શું આ સાચું છે? : સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ : મંગળવાર, ૩૦ માર્ચ ૨૦૨૧)

ચારપાંચ વર્ષ પહેલાંની વાત. વૉટ્સઍપ પૂરજોશમાં લોકપ્રિય થઈ ગયું હતું. ચારેકોર વૉટ્સઍપ ગ્રુપ્સની બોલબોલા હતી. અમે પણ અમારી નજીકના મિત્રોને આમંત્રણ આપીને એક પર્સનલ ગ્રુપ શરૂ કરીને અમારા રોજના લેખો પોસ્ટ કરવાનું શરૂ કર્યું. આ ગ્રુપ એકબીજાને સારી રીતે ઓળખતા હોય એવા મિત્રોનું હતું જેમાં વિવિધ પ્રોફેશનના જાણીતા મિત્રો હતા અને સૌને એમાં જે નાખવું હોય તે નાખવાની છૂટ. આજે પણ આ પ્રકારનું આવું મારું એક માત્ર ગ્રુપ છે જેમાં કંઈ પણ ધમાલ ચાલતી હોય.

એક દિવસ એક મિત્રે લક્ષ્મીજીના એમ્બોસિંગવાળો ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ બહાર પાડેલો સિક્કો પોસ્ટ કરીને લખ્યું કે બ્રિટિશ જમાનામાં પણ આપણા દેવી-દેવતાનાં ચિત્રો ચલણી નોટો-સિક્કાઓ પર છપાતા તો આપણી ગવર્નમેન્ટે કમ સે કમ આટલું તો કરવું જોઈએ ને?

સિક્કો તાંબાનો લાગતો હતો. લક્ષ્મીજીની ઊભી છબિ કોતરેલી હતી. ઈન્ડોનેશિયાની ચલણી નોટો પર ગણપતિબાપાની તસવીર છપાય છે એની બધાને ખબર એટલે આ લક્ષ્મીજીવાળો સિક્કો પણ સાચો જ લાગે. ઘણા બધાને એ પોસ્ટને વખાણી. મને શંકા ગઈ. ઈસ્ટ ઈન્ડિયા કંપની તો ભારતમાં વેપાર કરવા આવી હતી. એ શું કામ અહીં આવીને ચલણી સિક્કાની ઝંઝટમાં પડે. અને બ્રિટિશરો પોતાની રાણી કે રાજાને બદલે લક્ષ્મીજીને શું લેવા કૉઈનમાં સ્થાન આપે?

અડધો કલાક સુધી ગૂગલ, વિકીપીડિયા અને મારી લાયબ્રેરીમાંથી જરૂર સંદર્ભો મેળવીને મેં નક્કી કર્યું કે આ ઈમેજ ફોટોશૉપમાંથી ઊભી થયેલી છે. મેં શાંતિથી મારો તર્ક સમજાવીને એક પછી એક મુદ્દા લખ્યા જેથી મોકલનાર મિત્રને એવું ના લાગે કે બધાની વચ્ચે હું એમને ઊતારી પાડી રહ્યો છું. એમનો પણ વાંક નહોતો. એમને કોઈકે મોકલ્યું તો એમણે બાઝાર મેં નયા હૈ કહીને અમારા ગ્રુપમાં ધકેલ્યું.

મારા કારણો સમજાવીને મેં ગ્રુપમાં લખ્યું કે તમને જેમણે આ સિક્કો મોકલ્યો એને એનો સિક્કો પાછો આપીને જોડે આ મારી પોસ્ટ મોકલો. તમે બીજા જે જે લોકોને ફૉરવર્ડ કર્યું હોય એમને પણ મોકલો તેમ જ એ સૌને કહો કે તમને જેણે મોકલ્યું કે તમે જેમને મોકલ્યું એ બધાને આ સ્પષ્ટતા મોકલો.

ઍપરન્ટલી ઈનોસન્ટ લાગતી આવી પોસ્ટસને તમે સ્વીકારો કે નકારો – ઝાઝો કંઈ ફરક પડતો નથી, સિવાય કે કોઈ જાણકાર ભટકાઈ જાય તો બેવકૂફ લાગો એટલું જ.

હવે તો આવું રોજનું થઈ ગયું છે. જાતજાતના ફેક અને સેમી ફેક ન્યૂઝ ફરતા રહે છે. તમને સાચા લાગે એવી રીતે ટેબલમાં ગોઠવીને આંકડાઓ મૂકવામાં આવે. પણ ધ્યાનથી જુઓ તો એ એકસેલ શીટમાં મૂકેલા આંકડા ક્યાંથી આવે છે એનો કોઈ સોર્સ જ ન લખ્યો હોય.

