ગાંધીજી માટે તમે શું વિચારો છો? : સૌરભ શાહ

(લાઉડ માઉથઃ ‘સંદેશ’, અર્ધ સાપ્તાહિક પૂર્તિ, બુધવાર, ૧૨ મે ૨૦૨૧)

કોઈનું ખરાબ કરવાનું મન ન થાય, સારું કરવાની ઈચ્છા થાય, એ માટે અનુકૂળ એવું માનસિક વાતાવરણ કોણ તૈયાર કરી આપે? સારા લોકો, સારું વાંચન, સારી જગ્યાઓ, સારા અવાજો અને સભાનતાપૂર્વક મનમાં સર્જેલા સારા વિચારો. હું ખરાબ માણસ હોઉં તેને કારણે મારી આસપાસનાઓને કે સમાજને કે દુનિયાને જે નુકસાન થશે એના કરતાં વધારે નુકસાન મને પોતાને થવાનું છે. બીજાઓ માટે નહીં તો કમ સે કમ મારે મારા ભલા માટે ખરાબ કામો કરવાથી દૂર રહેવું જોઈએ. અને એ જ રીતે હું જો મારું સારું ઈચ્છતો હોઉં તો મારે સારા માણસ બનવું જોઈએ. સિદ્ધાંતો, આદર્શો અને નીતિમૂલ્યો કયારેય આઉટડેટેડ થતાં નથી. કોઈકને આવી બધી વાતો બિનવ્યવહારુ કે ‘જરાક વધુ પડતી’ લાગે તો ભલે. મારું મન દૃઢતાપૂર્વક જે કહી રહ્યું છે તે મેં આજે તમને કહ્યું. દુનિયાને સુધારવાનો ઈજારો લઈને કોઈ નથી બેઠું. પણ મને જે દિશામાં પ્રવાસ કરવાનું મન થાય તે દિશામાં જવા માટે હું બીજાઓને પણ ઉશ્કેરું એ સ્વાભાવિક છે જેથી રસ્તામાં કંપની રહે.

ગાંધીજીની આત્મકથા ‘સત્યના પ્રયોગો’ એટલે જ તમારે વાંચવી જોઈએ—રસ્તામાં કંપની રહે. ગાંધીજીનું જીવન નજીકથી જાણ્યું હોય તો જ એમના વિચારોને યોગ્ય સંદર્ભમાં સમજી શકીએ અને તો જ એ વિચારોની આજના જમાના માટેની ઉપયોગિતા કે નિરૂપયોગિતા વિશે જાણી શકીએ કે એ વિચારોનું પુનર્મુલ્યાંકન તેમ જ પુન:અર્થઘટન કરી શકીએ.

ગાંધીજી પોતાનાથી વિરુદ્ધ જેમનો મત હોય, જેમની સાથે પોતે સહમત ન થતા હોય એવા વિચારને હૃદયપૂર્વક આદર આપતા. બે વ્યક્તિઓ વચ્ચે ભિન્નમત હોય એમાં કશું ખોટું નથી એવું સ્વીકારીને એમણે એક વખત પોતાના સામયિક ‘યંગ ઈન્ડિયા’માં લખ્યું હતું: ‘ભિન્નમતને કારણે એકબીજાનો દ્વેષ કરવાની કોઈ જરૂર નથી. મારા કરતાં વિરુદ્ધ મતને સ્વીકારવાની સહિષ્ણુતા મારામાં ન હોત તો હું અને મારી પત્ની કે’ દહાડાનાં છૂટાં પડી ગયાં હોત!’

ગાંધીજી વિશે આપણે સાંભળ્યું છે બહુ, જાણ્યું છે ઓછું. ગાંધીવિચારો જાણે હવે કેવળ મુઠ્ઠીભર ચિંતકો – વિચારકો માટેના અભ્યાસના વિષય પૂરતા જ સીમિત થઈ ગયા હોય એવું વાતાવરણ છે અને બીજા અંતિમે તમામ પ્રકારના લેભાગુઓ ગાંધીના નામને વટાવી ખાવા આતુર હોય એવું આપણે સતત અનુભવ્યું છે.

