ન્યૂઝ આપણને ગેરમાર્ગે દોરે છે, સંપૂર્ણ ચિત્ર આપતા નથી

ગુડ મૉર્નિંગ

સૌરભ શાહ

સમાચારના આપણા જીવનમાં અતિરેક વિશે આ કૉલમમાં અગાઉ બેત્રણ વખત અલગ અલગ એન્ગલથી લખાઈ ચૂક્યું છે. ફરી એક વાર નવા દૃષ્ટિકોણથી લખવાનું નિમિત્ત રૉલ્ફ ડોબેલી નામનો એક યંગ સ્વિસ રાઈટર છે જેનું થોડાં વર્ષ અગાઉ પ્રગટ થયેલું એક પુસ્તક મને એક મિત્રે હમણાં આપ્યું: ધ આર્ટ ઑફ થિન્કિંગ ક્લિયરલી.

સમાચાર કે ન્યૂઝથી બને એટલા દૂર રહેવું જોઈએ એવો વિચાર નસીમ નિકૉલસ તાલિબના લખાણોમાંથી આવ્યો એવું રૉલ્ફ ડોબેલી કહે છે (એ ‘ગુડ મોર્નિંગ’ નહીં વાંચતો હોય. અને નસીમ નિકૉલસ તાલિબને ‘મુંબઈ સમાચાર’ મળતું હશે!). જીભડાવાળું સ્માઈલી.

રૉલ્ફ ડોબેલીના બ્લૉગ ડોબેલી ડૉટ કૉમ પર એણે પહેલવહેલીવાર આ ક્ધસેપ્ટ રમતી મૂકી કે ન્યૂઝ ઈઝ બૅડ ફૉર યુ અને સમાચારો વાંચવાનું છોડી દઈશું તો વધુ સુખી થઈશું.

રૉલ્ફ ડોબેલી કહે છે કે સમાચાર વાંચવામાં જોર નથી પડતું, વિચાર નથી કરવો પડતો એટલે આપણે કોઈપણ નકામા સમાચાર પણ ઝાપટી જઈએ છીએ. પુસ્તક વાંચવામાં કે લેખ વાંચવામાં દિમાગને જોર લગાડવું પડતું હોય છે. પુસ્તક કે લેખમાંની ક્ધટેન્ટ તમને વિચારતા કરી દે છે, વિચારવા માટે મજબૂર કરી દે છે.

ન્યૂઝના ધોધમાં તણાઈ જઈએ છીએ ત્યારે આપણી દુનિયાને જોવાની દૃષ્ટિ બદલાઈ જાય છે. સતત બળાત્કાર, ખૂન, ચોરી, લૂંટફાટના સમાચારોથી દિમાગ ઘેરાઈ જાય એટલે આપણે માનવા માંડીએ છીએ કે આ દુનિયા ખરાબ છે, અસલામત છે. આવા સમાચારો પાછળની સચ્ચાઈ જાણવાનો પ્રયાસ આપણે નથી કરતા. કેટલા કરોડની વસ્તીમાં આવા અપવાદરૂપ બનાવો બને છે એના આંકડા તમને છાપા-ટીવીવાળા નથી આપતા કારણ કે એમને સનસનાટી સર્જવામાં રસ હોય છે.

