ગયાં વર્ષો ચાળીસ, રહ્યાં વર્ષો ચાળીસ

-સૌરભ શાહ

નવેમ્બર, ૧૯૭૮માં પત્રકારત્વના ક્ષેત્રમાં ફુલ ટાઇમ નોકરી સાથે પગ મૂકયો. એ વાતને આજે ૪૦ વર્ષ થયાં. તે વખતે ઉંમર ૧૮ની હતી. આજે ૫૮ની છે. આ ક્ષેત્રમાં અડધું કામ કરી ચૂકયો છું, અડધું બાકી છે જે આવતાં ૪૦ વર્ષ દરમ્યાન કરતો રહેવાનો છું. જિંદગીનાં છેલ્લાં બે વર્ષ ભરપૂર નિવૃત્તિ માણવાની છે, ઐય્યાશી કરવાની છે. સો વર્ષનું આયુષ્ય પૂરું કરવાનું છે. એ પછી જ નામની આગળ સ્વર્ગસ્થ લાગશે, એ પહેલાં નહીં. કે.કા. શાસ્ત્રી, ખુશવંત સિંહ અને નગીનદાસ સંઘવીની જેમ લાંબું જીવવાનો છું. આવું કોઈ જયોતિષે નથી કહ્યું. જયોતિષોમાં મને વિશ્વાસ નથી. પરસ્પર છે. જયોતિષોને મારામાં વિશ્વાસ નથી. ભગવાનમાં હું માનું છું. ભગવાન પણ મારામાં માને છે. પરસ્પર છે.

પત્રકારત્વ, સાહિત્ય, લેખન, સર્જન જે ગણો તે – કલમ ચલાવવાના આ ક્ષેત્રમાં ૪૦ વર્ષ સુધી દિવસ-રાત બરડો ફાટી જાય, આંખો ફૂટી જાય અને આંગળાં તૂટી જાય એટલું કામ કર્યા પછી પણ બિલકુલ હાંફ ચડ્યો નથી. ખિસ્સામાં રાખવાની પેન અને કાગળ પર લખવાની કલમ ક્યારેય જુદી જુદી રાખી નથી. થાકવાનું તો બાજુએ, એનર્જી એટલી છે કે લાગે છે કે હજુ ગઇકાલે જ ‘ગ્રંથ’ની ઑફિસમાં પગ મૂકયો હતો.

૧૯૭૮નો નવેમ્બર મહિનો હતો. પરિચય ટ્રસ્ટ એક જમાનામાં સાહિત્ય અને પત્રકારત્વની શાળા સમાન ગણાતું. હસમુખ ગાંધી સહિત અચ્છા અચ્છા લોકો યશવંત દોશી અને વાડીલાલ ડગલી સંચાલિત પરિચય ટ્રસ્ટમાં કામ કરી ચૂકેલા. ટ્રસ્ટની બે પ્રવૃત્તિઓ. ‘ગ્રંથ’ નામનું પુસ્તક સમીક્ષાનું માસિક પ્રગટ કરે અને ‘પરિચય પુસ્તિકા’ના નામે દર મહિને બે વિષયો પર જનરલ નૉલેજ કે કરન્ટ ટૉપિક પરની બે ‘પરિચય પુસ્તિકા’ પ્રગટ કરે. એક પુસ્તિકા ૩૨ પાનાંની. હેન્ડ કમ્પોઝના બેતાળીસસો શબ્દો થાય. સમજો ને કે કોઇ સારા મૅગેઝિનની દીર્ધ કવર સ્ટોરી જેટલું મૅટર હોય.

