વિદુરનીતિ કહે છે કે અતિશય સરળ, અતિશય શૂર અને અતિ ગુણવાન પાસે લક્ષ્મી રહેતી નથી: સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ : રવિવાર, 12 એપ્રિલ 2020)

મહાભારત કેટલો મહાન ગ્રંથ છે એનો ખ્યાલ મેળવવા આપણે એ જોવું જોઈએ કે એના એક એક હિસ્સા પર અનેક પુસ્તકો લખી શકાય. દા.ત. ભગવદ્ ગીતા. દા.ત. વિદુરનીતિ. આ ઉપરાંત બીજા ઓછામાં ઓછા બે ડઝન હિસ્સાઓ વિશે સ્વતંત્ર ગ્રંથો રચી શકાય.

વિદુર દાસીપુત્ર હતા છતાં દિવ્ય પુરુષ હતા. પાંડવો તેર વરસના વનવાસ પછી પાછા આવ્યા અને પાંડવોએ ધૃતરાષ્ટ્ર પાસે પોતાના ભાગનું રાજ્ય માગ્યું. દુર્યોધને આપવા દીધું નહીં. પાંડવોએ યુદ્ધ કરીને પોતાનો હક્ક મેળવવાની ઘોષણા કરી. ધૃતરાષ્ટ્ર ચિંતાતુર રહેવા લાગ્યા. ધૃતરાષ્ટ્ર પોતાના નાના ભાઈ વિદુરની સલાહ વિના કામ કરતા નહીં. વિદુર નીડરતાથી ધર્મમય અને સત્ય હોય એવી સલાહ આપતા. ધૃતરાષ્ટ્રની આ અશાંત અવસ્થા દરમિયાન વિદુરજીએ જે ઉપદેશ અને બોધ આપ્યો તે વિદુરનીતિ.

મોટા ભાઈ ધૃતરાષ્ટ્રની વ્યાકુળતા પામી જઈને વિદુરજી કહે છે: હે, રાજા! તમે દુર્યોધન, શકુનિ, કર્ણ અને દુઃશાસનને રાજ્યસત્તા સોંપીને કેવી રીતે ઐશ્વર્ય ઇચ્છો છો? પંડિત તો તેને કહેવાય જેને આત્મજ્ઞાન, ઉત્તમ ઉદ્યોગ, સહનશીલતા, ધર્મપારાયણતા અને પુરુષાર્થ ભ્રષ્ટ કરતાં નથી. જે પ્રશંસાપાત્ર કામ કરે છે અને નિંદાપાત્ર કામ કરતો નથી, જે આસ્તિક છે અને જે શ્રદ્ધાવાન છે તે પંડિતનાં લક્ષણોવાળો છે. પંડિતની વ્યાખ્યા આગળ લંબાવતાં વિદુરજી કહે છે: જેના કરી રાખેલા વિચારને બીજા કોઈ જાણતા નથી, પણ જેના સિદ્ધ થયેલા કાર્યને જ બીજાઓ જાણે છે તે જ પંડિત કહેવાય છે. તે ઝટ સમજી જાય છે છતાં ઘણી વાર સુધી સામાનું બોલવું ધીરજથી સાંભળે છે અને તે પારકાના કામમાં હાથ નાખતો નથી, તેમ જ ખાલી બડબડાટ કરતો નથી.

મૂરખ કોને કહેવો? વિદુરનીતિ મુજબ જે પોતાનો શિષ્ય ન હોય તેને ઉપદેશ આપે, કંજૂસની સેવા કરે, વણબોલાવ્યો પ્રવેશે, પોતે કરવાનાં કામ સેવક પાસે કરાવે, જ્યાં ત્યાં શંકા કરે, પોતાને જે પ્રેમ નથી આપતો તેને ચાહે, તરત કરવાનાં કાર્યો વિલંબમાં નાખે, મિત્રનો દ્વેષ કરે અને હાથપગ જોડી રાખીને અલભ્ય વસ્તુની ઈચ્છા કરતો રહે તે મૂરખ અથવા મૂઢ બુદ્ધિવાળો છે.

