૫૦-૬૦ પછી પણ નિરાંતનો ગૃહસ્થાશ્રમ કેમ નથી મળતો : સૌરભ શાહ

( લાઉડમાઉથ : ‘સંદેશ’, અર્ધ સાપ્તાહિક . બુધવાર, ૧૨ એપ્રિલ ૨૦૨૩)

ભગવાને મરવાનું ફરજિયાત ન રાખ્યું હોત તો આજે આપણે દાદાના દાદા સાથે બેઠાં બેઠાં તારક મહેતા કા ઊલટા ચશ્મા જોતા હોત. વિજ્ઞાને માણસનું આયુષ્ય વધારી મૂક્યું છે. એક જમાનામાં પચાસની ઉપર પહોંચેલો પુરુષ ખર્યું પાન ગણાતો. આજે સિત્તેર વર્ષની ઉંમરે અવસાન પામતા પુરુષના ખબર મળતાં સગાંવહાલાં વિચારતા થઈ જાય છે કે આ કંઈ મરવાની ઉંમર ન કહેવાય.

માણસ માટે મરવાની ઉંમર કઈ? ભગતસિંહ, વિવેકાનંદ કે ગુરુદત્ત સાતેક દાયકાનું આયુષ્ય ભોગવ્યા પછી ગુજરી ગયા હોત તો ભારતના રાજકારણમાં, અધ્યાત્મમાં અને ફિલ્મ ઉદ્યોગમાં શું ફરક પડ્યો હોત? મોરારજી દેસાઈ કે ગાંધીજી ભરયુવાનીમાં કે મિડલ એજ દરમિયાન ગુજરી ગયા હોત તો ભારતનો ઈતિહાસ કેટલો જુદો હોત?

વિજ્ઞાનને કારણે વૃદ્ધાવસ્થા હવે પ્રોબ્લેમ રહી નથી. દરેક રોગનો ઈલાજ છે. આમ છતાં શરીર શરીરનું કામ કરે છે. એ તો અસલના જમાનામાં ચોખ્ખું ઘી અને ચોખ્ખું ધાન ખાધું હતું એટલે કાઠું ચાલે છે એવું ગઈ કાલની દાદીમાઓ કહેતી હતી.

જોઈન્ટ ફેમિલી એક ભવ્ય વ્યવસ્થા છે જે શહેરની તનાવપૂર્ણ જિંદગીમાં અમસ્તી જ બદનામ થાય છે. એક વિશાળ ઘરમાં ઘરના વડવા પોતાની ચાર પેઢીના ૭૮ સભ્યો સાથે રહેતા હોય એવી ખબર પડે તો ટીવીની ન્યૂઝ ચેનલોના પત્રકારો સ્ટોરી મળશે એમ વિચારીને કેમેરામેન સાથે ત્યાં દોડી જાય છે. હળીમળીને સુખેથી રહેતું સંયુક્ત કુટુંબ સરકસની અજાયબી હોય એવા કુતૂહલથી મીડિયાવાળા પ્રશ્ર્નો પૂછે છે: તમારા આ વિશાળ કુટુંબમાં ક્યારેય ઝઘડો નથી થતો? વાસણ ભેગાં હોય તો ક્યારેક ખખડે પણ ખરાં, વડદાદી જવાબ આપે છે. અસલના જમાનામાં તાંબા, પિત્તળ અને જર્મન સિલ્વરનાં વાસણો આવતાં. એ ખખડતા ત્યારે મંજુલ રણકો સંભળાતો. આજકાલ કટાઈ જાય એવાં સ્ટેનલેસ સ્ટીલનાં, નૉન-સ્ટિક મટીરિયલનાં અને પ્લાસ્ટિકનાં, મેલેમાઈનનાં વાસણો આવે છે. એ ખખડે ત્યારે બોદો અવાજ આવે છે. માણસોનું પણ એવું જ.

