એક ઘા ને ૩૭૦ કટકા

ગુડ મૉર્નિંગ એક્‌સક્‌લુઝિવ : સૌરભ શાહ

(newspremi.com, મંગળવાર ૬ ઑગસ્ટ ૨૦૧૯)

લોકો મોદીની હિંમતને બિરદાવે છે, છપ્પનની છાતીને બિરદાવે છે. મોદીમાં હિંમત-સાહસ તો છે જ પણ એથી વિશેષ ઘણું બધું છે જે હાઈપમાં ઢંકાઈ જાય છે.
સૌથી પહેલી વાત છે – દ્રઢ સંકલ્પ. ૩૭૦ હટાવવી છે એવો નિર્ધાર મોદીએ પ્રથમ વખત વડાપ્રધાન બનવાની શક્યતા ઊભી થઈ હશે ત્યારનો કર્યો હશે. કારણ કે ૩૭૦ દૂર થવી જોઈએ એવી માગણીમાં એમને શ્રધ્ધા તો ઈવન ચીફ મિનિસ્ટર બનતાં પહેલાં પણ હતી. રામ માધવે એ ફોટો ટ્‌વિટર પર શેર કર્યા પછી સોશ્યલ મીડિયામાં ખૂબ ફર્યો છે. દ્રઢ સંકલ્પ મોદીની અપ્રતિમ સાહસિકતાનું પહેલું પગથિયું.

પણ આ પગથિયું – નિસરણીનું પ્રથમ ચણતર – ત્યારે બંધાય જ્યારે ભૂમિ એને અનુરૂપ હોય. ૩૭૦ દૂર થવી જોઈએ એવી માગણીમાં મોદીને શ્રધ્ધા ક્યારે બેસે? જ્યારે એમની પાસે સાચા ઈતિહાસની સમજ હોય ત્યારે. સેક્યુલરો અને સામ્યવાદીઓએ લખેલા ઈતિહાસથી જેનું ઘડતર થયું હોય એવા લોકો આજની તારીખે પણ બંધારણની ૩૭૦મી કલમ અનિવાર્ય છે, દૂર ન થવી જોઈએ એવું માને છે. પોતાનો કોઈ જ પોલિટિકલ એજન્ડા ન હોય તોય આવું માનવાની ભૂલ કરનારા આપણી આસપાસ પણ ઘણા છે.

સાચા ઈતિહાસની સમજવાળી ભૂમિકા અને એના પર ચણાયેલા દ્રઢ સંકલ્પના પ્રથમ પગથિયા પછી નેક્‌સ્ટ વારો આવે છે દીર્ઘ દ્રષ્ટિનો. લાંબુ વિચારવાની ટેવ મોદીને છે અને તે એમણે ડગલે ને પગલે પુરવાર કર્યું છે. કોઈ પણ પગલું ભરતાં પહેલાં એનાં ટૂંકા ગાળાનાં, મધ્યમ ગાળાનાં અને લાંબા ગાળાનાં પરિણામો શું આવશે એ વિશે મોદી ઝડપથી વિચારી શકે છે. ૨૦૦૨નાં રમખાણો, વાઈબ્રન્ટ ગુજરાત, ૨૦૧૪ની ચૂંટણીનો પ્રચાર, નોટબંધી, જીએસટી, અને ૨૦૧૯ની ચૂંટણી અને સર્જિકલ સ્ટ્રાઈક – અનેક ઉદાહરણો તમારી નજર સામે છે. ટ્રિપલ તલાક જેવા સેન્સિટિવ અને એના કરતાં હજારગણા સંવેદનશીલ તથા ઈન્ટરનૅશનલ અસરો ઉપજાવી શકે એવા આ ૩૭૦ હટાવવાના મુદ્દાની લાંબા-ટૂંકા ગાળાની સર્વવ્યાપી અસરો વિશે એમણે જે જે વિચારી લીધું હશે એનું સોમા ભાગનું વિચારવાનું પણ બીજા કોઈનું ગજું નથી – ન સરકારમાં, ન પ્રજામાં.

