ખાંસે છે વૃદ્ધ ફાધર, એ ઓરડો જુદો છે—વર્તમાન સમયમાં લખતા શ્રેષ્ઠ કવિ ‘મિસ્કીન’ અને એમની કવિતા : સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ : બુધવાર, ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૩)

અત્યારના ગુજરાતી કવિઓમાં રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ મારા સૌથી પ્રિય કવિ છે. એમને નરસિંહ મહેતા પુરસ્કાર મળ્યો તે આનંદની ઘટના છે. વહેલો મળી ગયો હોત તો આ અવૉર્ડનું ગૌરવ વધી ગયું હોત. પુરસ્કારો નક્કી કરનારી નિર્ણાયક સમિતિઓના રાજકારણમાં ઊંડા ઉતરવાને બદલે ગાલિબ અને મરીઝના સીધા વારસદાર એવા આ મહાન ગુજરાતી કવિની કવિતાને પોંખીએ.

મિસ્કીનનો અર્થ થાય નમ્ર, ગરીબ, યાચક. રાજેશ વ્યાસને તમે નજીકથી ઓળખતા થાઓ તો તમને અહેસાસ થાય કે આ કવિ કપટી નથી, સ્વભાવે ગરીબ છે, અત્યંત ભલા છે. એમને કશું ઝપટીને કે ખૂંચવીને મેળવવું નથી. જે મળે છે એમાં એ ખુશ છે. અને ભગવાને એમને ઘણું બધું આપ્યું છે. એમની ઝોળી છલકાવી દીધી છે. એ અર્થમાં મિસ્કીન યાચક છે. એમની નમ્રતા ઉપરથી છાંટેલી નથી. ઘણા સાહિત્યકારો કવિઓ, લેખકો, નવલકથાકારો, કટારલેખકો વગેરે પોતાનો ઘમંડ અને પોતાનું મિથ્યાભિમાન છાવરવા લળીલળીને નમ્રતાના દેખાડા કરવામાં માહિર હોય છે. મિસ્કીન એ બધા કરતાં સાવ જુદા છે. એ ખરેખર નિરાભિમાની છે.

એમની કવિતા કંઈક અલગ જ લેવલની છે. એમના સ્તરનું લખનારા કવિઓ ગુજરાતીમાં આંગળીના વેઢે ગણાય એટલા છે. એમના કાવ્યસંગ્રહ ‘મળેલાં જ મળે છે’ વિશે વિગતે વાત કરતાં પહેલાં એક વાત. હમણાં ફેસબુક પર કોઈએ ઉછળીઉછળીને ફોટો મૂક્યો હતો કે કોઈ ટ્રક કે ટેમ્પો પર કોઈ કવિની પંક્તિ લખાયેલી વાંચવા મળી. સારું છે. પણ સાવ મિડિયોકર પંક્તિ હતી.

અમદાવાદમાં પાલડી વિસ્તારમાં મેં મિસ્કીનની આ આલીશાન પંક્તિ એક સાધારણ દેખાતા બંગલાની બહારની દીવાલ પર વાંચી હતી:

તારું કશું ન હોય તો છોડીને આવ તું,
તારું જ બધું હોય તો છોડી બતાવ તું.

મિસ્કીનનો આ ખૂબ લોકપ્રિય શેર મેં એમના હસ્તાક્ષરમાં મઢાવીને મારી ઑફિસમાં રાખ્યો હતો. પ્રેમી/પ્રેમિકા અને ભગવાન બેઉની બાબતમાં આ વાત લાગુ પડે. ઇશ્કે મિજાજી અને ઇશ્કે હકીકી—બંને રંગ છે એમાં.

