ગંગા, કુંભમેળો, સંસ્કૃત, આયુર્વેદ અને નોર્થ-સાઉથ ડિવાઈડ અંગેની કેટલીક ગેરમાન્યતાઓ : સૌરભ શાહ

(તડકભડક : ‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, રવિવાર, ૭ ફેબ્રુઆરી ૨૦૨૧)

કેટલીક વાતો આપણા માનસમાં એવી યુક્તિથી ઘુસાડી દેવામાં આવે છે કે આપણે તરત માની લઈએ છીએ અને લાખ પુરાવાઓ છતાં એને ત્યજવા તૈયાર થતા નથી.

આવી એક માન્યતા છે કે ગંગા નદી હવે પવિત્ર નથી રહી, એમાં ગંદકી પુષ્કળ છે અને એનું પાણી પ્રદૂષણયુક્ત છે. હિંદી ફિલ્મ પણ આવી ગઈ: રામ તેરી ગંગા મૈલી. અને આનું કારણ આપતાં કહેવામાં આવે છે કે આપણે લોકોએ નહાઈને, ડૂબકીઓ લગાવીને ગંગાનું પાણી મેલું કરી નાખ્યું. પાપીઓના પાપ ધોવામાં ને ધોવામાં ગંગામૈયા પ્રદૂષિત થઈ ગઈ.

હકીકત કંઈક જુદી જ છે. ગંગોત્રીથી વહી આવતી ગંગા પવિત્ર જ છે. એનું જળ પવિત્ર છે. જો એ પાણી મેલું હોત, તબિયતને માટે હાનિકારક હોત તો પૂજ્ય મોરારિબાપુનું સ્વાસ્થ્ય અત્યારે છે એવું તંદુરસ્તીભર્યું ન હોત. ઈન ફૅક્ટ, વારંવાર બદલાતાં પાણીને કારણે તબિયત પર અવળી અસર ન પડે તે માટે ગંગાજળ સતત સાથે રાખવાનો એમનો આગ્રહ આવકાર્ય છે. તો ગંગા મેલી છે એવું શું કામ કહેવાય છે? હરદ્વાર પછી જેમ જેમ ગંગા આગળ વધતી જાય છે તેમ તેમ એના કાંઠા નજીક વસેલાં ગામ-શહેરોનો બે પ્રકારનો કચરો એમાં ઠલવાતો જાય છે એટલે એ પ્રદૂષિત થતી જાય છે, નહીં કે લોકોના નહાવાથી એનું પાણી ગંદું થઈ જાય છે. ગંગા કિનારે વસેલાં ગામ-શહેરોની વસ્તી જે મળમૂત્રનું વિસર્જન કરે છે તે ગંદકીનો નિકાલ કરવાનું સરળ અને સૌથી ઝડપી માધ્યમ આ નદી બની ગઈ છે. એમાં ઉમેરાય છે આ ગામ-શહેરોની ઔદ્યોગિક વસાહતો દ્વારા ઊભો થતો કેમિકલયુક્ત ઈન્ડસ્ટ્રિયલ વેસ્ટ. આ બંનેને કારણે ગંગામાં પ્રદૂષણ ફેલાય છે, ગંગામાં ડૂબકી લગાવતા શ્રદ્ધાળુઓને લીધે એ અપવિત્ર નથી થતી. આટલો પાયાનો ડિફરન્સ સમજવા જેવો છે. ગંગામાં પધરાવાતાં અસ્થિ તેમ જ ફૂલપાંદડાં વગેરેને કારણે પણ એટલું પ્રદૂષણ નથી સર્જાતું જેટલું આ બે કારણોસર સર્જાય છે. આ સમજવાની વાત છે. લંડન જે નદીના કાંઠે વસેલું છે તે થેમ્સ નદીને પણ પ્રદૂષણનો ઘણો મોટો પ્રશ્ર્ન નડ્યો હતો. વેનિસ જેના માટે વખણાય છે તેની નહેરો પણ એક જમાનાના ધારાવી જેટલી ગંધાતી હતી. લંડન કે વેનિસ જઈને લોકો ડૂબકી નથી લગાવતા કે ત્યાં અસ્થિ-ફૂલ નથી પધરાવતા છતાં ત્યાંનું જળ પ્રદૂષિત છે. આપણે આપણી નબળાઈ ઢાંકવા બીજાની નબળાઈઓ ગણાવીએ ત્યારે ભૂંડા લાગીએ પણ બધી નબળાઈઓ એકલા તમારામાં જ છે અને બાકીના બધા જ સતના પૂતળા છે એવું બીજાઓ કહેતા હોય છે ત્યારે ચૂપચાપ સાંભળી લઈએ ત્યારે આપણે નમાલા, બાયલા અને ભીરુ લાગીએ. ભીરુ લાગવા કરતાં ભૂંડા દેખાવું સારું – જો આ જ બે ચોઈસ હોય તો.

