‘આયુષ્ય છે ત્યાં લગી છે જ યુદ્ધ’ : સૌરભ શાહ

( જિંદગી જીવવાનાં દસ સુવર્ણ સૂત્રો: પાર્ટ ફાઇવ )

(Newspremi.com : બુધવાર, 8 જુલાઈ 2020 )

‘પડે છે ત્યારે સઘળું પડે છે’ : આ મારું સાતમું સૂત્ર છે અને આઠમું સૂત્ર છે : ‘જે જે થતો પ્રાપ્ત ઉપાધિયોગ, બની રહો તે જ સમાધિયોગ’.

‘ધૂમકેતુ’ની વાર્તા ‘વિનિપાત’નું એક મશહૂર વાક્ય છે.’ ‘પડે છે ત્યારે સઘળું પડે છે’. મારું આ સૂત્રનું ઈન્ટરપ્રિટેશન એવું છે કે જિંદગી ડોમિનો ઈફેક્ટથી ચાલતી હોય છે. સ્ટેશન બહારના સાયકલ સ્ટેન્ડ પર લાઈનબંધ સાયકલો ગોઠવાઈને ઊભી હોય અને છેવાડાની એક સાયકલને ધક્કો લાગે તો છેક સુધીની બધી સાયકલો પડી જાય એ ડોમિનો ઈફેક્ટ.

જીવનમાં ક્યારેક એક ડગલું ખોટું ભરાય ત્યારે એ જ દિશામાં બીજું, પછી ત્રીજું, પછી ચોથું – એમ એક પછી એક ખોટાં પગલાં ભરાતાં જવાનાં. પહેલા ડગલા પછી જે માઠું પરિણામ આવ્યું તેને રોકવા બીજું ડગલું ભરો અને ચૂં કિ એ પણ ખોટી જ દિશામાં ભરાયું હોય એટલે એનું પરિણામ પણ માઠું જ આવવાનું.

જિંદગીના કોઈ પર્ટિક્યુલર ફેઝ દરમિયાન જો તમે કળણમાં ખૂંપી જાઓ તો એમાંથી બહાર નીકળવાના જેટલા ફાંફા મારશો એટલા વધારે ને વધારે અંદર ખૂંપતા જવાના. આવા વખતે શું કરવાનું?

નક્કી તમારે કરવું પડે કે જિંદગીની કઈ બાબતમાં તમારે કરોળિયાની જેમ સાત વખત નિષ્ફળ જઈને આઠમી વખત પ્રયત્ન કરવો છે અને કઈ બાબતમાં જાતને કળણમાં ખૂંપી ગયેલી મહેસૂસ કરીને વધુ પ્રયત્નો છોડી દેવા છે.

ગુજરાતના એક ખૂબ મોટા અખબારના માલિકે મને આ પાઠ શીખવાડ્યો. તે વખતે ગુજરાતમાં બધે જ એમની આવૃત્તિઓ – અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ… પણ મુંબઈમાં એમની આવૃત્તિ નહીં. આગળની વાત એમના જ શબ્દોમાં :

‘ગુજરાતમાં અમે નંબર વન હતા એટલે મુંબઈમાં પણ એસ્ટાબ્લિશ થતાં વાર નહીં લાગે એવા કૉન્ફિડન્સ સાથે અમે એડિશન શરૂ કરી. બે-ચાર મહિના થયા. કોઈ ઈમ્પેક્ટ નહીં. વરસ પૂરું થયું પણ મુંબઈના વાચકોમાં અમારું છાપું ક્લિક થાય નહીં. તે વખતે હસમુખ ગાંધી ‘સમકાલીન’ એડિટ કરે. અમારે સારી મૈત્રી એમની સાથે. એમને ઑફર કરી, આવી જાઓ. પણ એડિટિંગ માટેના એમના વિચારો અમારા કલ્ચરમાં જામે નહીં. એમને અમારી પદ્ધતિ ગમે નહીં. વાત અધૂરી રહી. અમે પાનાં વધાર્યા, કિંમત ઘટાડી, જાહેરખબરોમાં ડિસ્કાઉન્ટ આપ્યાં પણ કોઈ રીતે સર્ક્યુલેશન વધે જ નહીં. વરસ-દોઢ વરસ પછી અમે નક્કી કર્યું કે આ એડિશન પાછળ હવે માર્કેટિંગમાં વધારે ખર્ચો કરીને ફાંફા મારવાનો કોઈ અર્થ નથી.

