કોઈને કહેવી નહીં ઝઘડાની વાત, અપમાન-સન્માનની વાત

ગુડ મોર્નિંગસૌરભ શાહ

વચ્ચે જેન્ટલમૅન્સ ગેઝેટની યુટ્યુબ પરની ઘણી વીડિયો જોઈ, એટિકેટ વગેરે વિશે. એમાં કોઈ બ્રાઈટ સાઈડ કરીને એક યુટ્યુબ ચેનલ છે તે હડફેટે ચડી ગઈ. એમાં એટિકેટ કે રીતભાત વિશે વિગતે 25 ટિપ્સ આપેલી છે. સારી વાતો છે. ક્યુરોસિટી હોય તો જોઈ લેજો. એમાંની એક ટિપ વિગતે વાત કરવાની લાલચ રોકી શકાતી નથી. આમ તો એ બધી કૉમન સેન્સ જ છે અને એ વિશે ચાણક્યે ઘણી સારી સલાહ આપી છે. ટિપ છે કે અમુક વાતો ક્યારેય કોઈની સાથે શેર કરવાની નહીં. તમે જેમને તમારી ખૂબ નજીકની (કે ખૂબ નજીકના) મિત્ર માનતા હો એમની સાથે પણ નહીં, કુટુંબીઓ સાથે પણ નહીં, જેનામાં તમે હન્ડ્રેડ પર્સેન્ટ ભરોસો મૂકતા હો એમની સાથે પણ નહીં. શું કામ? યાદ છે કવિ રાજેન્દ્ર શાહની ‘બોલીએ ના કંઈ, આપણું હૃદય ખોલીએ ના કંઈ’ વાળી કવિતા. મને ટેન્થમાં ભણવામાં હતી. એમાં એક પંકિત આવે છે. ‘આપણી વ્યથા, અવરને મન રસની કથા’ અવર એટલે બીજાઓ. આપણા દુખદર્દની વાતો બીજાઓ માટે માત્ર મસાલેદાર વાતો જ હોય છે. સાંભળનારનો ઈરાદો ખોટો ન હોય પણ તમારી પાસેથી આવી ચટાકેદાર વાતો સાંભળીને તેઓ એમના પોતાના ડિયર ને નિયર વન્સ સાથે શેર કર્યા વિના નહીં રહી શકે. અને જેમની સાથે તેઓ તમારી આ વાતો શેર કરશે તેઓ એમના ડિયર-નિયર વન્સ સાથે શેર કરશે અને જોતજોતામાં તમારી ખાનગી વાત તમારા માટે એમ્બેરેસિંગ બની જાય એ હદ સુધી પબ્લિક બની જશે, 9 વાતો કહી છે. કઈ કઈ?