ત્રીજું પગથિયું પ્લાનિંગનું. જડબેસલાક પ્લાનિંગ મોદીની ઍડમિનિસ્ટ્રેટિવ શક્તિઓનો પુરાવો છે. મુખ્યમંત્રી બનતાં પહેલાં જ એમણે આ કૅપેસિટી પુરવાર કરી હતી – ૨૦૦૧ના કચ્છના ભૂકંપ વખતે. ૨૦૦૨ના હિન્દુ હત્યાકાંડ બાદ ગુજરાતની પ્રજામાં એટલો બધો ભારેલો અગ્નિ હતો કે મોદી ન હોત તો બેઉ પક્ષે ઘણી મોટી જાનહાનિ-માલહાનિ થઈ હોત. વાઈબ્રન્ટ ગુજરાતનું પ્લાનિંગ તો ભારતનાં બીજાં રાજ્યોએ પણ અપનાવી લીધું. ચૂંટણી સભાઓનું આયોજન હવે તો એમના માટે ડાબા હાથનો ખેલ થઈ ગયો છે. નોટબંધી-જીએસટીના અમલીકરણ બાબતે હજુય કેટલાક દુભાયેલાઓ તથા કરચોરો તથા થિયરીને વળગી રહેનારા અર્થશાસ્ત્રીઓ પાણીમાંથી પોરાં કાઢે છે પણ કોઈ એ જોતું નથી કે નોટબંધી જેવી ઈતિહાસ બદલનારી ઘટના વખતે પણ રાજકીય પક્ષોની ઉશ્કેરણી બાવજૂદ પ્રજાએ કોઈ એકલદોકલ એટીએમનો કાચ પણ ફોડ્યો નથી, વ્યાપક રમખાણોની તો વાત જ જવા દો. નોટબંધી અને જીએસટી જેવી યુગપ્રવર્તક ઘટનાઓના અમલીકરણમાં જે જે કંઈ કચાશ રહી ગઈ તે સમયસર સુધરતી ગઈ. પણ બાળક જન્મેને ચાલતાં શીખે કે તરત જ ઉસેન બોલ્ટની જેમ દોડતાં શીખી જાય એવો આગ્રહ સેવનારા અધીરાઓ હજુય અણસમજમાં ટીકા કરતા રહે છે કે નોટબંધી અને જીએસટી જન્મતાવેંત દોડતી કેમ ન થઈ ગઈ? ૩૭૦મી કલમ વિશે સંસદમાં ઘોષણા થાય એ પહેલાં મોદીએ કેટકેટલી પૂર્વતૈયારીઓ કરી હતી તેની તમને ખબર જ છે. મહેબૂબા-ઓમર વગેરેને નજરકેદ, ઈન્ટરનેટ બંધ, મોબાઈલ બંધ, પોલીસ અધિકારીઓ માટે સેટેલાઈટ ફોન્સ, હજારો ટ્રુપ્સનો બંદોબસ્ત, ટુરિસ્ટોને પાછા વળવાની સૂચના – આ બધી તો માત્ર ભૌતિક તૈયારીઓ થઈ. ઈન્ટરનૅશનલ પ્રેશર ઊભું ન થાય એ માટેની ડિપ્લોમેટિક તૈયારી, પાકિસ્તાન કોઈ ઉંબાડિયું ના કરે એ માટે એને ‘સમજાવવાની’ તૈયારી, સંસદમાં અને સંસદની બહાર વિપક્ષો જે હોહા મચાવે એનો જવાબ આપવાની તૈયારી. આ ઉપરાંત કાશ્મીરની પ્રજાને કોઈ ઉશ્કેરીને ન કરવાનું કરી બેસે ને સિવિલ વૉરની પરિસ્થિતિ સર્જાય તે પહેલાં જ મોદીએ પૂરા પાંચ વર્ષ સુધી કાશ્મીરમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટનું ઘણું મોટું કામ કર્યું. નવા રસ્તા, નવી રેલ્વે લાઈનો, પંચાયતોને કેન્દ્ર તરફથી ડાયરેક્‌ટ આર્થિક મદદ, આર્થિક રીતે નબળા વર્ગ માટે (૮ લાખથી ઓછી વાર્ષિક આવક ધરાવનારા માટે) દસ ટકા અનામતની જોગવાઈ જે ભારતનાં બીજાં ઘણાં રાજ્યો ઑલરેડી લાગુ કરી ચૂક્યા છે. આ બધી પૂર્વતૈયારીઓ દ્વારા મોદીએ જડબેસલાક બંદોબસ્ત કરી લીધો કે કાશ્મીરીઓ દુભાય નહીં અને એમને ઉશ્કેરવામાં કોઈ સફળ થાય નહીં. તો આ ત્રીજું પગલું – પ્લાનિંગ.