છાપાના સર્ક્યુલેશનની બાબતમાં મારો અનુભવ કહે છે કે તમારી નકલો વધતી હોય ત્યારે તમારા પ્રતિસ્પર્ધીઓ ગમે એટલી કોશિશ કરે, તમને ઊની આંચ નથી આવતી. અને ફેલાવો ઘટતો હોય તો તમે લાખ પ્રયત્ન કરો તો પણ ડાઉનફૉલ અટકાવી શકતા નથી. મુંબઈમાં અમે, દોઢેક વર્ષ પછી, આ જ વિચાર્યું. કૃત્રિમ પ્રયત્નોથી છાપું વેચાવાનું નથી. પ્રોડ્ક્ટ સારી જ છે. તો આજે નહીં તો કાલે મુંબઈના વાચકોને એની ખબર પડવાની જ છે.

ત્રણ વર્ષ પૂરાં થયાં. ધીમે ધીમે કૉપીઓ વધવા માંડી. દર મહિને પ્રિન્ટ ઑર્ડર વધતો જાય. અમારા તરફથી માર્કેટિંગની કોઈ ગિમિક થતી નહોતી, પબ્લિસિટી પણ કરતા નહોતા. બીજા છ જ મહિનામાં અમારી કલ્પના બહારનું સર્ક્યુલેશન થઈ ગયું. એ પછીના થોડા જ સમયમાં અમે મુંબઈનાં પણ નંબર વન બની ગયા. આજે અમારા પાયા એટલા ઊંડા છે કે મુંબઈગરાઓને અમારું છાપું ગુજરાતનું છે એવું લાગતું જ નથી….’

બિઝનેસની જેમ જિંદગીમાં પણ હાર સ્વીકારી લેવા માટે છાતી જોઈએ.

છાપાના સર્ક્યુલેશન જેવું જ લાઈફનું હોય છે. નક્કી તમારે કરવું પડે કે જિંદગીની કઈ બાબતમાં તમારે કરોળિયાની જેમ સાત વખત નિષ્ફળ જઈને આઠમી વખત પ્રયત્ન કરવો છે અને કઈ બાબતમાં જાતને કળણમાં ખૂંપી ગયેલી મહેસૂસ કરીને વધુ પ્રયત્નો છોડી દેવા છે. ક્યારે શું કરવું એ વિશેની સલાહ કોઈ બીજા પાસેથી લીધેલી હોય ત્યારે દર વખતે કામ નથી લાગતી. જિંદગીની કોઈ ટેક્સ્ટબુક નથી, એની કોઈ ગાઈડ નથી. તમારું પાઠ્યપુસ્તક તમારે જ લખવાનું. ગાઈડ પણ તમારે લખવાની .

બિઝનેસની જેમ જિંદગીમાં પણ હાર સ્વીકારી લેવા માટે છાતી જોઈએ. બહાદુરો જ પોતાની હાર સ્વીકારી લેવાની સમજદારી દેખાડતા હોય છે. મૂર્ખાઓ ‘હાર્યો જુગારી બમણું રમે’ એવું માનીને હાર સ્વીકારીને દૂર હટી જવાને બદલે પોતાનાં લક્ષ્ય વધુ મોટાં બનાવીને નાનાં લક્ષ્યો પાર પાડવામાં મળેલી નિષ્ફળતાઓને ભૂલી જવા માગતા હોય છે. પછી એ મોટાં લક્ષ્યો પણ પાર ન પડે ત્યારે ઔર મોટાં લક્ષ્યો બનાવે, એમાં નિષ્ફળતા મળે ત્યારે ઔર મોટાં અને ધીમે ધીમે પોતાની જાણ બહાર કળણમાં એવા ખૂંપી જાય જ્યારે કોઈ એમને મદદ ન કરી શકે.

‘પડે છે ત્યારે સઘળું પડે છે’. આ સૂત્ર અપનાવ્યા પછી હું શીખ્યો છું કે હાર સ્વીકારી લેવામાં કોઈ નામોશી નથી અને હલેસાં માર્યા પછી પણ હોડી આગળ વધતી ન હોય ત્યારે પવનની શરણાગતિ સ્વીકારી લેવાથી તમે બે બાપના થઈ જતા નથી. સહેજ ધીરજ ધરશો તો પવન પણ તમને અનુકૂળ થઈને પોતાની દિશા બદલી નાખવાનો છે. કારણકે કે સિક્કાની બીજી બાજુ છે : ઉપડે છે ત્યારે સઘળું ઉપડે છે!

