તમારા અસંતોષને તમે અન્યાયનું મહોરું પહેરાવો છો ત્યારે : સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ ક્લાસિક: ભાદરવા વદ ત્રીજ ૨૦૭૭. શુક્રવાર, ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૧)

જીવનમાં તમારી હેસિયત આજીવન ભાડાના ઘરમાં રહેવાની હોય તો તમારે સમજવાનું કે આ જ તમારી ઔકાત છે. તમારે કોઈના પેન્ટહાઉસ કે બંગલોને જોઈને અસંતુષ્ટ ન થવાનું હોય. જે ઘડીએ તમે તમારી લાયકાત સમજ્યા વિના અસંતુષ્ટ બની જશો એના બીજા જ દિવસે તમારો અસંતોષ છુપાવવા તમે અન્યાયની ફરિયાદ કરતા થઈ જશો. તમને ક્યાં ક્યાં અન્યાય થયો છે એની લાંબી યાદી તૈયાર કરીને તમારી લાકડાની તલવાર વડે તમારાથી વધુ સુપાત્રોની સામે કડવા બનીને ઝઘડો વહોરતા થઈ જશો. પોતાને થયેલા ‘અન્યાય’ સામે લડનારાઓ સમાજમાં ઘણા છે અને એમને સાથ આપીને પોતાની ભાખરી શેકવા માગતા લોકો પણ ઘણા ફૂટી નીકળ્યા છે જેમને વિદેશથી ફંડ મળી રહે છે.

ભગવાને તમને ભાડું ભરવાની ત્રેવડ આપી છે એ કેટલા મોટા આશીર્વાદ છે કે તમે કમ સે કમ બેઘર તો નથી એવા સંતોષથી જીવવાને બદલે આ સમાજ દ્વારા કે સમાજના કોઈ એક વર્ગ દ્વારા કે પછી ભગવાન કે કુદરત દ્વારા તમને ‘અન્યાય’ થયો છે એવું વિચારતા રહેશો તો તમારા આખા જીવનમાં કડવાશ વ્યાપી જશે.

અન્યાય આખી જુદી વાત છે. અસંતોષ જુદી વાત છે. આ બંને વચ્ચેનો તફાવત જો સમજી લેવામાં આવે તો દુનિયા આખીમાં થતા વર્ગવિગ્રહો એક રાતમાં મટી જાય.

કુદરત સૌ કોઈને એના ગજા પ્રમાણેનું આપે છે. કવિ શોભિત દેસાઈ પેલી જાણીતી કહેવતને આગળ લંબાવતાં ઘણી વાર કહેતા હોય છે કે ભગવાન હાથીને મણ, કીડીને કણ અને એક્સવાયઝેડને પણ આપે છે. (આ એક્સવાયઝેડમાં કોઈ લાયકાત વગરના કવિનું નામ આવે, ક્યારેક લાયકાત વગરના પત્રકાર, સાહિત્યકાર, અભિનેતા વગેરેનું નામ આવે. ડિપેન્ડ્સ ઑન મૂડ). ‘એક્સવાયઝેડને પણ’ તો મતલબ એ થયો કે ભગવાન ઘણી વખત તો લાયકાત ન હોય એવી વ્યક્તિને પણ આપતો હોય છે.

સમજવાનું આ છે આપણે. ભગવાન ક્યારેય અન્યાય કરતો નથી. અન્યાય થતો હોય એવું લાગતું હોય તો તે આપણે જ આપણને કરતા હોઈએ છીએ – આપણા સમયને વેડફીને, આપણી શક્તિ ખોટી દિશામાં ખર્ચીને, આપણી આળસને લૅક ઑફ ઑપોર્ચ્યુનિટીનું નામ આપીને, આપણા કામમાં પૂરેપૂરી નિષ્ઠા ન નિચોવીને. આવી રીતે જિંદગી જીવનારાઓ જીવનમાં ઉપર ન આવે અને મને અન્યાય થાય છે એવું જતાવે એ વળી ક્યાંનો ન્યાય? એવા લોકો માટે સહાનુભૂતિ પણ કેવી રીતે હોઈ શકે?