એક તો, તમારે કોઈની સાથે ફૅમિલીમાં ઝઘડો થયો એની વાત. ક્યારેક પિતા સાથે, ક્યારેક દીકરા સાથે, ક્યારેક ભાઈ તો ક્યારેક કાકા-મામા સાથે ઝઘડો થઈ ગયો હોય તો એ દુ:ખ મનનું મનમાં જ રાખવાનું. તમને અન્યાય થયો હોય એવું લાગતું હોય તો પણ આ ઝઘડાની વાત બીજાઓ સાથે શેર કરીને સહાનુભૂતિ ઉઘરાવવાનો ખોટનો ધંધો કરવા નહીં જવાનું. તમારા પતિ-પત્નીના, લવર્સના કે બે ફ્રેન્ડ્ઝના ઝઘડાઓ તો ક્યારેય કરતાં ક્યારેય કોઈનીય સાથે શેર નહીં કરવાના, કારણ કે આવા અંગત ઝઘડાઓની બાબતમાં તો ત્રીજી વ્યક્તિ ફાચર મારીને ખાઈ વધુ પહોળી કરીને પોતાનો ફાયદો કરવાની લાલચ નહીં રોકી શકે. દાખલા તરીકે તમે તમારા પતિ વિશે ફરિયાદ કરતાં તમારી પડોશણને કહેશો કે મને મારા હસબન્ડ પર ડાઉટ છે તો એ પડોશન નક્કી તમારી જાણ બહાર તમારા પતિની વધુ નજીક આવવાની કોશિશ કરવાની. આવું જ પત્ની ઉપરની શંકાની બાબતમાં, કે બે મિત્રો વચ્ચેની કે બે પ્રેમીઓ વચ્ચેની શંકાની બાબતમાં થવાનું છે. અપાર્ટ ફ્રોમ ધૅટ, તમારે શું કામ તમને કોઈની સાથે બને છે કે નથી બનતું એનો ઢંઢેરો પીટવો છે? શક્ય છે કે આજે જેની સાથે નથી બનતું તેની સાથે જ કાલે વધારે નજીક આવવાનું થાય, ગાઢ સંબંધ થાય, કોઈ અગત્યના કામ કે પ્રોજેક્ટમાં ભેગા મળીને જવાબદારી ઉઠાવવાની થાય. એવા પ્રસંગે જો તમારા એની સાથે વણસી ગયેલા સંબંધોની વાત બઢાવી-ચઢાવીને છાપરે ચડી ગઈ હશે તો મુશ્કેલીઓ તમારી જ વધવાની છે. માટે ફૅમિલી કે અંગત વ્યક્તિઓ સાથેના જ નહીં, કોઈની પણ સાથેના ઝઘડાની વાતો કોઈનેય કરવાની નહીં. ભૂતકાળમાં મારે મારા સિનિયર અને હું જેમની કલમનો પ્રેમી છું એવા ચંદ્રકાન્ત બક્ષી સાથે બેચાર વાતોમાં જાહેરમાં તડાફડી થઈ હતી ત્યારે હું અંગત વાતચીતોમાં શું થયું ને શું નહીં એની વિગતો રસપૂર્વક બોલતો જેનો ગેરફાયદો ઘણા હરામીઓ ઉઠાવી ગયા અને પછી જ્યારે મારી અને બક્ષીસાહેબ વચ્ચે ખરેખર એકબીજા માટેના હૂંફના સંબંધો સ્થપાયા ત્યારે પેલા બદમાશોએ ડહોળી નાખેલું અમારું વાતાવરણ મને ખૂબ કઠતું રહ્યું. ખૈર. શીખવા મળ્યું. હવે તો હું એટલો સાવધ થઈ ગયો છું કે જેમના સેક્યુલર કે ડાબેરી વિચારો સાથે મારે ઊભેય ન બનતું હોય એવા પરિચિત લોકો વિશે પણ હું પર્સનલ વાતચીતમાં ક્યારેય ઘસાતું બોલતો નથી. મને ખબર છે કે આપણને મિસક્વોટ કરીને, આપણા શબ્દોને સંદર્ભ બહાર લઈ જઈને વળ ચડાવીને ટાંકીને, આપણા જ ખભા પર પોતાની બંદૂક મૂકીને ફોડનારાઓ આપણી આસપાસ હોવાના છે. આટલી અક્કલ આવ્યા પછી લાઈફ ઈઝી થઈ ગઈ છે.

બીજી વાત. ઝઘડા જેવું જ અપમાનનું છે. કોઈએ તમારા વિશે કશુંક ખરાબ લખ્યું, કહ્યું કે છાપ્યું તો તમારે એનો ઢંઢેરો પીટવાની જરૂર નથી. આણે તો મારું આ રીતે અપમાન કરી નાખ્યું એવું હું જ્યારે કોઈ બીજી વ્યક્તિને કહું છું ત્યારે મારામાં ફરી એકવાર અપમાનિત થવાની લાગણી જન્મતી હોય છે. આપણે જાતે જ શું કામ બીજીવાર આપણું અપમાન કરાવવું? લાગ મળ્યે પેલાને ઈંટનો જવાબ પથ્થરથી આપીને ચૂપ કરી દેવાનો – જો એ તમારી હેડીનો હોય તો. પણ જો એ કોઈ છૂછું હોય તો ગટરના કીડાઓ સાથે શું મોઢે લાગવાનું? મોદીજી પાસેથી શીખવાનું. બચ્ચનજી પાસેથી શીખવાનું. રામદેવજી પાસેથી શીખવાનું. એ લોકોનું સોશ્યલ મીડિયામાં અપમાન કરનારા હજારો નવરાઓ છે. ક્યારેય આવા તણખલાંઓને જવાબ આપે છે. મારા લેખક મિત્રોને પણ મેં આ જ સલાહ આપી છે. કોઈ તમારું અપમાન કરે તો એ વાત દોહરાવવાની નહીં, જવાબ આપવાનો નહીં, કોઈની સાથે એ વિશે ચર્ચા કરવાની નહીં. જિંદગીમાં કરવા જેવાં બીજાં ઘણાં કામો છે.