ઉમાશંકર જોશીની એક કાવ્યપંક્તિ છે :
‘જે જે થતો પ્રાપ્ત ઉપાધિયોગ
બની રહો તે જ સમાધિયોગ’

સમસ્યાઓને કારણે જ જીવનમાં સમજણો સર્જાતી હોય છે.

કોઈક મોટું કામ હાથમાં લેવું હોય ત્યારે હંમેશાં વિચાર આવે કે આ આટલી બાબતમાં જરા સીધું થઈ જાય પછી એ કામ શરૂ કરું. બસ, આ એક પ્રશ્ન ઉકેલાઈ જાય, પછી કોઈ પ્રૉબ્લેમ નથી. અને ભવિષ્યમાં પ્રશ્ન ઉકેલાઈ પણ જાય. છતાં આઈડિયલ સિચ્યુએશન ન સર્જાય. કારણ? એ દરમિયાન બીજી બે નવી સમસ્યાઓ – કોઈ જુદા વિષયમાં ઊભી થઈ ગઈ હોય એને ઉકેલીએ ત્યાં પાછી ત્રીજી જ બાબતમાં ચાર નવા પ્રૉબ્લેમ્સ સર્જાયા હોય.

સમસ્યાઓ ઉકેલવામાં ને ઉકેલવામાં જે કામ કરવાનાં હોય તે બાજુએ રહી જાય. સમસ્યાઓને કારણે જ જીવનમાં સમજણો સર્જાતી હોય છે. એક તબક્કો, મારા જીવનમાં એવો આવ્યો કે મને પત્રકારત્વમાંથી કામ મળતું બંધ થઈ ગયું. એક ખોટા ક્રિમિનલ કેસમાં મને ફસાવી દેવામાં આવ્યો. 9 દિવસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં અને 63 દિવસ સાબરમતી જેલમાં ગાળ્યા પછી મને ગુજરાતી જર્નલિઝમની દુનિયામાંથી કચકચાવીને લાત મારીને દૂર કરી દેવામાં આવ્યો. એડિટિંગનું, કૉલમો લખવાનું, નવલકથા લખવાનું, ઈવન અનુવાદનું કામ પણ મને નહોતું મળતું. સંજોગો એવા ઊભા થયા કે જેમની સાથે વર્ષો સુધી કામ કર્યું હોય, જેમની કારકિર્દીઓ ઘડવામાં મેં ફાળો આપ્યો હોય એવા ડઝનબંધ મિત્રો-સાથીઓ પાસેથી પણ કામ બાબતની મદદ મળી શકી નહીં. ભયંકર ટેન્શન વચ્ચે જબરજસ્ત આર્થિક તંગીમાં હું ફસાઈ ગયો. મનમાં થયા કરે કે ક્યાંક જો નાનું-મોટું લખવાનું કામ મળી જાય તો આ બધામાંથી બહાર નીકળી જવાય. એક પ્રશ્ન ઉકેલવાની રાહ જોઈને હું બેસી રહ્યો હતો. એ ઉકેલાઈ જાય તો બીજા બધા જ પ્રશ્નોનું નિરાકરણ આવી જશે એવું હું માનતો હતો. પણ આ પ્રશ્ન ઉકેલાતો નહોતો.

દિવસભર ઘરમાં બેસી રહીને તમે શું કરો? ખૂબ ઘર્ષણો પછી છેવટે મેં નક્કી કર્યું કે મને લખવા સિવાય બીજું શું આવડે છે? હું બહુ જ સારી ભેળપુરી, પાઉંભાજી, પાણીપુરી, સેવપુરી બનાવી જાણું છું. કાજલ ઓઝા-વૈદ્યથી માંડીને જય વસાવડા સુધીના મારા અનેક મિત્રોને મેં પવઈના મારા ઘરે જાતે બનાવેલી ભેળપુરી, સેવપુરી ખવડાવી છે. પૂજ્ય મોરારીબાપુએ પણ માણી છે.