સાઠ વર્ષની ઉંમર પછી માણસે જીવવું જોઈએ. ભરપૂર જીવવું જોઈએ. આખી જિંદગી જે નથી કર્યું કે જે નથી થઈ શક્યું તે બધું જ કરવું જોઈએ. પચીસ વર્ષની ઉંમર સુધી માણસ ભણે છે કાં તો ધંધા-નોકરીમાં નવાસવા ટ્રેઈની તરીકે ગોઠવાઈ જવાની વેતરણમાં હોય છે. પચીસ પછી, આપણી પરંપરા મુજબ બ્રહ્મચર્યાશ્રમ પૂરો થાય છે અને ગૃહસ્થાશ્રમ શરૂ થાય છે. પણ આજના જમાનામાં હકીકતે એવું નથી બનતું. પચીસથી પચાસ વર્ષની ઉંમર પાછળ જોયા વિના વૈતરું કરવામાં વીતી જાય છે. જિંદગીની રૅટ રેસ. હજુ વધારે અને હજુ થોડુંક વધારે કમાઈ લેવાની લાલસા કમર તોડી નાખે છે. ગૃહસ્થાશ્રમ ઘેર ગયો.

પરંપરાગત વાનપ્રસ્થાશ્રમના આરંભ પછી જ ખરાં અર્થમાં જિંદગીની શરૂઆત થતી હોય છે અહીં તો. બાપીકી ગાદી પર ન બેઠા હોય અને સેલ્ફ મેઈડ હોય એવા માણસો પચાસ વર્ષની ઉંમર પછી જિંદગીનો ગૃહસ્થાશ્રમ શરૂ કરી શકે છે. પણ ત્યાં સુધીમાં ખૂબ મોડું થઈ ચૂક્યું હોય છે. છોકરાં ટીનએજર થઈ ગયા હોય છે. ડૅડીની કંપની એમને ન્યુસન્સ લાગવા માંડે છે. પત્ની સાથે જે ઉંમરે સંવાદ સાધવાનો હતો તે ઉંમરે સધાયો નહીં અને હવે ખૂબ મોડું થઈ ગયું હોય એવું લાગે છે. જિંદગી ફરી એકડે એકથી જીવવાની હોય તો તમે કેવી રીતે જીવો એવા કોઈકને પુછાયેલા કોઈકના પ્રશ્ર્નનો જવાબ માણસ પોતાના સંદર્ભમાં શોધતો થઈ જાય છે. જિંદગીની કિતાબની બીજી આવૃત્તિ પ્રગટ કરવાની હોય તો હું પહેલી આવૃત્તિમાં રહી ગયેલી પ્રૂફ રીડિંગની ભૂલો સુધારી લઉં એવું કોઈ અંગ્રેજ લેખકે કહ્યું હતું.

પસાચ વર્ષ પછી માણસ જિંદગીમાં સ્થિર થાય છે. અથવા તો એવું એને લાગે છે. સંતાનોની કારકિર્દી, એમનાં લગ્ન, એમનાં નોકરી-ધંધાની પ્રારંભિક તકલીફો. મારે જે કંઈ સહન કરવું પડ્યું એમાંનું કશું જ મારાં છોકરાઓએ સહન ન કરવું પડે એવું વિચારીને પ્રૌઢ ઉંમરે પહોંચેલો માણસ પચાસથી સાઠ સુધીની જિંદગી પણ વેડફી નાખે છે. દીકરા-દીકરીઓની જિંદગી સુંવાળી કરવા જતાં એની પોતાની જિંદગી ખરબચડી બની જાય છે. એક-એક પૈસો બચાવીને પિતા સંતાનો માટે ઈન્વેસ્ટમેન્ટ કરે છે. જે રૂપિયામાંથી પોતે મઝા લઈ શકે છે એ રૂપિયો નેક્સ્ટ પેઢીને મોજમજા માટે સાચવી રાખે છે. અને બદલામાં શું સાંભળવા મળે છે? ‘ફાધર જતાં જતાં પચીસ પેટી મૂકતા ગયા પણ યાર, આજના જમાનામાં આટલા પૈસામાં આવે શું?’

