લતાજી અને ગુલઝાર’સાબ: મહાન માણસોને ઈગો પ્રૉબ્લેમ્સ નડે?

ગુડ મૉર્નિંગ – સૌરભ શાહ

( મુંબઇ સમાચાર : શનિવાર, 16 માર્ચ 2019)

ગુલઝાર પોતે લખેલાં ફિલ્મી ગીતોની વાત કરવા માટે એક આખું પુસ્તક ભરાય એટલો લાંબો ઈન્ટરવ્યૂ આપે તો તમારી અપેક્ષા શું હોય? એમાં કમ સે કમ અડધી જગ્યા તો એમણે આર. ડી. બર્મન સાથે કરેલા કામ વિશે હશે. નસરીન મુન્ની કબીર સાથેની વાતચીતના પુસ્તક ‘જિયા જલે: ધ સ્ટોરીઝ ઑફ સૉન્ગ્સ’માં અડધો અડધ જગ્યાની વાત તો જવા દો, એક સ્વતંત્ર પ્રકરણ પણ આર. ડી. બર્મન માટેનું નથી. ‘મેરા કુછ સામાન’ની કેટલીક પ્રચલિત વાતો તથા પંચમ વિશેના થોડા છૂટાછવાયા ઉલ્લેખો સિવાય આ પુસ્તકમાં તમને ગુલઝાર-પંચમની જોડીએ કહેલી અનેક કમાલની ભીતરી વાતો જાણવા ન મળે એટલે પહેલે ધડાકે થોડીક નારાજગી જરૂર થાય. પણ પછી ખ્યાલ આવે કે આ પુસ્તકનું ટાઈટલ છેતરામણું તો નહીં કહીએ પણ અધૂરું જરૂર છે. ‘ધ સ્ટોરીઝ ઑફ ક્ધટેમ્પરરી સૉન્ગ્સ’ એવું ટાઈટલ હોત તો ખ્યાલ આવી જાત કે આમાં એવરગ્રીન કે સદાબહાર નહીં, પરંતુ સમકાલીન સમયના, ‘નવા’ સંગીતકારો સાથેના કામની વાત છે. ‘નવા’ એટલે એ. આર. રહેમાન, વિશાલ ભારદ્વાજ, શંકર-અહેસાન-લૉય વગેરે.

નસરીન મુન્ની કબીરે અફકોર્સ, ૨૦૧૨માં ‘ઈન ધ કંપની ઑફ અ પોએટ’ નામની ગુલઝાર સાથેના અતિદીર્ઘ ઈન્ટરવ્યૂની બુક કરેલી જ છે જેમાં ગુલઝારની જિંદગી વિશે, એમની ફ્લ્મિ કારકિર્દી વિશે તથા એમણે લખેલી, દિગ્દર્શન કરેલી ફિલ્મો વિશે તેમ જ ફ્લ્મિો માટે લખેલાં ગીતો વિશે ઘણી વાતો કરી છે. આર. ડી. બર્મન વિશેની કેટલીક વિગતવાર વાતો એમાં છે.

અત્યારના પુસ્તકમાં બીજો એક મહત્ત્વનો અપ્રોચ ગુલઝારનાં ગીતોનું અંગ્રેજી ભાષાંતર છે. અનુવાદની પ્રક્રિયામાં જેમને રસ હોય એવા અભ્યાસુઓ માટે આમાં ખજાનો છે. ગુલઝાર જે રીતે પોતાની ફિલ્મી રચનાઓના ટ્રાન્સલેશનને અપ્રૂવ કરે કે એમાં નાના-મોટા પણ મહત્ત્વના ફેરફારો સૂચવે છે એ વાંચીને તમને ઘણું શીખવા મળે.

ગુલઝારસા’બનો જન્મ ૧૯૩૪માં. ૮૫ના થશે આ વર્ષની ૧૮મી ઑગસ્ટે. આ ઉંમરે પણ ભરપૂર કામ કરે છે, પૂરેપૂરી ડિસિપ્લિનથી કામ કરે છે. નસરીન મુન્ની કબીર પ્રસ્તાવનામાં નોંધે છે કે અઠવાડિયાના છ દિવસ સાહેબ સવારે સાડાદસ વાગ્યે વાંચવા-લખવા માટે પોતાની ડેસ્ક પર ગોઠવાઈ જાય. બપોરે દોઢ વાગ્યા સુધી કામ ચાલે. કલાકના લંચ બ્રેક પછી ફરી કામ શરૂ થાય જે સાંજના છ સુધી ચાલે. એક સાથે અનેક પુસ્તકોનું કામ હાથમાં છે. કેટલીય ફિલ્મો માટે ગીતો લખવાનાં અસાઈન્મેન્ટ લીધેલાં છે. મુલાકાતીઓ આવતા રહે. ફોનની રિંગ વાગતી રહે.