ગાંધીજીને આ બે અંતિમોમાંથી બહાર કાઢવાના પ્રયાસરૂપે છેલ્લા અઢી દાયકાથી જયારે ચાન્સ મળે ત્યારે હું ગાંધીજી વિશે, એમના વિચારો તથા એમના વ્યવહારો વિશે સતત લખતો રહ્યો છું. ક્યારેક સહમત તો ક્યારેક અસહમત થતો રહ્યો છું. ‘સત્યના પ્રયોગો’ તમારે વાંચવી જ જોઈએ એવો આગ્રહ કરવાનું કારણ પણ આ જ છે.

ગાંધીજીની ખ્યાતિને કારણે એમની આત્મકથા એટલી જાણીતી બની છે કે કોઈપણ નોર્મલ વાચક પોતે આ આત્મકથા પૂરેપૂરી કયારેય નથી વાંચી એવું પ્રગટ કરતાં સંકોચાય. હકીકત, મોટાભાગે, એ હોય કે શાળા જીવન દરમિયાન આત્મકથાનાં બે-પાંચ પ્રકરણો પાઠયપુસ્તકમાં છપાયાં હોય એટલે વાંચવા પડયાં હોય. એ ઉપરાંત કેટલાક છૂટાછવાયા કિસ્સા કયાંક ટાંકવામાં આવ્યા હોય તો તે વિશેની જાણકારી હોય. પ્લસ એટનબરોની ફિલ્મ જોયેલી હોય.

તમે ગાંધીજીની આત્મકથા પૂરેપૂરી વાંચી જ છે એવું માની લઉં છું. આમ છતાં તમારા વિચારોમાં, તમારી વિચારસરણીમાં આગામી વર્ષો દરમિયાન જે ફેરફારો થઈ શકે છે એ ફેરફારો અનુભવવાની થ્રિલ ખાતર પણ ફરી વાર વાંચજો. આ વાંચન પાછળ ખર્ચાયેલી રોજની કેટલીક મિનિટોના સરવાળા જેટલા થોડાક કલાકો તમને બાકીની જિંદગી દરમિયાન ખૂબ મોટું વળતર આપ્યા કરશે.

ગાંધીજીનાં લખાણો (પ્રવચનો તથા પત્રો સહિત) કુલ સો મોટા ગ્રંથરૂપે ઉપલબ્ધ છે. ગુજરાતીમાં ‘ગાંધીજીનો અક્ષરદેહ’ તથા અંગ્રેજીમાં ‘ધ કમ્પલીટ વર્ક્સ ઑફ મહાત્મા ગાંધી.’ (ગુજરાતીમાં છેલ્લા ડઝનેક ગ્રંથો હજુય પ્રગટ થવાના બાકી છે). આ સો ગ્રંથો સાથે બે મોટા ગ્રંથ જેટલી નામસૂચિ, વિષયસૂચિ સામેલ છે જેથી તમને સંદર્ભ મેળવવામાં આસાની રહે. ગાંધીજીની આત્મકથા ‘સત્યના પ્રયોગો’ આ શત ગ્રંથોમાંના માત્ર એક ગ્રંથનો હિસ્સો છે, પૂરેપૂરો ગ્રંથ પણ નહીં. તમે જોઈ શકો છો કે ગાંધી વિચારો એક અફાટ સાગર છે. કદાચ એટલે જ સામાન્ય વાચક કિનારા પરનાં થોડાંક છબછબિયાંથી આગળ વધતાં ડરતો હશે. અને આ જ કારણે કેટલાક લોકો ગાંધી વિશે એલફેલ બોલ્યા કરતા હોય છે. આ સો ગ્રંથ ઉપરાંત પ્યારેલાલ અને તેંડુલકરે લખેલા અનુક્રમે ચાર અને આઠ દળદાર ગ્રંથો તેમ જ બીજાં ડઝનબંધ અલગ અલગ દૃષ્ટિકોણથી લખાયેલા અંગ્રેજી, ગુજરાતી, હિન્દી તથા મરાઠી પુસ્તકો છે, જેમાંથી તમને ગાંધીજીના જીવનનાં અનેક પાસાંઓનો પરિચય થાય.

