આપણે જે કરવા ધારીએ છીએ તે કરી શકતા કેમ નથી

તડકભડક : સૌરભ શાહ

(‘સંસ્કાર’ પૂર્તિ, ’સંદેશ’, રવિવાર, ૧૧ ઑગસ્ટ ૨૦૧૯)

સદ્ ગુરુ કહે છે કે આપણા સૌની અંદર શક્યતાઓનો ભંડાર ભરેલો છે, સંભાવનાઓ ઠાંસી ઠાંસીને ભરેલી છે પણ આ બધું બહાર નથી આવતું કારણ કે આપણે સતત ભયમાં જીવીએ છીએ. આપણને ભય છે કે કંઈક નવું કરવા જઈશું તો ફેંકાઈ જઈશું. લોકો તમને જીવવા નહીં દે જો તમે ગાડરિયા પ્રવાહમાં નહીં જોડાઓ તો. બીજા લોકો જે ચીલે જાય છે તે ચીલો તમે નહીં પકડો તો એકલા પડી જશો. વખત આવ્યે કોઈ તમારી મદદે નહીં આવે. આપણને ભય છે કે કંઈક જુદું કરવા જઈશું તો દુ:ખ સહન કરવું પડશે. નવું કે જુદું કરવામાં જો સુખ જ સુખ હોત તો આ આપણી આસપાસના કરોડો લોકો શું બેવકૂફ છે કે પરંપરાથી જે ચાલતું આવ્યું છે તે કરતા રહ્યા. તમે પણ એમની સાથે જોડાઈ જઓ તો દુ:ખી નહીં થાઓ.

આવી માનસિકતા આપણામાં રહેલી અપાર શક્યતાઓની ચિનગારીને ઠારી નાખે છે, ઠાંસીને ભરેલી શક્યતાઓને હવાઈ જવા દે છે એવું સદ્ ગુરુ કહે છે.

તમે ઘણીવાર એવું મહેસૂસ કર્યું હશે કે દુનિયાથી કંઈક જુદું કરવા જાઓ ને તરત જ ઠોકર વાગે. સહેજ પણ નવો વિચાર અમલમાં મૂકીને જીવવા જાઓ, કામ કરવા જાઓ તો તરત જ નિષ્ફળતાનું વાતાવરણ તમને ઘેરી વળે કારણ કે લોકો નથી ચાહતા કે તમે એમનાથી જુદા પડો. તમારી આસપાસના લોકો તમને એમના જેવા જ બનાવી દેવા માગતા હોય છે. તમે એમનાથી જુદા પડીને, કશુંક નવું કરીને જો સફળ થઈ ગયા તો એમના માટે નીચાજોણું થશે એવો ભય એમને સતાવતો હોય છે. એટલે તેઓ સતત તમને ડરાવતા રહે છે: અમારાથી કંઈક જુદું કરવા જશો તો દુ:ખી થશો, ખૂબ સહન કરવું પડશે અને અમારી સલાહને અવગણીને આગળ વધવાની કોશિશ કરશો તો લખી રાખજો કે આપત્તિ વેળાએ અમે લોકો કંઈ તમારી સપોર્ટ સિસ્ટમ નથી બનવાના.

આવું કંઈ શબ્દોમાં નથી કહેવાતું. પણ એમની વર્તણૂક પરથી તમે એમની માનસિકતા સમજી જતા હો છો.

ભૂતકાળમાં એમણે કરેલા વ્યવહારો દ્વારા તમારા સુધી એમની આ ચેતવણી ગર્ભિત રીતે પહોંચી જતી હોય છે. ડરના માર્યા તમે તમારામાં રહેલી શક્યતાઓને એક્સપ્લોર કરવાનું માંડી વાળો છો. તમારામાં ડર ઘુસી ગયો છે કે હવેલી લેવા જતાં ગુજરાત ખોઈ બેસીશું.

ભવિષ્ય અનિશ્ચિત દેખાતું હોય ત્યારે સમજી જવાનું કે સફળતાની શક્યતાઓના દરવાજા ખુલી રહ્યા છે. ભવિષ્ય સાફ સાફ નજરે પડતું હોત તો ગામ આખું સાહસ કરવા દોડી જાત. અનિશ્ચિતતા એમનામાં ડર પેદા કરે છે અને એટલે તેઓ રોકાઈ જાય છે, પોતાને તો ઠીક તમને પણ રોકી રાખે છે. આ જ તક છે તમારા માટે. કોઈ એ રસ્તે નથી જતું એટલે તમારા માટે એ માર્ગ ક્લિયર છે. સૌ કોઈ પોતપોતાની સલામતી સાચવવા એક છાપરા નીચે ભરાઈ ગયા છે. ત્યાં ભીડ છે. જે કંઈ મળશે તે લાખોમાં વહેંચાઈ જવાનું છે. એ ભીડમાંથી દૂર થઈને આગળ વધીશું તો જે કંઈ મળવાનું છે તેમાં કોઈ ભાગ પડાવવા નહીં આવે. બીજું- ઓછું જે મળશે તે ચાલશે. નહીં મળ્યું તો પણ કશું લૂંટાઈ જતું નથી. નવા અનુભવો તો મળ્યા. અને જે કંઈ છે તેય જતું રહેશે તો જતું રહેશે, આમેય જન્મ્યા ત્યારે શું હતું આપણી પાસે.

એક વખત આવી માનસિકતા કેળવી લઈએ પછી કોઈ ભય સતાવતો નથી. સલામતીની પાછળ દોડનારાઓ બધાં મગતરાં છે, મચ્છર છે અને તમારા જેવા શક્તિશાળીઓને પછાડવાના ફાંફા મારવામાં નિષ્ફળ જ જવાના છે એવી ખાતરી રાખવી. તો જ તમારામાં રહેલી અપાર પોસિબિલિટીઝને તમે બહાર લાવી શકશો.

