લૉકડાઉન પહેલાંની જિંદગીમાં આપણે ખરેખર બિઝી હતા?

તડકભડક: સૌરભ શાહ
(‘સંદેશ’, ’સંસ્કાર’ પૂર્તિ, રવિવાર, ૧૨ એપ્રિલ ૨૦૨૦)

અલમોસ્ટ ત્રણ અઠવાડિયાં થવા આવ્યાં. હજુ થોડો વખત ચાલશે. જિંદગીમાં પહેલી વાર સમજ પડી રહી છે કે આપણે અત્યાર સુધી કેટલો બગાડ કરતા આવ્યા છીએ. સમયનો. પૈસાનો. આપણામાંની શક્તિઓનો. આભાર લૉકડાઉનનો.

અત્યારે ખબર પડે છે કે આપણી પાસે સમય જ સમય છે. ટાઈમની કોઈ કમી નથી હોતી જિંદગીમાં. ભગવાને ભરપૂર સમય આપ્યો છે. લૉકડાઉન તબક્કાવાર ખુલશે એમ ક્રમશઃ આપણી જિંદગી પણ અત્યારે છે એટલી નિરાંતની નહીં રહે. કદાચ અગાઉ કરતાં વધારે કામ કરવું પડશે. છતાં પહેલાં જેટલા બિઝી નહીં રહીએ. વધારે મહેનત કર્યા પછી પણ આપણને લાગવાનું છે કે આપણી પાસે હજુય સમય છે. ખરેખર આવું થશે?

હા. અત્યારે ઘરે રહીને વિચાર આવે છે કે નૉર્મલ દિવસોમાં આપણે કેટલો ફિઝુલ ખર્ચ કરતા હતા સમયનો. કામ સિવાયની કેટલી બધી બાબતોમાં સમયનો વ્યય થવા દેતા હતા. પછી બહાનાં કાઢતા હતા – આજકાલ ટાઈમ જ ક્યાં છે, જુઓને. લાઈફ કેટલી બિઝી થઈ ગઈ છે.

લાઈફ બિઝી નથી થઈ ગઈ હોતી, આપણને મૅનેજ કરતાં નથી ફાવતી. પીએમથી માંડીને સ્વામી રામદેવ, બચ્ચનજી વગેરે કેટલાયને તમે દૂર રહીને નિહાળો છો ત્યારે રિયલાઈઝ થાય છે કે દિવસની એક-એક મિનિટનો તેઓ નક્કર ઉપયોગ કરે છે. કોલ્ડ ડ્રિન્કની બાટલીમાં રહેલું ઠંડા પીણાનું છેલ્લું ટીપું પણ સ્ટ્રોથી ચૂસી લેતા ભોળા બાળકની જેમ આ મહાનુભાવો દિવસની છેલ્લામાં છેલ્લી મિનિટને પોતાના કામમાં શોષી લે છે. તેઓ મોટા માણસ છે એટલે એમની એક-એક મિનિટ કિંમતી છે એવું નથી. એમણે હંમેશાં પોતાની એક-એક મિનિટ કિંમતી ગણી છે એટલે તેઓ મોટા માણસ બન્યા. આપણી જેમ સમય વેડફીને બેસી રહ્યા હોત

તો તેઓ પણ આપણા જેવા જ હોત. અને એમની જેમ આપણને પણ જીવનની દરેક મિનિટનો નક્કર ઉપયોગ કરતાં આવડી જશે ત્યારે આપણે પણ એમના જેવા બની જઈશું.

લૉકડાઉનના આ ગાળામાં ક્યાંય જવાનું નથી ત્યારે આ બધું રિયલાઈઝ થાય છે કે નૉર્મલ દિવસોમાં આપણે કામમાં જેટલા વ્યસ્ત હોઈએ છીએ એનાં કરતાં વધારે બિઝી કામ વિનાની બાબતોમાં હોઈએ છીએ. આ શરીર કુદરતે આપેલું એક મશીન છે એવું જો માનીએ તો ગુજરાતી તરીકે આપણી ધંધો કરવાની આવડત એવું કહે છે કે આ મશીનને અઠવાડિયાના સાતેય દિવસ રોજની ત્રણ-ત્રણ શિફ્‌ટમાં ચલાવીને કમાવાય એટલું કમાઈ લેવું જોઈએ. માન્યું કે આ મશીન જરા જુદું છે. એને રોજ આઠ કલાકની એક શિફ્‌ટ માટે શાંત રાખવું પડે એમ છે. કબૂલ. એના માટે રોજના બેએક કલાક નહાવા-ખાવા પાછળ ખર્ચવા પડે છે. એ પણ કબૂલ. દસ કલાક થયા. બાકીના ૧૪ કલાક શું આપણે પૂરેપૂરા વાપરીએ છીએ?