વચ્ચે એક ફોટો અને એની સાથેનું મૅટર બહુ વાયરલ થયાં. ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ, યશવંત સિંહા, ફારુખ અબ્દુલ્લા, હમીદ અન્સારી, કપિલ સિબ્બલ વગેરેની જમાત એક નવા પ્રગટ થઈ રહેલા પુસ્તકની નકલ હાથમાં લઈને એનું લોકાર્પણ કરી રહ્યા છે એવી તસવીર હતી. પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઈ. એસ. આઈ.ના ભૂતપૂર્વ વડાએ ઈન્ડિયા વિરુદ્ધ લખેલા પુસ્તકનો દિલ્હીમાં ઉદ્ઘાટન સમારોહ યોજાયો એવી તસવીર ફોટોશોપથી બનાવી હોય એવી તો લાગતી નહોતી. છતાં એ ન્યૂઝમાં કંઈક ખોટું લાગતું હતું. સમાચાર એવા હતા કે પેલા પાકિસ્તાની જાસૂસી તંત્રના વડાને ભારતના વિઝા ન આપવામાં આવ્યા એટલે વીડિયો કૉન્ફરન્સથી એની સાથે વાત કરવામાં આવી. મને થયું આ માળું બેટું જબરું. આવી ચોપડી તો વાંચવી જ પડે અને એના વિશે લખવું પણ પડે. મેં એમેઝોનમાં તપાસ કરી. ખબર પડી કે આવી ચોપડી બજારમાં અવેલેબલ થઈ ગઈ છે. પછી એ ચોપડી વિશે વિગતે વાંચ્યું તો જાણવા મળ્યું કે એના લેખકોમાં ત્રણ નામ છે: પહેલું નામ ભારતીય જાસૂસી તંત્રના ભૂતપૂર્વ વડાનું છે, બીજું પેલા પાકિસ્તાનીનું છે ને ત્રીજું કોઈક લેખકનું છે. વધુ તપાસ કરતાં જાણવા મળ્યું કે પુસ્તકમાં બેઉ દેશોના ભૂતપૂર્વ જાસૂસી વડાઓએ જે મુલાકાતો આપી છે તેને પેલા ત્રીજા જણે શબ્દબદ્ધ કરીને પુસ્તક પ્રગટ થયું છે. બેઉ વડાઓએ પોતપોતાની રીતે પોતપોતાના દેશના પક્ષમાં પેલા ઈન્ટરવ્યૂઅરને વાત કરી છે.

ઠીક છે. મારો રસ આ પુસ્તકમાંથી ઊડી ગયો.

આ રીતે અનેક ફૉરવર્ડિયાઓ આવતાં રહેતાં હોય છે. કેટલાની બાબતમાં તમે ઊંડા ઉતરો? શું તમારે બીજો કોઈ ધંધો જ નથી?

મારો એક સીધો સાદો ઉસૂલ છે. રાજકીય સમાચારોમાં જે વાત તમને અકલ્પનીય લાગતી હોય એ તમારે માનવી જ નહીં. રાજકીય સમાચારોની બાબતમાં કહું છું. એ સિવાય ન્યૂઝમાં તમને વાંચવા મળે કે આફ્રિકાના કોઈ દેશમાં ત્રણ પગવાળો વાંદરો જન્મ્યો છે કે યુરોપના કોઈ દેશમાં કોઈ વૈજ્ઞાનિકે ફરારી અને જેગુઆરનું ક્રોસ બ્રીડિંગ કરાવીને બીએમડબ્લ્યુને જન્મ આપવાનો સફળ પ્રયોગ કર્યોં છે તો ચૂપચાપ વાત માની લેવાની. ઘણાં છાપાંઓ પાનાંઓ ભરીને આવા સમાચારો પોતાના વાચકોના માથે મારતા હોય છે. ઘણાને મઝા પડતી હોય છે.