સહેલું નથી દુ:ખની કલ્પનાને દૂર કરવાનું. ભવિષ્યમાં સહન કરવું પડશે એવો ડર મગજમાંથી કાઢી નાખવો છે એવું નક્કી કરી લેવાથી નીકળી જવાનો નથી. દુ:ખ આવશે તો સહન કરી લઈશું એવી માનસિકતા કેળવવી હોય તો પહેલી ટેવ એ કેળવવી જોઈએ કે કમ વૉટ મે, હું મારું રોજિંદું કામ નહીં છોડું. જે થાય તે – મેં જે કામ હાથમાં લીધું છે કે કુદરતે મને જે કામની જવાબદારી સોંપી છે તેને હું અધવચ્ચે પડતી નહીં મૂકું. અપાર દુ:ખ આવે (કે પછી સુખનો વરસાદ આવે તો પણ) હું કામ કર્યા કરીશ. માણસ પોતાના કામમાં ઓતપ્રોત રહે છે ત્યારે દુ:ખ વિસરાઈ જાય છે. કામમાં ગળાડૂબ ખૂંપી ગયેલી વ્યક્તિને વિષાદનાં વાદળાં અકળાવતાં નથી. તમે માર્ક કરજો. જે લોકો કામગરા છે, વહેલી સવારથી મોડી રાત સુધી પોતાના કામમાં મગ્ન રહે છે, આખો દિવસ,  સાતેય દિવસ, આખું વરસ – એમના જીવનમાં દુ:ખ હોય તોય તે એમને પોતાના બોજથી નમાવતું નથી.

ભવિષ્યમાં આવી પડનારા દુ:ખને સહન કરવાની તાલીમનું આ પહેલું પગથિયું.

બીજી વાત. દુ:ખ તમે કોને કહો છો તે તપાસી જુઓ. દુનિયાએ આપણા મનમાં ઠસાવી દીધું છે કે અમુક અમુક પરિસ્થિતિ સર્જાય તો એને દુ:ખના સંજોગો કહેવાય. પણ હકીકતમાં એવું નથી હોતું. તમારી પાસે જે કંઈ છે તેમાંથી ઓછું થઈ જાય તે દુ:ખ નથી. તમારે જે જોઈએ છે તે તમને ન મળે કે ઓછું મળે તે પણ દુ:ખ નથી. હા, તમારી આસપાસવાળાઓ આવી પરિસ્થિતિને દુ:ખના સંજોગો ગણાવીને તમારી દયા ખાવા લાગશે પણ તમારે એને કારણે વિચલિત થવાની જરુર નથી. એ એમનો દ્રષ્ટિકોણ છે. તમારી જિંદગી તમારે તમારા પોતાના નજરિયાથી જોવાની હોય, બીજાના નહીં. બીજાઓના માપદંડથી તમારે તમારી જિંદગી નહીં માપવાની. એમના માપદંડો ક્યા આધારે ઘડાયેલા હશે એની તમને ખબર નથી. તમને માપવાની એમની ફૂટપટ્ટી અને પોતાનાં વહાલાંઓને માપવાની એમની ફૂટપટ્ટી જુદી જુદી હોવાની.

દુ:ખ કોને કહેવાય અને કોને નહીં એ તમારે નક્કી કરવાનું. આ વિશે શાંતિથી વિચાર કરશો તો લાગશે કે દુ:ખ જેવી કોઈ પરિસ્થિતિ આ દુનિયામાં હોતી જ નથી તમે નકામા ગભરાઓ છો.

અને ત્રીજી વાત. જો ખરેખર નવી દિશાઓ તાગવા જતાં દુ:ખ આવ્યું જ તો એની સામે તમને ફાયદો એ થવાનો છે કે તમારામાં પડી રહેલું અપાર પોટેન્શ્યલ પણ બહાર આવવાનું છે. તમને જિંદગી માણવાની તમામ તક એમાંથી જ મળવાની છે. તમે જિંદગીમાં શું શું કરી શકો એમ છો એ પુરવાર થઈ જવાનું છે. હવે એમાંથી પેલા નવા સર્જાયેલા દુ:ખની બાદબાકી કરો. જે વધે એ તમારી જિંદગીનો નફો જ નફો છે.

માણસે ક્યારેય પોતાનામાં રહેલી શક્યતાઓને પાંજરામાં પૂરી રાખવાની જરુર હોતી નથી. શક્યતાઓ દરેકમાં હોય છે. ભવિષ્યમાં શું થશે એવા ડરના માર્યા મોટાભાગનાં લોકો જ્યાં છે ત્યાં જ રહે છે અને મિડિયોકર જીવન જીવતા રહે છે. જેમણે જીવનમાં કંઈ અચાનક કર્યું છે, જેઓ મુઠ્ઠી ઊંચેરા પુરવાર થયા છે એમણે ભવિષ્યમાં પોતે સહન કરવું પડશે એવા ડરને જીતી લીધો છે – એ પછી જ તેઓ આગળ વધવાનું સાહસ કરી શક્યા છે.

પાન બનાર્સવાલા

દરેક વ્યકિત કલ્પનામાં પોતાને જેવી જુએ છે એવી જ ભવિષ્યમાં બની જાય છે.

_અજ્ઞાત

3 COMMENTS

  1. હિંદુ આતંકવાદના ભ્રમણા (આગળના લેખો ક્યાં વાંચવા મળશે)

  2. હિંદુ આતંકવાદની ભ્રમણા ના આગળ ના લેખો ક્યાં વાંચવા મળશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here