વાર્તા, કવિતા, નાનું મોટું બીજું લેખન વગેરે તો ઑલરેડી એક-બે વર્ષ પહેલાં શરૂ થઇ ચૂકયું હતું અને પ્રતિષ્ઠિત સામયિકોમાં નામ સાથે છપાતું હતું. પણ એ બધું છૂટક. એનો કોઇ હિસાબ નથી. બાથરૂમ સિંગરની પ્રેકટિસ જેવું. ખરો રિયાઝ ૧૯૭૮માં પરિચય ટ્રસ્ટમાં જોડાયા પછી શરૂ થયો. યશવંત દોશીને ગુરુપદે મૂકીને તાલીમ શરૂ થઈ. એક વર્ષ પછી, ૧૯૭૯માં ‘જન્મભૂમિ પ્રવાસી’ વીકલીમાંથી ડેઇલી બન્યું અને જુનિયર મોસ્ટ સબ એડિટર તરીકે ત્યાં નોકરી લાગી. તંત્રી હરીન્દ્ર દવેના મદદનીશ તંત્રી હસમુખ ગાંધી હતા. ગાંધીભાઈ મારા બીજા વિદ્યાગુરુ બન્યા, મારા આરાધ્ય દેવ અને મેન્ટોર બન્યા. દોઢબે વર્ષ પછી સાપ્તાહિક ‘નિખાલસ’ શરૂ થયું. એમાં સંપાદકની જવાબદારી મળી.૨૧મા વર્ષે ઘણો મોટો ટર્નિંગ પોઇન્ટ. ૧૯૮૨માં હરકિસન મહેતાના કહેવાથી ‘ચિત્રલેખા’માં ‘મુખવાસ’ કૉલમ શરૂ કરી જે પાછળથી બીજા લેખકો-પત્રકારોએ આગળ ચલાવી કારણ કે ૧૯૮૩-૮૪માં ઇન્ડિયન એકસપ્રેસ ગ્રુપે હસમુખ ગાંધી પાસે ‘સમકાલીન’ શરૂ કરાવ્યું અને ગાંધીભાઇએ ડે વનથી, કન્સેપ્ટ ઘડવાના સ્ટેજથી, મને એમના આસિસ્ટન્ટ એડિટર તરીકે સાથે રાખ્યો અને એ જ સ્કેલમાં પગાર પણ અપાવ્યો. ત્રેવીસ વર્ષની ઉંમરે એ પગાર અંબાણીની કમાણી જેટલો લાગતો. ૨૪ વર્ષની ઉંમરે હરકિસન મહેતાએ મારી પહેલી નવલકથા ‘ચિત્રલેખા’માં ધારાવાહિક સ્વરૂપે પ્રગટ કરવાની શરૂ કરી. તે વખતે ‘ચિત્રલેખા’ની સવા ત્રણ લાખ કૉપી છપાતી. ગુજરાતીમાં નવલકથાકાર તરીકે આટલું મોટું લૉન્ચિંગ પૅડ કોઇને નથી મળ્યું. ‘ચિત્રલેખા’ માટે બીજું પણ ઘણું કામ કર્યું. એસ. વેન્કટનારાયણના અંગ્રેજીમાં આવતા એક્સક્લુઝિવ રિપોર્ટ્સના તરજૂમાઓથી માંડીને મૌલિક કવર સ્ટોરીઓ પણ લખી. હરકિસન મહેતા મારા ત્રીજા વિદ્યાગુરુ. આ ત્રણેય વિદ્યાગુરુઓની હયાતિમાં જ મેં એમના વિશે છાપાનું એક આખું પાનું ભરાય એટલો લાંબો લેખ લખ્યો હતો – મારા તંત્રીઓ. આ લેખ મારા બ્લૉગ પર ત્રણેય જાયન્ટ્સ (ગાંધીભાઈ, યશવંતભાઈ અને હરકિસનભાઈ )નાં પિક્ચર્સ સાથે ત્રણ પાર્ટમાં મૂકેલો છે.

યશંવત દોશી પાસેથી ભાષાની ચોકસાઈ, ભાષાની સ્વચ્છતા અને ભાષાની સાદગી કોને કહેવાય તે શીખ્યો. હસમુખ ગાંધી પાસેથી વિચારોની સ્પષ્ટતા, ગળું ખોંખારીને વાત કહેવાની ખુમારી અને લોકપ્રિયતા પ્રત્યેની લાપરવાહી શીખ્યો. હરકિસન મહેતા પાસેથી પંડિતાઈના ભાર વિનાની માહિતીપ્રચુર અભિવ્યક્તિ તથા લેખનશૈલીની સરળતા શીખ્યો. આ સિવાય પણ બીજું ઘણું.

ત્રણેય વિદ્યાગુરુઓ જેવા હતા એવું જ જીવન તેઓ જીવ્યા, ટટ્ટાર અને અડીખમ. એવું જ પત્રકારત્વ એમણે કર્યું, પ્રામાણિક અને સચ્ચાઇભર્યું. એવું જ સાહિત્ય એમણે સર્જયું, આડંબર વિનાનું.

પચ્ચીસથી અઠ્ઠાવન વર્ષની ઉંમર દરમ્યાન અનેક મુકામો આવ્યા.‘અભિયાન’માં મૅનેજિંગ એડિટર, ‘ઉત્સવ’માં તંત્રી, ‘સમકાલીન’ અને ત્યારબાદ ‘સમાંતર’ તથા ‘મુંબઈ સમાચાર’માં વીકલી-ડેઇલી કૉલમો. ‘મિડ ડે’માં તંત્રી. વચ્ચે વચ્ચે ઘર બાળીને તીરથ કરવાનાં દુઃસાહસો પણ થતાં રહ્યાં. લડતા રહ્યા, સામા પૂરે તરતા રહ્યા, તૂટતા રહ્યા, ફરી પાછા ઊભા થતા રહ્યા. એક વાર અનાયાસે જ ટીવી કૅમેરા સામે મને બોલવાનું સૂઝ્યું હતું: મારામાં બે પક્ષી છે. એક જટાયુ જે જાણે છે કે સત્ય માટે લડતાં લડતાં મોત મળવાનું છે. છતાં લડે છે કારણ કે એને ખબર છે કે સ્વયં ભગવાનના હાથે પોતાનો મોક્ષ થવાનો છે. બીજું પક્ષી જે હું મારામાં જોઈ રહ્યો છું તે છે દેવહૂમા – ગ્રીક કિંવદંતીઓમાં જેને ફિનિક્સ કહે છે તે. ફિનિક્સ પક્ષી બળીને ભસ્મ થઈ ગયા પછી પોતાની જ રાખમાંથી પોતાનું નવસર્જન કરે છે. ગ્રીક સાહિત્યમાં આ દંતકથા છે પણ મારા જીવનની આ સત્યકથા છે.

