મંદિર હોવાના 263 નક્કર પુરાવાઓ સુપ્રીમ કોર્ટને કેમ દેખાતા નથી

ગુડ મૉર્નિંગ – સૌરભ શાહ

( મુંબઇ સમાચાર : ગુરુવાર, 14 માર્ચ 2019)

1992ની છઠ્ઠી ડિસેમ્બરે બાબરી તૂટી ત્યારે કે. કે. મુહમ્મદની નોકરી ગોવામાં હતી. મુહમ્મદ ‘મૈં હૂં ભારતીય’ નામના એમના આત્મકથાનુમા પુસ્તકમાં લખે છે કે બાબરી તૂટ્યા પછી એમાંથી જે મહત્ત્વપૂર્ણ પુરાતત્ત્વ અવશેષો પ્રાપ્ત થયા એમાંનો એક છે ‘વિષ્ણુ હરિશિલા પટલ’. આ શિલાલેખ પર 11મી કે 12મી સદીની નાગરી લિપિમાં સંસ્કૃત ભાષામાં લખવામાં આવ્યું છે કે આ મંદિર વાલિ અને દસ હાથવાળા (રાવણ)ને મારનારા વિષ્ણુ (શ્રીરામ વિષ્ણુના અવતાર છે)ને સમર્પિત કરવામાં આવે છે. 1992માં ડૉ. વાય. ડી. શર્મા તથા ડૉ. કે. એન. શ્રીવાસ્તવ દ્વારા થયેલા સંશોધનમાં અહીંથી વિષ્ણુ અવતારો તથા કુશાણ જમાનાની (ઈ. સ. 100 – 300) શિવ-પાર્વતીની માટીની મૂર્તિઓ પણ મળી આવી છે. 2003ની સાલમાં અલાહાબાદ હાઈ કોર્ટની લખનઊ બૅન્ચના કહેવાથી થયેલા ખોદકામ દરમ્યાન લગભગ 50 મંદિર સ્તંભ અને એ સ્તંભની નીચે ઈંટથી બનાવેલો ચબૂતરો મળી આવ્યા હતા. આ ઉપરાંત મંદિરના ઉપરના ભાગનું બાંધકામ મળી આવ્યું હતું તેમ જ મંદિરમાં થતા અભિષેકના જળને બહાર મોકલવાની સુવિધાનું બાંધકામ પણ મળી આવ્યું હતું. ઉત્તર પ્રદેશ ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણના ડિરેક્ટર ડૉ. રાકેશ તિવારીએ કોર્ટમાં સબમિટ કરેલા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે બાબરી મસ્જિદના આગળના હિસ્સાને સમથળ કરતી વખતે મંદિર સાથે સંકળાયેલા કુલ 263 પુરાતત્ત્વ અવશેષ પ્રાપ્ત થયા છે. 

કે. કે. મુહમ્મદ લખે છે કે, ‘તમામ પુરાવાઓ અને પૌરાણિક અવશેષોના વિશ્ર્લેષણ પછી ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ (આર્કિયોલૉજિકલ સર્વે ઑફ ઈન્ડિયા – એ.એસ.આઈ.) એવા નતીજા પર પહોંચે છે કે બાબરી મસ્જિદની નીચે એક મંદિર હતું. અલાહાબાદ હાઈ કોર્ટની લખનઊ બૅન્ચે પણ આ નિર્ણય માન્ય રાખ્યો છે.’

હવે થોડી અત્યારની વાત કરીએ. મધ્યસ્થી માટેની સુપ્રીમ કોર્ટની વાત શા માટે તદ્દન વાહિયાત છે એની વાત કરીએ. અલાહાબાદ હાઈ કોર્ટે માન્ય રાખેલો મંદિરના 263 પુરાતત્ત્વ અવશેષોવાળો ચુકાદો સુપ્રીમ કોર્ટ પાસે પણ છે. સુપ્રીમ કોર્ટે કાં તો એ પુરાવાઓ રિજેક્ટ કરવા જોઈએ કાં સ્વીકારવા જોઈએ. રિજેક્ટ એ કરી શકે એમ નથી, કારણ કે આ બાબતમાં આર્કિયોલૉજિકલ સર્વે ઑફ ઈન્ડિયા (એ.એસ.આઈ.) કરતાં બીજી કોઈ મોટી અને વિશ્ર્વસનીય ઑથોરિટી ભારતમાં છે નહીં. ઈન્ડિયન કાઉન્સિલ ઑફ હિસ્ટોરિકલ રિસર્ચ (આઈ.સી.એચ.આર.)ના ઈરફાન હબીબ જેવા ઈન્ટેલેક્ચ્યુઅલ મવાલીગીરી કરનારા ઈતિહાસકારોનો એજન્ડા તો ખુલ્લો પડી ગયો છે. એટલે એ લોકોના સડકછાપ વ્યૂને સુપ્રીમ કોર્ટે અવગણવો જ પડે. આવા સંજોગોમાં સુપ્રીમ કોર્ટ પાસે આ પુરાવાઓ સ્વીકારીને સ્પષ્ટ ચુકાદો આપવા સિવાય બીજો કોઈ આરો નથી. આ તો સારું છે કે શિયા મુસ્લિમોએ રામ જન્મભૂમિની કેટલીક જમીન પરનો પોતાનો લીગલ દાવો જતો કરી દીધો છે અને એ ભૂમિ પર મંદિર બાંધવા માટે હિન્દુઓને સોંપી દીધી છે અને બીજું એ પણ સારું છે કે સુન્ની મુસ્લિમોએ ભલે આ વિવાદમાં વચ્ચે ઝંપલાવ્યું હોય પણ કાનૂની દૃષ્ટિએ એમને આ ભૂમિ સાથે કોઈ લેવાદેવા નથી. 

