ગાંધીવિચારોનો સંપૂર્ણ સ્વીકાર કે સંપૂર્ણ નકાર શક્ય છે?

લાઉડમાઉથ : સૌરભ શાહ

(‘સંદેશ’ ,’અર્ધસાપ્તાહિક’ પૂર્તિ, બુધવાર, ૨ ઑક્ટોબર ૨૦૧૯)

કોઈપણ અતિ મહત્વની બાબત સાથે જે બનતું હોય છે એ ગાંધીજી સાથે પણ થયું. દાખલા તરીકે ભગવાન. કેટલાક લોકો કહે કે છે અને કેટલાક કહે કે નથી. ગાંધીજીની અસર એમના જમાના પર એટલી મોટી કે ગાંધીજીમાં માનવાવાળા અને ગાંધીજીને નકારવાવાળા એવા બે ભાગમાં લોકો વહેંચાઈ ગયા. બેઉ પક્ષો પોતપોતાના મતને, આગ્રહને, જીદને ખેંચી ખેંચીને એક અંતિમ તરફ લઈ ગયા. આને કારણે આવનારી નવી પેઢીઓને જે નુકસાન થયું તે અકલ્પનીય હતું.

આઝાદી પછી જન્મેલી જે પેઢીએ ગાંધીજીને જોયા નથી, એમના જમાનામાં શ્વાસ લીધો નથી એમણે ગાંધીજી વિશેના બેમાંથી એક અંતિમને સ્વીકારીને ચાલવું પડે એવી આબોહવા સર્જાઈ જેને કારણે આ નવી પેઢીનું – ૧૯૪૭/૪૮ પછી જન્મેલી પેઢીનું ઘણું મોટું નુકસાન થયું. આ પેઢીએ કાં તો ગાંધીજીને આખેઆખા યથાતથ સ્વીકારવા કાં ગાંધીજીને સંપૂર્ણતયા નકારવા. રિજેક્‌ટ કરવા, આ જ બે વિકલ્પોમાંથી પસંદગી કરવી પડે એવી પરિસ્થિતિ સર્જાઈ.

ગાંધીજીને સંપૂર્ણપણે સ્વીકારવામાં અને ગાંધીજીને ટોટલી રિજેક્‌ટ કરવામાં – બેઉમાં જોખમ છે અને એમાં સૌથી મોટું નુકસાન આવું કરનારને જ થવાનું છે જે આપણે સમજતા નથી.

ગાંધીજીને તમે આઉટરાઈટ રિજેક્‌ટ કરી શકવાના નથી. ગાંધીજીના તમામ વિચારો અપ્રસ્તુત છે અને ગાંધીજીનું આજના જમાનામાં કશું રિલેવન્સ નથી એવો અંતિમવાદી વિચાર તમારું ભલું નહીં કરી શકે. તમારી વૈચારિક આળસને કારણે કે પછી કોઈ એક ચોક્કસ વિચારસરણીના અનુયાયી હોવાને કારણે તમે તમારી આંખે ડાબલાં બાંધીને ગાંધીવિચારોને શતપ્રતિશત નકારતા હો તો લોકશાહી દેશમાં તમને એવું કરવાની પૂરેપૂરી સ્વતંત્રતા છે પણ એમ તો તમને ઊંચા પર્વત પરથી ખીણમાં પડતું મૂકવાની પણ પૂરેપૂરી છૂટ છે, કોઈ તમને એવું પગલું ભરતાં રોકવા આવવાનું નથી. તમારે જો તમારા માનસિક વિશ્વને વિસ્તરતું અટકાવવું હોય કે સંકુચિત કરી નાખવું હોય તો જ તમે શતપ્રતિશત ગાંધીવિચારોનો વિરોધ કરવાનું ગાંડપણ કરી શકો.

બીજો એક્‌સ્ટ્રીમ પણ એટલો જ જોખમી છે. ગાંધીજીએ જે કહ્યું તે પથ્થરની લકીર એવું માનીને ચાલનારાઓ પણ પોતાની સંકુચિતતાનાં સર્ટિફિકેટો સામે ચાલીને તમને આપતા રહે છે. ગાંધીજી જે જમાનામાં જીવ્યા એ જમાનો જુદો હતો, એ સંજોગો જુદા હતા. આવું સમજ્યા વિના તમામ ગાંધીવિચારો આજે પણ પ્રસ્તુત છે એવું માનવાવાળાઓ હજુય અંગ્રેજોના ગુલામ હોવાની માનસિકતા ધરાવે છે. ગાંધીજીના કેટલાક વિચારો તો એ જમાનામાં પણ પ્રસ્તુત નહોતા અને આજની તારીખે તો એ વિચારોનો અમલ કરવાનો આગ્રહ રાખનારાઓ મૂર્ખામાં જ ખપે.