થોડોક સમય મુંબઈ છોડીને સુરત રહ્યો, થોડોક સમય ફરી પાછો મુંબઈ છોડીને અમદાવાદ રહ્યો. ‘ગુજરાતમિત્ર’માં કામ કર્યું. અને ‘સંદેશ’માં એક્ઝિકયુટિવ તંત્રીની નોકરી કરી. વચ્ચે વચ્ચે ક્યારેક ‘દિવ્ય ભાસ્કર’માં અને એક કરતાં વધારે વખત ‘ગુજરાત સમાચાર’માં વીકલી-ડેઇલી કૉલમો લખી.

આર.એસ.એસ.ના ગુજરાતી મુખપત્ર સમાન ‘સાધના’માં પણ દબદબાભેર લખ્યું. એ સમયગાળો હતો ગોધરા હિન્દુ હત્યાકાંડ પછીનાં રમખાણોનો, મીડિયામાં વ્યાપેલા સેકયુલર આતંકવાદનો. અત્યારના અનેક નામી- ગિરામી હિન્દુવાદી લેખકો-પત્રકારો-સાહિત્યકારો તે વખતે સેકયુલર ગૅન્ગના મેમ્બર હોવાનું ટેટુ બાંવડા પર ચીતરાવીને લખતા હતા. ગુજરાતી-બિનગુજરાતી બધા જ.

વીતેલાં ચાળીસ વર્ષનો આ કાચોપાકો હિસાબ છે. પણ જો ઑડિટર્સને બેસાડવામાં આવે તો ઘણા લોચાલાપસી નીકળે. પહેલી નજરે ખૂબ વિશાળ સમય દરમ્યાન ભરપૂર કામ થયું હોય એવું લાગે. પણ એકેક વાઉચર તપાસીએ, દરેક વર્ષની લેજરને લાલ પેન્સિલથી ચેક કરીએ તો ખબર પડે કે આળસ, બેદરકારી અને નાસમજીની ત્રિપુટીએ મારો ઘણો સમય વેડફ્યો છે. નિષ્ક્રિયતાના ગાળાઓને જોખવા બેસીએ તો વરસોનાં વરસ કોથળામાં જ પડ્યાં રહ્યાં છે તે દેખાય. ખોટા મિત્રો, ખોટી જીદ અને ખોટા ધ્યેયોએ પણ ઘણું નુકસાન કર્યું છે મારું. અત્યાર સુધીમાં મે લખેલાં પુસ્તકોની સંખ્યા ટુ ફિગરની બહાર નીકળી જવી જોઇતી હતી,૯૯થી આગળ નીકળી જવી જોઈતી હતી, એટલું બધું લખ્યું છે. આજે પણ મારી ફાઇલોમાં જે સચવાયેલું બચ્યું છે તેમાંથી માત્ર ઉત્તમોત્તમ જ તારવીએ તો પણ સહેલાઇથી ૫૦થી વધુ પુસ્તકો પ્રગટ થાય ( રિજેકટેડ માલના તો એથીય વધુ પુસ્તકો થાય ). પણ આજની તારીખે મારા નામે, બહુ ખેંચી ખેંચીને ગણું તોય, દોઢ ડઝનથી વધુ પુસ્તકો નથી. સંતોષ એટલો કે એમાનું એકે એક પુસ્તક ટકોરાબંધ છે, કોઈપણ જાતના કૉમ્પ્રોમાઇઝ વગર તૈયાર કરેલું છે. બીજો સંતોષ એટલો કે મા સરસ્વતીએ મારા માથા પર પોતાના ચારેય હાથ રાખ્યા છે એવી સભાનતા રાખીને મેં ક્યારેય આ ફિલ્ડનાં આડાંતેડાં કામો કર્યાં નથી. લોકોને કંકોત્રીઓ લખી આપીને કે શેઠિયાઓના શુભ-અશુભ પ્રસંગોએ પ્રવચનો કરીને કે એમની જીવનકથાઓ લખી આપીને કે વાચકોને ગલગલિયાં કરાવીને કે સેલ્ફ એસ્ટીમને નેવે મૂકીને કમાણી કયારેય નથી કરી.

૯૮ વર્ષની ઉંમર સુધી જોશભેર કામ કરવાનું પ્લાનિંગ કર્યું ત્યારે પહેલું કામ સિગરેટ છોડી દેવાનું કર્યું. ત્રણ વર્ષ થયાં એક ફૂંક નથી મારી. હવે તો સેકન્ડરી સ્મોકથી ભયંકર ત્રાસ થાય છે. સ્મોકિંગ છોડી દીધા પછી મારી જાતને હું ઘણી ક્લીન, ઘણી સાફસૂથરી મહેસૂસ કરું છું. સિગરેટ ન પીવાની આદતથી જે લાઇફ સ્ટાઇલ બદલાઈ એમાં બીજો એક ઉમેરો આ વર્ષે કર્યો. જૂનથી દારૂ છોડી દીધો. ઘરમાં બાટલીઓ પડી છે. ક્વૉન્ત્રો, ટકીલા, જિન, ગ્રે ગૂઝ, વાઇન, ડેલમોન્ટે અને અફકોર્સ ઍન્ટિક્વિટી. મિત્રોને પીવડાવવાનું, પણ મારે નહીં પીવાનું. અને કોઇને સલાહ આપવાની નહીં કે સિગરેટ સ્મોકિંગ ઇઝ ઇન્જુરિયસ ટુ હેલ્થ કે પછી દારૂ શું કામ ન પીવો જોઇએ. દોસ્તારોને આવી સલાહ આપવાનું મારું કામ નથી. દરેક જણ સમજે છે, મારા કરતાં વધુ સમજદાર છે મારા મિત્રો. એમને મારી સલાહ-શીખામણોની નહીં, મારી દોસ્તીની જરૂર છે. સલાહ-શીખામણો આપવા માટે ગામ આખું તૈયાર છે. દોસ્તી નિભાવવા હું એમની પડખે ઊભો છું. કારણ કે મને જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે તેઓ મારી પડખે હતા. ગમના ગાળાઓમાં મારા હોઠ પર સ્મિત જોવા માટે જે દોસ્તો મોંઘી મોંઘી શરાબની બૉટલો મારા બારમાં ગોઠવી ગયા હોય એમનો દારૂ છોડાવવાનું પાપ હું કેવી રીતે કરું.

