મોડે મોડે આવતું ડહાપણ કેટલું કામનું – સૌરભ શાહ

( ‘લાઉડ માઉથ’:’સંદેશ’, અર્ધ સાપ્તાહિક પૂર્તિ, બુધવાર, 22 સપ્ટેમ્બર, 2021)

કેટલી બધી એવી વાતો શીખવા મળે છે જીવનમાં જે જાણ્યા પછી થાય કે નાના હતા ત્યારે જ જો આ વાત કોઈએ શીખવાડી દીધી હોત તો કેટલું સારું થાત. પચ્ચીસ વર્ષની ઉંમરે થાય કે ટીન એજમાં આ ડહાપણ કોઈએ સમજાવ્યું હોત તો આજે જિંદગી કેટલી જુદી હોત. પચાસ વર્ષની ઉંમરે થાય કે આ જ વાત 25 વર્ષ પહેલાં કોઈએ સમજાવી હોત તો અત્યારે ક્યાંથી ક્યાં પહોંચી ગયા હોત. અને 75 વર્ષની ઉંમરે કોઈ નવી ડહાપણની દાઢ ફૂટે તો થાય કે હવે મારે કેટલાં વર્ષ? આ બધું નવું આવેલું ડહાપણ હવે મારા માટે શું કામનું?

સદ્‌બુદ્ધિનું પ્રાગટ્ય જે ઉંમરે થાય, જેટલું થાય – કશુંય એળે જતું નથી. આ ડહાપણ અગાઉ આવી ગયું હોત તો જિંદગી ઘણી સુધરી ગઈ હોત, આપણે ક્યાંથી ક્યાં પ્રગતિ સાધી હોત એવો અફસોસ માત્ર પોતાની જાતને આશ્વાસન આપવા પૂરતો જ કામનો હોય છે. યાદ કરો, તમે જે ઉંમરને યાદ કરો છો એ ઉંમરે, 15-25-50ની ઉંમરે શું તમને આવી કોઈ ડહાપણભરી વાતો ક્યારેય કહેવામાં જ નહોતી આવી? સદ્‌બુદ્ધિ ઠાંસી ઠાંસીને ભરી હોય એવી વાતો ક્યાંય તમે વાંચી કે સાંભળી જ નહોતી? કહેવામાં આવીહતી, વાંચવા-સાંભળવામાં પણ આવી હતી. પરંતુ તે વખતે તમારું મન એવી વાતોને ઍબ્ઝોર્બ કરવા નહોતું માગતું? શું કામ? એ વખતે તમારું મન બીજી ઘણી વાતોને પોતાનામાં શોષી લેવા આતુર હતું – એ વાતો જેને કારણે તમે અત્યારે જ્યાં છો ત્યાં છો, અને જો એ વાતો તમારા મનમાં છપાઈ ન ગઈ હોત તો અત્યારે તમે અધૂરા હોત, પ્રગતિ કરી શક્યા ન હોત.

દરેક વ્યક્તિના મનની નિર્ધારિત ક્ષમતા હોવાની. બ્લૉટિંગ પેપરના ટુકડા પર અમુક નિશ્ચિત માત્રામાં જ સ્યાહી શોષાઈ શકશે. આખો ખડિયો એના પર ઢોળાશે તો એટલું બધું પ્રવાહી ઍબ્ઝોર્બ નહીં થાય. જે ઉંમરે તમારા મનમાં જે કંઈ અને જેટલું સ્વીકારવાનું હતું તે સ્વીકારી લીધું. વખત જતાં ત્યાં જગ્યા થઈ એટલે વધારાના ડહાપણની વાતો સ્વીકારતું થયું. આને જ કદાચ કહેતા હશે કે ઉંમરની સાથે અનુભવ આવે અને અનુભવની સાથે ડહાપણ આવે.

