છે… આપણા વિકાસમાં જ જેને રસ હોય એવા એકાદ કોચનું આપણા જીવનમાં કોઈ સ્થાન છે ખરું? ન હોય તો આજે જ એ સ્થાન કો’કને આપી દેવા જેવું છે.’

ગુરુદેવ કહે છે કે, ‘1. નસીબની અલ્પતા હોય ત્યારે, 2. અનુભવમાંથી પસાર થવાનું હોય ત્યારે, 3. એકલતા અનુભવાય ત્યારે, 4. વધુ પડતો સંઘર્ષ હોય ત્યારે અને, 5. સમય મર્યાદિત હોય ત્યારે – સાચા આચરણને અને સાચા અભિગમને શરણે જ જવું.’

આ સલાહ વિશે સહેજ રોકાઈને વિચારીશું તો ખ્યાલ આવશે કે આ પાંચેય પરિસ્થિતિઓ માણસને અધીરા બનાવી દે એવી ડેસ્પરેટ સિચ્યુએશન્સ છે. માણસ જ્યારે ભીંત સરસો જડાઈ ગયો હોય ત્યારે મરણિયો બનીને, ડેસ્પરેટ બનીને એ કંઈ પણ કરવા તૈયાર થઈ જતો હોય છે. આ ‘કંઈ પણ’ એટલે યેનકેનપ્રકારણે પદ્ધતિએ આ પરિસ્થિતિમાંથી બહાર આવી જવાની વૃત્તિ. આ વૃત્તિ જન્મે છે ત્યારે એ ન કરવા જેવું કામ કરવા તૈયાર થઈ જાય છે, જેનો સાથ ક્યારેય ન લેવાનો હોય એવી વ્યક્તિના પગ પકડવા તૈયાર થઈ જાય છે, જતનથી ઉછેરીને સંઘરી રાખેલાં નીતિ-મૂલ્યો-સિદ્ધાંતો સાથે બાંધછોડ કરવા પણ તૈયાર થઈ જાય. ગુરુદેવ કહે છે કે આવા સમયે ધીરજ રાખીને વિચારવું ને સમતા રાખીને વર્તવું. એમના આ શબ્દોને અનુસરવું, ‘સાચા આચરણને અને સાચા અભિગમને શરણે જ જવું.’

જીવનમાં વધુ પડતો સંઘર્ષ કરવો પડે છે એવું લાગે ત્યારે સાહેબજીની આ વાત યાદ કરવીઃ ‘ખાણમાંથી બહાર નીકળતા પથ્થરને ચટણી વાટવાના પથ્થર જ જો બન્યા રહેવું છે તો સંઘર્ષ મામૂલી છે, મંદિરના પગથિયા બન્યા રહેવું છે તો સંઘર્ષ થોડોક વધુ છે. પણ રાણકપુર અને આબુ-દેલવાડાના મંદિરમાં રહેલા થાંભલાઓ પર જેવી કોતરણી છે એવી બારીક કોતરણીના સ્વામી બન્યા રહેવું છે તો સંઘર્ષ પારાવાર છે… જોખમ જેટલું વધુ, જખમની સંભાવના એટલી વધુ. પીડા જેટલી મહાન, પુરસ્કાર એથીય વધુ મહાન. સંઘર્ષો જેટલા વધુ, પડકાર એટલો વધુ… સગવડોથી સુંવાળો બની ગયેલો પોપટ આસમાન ખુલ્લું હોવા છતાં સંઘર્ષોના ભયે જેમ પિંજર છોડવા તૈયાર થતો નથી તેમ ઉત્તમ પુરસ્કારો મળવાની સંભાવના હોવા છતાં સંઘર્ષોથી ડરી ગયેલું મન સલામત ઝોન છોડવા તૈયાર થતું નથી…’

આ આખીય વાત મનમાં જડબેસલાક રીતે પેસી જાય એ રીતે, ખીલીના મથોડા પર હથોડાનો છેલ્લો ઘા કરતા હોય એમ કચકચાવીને ગુરુદેવ લખે છેઃ ‘જે માટી ચંપલને જ ચોંટેલી રહે છે એ માટી ઘરના ઊંબરા સુધી જ પહોંચી શકે છે, પણ જે માટી ઘડો બનીને નિંભાડામાં ગઈ હોય એ માટી તો ઘરના પાણિયારાની શોભા બની જાય છે.’