મારા પર્સનલ સર્કલમાં ૨૫ થી ૬૫ની ઉંમરનાં સ્ત્રી-પુરૂષો છે જેમની સાથે મન મળી ગયાં છે, જેમની સાથે સહમતિના મુદ્દાઓ પર કલાકો સુધી આનંદની વાતો થાય છે અને અસહમતિના મુદ્દાઓ વિશે થોડીક જ મિનિટમાં બહસ પૂરી થઇ જાય છે. સેકન્ડ ઇનિંગ્ઝ રમવાની તક ભગવાન બધાને નથી આપતો, મને આપી છે. અને મારી પાસે સ્ટ્રેટેજી તૈયાર છે કે આ નવી પારી મારે કેવી રીતે ખેલવી છે.

લખવાના કામકાજની દુકાન જ્યારે ખોલી ત્યારે ખબર નહોતી કે ઘરાકી જામશે કે નહીં, મારો માલ બજારમાં વખણાશે કે નહીં. ઉત્સાહ હતો, આત્મવિશ્વાસ પણ હતો પરંતુ અનુભવ ન હતો, જેને કારણે મનમાં ઘણી અવઢવ રહેતી. આ અવઢવને કારણે કયારેક રૉન્ગ જજમેન્ટ લેવાતું અને રન આઉટ થઈ જવાતું, કયારેક જે બૉલને અડવાનું જ ન હોય તેનાથી સિકસર લેવા જઇએ અને કૅચ આપી દઈએ. હવે જે ૪૦ વર્ષની યાત્રા શરૂ થાય છે એમાં ઉત્સાહ, આત્મવિશ્વાસની સાથે આ અનુભવો ઉમેરાયેલા હશે. રમવાની વધારે મઝા આવશે. જોનારાઓને પણ ગમ્મત પડવાની.

હવે પછીનાં વર્ષોમાં પ્રોફેશનલ લાઇફનું આખું ગ્રામર જ બદલાઈ જવાનું, પર્સનલ જિંદગીની સંપૂર્ણ ઇકો સિસ્ટમ બદલાઈ જવાની. માણસે આઉટડેટેડ બનીને કે અપ્રસ્તુત બનીને ફેંકાઈ ન જવું હોય તો શું કરવું? જમાના સાથે ચાલવા માટે કે કન્ટેમ્પરરી બની રહેવા માટે શું કરવું? આ વાતની સમજ હવે આવી ગઇ છે: આઉટડેટેડ ન થવું હોય તો જમાના કરતાં આગળ રહેવું. સતત નવાં નવાં કામ હાથમાં લેતાં રહેવું, નિષ્ફળતાની ફિકર કર્યા વિના. કોઈએ ન કર્યાં હોય એવાં કામ જેમ ભગવાન સ્ટીવ જૉબ્સને અને આર.ડી. બર્મનને સુઝાડતા, જેમ નરેન્દ્ર મોદી અને સ્વામી રામદેવને સુઝાડે છે એમ ભગવાને તમને પણ સુઝાડ્યા છે અને સુઝાડતો રહેશે એવી શ્રદ્ધા રાખવી. જિંદગી ફૉર્મ્યુલા વનની સરકીટ નથી, પણ ઑફ્ફ ધ રોડ જીપ લઇને નીકળી પડવાની યાત્રા છે. તમે કેટલી સ્પીડથી આગળ નીકળીને બીજાને હરાવો છો એનું મહત્ત્વ નથી. બીજાઓને સાથે રાખીને કયા કયા નવા પ્રદેશો એક્સપ્લોર કરો છો એનું મહત્ત્વ છે. ફૉર્મ્યુલા વનની રેસમાં કોઇ ડ્રાયવર બીજાની ગાડી ઊંધી વળી જશે ત્યારે એને મદદ કરવા માટે નહીં રોકાય. અહીં બીજાની જીપ કાદવમાં ખૂંપી જાય તો તમારી વિન્ચથી એને હૂક લગાડીને બહાર કાઢી આપવાની છે. ચાળીસ વર્ષમાં આ સમજાયું છે, જેનો અમલ હવે પછીનાં ચાળીસ વર્ષમાં કરવાનો છે. ફૉર્મ્યુલા વનની ફરારી વેચીને મહિન્દ્રાની કસ્ટમ મેઇડ ‘થર’માં પ્રવાસ શરૂ કરવાનો છે.