ગધેડા, તને ખબર નથી કે આ પચીસ લાખ બાપાએ કેવી રીતે જમા કર્યા છે—જૂના જમાનાના બાફોઈ કોઈને ન સંભળાય એ રીતે બબડે છે.

આજે તમે આ અઠવાડિયે ખંડાલા, આવતા મહિને કુલુ-મનાલી અને દિવાળી આવ્યે મકાઉ-ફુકેટ ફર્યા કરો છો પણ તમને ખબર છે કે તમારાં મા-બાપને તમે મથુરા-હરદ્વારની જાત્રાય નથી કરાવી. ચાલ્યા મોટા શૉપિંગ કરવા દુબઈ. ફાઈવસ્ટાર હૉટેલમાં ચા પીને બે હજારની પત્તી ફેંકી દેતાં દીકરા-વહુને ખબર છે કે એક જમાનો હતો જ્યારે દાદા પાસે પિત્તળની તપેલી ખરીદવાના પૈસા નહોતા અને દિવસો સુધી દાદા-બા નાકા પરની ભટ્ટની રેંકડી પરથી તૈયાર ચા લાવીને અડધી-અડધી પીતાં હતાં?

નાસ્તામાં કૉર્નફ્લેક્સ, જામ અને કોણ જાણે શું શું આરોગતાં પોતરાઓને ક્યાંથી ખબર હોય કે તમારો દાદો તમારી ઉંમરનો હતો ત્યારે પોતાના માબાપ માટે લાવેલું બે આનાના ગાંઠિયાનું પડીકું અભરાઈ પરથી વાંદરો ઉઠાવી જતો ત્યારે પોતે ઉદાસ થઈને જોઈ રહેતો.

દીકરાઓ માટે કે દીકરાનાં સંતાનો માટે સ્ટ્રગલ કરવાની જવાબદારી સાઠ વર્ષ પછી પણ માથે ઊંચકીને ચાલ્યા કરનારાઓને કહેવાનું કે મોડું તો થઈ જ ગયું છે પણ સાવ મોડું નથી થઈ ગયું—જીવન જીવવાનું. છોકરાઓ પોતાનું ફોડી લેશે. બહુ કર્યું એમના માટે, થોડુંક વધારે પડતું પણ. હવે હરવાફરવાનું, વાંચવાનું, સાંભળવાનું, જોવાનું મનગમતી પ્રવૃત્તિમાં રસ લેવાનો, મનગમતા માણસોને મળવાનું, વેવાઈ સાથે વાત કરવાની મઝા ન આવતી હોય તો વેવાણમાં ઈન્ટરેસ્ટ લેવાનો. પણ જલસાથી જીવવાનું. લાઈફ બીગિન્સ, વન્સ અગેન, ઍટ સિક્સ્ટી.

અને પૂરી ક્યારે થવી જોઈએ લાઈફ? આંકડો પાડીને નિશ્ર્ચિત ઉંમર વૈજ્ઞાનિકો પણ ન કહી શકે. પણ એટલું ખરું કે જીવવાની ઈચ્છા હજુ બાકી હોય ત્યારે મોત આવી જવું જોઈએ. જિજીવિષા વિના જીવ્યા કરવાનો કોઈ અર્થ નથી. પેટ્રોલની ટાંકી સાવ ખાલી થઈ જાય એના કરતાં મુસાફરીના અંત સુધી કાંટો રિઝર્વની નીચે ન જાય એ જ સારું.

સાયલન્સ પ્લીઝ

કંઈક સારું બનવાની શરૂઆત થાય એ વખતે કંઈક પૂરું થઈ જાય એ જરૂરી હોય છે.

—અજ્ઞાત્

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

14 COMMENTS

  1. Khub sundar
    Khari life 60 sudhi j chhe.
    Pachhi bonus chhe.
    Je pan man ni ichha hoi te Puri kari levi.
    Pachhi fariyad karta nahi k koi ye yad j na karavyu.

