લાઉડ માઉથ: સૌરભ શાહ
(‘સંદેશ’, ’અર્ધ સાપ્તાહિક’ પૂર્તિ, બુધવાર, ૨૦ ફેબ્રુઆરી ૨૦૧૯)
ગાંધીજીએ એક જમાનામાં અંગ્રેજ સરકારના એક રિપોર્ટને ‘ગટર ઈન્સ્પેક્ટરનો રિપોર્ટ’ ગણાવ્યો હતો. એ ઈતિહાસની વાત નથી કરવી. ગાંધીજીના એ શબ્દો આજની તારીખેય પ્રસ્તુત છે એની વાત કરવી છે.
તમે ધારો તો પાણીમાંથીય પોરા કાઢી શકતા હો છો. તમને અનુભવ હશે કે તમારા ઘરમાં તમે ઉમંગથી ખૂબ મહેનત કરીને, જીવ રેડીને લગ્ન પ્રસંગ ઉજવ્યો હોય તે છતાં પરિવાર કે જ્ઞાતિ-સમાજમાં કેટલાક નીકળવાના જ જેમને વાંકું પડ્યું હોય. અમુક સગવડ સચવાઈ નહીં, તમુક બાબતમાં ખોટ હતી.
આવા લોકો ભલે નાની સંખ્યામાં હોય પણ દરેક ઠેકાણે હોવાના. કામ મોટું હોય કે વ્યક્તિ મોટી હોય ત્યારે તો ખાસ આવા માણસો ગટર ઈન્સ્પેક્ટરનું કામ કરવા આવી પહોંચવાના. આપણે જાણીએ છીએ કે આપણા ઘરમાં પૂજાસ્થાન પણ છે અને બાથરૂમનો કચરો લઈ જનારી ગટરવ્યવસ્થા પણ છે. આવનાર મહેમાને પૂજાસ્થળે જઈને ઘીના દીવાનો ઉજાસ જોઈને ધૂપની સુગંધ શ્વાસમાં લેવી છે કે પછી અંધારી મોરીની જાળી ખોલીને એની દુર્ગંધ સુંઘવી– એ એની મુનસફીની વાત છે. એ એની જાતનો પરિચય આપશે. પોતાની મનોવૃત્તિનો પુરાવો આપશે.
ભારતમાં ગરીબી છે, ગંદકી છે, ભૂખમરો છે એવો પ્રચાર બહુ ચાલ્યો. વિદેશી મીડિયાને ભારતમાં એ જ બધું દેખાતું. રસ્તા પર ચાલતો હાથી કે કરંડિયામાંથી સાપ કાઢતા ગારૂડીને જોઈને વિદેશી મીડિયા પોતાના કૅમેરાના લેન્સને ફોક્સ કરવામાં મંડી પડતા. સાન ફ્રાન્સિસ્કો જેવા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા અમેરિકન શહેરની બિઝનેસ મુલાકાતે જઈ આવેલા એક મિત્રે ત્યાં ઠેરઠેર ઝુંપડપટ્ટીઓ જોઈ છે. ડાઉનટાઉન અર્થાત્ શહેરના મુખ્ય વિસ્તારમાં પણ ‘હૉમલેસ પીપલ’ ગણાતા આ લોકો તંબુ કે કાચા ઘરની ઝુંપડપટ્ટીઓમાં વસે છે. આમાંના મોટાભાગનાઓ પર ત્યાંની સરકાર દયા ખાતી નથી કારણ કે તેઓ કોકેન કે ડ્રગ્સના રવાડે ચડીને બરબાદ થયેલા છે. ન્યૂયોર્કના મેનહટ્ટન જેવા પ્રાઈમ એરિયામાં રસ્તા પરની કચરાપેટીમાંથી પિત્ઝાના ટુકડા વીણીને ખાતા ધોળિયાઓને ઘણા લોકોએ જોયા છે. અમેરિકાનાં ઘણાં શહેરો-ગામોમાં આવી હાલત છે. નાક ગંધાય એવી ગંદકીમાં લોકો રહે છે. ત્યાંની લોકલ ટ્રેનોમાં ગન બતાવીને મુસાફરોને લૂંટી લેવામાં આવે છે. અમેરિકામાં જ નહીં, જગતના અનેક સુધરેલા ગણાતા દેશોમાં ગુનેગારી, ભૂખમરો, ગંદકી, બેરોજગારી, ઝુંપડપટ્ટીઓ જોવા મળે છે, માત્ર ભારતમાં જ નહીં.