ગાંધીવિચારના પુનર્મુલ્યાંકનની વાતો વારંવાર થઈ છે, એવા અનેક પ્રયત્નો પણ થયા છે જેમાંના કેટલાક પ્રયત્નો અત્યંત નિષ્ઠાભર્યા પુરવાર થયા છે. આમ છતાં બેમાંથી એક પણ પક્ષ ખુલ્લા દિલે આવા પુનર્મુલ્યાંકનનાં તારણોને સ્વીકારી શકતો નથી એ આપણી ઘણી મોટી કમનસીબી છે.

ગાંધીજી વિશે અભિપ્રાય આપવો હોય, એમના વિચારોની પ્રસ્તુતતા વિશે ચર્ચા કરવી હોય તો ઉપરછલ્લા અભિપ્રાયોની ફેંકાફેંક કરવાથી નહીં ચાલે. ગાંધીજી વિશે કે ગાંધીજીએ લખેલાં બે પુસ્તકો વાંચીને ગાંધીવિચારો વિશેનો મત વ્યક્ત કરવાની હિંમત કોઈ અભણ જ દેખાડી શકે.

ગાંધીજી વિશે જાણવું હોય તો પાયાના પાંચ પગથિયાં પર આગળ વધીને જ કોઈક પ્રકારનો અભિપ્રાય બાંધી શકાય. અને એ પણ તમારામાં જો એ જમાનાના ભારતના તથા એ જમાનાના જગતના આર્થિક-રાજકીય-સામાજિક વહેણોનું બૅકગ્રાઉન્ડ હોય તો. એની સાથોસાથ તુલનાત્મક અભ્યાસ માટે એ પછીના જમાનાનું તેમજ અત્યારના જમાનાનું આવું બૅકગ્રાઉન્ડ પણ જોઈએ.

પાંચ પગથિયાઓમાંનું પહેલું પગથિયું જ તમારી કસોટી કરનારું પુરવાર થશે. ‘ગાંધીજીનો અક્ષરદેહ’ના નામે ગુજરાતીમાં ઉપલબ્ધ અને ‘ધ કલેક્‌ટેડ વર્ક્‌સ ઑફ મહાત્મા ગાંધી’ના નામે અંગ્રેજીમાં પ્રકાશિત કુલ એકસોથી વધુ ગ્રંથ આખેઆખા વાંચી જવા માટે નથી, સઘન રૅફરન્સ માટે છે. ભારત સરકારના પબ્લિકેશન્સ ડિવિઝને આ કામ કર્યું છે. ગુજરાતી પ્રકાશન ગાંધીજીએ સ્થાપેલી પ્રકાશન સંસ્થા – નવજીવને કર્યું છે. આ સોથી વધુ ગ્રંથોમાં તમને ગાંધીજીએ આપેલાં તમામ પ્રવચનો( કે એનો સાર), ગાંધીજીએ લખેલાં પત્રો, ગાંધીજીને સંબોધીને લખવામાં આવેલા પત્રો, ગાંધીજીએ લખેલાં લેખો( ‘યંગ ઈન્ડિયા’, ‘હરિજન’, ‘નવજીવન’ વગેરે માટે) તેમ જ ગાંધીજીએ લખેલાં(આત્મકથા સહિતનાં) પુસ્તકોનો વિશાળ સંગ્રહ છે. આ ભગીરથ કાર્ય કરવા બદલ ભારત સરકારને તેમ જ આ કાર્ય સાથે સંકળાયેલી એકેએક વ્યક્તિને અભિનંદન આપીએ એટલાં ઓછાં, એમનો આભાર માનીએ એટલો ઓછો. આ સમંદર જેવડા રૅફરન્સ વર્કમાંથી તમારે કોઈ પર્ટિક્‌યુલર વિષય વિશે વાંચવું છે( દા.ત. ચંપારણ) તો છેવટના ઈન્ડેક્‌સ વૉલ્યુમ્સમાંથી તમને એ તમામ એન્ટ્રી મળી રહેશે જ્યાં ચંપારણનો ઉલ્લેખ થયો. આ જ રીતે સુભાષચંદ્ર બોઝ કે પછી પંડિત નેહરુ, સરદાર વલ્લભભાઈ, કે બાબાસાહેબ આંબેડકર કે પછી અન્ય કોઈપણ વ્યક્તિ સાથેના ગાંધીજીના ઈન્ટરેક્‌શન વિશે તમારે જાણવું હોય તો તમને મહામહેનતે તૈયાર કરવામાં આવેલા ઈન્ડેક્‌સના ગ્રંથોમાંથી રૅફરન્સ મળી રહે.