અપમાનની જેમ તમારી પ્રશંસા થઈ હોય તો એ વિશે પણ બધાને કહેતા નહીં ફરવાનું. તમે બડાશ હાંકતા લાગશો. ક્યારેક એ જ કારણે કોઈને તમારી ઈર્ષ્યા પણ થઈ આવે ને એ તમારું વગર લેવેદેવે બગાડવાની કોશિશ કરશે. કદાચ તમારી કોઈએ પ્રશંસા કરી છે એવું બીજાઓને કહેવાની આદત પડી જશે તો તમારામાં અહંકાર જન્મવાની શક્યતા પણ ભરપૂર. આપણી પ્રશંસા થઈ હોય તો એ પણ ખાનગી રાખવી, બીજાઓ આગળ બણગાં ફૂંકવાની જરૂર નથી. તમારા કામની, તમારા સ્વભાવની, તમારા વ્યક્તિત્વની, તમારા રૂપની પ્રશંંસા કોઈ કરે તો કરે. તમને ખબર નથી કે એ પ્રશંસા કરવા પાછળના ગર્ભિત હેતુઓ, અલ્ટિરિયર મોટિવ્સ ક્યા હતા. પ્રશંસાની આવી વાતોને ગંભીરતાથી નહીં લેવાની. લાઈટલી લઈને ભૂલી જવાની. તમે જે છો તે છો. કોઈ પ્રશંસા કરે એનાથી કંઈ તમે વધારે મોટા બની જતા નથી. તમને ખબર છે કે તમારું કદ કેટલું છે. અંગત વાતચીતની પ્રશંસાને જ નહીં, પબ્લિક માનસન્માનને પણ લાઈટલી લેવાના હોય અને બને ત્યાં સુધી તો એ બધાથી દૂર જ રહેવાનું હોય. લોકો તો સામે ચાલીને પોતાનું સન્માન કરાવવા માટે સમારંભો ગોઠવતા હોય છે. નાનોમોટો સરકારી ઍવોર્ડ પામીને કે નાનીમોટી સંસ્થા દ્વારા ઈનામ અકરામ પામીને ફુલાઈ જતા હોય છે. હમણાં એક મિત્રે પૂજ્ય મોરારિબાપુુએ કહેલા શબ્દો કહ્યા. બાપુ પોતે સરકારી (કે ઈવન બિનસરકારી) એવૉર્ડ-સન્માનો સ્વીકારતા નથી. બીજાઓને પણ આવા ખેલતમાશાઓથી દૂર રહેવાની પ્રેમાળ સલાહ આપતા હોય છે. એમના શબ્દો છે: તમે કોઈ એવૉર્ડ સ્વીકારો તો તમારું કદ ઘટીને એ એવૉર્ડની જે ટ્રોફી હોય એવડું થઈ જતું હોય છે!

નવમાંના ત્રણ મુદ્દા કવર થઈ ગયા. છ બાકી

આજનો વિચાર

દયાળુએ દશા એવી કરી છે મારા જીવનની
નિખાલસ કોઈને, તો કોઈને મગરૂર લાગું છું
કસોટી પર તો છું ફક્ત એક કાચનો કટકો
ખુદાની મહેરબાની છે કે કોહિનૂર લાગું છું.

– નાઝિર દેખૈયા

એક મિનિટ!

બકો: તમે ખાવામાં શું લો છો?

ફોરેનર: સલાડ

બકો: એ તો અમે ખાવાની રાહ જોતાં જોતાં જ ઝાપટી જતા હોઈએ છીએ.

( મુંબઇ સમાચાર : મંગળવાર, 6 નવેમ્બર 2018)

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here