જેમ કોઈ પણ ચીજવસ્તુ કે ખાદ્યપદાર્થ વેચનારા તમને એમ જ કહેવાના કે અમારી પ્રોડક્ટ તમારા માટે બેસ્ટ છે, અમારી પ્રોડક્ટ વિના તમારું જીવન અધૂરું છે અને અમારી પ્રોડક્ટ વાપરશો તો તમારા જીવનમાં ખુશહાલી છવાતી જશે-એવું જ ન્યૂઝ વેચવાવાળાઓનું છે. ટીવીના એન્કરો તમે જો જો એવા ઉત્સાહથી બરાડા પાડતા રહેશે કે જાણે એમનો જન્મ તમારું ભલું કરવા માટે જ થયો છે. હકીકતમાં તેઓ પેલા ચાર રસ્તા પર ડુગડુગી વગાડતા મદારી જેવા છે, ઘાંટા પાડી પાડીને પોતાનો માલ વેચનારાઓ છે. મીડિયાના માલિકો અને મીડિયા ચલાવનારાઓ તમને સીધી યા આડકતરી રીતે સમજાવતા રહે છે કે ન્યૂઝ વિના તમારી જિંદગી અધૂરી છે. ન્યૂઝની બાબતમાં જો તમે અપડેટેડ નહીં રહો તો જિંદગીમાં પાછળ રહી જશો અને આ દુનિયા આગળ વધી જશે, તમે અંગૂઠાછાપમાં ગણાઈ જશો. આવી દહેશત તેઓ આપણા દિમાગમાં સર્જે છે એટલે આપણે પણ તે ગાડરિયા પ્રવાહમાં તણાઈ જવું પડે છે.

ન્યૂઝ આપણને ઘણી વખત ગેરમાર્ગે દોરે છે એટલું જ નહીં મોટા ભાગના ન્યૂઝ આપણને સંપૂર્ણ કે સાચું ચિત્ર આપતા નથી હોતા. મોટા ભાગના મીડિયા પોતાના પૂર્વગ્રહ મુજબ સમાચારો તોડીમરોડીને આપણા સુધી મોકલે છે. ઍનેલિસિસ વિનાના, પ્રામાણિક વિશ્ર્લેષણ વિનાના સમાચારનું કોઈ મહત્ત્વ જ નથી એવું હું (રૉલ્ફ ડોબેલી નહીં, પણ આ કૉલમનો લેખક-હું) માનું છું. કારણ કે ન્યૂઝની સાથે પૂરતું બૅકગ્રાઉન્ડ આપીને પૂરેપૂરી પ્રામાણિકતા રાખીને ઍનેલિસિસ કર્યા પછી આ ન્યૂઝની મહત્તા કેટલી છે ને કેટલી નથી એ વિશે વાચકને કે દર્શકને ખબર ન પડે તો એમાં વાચકનું કે દર્શકનું અહિત થતું હોય છે. વાચક-દર્શક પાસે કંઈ દર વખતે એ પર્ટિક્યુલર ન્યૂઝને લગતો થ્રી સિક્સ્ટી ડિગ્રી વ્યૂ ન હોય, એવો દૃષ્ટિકોણ તો અનુભવી અને પ્રામાણિક વિશ્ર્લેષણકાર તરફથી જ મળી શકે.

એક નવી વાત રૉલ્ફ ડોબેલી પાસેથી એ જાણવા મળી કે કેટલીય વખત ન્યૂઝ તમને ડિપ્રેશનમાં ધકેલી દે છે, નર્વસ બનાવી દે છે, ભયભીત કરી નાખે છે, ગુસ્સે કરી દે છે. અને એ પણ એવા ન્યૂઝ જેની સાથે તમારે કોઈ લેવાદેવા ન હોય. એ પર્ટિક્યુલર ન્યૂઝથી તમે દૂર રહ્યા હોત તો આ બધાં જ શારીરિક કે માનસિક લક્ષણોની અસરોમાંથી તમે બચી ગયા હોત.

ન્યૂઝ પર ભરોસો રાખીને આપણે ઘણી વખત ઓવર કૉન્ફિડન્સમાં આવીને મૂર્ખામીભર્યાં જોખમો ઉઠાવતા થઈ જઈએ છીએ, જ્યાં તકની કોઈ ગુંજાઈશ નથી ત્યાં તક છે એવું માનીને એમાં ઝંપલાવતાં થઈ જઈએ છીએ એવું રૉલ્ફ ડોબેલી કહે છે અને ઉમેરે છે: ‘જે કોઈ જર્નલિસ્ટ લખે કે ફલાણા કારણોસર માર્કેટ ઉપર (કે નીચે ગયું) કે ઢીકણાં કારણોસર પેલી કંપની ડૂબી ગઈ કે અમુકતમુક કારણોસર અર્થતંત્ર પર સારી કે અવળી અસર પડી છે – એવા પત્રકારને હું ઈડિયટ માનું છું. કોઈપણ વાતને આટલી સહેલાઈથી સમજાવી શકાતી નથી. આવી ઘટનાઓ પાછળ એક કરતાં અનેક કારણો હોવાનાં અને એ કારણો ઘણાં કૉમ્પલેક્સ હોવાનાં-સરળતાથી ન સમજાવી શકાય એવાં હોવાનાં.’

