હઝારોં ખ્વાહિશેં ઐસી કિ હર ખ્વાહિશ પે દમ નીકલે : સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ ક્લાસિક : ગુરુવાર, ૧૩ એપ્રિલ ૨૦૨૩ )

ઈચ્છાઓ દર સેકન્ડે જન્મતી હોય છે. જિંદગીમાં મારે આ કરવું છે, પેલું કરવું છે, અને તેવું પણ કરવું છે. ઈચ્છાઓ સતત જન્મતી રહે છે. મૉલમાં આંટો મારવા ગયા તો દર ત્રીજી દુકાનના વિન્ડો ડિસ્પ્લેને તાકીને ઈચ્છાઓ વાગોળતા રહીએ છીએ—મારી પાસે આ હોત તો કેવું સારું. ટીવી પરની જાહેરખબરો જોઈને ઈચ્છાઓ થતી રહી છે કે મારી પાસે આટલું મોટું ટીવી, આવી સરસ ગાડી, આવો રૂપાળો બંગલો અને આવી લક્ઝુરિચસ લાઈફસ્ટાઈલ હોવાં જોઈએ.

ગાલિબે લખ્યું હતુઃં હઝારોં ખ્વાહિશેં ઐસી કિ હર ખ્વાહિશ પે દમ નીકલે.

દરેક ઈચ્છા પૂરી કરવા માટે જીવ નીચોવાઈ જવાનો છે એની તમને ખબર છે છતાં જરાક નવરા પડીએ છીએ ને મનમાં સંઘરેલી ઈચ્છાઓને પંપાળ્યા કરીએ છીએ અથવા નવી ઈચ્છાઓની પ્રસૂતિ કર્યા કરીએ છીએ.

મૅન ઈઝ અ બન્ડલ ઑફ ડિઝાયર્સ. એક ડાહ્યા અર્થશાસ્ત્રીએ કહ્યું હતું. માનવી ઈચ્છાઓનું પોટલું છે. સ્કૂલના નવમા ધોરણમાં અર્થશાસ્ત્રનો વિષય શિખવાડતી વખતે પાઠકસર ઍડમ સ્મિથનું આ વાક્ય ટાંકતા.

આપણા પૂર્વજોના આ પોટલામાંની ઈચ્છાઓને કારણે જ આ દુનિયાની પ્રગતિ થઈ છે. આ ઈચ્છાઓને કારણે જ માણસ કાચું ખાવામાંથી અગ્નિ પર પકવેલું ખાતો થયો અને આ ઈચ્છાઓને કારણે જ પૈડાની શોધ થઈ જેને કારણે ગાડું-મોટરની શોધથી લઈને ઔદ્યોગિક ક્રાન્તિમાં પાયાનો ભાગ ભજવનારાં ચક્રોવાળાં યંત્રો શોધાયાં.

ઈચ્છાઓ ન હોત તો હજુય આપણે પ્રાગૈતિહાસિક કાળમાં જીવતા હોત અને ટોમી હિલફિગરને બદલે ઝાડનાં છાલ-પાંદડાં પહેરીને મહાલતા હોત.

પણ આ જ ઈચ્છાઓના પોટલાનો ભાર આપણને ક્યારેક નિષ્ક્રિય બનાવી દે છે, એના વજનથી આપણે બેસી જઈએ છીએ, હતાશ-નિરાશ અને ફ્રસ્ટ્રેટ થઈ જઈએ છીએ.

એનું કારણ શું?

એનું મોટું કારણે એ કે આપણે ઈચ્છાઓને સંઘર્યા કરી. પોટલું ફાટફાટ થાય ત્યાં સુધી એમાં એને ઠાંસ ઠાંસ કરી.

કોઈ એવું નથી કહેતું કે તમારે કેટલી ઈચ્છાઓ રાખવી અને કેટલી નહીં. કહી શકે પણ નહીં. કોઈ તમને કહેતું નથી કે તમારે આ ઈચ્છા રાખવી અને પેલી નહીં. તમે તમારા ગજા પ્રમાણેની ઈચ્છાઓ રાખો. રાખવી જ જોઈએ. જેઓ ઈચ્છાઓનો ત્યાગ કરી જાણે છે તેઓ સન્યાસી છે, ત્યાગી છે અને મહાન છે. ઈચ્છાઓના ત્યાગનું આખું ક્ષેત્ર જ જુદું છે. જેમને એ દિશામાં જવું હોય તે ખુશીથી જઈ શકે છે. અત્યંત આદરણીય માર્ગ છે એ.

પણ બેબી બારમામાં હોય, બાબો આવતા વર્ષે ગ્રેજ્યુએટ થવાનો હોય, વાઈફ જીમના કલાસમાં જઈને વજન ઘટાડવા માગતી હોય અને તમે જૂનું બાઈક વેચીને ઈ.એમ.આઈ પર વેગન-આર વસાવવાનાં સપનાં જોતાં હો ત્યારે ઈચ્છાત્યાગના માર્ગે જઈ શકવાના નથી. તમારે તો વેગન-આરને બદલે હૉન્ડાસિટી અને એથીય વધારે સારી કારની ઈચ્છા રાખવી જોઈએ.