આમ છતાં ગુલઝારસા’બ પાસે નસરીન મુન્ની કબીરની આ બુક માટે ફાળવવા જેટલો સમય છે. નસરીનજી લંડન રહે છે. રૂબરૂ મળ્યા વિના પંદરથી વધુ સેશન્સ ડિજિટલી રેકૉર્ડ થાય છે. દરેક સેશન બેથી અઢી કલાકની. મેનુ સ્ક્રિપ્ટ તૈયાર થયા પછી નિરાંતની રૂબરૂ મુલાકાત દરમ્યાન જરૂરી ફેરફારો-સૂચનોની આપલે થાય છે. ક્યારેક થાય કે આટલા બિઝી માણસ કેવી રીતે આવો સમય ફાળવી શકતા હશે. હકીકત એ છે કે બિઝી માણસો પાસે જ દરેક કામ માટે પૂરતો સમય હોય છે. આળસુ માણસો પાસે ક્યારેય સમય હોતો નથી, એમની પાસે કામ ટાળવાનો એક સ્ટાન્ડર્ડ જવાબ હોય છે:

કાલે કરીશું, નેક્સ્ટ વીક રાખીએ, આ મહિનો જવા દઈએ… બિઝી માણસો બે કામની વચ્ચેના ગાળામાં, ચસોચસ ટાઈટ શેડયુલ વચ્ચે પણ સમય કાઢી જ લેતા હોય છે. ૮૫મા વર્ષે પણ વ્યસ્ત રહેવું હોય તો આ ગુરુચાવી આપી તમને.

ગુલઝાર કહે છે કે મણિ રત્નમ્ની ફિલ્મ ‘દિલ સે’ માટે એ. આર. રહેમાને પહેલવહેલી વાર લતા મંગેશકરનો અવાજ વાપર્યો. ‘જિયા જલે જાન જલે, નૈનોં તલે ધુઆં ચલે, ધુઆં ચલે…’ રહેમાનની ખાસિયત છે કે કોઈ પણ ગાયકે ગીત ગાવા માટે ચેન્નઈના એમના સ્ટુડિયોમાં આવવું પડે અને એ પણ મોડી રાત્રે ૧૯૯૭નું વર્ષ. લતાજી રહેમાન માટે રેકૉર્ડિંગ કરવા મુંબઈથી ઊડીને ચેન્નઈ ગયા. અગાઉ તેઓ ક્યારેય રહેમાનને રૂબરૂ મળ્યા નહોતા, રહેમાનના સ્ટુડિયોથી પરિચિત નહોતા. એમની સાથે ગુલઝારસા’બ હતા.

હવે વાત સાંભળજો, દોસ્તો. ખરેખર ક્રિયેટિવ હોય એવા માણસો કામની બાબતમાં ક્યારેય પોતાનો અહમ્ આડે નથી લાવતા એવો આ કિસ્સો છે. લતાજીનો અને ગુલઝાર’સાબનો પણ. લતાજીએ તો પુરવાર કરી દીધું કે પોતાનાથી મચ જુનિયર એવા સંગીતકાર માટે પોતે ગાવા જશે અને તે પણ છેક ચેન્નઈ સુધી, એવા સ્ટુડિયોમાં જેની સિસ્ટમથી તેઓ બિલકુલ પરિચિત નથી. અને તે પણ ક્યારે? જ્યારે એમણે બધું જ અચીવ કરી લીધું છે. ભારતરત્ન સહિતનું બધું. જ.