પણ આ એ પહેલાંનો કિસ્સો છે. કામ નહોતું એ સમયની વાત. પવઈમાં અમે જ્યાં રહીએ છીએ તે સાવ સાદો-સીધો મિડલ ક્લાસ એરિયા છે. પણ મારા ઘરથી પાંચ જ મિનિટના અંતરે અતિશ્રીમંત લોકોની વસતીવાળો વિશાળ કૉમ્પ્લેક્સ પથરાયેલો છે, જેમાં ત્રીસેક જેટલી મોંઘામાં મોંઘી રેસ્ટોરાં અને ખાવા-પીવાની જગ્યાઓ કે સ્ટારબક્સ જેવી કૉફી શૉપ્સ વગેરે છે. પણ ક્યાંય તમને ભેળપુરી કે ચાટ આયટમ્સ ખાવા ન મળે.

મેં અને મેઘાએ નક્કી કર્યું કે આપણે ઘરમાં જાતે જ ભેળ-સેવ-પાણીપુરી, પાઉંભાજી વગેરે ચાટની આઈટમો બનાવીએ અને હું એ વેચવા જઈશ.

રોજ સવારે ત્રણ વાગ્યે ઊઠીને વિસ્તારના દરેક છાપાવાળાને અમારા ‘ઘર કા ખુમચા’ના પેમ્ફલેટ્સ નાખવા આપું. પંદર પૈસાના એકને હિસાબે ગણતરી થાય. સવારના પહોરમાં કૉમ્પ્લેક્સના તમામ બિલ્ડિંગોમાં અંગ્રેજીમાં છાપેલા અમારા ફરફરિયા પહોંચી જાય. ભેળપૂરી આટલા રૂપિયા, સેવપુરી આટલા રૂપિયા, આખું મેનુ લખેલું હોય. ઑર્ડર માટેનો ફોન નં. લખ્યો હોય. પેમ્ફલેટ નખાવીને સવારે છ વાગ્યે ઘરે પાછા આવીને સૂઈ જવાનું. 10 વાગ્યાથી ઑર્ડર આવવાના શરૂ થાય. 10થી બપોરના 2 દરમિયાન બધી વસ્તુઓ બનાવવાની. પેકિંગ માટેની ચીજવસ્તુઓ અમે ક્રાફર્ડ માર્કેટથી ખરીદતા. બે વાગ્યાથી ડિલિવરીઝ શરૂ થાય. દરેકે દરેક ઑર્ડરની હોમ ડિલિવરી કરવાની. ડિલિવરી બૉય રાખવાના પૈસા નહીં એટલે એક મિત્ર પાસેથી સાયકલ ખરીદવાના ત્રણ હજાર રૂપિયા ઉછીના લીધેલા અને હું જાતે જ બપોરના બેથી રાતના અગિયાર વાગ્યા સુધી જેટલા ઑર્ડર આવ્યા હોય તે બધાના ઘરે-ઘરે જઈને ડિલિવરી કરતો. બેથી અગિયાર વચ્ચે પણ ઑર્ડરો આવવાના તો ચાલુ જ હોય. બે ડિલિવરી વચ્ચે સમય મળે ત્યારે ફરી પાછા રસોડામાં બધું બનાવવાનું, પેકિંગ કરવાનું કામ ચાલતું. ક્યારેક કોઈ 100 રૂપિયાનો ઑર્ડર લખાવે તો પણ એમને ત્યાં ડિલિવરી કરવા જતો. બાકી, મિનિમમ ઑર્ડર બસો રૂપિયાનો અને ઑર્ડર આપ્યા પછી બે કલાક બાદ ડિલિવરી મળશે એવું પેમ્ફલેટમાં છાપેલું. ઘણી જગ્યાએથી દસ-વીસ રૂપિયા ટિપમાં મળી જતા જે સલામ કરીને લઈ લેતો અને ઘરે આવીને ગલ્લામાં જુદા મૂકી રાખતો. મારી જિંદગીની ખરી કમાણી ગણો તો ટિપમાં મળેલી આ નોટો છે.