પણ સિરિયસ પોલિટિકલ ન્યૂઝની બાબતમાં મારી બે થિયરી છે. એક તો, વૉટસએપ કે સોશ્યલ મીડિયા પર આવતા, તમારા ફોનના સ્ક્રીન પર દેખાતા તમામ આવા સમાચારોને ચાટી, ચાખી જવાની જરૂર નથી અને એવા એઠા સમાચાર બીજાને ફૉરવર્ડ કરવાની તો બિલકુલ જરૂર નથી. તમારાં બાળકોને તમે શું સલાહ આપો છો. ટ્રેનમાં કે પ્રવાસમાં કે રસ્તામાં કોઈ પેંડો કે ચોકલેટ આપે તો લેવાય? ના લેવાય. ગમે એટલી લાલચ થાય તો પણ ના લેવાય. તો પછી તમે શું કામ ફૉરવર્ડિયાના રૂપમાં આવતા આવા મફતિયા પેંડા અને ચોકલેટો ચાટ્યા કરો છો? બંધ કરી દેવાનું આજથી જ. અત્યારથી જ.

બીજી વાત તમને કોણે એ ફૉરવર્ડ મોકલ્યું તે વ્યક્તિ અગત્યની છે જ નહીં. તમારા અંગત મિત્ર, સાચા સ્નેહી, શુભેચ્છક, સગાં, કોઈપણ હોઈ શકે. પર્સનલી એ સૌ અતિ વિશ્વસનીય હોય તમારા માટે પણ એનો અર્થ એ નથી કે એમણે મોકલેલું ફૉરવર્ડિયું ક્રેડિબલ થઈ જાય: અરે યાર, મારા સગાં સાળાએ મોકલ્યું છે!

સાળો મોકલે એટલે વાત વિશ્વસનીય સનીય નથી થઈ જતી. એ મૂળ મૅસેજ લખનાર કોણ છે એ તમે જાણો છો? પહેલી વાત. ધારો કે એનું નામ નીચે લખ્યું છે. પણ નામ લખવાથી વિશ્વસનીયતા આવી જતી નથી. કોઈ ડૉકટર, એનઆરઆઈ કે ફલાણી સંસ્થાના ભૂતપૂર્વ અધિકારી કે માજી સરકારી અધિકારી વગેરે જેવું કોઈ પણ બનાવટી નામ કોઈ પણ લખી શકે. બરાબર? અને ધારો કે નીચે કોઈ જાણીતું નામ લખ્યું હોય તો ખરેખર એ નામધારી વ્યક્તિએ જ આ મૅસેજ લખ્યો છે એની ખાતરી શું? પેલાએ તમને મોકલ્યું ને માની લીધું? તમારી દુકાને કોઈ અજાણ્યો તમારી સામે ઊભા રહીને માલની ખરીદીની બદલીમાં પચાસ હજાર રૂપિયાનો ચેક લખી આપશે તો સ્વીકારી લેશો તમે? લાખ ઊલટતપાસ કરશો. પણ અહીં તમે એટલા કેરલેસ હો છો કે અરે યાર સદ્ગુરુ જગ્ગી વાસુદેવે કહ્યું છે કે ૨૦૨૪માં મોદી નહીં આવવા જોઈએ (આવો કોઈ મૅસેજ ફરતો નથી. માત્ર ઉદાહરણ ખાતર લખું છું). પણ તમને શંકા થવી જોઈએ કે સદ્ગુરુ શું કામ આવું કહે? મોદીને તો તેઓ સપોર્ટ કરે છે ને મોદી પણ એમને ત્યાં જઈ આવ્યા છે. તો તમારે સદ્ગુરુના ઈશા ફાઉન્ડેશનવાળી સાઈટ પર જઈને જોવું જોઈએ કે આવું કોઈ સ્ટેટમેન્ટ છે ત્યાં? ગૂગલમાં બેચાર સર્ચ વર્ડ્સ નાખીને જોવું જોઈએ કે સદ્ગુરુના આટલા મોટા નિવેદનને ક્યા ક્યા વર્તમાનપત્રો કે ન્યૂઝ પોર્ટલોએ પ્રકાશિત કર્યું છે. છેવટે ના મળે એટલે પુરવાર થઈ જાય કે કોઈકે ભાંગફોડ કરવા માટે આ નીચ રમત રમી છે.