કમનસીબે જવાબ સ્પષ્ટ છે. ના. કામ કરવું એટલે આજિવિકા મેળવવા માટે જે કામ કરીએ છીએ એની જ માત્ર વાત નથી. એ તો કામ છે જ. કામના એ કલાકો દરમ્યાન એક પણ મિનિટ વેડફાય નહીં એ તો જોવું જ જોઈએ. ઑફિસમાં કલીગ્સ સાથે ટોળટપ્પાં, ચા-પાણી-વ્યસનો-માં વેડફાતો સમય, ફોન એક મોટું ન્યુસન્સ છે – વૉટ્‌સએપ વગેરે અને ઑફિસની ખુરશી પર બેસી રહીને દીવા સ્વપ્નો જોતાં રહેવું. કામના સમય દરમ્યાન પણ આપણે કામ નથી કરતા. આ એ સમય છે જેના માટે આપણને પગાર આપવામાં આવે છે. આ એ સમય છે જે આપણા ધંધા-વ્યવસાયનો સમય છે જેમાંથી આપણી આજિવિકા આવે છે.

સૌથી પહેલાં તો આજિવિકા મેળવવા માટે જે સમય ફાળવવામાં આવ્યો છે એમાં થતો વેડફાટ અટકાવવો પડશે. અત્યારે લૉકડાઉનના સમયમાં નિરાંત જ નિરાંત છે ત્યારે વિચાર કરીને આ રીતે વેડફાતા કલાકો અને આ રીતે સરી જતી મિનિટો વિશે મનોમન રિફ્‌લેક્‌ટ કરીએ છીએ ત્યારે એ છ-આઠ-દસ કલાક દરમ્યાન સમયનું જે કંઈ લીકેજ થાય છે તેની રોકથામ કરવાના ઉપાયો સૂઝે છે. કામના સમયે ફોનનો મિનિમમ ઉપયોગ. વૉટ્‌સએપ-ટ્‌વિટર વગેરે તો સંપૂર્ણ બંધ. કામના સમયે કોઈનીય સાથે કામ સિવાયની વાતો નહીં. કલીગની સાસુની તબિયતનાં ખબરઅંતર પૂછવા હશે તો લિફ્‌ટમાં પૂછી લઈશું. કામના સમયે મગજમાં કામ સિવાયના બીજા કોઈ વિચારો પણ નહીં.

આ શરીર જો કુદરતે આપેલું યંત્ર છે તો આપણી ફરજ છે કે આ યંત્રનો આપણે મેક્‌સિમમ ઉપયોગ કરી શકીએ અને ધાર્યું ઉત્પાદન આપીએ.

છ-આઠ-દસ કલાકના કામ ઉપરાંતનો જે સમય છે એ વેડફાઈ જાય છે. જરૂરી નથી કે એ કલાકોમાં પણ કામ કરીએ. જેમને કરવું હોય એમને ના પણ નથી. કેટલાક લોકો હોય છે એવા જેમનું સમગ્ર જીવન પોતાના કામને સમર્પિત હોય. આપણે એવા મહાનુભવોમાંના ન હોઈએ તો એમાં આપણો વાંક નથી. પણ એ બાકીના ચાર-છ-આઠ કલાક વેડફાય તો નહીં જ. એક્‌સરસાઈઝ કરવા માટે જિમમાં જતાં હોઈએ કે કોઈ સ્પોર્ટ્‌સ રમવા માટે જતાં હોઈએ તો ત્યાં ટોળટપ્પાં ટાળીએ. ફિલ્મ જોવા મલ્ટીપ્લેક્‌સમાં જતાં હોઈએ તો અમસ્તાં અમસ્તાં મૉલમાં આંટાફેરા કરવાનું બંધ કરીએ. ઘરમાં બેસીને વગર ફોગટની ટીવી ચેનલો સર્ફિંગ કરવા માટે રિમોટનાં બટન મચડમચડ કરવાની આદત છોડીએ. છાપાં અત્યારે ભલે બંધ હોય પણ આવતાં હોય છે ત્યારે પાંચ મિનિટમાં અગત્યના સમાચારો જાણી લઈને અને પૂર્તિઓમાં બેચાર મનગમતી કૉલમો વંચાઈ જાય એટલે એને દૂર મૂકી દઈએ. નવરા છીએ એટલે લાવો છાપાંનો એકએક ખૂણો વાંચી લઈએ અને આખેઆખી પૂર્તિ ચાટી જઈએ એવી માનસિકતા આપણને બિઝી હોવાનો અહેસાસ આપે છે પણ ખરેખર તો એ તમને નક્કર પ્રવૃત્તિઓથી દૂર લઈ જાય છે.