ગાંધીજીની આત્મકથામાં એમના દક્ષિણ આફ્રિકાના દિવસો વિશે જોઈએ એટલી વિગતોથી કે પૂરતાં લંબાણથી વાતો નથી આવતી. કારણ કે આત્મકથા લખતાં પહેલાં ગાંધીજીએ લગભગ આત્મકથા જેટલું જ લાંબુ પુસ્તક ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ’ લખી લીધું હતું. એ પુસ્તક ૧૯૨૪માં પ્રગટ થયું. આત્મકથા પુસ્તક સ્વરૂપે ૧૯૨૭માં પ્રગટ થઈ અને તે પહેલાં ‘નવજીવન’માં ધારાવાહિક સ્વરૂપે પ્રગટ થઈ.

ગાંધીજીએ ૧૯૨૭ પછીનાં વર્ષોની આત્મકથા લખી નથી. પણ એમના જીવનના અંતિમ બે દાયકા વિશે અનેક વ્યક્તિઓએ ખૂબ લખ્યું છે. મહાદેવ દેસાઈની ડાયરીઓ (ભાગ ૧ થી ૨૦)નાં ૯,૦૮૫ પાનાંઓમાં ૧૯૪૨માં મહાદેવભાઈનું અવસાન થયું ત્યા સુધીના કાળની અદ્ભુત ઑથેન્ટિક વિગતો છે. આ રોજનીશી કહેવાય મહાદેવભાઈની પણ એમાં અત્રતત્રસર્વત્ર ગાંધીજી છવાયેલા છે. મહાદેવભાઈએ પોતાના પુત્ર નારાયણ દેસાઈના જન્મની નોંધ પણ આ ડાયરીમાં નથી લખી અથવા તો એકદમ અછડતી, એક વાક્યની ઊડતી નોંધ, લખી છે એવું ખુદ નારાયણ દેસાઈએ પિતાની જીવનકથા લખતાં ‘અગ્નિકુંડમાં ખીલેલું ગુલાબ’માં કહ્યું છે.

મહાદેવ દેસાઈના અવસાન પછી ગાંધીજીના અંગત સચિવ બનેલા પ્યારેલાલે ‘પૂર્ણાહુતિ’ શીર્ષકથી ચાર ભાગના દળદાર ગ્રંથ લખ્યા છે. એ બે હજારથી વધુ પાનાંમાં ગાંધીજીના છેલ્લા શ્વાસ સુધીની ઝીણામાં ઝીણી વિગતો પ્યારેલાલે નોંધી છે.

આ લેખમાં ટાંકેલા ગાંધીવિષયક ગ્રંથો/પુસ્તકો વાંચ્યા વિના ગાંધીવિચારોની ટીકા તેમ જ પ્રશંસા ન કરાય એવું હું નમ્રપણે માનું છું, ન જાહેરમાં ન અંગત વાતોમાં.

તો શરૂ કરો આજથી વાંચવાનું.

સાયલન્સ પ્લીઝ!