ત્યાં આ બધું છે એટલે આપણે ત્યાંના આવા માઈનસ પોઈન્ટ્સ વાજબી ઠરે છે એવું કોઈ નથી કહેતું. કહી શકાય પણ નહીં. આપણે એ બધું દૂર કરવાના પ્રયત્નો કરવા જ જોઈએ. એ પ્રયત્નોમાં સો ટકા સફળતા મેળવવાનો ટાર્ગેટ હોવો જ જોઈએ. માત્ર સરકારે જ નહીં આપણે પોતે પણ એમાં સક્રિય સાથ આપવો જોઈએ. છેલ્લાં, પાંચ વર્ષથી એ દિશામાં આપણે ઘણું મોટું કાર્ય કર્યું છે છતાં હજુ ઘણું કાર્ય કરવાનું બાકી છે. ઈટ્સ ઍન ઑન ગોઈંગ પ્રોસેસ. આજે તમે એક જણને નોકરી અપાવી તો તે પૂરતું નથી. કાલે બીજા બે જણને નોકરી જોઈશે. આજે આ જગ્યા સ્વચ્છ થઈ ગઈ તે પૂરતું નથી. કાલે પણ એ જગ્યા પર કોઈ કચરો ન નાખે એવી વ્યવસ્થા ગોઠવવી પડશે અને છતાં જો કોઈએ કચરો નાખ્યો તો તે સાફ કરવો પડશે.
દરેક દેશમાં, દરેક વ્યક્તિમાં પૂજાસ્થળ હોય છે અને બાથરૂમની ગટર પણ હોય છે. અત્યાર સુધી બીજી વ્યક્તિઓએ આપણી ગટર જોઈને જ પોતાનો રિપોર્ટ તૈયાર કર્યો છે. વ્યક્તિગત રીતે આપણે ગમે એટલું સારું કામ કરતાં હોઈશું, સારું જીવન જીવતાં હોઈશું તો પણ કેટલાક લોકો પોતાની આદત મુજબ આપણામાંથી ખોડખાંપણ શોધીને આપણા વિશે બૂરું બોલવાના જ છે, આપણને બદનામ કરવાના જ છે. કારણ કે એવા લોકોનું કામ ગટર ઈન્સ્પેક્ટરનો રિપોર્ટ તૈયાર કરવાનું છે.
તમારી આસપાસના એવા લોકોને તમે ઓળખો છો. મારી આજુબાજુના એવા લોકોને તો મેં ક્યારનાય મારા પરિઘની બહાર ફેંકી દીધા છે. બહાર રહીને એમણે જે કરવું હોય તે કરે, એમાં એમની જ અસલિયત ઉઘાડી પડતી હોય છે, એમની જ જાત છતી થતી હોય છે.
આવા લોકોનો અનુભવ થયા પછી આપણને શીખવા મળે છે કે આપણે કેવા થવું છે. આપણે ધારીએ તો વાંકદેખા બની શકીએ છીએ. દરેક વાતમાં ધારીએ તો બીજાના માઈનસ પોઈન્ટ્સ દેખાડી શકીએ એમ છીએ. ઘરની વ્યક્તિઓ, અડોશપડોશમાં રહેતા લોકો, બૃહદ્ પરિવારજનો, ઑફિસના કે જ્ઞાતિના ઓળખીતાઓ, સ્થાનિક રાજકારણીઓ, દેશનો કારભાર સંભાળતા રાજકારણીઓ- દરેકે દરેક વ્યક્તિમાં રહેલા માઈનસ પોઈન્ટ્સને વીણી વીણીને એના પર બિલોરી કાચ મૂકીને જોઈ શકીએ છીએ અને બીજાઓને પણ દેખાડી શકીએ છીએ. એ જ દ્રષ્ટિએ જીવ્યા કરીશું તો આખી દુનિયા તમને આક્રોશ પેદા કરે એવી લાગશે, કમ્યુનિસ્ટ કવિ બનીને તમને પણ આ દુનિયા જલાવી દેવાનું, ફૂંકી દેવાનું મન થશે. તમારા અંગત અસંતોષનો અને અંગત દ્વેષનો તમે આખી દુનિયાને ગાળો આપવામાં ઉપયોગ કરતાં થઈ જશો. તમારી મરજી છે જો તમારે એવા કકળાટ, કંકાસ, કજિયા અને ક્લેશના વાતાવરણમાં જીવીને આયુષ્ય પૂરું કરવું હોય તો.
આની સામે તમારી પાસે ચોઈસ છે કોઈના પૂજાસ્થળે જઈને ઘીના દીવાનો ઉજાસ અને ધૂપની સુગંધ મેળવવાનો, ગુણગ્રાહી બનીને જ્યાં જે સારું છે તેને અપનાવવાનો, ગટર ઈન્સ્પેક્ટરના રિપોર્ટ લખવાને બદલે સાંઈ કવિ મકરંદ દવે કહેતા એમ અત્તરિયા બનીને પોતાના તેમ જ આસપાસના સૌ કોઈના જીવનને મહેકાવવાનો.
સાયલન્સ પ્લીઝ
કોઈ વ્યક્તિ, કોઈ જગ્યા, કોઈ પરિસ્થિતિ ન ગમતી હોય તો એને છોડી દો. અને ન છોડી શકતા હો તો ફરિયાદ કરવાનું બંધ કરીને એની સાથે સુલેહ કરી, શાંતિથી જીવવાનું શરૂ કરી દો.
_અજ્ઞાત
Good morning sir ?