ગંગામાં ઠલવાતી ગંદકીને રોકવાની યોજના જોરશોરથી આગળ વધી રહી છે. સ્વચ્છ ગંગાનું અભિયાન ગ્રાસરૂટ લેવલ સુધી પ્રસરી રહ્યું છે. વારાણસીમાં જે નૌકામાં બેસો એમાં ચણામમરા ખાધા પછીની ખાલી પુડી ફેંકવા માટે નાનકડી કચરા ટોપલી હોય છે. દિવસ દરમિયાન ગંગાના ઘાટ પર યુનિફોર્મ પહેરેલા સફાઈ કર્મચારીઓ સતત કામ કરતા જોવા મળે. ઈન્ડસ્ટ્રિયલ કચરો તેમ જ માનવદેહનો નૈસર્ગિક કચરો ગંગામાં ન ઠલવાય પણ એને ચોખ્ખો કરીને એમાંથી કુદરતી ખાતર તેમ જ બિનહાનિકારક વેસ્ટ બનાવીને એનો ઉપયોગ કરવામાં આવે એની યોજનાઓ પણ ધમધમતી થઈ ગઈ છે. પણ આ બધાનું રિઝલ્ટ કંઈ રાતોરાત તમને મળવાનું નથી. વર્ષોથી, વર્ષોથી નહીં દાયકાઓથી, અને દાયકાઓથી નહીં સૈકાઓથી જે કચરો ઠલવાતો રહ્યો છે તેને રોકીને પાંચ વરસમાં જ ગંગાને ચોખ્ખીચણાક બનાવી દેવાશે એવી આશા વધારે પડતી છે.

આવી જ એક મિથ ચલાવવામાં આવે છે દેશમાં વિવિધ સ્થળોએ યોજાતાં કુંભમેળાઓ વખતે. કુંભમેળામાં અવ્યવસ્થા સર્જાય છે, ધમાચકડીમાં ક્યારેક અકસ્માતો સર્જાય છે, માણસો મરી જાય છે અને એવા વખતે હિંદુઓની આસ્થા પર પ્રહાર કરતા રિપોર્ટ્સ ટીવીની ચેનલો તમારા માથા પર ઠોકે છે. હજયાત્રા વખતે કેટલીય વાર સેંકડો આસ્થાળુઓ ચગદાઈને મરી ગયા છે. ત્યારે કોઈ ઈસ્લામની ધાર્મિક પરંપરાની ટીકા કરવાની હિંમત નહીં કરે. માત્ર કુંભમેળાની અવ્યવસ્થા જ તમને દેખાશે.