ગાંધીજીને સમજવાનું આ પ્રથમ પગથિયું.

ગાંધીજીના સેક્રેટરી મહાદેવભાઈ દેસાઈએ ડાયરીઓ લખી છે. આ ડાયરીનાં વીસથી વધુ વૉલ્યુમ્સ પ્રગટ થયાં છે. મહાદેવભાઈની ડાયરીઓનાં આ પાનાંઓમાંથી ગાંધીજીને વધુ નિકટથી સમજવા માટેનો ખજાનો છે.

મહાદેવભાઈના અકાળ અવસાન પછી પ્યારેલાલ નાય્યરે એ જવાબદારી સંભાળી લીધી. ગાંધીજીના અવસાન બાદ ‘પૂર્ણાહુતિ’ નામના ચાર વૉલ્યુમ્સમાં પ્યારેલાલે ગાંધીજીના જીવનના છેલ્લા અડધા દાયકા વિશે મનભરીને વાતો લખી છે.

ગાંધીજીને સમજવા માટે ગાંધીજીનો અક્ષરદેહ, મહાદેવભાઈની ડાયરીઓ તથા ‘પૂર્ણાહુતિ’ ઉપરાંત બીજાં બે પગથિયાં સર કરવાનાં રહે જેમાનું એક છે સરદાર વલ્લભભાઈ પટેલનો પત્રવ્યવહાર( ૧૯૪૫ – ૧૯૫૦) જેનાં બે વૉલ્યુમ્સ ગુજરાતીમાં ઉપલબ્ધ છે. વી. શંકરે સંપાદન કરેલો આ પત્રવ્યવહાર બારસોથી અધિક પાનાંઓમાં પથરાયેલો છે. અને પાંચમું પગથિયું તે પંડિત નેહરુનાં લખાણો. પંડિતજીની આત્મકથા ઉપરાંત એમના સેક્રેટરી એમ.ઓ.મથાઈએ લખેલી એમની જીવનકથા તેમ જ અન્ય કેટલાંક પુસ્તકો તમને નેહરુને સમજવામાં અને એને કારણે ગાંધીજીને સમજવામાં કામ લાગે.

આ પાંચ પગથિયાં તો માત્ર શરૂઆત છે. ગાંધીજીના વિચારોને તમારે સ્વીકારવા કે નકારવા, ક્યા ગાંધીવિચારો અત્યારે કેટલા પ્રસ્તુત છે અને ગાંધીજીનું મહત્વ આ દેશ માટે શું તથા કેટલું છે એ નક્કી કરવાનું કામ પાનના ગલ્લે ઊભા રહીને ચર્ચા કરવાથી નહીં થાય. એ માટે પલાંઠી મારી અભ્યાસ કરવો પડે. આવો અભ્યાસ નહીં થાય તો બહુ જલદી ગાંધીજી માત્ર એમ.જી.રોડ બનીને રહી જશે.

ગાંધીજીની દોઢસોમી જન્મજયંતિના દિવસે આ વિચારથી અભ્યાસનો આરંભ કરીશું તો એકસો એકાવનમી જન્મજયંતિ દરમ્યાનના ૩૬૫ દિવસમાં કશુંક ગાંધીનવનીત આપણા હાથમાં આવશે.

સાયલન્સ પ્લીઝ!

તમે જે વિચારો છો, જે બોલો છો અને જે કરો છો એ ત્રણેયમાં જ્યારે સંવાદિતા સધાય ત્યારે ચિત્તની પ્રસન્નતા જન્મતી હોય છે.