જેમ સ્વામી આનંદ ઈત્યાદિ મિત્રોના પ્રેમને વશ થઈને મેં સત્યના પ્રયોગો પૂરતી આત્મકથા લખવાનો આરંભ કર્યો તેમ ગીતાજીના અનુવાદને વિશે પણ થયું છે. ‘તમે ગીતાનો જે અર્થ કરો છો તે અર્થ ત્યારે જ સમજાય જયારે તમે એકવાર આખી ગીતાનો અનુવાદ કરી જાઓ અને તેની ઉપર ટીકા કરવી હોય તે કરો ને અમે તે આખું એક વાર વાંચી જઈએ. છૂટાછવાયા શ્લોકમાંથી અહિંસાદિ ઘટાવો એ મને તો બરોબર લાગતું નથી; આમ સ્વામી આનંદે અસહકારના યુગમાં મને કહેલું. મને તેમની દલીલમાં તથ્ય લાગ્યું. ‘નવરાશે એ કરીશ’, એમ મેં જવાબ આપ્યો. પછી હું જેલમાં ગયો, ત્યાં તો ગીતાનો અભ્યાસ કંઈક વધારે ઊંડાણથી કરવા પામ્યો…’

– મહાત્મા ગાંધી (‘અનાસક્તિયોગ’ની પ્રસ્તાવનામાં, જેનો બૃહદ્ અંગ્રેજી અનુવાદ મહાદેવભાઈ દેસાઈએ ‘ધી ગીતા ઍકૉર્ડિંગ ટુ ગાંધી’ના નામે કર્યો.).

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને આર્થિક સપોર્ટ આપો : સૌરભ શાહ

પ્રિય વાચક,

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના કે જાહેરખબરોની આવક વિના ચાલતું કોઈનીય સાડીબારી ન રાખતું એક વિશ્વસનીય ડિજિટલ મિડિયા છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનોનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા સ્વતંત્ર પ્લેટફૉર્મની આજે સખત જરૂર છે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મી એવા પત્રકાર સૌરભ શાહ દ્વારા થઈ રહી છે. પૈસાની અપેક્ષા તમારે પૂરી કરવાની છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

5 COMMENTS

  1. ગાંધીજીના તમામ લખાણો ના હિંદી, ગુજરાતી તથા અંગ્રેજીના દળદાર ગ્રંથો તથા ગાંધીજી ઉપર મહાદેવભાઈ, પ્યારેલાલ તથા અનેક સમકાલીન વિદ્વાનોના ગાંધીજી તથા સબંધિત વિચારધારાઓ પર ઢગલાબંધ અલભ્ય કહેવાય તેવા પણ પુસ્તકો, લેખો અને સામયિકો, વિડિયો, ઓડિયો મેળવવા હોય તો આંગળીના ટેરવે https://gandhiheritageportal.org/ પરથી મળી રહેશે.
    અત્યારે વીસેક લાખ જેટલા વેબ પેજ છે તથા દર મહિને ચાલીસેક હજાર જેટલા પાના ઉમેરાય છે.

  2. સૌરભભાઇ ખુબ સરસ લેખ. આપે દર્શાવેલા પુસ્તકોમાં એક નો ઉમેરો કરવા ઇચ્છુ છું. “ગાંધીજીના સમાગમમાં”, 1945માં પ્રગટ થયેલુ પુસ્તક છે.અલગ અલગ 32 જેટલા ગાંધીજીની નિકટ રહેલા વ્યક્તિઓ એ ગાંધીજી સાથેના અનુભવો વર્ણવેલા છે.આ પુસ્તક ગાંધીજીનો વિશેષ પરિચય કરાવી જાય છે.ગાંધીજીને સમજવા માટે ખુબ ઉપયોગી પુસ્તક છે.અક્ષર ભારતી પ્રકાશને (ભુજ) પુન:મુદ્રણ કરેલુ છે.

  3. ‘Experiments with truth,’-the book is with me And I have read before my SSC exam in 1972.since Gandhiji basically an advocate so style of his writing is so accurate there was no scope for any missing point and as such his writings are evergreen and unbeaten after all it’s TRUTH !

  4. ‘સત્ય ના પ્રયોગો ‘ વાંચી નથી પણ હવે વાંચવી પડશે. બહુ જલદી શરૂ કરીશ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here