ગુલઝાર કહે છે કે દુનિયાદારીના આકરા તાપથી બચવા પ્રેમના શીતળ છાંયડે છાંયડે આગળ ચાલવાનું

ગુડ મોર્નિંગ – સૌરભ શાહ

( મુંબઇ સમાચાર : સોમવાર, 18 માર્ચ 2019)

ગુલઝારસા’બ કહે છે કે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આપણી પાસે એવા ગાયકો છે જેઓનું ગીત રેકૉર્ડિંગમાં પહેલા જ ટેકમાં ઓકે થઈ જતું હોય છે. લતાજી, આશાજી, સુરેશ વાડકર, સોનુ નિગમ અને અનુરાધા પૌડવાલનાં નામ ગુલઝારસા’બ આ યાદીમાં ગણાવે છે. આ બધા ગાયકો ગીતને પોતાના અક્ષરોમાં કાગળ પર લખીને ક્યાં પૉઝ આપવાનો છે, ક્યાં ભાર મૂકવાનો છે, ક્યો શબ્દ કેવી રીતે ગાવાનો છે, એ બધી નોંધ કરી લેતા હોય છે. પછી તેઓ ગીત રેકૉર્ડ કરવાનું શરૂ કકરે અને એક જ ટેકમાં ઓકે થઈ જાય.

અહીં મને ગુલઝારસા’બનું ગીત યાદ આવે છે જે મદનમોહને સ્વરબદ્ધ કરેલું, લતાજીએ ગાયેલું. ‘મૌસમ’ ફિલ્મમાં એ ગીત રેડિયો પર સંભળાતું હોય એ રીતે શર્મિલા ટાગોર પર ફિલ્માવવામાં આવ્યું છે. રુકે રુકે સે કદમ રુક કે બાર બાર ચલે… તમે ધ્યાનથી આ ગીત સાંભળજો. પહેલી જ પંક્તિમાં ત્રણ વાર રુકે/રુક શબ્દ રિપીટ થાય છે. પગલાંની અવઢવ, કઈ દિશામાં આગળ વધવું, એની વાત કવિએ પોતાના ખૂબસૂરત અને આગવા અંદાજમાં કરી છે. સોનામાં સુગંધ મળે એમ લતાજીએ એક જ પંક્તિમાં આવતા આ ત્રણેય એક સરખા શબ્દોને જે અંદાજથી ઉચ્ચાર્યા છે તે તમે જુઓ: પહેલી વાર ‘રુકે આવે છે ત્યારે ‘ર’નો ધ્વનિ તમને દોઢ ‘ર’ જેવો સંભળાશે, ‘ર્ રુકે’ જેવો. જાણે ચાલતાં ચાલતાં અવઢવ થતી હોય એવો લાગશે. પછીનો ‘રુકે’ શબ્દ (રુકે સે કદમવાળા ‘રુકે’માં) તમને પગલાં અટકી ગયા હોય એવી ફીલિંગ આપશે. અને ત્રીજીવાર રુક આવે છે (રુક કે બાર બાર ચલે) ત્યારે ‘રુક’માંનો ‘ક’ અડધો એટલે કે ‘ક્’ જેવો સંભળાશે જેથી ‘રુક’ પછીના ‘કે’ વચ્ચે નાનકડો, ક્ષણાર્ધ જેટલો પૉઝ આવે, જાણે અટકી પડેલાં પગલાં સહેજ ખમચાઈને ફરી પાછાં ઉપડતાં હોય. લતાજીની ગાયકીની આ કમાલ છે. માત્ર સ્વર દ્વારા તેઓ આખું ચિત્ર ઊભું કરે છે, કવિના દરેક શબ્દને સજાવે અને સંગીતકારની ટ્યુનને પૂરેપૂરો ન્યાય આપે.