કુંભમેળાઓ જે જમાનામાં કમ્યુનિકેશનની આસાન સુવિધાઓ નહોતી ત્યારે એની ખોટ પૂરવા માટે સર્જાયા. એના પાછળની પૌરાણિક કથાઓ ઈન્ટરેસ્ટિંગ છે. પણ વાસ્તવિક કારણ એ હતું કે દર ચાર કે બાર વર્ષે ભારતના કોઈને કોઈ નગરમાં આખા દેશમાંથી આવેલા પ્રબુદ્ધજનો – સાધુસંતો ભેગા થાય, પોતપોતાના પ્રદેશોમાં શું શું થઈ રહ્યું છે તેની માહિતીનું આદાનપ્રદાન કરે, નવા જ્ઞાનપ્રવાહો વિશે ચર્ચા કરી એકમેકને સમૃદ્ધ કરે અને આ રીતે દેશની એકતા, અખંડિતતા વધુ મજબૂત બને. આવી ભલી પરંપરા છે કુંભમેળાની અને આપણને ટીવીવાળાઓ કુંભમેળાનાં ક્યાં દૃશ્યો વારંવાર દેખાડે છે? નાગા બાવાઓનાં, વિવિધ અખાડાઓ વચ્ચે શાહી સ્નાન અંગે થતી તકરારોના, ભીડના, ગંદકીના.

તમે વિચાર કરો કે ભારતના નૉર્થ-સાઉથ ડિવાઈડ વિશે અત્યાર સુધીમાં કેટલા ટન વાંચન તમારા માથા પર ફટકારવામાં આવ્યું. ઉત્તર ભારત અને દક્ષિણ ભારત વચ્ચે સંસ્કૃતિની, ભાષાની, પરંપરાની કેટલી મોટી ખાઈ છે એવું તમને ઈતિહાસની તમારી ટેકસ્ટબુકોથી માંડીને તમારા છાપાં-ટીવીવાળાઓ કહ્યા કરે છે. વારાણસીમાં તમે શું જુઓ છો? તમિળનાડુથી મેક્સિમમ જાત્રાળુઓ મહાશિવરાત્રિ નિમિત્તે અહીં આવે છે. આપણે તિરુપતિ જઈને વાળ ઉતરાવીએ એમ ત્યાંથી આવનારા યાત્રાળુઓ અહીં કાશી વિશ્ર્વનાથનાં દર્શન કરીને વાળ ઉતરાવે. મંદિરની ગલીઓમાં ફૂલો વેચનારાઓ પણ આ યાત્રાળુઓની માતૃભાષા તમિળમાં ફૂલોના ભાવ બોલતા થઈ ગયા છે. હવે તમે જ કહો કે ભાષા, સંસ્કૃતિ કે બીજાં કોઈપણ કારણોસર આ દેશને કોણ તોડી શકવાનું છે? આવી ભાવનાત્મક, સામાજિક તથા પારંપરિક એકતાનો સામ્યવાદી વિચારસરણી ધરાવતા એન્ટી હિન્દુ સેક્યુલરો કેવી રીતે ભંગ કરાવી શકવાના છે. હા, અત્યાર સુધી તેઓ મોટી અને વગ ધરાવનારી ખુરશીઓ તથા હોદ્દાઓ પર બેઠા હતા એટલે તમને લાગતું હતું કે તેઓ જે કહે છે તે સાચું છે. પણ હવે બીજી ઘણી બાબતો સહિત આ વાતમાં પણ દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ રહ્યું છે.

રહી સંસ્કૃત ભાષાની વાત. ‘સંસ્કૃત ઈઝ અ ડેડ લેન્ગવેજ’ એવું તમે કેટલીવાર સાંભળ્યું? હકીકત એ છે કે સંસ્કૃત ડેડ લેન્ગ્વેજ નથી. હજુય એ જીવે છે, તંદુરસ્તીથી જીવે છે. સ્કૂલમાં તમારો દીકરો ફ્રેન્ચ લે કે દીકરી જર્મન લે એટલે કંઈ સંસ્કૃત મરી પરવારવાની નથી. ફ્રેન્ચ – જર્મન જેવી શીખવામાં અત્યંત કઠિન ભાષાને સિલેબસમાં મૂકીને એવો અભ્યાસક્રમ બનાવવામાં આવ્યો છે કે તમે એમાં ચિક્કાર માર્ક્સ સ્કોર કરી શકો. ભાષા ન આવડતી હોવા છતાં, ઓબ્જેક્ટિવ ટાઈપના ક્વેશ્ચન્સને કારણે તમને વધારે પર્સન્ટેજ આવે.