પુસ્તકના અંતિમ હિસ્સામાં ગુરુદેવે કહેલી કેટલીક વાતો પર મનન કરીએ. તેઓ લખે છેઃ ‘પાંચ ખતરનાક પરિબળો એવા છે જેનાથી બચવું જ પડેઃ 1. વ્યવસાયને છેતરપિંડીથી, 2. પરિવારને આક્રોશથી, 3. મનને નબળી તેમ જ ખરાબ સ્મૃતિઓથી, 4. સ્વભાવને નિષ્ઠુરતાથી અને 5. ભાષાને અપશબ્દોથી.’

ગુરુદેવ લખે છેઃ ‘1. પરોપકાર કરવાની તકને, 2. ક્ષમાપના આપવાની તકને, 3. સહિષ્ણુતા દર્શાવવાની તકને, 4. ભૂલ સુધારવાની તકને અને 5. સાંત્વન આપવાની તકને ક્યારેય જતી કરવી નહીં.’

ગુરુદેવની વાતો પાંચ દિવસથી અહીં માણી તો રહ્યા છીએ પણ એનો અમલ ક્યારે કરીશું? જતાં જતાં પુસ્તકના પૃષ્ઠ નં.96 પર લખેલી વાત મનમાં ઊંડે સુધી સંઘરી લઈએ.

ગુરુદેવ લખે છેઃ ટેસ્ટમૅચના પ્રથમ દિવસની, પ્રથમ ઓવરના પહેલા બૉલ વખતે ખેલાડીની માનસિકતા હોય છે કે ‘હજી તો ઘણો સમય છે’.
ત્રીજા દિવસની બીજી ઇનિંગ્સની પ્રથમ ઓવરના પહેલા બૉલ વખતે એની માનસિકતા હોય છે કે ‘સમય ઓછો છે’.
અને બીજી ઇનિંગ્સની છેલ્લી ઓવરના પહેલા બૉલે એની માનસિકતા હોય છે કે ‘સમય હવે છે જ નહીં.’

જીવનમાં કોઈ પણ ક્ષેત્રે સમય જ્યારે મર્યાદિત હોય કે અનિશ્ચિત હોય ત્યારે શીઘ્ર નિર્ણય અને સાવધગીરી – આ બંને વિકલ્પોને હાજર રાખવા પડે. બૅટ્સમૅન માટે કોઈ પણ બૉલ આખરી બૉલ બની શકે છે… કોઈ પણ સમય આપણા જીવનનો અંતિમ સમય બની શકે છે. જે પણ સારું કરવું છે, બોલવું છે, વિચારવું છે એને તુર્ત જ કરી લેવું. કારણ? વિલંબ વિસ્ફોટક બની શકે છે, એવું ગુરુદેવ કહે છે.

જતાં જતાં આ એક છેલ્લી વાતઃ ગુરુદેવ લખે છેઃ ‘આપણા બાહ્યજીવનને જો સ્વસ્થ અને મસ્ત રાખવું હોય તો આપણે NEED (જરૂરિયાત) અને GREED (લોભ) આ બંને બાબતમાં સ્પષ્ટ થઈ જવું જોઈએ. NEEDને ક્યાંક છેડો છે જ્યારે GREED અંતહીન છે.’

•••

ગુરુદેવ આચાર્ય વિજય રત્નસુંદરસૂરિ મહારાજ સાહેબનાં આ તેમ જ અન્ય તમામ પુસ્તકોનું પ્રકાશન રત્નત્રયી ટ્રસ્ટ દ્વારા થાય છે. પ્રાપ્તિસ્થાનની જે વિગતો પુસ્તકોમાં આપેલી છે તે અહીં આપ સૌની અનુકૂળતા માટે મૂકી છેઃ

1.રત્નત્રયી ટ્રસ્ટ, પ્રવીણકુમાર દોશી
258, ગાંધીગલી,
સ્વદેશી માર્કેટ,
કાલબાદેવી રોડ, મુંબઈ-400 002
ફોનઃ 022-22060826 (બપોરે 12થી 7)

2. રત્નત્રયી ટ્રસ્ટ,
કલ્પેશ વિ. શાહ
14, ઇલોરા પાર્ક સોસાયટી,
નારણપુરા ચાર રસ્તા પાસે,
દેરાસર સામે, નારણપુરા,
અમદાવાદ-380 013.
ફોનઃ 079-27680746 (બપોરે 12થી 7)
website: www.ratnaworld.com
youtube: ratnaworld

••• ••• •••

2 COMMENTS

  1. Excellent thoughts and thinking. Good to read this daily. Changes and motivate life in right direction

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here