પહેલાં લાગતું હતું કે જિંદગીમાં કેટલું બધું શીખ્યા, નસીબદાર છીએ; પણ એ શીખેલું અમલમાં મૂકવા માટે હવે કેટલો ઓછો સમય રહ્યો છે. જાત કમનસીબ લાગવા માંડતી. હવે એવું નથી લાગતું. વીતેલાં ૪૦ વર્ષમાં જે કંઇ શીખ્યા છીએ એને અમલમાં મૂકવા માટે બીજાં પૂરાં ૪૦ વર્ષ મારી પાસે છે. આને કારણે ઉચાટ નથી રહ્યો, અધીરાઇ ઓછી થઈ ગઈ છે. નિરાંત અને પ્રસન્નતા વધી છે. નિરાંતનો મતલબ પડ્યા રહેવું એવું નહીં. આ નિરાંત એટલે મોકળાશ, સમયની મોકળાશ.

નેકસ્ટ જે ૪૦ વર્ષ શરૂ થઇ રહ્યાં છે એના એકે એક દિવસનો પાક્કો હિસાબ રાખવાનો, ઑડિટર્સ તપાસવા બેસે તો એક દિવસનો પણ ઘપલો હોવો ન જોઇએ. ગામગપાટા અને લપ્પન-છપ્પનથી દૂર રહીને રોજેરોજ મળતા ૨૪ કલાકને નીચોવી નીચોવીને વાપરવાના. તમારી માનસિકતા પ્રદૂષિત કરતા લોકોથી, એવા વાતાવરણથી, એવી દરેક ચીજથી જોજનો દૂર રહેવાનું. જિંદગીમાં કયારેય સિનિયર સિટિઝનોના ગ્રુપમાં સાલું જોડાવાનું નહીં. સરકાર તરફથી સિનિયર સિટિઝનોને મળતા આર્થિક કે બીજા કોઇ કરતાં કોઈ લાભ લેવાના નહીં. જે દિવસે લીધા એ દિવસથી તમે વિચારતા થઈ જવાના કે: બસ, હવે મારે કેટલા દિવસ? હું તો સામાન બાંધીને સ્ટેશન પર બેઠો છું, કયારે પ્લેટફૉર્મ પર ગાડી આવે એની રાહ જોઉં છું એવી મેન્ટાલિટી જો રાખી છે તો તમે જરૂર ભજનમંડળીના સેક્રેટરી થઈ જવાના.

રોગ જેવું કંઇ હોતું જ નથી આ દુનિયામાં. સમય સાથે શરીરને ઘસારો લાગે. હું મુંબઇમાં પવઈના જે કૉમ્પલેક્સમાં રહું છું તેમાં આર્મી અને નેવીની ઍર વિંગના અફસરોનાં રહેઠાણો છે. પચ્ચીસ વર્ષ પહેલાં આ મકાનો બંધાયાં. મજબૂત છે. પણ ઘસારાને કારણે કયારેક લીકેજ તો કયારેક બીજા પ્રૉબ્લેમ આવતા. છેલ્લાં બે વર્ષથી વારાફરતી દરેક મકાનને બહારથી અને દરેક ફ્લૅટને અંદરથી પણ સ્ટ્રેન્ધન કરવાનું કામ ચાલે છે. હવે દિવાળી પર પૂરું થશે અને વાંસડાઓ હટી જશે. બીજાં રપ વર્ષ સુધી નિરાંત. શરીરનું પણ એવું જ છે. કુદરતી ઘસારામાં તમારા પોતાના જીવનની ખાવાપીવાની તથા રહેણીકરણીની આદતો ઉમેરાતી હોય છે. પણ આ બધું જ રિપેર કરીને, ફરીથી મજબૂત કરી શકાતું હોય છે.

જિંદગીમાં રસ હોવો જોઇએ. છેવટ સુધી એ રસ અકબંધ રહેવો જોઇએ. ખાવાપીવામાં, હરવાફરવામાં, કપડાં-ઍસેસરીઝમાં, લકઝરીઝમાં, ઐય્યાશીમાં, અધ્યાત્મમાં, ધર્મમાં-અધર્મમાં બધામાં રસ હોવો જોઈએ. જૂની હિન્દી ફિલ્મોથી માંડીને આવતા વર્ષે ૭૬ વર્ષીય માર્ટિન સોર્સેસીની ૭૫ વર્ષીય રૉબર્ટ ડી નેરોવાળી કઈ ફિલ્મ નેટફ્લિક્સ પર આવવાની છે તથા ૭૧ વર્ષીય સ્ટીવન સ્પીલબર્ગ બે વર્ષ પછી કયો પ્રોજેકટ પૂરો કરશે એ સઘળી માહિતી હોવી જોઈએ. મોદીને ભગવાન સવાસો વર્ષનું આયુષ્ય આપે એવી પ્રાર્થના સતત હોઠ પર રાખવાની જેથી તમે પોતે સો વર્ષ પૂરાં કરીને ચિતા પર સૂતા હો ત્યારે નિશ્ચિંત રહો કે દેશ એમના હાથમાં સુરક્ષિત રહેવાનો છે.