પણ ઈચ્છાઓ રાખવાથી કંઈ વળવાનું નથી. દરેક ઈચ્છાને પૂરી કરવા માટે પ્રયત્નો થવા જોઈએ. પૂરેપૂરા પ્રયત્નો થવા જોઈએ. છેવટે સુધીના પ્રયત્નો થવા જોઈએ. છેલ્લામાં છેલ્લો પ્રયત્ન કરી જોયા પછી બેમાંથી એક વાત બનશેઃ કાં તો તમારી એ ઈચ્છા પૂરી થઈ જશે અને કાં પછી એ ઈચ્છા પૂરી નથી થવાની એવી ખાતરી થઈ ગઈ હશે. ઈન આઈધર કેસ તમારા પોટલામાંની એક ઈચ્છા ઓછી થઈ જશે.

ઈચ્છાઓનો ભાર ઓછો કરવા માટે આપણા જેવાઓ માટે આ માર્ગ છે. ત્યાગી પુરુષોનો, સંન્યાસીઓનો માર્ગ જુદો છે. આપણા માટેનો માર્ગ એ છે કે ઈચ્છાને પૂરી કરવા માટે જીવ નીચોવી દઈએ. એક સામટી બઘી જ ઈચ્છાઓને પૂરી કરવાનાં સપનાં નથી જોવાનાં. એવું કરવાથી બધાં જ સપનાં એક સાથે તૂટી જશે અને એને લીધે તમે તૂટી જશો. વન બાય વન સપનાં પૂરાં કરવાનું રાખીએ. પોટલામાં ઈચ્છાઓ ઉમેરતાં જવાને બદલે એમાંની એક એક ઈચ્છા લઈને એને સાકાર કરીએ. મોટું ટીવી લેવાની ઈચ્છા છે? ચાલો, પહેલાં એ પૂરી કરીએ. કેવી રીતે કમાઈશું એટલા પૈસા? એટલા પૈસા કમાતા હોઈએ ત્યારે એમાંથી આ જ ઈચ્છા પૂરી કરવાની ગણતરી રાખીએ. બાઈક કે કાર લેવાની ઈચ્છા એ પૈસામાંથી પૂરી થવાની નથી. માટે એ ઈચ્છાઓ જો જન્મી ચૂકી હોય તો પણ અત્યારે એને વાગોળવાની નહીં. બહેતર તો એ છે કે બીજી ઈચ્છાઓ જન્મી જ ન હોત જેથી આ-વાળી ઈચ્છાને પૂરી કરવા માટે જી-જાનથી કામ કરી શકીએ. પણ ઈચ્છાઓનું જન્મવું – ન જન્મવું ઘણી વખત આપણા તાબામાં નથી હોતું. આપણા કાબૂમાં માત્ર એટલું જ હોય છે કે બાકીની ઈચ્છાઓને ઑબ્સેશન બનતાં રોકીએ, વળગણ બની જતાં રોકીએ જેથી છેવટે એક ટાઈમે એકાદ બે ઈચ્છા પર કૉન્સન્ટ્રેટ કરીને એને પૂરી કરવા માટે તમામ પ્રયત્નો કરીએ અને એ પ્રયત્નોનું જે પરિણામ આવે તેને સ્વીકારી લઈને બીજી એકાદ-બે ઇચ્છાઓ હાથમાં લઈને એને પૂરી કરવાની કોશિશ કરીએ.

પ્રયત્નો કર્યા વિના કોઈપણ ઇચ્છા પૂરી થવાની નથી. પ્રયત્નો કર્યા વિના તમને ખબર પણ નથી પડવાની કે તમારી એ ઇચ્છા પૂરી થશે કે નહીં થાય. પ્રયત્નો કર્યા પછી, પૂરેપૂરા નીચોવાઈને પ્રયત્નો કર્યા પછી જ, કઈ ઇચ્છાનું પરિણામ શું આવવાનું છે એની ખબર પડે.

પ્રયત્નો કર્યા વિના પોટલામાં પડી રહેલી ઈચ્છાઓ નર્યો પલાયનવાદ છે. મનમાં ઈચ્છાઓ રમ્યા કરતી હોય એને કારણે તમારું જીવન એક ઇંચ પણ સુધરી જવાનું નથી, તમારું વ્યક્તિત્વ સહેજેય વધુ સારું કે ઓછું ખરાબ બનવાનું નથી. જેને પ્રયત્નોનો સ્પર્શ નથી થયો એવી ઇચ્છાઓનો ભાર તમને ડૂબાડી દેશે. એક પછી એક ઇચ્છાને હાથમાં લઈ એને પૂરી કરવા માટેના સો ટકાના પ્રયત્નો પછી જે પરિણામ આવે છે એ તમને હળવાફુલ બનાવી દે છે અને જ્યારે તમે હળવાફુલ બની જાઓ છો ત્યારે પોટલામાંની એક ઔર ઇચ્છાનું પરિણામ આવે એનો પ્રયત્ન કરવા માટે થનગનતા થઈ જાઓ છો.

પાન બનારસવાલા

પોતાની ઈચ્છા પૂરી કરવા માટે પ્રયત્નો કરવામાં મહેનત કરવાને બદલે માણસ કરે છે શું? એને જેનો ડર છે એવું ન બને એવા પ્રયત્નો કરવામાં તમામ શક્તિઓ ખર્ચી નાખે છે.

-ડેન બ્રાઉન

(તડક ભડક, 6 મે 2018 ‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ)

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here