લતાજી ‘જિયા જલે’ ગાઈને મુંબઈ પાછા આવી ગયાં પણ એ. આર. રહેમાન માટે હજુ આ ગીત અધૂરું હતું. એમાં બે અંતરા વચ્ચેનું સંગીત (ઈન્ટલ્યુડ મ્યુઝિક) ઉમેરવાનું હતું. રહેમાનનો ફોન આવ્યો: ‘ગુલઝારસા’બ, મેં બે અંતરા વચ્ચે મૂકવા માટે મેલ-ફિમેલના અવાજમાં રેકાર્ડિંગ કરી લીધું છે. શબ્દો મલયાલમમાં છે. તમે એનું હિંદી કરી આપશો?’

ગુલઝારે ફોન પર કહ્યું, ‘સંભળાવો.’ રહેમાને રેકૉર્ડિંગ સંભળાવ્યું: ‘પુચિરી તંજી કોં ચિક્કો (તારું નિર્મળ સ્મિત મને પુલકિત કરે છેે), મુન્તિરી મુતોલિ ચિંતિકકો (દ્રાક્ષ જેવા મીઠાં ચુંબનો) મંજાનિ વર્ના ચુંતારી વાવે (ઓ, મિઠ્ઠી, મિઠ્ઠી નાનકડી છોકરી) તંગિનક્કા તકાદિમિ આદુમ તન્કા નિલવે (સુવર્ણમય ચાંદનીની જેમ નૃત્ય કરતી) તન્કા કોલુસલૈ (શું તું જ મારું સુવર્ણ પાયલ છે?) કુરુકમ કુપિલૈ (શું તું જ ટહુકા કરતી કોયલ છે?) મારાના મયૈલલૈ? ઉમ તંગા નિલવ હોયે (શું તું જ નૃત્ય કરતો મોર છે?)

ગુલઝારને આ મલયાલમ શબ્દોનો જાદુ સ્પર્શી ગયો. એમણે કહ્યું, ‘આ ભાષા નહીં સમજનાર શ્રોતાને પણ આ શબ્દો સ્પર્શી જશે. તમે એને હિંદીમાં ટ્રાન્સલેટ કરાવવાને બદલે ઓરિજિનલ મલયાલમમાં જ વાપરો તો ગીત ઘણું યુનિક બનશે.’ ગુલઝારના આ સૂચનને રહેમાને માન્ય રાખ્યું. ઘણી વખત ગીતમાં ઓવરઑલ ઈમ્પેક્ટનું મહત્ત્વ વધારે હોય છે, શબ્દોનો અર્થ સમજ પડે તો તો સારું જ છે, ન સમજ પડે તો પણ એ શબ્દોના ધ્વનિથી સર્જાતું વાતાવરણ ગીતને યાદગાર બનાવતું હોય છે.

ગુલઝાર યાદ કરે છે કે ‘દિલ સે’ના એક અન્ય ગીત ‘ઐ અજનબી’માં ઉદીત નારાયણે રેકૉર્ડિંગ પૂરુંકરી લીધું એ પછી રહેમાને ફોન કરીને કહ્યું કે આ વખતે બે અંતરાની વચ્ચે કોરસ નહીં પણ સિંગલ ફીમેલ વોઈસમાં થોડાક શબ્દો જોઈએ છે, પણ એ શબ્દોમાં ‘પા’ ધ્વનિ હોવો જોઈએ. ગુલઝારે સજેસ્ટ કર્યું, ‘પાખી પાખી પરદેસી’. રહેમાન પૂછે કે આ શબ્દોનો કોઈ મીનિંગ થાય ખરો કે પછી માત્ર ધ્વનિ માટે જ તમે સજેસ્ટ કરો છો. ગુલઝારે સમજાવ્યું: ‘સંસ્કૃતમાં પાખીનો અર્થ પંખી થાય, બંગાળીમાં પણ પંખીને પાખી કહે છે.’ એની પાછળ પરદેસી શબ્દ મૂકીને કવિએ પરદેસી શબ્દ મૂકીને કવિએ નિર્દેશ કર્યો કે આ પંખી ઋતુ બદલતાં ઉડીને સ્થળાંતર કરતું પંખી છે, માઈગ્રેટરી બર્ડ છે. અર્થાત્ એક દિવસ એવો આવશે જ્યારે એ ઊડીને ફરી પાછું પોતાના વતનભેગું થઈ જશે. રહેમાન મહાલક્ષ્મી ઐય્યરના અવાજમાં આ શબ્દો રેકોર્ડ કર્યા અને તમે ‘દિલ સે’નું આલબમ સાંભળશો તો ‘જિયા જલે’ તથા ‘ઐ અજનબી’ ગીતોમાં આ જાદુગરી સાંભળી શકશો.