હેન્ડ કમ્પોઝ અને ટ્રેડલ પ્રિન્ટિંગ મશીનોના જમાનામાં પત્રકારત્વ કર્યું છે અને આજે કોમ્પ્યુટર પર ટાઇપસેટિંગ-એડિટિંગ-ડિઝાઇનિંગ તથા ફોર કલર વેબ ઑફસેટના જમાનામાં લેખન-સર્જન થઈ રહ્યું છે. આવતાં ચાળીસ વર્ષ દરમ્યાન બીજું ઘણું નવું નવું આવશે. ફૅક્સ કે ઇમેલ કે સેલફોનની કલ્પના પણ કરી હતી આ લાઇનમાં આવ્યા ત્યારે? આજે જેની કલ્પના નથી એવી એવી સગવડો આવતા દાયકાઓ દરમ્યાન આવવાની છે. એ બધાની સાથે તાલ મિલાવવો હશે તો ‘અમારા જમાનાની’ વાતો નહીં કરવાની. તમારા ‘ભવ્ય ભૂતકાળ’ને વાગોળવાને બદલે આજે તમે શું કરી રહ્યા છો અને આવતી કાલે શું કરવાના છો એના પર સમગ્ર ધ્યાન કેન્દ્રિત કરવાનું. રેકૉર્ડ પૂરતી ભૂતકાળની કોઇ વાત કયારેક કરી નાખી તો કરી નાખી. પણ એને વાગોળ્યા કરવાની નહીં.

ગુજરાતી ભાષાનાં મરશિયાં ગાવા માટે આતુર એવી રૂદાલીઓ આપણા સાહિત્યમાં, પત્રકારત્વમાં, લેખનના ક્ષેત્રમાં તમને ઠેર ઠેર જોવા મળશે. જેમને લખતાં નથી આવડતું તેઓ ‘ગુજરાતી ભાષા બચાવો’ની ઝુંબેશો શરૂ કરે છે અને જેમને વાંચતાં નથી આવડતું એવાઓ આ સરઘસમાં જોડાઈ જાય છે. ગુજરાતી બહુ બળવાન, તાકાતવર ભાષા છે. છેલ્લી દોઢ-બે સદી દરમ્યાન નર્મદ-મુનશી-મેઘાણી-બક્ષી જેવા ગદ્યસ્વામીઓએ આ ભાષાને જેટલી સમૃદ્ધ કરી છે એટલી જ સમૃદ્ધ એ આવતાં ૪૦ વર્ષ દરમ્યાન થવાની છે. ૪૦ વર્ષ પછીના દાયકામાં પાંચમું નામ મારું ઉમેરાયેલું હશે પણ એ વાંચવા માટે મારી આંખો ખુલ્લી નહીં હોય. કાયમ માટે આંખો બીડાઈ જાય એ પહેલાં, અત્યારે હું જોઈ રહ્યો છું કે એક નવા નક્કોર સૌરભ શાહનો જન્મ થઈ રહ્યો છે, જેની પાસે કામ કરવા માટે નવાં નક્કોર ચાળીસ વર્ષ છે, જેની પાસે વીતેલાં ચાળીસ વર્ષનો ઠોસ, ટકોરાબંધ અને મેઘધનુષી અનુભવ છે.

(આ લેખ સાથેની સૌરભ શાહની તસવીર: જયન્ત પીઠડિયા, કોચીન.)

આ લેખના શીર્ષકની પ્રેરણા આપનારાં ઉમાશંકર જોશીનાં બે કાવ્યો કવિના હસ્તાક્ષરમાં.

______________________________

This article is published in the Diwali issue of DAKSHIN GUJARAT VARTMAN which was founded by my friend Late Ashok Shah and now run by his son Punyapal Shah.
Their office is at:
2/UPPER, “JER FIROZ”
BECHAR ROAD,
OPP. MANGO MARKET,
VALSAD – 396001
STATE – GUJARAT (INDIA)
website: www.dgvartman.co.in
email: dgvartman@yahoo.com
dgvartman@gmail.com

37 COMMENTS

  1. Yesterday read your biography. I reconciled my reading life. I remember I was regular reader of Harkishen mehta, Kanti bhat, shila bhat,digant Oza and Saurabh shah. After reading your column in Mumbai samachar I became your huge fan and still I am. Reading a page of Chandrakant Bakshi in Abhiyan , dunya ne undha chashma and your good morning column became my daily regime,became part of my life

  2. હરિ ઓમ .
    પરસ્પર વિશ્વાસ ની સાવ નાનકડી ટચુકડી વાત કર્મયોગ ના માતબર અર્થ ને આબાદ વામન રુપ આપે છે…..
    Suuuuuuuuuuperb….

    હા…..
    દુર્યોધન અને કર્ણ ની દોસ્તી (?) ની સરખામણી અર્જુન અને ક્રુષ્ણ ની
    દોસ્તી સાથે કરીએ તો ભાઇબંધ ને ન સમજાવવા ની વાત ડાઇજેસ્ટ નથી થતી…. પણ yessss ….. at the same time … સો ટકા સહમતિ આપવી પડે તમારી વાત ને .

    Overall તમારા જબરદસ્ત…જોરદાર…લેખો મા નો આ એક લેખ

  3. સાલુ ખબર નથી પડતી કે સુ લખવું, મજા આવી, મોજ પડી, મગજ ચકરાવે ચડ્યું અને ઘણુ બધુ થયુ, થઈ રહ્યું છે.

    Learning process is on & on & on…. Hearty thanks. All the best for next journey…..

