માંકડસાહેબે લખ્યું કે રિયાઝનાં કંઈ રેકોર્ડિંગ ન હોય : સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ ક્લાસિક: ભાદરવા વદ બીજ વિક્રમ સંવત ૨૦૭૭. ગુરુવાર, ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૧)

વર્ષો પહેલાંની વાત છે. એ જમાનામાં દિનકર જોષી, વિઠ્ઠલ પંડ્યા, સારંગ બારોટ, રજનીકુમાર પંડ્યાથી લઈને હરકિસન મહેતા, અશ્વિની ભટ્ટ, ચંદ્રકાન્ત બક્ષી તમામ સમકાલીન સાહિત્યકારોના તમામ પુસ્તકો વાંચી જતો. એ વખતે હું વાચક વધુ, લેખક નહિવત્ હતો. એ વખતે વડીલ સાહિત્યકાર મોહમ્મદ માંકડ (અત્યારે ૯૩ વર્ષે અડીખમ)ની સમગ્ર વાર્તાઓનો સંગ્રહ બહાર પડ્યો હતો જેની પ્રસ્તાવનામાંના એક વાક્યે મારા જીવનની તરાહ બદલાવી નાખી.

પ્રસ્તાવનામાં માંકડસાહેબે લખ્યું હતું કે આ પુસ્તકમાં એમના અગાઉ પ્રગટ થયેલા વાર્તાસંગ્રહોમાંની વાર્તાઓ ઉપરાંત એવી કેટલીક વાર્તાઓ પણ છે જે તે વખતનાં વિવિધ વાર્તામાસિકોમાં પ્રગટ થઈ હતી, પણ વાર્તાસંગ્રહ તૈયાર કરતી વખતે લેવાઈ નહોતી, પણ અત્યારે માત્ર રેકોર્ડ ખાતર ‘સમગ્ર’માં એને સ્થાન અપાયું છે.

પછી માંકડસાહેબ ખુલાસો કરે છે કે એ કેટલીક વાર્તાઓનો શા માટે એમણે અગાઉના વાર્તાસંગ્રહોમાં સમાવેશ નહોતો કર્યો. એમણે કહ્યું કે એ બધી જૂની વાર્તાઓ મારી લેખનકળાના રિયાઝ જેવી છે અને રિયાઝનાં કંઈ રેકોર્ડિંગ ના હોય.

રિયાઝનાં રેકોર્ડિંગ ના હોય! આ વાક્ય વાંચ્યાને દાયકાઓ વીતી ગયા છતાં મગજ પર સજ્જડ ચોંટી ગયું છે. માણસે પોતાની કળાને ઉચ્ચતમ સ્તર સુધી લઈ જવા માટે સતત રિયાઝ કરવાનો હોય. આ રિયાઝ એકાંતની સાધના છે.

કેટલાક લોકો કુકિંગ ક્લાસમાં કે યુ ટ્યુબ પર નવી વાનગી શીખી આવે છે. એ પછી આ નવી રેસિપી પર ટ્રાયલ ઍન્ડ એરર કહીને એમાં મહારત હાંસિલ કરવાની હોય, પણ કેટલાક હોંશીલાઓ એ જ વીકઍન્ડમાં ઘરે કોઈ જમવા આવવાનું હોય ત્યારે એમની ડિશમાં લિચિ-પાઈનેપલના કોફતા વિથ વેલુપટ્ટીઅલ્લુ રાઈસ (એ વળી શું? મને પણ ખબર નથી) પીરસી દે છે.

આવું સૌથી વધુ લેખન અને અભિનયમાં જોવા મળે. દરેક કળાની જેમ આ ક્ષેત્રમાં પણ રિયાઝનું સૌથી વધુ મહત્ત્વ હોય છે. શાળા-કૉલેજમાં નાટકબાટકમાં ટ્રોફી મળી જાય એટલે રાતોરાત તમે અમિતાભ બચ્ચન, નસિરુદ્દીન શાહ કે શાહરૂખ ખાન નથી બની જતા. આ સૌ મહાન કલાકારોએ એમના સ્કૂલના દિવસોમાં તમારી જેમ જ નાટકો કર્યાં હતાં, પણ એમના એ રફ હીરા પર વર્ષો સુધી પાસાં પડ્યાં પછી એમનામાં રહેલી તેજસ્વીતા બહાર આવી.