મોદીની ચોથી ખાસિયત ઊડીને આંખે વળગે છે તે એમની સ્વસ્થતા અને સિક્રસી. કોઈ પણ પ્લાનિંગનું અમલીકરણ ન થાય ત્યાં સુધી એના વિશે કોઈ બણગાં ફૂંકવાનાં નહીં. લોકોને જે કહેવું હોય તે કહે – એમને જવાબ નહીં આપવાનો. પોતે જે કંઈ કરે છે, કરવા માગે છે કે નથી જ કરવાના તે વિશે કોઈ સ્પષ્ટતાઓ, ખુલાસાઓ કરવાના નહીં. વાત જ્યારે બહાર આવશે ત્યારની વાત ત્યારે, અત્યારે ચૂપચાપ કામ કરો. જરૂર પડ્યે ક્યારેક ઈન્ડિકેશન આપો પણ આખેઆખું પેપર ફોડી દેવાની જરૂર નથી – ગમે તે પ્રેશર આવે – પાર્ટીમાંથી, વિપક્ષોનું, મીડિયાનું – ચૂપ રહેવાનું, કામ કરતાં રહેવાનું.

પાંચમી અને સૌથી ટોચની વાત મોદીની એ કે એક વખત અમલમાં મૂકાઈ ગયા પછી જાહેરમાં એ વાતનો જશ પોતાને મળતો હોય તો, કોઈ સંકોચ કે નમ્રતાના દેખાડા વિના, પોતે લેવાનો. કારણ કે જો અપજશ મળત તો લોકોએ એમના જ માથે માછલાં ધોયાં હોત. કલ્પના કરો કે અભિનંદનવાળી સર્જિકલ સ્ટ્રાઈકમાં જરા સરખી ગરબડ થઈ ગઈ હોત તો લોકોએ એનું માઈક્રો પ્લાનિંગ કરનારાઓનો વાંક કાઢ્યો હોત કે? ના. મોદીને ફોલી ખાધા હોત. તો પછી જે કંઈ સફળતાપૂર્વક પાર ઉતરે એમાં મોદી શું કામ જશ ન લે.

આટલી પૂર્વભૂમિકા પછી આર્ટિકલ ૩૭૦ હટાવવા વિશેની એક નાનકડી સિરીઝ શરૂ કરીએ. પણ તે પહેલાં બે વાત. સેક્યુલરિયાઓના પ્રચારને લીધે તેમજ સામ્યવાદી ઈતિહાસકારોએ લખેલા ઈતિહાસના પાઠ્‌યપુસ્તકોને કારણે હું પોતે એક જમનામાં માનતો હતો કે મૉરલી (અને લીગલી પણ) કાશ્મીર પર આપણો કોઈ હક્ક નથી. પરંતુ ૧૯૮૮ –૮૯ના અરસામાં ૧૯૪૬થી ૧૯૪૮ દરમ્યાન કાશ્મીર વિશેની નવલકથા (‘જન્મોજનમ’) માટે રિસર્ચ કરવા ૨૫ દિવસ સુધી જમ્મુ-કાશ્મીરમાં રખડ્યો અને સંશોધન કરીને ઘણા દસ્તાવેજો જોયા ત્યારે મારી આંખો ઊઘડી. (એ નવલકથા ૧૯૮૯માં ‘ચિત્રલેખા’માં ધારાવાહિક સ્વરૂપે પ્રગટ થઈ હતી. પુસ્તકરૂપે પ્રગટ નથી કરી કારણ કે સારી રીતે નથી લખાઈ. ઘણી કાચી હતી.)

એ પછી તો કાશ્મીરના ઈતિહાસના સંદર્ભો આપીને આર્ટિકલ ૩૭૦ વિશે મેં ‘ગુડ મોર્નિંગ’ની ફર્સ્ટ સિઝન (૧૯૯૫ – ૧૯૯૯) દરમ્યાન ખૂબ લખ્યું. એના પરથી એક સળંગ દીર્ઘ લેખ બન્યો જેનો અંશ ૨૦૦૨માં પ્રગટ થયેલા મારા પુસ્તક ‘૩૧ સુવર્ણમુદ્રાઓ’માં છે (પુસ્તક આઉટ ઑફ પ્રિન્ટ છે).

કાશ્મીર અને આર્ટિકલ ૩૭૦ એવા મુદ્દાઓ છે જેને સમજવા માટે અને ઉકેલવા માટે મોદીની નજર, મોદીની માનસિકતા તથા મોદીની આયોજનશક્તિ જોઈએ.
ભારત ખરેખર સદ્‌નસીબ છે.

આજનો વિચાર

દુઃખ સહન કરવું પડશે એવા ભયથી આપણે જિંદગીની વિશાળ તકોને, શક્યતાઓને વેડફી નાખતા હોઈએ છીએ.