હવે ગુલઝારસા’બની મહાનતાની વાત આવે છે. રહેમાનના સ્ટુડિયોમાં તમે એન્ટર થાઓ એટલે તરત મોટું મિક્સિગં ડેસ્ક આવે જ્યાં રહેમાન પોતે હોય. અંદરની તરફ માઈક્રોફોન્સ સાથેનું નાનકડું સિંગર્સ બૂથ હોય. મણિ રત્નમ્ પણ આ રેકૉર્ડિંગમાં હાજર હતા. વાદ્યકારોની જરૂર નહોતી. એ ટ્રેક્સ પાછળથી સિંગરના ટ્રેક સાથે જોડાવાના હતા. રહેમાન પાસે ટયુન સમજી લીધા પછી લતાજી સિંગર્સ કૅબિનમાં જાય છે પણ ત્યાં પગ મૂકતાં જ ખબર પડે છે કે આ કૅબિનમાંથી મિક્સિંગ ડેસ્ક નજરે પડતી નથી. વિચ મીન્સ કે એમને રહેમાન દેખાતા નથી. લતાજી માટે આ એક બહુ મોટી સમસ્યા હતી, કારણ કે એમને ગીત રેકૉર્ડ થતું હોય ત્યારે સંગીતકાર એટલે કે કંપોઝર સાથે આઈ કૉન્ટેક્ટ કરવાની ટેવ હતી. (‘ઠીક જા રહા હૈ ના?’). એક રિહર્સલ પછી લતાજીએ ગુલઝારસા’બને સાઈડમાં બોલાવીને કહ્યું કે, ‘ગુલઝારજી, મને કશું દેખાતું નથી. બ્લાઈન્ડ હોઉં એવું લાગે છે.’

લતાજીને કદાચ આજુબાજુ કોઈ જોવા મળતું નહીં હોય એટલે પોતે કોઈ કાળકોઠડીમાં પુરાઈ ગયા હોય એવું પણ લાગતું હશે. હવે કરવું શું? દીવાલ ખસેડી શકાય નહીં, દરવાજો તોડી શકાય નહીં. ગુલઝારસા’બે એનો તોડ કાઢ્યો. સિંગર્સ કૅબિનના કાચના દરવાજા સામે એક નાનકડું સ્ટૂલ લઈને બેસી ગયા જ્યાંથી એક તરફ એમને રહેમાન દેખાય અને સામે લતાજી. રહેમાને ઍમ્બેરેસ થઈને ગુલઝારસા’બને કહ્યું પણ ખરું કે તમે શું કામ આ રીતે બેસો છો. કોઈ આસિસ્ટન્ટને બેસાડી દઈએ. ગુલઝાર કહે: નહીં, આયમ કમ્ફર્ટેબલ! અને આમ ગુલઝારસા’બ એ દિવસે (રાત્રે) લતાજી અને એ. આર. રહેમાન વચ્ચેના બાઉન્સિંગ બોર્ડ બન્યા.

મહાન માણસો, તમને લાગે કે, બહુ ઈગોઈસ્ટ હોય છે. પણ તેઓ જ્યારે ક્રિયેટિવ કામમાં ઈન્વોલ્વ હોય ત્યારે પોતાના ઈગોને નેવે મૂકીને જે સર્જન થઈ રહ્યું છે તેને શ્રેષ્ઠતાની સર્વોચ્ચ કક્ષાએ પહોંચાડવા માટે બધું જ કરી છૂટતા હોય છે. આવા લોકોની આવી નાની નાની વાતોમાંથી ઘણું ઘણું શીખવાનું હોય છે આપણે.

આજનો વિચાર

એ પુસ્તક લઈને બેસે માત્ર ભૂલો શોધવા માટે,
ઉમળકાભેર મેં આપ્યું’તું એને વાંચવા માટે.
ઘણા યત્નો કરે છે એ મને હંફાવવા માટે,
પ્રયત્નો મેં કર્યા’તા જેને આગળ લાવવા માટે.

– કિરણસિંહ ચૌહાણ

એક મિનિટ!

માયાવતી અને અખિલેશ યાદવ ચુનાવ પ્રચાર માટે એક સાથે એક ગામમાં ગયાં. લોકોને પૂછ્યું કે તમારી ગમે તે સમસ્યા હોય એ કહો. ગામ લોકોએ કહ્યું કે અમારે ત્યાં બે પ્રશ્ર્નો છે. એ ઉકેલાઈ જાય તો અમારો વોટ તમારા ગઠબંધનને.

અખિલેશે પૂછ્યું: સમસ્યા બોલો.

ગામવાસી કહે: સાહેબ, એક તો અમારા ગામમાં ડૉક્ટર નથી.

અખિલેશે તરત જ આસિસ્ટન્ટ પાસેથી ફોન લઈને નંબર પ્રેસ કરીને વાત કરી અને કહ્યું: લો, એક સમસ્યા પતી ગઈ. બીજી માયાવતીજીને કહો.

ગામવાળો: દીદીજી, બીજી સમસ્યા એ છે કે અમારા ગામમાં એકેય કંપનીનું મોબાઈલ નેટવર્ક નથી આવતું…

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here