  2. મૃત્યુ એક કટુ સત્ય છે. આજકાલની પ્રજાને કરકસર કરવી ગમતી નથી.જેને કમાવવાની આવડત છે તેને વારસાની શી જરુર અને જેને કમ અક્કલ છે તેને વારસા આપવાથી શું ફાયદો?
    લક્ષ્મીની ત્રણ ગતિ છે.ઉપભોગ,દાનઅને વિનાશ.તેથીજ રામનાથે લક્ષ્મીની ઉપયોગ કરવી શ્રેષ્ઠ છે.

  3. સંતાનો લાયક હોય તો શા માટે તેમના ભવિષ્ય માટે ચિંતા કરવી , જાતે જ સરખુ જીવન જીવશે. અને લાયક ન હોય તો શેની ચિંતા ? They don’t deserve.

  4. 100% sachi vat che.60 pachi have apne practical thavani jarroor che.thanks sourabh bhai aa lekh vachine bahuj maja avi.

  5. Very nice Saurabh bhai . You have touched upon a very important subject . The current advancement in medical sciences has improved the life expectancy beyond 80s and at the same time , the technology advancements have made the life more stressful . People continue working beyond age of 60 and even beyond age of 65 to accumulate more and more wealth for their next generations . I feel , the best age to learn new skills and nurture the previous as well as new hobies , is 60 and beyond . Learning is a life long journey . People are not able to start learning new skills after the age of 60 & beyond , because they are still stuck in the ” Rat-Race ” . As you rightly said , in order to begin some thing new, something must end . Very informative and eye-opening article , Saurabh bhai . Pl keep writing such precious articles.

  6. સાવ! સાચું કીધું, માંડ થાય કે હાલો હવે થોડું થંભી જાય…પણ ત્યા તો..કોરી પાટી પકડાવી દેવામાં આવે છે, લ્યો ઘૂંટો એકડે એકથી!! અઘરું છે ભાઈ….

  7. Third last paragraph brings smile as well as tears in your eyes. A piece of very nice article.
    Reminds, it’s never too late to correct life.

  8. બે આના ના ગાંઠીયા નું પડીકું વાંદરો ઉઠાવી જતો 😁 . તમે બહુ પ્રેક્ટિકલ લખો છો

  9. 💯 ની વાત કરી છે તમે, સર. બહુ મોડું થાય એ પહેલાં આ વાત સમજી લેવી જોઈએ. જાત માટે પણ જીવી લેવું જોઈએ. જાતને સમય આપવો પડે. એ પ્રવૃત્તિઓ કરવાની જે આપણે સમય, જરૂરીયાત અને પરિસ્થિતિને લીધે છોડી દીધેલી. જાતના શોખને જો જીવંત રાખીશું તો ડૉક્ટરને ત્યાં એપોઇન્ટમેન્ટ એટલી ઓછી લેવી પડશે.

  10. Sachi j vat che Manas પોતાની આખી જિંદીભર મહેનત કરે.છેઅને ઘણા પિતા તો મે જોયા છે k પોતાના સંતાનો e કરેલ.ભૂલો. નો પણ દોષ નાઓ તોપલો પોતાના પર લઈ લેતા.હોય.છે એવોજ ધખલો એક તાજેતર ના.બહુંચરચિત યકતી નાઓ છે તે.પણ ગુજરાત નો e takti pote Ani sudh.che parantoo.tena dikra ne ભૂલથી કોઈ e.salvavi didho hato aam Tao dikro pan nirdosh hato parantoo chappwala ni jamate te.takti ne samajik.arthik temaj anek rite badnam Kari didho che

    • અને ઘણા છેલ્લા દિવસો ની લ્હાય માં જીવન માણી નથી શકતા. દરેક પરિવાર ને એક રૂમ ઓછો પડે છે. અને એ એકસ્ટ્રા રૂમ વાળી જગ્યા માં શિફ્ટ થયા બાદ, પાછો એક રૂમ ઓછો લાગે છે. પાછલી જિંદગી ના માટે કોઈ પ્લાન કરતું નથી, ફક્ત દિવાસ્વપ્ન…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here