સુખી થવા માટે શું કરવું એનાં સાત પગલાં વિદુરનીતિમાં જણાવાયાં છે: એક (બુદ્ધિ) વડે બે (કાર્ય તથા અકાર્ય)નો નિશ્ચય કરો, ત્રણ (મિત્ર, ઉદાસીન, શત્રુ)ને ચાર (સામ, દામ, દંડ ભેદ) વડે વશ કરો, પાંચ (જ્ઞાનેન્દ્રિયો) પર વિજય મેળવો, છ (સંધિ, વિગ્રહ, યાન, આસન, દ્વૈધીભાવ તથા આશ્રય)ને સમજી લો અને સાત (સ્ત્રીસંગ, દ્યૂત, મૃગયા, મદ્યપાન, કઠોર વાણી, ક્રૂર દંડ તથા દ્રવ્યના અપવ્યય)નો ત્યાગ કરો. આમ કરીને તમે સુખી થાઓ.

એકલા માણસે શું શું ન કરવું જોઈએ. વિદુરજીની નીતિ આ બાબતમાં એકદમ સ્પષ્ટ છે: એકલાએ સ્વાદિષ્ટ ભોજન જમવું નહીં, એકલાએ કોઈ કાર્યનો વિચાર કરવો નહીં, એકલાએ પંથ કાપવો નહિ અને ઘણા સૂતા હોય ત્યાં એકલાએ જાગતા બેસવું નહીં.

ગાય, નોકરી, ખેતી, સ્ત્રી, વિદ્યા અને શૂદ્રની સંગતિ- આ છ તરફ જરા પણ બેદરકારી રખાય તો તે વિનાશ પામે છે. છ જણ અગાઉ પોતાના પર જેમણે ઉપકાર કર્યો હોય તેઓને ભૂલી જાય છે: ભણી ચૂકેલા શિષ્યો આચાર્યને, પરણેલા પુત્રો માતાને, કામરહિત થયેલો પુરુષ સ્ત્રીને, કૃતાર્થ થયેલો મનુષ્ય કાર્યપ્રયોજકને, દુસ્તર જળને તરી ગયેલો નૌકાને અને રોગથી સાજો થયેલો વૈદ્યને.

ડાહ્યો માણસ કોને કહેવાય? જે સારી રીતે પચેલા અન્નની, જુવાનીને ઓળંગી ગયેલી પત્નીની, સંગ્રામમાં વિજયને વરીને આવેલા શૂરવીરની અને તત્ત્વના સારને પામી ચૂકેલા તપસ્વીની પ્રશંસા કરે છે તે ડાહ્યો છે.

વાણીમાં શ્રેષ્ઠ વાણી કઈ? બોલવા કરતાં મૌન રાખવું શ્રેષ્ઠ છે, મૌન કરતાં સત્ય બોલવું શ્રેષ્ઠ છે, તેના કરતાં સત્ય અને પ્રિય બોલવું શ્રેષ્ઠ છે અને તેના કરતાં ધર્માનુરૂપ બોલવું સૌથી શ્રેષ્ઠ છે.

જગતમાં સત્તર પ્રકારના મૂર્ખોને પાશ ધારણ કરનારા યમદૂતો નરકમાં લઈ જાય છે. આ સત્તર જણ કયા? ૧. જે ઉપદેશને અયોગ્ય એવાને ઉપદેશ આપે છે. ૨. જે અલ્પ લાભથી સંતોષ માની બેસે છે. ૩. જે પોતાના સ્વાર્થ માટે વારંવાર શત્રુનાં પડખાં સેવે છે. ૪. જે સ્ત્રીઓને સાચવ્યા કરવામાં જ કલ્યાણ જુએ છે. ૫. જે યાચનાને અયોગ્ય એવાની યાચના કરે છે. ૬. જે આપબડાઈ હાંકે છે. ૭. સારા કુળમાં જન્મ્યા હોવા છતાં અયોગ્ય કાર્યો કરે છે. ૮. જે નિર્બળ હોવા છતાં બળિયા સાથે નિત્ય વેર રાખે છે. ૯. જે અશ્રદ્ધાળુને હિતવચન કહે છે. ૧૦. જે અનિચ્છનીય વસ્તુની ઈચ્છા રાખે છે. ૧૧. જે પોતાની પુત્રવધૂ સાથે ઠઠ્ઠામશ્કરી કરે છે. ૧૨. જે પોતાની પત્નીના પિતા આદિ પાસેથી સંકટના સમયમાં રક્ષણ મેળવ્યા પછી તેમની પાસે માન વગેરેની કામના રાખે છે. ૧૩. જે પરસ્ત્રીમાં અથવા પરાયા ખેતરમાં બીજ વાવે છે. ૧૪. જે સ્ત્રી સાથે હદ બહારનો કજિયોકંકાસ કરે છે. ૧૫. જે પોતાને કશીક વસ્તુ મળી હોવા છતાં મને યાદ નથી એમ કહે છે. ૧૬. જે વચન આપ્યા પછી પણ યાચકને કશું આપતો નથી અને ૧૭. જે દુર્જનને સજ્જન કહીને સ્થાન આપે છે.