  4. જન્મદિવસની ખુબ ખુબ વધાઈ, તમે તમારો એજન્ડા નક્કી કર્યો છે પ્રભુ કે સંપૂર્ણપણે પાર પાડવાની શક્તિ દે એ જ અભ્યરથના અને એ જ એજન્ડા ના લાભ અમને પણ મળતા રહે.

  5. જન્મદિવસની ખુબ ખુબ વધાઈ, તમે તમારો એજન્ડા નક્કી કર્યો છે પ્રભુ કે સંપૂર્ણપણે પાર પાડવાની શક્તિ દે એ જ અભ્યાસના અને એવા જ એજન્ડા ના લાભ અમને પણ મળતા રહે

  6. સૌરભભાઈ, તમે તો મારા ઓલટાઈમ ફેવરિટ લેખક છો. એટલે જ તમારા પુસ્તકો ખરીદું અને બીજાને ભેટમાં પણ તમારા પુસ્તકો જ આપું. આવનારા ચાળીસ વર્ષોમાં હજી વધુ ઉત્તમ સાહિત્ય તમારા તરફથી મળશે. એવી આશા સાથે તમને ખૂબ ખૂબ શુભેચ્છા.

  7. Enjoyed totally, very refreshing by a refresh personality. Wishing you the same refresh spirit for coming forty 😊 years

  8. સરસ મઝાનું સ્વાદિષ્ટ સાત્વિક ભોજન ખૂબ ભૂખ્યા હોઈએ ત્યારે આરોગીને જે સંતોષ અને તૃપ્તિનોં આનંદ થાય એવો જ ભાવ આ લેખ વાંચીને થયો. ઇશ્વર તમને દીર્ઘાયુ બનાવે, તંદુરસ્તી આપે, મનની શાંતિ આપે અને સર્વ ઈચ્છાઓ પુરી કરે એવી ઈશ્વરને પ્રાર્થના.

  9. આવનાર – નવા 40 વર્ષો માટે આપને ખુબ ખુબ શુભેચ્છાઓ માટે મારી પ્રભુ પાસે પ્રાર્થના છે .🌷.

  10. Dear Saurabhbhai,

    My name is Uday Desai (Texas, USA).
    Your beautiful article on “….Chalish Baki che'” was excellent and more appealing to me. I was touched by your writing style and wordings. Three cheers (orange juice!). I like to read more about your literature. Can you please send me the link or source? I truly appreciate it.

    Sincerely, Uday

    Note: I read Saurabhai Shah’s in Good Morning Exclusive article on (Sunday, 29th March) the eulogy of “Ajitkaka”.

    • Hi Udaybhai,
      You can visit Newspremi.com for my recent articles ì.e. past 2years writings.
      You can read older ones on saurabh-shah.com. We are in the process of merging both the sites and make it readers’ friendly. If you are on Facebook you can read my stuff of the last decade. If you are interested in my printed books please visit bookpratha.com or dhoomkharidi.com. They are available on Amazon.in also. My 4 ebooks are also available on Amazon but don’t buy them we are working out some scheme through which you will be able to download them on your kindle absolutely free of charge during the lockdown period in India. You can contact R R Sheth and company or Navbharat Sahitya Mandir also. Both are my publishers. My twitter handle is @hisaurabhshah.

      Wishing you all the best.

  11. મને સ્વામી સચ્ચિદાનંદજી નો સાચો પરિચય એક લેખ દ્વારા તમે કરાવ્યો ત્યાર થી તમારી કલમ થી અભિભૂત છું અને હમેશા રહીશ
    તમારી ટેલીગ્રામ ચેનલ નાં સભ્ય થયા પછી આજે આ લેખ વાંચી ને ખુબ સાનંદ સાથે શુભેરછા

  12. ઘણા લાંબા સમય પછી આટલો બધો પ્રેરણાદાયી, નિખાલસ લેખ વાંચવાનો મળ્યો.

  13. મારું પ્લાનિંગ અને વિચારવાનું પણ આવું જ છે, જાણે કે મને એફર્મેશન મળી ગયું ☺️

    આવનારા 40 વર્ષ તમારૂ લખાણ વાંચવા મળશે એવી આશા અને શુભેચ્છાઓ.

  14. અદ્ભુત !!!જંદગીના ખ્યાલોને હલબલાવી નાંખ્યા. રગસીયા ગાંડાની શ્રદ્ધાંજલિ ! રોતલ/રોદડા ને દેશવટો ! માહી પડ્રયા તે મરજીવા !
    માંહ્યલા ને હલબલાવી નાંખ્યો.
    તમે જે ધાર્યું છે એનાથી હજાર ઘણું સારું થવાનું છે
    મજા આવી ગઈ
    હજુ બધા મરી નથી ગયા ની લાગણી જન્મી
    જય હો

  15. ખરેખર સૌરભભાઈ વિતેલા વર્ષો અને આવનારાં વર્ષો વિશે તમે જેમ ધાર્યું તેમ કર્યું અને જેમ તમે ધારો છો તેમ ચોક્કસ થશે તેવી મારી તમને શુભકામના.. જીવન વિશે સ્પષ્ટ હોવુ જોઈએ તેવી તમારા લેખ પર થી મને લાગ્યું. તમારા અભિગમ થી પ્રેરણા પણ મળી. તમારા અનુભવો નો નિચોડ હવે આવતા વર્ષો માં મળતો રહે તે સદાય આશ રહેશે.

