નારી તું અજેય છે, તું વિજેતા છે: વેદમાં નારીની પ્રતિભા: સૌરભ શાહ

( તડકભડક :’સંદેશ’, ‘સંસ્કાર’ પૂર્તિ, રવિવાર, 27 ઓગસ્ટ 2023 )

બહુ દુ:ખ સાથે કહેવું પડે છે કે પશ્ચિમની વાદે ચડીને આપણે આપણું ઘણું મોટું નુકસાન કર્યું છે. ત્યાંની સંસ્કૃતિની ખરાબીઓને આપણે વગર વિચાર્યે અપનાવી લીધી. એ લોકોએ આપણને પટ્ટી પઢાવી કે તમારે ત્યાં નારીનું ગૌરવ નથી થતું, સ્ત્રી સશક્તિકરણ કરો, નારીને ગુલામીમાંથી બહાર લાવો.

અરે ભાઈ, તમે તમારે ત્યાંનું સંભાળો. અમે તો વેદકાળથી નારીનું ગૌરવ કરતા આવ્યા છીએ જેનો પુરાવો માત્ર એકાદ શ્લોકમાં નહીં, સેંકડો શ્લોક દ્વારા મળે છે. યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતા: શ્લોક સામે પણ કેટલાક પશ્ચિમી રંગે રંગાયેલા તથાકથિત બૌદ્ધિકોને વાંધો પડે છે કે આપણે ત્યાં શું ખરેખર નારી પૂજાય છે ખરી ? આવા વાંકદેખાઓના માથામાં મારવા માટે આપણા વેદોમાંથી ડઝનબંધ શ્લોક ટાંકી શકીએ.

‘અથર્વવેદ’ના એ શ્લોકમાં (1.27.4) જે કહ્યું છે તેનું અર્થઘટન એ થાય છે કે જેમ ઈન્દ્ર (અથવા રાજા) પોતાની સેનાનું નેતૃત્વ કરે છે એમ ઈન્દ્રાણી (અથવા રાણી) પણ સેનાનું નેતૃત્વ સંભાળે છે. (ઝાંસીની રાણી લક્ષ્મીબાઈથી માંડીને ભારતની ત્રણેય સેનાઓનાં વડાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ એના ઉદાહરણો છે.)

(‘ઋગવેદ’: 10.86.9) જણાવે છે કે આ હિંસક (અર્થાત્ પાપી) વ્યક્તિ મને અબળા જેવી સમજે છે પણ હું વીરપુત્રોવાળી, ઈન્દ્રની પત્ની, મરુત દેવોની મિત્ર છું. ઈન્દ્ર સૌથી ઉત્કૃષ્ટ છે.

નારી અબળા નહીં પણ સબળા છે એવો પ્રકાશ આ શ્લોક પ્રગટાવે છે. કોઈપણ પાપી વ્યક્તિ આ સબળા નારીની સામે ટકી નહીં શકે. એને ડરાવવી અશક્ય છે. એ દુર્ગા બનીને શત્રુઓનો નાશ કરવાને સમર્થ છે.

‘યજુર્વેદ’ (13.26) માં કહ્યું છે કે (હે સ્ત્રી!) તું અજેય છે, તું વિજેતા છે. તું શત્રુઓ સામે જીત. તું યુદ્ધ ઈચ્છનારાઓને પરાજિત કર. તું સહસ્ત્ર શક્તિઓવાળી છો. તું મને શક્તિ પ્રદાન કર.

બ્રિટન-અમેરિકા પોતાનાં સંરક્ષણદળોમાં સ્ત્રીઓને દાખલ કરીને દુનિયા આખીમાં ડિમડિમ વગાડતા ફરે છે. આપણે ત્યાં આઝાદી પછી દાયકાઓ સુધી આ ક્ષેત્રે ઉજળો હિસાબ ન અપાયો પણ છેલ્લાં થોડાં વર્ષોમાં આપણે આપણી પરંપરાને આગળ ધપાવી રહ્યા છીએ. શું હતી આપણી પરંપરા ?

‘ઋગવેદ’ (5.30.9) પરથી ખબર પડે છે કે (એ જમાનામાં પણ) સ્ત્રી-સેનાનું સંગઠન બનતું હતું અને સ્ત્રી-સેનાનો યુદ્ધમાં ઉપયોગ થતો હતો.

અથર્વવેદ (14.2.15) માં નારીનો મહિમા આ રીતે ગવાયો છે : તું અહીં પ્રતિષ્ઠિત છે. તું તેજસ્વિની છે… નારીને સમાજમાં ગૌરવનું સ્થાન આપવાની પ્રથા આપણા પૂર્વજોથી ચાલતી આવે છે. ભારતને કોઈએ શીખવાડવાની જરૂર નથી કે નારીને કેવી રીતે આદર આપવો.

‘ઋગ્વેદ’ (10.86.10) માં એકાધિક ઉલ્લેખો છે જ્યાં તમને ખબર પડે કે નારીને ધર્મકાર્યમાં પણ સરખી હિસ્સેદારી આપવામાં આવી છે. આ શ્લોક જણાવે છે કે ‘પ્રાચીનકાળમાં (અર્થાત્ વેદકાળ કરતાંય પહેલાંના સમયમાં) સ્ત્રી સામૂહિક યજ્ઞોમાં અને યુદ્ધમાં જતી હતી’.