પણ ધારો કે, જસ્ટ ધારો કે, રામજન્મભૂમિના પ્લૉટ પરનો દાવો શિયાઓએ જતો ન કર્યો હોત કે સુન્નીઓ પાસે આ જમીનનો પ્લૉટ પોતાની માલિકીનો છે એવા જડબેસલાક પુરાવા હોત તો શું થાત?

એવું હોત તો પણ (તો પણ) હિન્દુઓને આ જમીન પર રામમંદિર બાંધવાનો કાનૂની હક્ક છે, કારણ? તમારી પત્નીના ગળાનો સોનાનો હાર કોઈ ચોર ચોરી જાય અને એને ઓગાળીને એમાંથી એ ચોર પોતાની પત્નીની બંગડીઓ બનાવે તો કોર્ટે એ જોવાનું ન હોય કે બંગડીઓ કોના કાંડાના માપની છે. કોર્ટે એ જોવાનું હોય કે એ બનાવવાનું સોનું કોના હારમાંથી આવ્યું છે અને જેના હારનું સોનું હોય એને એ સોનું પાછું અપાવી દેવાનું હોય. કોર્ટની આ ફરજ છે. 

ધારો કે મુસ્લિમો તરફથી એવી દલીલ પેશ કરવામાં આવે કે બાબરના સેનાપતિ મીર બાકીએ અહીંનું મંદિર તોડ્યું હતું એની એમને જાણ હોત તો અમે આ જગ્યાએ મસ્જિદ બાંધી જ ન હોત. અમે તો (મંદિર તોડ્યાના સો-બસો-ત્રણસો વર્ષ પછી) આ ખાલી જગ્યા જોઈ અને મસ્જિદ બાંધી એમાં અમારો શું વાંક? 

ઈન ધૅટ કેસ ઑલસો, આ જગ્યા પર હિન્દુઓનો જ હક્ક બને છે. તમે સેક્ધડ હૅન્ડ ગાડી ચેક પેમેન્ટથી ખરીદો અને એ ચોરીનો માલ નીકળે તો તમારા હાથમાંથી એ ગાડી તો જાય જ જાય, તમારા પૈસા પણ પડી જાય અને પોલીસ ધારે તો ગાડીના ચોરની સાથે તમારી પણ મિલીભગત હતી એવો કેસ આઈ.પી.સી.ની. કલમ 120-બી હેઠળ ઠોકી દઈ શકે જેની સજા તમને એટલી થાય જેટલી પેલા ગાડી ચોરને થાય. મને ખબર નહોતી કે આ માલ ચોરીનો છે એ એક્સક્યુઝ કોર્ટ માન્ય નહીં રાખે. 

સુપ્રીમ કોર્ટ પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો કે એ સ્વીકારી લે કે એક જમાનામાં બાબરી મસ્જિદ જે જગ્યાએ હતી તે જગ્યા મૂળ રામ જન્મભૂમિ છે અને ત્યાં બંધાયેલું રામમંદિર તોડીને એના અવશેષો પર મસ્જિદ ઊભી થઈ છે એટલે હવે એ જગ્યા હિન્દુઓને આપી દેવી જોઈએ. 

પણ સુપ્રીમ કોર્ટ કોઈક કારણસર આવો ચુકાદો આપવા નહોતી માગતી. એટલે એણે મધ્યસ્થીનું લાકડું ઘુસાડતી વખતે કહી દીધું કે બાબરે શું કર્યું ને શું નહીં એની સાથે અમારે કશી લેવાદેવા નથી. કેમ, ભાઈ? કેમ કશી લેવાદેવા નથી? આ પુરાવાઓ છે. તમે દર વખતે તો પુરાવાઓના આધારે જજમેન્ટ આપો છો, તો આ કેસને શું કામ મધ્યસ્થી-બધ્યસ્થીના નામે ટલ્લે ચડાવો છો?

આજનો વિચાર

તું અલ્યા! એક છે પરપોટો, 
તને ફોડવા વાટાઘાટો? 
ફૂલ જરા એ રીતે ચૂંટો
મ્હેક ઉપર ના પડે લિસોટો
એને તો મનમાંય નથી કંઈ
હું મૂંઝાયો ખોટેખોટો. 

– જિગર જોષી ‘પ્રેમ’

એક મિનિટ!

બકો: પકા, મને એક વાત સમજાતી નથી. 

પકો: શું?

બકો: ગર્લફ્રેન્ડને કૉફી શૉપમાં મળીએ ત્યારે એનો અવાજ રેડિયો કરતાં પણ ઝીણો હોય છે પણ લગ્ન પછી ઘરમાં લાવીએ ત્યારે કોણ જાણે ક્યાંથી વૂફર લાગી જાય છે!

3 COMMENTS

  1. Supreme Court na badhaj Vartman (A)Nyaymurti Collegium paddhati thi niyukt thayela chhe. Avi koi j Paddhati Samvidhan maan nathi. Aa to Dala tarwadi ni pethe nyaymurtio e potej potane sompeli satta chhe. Aa to Mafia Paddhati chhe jeman ek mafia pota no uttaradhikari potej niyukt kare chhe. Aa tamam nyaymutio niniyukti j gerbandharniya chhe ane tamam ne ek chokkas jagya e paad prahar karvo avshyak chhe.

  2. આ કોંગ્રેસી બાપ નો દિકરો ગમે તે રીતે કપિલ સિબ્બલ ને મદદ કરી રહ્યો છે.તેણે CJI ના શપથ લીધા ત્યારે દેશ ને આશા હતી કે તે નિષ્પક્ષ રહેશે પણ નિરાશા મલી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here