પચ્ચીસ-પચાસ કે પંચોતેર વર્ષે આવેલું ડહાપણ હવે મારા તો કોઈ કામનું નથી કારણ કે એ વખત હવે નીકળી ગયો એવું વિચારીને આપણે આ ડહાપણનો લાભ આપણા નાના ભાઈબહેનોને કે સંતાનોને આપવાની કોશિષ કરતા હોઈએ છીએ. અહીં આપણે બે ભૂલ કરીએ છીએ.

એક તો એ વિચારવું કે મોટી ઉંમરે આવેલું ડહાપણ આપણા કોઈ કામનું નથી —કારણ કે હવે ક્યાં એની જરૂર પડવાની, વખત તો નીકળી ગયો. એવું નથી. ડહાપણ જ્યારે, જેવું, જેટલું મળે એ કામનું હોય છે. એના એ જ સ્વરૂપે કોઈ વખત કામ ન લાગે તો એને બીજા કોઈ ક્ષેત્રમાં ઉપયોગમાં લઈ શકાય. ધંધા કે નોકરીમાંથી નિવૃત્તિ લઈ લીધા પછી ડહાપણ આવે કે અમુક પરિસ્થિતિમાં ધંધામાં આ નહીં પણ પેલી રીતે વર્તવાનું હોય કે નોકરી કરતી વખતે અમુક જગ્યાએ ટણી કરવાનું છોડીને સમાધાન કરી લેવાનું હોય તો હવે રિટાયર્મેન્ટ પછી એ ડહાપણ શું કામનું – આવું તમને લાગે. પણ આ જ ડહાપણનો તમે તમારા અંગત-સામાજિક-કૌટુંબિક વ્યવહારોમાં સહેજ જુદી રીતે ઉપયોગ કરી જ શકતા હો છો. કોઈ એક ક્ષેત્રમાં કરેલી ભૂલો તમે અન્ય ક્ષેત્રમાં સાવધાની વર્તીને ટાળી શકતા હો છો.

નવું જ્યારે પણ શીખવા મળે, જાણવા મળે, કોઈ પણ ઉંમરે પ્રાપ્ત થાય – એને સ્વીકારવા અને જીવનમાં એનો અમલ કરવા આતુર રહીશું તો છેલ્લા શ્વાસ સુધી તાજગીસભર રહીશું, બીજાઓ માટે અપ્રસ્તુત નહીં બની જઈએ અને જીવવા માટે ઉત્સુકતા સાથે જીવ્યા કરીશું. મુડદાલ નહીં બની જઈએ. ઇર્રિલેવન્ટ નહીં થઈ જઈએ. નકામા નહીં લાગીએ લોકોને. તમારું સ્વમાન, આત્મગૌરવ – બધું જ જળવાશે.

બીજી ભૂલ એ થતી હોય છે કે આપણે વિચારીએ છીએ મારા માટે આ ડહાપણ હવે બહુ કામનું નથી એટલે ચાલ હું એને મારાં નાનાં ભાઈબહેનોમાં કે પછી સંતાનોમાં વહેંચી દઉં. આવું વિચારીને આપણે લોકોનો ઉદ્ધાર કરવા નીકળી પડીએ છીએ. ‘તારા જેવડો હતો ત્યારે મારામાં એટલી અક્કલ નહોતી કારણ કે મને કોઈએ આવી વાત કહી નહીં. તું નસીબદાર છે કે તારી પાસે કોઈક છે આવું માર્ગદર્શન આપનારું. તો સાંભળ મારી વાત, અને સુધરી જા’ – આવું કહીને આપણે મિથ્યા સંતોષમાં રાચતા થઈ જઈએ છીએ કે આપણે લોકોનું ભલું કરી નાખ્યું.

હકીકત એ છે કે તમારી આસપાસના લોકો પર તમારા શબ્દોની અસર ઝાઝી નથી પડતી, તમારા વર્તનની અસર ઘણી વધારે પડે છે. તું રોજ સવારે પાંચ વાગ્યે ઊઠીને કસરત કર એવી સલાહની અસર બહુ નહીં પડે તમારાં સંતાનો પર. પણ તમે જીવનમાં મોડે મોડે પણ જ્ઞાન લાધ્યા પછી આવું કરતાં થઈ જશો તો તમારું જોઈને બાળકો પણ વહેલા ઊઠતા થઈ જશે અને ભલું પૂછો તો તમને યોગાસન – પ્રાણાયામની સમજ આપતા પણ થઈ જશે.