‘મળેલાં જ મળે છે’. મિસ્કીનનો આ ગઝલસંગ્રહ છે. એ નવલકથા હોઈ શકત, નાટક કે ફિલ્મ હોઈ શકત. એનો સબ્જેક્ટ જ એવો ઇમોશનલ છે. પણ રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ કવિ છે. એટલે ૧૫૮ ગઝલોના સંગ્રહરૂપે અહીં આ સંવેદના પ્રગટ થઈ છે. આજના જમાનામાં અતિશય સંવેદનશીલતા સાથે જીવવું દુષ્કર છે. સમકાલીન ગુજરાતી સાહિત્યકારોની અગ્રિમ હરોળમાં જેમનું નામ ખૂબ આદરથી લેવાય છે અને ગુજરાતી વાચકોએ તથા શ્રોતાઓએ જેમની ગઝલોને વખાણી વખાણીને માણી છે એવા ‘મિસ્કીન’સાહેબ એક દુર્લભ જણસ સમાન છે જેમને કાચના ફ્રેજાઈલ સામાનની જેમ આપણે સૌએ, આખા સમાજે, સાચવવા જોઈએ. એક જ વિષયના વિવિધ ભાવને ઘૂંટતા અને આ વિષાદયાત્રાના વિવિધ પડાવોને પાર કરીને વાચકને મૌન, નિ:સ્તબ્ધતા અને અવાચકતાના શિખરે પહોંચાડતા ‘મિસ્કીન’ના ગઝલસંગ્રહ ‘મળેલાં જ મળે છે’નું પ્રકાશન પાંચ વરસ પહેલાં થયું. ગુજરાતી સાહિત્યની એ એક લૅન્ડમાર્ક ઘટના હતી. આ ગઝલસંગ્રહના ભાવને જો એક જ શેરમાં સમેટીને પ્રગટ કરવો હોય તો ૧૫૮ રચનાઓમાંથી આ પંક્તિઓ પર નજર સ્થિર થાય:

ખાંસે છે વૃદ્ધ ફાધર, એ ઓરડો જુદો છે
બેસે છે ઘરના મેમ્બર, એ ઓરડો જુદો છે.

માબાપ ગુજરી જાય પછી એમની સ્મૃતિને વાગોળવાની મઝા આવતી હોય છે, પણ એમની હયાતી દરમ્યાન એમના અસ્તિત્વને માણવાની મઝા કેટલા લોકોને આવતી હોય છે? જાત સાથે હન્ડ્રેડ પર્સેન્ટ નિર્વસ્ત્ર થઈને આ પ્રશ્ર્નનો જવાબ કોઈ સાંભળે નહીં એ રીતે પોતાને આપવાનો.

આ ગઝલસંગ્રહમાં એક કવિપિતાની વાત છે જેમણે અનેક સપનાઓ સાથે ઘરની ચાર દીવાલોમાં પ્રાણ ફૂંક્યા. આજે હવે એના શ્વાસ ખૂટવા આવ્યા છે. ઘરને પ્રસન્નતાથી ભરી દેવા એમણે શું શું નથી કર્યું. એક જમાનો હતો જ્યારે આ માણસની રાહ જોવાતી, ક્યારે આવશે અને શું શું લાવશે. હવે એ ક્યારે જશે એની રાહ જોવાય છે, એ શું શું મૂકતો જશે એની ગણતરીઓ થાય છે.

આ ઘર મંડાયું ત્યારે જે કોઈ સગાંવહાલાં આવતાં તે સૌ પરિવારજનોના મહેમાન ગણાતા. દાયકાઓ પછી ઘરનાં સભ્યોનાં મન નોખાં થયાં અને એની સાથે સગાંવહાલાં પણ વહેંચાઈ ગયાં:

આપણે છુટ્ટા પડ્યા તો આપણું કોઈ નથી,
એ સગાંવ્હાલાં હવે તારા મળે-મારા મળે.

એક-એક ઈંટ ભેગી કરીને બાંધેલા ઘરની છત બનીને તમે સૌને સાચવ્યાનું ગૌરવ છે તમને, અહમ્ પણ છે. વખત જતાં આ બધું વિખેરાઈ જવાનું છે એની કોઈ કલ્પના નહોતી તમને.