_સદ્‌ગુરૂ જગ્ગી વાસુદેવ

20 COMMENTS

  1. 370 ni nani series every Tuesday aavse ke daily chalu karso aapna rachnatmak Vishay bahu sara hoy chhe,

    Pan Mane Saurabh Shah saheb na Political visahy vadhare game chhe karan ke ema Practical Vision chhe

  2. ગુજરાતી ભાષાના પત્રકારોમાં તમારી શૈલી બહુ જ અનોખી અને ચીલો ચાતરતી છે; આવી જ ધારદાર રાખજો તમારી કલમને….આ બીજા ચાપલૂસીયાઓને અરીસો ધરવા ય કોઈકની જરુર છે.

  3. Waiting for.. આપની કમાલની કલમ ના કમાલ… કલમ 370 માટે

  4. બહુજ સુંદર સચોટ લેખ માટે ખુબ ખુબ અભિનંદન.‌ 370 જલદી ચાલુ કરવા માટે સૌ વાચકો ની જેમ હું પણ રદય પુર્વક વિનંતી કરુ છુ..

  5. Saurabhbhai – We really miss you.
    We need you on Front Foot Page.
    Our Best Wishes with you as always.

  6. Really Really I always longing for your article n disappointed not seeing it.. Modi sir will enter in sardar shoes..after GANDHI SARDAR 3rd will be he.. and Amit Shah will be home minister compared…
    But both’s Path is full of thorns…
    And sir I’ll call you Nostradamus … whatever you have foreseen in your artical Dt: 25-4-19 is happening word to word..
    Pray all mighty that modi ji comes up through it victorious..?????

  7. હું માનું છું કે તમારી આર્ટિકલ 370 વાળી સિરીઝ ફરીથી આ ગુડ મોર્નિંગ ગ્રુપમાં શરૂ કરવી જોઈએ. અમારા જેવા ઘણા લોકોને તેનો લાભ મળી શકે. ( એ અરસામાં આવા ગ્રુપ નહોતા તેથી તેનો વ્યાપક પ્રચાર પણ નહીં જ થયો હોય.

    • હા .તમારી વાત સાચી છે.આ ગ્રુપ માં શરૂ થાય તો ઘણાને લાભ મળે

  8. તમારી પરિસ્થિતી ખબર નથી ! પણ, રાહ ઘણી જોવડાવી છે..હવે સાતત્ય રહે એ જોશો !!
    ૩૭૦ પછી શું ? નવા કાશ્મીરમાં પંડિતોને પૂરો ન્યાય મળશે ? કરપ્ટ, ઘુસણીયાઓને આ સરકાર ખૂબસૂરત કાશ્મીરથી દૂર રાખી શકશે ?
    તમારી પાસેથી અપેક્ષાઓનો ખડકલો છે !!!!!!!

  9. આનંદો, આનંદો, આનંદો

    ખરેખર, આ દિવસ પ્રત્યેક ભારતીય માટે આનંદ નો દિવસ હતો, આજે મોદી સાહેબ અને શાહ સાહેબ પ્રત્યે વિશેષ અહોભાવ રહ્યો છે, આપણા એક એક મત ની કિમત ના કારણે જ આવું બની શક્યું છે.

    મોદી સાહેબ ની કોઠાસુઝ અને શાહ સાહેબ ની ચાણક્ય નીતિ અગત્યનું પરિબળ છે, આપણા ગુજરાતી સાહેબો જ આવું હિમ્મત ભર્યું કામ કરી શકયા તેનો અઢળક આનંદ છે.

    સોમનાથ દાદા ની ક્રૃપા જ છે કે આ મહિના માં આપણને અનેક સોગાત મળી રહી છે.

    મોદી હૈ તો મુમકીન હૈ.

    આ શાહ સાહેબ ને આગ્રહ ભરી વિનંતી કે અમને સતત વાન્ચન નો પ્રસાદ આપતા રહો.

    જય સોમનાથ.

    • એ શાહ ભારત ના શહેનશાહ છે, અને આપ લેખકો ના અને વાચકો ના શહેનશાહ છો, બંને શહેનશાહ ને સો સો સલામ.

  10. इस लेख का हिन्दी कीजिए. बहुत सारे लोगों तक यह बातें पहुंचे.

  11. અખંડભારત માટે હજુ’યે કાશ્મિરનો એક ભાગ પર પાક.નો કબજો છે ત્યાં સુધી અધુરું છે.
    તેમ છતાંયે આ સરાહનીય ઐતિહાસીક પગલું કલમ 370માટે અભિનંદન થી ઓછું કંઈ ન હોય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here