જિંદગીમાં કરવા જેવાં ઘણાં નક્કર કાર્યો છે. લૉકડાઉન દરમ્યાન ઘરમાં બેઠાં બેઠાં એ તમામ પ્રવૃત્તિઓની યાદી બનાવીએ જે તમારે કરવી હતી પણ અત્યાર સુધી એ કરવા માટેનો સમય જ ન મળ્યો. સમય ન મળ્યો? કે પછી તમને એવું લાગે છે કે સમય નથી મળ્યો? હવે વિચારજો. સાચો જવાબ મળી જશે. લૉકડાઉન ખુલ્યા પછી જિંદગીનો એકએક કલાક સાચી રીતે વાપરતાં થઈ જશો ત્યારે એક દિવસ કોરોનાદેવીનો આભાર જરૂર માની લેજો.

પાન બનાર્સવાલા

આજે ફરી રવિવાર છે. રાત્રે નવ વાગ્યે આકાશમાં તારા ગણવાના છે. એ પછી સખણા નહીં રહો તો દિવસે ગણવા પડશે.
–વૉટ્‌સએપ પર વાંચેલું.

5 COMMENTS

  1. સૌરભ જી તમે પેહલા એવા લેખક હશો જે છાપા વાચવામાં પણ વધારે પડતો સમય ના બગડવા ની સલાહ હિંમતભેર આપે છે ??

  2. Lockdown પૂરું થયા પછી આપણે ખરાં અર્થમાં આપણી જાતને અને અંતર આત્માને unlockdown કરવાની જરૂર પડશે..તો અત્યારથી જ પ્રેક્ટિસ શા માટે શરૂ ન કરવી ??!!

  3. સમય નો સદુપયોગ જરૂરી છે. જીંદગી બહુજ નાની છે. ? ? ?

  4. સુપ્રભાત,
    ગઈકાલે આપે જ એ વિદુરનીતિ ની વાત કહી હતી કે અતિશય મહેનતથી કમાયેલું ધન નકામું છે. માટે આપણી આજની એકે એક મિનિટ ધન કમાવા માટે ખર્ચ કરવી એ સમય અને શક્તિનો વેડફાટ જ છે.
    આપણે જોબ પર હોઈએ ત્યારે પુરી નિષ્ઠા થી કામ કરીએ પણ વચ્ચે સમય મેળવીને એકાદ સંબંધ ને જો ન્યાય આપી શકીએ તો એ સમય ની બચત જ છે. તેમના ઘરે ગપ્પા મારવા જવા કરતા whatsapp પાર કે ફોન માં જ કેમ છો પૂછી લેવાથી ઘણો સમય અને શક્તિ બચે છે.
    આખા દિવસ માં જો આપણે 14 કલાક કાર્યશીલ રહીએ તો તે દિવસ સફળ જ ગયો માનવો જોઈએ પણ તેમાં કાતો આપણો બૌધ્ધિક વિકાસ થવો જોય અથવા આર્થિક મજબૂતાઈ વધવી જોય અથવા આપણો અનુભવ વધવો જરૂરી છે.
    દિવસ નો અમુક સમય આપણે ચોક્કસ બાળકો અને કુટુંબને આપવો જોઈએ જે દિવસે એ ના આપી શકીએ તે દિવસ પણ નકામો ગયો માનવો જોઈએ.
    આપણી ઉમર ગમે તે હોય પણ આપણા કાર્યના કલાકો ઘટવા ના જોય. ઉમર વધતા શારીરિક કાર્ય કદાચ ઓછું થાય પણ વિચારોથી અને વર્તનથી રોજ 14 કલાક કાર્યશીલ રહેવું જ જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here