મોટાં-મોટાં ત્રીસ-પાંત્રીસ માળ ઊંચાં મકાનો હોય. સિક્યુરીટીમાં નામ લખાવ્યા સિવાય એન્ટ્રી મળે નહીં. લિફ્ટ પણ સાહેબ લોકો માટેની જુદી, નોકર લોકોની જુદી. સિક્યુરિટી મને બીજી લિફ્ટ તરફ આંગળી ચીંધે. હું એમાં જ જાઉં. ડિલિવરી બૉયથી પહેલી લિફ્ટમાં ન જવાય, સ્વાભાવિક છે. સાયકલના હેન્ડલ પર પાર્સલ લટકાવીને હું ડિલિવરી માટે નીકળતો ત્યારે મને કોઈ શરમ નહોતી આવતી. ઊલટાનું ગૌરવ થતું. તે વખતે મને ક્યારેય એવું નહોતું લાગતું કે હું ‘મિડ-ડે’નો એક્સ-એડિટર છું કે એક જમાનાની ‘ગુડ મૉર્નિંગ’નો કટારલેખક છું.

ઘણો વખત આ કામ ચાલ્યું. એક દિવસ પવઈમાં લેક હોમ્સથી પંચ કુટિર થઈને હું ડિલિવરી પતાવીને ઘરે પાછો આવતો હતો. ત્યાં ઉપર તરફનો ઢાળ આવે છે. જતી વખતે સડસડાટ ઉતરી જવાનું પણ પાછા આવતી વખતે સાયકલને પેડલ મારતાં ખૂબ હાંફ ચડે એટલે હું ઊતરી જઉં અને સાયકલને દોરીને ઉપર ચડું. સંધ્યાકાળ હતો. આખા દિવસનો થાક ચડતો હતો અને સાંજ પછીની ડિલિવરીઓને ટાઈમસર પહોંચી વળવાનું ટેન્શન હતું. મારાથી એક ડગલું આગળ વધાતું નહોતું. ફૂટપાથની કિનારીએ સાયકલને સ્ટેન્ડ પર ચડાવીને હું ઘૂંટણિયે બેસીને ધ્રુસકે ધ્રુસકે ખૂબ રડ્યો. મારા કોઈ પ્રશ્નો ઉકેલાતા નહોતા આ કામમાંથી. હા, પૈસા આવતા હતા જેથી બે ટંકનું જમવાનું મળી રહેતું. ક્યારેક ઘણા વધારે પણ આવતા. પણ મને આ કામમાંથી પૈસા બનાવવામાં કોઈ રસ નહોતો. મારે કંઈ ‘ઘર કા ખુમચા’માંથી કોઈ રેસ્ટોરાં શરૂ કરવી નહોતી કે આજીવન ભેળપુરીઓ વેચી વેચીને જિંદગી ચલાવવી નહોતી. ફ્રસ્ટ્રેશનને કારણે ભાંગી પડ્યો હતો. પાંચેક મિનિટમાં જાતને સ્વસ્થ કરી. ભગવાનનો આભાર માન્યો કે મહેનતની કમાણીનો એક રસ્તો તો સૂઝાડ્યો. ભવિષ્યમાં બાકીનું બધું પણ સમુંસૂતરું કરી આપશે.

‘ઘર કા ખુમચા’નું કામકાજ ધીમે ધીમે સેટ થઈ ગયું. દર સોમવારે અમે રજા રાખતા. પેમ્ફલેટમાં લખતા પણ ખરા. મન્ડે હૉલિડે. કારણ કે એક તો રવિવારે ખૂબ કામ હોય. વીકએન્ડમાં મેક્સિમમ ઑર્ડર્સ હોય એટલે ડબલ કામ કરવું પડે. બીજું, ક્રાફર્ડ માર્કેટ જવા માટે તેમ જ સાધન સામગ્રી ખરીદવા માટે વીકડેઝમાં ટાઈમ જ ન હોય એટલે સોમવારે એ બધું કામ પતાવવાનું. ક્યારેક મેળ પડે તો પિક્ચર જોઈ આવવાનું.