ગુલઝાર પોતે ગીતકાર છે પણ તેઓ દૃઢપણે માને છે કે ફિલ્મમાં ગીતની લોકપ્રિયતામાં સૌથી મોટો ફાળો એની ટ્યુનનો હોય છે. નૉર્મલ શ્રોતા પણ ગણગણી શકે એવી ધૂન પૉપ્યુલર થાય અને એ પછી ધ્યાન એના શબ્દો પર જાય. શબ્દો જાણવા મળે એટલે તમારા મનમાં એ ધૂન પાકેપાયે બેસી જાય. અને એક વખત શબ્દો હોઠે ચડી જાય એટલે તમને એ શબ્દોનો અર્થ જાણવાનું કુતૂહલ થાય. આમ એક પછી એક પગથિયાં પરથી તમે આગળ વધતા જાઓ.

‘દિલ સે’ના આઈકોનિક સૉન્ગ ‘ચલ છૈયા, છૈયા, છૈયા’ વિશે વાત કરતા ગુલઝાર કહે છે કે પ્રેમના છાંયે છાંયે આગળ વધવાની વાત આ ગીતમાં છે.

દુનિયાદારીના આકરા તાપથી બચવું હોય તો પ્રેમની શીળી છાયા નીચે ચાલતાં ચાલતાં આગળ વધવું પડે એવી સમજ ગુલઝારસા’બે આપી ત્યારે આપણામાં આવી. બાકી, અત્યાર સુધી તો આપણેે મલાઈકા અરોરાની લચકાતી કમર પર એટલું ધ્યાન આપતા હતા કે ગીતના શબ્દો શું કહેવા માગે છે તેની પરવા પણ નહોતા કરતા!

આજનો વિચાર

મિત્રો, કેટલું સારું લાગે છે કે હજી સુધી ક્યાંયથી હોળી કેમ રમવી કે પાણી બચાવોના એક પણ મેસૅજ આવ્યા નથી. અચ્છે દિન આ ગયે.

– વૉટ્સએપ પર વાંચેલું

એક મિનિટ!

બકો: ગુલાલ શું ભાવે આપ્યો?

દુકાનદાર: સાહેબ, મોટી બ્રાન્ડ ગુલાલ ૫૦૦ રૂપિયે કિલો વેચીએ છીએ, રાહુલ બ્રાન્ડ ૫૦ રૂપિયે કિલો અને માયાવતી-અખિલેશ બ્રાન્ડ પાંચ રૂપિયે કિલો.

બકો: એ સિવાય બીજી કોઈ બ્રાન્ડ છે?

દુકાનદાર: છે ને સાહેબ, એકદમ ઊંચી આયટમ છે. કેજરીવાલ બ્રાન્ડ ૫,૦૦૦ રૂપિયે કિલો!

બકો: એટલો મોંઘો! એમાં કંઈ ખાસ છે કે શું?

દુકાનદાર: જી, સાહેબ. એક વાર કોઈના મોઢા પર લગાવી દો તો દર દસ-દસ મિનિટે રંગ બદલ્યા કરશે!

6 COMMENTS

  1. જિયા જલે સાંભળવા ની મજા હવે અનેરી થયી જશે…આભાર..! આવું એક કલાકાર લેખક જ લખી શકે..!!

  2. વાહ સૌરભભાઈ, આટલી બારીકાઈથી જાણ્યું, હવે સાંભળી શું.
    આજનો વિચાર ?
    આભાર

  3. Awesome. No words to praise you for this article and no words to measure heights of Gulzar. Just simply amazing. This simplicity is the best quality which takes one to reach heights higher than skies.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here