  16. I agree
    Not to join senior citizens group and wait for the train
    It gives new direction
    New experiences
    It has removed the idea of getting Retierd and negative thoughts
    As dr Raichura said new hope and josh for remaining years of life
    We would like to travel with you in your journey of success and reach destination

  17. ‘નવા નક્કોર સોરભ શાહ’ ને ખુબ ખુબ અભિનંદન અને અઢળક શુભેચ્છાઓ, જીંદગી ની આ નવી શરૂઆત આપશ્રી ની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે તેવી પ્રભુને પ્રાર્થના. આપનું આજનું એક વાક્ય ખુબ ઉમદા લાગ્યું ‘ ખિસ્સા માં રાખવા ની પેન અને કાગળ પર લખવાની કલમ ક્યારેય અલગ નથી રાખી’ આ વાક્ય ખુબ બધું કહી જાય છે. આજના પત્રકારો એ સમજવા જેવું છે. આપશ્રી ને વાંચવા થી હવે આઉટ ઓફ ધ બોક્સ વિચારવાની શક્તિ મળી છે. જીવન માં પ્રાણ પુરતો અદભુત લેખ.

  18. ચાલીસ વરસ ની પત્રકાર કારકિર્દી પૂર્ણ કરવા બદલ ખુબ ખુબ અભિનંદન .હું પણ તમને ૩૬ વર્ષ (૧૯૮૨) થી નિયમિત વાંચું છુ.તમારી બંને અતિ લોકપ્રિય નવલકથા ધારાવાહિક સ્વરૂપે વાંચવા નું સૌભાગ્ય મળ્યું છે.આવનારા ૪૦ વરસો માં ગુજરાતી પત્રકારીત્વની અવિરત સેવા કરતા રહો તેવી પ્રભુ પ્રાથના.
    -રાજન શાહ( વાનકુવર)

  19. સરસ લખો છો. પહેલેથી. વિશેષ તો ઈમાનદારી અને ખુમારીથી લખો છો, બક્ષીની જેમ, એનો આનંદ અને સંતોષ !

  20. ગયા વર્ષો રહ્યા વર્ષો ….. મુંબઈ સમાચાર માં રવિવારે મારી ભૂલ ના થતી હોય તો ગુલાબદાસ બ્રોકર ની કોલમ….

    લેખ વાંચી લાગ્યું જાણે આપ સેકન્ડ ઇનિંગ શરૂ કરવા જઇ રહ્યા છો. શુભકામના.

    દિવાળી મુબારક.

  21. Happy Diwali Saurabhbhai to you and your readers,

    Excellent article as usual. But please change the background. Aankho khechay chhe ane vanchvani maja aavti nathi. I don’t know why black background was selected. Please change it at the earliest.

    With regards,

    Narendra H Shah

  22. આપ નો ઉત્સાહ અમારા ઉત્સાહ માં વૃદ્ધિ કરી ગયો. ૧૦૦ થી પણ વધુ વર્ષ જીવવાની જિજીવિષા જગાડી ગયો. આપની આશાઓ પરિપૂર્ણ થાય એવી શુભેચ્છાઓ. ?️?️?️?

  23. Very nice DIVALI GIFT
    An eye opener & a classic true analysis of self. Also helps or guide us for our future planning as we are now approaching the same age which you belong.
    Again THANKS for sharing such a mind blowing article.

  24. વાહ, હૃદય ઝંઝોળી નાખ્યું,
    આળસ પણ ખંખેરી નાખી,
    દપઁણ બતાવી દીધું,
    આપની શતાયુ ઉજવણીમાં હું પણ હાજર રહીશ,
    નવા વષઁની અનેરી ભેટ બદલ આભાર

  25. બેસ્ટ સર, લગભગ ૧૧ માં ધોરણ માં હતો ત્યાર થી તમારા લેખો નો ચસ્કો લાગ્યો છે. જે આજે પણ એવો ને એવો જ છે, મારા વેચારિક ઘડતર માં તમારા, ગુણવંત શાહ સર ને જય વસાવડા સર ની કલમ નો બહુ મોટો હાથ છે. પાછલાં ૪૦ માટે અભિનંદન ને આગળ ના ૪૦ માટે ઓલ ધ બેસ્ટ.

  26. ખૂબ જ સરસ લેખ… નવા વર્ષના ઉદય પેહલા શું તૈયારી કરવી તેનો એક માર્ગદર્શન અને પ્રેરણા આપતો લેખ છે મારી માટે… શુભ દિવાળી તમને સૌરભ ભાઇ… ?

  27. અદભુત, બોસ. એક સવિનય વિનંતી કે આપ આપના પત્રકારત્વ ના અનુભવો લખો તો મજા આવી જાય. લગભગ 35 વરસથી આપના આર્ટિકલસ વાંચુ છું. ખુબ ખુબ આનંદ આવ્યો છે..ભગવાન આપની બાકીના 40 વરસોમાં તમે નક્કી કરેલ એજંડા મુજબ બધી જ ઈચ્છા પૂરી કરે તેવી પ્રાથૅના. દિવાળી અને નવા વર્ષની શુભેચ્છાઓ. સાલ મુબારક

  28. All the best for your new beginning of the most exciting phase of your life. We are the beneficiaries and lucky enough to witness the same.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here