અસંતોષ પોઝિટિવ હોઈ શકે. મૂકેશભાઈને અસંતોષ હોય કે આ વખતે ‘ફૉર્બ્સ’ના બિલિયોનેરની યાદીમાં મારો નંબર આટલામો જ કેમ તો નેક્સ્ટ યર તેઓ કંપની માટે વધારે મહેનત કરી/કરાવીને હજુ વધારે આગળ આવી શકે. કોઈ પટાવાળાના પુત્રને એસ.એસ.સી.માં ઓછા ટકા આવ્યાનો અસંતોષ હોય તો એ નેક્સ્ટ બે વરસમાં વધારે મહેનત કરીને બારમામાં ટૉપર બની શકે. પણ મૂકેશભાઈ કે વિદ્યાર્થી જો ‘મને અન્યાય થયો છે’ એવી રટ લગાવીને બેસી રહેશે તો ક્યારેય ઉપર નહીં આવે.

આપણને ટેવ હોય છે આપણા અસંતોષની ઉપર અન્યાયનું લેબલ ચિપકાવીને આપણી કમીઓને ઢાંકી દેવાની. કમીઓને ઢાંકી દેવાથી એ દૂર થઈ જવાની નથી. તમને જો ભાડાના ઘરમાં રહેવાનો અસંતોષ થાય તો તમારે બે પૈસા વધુ કમાઈને પોતાનું ઘર ખરીદવા માટે બચત શરૂ કરી દેવી જોઈએ. પણ તમારા અસંતોષને જો તમે અન્યાયનું નામ આપીને કે ક્લેશ કરવા માંડશો કે આ તે કંઈ સાલી દુનિયા છે, આટઆટલી મજૂરી કરીને-સવારથી સાંજ સુધી બરડો ફાટી જાય એટલું કામ કરીને-મહિનાને અંતે મળે છે શું? – તો તમે ક્યારેય ઉપર નહીં આવો. એટલું જ નહીં, અત્યારે જે કંઈ મળ્યું છે તે બધું પણ એ કકળાટ, કલેશની જ્વાળામાં હોમાઈ જશે.

સામાજિક સ્તરે અને રાજકીય ક્ષેત્રે બીજાની ચિતા પર ભાખરી શેકવા માગતા લેભાગુઓ આપણા અસંતોષને અન્યાયનાં ચશ્માંથી દેખાડીને પોતાના લાભ ખાટી જતા હોય છે. આપણે નિર્દોષ અને અણસમજુ પ્રજા એમની વાતોમાં આવી જઈને ‘ન્યાય માગતા’ થઈ જઈએ છીએ.

શેનો ન્યાય જોઈએ છે? અન્યાય જ નથી થતો તો ન્યાય ક્યાંથી મળવાનો? હા, અસંતોષનો ઈલાજ છે. વધારે મહેનત કરીએ, દિલથી અને સાચી દિશામાં મહેનત કરીએ, દિલચોરી અને કામચોરી ન કરીએ, નિષ્ઠા અને પ્રામાણિકતા એમાં ભેળવીએ. આટલું કરીશું તો જે અસંતોષ હશે તે દૂર થવાનો જ છે. પણ અસંતોષને જો અન્યાયનું મહોરું પહેરાવા દીધું તો આપણે તો ડૂબીશું જ, સાથે આખા સમાજને સાથે લઈને ડૂબીશું.

આજનો વિચાર

તમે દુઃખી હશો તો એનો અર્થ એ કે તમને જીવનમાં કોઈકને દુઃખી કરવાનું મન થયું હતું. તમને લાગતું હોય કે તમે પીડિત છો, પરેશાન છો, ચિંતાગ્રસ્ત છો, સંતાપભર્યા છો, તમારી શાંતિ ખોવાઈ ગઈ છે, તમારી મઝા છીનવાઈ ગઈ છે, જીવનમાં પ્રસન્નતા નથી તો માની લેજો કે જરૂર તમે જીવનની સાથે આ જ કર્યું છે. જીવનની સાથે જે કરો છો એનું જ પ્રતિફળ તમને મળે છે.

— રજનીશજી

4 COMMENTS

  1. જીવનપંથ ની કેડીને કંડારવાનો માર્ગ આપના દ્વારા મળી રહ્યો છે

  2. BHAGVAD GITA KARTA PAN VADHARE SARU ANE SARAL SAMJAYU.
    EXTRA ORDINERY FINE FINE FINE.
    JIVAN MA BETHA KARI DITHA.

    WAH SAURAVBHAI TAMARI VANI SANT KARTA E ADKI CHE.
    THANK YOU VERY MUCH .

  3. Osho’s quote is crown in this article, incidentally I’m in Osho shivir, with his younger brother swami Shailendra ji , listening all that what’s mentioned in this article 🙏in your articles I feel influence of teachings of Osho .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here