ફેસબુક પર કે બ્લૉગ પર કંઈક લખાણ મૂક્યું અને પાંચપચીસ જણાએ વખાણ્યું એને કારણે તમે કવિ કે લેખક નથી બની જતા શિસ્તબદ્ધ રીતે લેખનકળામાં પારંગત થઈને તમે વર્ષો સુધી ઉચ્ચકોટિનું લખાણ નિયમિત લખી શકો તે પછી તમારી જાતને લેખક કહેવડાવી શકો. અને લેખક બન્યા પછી મહાન લેખક તો હજારે એક બને. પણ આજકાલ તો સૌ કોઈ પોતાની જાતને રાઈટર, ઑથર કે સાહિત્યકાર કહેવડાવતું થઈ ગયું છે. જૂના સર્કસમાં લાંબા વાંસડા પર ઓવર સાઇઝ કપડાં પહેરીને ચાલતા જોકર જેવા હાસ્યાસ્પદ લાગે છે આવાં તથાકથિત લેખકો અને લેખિકાઓ.

ફાસ્ટફૂડના આ જમાનામાં ચટ મંગની અને પટ બ્યાહનું મહત્ત્વ વધી ગયું છે. કેટલીક વાનગીઓને બરાબર તૈયાર થઈ જાય એ માટે વિસમવા દેવાની હોય છે. પૂરેપૂરી કૂક થઈ ગયા પછી હજુ બીજી બેપાંચ મિનિટ એના પર વાસણ ઢાંકીને એની પોતાની વરાળમાં વધુ પકવવા દેવાની હોય છે જેથી એના મસાલાઓનો સ્વાદ ઊઘડે, એની સુગંધ નિખરે. પણ અહીં તો વિસમવાની આખી પ્રોસેસ જ ભૂલી જવાઈ છે. ‘ચડ ચૂલા ખાઉં’ની ઉતાવળ હોય છે. વાનગી પકવવા માટે ચૂલા પર મુકાઈ-ન મુકાઈ ત્યાં જ એને પીરસી દેવાની ઉતાવળ થતી હોય છે. 

અધીરાઈ અને ઉતાવળથી જો બચવું હોય, પોતાના કામમાં મૅચ્યોરિટી લાવવી હોય તો આ એક વાત સૌએ ગાંઠે બાંધી રાખવાની હોય. મૅચ્યોર થવું એટલે પાકવું. વાઈનને મૅચ્યોર થવા દેવો એટલે એનામાં ઠરેલપણું ઉમેરાવા દેવું. કેરી પાકવા દેવી એટલે એને મૅચ્યોર થવા દેવી. દીકરાના હાથમાં ધંધાની ધુરા સોંપતાં પહેલાં દીકરાને મૅચ્યોર બનવા દેવો પડે. દીકરીને પરણાવતાં પહેલાં એને ઠરેલ થવા દેવી પડે. જિંદગીમાં જો કોઈ સૂત્ર સૌથી વધુ ઉપયોગી થતું હોય તો એ મોહમ્મદ માંકડનું આ વાક્ય છે: રિયાઝનાં રેકોર્ડિંગ ન કંઈ હોય!

આજનો વિચાર

આપ પહાડ જિતના રિયાઝ કરો, ઉસમેંસે એક ગેંદ જીતના નિકાલ કે મહફિલ મેં પેશ કરો. આપ સુનનેવાલોં પે ગેંદ ડાલોગે, પર ગિરેગા પહાડ.

—ઉસ્તાદ અહમદજાન થિરકવાંસાહબ

એક મિનિટ!

એક વાર બકો સ્કૂલેથી પાછો ફરીને લિફ્ટમાં પોતાના ઘરે જતો હતો. લિફ્ટમાં એને એની જ સ્કૂલની કોઈ છોકરી મળી જે નાના બાળકને તેડીને એને છાનો રાખવાની કોશિશ કરી રહી હતી.

બકાએ લિફ્ટનું બટન દબાવતાં પૂછ્યું: ‘પહેલો કે બીજો?’

છોકરી ગુસ્સે થઈને બોલી:

‘અક્કલ નથી તારામાં…મારી ભાભીનો છે!’

બકાને હજુ સુધી સમજાતું નથી કે પોતાનો વાંક શું હતો!

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here