એક સોમવારે કાંજુર માર્ગ સ્ટેશનેથી ક્રાફર્ડ માર્કેટ જવા વી.ટી.ની ટ્રેનના સેકન્ડ ક્લાસના ડબ્બામાં બેઠો હતો ત્યાં અમદાવાદ આર.આર. શેઠની કંપનીમાંથી મને ફોન આવ્યો. પાંત્રીસેક વરસ પહેલાં મારી પ્રથમ નવલકથા ‘વેરવૈભવ’ એમણે જ પ્રગટ કરેલી. જૂનો સંબંધ. મને પૂછવામાં આવ્યું : ‘તમે મારિયો પૂઝોની નવલકથા ‘ગૉડફાધર’નું ટ્રાન્સલેશન કરશો? મેં કહ્યું, ‘સાહેબ, આજથી દોઢ વર્ષ પહેલાં તમારી ઑફિસમાં આવીને મેં સામેથી આ કામ માગેલું કે મને ‘ગૉડફાધર’ ટ્રાન્સલેટ કરવા દો. પણ તે વખતે તમે કહેલું કે ના, કોઈકને આ કામ અપાઈ ગયું છે અને મારા માટે પણ કોઈ જીદ કરવાનો સવાલ નહોતો. અત્યારે તમે મને એ જ કામની ઑફર કરો છો એ માટે ખૂબ આભાર. હું કાલથી કામ શરૂ કરી દઉં છું…’ ફોન પર પબ્લિશર તરફથી મને રૉયલ્ટી વિશે પૂછવામાં આવ્યું અને મેં કહ્યું, ‘તમે મને કામ આપો છો તે જ મારા માટે ખૂબ મોટી વાત છે. તમને ખબર નથી કે અત્યારે તમે મારા પર કેટલો મોટો ઉપકાર રહી રહ્યા છો.’

મારા માટે પાઉંભાજી-પાણીપુરી બનાવવા કરતાં ‘ગૉડફાધર’નું ટ્રાન્સલેશન કરવું એ ઘણી મોટી વાત હતી. બીજા જ દિવસથી મેં ‘ગૉડફાધર’નું કામ શરૂ કરી દીધું. થોડો વખત ટ્રાન્સલેશન અને ‘ઘર કા ખુમચા’ પૅરેલલ ચાલ્યાં. પછી જોયું કે બેઉ કામ સાથે થાય એવો સમય કે એવી એનર્જી નથી. બેમાંથી એક કામ જ થઈ શકે એમ છે. મેં હળવેકથી ‘ઘર કા ખુમચા’ને તાળું મારી દીધું. ખુમચાના જૂના ઘરાકો હજુય યાદ કરે છે. ‘ગૉડફાધર’નું કામ પૂરું થતું હતું એ જ ગાળામાં ‘મુંબઈ સમાચાર’માં તંત્રી બદલાવાથી મારી દૈનિક કૉલમ ‘ગુડ મૉર્નિંગ’ની સેકન્ડ સીઝન શરૂ થઈ. એ પછી ત્યાં જ મારી ‘મહારાજ’ નવલકથા 74 દૈનિક હપ્તામાં છપાઈ. એમાં જ બીજી વીકલી કૉલમો પણ શરૂ થઈ. પછી તો ‘સંદેશ’માં બે વીકલી કૉલમો, ‘khabarchhe.com’ માટે વીકલી કૉલમ… ફરી એક વાર કામનો ઢગલો શરૂ થઈ ગયો. સમજાતું ગયું કે જિંદગી ચાલશે ત્યાં સુધી આ યુદ્ધ તો ચાલવાનું જ છે. ક્યારેય હતાશ થઈને બેસી રહેવાનું નથી.

ઉમાશંકર જોશીની જ અન્ય કાવ્યપંક્તિથી આ પીસ પૂરો કરું. ઉમાશંકરની આ પંક્તિઓએ મને શીખવાડ્યું છે કે :

‘આયુષ્ય છે ત્યાં લગી છે જ યુદ્ધ
કો મૃત્યુ પૂર્વ ન સંપૂર્ણ બુદ્ધ.’

આજનો વિચાર

બીહાઈન્ડ એવરી ગ્રેટ ફૉર્ચ્યુન ધેર ઈઝ ક્રાઈમ. બેહિસાબ સંપત્તિના ઢગલા નીચે ગુનાખોરી જ હોવાની.

(બાલ્ઝાકનું આ વાક્ય મારિયો પૂઝોએ ‘ગૉડફાધર’ શરૂ કરતાં પહેલાં આગલા પાને ટાંક્યું છે.)

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને સપોર્ટ કરવા માટેની અપીલ : સૌરભ શાહ

પ્રિય વાચકો,

ગુજરાતી ભાષાના સૌથી વધુ વંચાતા, વખણાતા અને ચર્ચાતા લેખક-પત્રકારોમાંના એક સૌરભ શાહ તમને રોજ ‘ન્યુઝપ્રેમી’ દ્વારા મળે છે.