કોઈપણ આંકડાના સોર્સ શું છે તે જોવાનું. દા.ત.: પેટ્રોલના આંકડામાં ઈન્ડિયન ઓઈલ કૉર્પોરેશનની વેબસાઈટનો હવાલો આપ્યો હોય તો તે જોઈ લો પણ એમાં પાછી સાવધાની રાખવાની. ઈન્ડિયન ઓઈલ તો જાણીતી કંપની છે. કોઈ ઉટપટાંગ સાઈટ પર ભેદભરમવાળા આંકડા તમને ઉલ્લુ બનાવવા જ મૂકયા હોય એવું બને. એવી અવિશ્ર્વસનીય સાઈટ્સ ખોટા સંદર્ભો આપીને કે અમુક હકીકતો છુપાવીને તમારી આગળ જે અર્ધસત્યો પેશ કરે એને તમારે પૂર્ણઅસત્યો જ માનવાનાં.

ઘણી વાર કૅનેડિયન કે ઑસ્ટ્રેલિયન પ્રાઈમ મિનિસ્ટરના નામે મુસ્લિમ બૅશિંગ સંદેશા ફરતા હોય છે. એ વડા પ્રધાનો જો આવું બોલ્યા હશે તો એની વીડિયો હશે ને? વીડિયો કેમ નથી ફરતી, માત્ર ટેક્સ્ટ જ કેમ વાઈરલ થાય છે? અને આવો જો કોઈ પત્ર એમણે લખ્યો હોય તો આ પોસ્ટના શરૂઆતના પાંચ-પંદર શબ્દો કૉપી પેસ્ટ કરીને ગૂગલ સર્ચમાં નાખો. કૅનેડા કે ઑસ્ટ્રેલિયાના પ્રમુખ વર્તમાનપત્રોમાં જરૂર પહેલે પાને એ છપાયા હશે. અને જો એવું કંઈ જોવા ન મળે તો? તો એનો અર્થ એ થયો કે કોઈ તમને ઉલ્લુ બનાવી ગયું, અહીં મુંબઈમાં અમે મરાઠી શબ્દ વાપરીને કહીએ કે શેંડી લગાવી ગયું!

બેત્રણ વર્ષ પહેલાં એક અજાણ્યા વાચકે ફૉરવર્ડિયું મોકલ્યું. કોઈ લિન્ક હતી જેમાં સમાચાર અપાતા હોય એમ લખેલું કે આરએસએસે ૪થી જૂને મુંબઈમાં ઈફ્તાર પાર્ટી યોજી છે જેમાં ૩૦ દેશના રાજદૂતો અને અભિનેતાઓ અને ૨૦૦ જેટલા પ્રતિષ્ઠિત લોકો ઉપસ્થિત થવાના છે. દેખીતી રીતે તમને આ ચોંકાવનારા ન્યૂઝ લાગે, મોદી જ્યારે મુસ્લિમોની ખોટી ખુશામત કરતા નથી તો આરએસએસ શું કામ કરે? મેં તાબડતોબ સંઘના એક જાણીતા કાર્યકર્તા રતન શારદાને મૅસેજ કર્યો. રતનભાઈએ જણાવ્યું કે આરએસએસ નહીં પણ ઈરફાન પિરઝાદા નામના ઘાટકોપરના રાષ્ટ્રવાદી મુસ્લિમ જે મુસ્લિમ રાષ્ટ્રીય મંચ નામની એક નાનકડી ટચુકડી સંસ્થા ચલાવે છે એમણે આ આયોજન કર્યું છે. ઈરફાનભાઈ પોતે સંઘપ્રેમી છે અને ટ્રિપલ તલાક વિરુદ્ધના કૅમ્પેઈનમાં એમણે સક્રિય ફાળો આપેલો. આ આયોજન સંઘનું છે એવું કોઈ મીડિયાએ ચલાવ્યું છે જેથી હિન્દુઓમાં કે સંઘપ્રેમીઓમાં સંઘ વિશેની છાપ સેક્યુલરોને જેવી જોઈએ છે તેવી થઈ જાય. ધારો કે રતનભાઈ શારદા એમના રૂટિન પ્રમાણે રાતના નવ વાગ્યાની અર્નબ ગોસ્વામી સાથેની ડિબેટમાં તડાફડી કરવા નીકળી ગયા હોત અને એમના દ્વારા મને આ માહિતી ન મળી શકી હોત તો?

તો મેં મારી સદ્બુદ્ધિ વાપરીને આ સમાચાર ખોટા છે એવું વિચારી લીધું હોત જેથી મારી ઊંઘ ના બગડે.

તમારી ઊંઘ હરામ કરવા માટે જ ખોટા ફૉરવર્ડિયાઓ તમારા સુધી પહોંચતા હોય છે.