_ગાંધીજી

9 COMMENTS

  1. સૌરભભાઇની અથાગ મહેનત અને અભ્યાસ ના અંતે, હંમેશની જેમ આપણે બધાને નવનીત તૈયાર ભાણે મળે છે એ આપણા સૌના સદ્ ભાગ્ય છે. એમનો અભિગમ અને મહેનત ખરેખર પ્રશંશા ને પાત્ર છે. એમની ઉતરોતર સફળતાઓ માટે ખુબ જ શુભેચ્છાઓ .

  2. ગાંધીજી વિશે આગામી લેખો માં વધારે જાણવા ની આશા રાખું છું

  3. ગાંધીજી વિશે આગામી લેખો માં વધારે જાણવા ની આશા રાખું છું.

  4. છેલ્લે જે સુવાકય ટાંક્યું છે એ વાક્ય ઘણા પ્રસંગે સુસંગત નથી થતું જેમ કે વિશ્વ યુદ્ધ મા અંગ્રેજ ને મદદ કરવી એ અહિંસા ના સીદધાંત નો વિરોધાભાસ નથી ? ગોપીનાથ સાહા અને ભગત સિંહ ની માફી માટે પ્રયત્ન નહી કર્યા પણ સ્વામી શ્રદ્ધાનંદ ના હત્યારા અબદુલ્લા રશિદ ને માટે સહાનુભૂતિ આ થોડું અજુગતુ નથી લાગતું
    કસે ખોટો હોઉં તો ક્ષમા કરજો પણ આ વિષય પર પ્રકાશ પાડવા વિનંતી

  5. આજની યુવાપેઢી ગાંધીજી કે તેમનાં વિચારોનો સંપુર્ણપણે વિરોધ કરે છે તેનુ એકમાત્ર કારણ ગાંધીજીનાં જીવનચરિત્ર વીશે તેઓ સંપુર્ણપણે અજાણ છે…

  6. આપની સાથે સહમત કારણ ગાંધી એ સનાતન/હિન્દુ ધર્મ તથા ભારત નું જેટલું અહિત કરેલ તેટલું ઇન્ડિયા નું અહિત નથી કરેલ.
    ગાંધી ના મુસ્લિમ પરસ્ત નિર્ણય નો આખો ગ્રંથ લખાયો હોત પણ ગાંધી પરસ્ત કોંગ્રેસ નેતાગીરી આ બાબત માં માત્ર વામણી પુરવાર થવા કરતાં પણ ધર્મનિરપેક્ષતા ના સિદ્ધાંત ની પણ હાંસી ઉડાવી અને મુસ્લિમ તુષ્ટિકરણ નો પાયો નાખ્યો આ બાબત માં આપના વિચારો જણાવવા કૃપા કરશો.

  7. તદ્દન સાચું સર. હાલ ના દિવસોમાં ઘણું કરીને બધીજ બાબતો ને આપણે આ કે પેલા એમ અંતિમ છેડે થી જોવાની ટેવ વિકસાવી છે. અને અભ્યાસ ની જહેમત તો ગામતીજ નથી. કોઈપણ વિષય પર સમાજમાં ચાલતી ચર્ચા કે વલણ નું કાળજી પૂર્વક અવલોકન કરીશું તો ચોક્કસ ખ્યાલ આવે છે કે આપણે ધીરે ધીરે બધુજ અગર તો બ્લેક કે પછી વ્હાઇટ માં જોવાની ટેવ વિકસાવતા જઈ રહયા છીએ. આવુજ રહ્યું તો ભાવિ પેઢીઓ ને નુકસાન તો થશેજ.

  8. એકદમ સાચી વાત કહી આપે …સાથે સાથે હું એક વાત જોડીશ કે ગાંધીજી ને વ્યક્તિગત સમજવા એ જુદી વાત છે પણ ભારત દેશ અને તેના રાજકારણ ને સાથે રાખી ને સમજવા એ એક જુદી વાત છે અને એ માટે આપણે સરદાર નહેરુ કે એ સમય ના બધા મહાપુરુષો ને પણ સમજવા જ રહ્યા ..કારણકે ગાંધીજી ના કહ્યા કારવ્યા પર એ સમય એ લોકો નો પ્રભાવ ચોક્કસ હોવાનો …

  9. Please write a series of Ghandhi vichar , about how they are applicable in present time. I have heard many of our next generation people ,& they don’t agree with Ghandhiji’s principles.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here