સુખ ગયા સર્વસ્વ ઢોળાઈ અહમ્ હસતો રહ્યો,
ને ગયાં સૌ સ્વપ્ન રોળાઈ અહમ્ હસતો રહ્યો.

આ બધું બનવાનું કારણ શું? સફળતાનો નશો માથા પર ચડી ગયો હતો? મેં બનાવેલા આ ઘરનો કાંકરોય ખરવાનો નથી એવા અહમ્ સાથે જીવવાનો અંજામ શું આવે?

તોરમાં આવી નિરંતર ભૂલ જે કરતો રહ્યો,
ભાગ્યના નામે ચઢાવાઈ અહમ્ હસતો રહ્યો.

તમે પોતે બનાવેલા ઘરને જોઈને તમે એટલા તો સંતુષ્ટ છો કે એમાં પડેલી તિરાડ તરફ કોઈ ધ્યાન દોરે છે ત્યારે તમે એને ગણકારતા નથી. તમારી સફળતાના દિવસોમાં તમે એવા તો નશામાં ચૂર હો છો કે તમને સમજાવવાના તમામ પ્રયત્નો નિષ્ફળ જાય છે:

જતા ના કોઈ પણ સમજાવવા એને કશુંયે પણ,
સફળતા જોઈને જ્યારે હવામાં જઈ ચઢે માણસ.

વિશ્વાસ બેધારી તલવાર જેવો છે. કોના પર મૂકવો, કેટલો મૂકવો, ક્યારે મૂકવો એ બધા વ્યવહારુ પ્રશ્ર્નો અલખના ઓટલે જઈને બેઠેલા કવિજીવની સમજ બહારની દુનિયા છે:

એક હદ કરતાં વધુ વિશ્વાસ કાયમ જોખમી,
નાવની માફક ચલાવ્યું એ જ ઘર તૂટી ગયું.

કવિને ખબર છે કે વ્યવહારની દુનિયાના રાજેશ વ્યાસ અને કવિ ‘મિસ્કીન’ વચ્ચેનું બૅલેન્સ જાળવવું ખૂબ કપરું છે. તમારી વાત સાંભળવા માટે કોણ ક્યારે કાન ખુલ્લા રાખશે એ તમારે જોવાનું છે. તમારું ગજું મોટું થતું જાય એમ તમારો અહમ્ પણ જો વધતો ગયો તો કુદરતની પાસે એનોય ઈલાજ છે:

કયાં હૃદયને ખોલું? કોની કને ફુરસદ?
રાખતા પ્રત્યેક સગપણ એક ચોક્કસ હદ.

ભાગ્યની પાસે ગજબની એક કાતર છે,
વેતરી નાખે બધું જે કંઈ વધે બેહદ.

એ તરફ રાજેશ છે ને એ તરફ મિસ્કીન,
તંગ હમ્મેશા રહે છે શ્વાસની સરહદ.

વાળ ધોળા થવાથી જ કંઈ લોકોનો આદર નથી મળી જતો. ઉંમર વધવાની સાથે જો તમારી સમજ વધી હોય તો જ તમારા પ્રત્યેનું માન વધતું જશે એ વાત તમે સારી રીતે સમજો છો અને સમજો છો એટલે જ કબૂલ કરો છો:

જીવનભર પાત્રતા મિસ્કીન કેળવવી પડે છે દિલથી,
ફક્ત ઉમ્મર વધે મળતા નથી કૈં હક વડીલોના.

ચાલીમાં, નાના ઘરમાં જે હૂંફ હતી તે બંગલામાં કેમ નથી હોતી? એક રોટલામાંથી ચાર જણ ખાતા ત્યારે સૌની ભૂખ સંતોષાઈ જતી. આજે દરેકને ભાગે ચાર-ચાર રોટલા આવે છે છતાં સૌ ભૂખ્યાના ભૂખ્યા છે:

પ્રેમથી ને સંપથી રહેતા હતા સાંકડમૂકડ,
ઘર કર્યાં મોટાં, ઉડીને દૂર મન ચાલ્યાં ગયાં.