વિદુરજી કહે છે કે સમજુ મનુષ્યે સાયંકાળ જેવા કસમયે અવિશ્વાસપાત્રના ઘરે વિશ્વાસપૂર્વક જવું નહીં. રાત્રે ચકલામાં છુપાઈ રહેવું નહીં. રાજાની કામનાપાત્ર સ્ત્રીને ભોગવવાની ઈચ્છા કરવી નહીં. ઘણાએ મળીને જે મસલત કરી હોય તે ખરાબ હોય તો પણ તેનો વિરોધ કરવો નહીં, પણ ત્યાંથી બહાનું કાઢીને દૂર થઈ જવું. કદી કોઈને કહેવું નહીં કે મને તમારામાં વિશ્વાસ નથી.

કોની યાચના કરવી નહીં? કંઠે પ્રાણ આવ્યા હોય તો પણ કંજૂસ, ગાળ આપનાર, માછી, મૂર્ખ, ધૂર્ત, હલકાને માન આપનાર, નિર્દય, વેરકર્તા અને કૃતધ્ની- આટલાની પાસે કદી કંઈ માગવું નહીં. બંડખોર, અતિ પ્રમાદી, નિત્ય ખોટું બોલનાર, સાધારણ ભક્તિવાળો, સ્નેહ છોડી દેનાર અને પોતાને ચતુર માનનાર- આ છ અધમ પુરુષોનો સંગ કરવો નહીં. ધૈર્ય, શાંતિ, ઈન્દ્રિય નિગ્રહ, પવિત્રતા, દયા, કોમળ વાણી અને મિત્રદોહનો ત્યાગ- આ સાત લક્ષ્મીથી ય વધારે છે. મિત્ર વિશે વિદુરનીતિ કહે છે: કોઈ વસ્તુ આપવાથી મિત્ર થાય છે, કોઈ પ્રિય ભાષણથી મિત્ર થાય છે અને કોઈ મંત્ર તથા મૂળના બળથી મિત્ર થાય છે, પણ જે સહજ મિત્ર થાય છે તે જ ખરો મિત્ર છે.

લક્ષ્મી વિશે વિદુરજી શું માને છે? જે મનુષ્ય અતિશય સરળ, અતિશય દાની, અતિશય શૂર અને અતિશય વ્રતી છે તેમ જ જે ડહાપણનું અભિમાન રાખે છે તેની પાસે લક્ષ્મી ભયથી ફરકતી પણ નથી. લક્ષ્મી અતિ ગુણવાન પાસે રહેતી નથી તેમ જ અતિશય ગુણહીનની પાસે પણ રહેતી નથી. તે ગુણને ચાહતી નથી તેમ જ ગુણહીનતાથી પણ રિઝાતી નથી. લક્ષ્મી તો કોઈક જ ઠેકાણે ઠરીને રહે છે. જે ધન અત્યંત કષ્ટથી મળતું હોય, ધર્મનું ઉલ્લંઘન કરવાથી મળતું હોય અથવા શત્રુને પગે પડવાથી મળતું હોય તે ધનમાં મન રાખવું નહીં. આશા ધૈર્યનો નાશ કરે છે, કાળ સમૃદ્ધિનો નાશ કરે છે, ક્રોધ લક્ષ્મીનો નાશ કરે છે, કૃપણતા યશનો નાશ કરે છે, અરક્ષણ પશુઓનો નાશ કરે છે અને એક કોપાયમાન બ્રાહ્મણ આખા દેશનો નાશ કરે છે.

શ્રી મહાભારતના ઉદ્યોગપર્વના પ્રજાગરપર્વમાં વિદુરનીતિવાળા આઠમા અને છેલ્લા અધ્યાયની સમાપ્તિ પૂર્વે વિદુરજી જણાવે છે: વિનય અપકીર્તિનો નાશ કરે છે, પરાક્રમ અનર્થનો નાશ કરે છે, ક્ષમા નિત્યક્રોધનો નાશ કરે છે અને સદાચાર કુલક્ષણનો નાશ કરે છે.
વધુ આવતી કાલે.

7 COMMENTS

  1. Please clarify on following…..
    1you said one place tha Vidur is Dasi putra…
    2..in next para you said vidur is brother of Dhritrasra and vidur is addressing him as Motabhai…
    How come that dasi putra is brother of Dhritrasta..?
    Kindly explain….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here