હું જે નથી કરી શક્યો કે મને જે નથી મળ્યું તે હું મારાં સંતાનો માટે કરું કે એમને આપું એવું કેટલાક પેરેન્ટ્સ માનતા હોય છે. ઘણી વખત એવું બને છે કે તમે એમના માટે જે કરવા માગો છો, એમને જે આપવા માગો છો તે એમને નથી જોઈતું હોતું. પણ તમે સમજતા નથી. તમે પરોપકાર કરી નાખવાની તમારી જ ધૂનમાં આગળપાછળ જોયા વિના ચાલતા રહો છો. બહેતર એ છે સંતાનોને રાતોરાત ડહાપણનો ભંડાર આપી દેવાના મોહમાંથી બચીએ. એમને એમની રીતે આગળ વધવા માટે છુટ્ટા મૂકી દઈએ. એમને નડીએ નહીં. એમની આડે ન આવીએ. આટલું કરી શકીએ તોય ઘણું છે. પણ આપણે વિચારતા રહીએ છીએ કે મારી આંખ સામે કોઈ કૂવામાં પડતું હોય તો શું મારે એને કૂવામાં પડવા દેવાનો / દેવાની?

ભલા માણસ, તમે સમજતા નથી. તમે જેને કૂવો માની બેઠા છો એ તમારા બેતાળાં કે મોતિયાનો પ્રતાપ છે. વાસ્તવમાં ત્યાં કૂવો છે જ નહીં – એ તો કોઈ એક એવું નવું વિશાળ મેદાન છે જે તમે બાપજન્મારે જોયું નથી. તમારાં સંતાનો તમારી આંગળી છોડીને એ મેદાનમાં, એ ક્ષેત્રમાં, એ નવી દુનિયામાં જઈને નવાં નવાં શિખરો સર કરવા માગે છે.

અને છેલ્લી વાત. જો તમને એવું લાગતું હોય કે મેં જીવનમાં જે કંઈ નથી કર્યું કે નથી મેળવ્યું તે હવે હું મારા સંતાનો માટે કરું કે એમને આપતો જાઉં / આપતી જાઉં તો વડીલ, તમને વિનંતી કે એમની વાત છોડો. તમે તમારા માટે એ બધું કરવાનું શરૂ કરો, તમે તમને એ બધું આપવા માંડો. તમારી જિંદગી પૂરી નથી થઈ. હજુ તો શરૂ થઈ રહી છે.

સાયલન્સ પ્લીઝ!
જિંદગીમાં બધું અણધાર્યું જ બનતું રહેવાનું છે અને એ જ સારું છે. જે નવલકથા કે ફિલ્મનો અંત તમને પહેલેથી જ ખબર હોય એને માણવાની મઝા આવે?
-અજ્ઞાત

5 COMMENTS

  1. આ લેખ જીવન માં સંબંધો નું અને વ્યવહાર નું બલેન્સ કેમ રાખવું એ સૂચવે અને શીખવે છે.જીવન ની દરેક અવસ્થા એ પછી ઉમર કે પરિસ્થિતિ જન્ય હોય ત્યારે કેમ આગળ વધવું અને તમારા વિચારો એ પરિસ્થિતિ મા કેવી રીતે રાખવા એ સુચવે છે

  2. સાવ સાચું છે..પણ શિખામણ તો હમેશા દેવા માટે જ હોય છે ને ?

  3. સાહેબ, તમે એવા મરજીવા છો, જે હરરોજ નિયમિત રીતે ઊંડા સાગરને તળિયેથી કિંમતી મોતીનો ખજાનો અમારા જેવા ભાવકો માટે હાજર કરી દો છો, સલામ છે તમને.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here