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના ચાલતું સ્વતંત્ર, તથા કોઈનીય સાડીબારી ન રાખતું ડિજિટલ મિડિયા છે અને એટલે એ ભરોસાપાત્ર છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા પ્લેટફૉર્મને અડીખમ રાખવા તમારા સપોર્ટની જરૂર છે.

‘ધ ક્વિન્ટ’, ‘ધ પ્રિન્ટ’, ‘ધ વાયર’, ‘સ્ક્રોલ’ કે બીજાં ડઝનેક તોતિંગ અંગ્રેજી ડિજિટલ મિડિયા કરોડો રૂપિયાનું ફંડિંગ ઉભું કરીને પોતાના એજન્ડાને— કામકાજને આગળ વધારી રહ્યા છે. ‘ન્યુઝપ્રેમી’ આવી રીતે કામકાજ કરવામાં માનતું નથી. ઇન્વેસ્ટર્સ પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા પછી અમુક મિડિયા કરોડરજ્જુ વિનાનાં બની જતાં હોય છે. ઇન્વેસ્ટરોનો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવાથી સચવાતો હોય ત્યારે મિડિયાએ પણ વાચકોનો દ્રોહ કરીને, વાચકોને ઊંધા રવાડે ચડાવીને એન્ટી-નેશનલ ન્યુઝ અને એન્ટી-નેશનલ વ્યુઝ આપવાની પ્રવૃત્તિમાં જોરશોરથી ભાગ લેવો પડતો હોય છે.

આ જ કારણોસર ‘ન્યુઝપ્રેમી’માં જાહેરખબરો પણ ઉઘરાવવામાં નથી આવતી. જે ઘડીએ એડવર્ટાઇઝરના વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ન જળવાય એ જ ઘડીએ કાં તો તમારો હાથ આમળીને તમારી પાસે તેઓ પોતાનું ધાર્યું કરાવતા થઈ જાય અને વાચકો ગેરમાર્ગે દોરવાઈ જાય, કાં પછી તમારી નૌકાને મધદરિયે હાલકડોલક કરીને ડુબાડી દેવાની ધમકી આપવામાં આવે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મીસમા સૌરભ શાહ દ્વારા 24×7 થઈ રહી છે. ( એક વાચકે ‘ વન કેન’—one pen, one man, one can—નું બિરૂદ આપ્યું છે. કોઈ એક લેખની કમેન્ટમાં છે.)

‘ન્યુઝપ્રેમી’નું લેખન-સંપાદન તથા એની સાજસજ્જા મુંબઈમાં થાય છે. ટાઇપસેટિંગ ભાવનગર અને અમદાવાદમાં થાય છે. ‘ન્યુઝપ્રેમી’ના એડમિનિસ્ટ્રેશનની જવાબદારી પૂણેથી નિભાવવામાં આવે છે અને ‘ન્યુઝપ્રેમી’ને ટેક્નિકલ સપોર્ટ બેંગ્લોર સ્થિત ગુજરાતી ટેકનોક્રેટ આપે છે. ‘ન્યુઝપ્રેમી’ની હિન્દી આવૃત્તિ માટેનું અનુવાદકાર્ય મુંબઈ – અમદાવાદમાં થાય છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

25 COMMENTS

  1. ભોમિયા વિના મારે ફરવાતા ડુંગરા….આવતીકાલ પછીનો દિવસ એટલે શનિવારે મારે ભૂતપૂર્વ વિદ્યાર્થી હાલ વ્યવસાયે સૈનિક..નિવૃત થતા સન્માન સમારોહમાં પ્રશસ્તિ પત્ર માટે quote શોધતા પહોંચ્યો ન્યૂઝ પ્રેમી પાસે..ઉ.માં (શ્રવણ) ની પંક્તિઓ લ જોય આર્ટિકલ..વાંચ્યો..True.. Santiago… સૌરભ સર…ખૂબ પ્રેરક લાગ્યો…યુદ્ધ છે એ બુદ્ધ થયું.