અહીં મને ‘સંજુ’ ફિલ્મની એક વાત યાદ આવે છે. એમાં એક સંવાદ છે કે જે મામલાને સમજવામાં કોર્ટને વર્ષો નીકળી જાય છે તે મામલા વિશે ટીવીની ‘છોટી-છોટી ખિડકીઓ’માં બેઠેલા એનેલિસ્ટો તાબડતોબ ચુકાદો આપી દેતા હોય છે!

કાલે પૂરું.

આજનો વિચાર

ઈમરાન ખાનનો હમણાં અમિત શાહ પર ફોન આવ્યો: 27 જણા કરી આપો… પીઓકે તમારું!

– વૉટ્સએપ પર વાંચેલું

એક મિનિટ!

બકો વૉટ્સએપ પર એના બૉસને મેસેજ ટાઈપ કરી રહ્યો હતો. અને ત્યાં જ બૉસનો મેસેજ આવ્યો: તું કંઈ પણ ટાઈપ કર… આજે ઑફિસે તો આવવાનું જ છે!’

(મુંબઇ સમાચાર : મંગળવાર, 31 જુલાઇ 2018)

8 COMMENTS

  1. પત્રકારત્વમાં ચાર દાયકા ગાળનાર અને એક પ્રખ્યાત સમાચાર પત્રના ભૂતપૂર્વ તંત્રી જ્યારે કહે કે “ન્યુઝ” થી દૂર રહો ત્યારે મૂંઝવણ વધી ગઈ કે તો આ અખબાર જગત કે જેને લોકશાહીનો ચોથો સ્તંભ ગણવામાં આવે છે તે નકામું ??

    હકીકતે, ભારતમાંનાં મોટાભાગનાં અખબારોને જાહેર જીવનની કે સામાજિક જીવનની નિતીમત્તા સાથે સ્નાન સૂતકનો ય સંબંધ નથી. એ લોકો સંપૂર્ણપણે ધંધાદારી છે, ફક્ત નફા સાથે જ લેવાદેવા છે. જેમ ગાંજો, ચરસ, અફીણ વગેરેનો ધંધાદારી કરે છે તેમ જ. ફરક એટલો જ કે નશીલા પદાર્થનો વેપાર ગેરકાયદેસર છે અને પત્રકારત્વ (Both Print & TV media) કાયદેસર છે. નટ, નટી, રમતવીર, શિક્ષક, પ્રાધ્યાપક, લેખક, રાજકારણી, પત્રકાર કે ન્યાયાધીશ….. જ્યારે પોતાની સાર્વજનિક જવાબદારી નિભાવવાની ચૂકી જાય છે ત્યારે સમાજમાં આવી સ્થિતિ ઊભી થતી હોય છે કે એક પત્રકાર, લેખક, સંપાદકે એવી સલાહ આપવી પડે કે “ન્યુઝ” થી દૂર રહો….

  2. સ-રસ લેખ !!!!
    ન્યુઝનું અફીણ ચાટીચાટીને લોકમાનસ એટલું માંદલું થઈ ગયું છે કે, આવા લેખોનો જુદીજુદી રીતે સતત મારો કર્યા કરવો પડે…!
    ને, તમારી આ કોલમને આપણે ‘વ્યુઝપ્રેમી’ નામ આપવું પડે.

  3. વિવેક ભાન હોવું જરૂરી
    Eye opening article
    Thank you Saurabh bhai

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here