ફ્રેન્ચ-જર્મન જ નહીં, અંગ્રેજીની બાબતમાં પણ એવું જ થયું છે. નવી એસ.એસ.સી.નો પ્રથમ બૅચ મારો. અંગ્રેજીમાં આખી સ્કૂલમાં હાઈએસ્ટ માર્ક્સ આવ્યા. વિચાર કરો ગુજરાતીમાં નહીં પણ અંગ્રેજીમાં. કેવી રીતે? એક દાખલો આપું. દસ માર્ક્સનો નિબંધ. તમારી લેખનકળાની ચકાસણી કરવા માટે નિબંધ પૂછાતો હોય. અમારા પ્રશ્ર્નપત્રમાં આખેઆખો નિબંધ છાપીને એમાંથી દર થોડાક વાક્યમાંથી એક એક શબ્દ કાઢી લઈને ત્યાં ખાલી જગ્યા મૂકવામાં આવી હતી. નીચે એ દસે દસ શબ્દોને જમ્બલ અપ કરીને મૂકવામાં આવ્યા હતા. તમારે એમાંથી એક એક શબ્દ પકડીને પેલી ખાલી જગ્યામાં મૂકી દેવાનો. રોકડા દસ માર્ક્સ તમારા ગજવામાં નિબંધમાં તે વળી કોઈ દિવસ દસમાંથી દસ માર્ક્સ હોતા હશે? પણ આ રીતે આપી દેવામાં આવતા. અંગ્રેજીના ૧૦૦ માર્ક્સના પેપરની સામે સંસ્કૃત ૫૦ માર્ક્સનું પણ એનો અભ્યાસક્રમ એટલો અઘરો કે તમે રામ, રામૌ, રામ: ની વિભક્તિઓની ગોખણપટ્ટીમાંથી જ ઊંચા ના આવો. સંસ્કૃતનો અભ્યાસ જાણી જોઈને કંટાળાજનક બનાવી દેવામાં આવે અને પછી ડિકલેર કરવામાં આવે કે ‘સંસ્કૃત ઈઝ અ ડેડ લેંગ્વેજ’.

સંસ્કૃતમાં લખાયેલા આપણા આયુર્વેદના ગ્રંથોને ભુલાવી દેવાનું કાવતરું સૈકાઓ સુધી ચાલ્યું પણ નાકામિયાબ રહ્યું. આયુર્વેદની ચિકિત્સા પદ્ધતિમાં શસ્ત્રક્રિયા, દાંતની શલ્ય ચિકિત્સા ( એટલે કે ઑપરેશન કે સર્જરી કે પ્રોસિજર) વગેરે બધું જ થતું. પણ ક્રમશ: ભુલાઈ ગયું. એમાં આગળ સંશોધન ન થયું. એલોપથીવાળા કહેશે કે આયુર્વેદવાળા શું બાયપાસ સર્જરી કરી શકવાના હતા?

મારો જવાબ એ છે કે આયુર્વેદની જેમ એલોપથીને પણ ગળું ઘોંટીને સદીઓ પહેલાં સ્થગિત કરી દેવામાં આવ્યું હોત તો એલોપથીમાં પણ આજે શસ્ત્રક્રિયાઓ ન થતી હોત અને વધારે સાચો જવાબ એ છે કે આયુર્વેદને જનસામાન્ય સુધી પહોંચતા રોકવામાં એલોપથિક કાવતરાઓ પર કાવતરાં ન થયાં હોત તો આયુર્વેદ, યોગ, પ્રાણાયમને લીધે પ્રજાનું આરોગ્ય જ એટલું સુધરી ગયું હોત કે આવી બાયપાસ-ફાયપાસની જરૂરો જ ઊભી ન થઈ હોત. મારી આ વિચારસરણીને વધુ દૃઢ કરવામાં બે-ત્રણ વર્ષ પહેલાંની વારાણસીની મુલાકાતે ઘણો મોટો ભાગ ભજવ્યો હતો.