  2. સુંદર અતિ સુંદર. એક વાત વાંચવી સારી ન લાગી કે સૌરભભાઈ પાસે પોતાનો મેડીક્લેમ નથી શારીરિક તકલીફ કોઈપણ ઉંમરે આવી શકે છે તમને એ વખતે પણ લોકો કામ નહોતા લાગ્યા આવા સંજોગોમાં પણ નહીં જ લાગે હોસ્પિટલ ની જરૂર ક્યારે, કેવા સંજોગોમાં અને કેટલી લિમિટ માં પડે છે એ અકળ છે બંને રીતે તંદુરસ્ત હશો ત્યારે જ તમે ગોડફાધર લખી શકશો અને અમે તમારી કલમ ને માણી શકીશું ખાસ વાત હુ mediclaim agent નથી

  3. સર , આપના આ લેખે આજે મને જીવન ગુજારવા એક નવું બળ પૂરું પાડ્યું છે. હિંમત હાર્યા વગર કંઈને કંઈ , નાનું તો નાનું , પણ કામ કરતા રહો. આજકાલના યુવાન ક્યારેક નાના કામ કરવા તૈયાર નથી થતાં.. નાકના ટીચકાં ચડાવે છે જ્યારે કેટલાક યુવાનોને બસ , કામ જોઈએ છે… કંઈક કરતા રહેવું છે એમને. સૌરભ સર , આપની journey ની વાત ખૂબ ખૂબ પ્રેરણાત્મક છે અમારા માટે.

  4. સૌરભ ભાઈ,
    એકવાર , બેવાર અને વારંવાર વાંચી જાઉં છું તમારો લેખ.
    સલામ તમને.

  5. સૌરભભાઇ,
    આજનો લેખ વાંચી ખરેખર આનંદ સાથે રૂંવાટા ઊભા થયા.
    ખૂબ સરસ જીવન ને જીવવા માટે નો અભિગમ અપનાવવામાં
    આ લેખ દરેક વ્યક્તિને મદદરૂપ થાય. આભાર…

  6. આજના સમયમાં, જ્યારે covid 19 ને કારણે, કોઈ આવક નથી,સાથે જોબ રહેશે કે ગઈ કશી ખબર નથી,ત્યારે આ આર્ટિકલ જાત માં હિંમત પૂરવા અને ધ્યેય નક્કી કરવા માટે ખૂબજ well timed article વાંચવા મળ્યો, thanks,

  7. સૌરભભાઈ આ આર્ટિકલ ખૂબ છ ગમે. આ આખી સીરીઝ બહુ જ પ્રિય. જ્યારે આ આર્ટિકલ વાચવા મળે ત્યારે આંખ ભરાઈ જ આવે. ???

  8. વગર મુછે, મર્દ મુછાળો. સૈનિક આત્મા.

  9. વાહ .. તમારી કલમની સાધુતાને સલામ
    મીડ ડે ના તંત્રીપદને ખુમારીથી
    છોડવાની હિંમતને સલામ
    પણ ખૂમચાગીરિને સો સો સલામ
    મેઘાબેનને વંદન
    રેસીપી શેર કરોને?
    Just joking ?

  10. તમારો એક નવો જ પરિચય થયો. તમારી ખુમારી અને ખુદ્દારી ને સલામ. So inspiring for me.

  11. સૌરભભાઈ,સોનાનો ભાવ કેમ ઊંચે ગયો તે તમારી થયેલી તાવણીથી ખબર પડે છે. સફળતાની કિંમત તૂટીને ચૂકવવી પડતી હોય છે.કેરી ઑન દોસ્ત.યહી હૈ જીંદગી.

  12. શ્રી સૌરભ,આજે તમારો એક નવો પરિચય થયો. સમાચાર ની કોલમ છોડવી પડી તયારે જુદી વાત સાંભરવા મળી હતી.એક વાચક તરીકે જુદો ખ્યાલ બંધાયો હતો.જો તયરે તમારા ખુમારી અને ખુદારી ની જાણ હોત તો .ગુજરાતી વાચક તરીકે તમારા માટે ગૌરવ અને માન ની લાગણી અનુભવું છું..

  13. Truly incredible journey worth taking cue from.Behind every cloud there is a silver lining and you have amply proved this proverb right.Salute you for the strength and character
    you have showed in overcoming such demanding and difficult times by not getting bogged down.

  14. હું છાતી ઠોકી ને કહું છું કે તમે કવિ શ્રી નર્મદ નો પુનઃ અવતાર છો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here