રામાયણમાં આપણે વાંચી ગયા છીએ કે રાજા દશરથની સાથે કૈકેયી પણ યુદ્ધના મેદાનમાં ગઈ હતી.

દેવો જેટલી જ આરાધના આપણે દેવીઓની કરતા આવ્યા છીએ. મા કાળી, મા લક્ષ્મી અને મા સરસ્વતી તેમજ તેમનાં વિવિધ સ્વરૂપોની પૂજા કરીને આપણી પરંપરાએ નારીની શક્તિને અને નારીના આપણા જીવન પરના પ્રભાવને સ્વીકાર્યાં છે. ‘ઋગ્વેદ’ (2.41.16) માં સરસ્વતી માટે કહ્યું છે : ‘હે માતાઓમાં શ્રેષ્ઠ, હે નદીઓમાં શ્રેષ્ઠ, હે દેવીઓમાં શ્રેષ્ઠ, હે સરસ્વતી દેવી, અમે અપ્રતિષ્ઠિત જેવા છીએ. હે માતા, તું અમને યશ આપ’.

સ્ત્રીઓને સમાન હક્ક આપવાની વાત પશ્ચિમી અસરવાળાઓ આપણને શીખવાડવા માગે છે. એ અબૂધોને ખબર નથી કે આપણે ત્યાં ‘ઋગ્વેદ’ (2.17.7) માં લખાઈ ગયું છે કે : ‘જીવનભર પિતૃગૃહે રહેતી સ્ત્રીને માતાપિતાએ પોતાની મિલકતનો એક હિસ્સો આપવો જેથી એ પોતાનો જીવનનિર્વાહ કરી શકે, પોતાના અતિથિઓનો યોગ્ય સત્કાર કરી શકે.’

અનમેરિડ ડોટરનો પોતાનાં માતાપિતાના વારસા પર એટલો જ હક્ક છે જેટલો પુત્રોનો હોય. આ વાત આપણને હજારો વર્ષ પહેલાં ઋષિમુનિઓએ કહી.

વિધવાવાળું તો બહુ ચલાવ્યું, ભાઈ. અને અંગ્રજોની વાદે ચડીને આપણા સુધારાવાદીઓ પણ આધુનિક દેખાવા માટે વિધવા પુનર્વિવાહનાં મંજીરાં વગાડવાં લાગ્યાં. ‘અથર્વવેદ’ (9.5.27) જણાવે છે કે ‘જે સ્ત્રી અગાઉ એક પતિ પ્રાપ્ત કરી ચૂકી હોય તે જો (એના ગયા પછી અર્થાત્, એનાથી છૂટી થઈને કે એ મૃત્યુ પામે તો) જો બીજા પુરુષ સાથે વિવાહબંધનથી જોડાય તો તે યોગ્ય જ છે.’

ત્યક્તા અથવા વિધવા નારીઓને સમાજના મુખ્યપ્રવાહમાં આદરપૂર્વક રહેવાનો હક્ક વેદકાળથી ચાલ્યો આવે છે.

પતિએ એક જ પત્નીમાં સ્થિર રહેવું એવું ‘અથર્વવેદ’ (7.38.4) જણાવે છે : ‘… તું કેવળ મારો થઈને રહે, બીજી કોઈ સ્ત્રીનું ગુણગાન નહીં કરતો (અર્થાત્ એનું નામ નહીં લેતો).’

‘ઋગ્વેદ’ (1.82.5) પુરુષોને સલાહ આપે છે કે : ‘… અન્ન વગેરેથી પ્રસન્નચિત્ત થઈને તું તારી લાડકી પત્ની પાસે જા…’ સ્ત્રીને પ્રસન્ન રાખવી, ધન-ધાન્યની સમૃદ્ધિ એને સોંપવી અને પોતે માનસિક રીતે પ્રસન્ન રહેવું- આવો જ પુરુષ સ્ત્રીને સંતુષ્ટ રાખી શકે.

આપણી પરંપરાનો આદર કરવાની વાત તો બાજુએ રહી, એ પરંપરાનું અપમાન કરવું એટલું જ નહીં, આપણી પાસેથી મેળવેલું આપણને જ પોતાની માલિકીના માલ તરીકે પાછું આપવું – આવી રીતરસમોના એક ઘણા લાંબા દૌરમાંથી આપણા દેશની પ્રજા પસાર થઈ છે. ધીમેધીમે આપણને ખબર પડતી જાય છે આખા વિશ્વના જ્ઞાનનું કેન્દ્ર ભારત હતું. ભારત વિશ્વગુરુ હતું.

પાન બનારસવાલા

બુકસેલર તો શહેરનો જ્ઞાનમાળી બની શકે. બુકસેલર તો મોટો સાહિત્યસેવક છે. (તે) ફક્ત ઊંધુંમાથું ઘાલીને ચોપડીઓ વેચ્યા ન કરે. એને તો વિદ્યાનો નાદ જોઈએ. જગતના છેલ્લામાં છેલ્લા સાહિત્યપ્રવાહોથી તે વાકેફ જોઈએ. પોતાના હાટ પર ચડનારા ઘરાકને નવી ચોપડીઓ બતાવી વશીકરણ કરવા શક્તિમાન જોઈએ. મગદૂર નથી ઘરાકની કે ખાલી હાથે બુક-સ્ટોલ છોડી જાય.

– ઝવેરચંદ મેઘાણી

(28 ઓગસ્ટ 1896 – 9 માર્ચ 1947)

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here