જિંદગી આખી જે રીતે તમે જીવ્યા હો એ રીત જીવનના ઉત્તરાર્ધનાં વર્ષોમાં કેવી રીતે બદલાવાની છે? અત્યાર સુધી તમે તમારી રીતે જીવતા રહ્યા. હવે ઊઠીને કોઈ તમને કહે કે તમને તો જીવતાં જ ના આવડ્યું તો તમે શું કહેશો એને? ભઈ, ના આવડ્યું તો ના આવડ્યું, શું થાય એનું:

આખરી છેલ્લા વળાંકે શું હિસાબો માંડવા,
જિંદગીભર દાખલા ના આવડ્યા એ જાય ક્યાં?

તેં તને મિસ્કીન ભલે ખંડિત કરી નાખ્યો પછી,
જેટલા પથ્થર તેં શ્રદ્ધાથી ઘડ્યા એ જાય ક્યાં?

દુનિયાની રીતરસમોમાં તમે બંધબેસી શકતા નથી એવી પ્રતીતિ પછી તમે તમારી જાતને વિખેરી નાખો છો. જીવન માટેની જે શ્રદ્ધાથી તમે તમારી જાતને ઘડી એ જ શ્રદ્ધાથી તમે તમારાં સંતાનોને ઘડ્યાં છે. તમે પોતે જ એમનામાં તમારું શ્રેષ્ઠ રેડ્યું છે, પણ છેક હવે તમને લાગી રહ્યું છે કે ક્યાંક એમના ઉછેરમાં જ તમે ભૂલ કરી હતી.

‘મળેલાં જ મળે છે’ની પ્રસ્તાવનામાં કવિ ‘મિસ્કીન’ કહે છે કે, ‘આ જગતમાં-જીવનમાં મળેલાં જ મળે છે.’ અર્થાત્ જિંદગીમાં જે કંઈ થાય છે એ જ તમારી નિયતિ છે. તમારી સાથેના ઋણાનુબંધને કારણે કેટલાક લોકો તમને જિંદગીમાં એવા મળી જાય છે જેઓ તમારી પાસેથી પડાવી જાય છે, લઈને નાસી જાય છે. શક્ય છે કે તમારા માથે એમનું કશુંક દેવું બાકી હશે. કેટલાક એવા પણ મળે છે જે તમને કશુંક આપી જાય છે. કદાચ, એ પણ એક ઋણાનુબંધ હશે.

‘મળેલાં જ મળે છે’ વાંચતાં વાંચતાં જો સંબંધો પ્રત્યે કડવા થઈ જવાય તો આ ઋણાનુબંધવાળી વાત યાદ રાખવી. વધુ કાલે.

(રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ —બસ, આટલું નામ ટાઇપ કરીને ગુગલ સર્ચ કરો. એમનાં અનેક પુસ્તકો અને કાવ્યસંગ્રહો જ્યાં જ્યાં મળે છે એની વિગતો મળી જશે. ‘મિસ્કીન’નો એકએક શબ્દ સોનાની લગડી છે અને દરેક પુસ્તક સોનાની ખાણ.)

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

6 COMMENTS

  1. Reflects reality and different circumstances change in mood and wanning respects eldest in family. Home for for old is an black mark on society

  2. રાજેશ વ્યાસ *મિસ્કીન* વિશેના લેખો વાંચી ઊંડું આત્મમંથન કરવું પડશે. એવું લાગી રહ્યું છે. 🙏

  3. બહુ જ મઝા આવી. લેખ ખૂબ સરસ છે. જેના વિશે છે એ અને જેણે લખ્યો છે, એ બેઉ ગુજરાતી સાહિત્યના અણમોલ રત્નો છે.

  4. અતી સુંદર. જન કલ્યાણ માં પણ આવી ગયું છે. પણ ફરી વાચવાની મઝા પડી. ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here