પાન બનાર્સવાલા

જિંદગી જીવવાની એકમાત્ર સાચી રીત એ જ છે કે વિચારો કર્યા કરવાને બદલે કામ કરવાનું શરૂ કરીએ.

— અજ્ઞાત

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને આર્થિક સપોર્ટ આપો : સૌરભ શાહ

પ્રિય વાચક,

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના કે જાહેરખબરોની આવક વિના ચાલતું કોઈનીય સાડીબારી ન રાખતું એક વિશ્વસનીય ડિજિટલ મિડિયા છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનોનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા સ્વતંત્ર પ્લેટફૉર્મની આજે સખત જરૂર છે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મી એવા પત્રકાર સૌરભ શાહ દ્વારા થઈ રહી છે. પૈસાની અપેક્ષા તમારે પૂરી કરવાની છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

5 COMMENTS

  1. सम्प्रति संस्कृतभाषा जनभाषा दृश्यते । बहव: संस्कतपरिवारा: अपि सन्ति । संस्कृतभाषा सरला भाषा अस्ति । सौरभमहोदयाय धन्यवादा: ????

  2. વિદેશ ની હાર્વર્ડ અને એના જેવી ગણી બદમાશ એજન્સીઓ કુંભમેળા વિશે નો મોટો ડેટાબેઝ તૈયાર કરી રહી છે.આપણું મીડિયા પોરસાઈ ને કહે છે કે જુઓ આવી મોટી વિદેશી સંસ્થાઓ પણ કુંભમેળા નો વિસ્તૃત અભ્યાસ કરી રહી છે. ખરેખર તો આ ડેટાબેઝ નો ઉપયોગ બ્રેકીંગ ઇન્ડિયા ના કાવતરા માટે થવાનો છે.ભારતીય પ્રજા ની યુનિટી તોડવા માટે ની નબળી કડીઓ એમાંથી શોધી ને મિશનરીઓ ને એ પુરી પાડી ને આ કામ કરવા માં આવશે.ભારત સરકારે તાબડતોબ આ પ્રવૃત્તિ બંધ કરાવવી જોઈએ.

  3. Excellent article… ટાઈટલ વાંચીને જ વાંચવા પ્રેરાઈ જવાય. આપે ઘણી ગેરમાન્યતાઓને દૂર કરી દીધી છે. દરેક વ્યક્તિના મગજમાં આ બાબતોની સ્પષ્ટતા હોવી જ જોઈએ જે આપે કહી છે. I am going to share this article….Definitely. Thanks for this post sir

  4. Saurabbhai – Agreed, our history our culture everything was suppressed or changed and purposefully tried dividing us so they can rule. Ayurved and yog if you follow you can stay healthy long time. Allopathy has one more racket changing blood results numbers. Example Glucose in blood before 1997 – it was 140, around 1997 changed from 140 to 126, then 110 and now 99. So more number of peoples declared by them to be pre diabetic and then diabetic so they can give more mass their drugs and make money.

  5. સાચી વાત છે અને
    આટલી ચઢાઈઓ છતાં संस्कृति જળવાઈ રહી છે
    યોગીજીએ કરેલી કુંભમેળાની વ્યવસ્થા ખૂબ જ સુંદર અદ્ભુત અકલ્પ્ય હતી
    પ્રયાગરાજમાં દુનિયાનો સૌથી મોટો મેળાવડો સફળતાની ચરમસીમાએ પહોંચ્યો
    આશાના કિરણ ચોમેર ફેલાઈ રહ્યા છે
    જય હો ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here