લિટમસ ટેસ્ટ: જે ફૉરવર્ડિયું વાંચીને તમે ગુસ્સે થઈ જાઓ, પરેશાન થઈ જાઓ, તમને લાગે કે હવે આખી રાત ઊંઘ નહીં આવે – તો એ ફોરવર્ડિયું અચૂક જુઠ્ઠુ હોવાનું. એને આગળ ધકેલવાને બદલે ડીલીટ મારી દેશો તો ઘસઘસાટ સૂઈ શકશો. મારી દાદીમાનું ઘરવૈદું આ નુસખો આપે છે.

આજનો વિચાર

એક કૂતરાને બીજી ગલીના કૂતરા સાથે ક્યારેય ન બને…

પણ કૂતરા પકડવાની ગાડી આવે ત્યારે બધા એક થઈને ભસવા માંડે…

… આ દેશમાં અત્યારે આવું જ કંઈક થઈ રહ્યું છે.

– વૉટ્સએપ પર વાંચેલું

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને આર્થિક સપોર્ટ આપો : સૌરભ શાહ

પ્રિય વાચક,

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના કે જાહેરખબરોની આવક વિના ચાલતું કોઈનીય સાડીબારી ન રાખતું એક વિશ્વસનીય ડિજિટલ મિડિયા છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનોનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા સ્વતંત્ર પ્લેટફૉર્મની આજે સખત જરૂર છે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મી એવા પત્રકાર સૌરભ શાહ દ્વારા થઈ રહી છે. પૈસાની અપેક્ષા તમારે પૂરી કરવાની છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

4 COMMENTS

  1. Saurabbhai,

    Well explained with examples added. Whatsapp messages are becoming recycle from one group to another. Now Whatapp also shows forwarded many times. There is section of people just do blind forward. For verification Wikipedia is not always right source. Verification of fact is also need skill and common sense.

  2. People generally believe, where there is smoke, fire will be there. And this is circulated on wassup. Which should be checked .and very often sent whitout conforming.

  3. I have never read such well written and meaningful article about fake stories. Luckily, many of them overdo it so that makes it easy to detect such fake news.

    THANK YOU.

  4. વાહ, સૌરભ ભાઈ.
    પૂરતા ઉદાહરણો સાથેનો સરસ લેખ.
    વોટ્સ એપ પર આપણા સમર્થનમાં કઈક આવે તે માની લેવાનું ને વિરોધમાં કઈ આવે તે નહિ માનવાનું એવી માનસિકતા પણ ઉન્માદી પ્રજાની થતી જાય છે.

    ખાંખા ખોળા કરીને શોધી કાઢવું, ઠેઠ મૂળમાં જવું અને પારદર્શી નજર સાથે પરિપેક્ષ્ય બનાવવું એ નવી પેઢી માટે ખૂબ સરળ છે.. ઈન્ટરનેટ હાથવગું છે એટલે.. પરંતુ વોટ્સ એપ પર રોજે રોજ જે રીતે ફેકમ ફેંકી ચાલે છે તે રીતે જોતાં એવું લાગે છે કે નવી પેઢીને ક્રિટીકલ થીંકિંગ એટલે શું તે ખબર જ નથી, અને એવું કંઈ કરવું જ નથી.

    વોટ્સ એપ, યું ટ્યુબ અને ફેસબુક પર ગાંધીજી વિશેના જે ગપોડી, અધૂરા અને બાળક બુદ્ધિ ધરાવતા મેસેજ આવે છે તેનો અભ્યાસ કરવા જેવો છે. એક યુ ટ્યુબ વીડિયો માં મે ગાંધીજી પરની 500 થી વધારે પાનાં માં દ્વેષ પૂર્ણ, તિરસ્કારથી ભરેલી અને નકારાત્મક કૉમેન્ટ વાંચી હતી. ક્યાંથી આવે છે આટલી બધી નફરત..!!!
    આવી નફરત નો એક સોર્સ આવા ગપોડી ફોરવર્ડ મેસેજ છે જે રોજે રોજ પ્રજા ને માથે ઝિકાય છે. લોકો પાછા દેશપ્રેમ ની લાગણીમાં અને સાચો ઇતિહાસ ફેલાવવાના ચક્કરમાં ઉત્સાહ થી આ બધું આગળ ફોરવર્ડ કરે છે.
    કોઈ દેશના યુગુપુરૂષ નું આવું અપમાન માત્ર અજ્ઞાન વશ ભાગ્યે જ થતું હશે..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here